Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Romance

1.5  

Mariyam Dhupli

Inspirational Romance

મૃગજળ

મૃગજળ

8 mins
14.8K


પરદેશના હાર્બર ઉપર પથ્થરોની પાળી ઉપર પગ લાંબા કરી ગોઠવાયેલી ત્રિજ્યાની આંખો સામે ઠંડો, પરદેશી સમુદ્ર લહેરોની શાંત રમત કરી રહ્યો હતો. હાર્બરને કિનારે બંધાયેલા દૂર દૂરના દેશોથી આવેલા જહાજો લહેરોની શાંત રમતનો આનંદ ઉઠાવી રહ્યા હતા. વિદેશી ટુરિસ્ટ અને શહેરીજનોની અવરજવરની વચ્ચે એકલી ગોઠવાયેલી ત્રિજ્યા વિચારોમાં કશે ઊંડે ખોવાઈ ચુકી હતી. સૂરજની કિરણોથી પરદેશી આકાશ ગુલાબી પ્રતિબિંબ ફેલાવી વાતાવરણને ગુલાબી ઠંડક વહેંચી રહ્યું હતું. શિયાળાના સાંજની ઠંડી હવાઓ ત્રિજ્યાના શરીરને ધ્રુજાવી રહી હતી.

પોતાના ટોપીવાળા લાંબા ઓવરકોટ અને હાથના લાંબા મોજાંઓમાં મઢાઈ ગયેલ ત્રિજ્યાનુ ભારતીયપણું પણ જાણે એ વિદેશી કપડાંઓએ ઢાંકીને છુપાવી દીધું હતું. હવે ત્રિજ્યા પણ એમનામાની એક લાગતી હતી. ત્રણ વર્ષના વિદેશી વસવાટથી એની ભાષા, વસ્ત્રો, રહેણીકરણી , ખાવાપીવાની ટેવો, બોલચાલની રીતો બધુજ બદલાઈ ગયું હતું. અનુકરણ અને અનુસરણને અનુસરતા હવે ત્રિજ્યા ત્રિજ્યા મટીને 'ત્રીજ ' થઇ ગઈ હતી. આ 'ત્રીજ 'થવું એજ તો એનું સ્વ્પ્ન હતું. એ સ્વ્પ્નનું બીજ જ્યાં રોપાયું હતું એ સ્વદેશનો સમુદ્ર કિનારો એના વિચારોમાં ઉમટી રહ્યો હતો. સમુદ્ર કિનારે બેઠા બન્ને મિત્રોની ભૂતકાળની ચર્ચા વિદેશી સમુદ્રના મોજાઓ ઉપર શબ્દેશબ્દ દ્રશ્ય રચી રહી હતી .

"ત્રિજ્યા તું એને જાણતી પણ નથી અને તે લગ્ન માટે હા પાડી દીધી ? જીવન સાથે આટલું મોટું જોખમ ખેડીશ ? અને તને તો લગ્નમાં કોઈ રસ હતોજ નહીં ....તો હવે આમ અચાનક ? "

"સમીર આ લગ્ન નથી. મારા માટે એક માત્ર તક છે મારા સવ્પ્નોને સાકાર કરવા માટે. મારે બસ અહીંથી ઉડી જવું છે ... તું તો જાણે છે કે મને વિદેશ સ્થાયી થવું છે. ત્યાંના મુક્ત સમાજમાં શ્વાસ ભરવી છે. ના કોઈ પ્રશ્નો, ના કોઈ વિઘ્નો. અહીં શા માટે ગઈ હતી ? ત્યાં કેમ ગઈ ન હતી ? કોની જોડે વાત કરી રહી હતી ? મોડે કેમ આવી ? વહેલી શા માટે જાય છે ? એક સ્ત્રીને અહીં લોકો શ્વાસ પણ ભરવા દેતા નથી. હવે અહીં મારો જીવ રૂંધાઇ છે ."

"બાળપણથી તને જાણું છું ત્રિજ્યા. તને આ સમાજ જોડે ઘણી સમસ્યાઓ છે. પણ આજ સમાજમાં તારું પરિવાર પણ છે. જે તને ખુબજ ચાહે છે. પરિવારથી દૂર જઈ વસવું સહેલું નથી હોતું. અને ફક્ત વિદેશ સ્થાયી થવા માટે લગ્નનો નિર્ણય કેટલો વાજબી ?"

"સમીર તું મારો બાળપણનો મિત્ર છે. મારા કરતા વધુ તું મારા પરિવારને ઓળખે છે. મમ્મી પપ્પા આમતો સ્વતંત્ર વિચારધારા ધરાવે છે પણ ક્યારેક સામાજિક ભયો સામે કાચા પણ પડી જાય છે. એમાં એમનો વાંક પણ નથી. દીકરીઓના માતા-પિતાને તાણ અને ચિંતાઓની ભેટ આપવી સમાજની જૂની ટેવ છે. સમાજ તરફથી અપાતા દબાણોથી ક્યારેક એમના દ્રષ્ટિકોણ સામાજિક ભય નીચે કચડાઈને રહી જાય છે. તુજ મને કહે શું તેઓ મને એકલા વિદેશ જઈ વસવાટ અને નોકરી કરવાની પરવાનગી આપશે ?"

"ત્રિજ્યા મને તારો વિદેશ જઈ વસવાનો વિચાર પહેલેથીજ સમજાયો નથી. એક અજાણ્યો દેશ, એક અજાણી સંસ્કૃતિ, અજાણ્યા લોકો વચ્ચે ખુશીઓ કઈ રીતે શોધી શકાય ? ખુશીઓ તો ત્યાંજ મળે જ્યાં આપણા લોકો હોય . મનોવિજ્ઞાનના સંશોધનો પણ એજ દર્શાવે છે કે સાચી ખુશી ગુણવતાયુક્ત જીવનથી નહીં ગુણવત્તાયુક્ત સંબંધોથીજ મળે છે. અંકલ આંટીને હું સારી રીતે ઓળખું છું. તને ખુબજ ચાહે છે બન્ને. તારી ચિંતાઓમાં ક્યારેક વધુ પડતાજ વહી જાય છે. એક દીકરીના માતા-પિતા તરીકે એમનો સામાજિક સંઘર્ષ ક્યારેક એમને નબળા જરૂર બનાવી દે છે. પણ એ બધાની વચ્ચે કેન્દ્રસ્થાને તો ફક્ત અને ફક્ત તારી ખુશી અને તારું સુરક્ષિત સામાજિક સ્થાન છે. "

" સમીર તું, તારા મનોવિજ્ઞાનના પુસ્તકો અને તારો અતિસંવેદનશીલ સ્વભાવ ! આ બધી ભાવનાઓના વ્હેણમાંજ વિદેશની અતિ ઊંચી આવક વાળી નોકરીને તે નકારી દીધી. મને તો વિશ્વાસજ નથી આવતો . તારી જગ્યાએ હું હોત તો."

"પણ તું મારી જગ્યાએ નથી ત્રિજ્યા. મને અહીં રહેવું છે. મારા લોકોની વચ્ચે. એમના પ્રેમની વચ્ચે. મારી દરેક વર્ષગાંઠ પર હું જયારે મારા કેકની મીણબત્તીને ફૂંક મારુ ત્યારે મને મારા લોકોની તાળીઓ આસપાસ સાંભળવી છે. એમના મોઢામાં મારા હાથ વડે કેક મૂકવું છે. દરેક તહેવારો ઉપર એમની જોડે ચિત્રવિચિત્ર સેલ્ફીઓ લેવા છે. મારી નાની નાની ખુશીઓમાં એમને મોટી મોટી ટ્રીટ આપવી છે. હું બીમાર પડું તો એમના પંપાળ અને લાડની મજા ઉઠાવવી છે.એ લોકો બીમાર પડેતો એમની સેવા કરવી છે. રાત્રિનું નું ભોજન એકજ ટેબલ ઉપર બેસી જમતા જમતા આખા દિવસના બનાવોનું રેકોર્ડ એમને સંભળાવવું છે. મારુ જીવન એમની જોડે જીવવું છે. એમની અંતિમ ક્ષણોમાં એમનું ફક્ત ઔપચારિક મોઢું જોવા કે એમના મૃતદેહને અગ્નિ આપવા વિમાનની કલાકોની યાત્રા કરી પહોંચી, બીજેજ દિવસનું વિમાન લઇ ફરીથી મારી એકલતા વચ્ચે ખોવાઈ જવું નથી. એને જીવવું ન કહેવાય."

"સમીર આપણે ઇન્ટરનેટ યુગમાં જીવીએ છીએ. આખું વિશ્વ્ એક મોબાઈલથી સંકળાયેલું છે. હવે હજારો માઈલ દૂર વ્યક્તિ પણ આપણી સાવ નજીક હોય છે."

"હા અને નજીકની વ્યક્તિઓ હજારો માઈલના ભાવાત્મક અંતરે. જેમ તું અને હું."

"સમીર હું જ્યાં પણ હોઈશ આપણી મિત્રતામાં કદી કોઈ અંતર ન આવશે. જે રીતે તું મને સમજે છે એવી રીતે કદાચ હું ખુદને પણ નથી સમજતી. આપણા વિચારો ભિન્ન રહ્યા છે અને કદાચ રહેશે. પણ આપણું મન એકજ રહ્યું છે અને હંમેશા રહેશેજ."

"તો ફક્ત આ સંકુચિત સમાજથી ભાગવા તું તારું સમગ્ર જીવન એક અજાણ્યા એન આર આઈ યુવક જોડે પસાર કરવા તૈયાર છે ? લગ્ન કરવા પણ તૈયાર છે ? "

" લગ્ન કરવા તૈયાર છું. પણ આ લગ્ન આજીવન ટકશે કે નહીં એતો સમયજ નક્કી કરશે. "

"આ લગ્ન નથી ત્રિજ્યા. ફક્ત તારી મુક્તિના વિઝા છે."

હાર્બર પર બંધાયેલા મોટા જહાજના બ્યુગલથી ત્રિજ્યા ફરીથી સ્વદેશના દરિયાકિનારાથી પોતાના વિદેશી જીવનની વાસ્તવિકતા પર આવી ઉભી. વિદેશમાં લગ્ન કરી આવી વસવાને ત્રણ વર્ષો પસાર થઇ ચુક્યા હતા. પણ આ ત્રણ વર્ષો ક્યારે પસાર થઇ ગયા એની જાણ પણ ન થઇ એમ ત્રિજ્યા કહી શકેજ નહીં. આ ત્રણ વર્ષો કઈ રીતે પસાર થયા હતા એ એનું મનજ જાણતું હતું.

હા, અહીં બધુજ મુક્ત જરૂર હતું. એનું શરીર, એના નિર્ણયો, એનું જીવન. રસ્તાઓ અતિ સ્વચ્છ. કચરા-ગંદકીનું નામોનિશાન નહીં. સુંદર મોટા શોપિંગ મોલ અને અતિઆધુનિક જીવનશૈલી. બસમાં ધક્કાધક્કી નહીં. કતારમાં લોકો આદરપૂર્વક અને નિયમબદ્ધ ઉભા પણ રહી શકે, એતો અહીજ આવીને શીખવા મળ્યું હતું. બાળકોને મફત સરકારી શિક્ષણ અપાવવા લોકો પડાપડી કરતા હોય, એવું સરકારી શિક્ષણનું ઊંચું ધોરણ ! પગાર અને વેતન વ્યક્તિના કામના કલાકો પર અને ગુણવત્તા પર અવલંબિત. શરૂઆતમાં તો સ્વર્ગમાં આવી વસવાની જ અનુભૂતિ થઇ હતી એને. સવારે ઉઠો. કામ પર જાઓ. સાંજે ઘરે પરત થાઓ. જમવાનું બનાવો કે બહારથી પાર્સલ લઇ આવો. કોઈના પ્રશ્નો નહીં. સામાજિક રોકટોક નહીં. સ્ત્રી તરીકેના અધિકારો માટે કોઈ લડાઈઓ નહીં. રાત્રે મોડી પડનાર સ્ત્રી આગળ કોઈ શંકાની દ્રષ્ટિ નહીં. કોઈના જીવનમાં ઝાંખવાનું નહીં ને કોઈ આપણા જીવનમાં ઝાંખે નહીં. પતિ -પત્ની ફક્ત બેજ સભ્યનું અતિનાનકડું કુટુંબ . આજતો એને જોઈતું હતું. એનું પોતાનું અંગત વિશ્વ જ્યાં કોઈની દખલગીરી ન હોય.

કોઈની દખલગીરી અહીં ન હતી. પણ આ મુક્તિની કિંમત હતી પરિવારથી, પોતાના લોકોથી હજારો માઈલોની જુદાઈ. આ જુદાઈ કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટ ઉપકરણો કે આધુનિક એપ દ્વારા મટાડી શકાય નહીં. એના અંગત જીવનમાં વ્યાપેલી એકલતાથી હવે એનો જીવ રૂંધાવા લાગ્યો હતો. કોઈ મીઠી વસ્તુ ખાવી ત્યાં સુધી જ ગમે જ્યાં સુધી યોગ્ય માત્રામાં મળે. એજ મીઠી વસ્તુનો અતિરેક ઉચાટમાં પરિણમી જાય. જીવ ભરાઈ જાય અને ગમો અણગમોમાં ફેરવાઈ જાય. ત્રિજ્યાની એકલતા એવાજ ઉચાટમાં ફેરવાઈ ગઈ હતી.

વિદેશી હોટેલના મેન્યુમાં એની નજરો દેશી સ્ટ્રીટફૂડનાં નામો ખોજતી. પતિની સાથે દરેક સ્થળે ફરવા જતી ત્રિજ્યા ક્યારેક પરિવારના અન્ય સ્ભ્યો જોડે પણ સમય વિતાવવા તરસતી. આજે ત્રણ વરસોનાં અંગત અનુભવ પછી ખબર નહીં કેમ, સમીરની કહેલી દરેક વાત શબ્દેશબ્દ યાદ આવી રહી હતી. એ વાતોનું તથ્ય ઊંડાણથી સમજાઈ રહ્યું હતું.

પોતાના દરેક જન્મ દિવસે મીણબત્તી ઓલવતી વખતે પોતાના પરિવાર અને મિત્રોની તાળીઓ ગેરહાજર હતી. દરેક તહેવાર ફક્ત વિડીયો ચેટિંગ પર મિત્રો અને પરિવારને દૂરથી નીહાળીનેજ સમેટાઈ જતો. લગ્ન પ્રસંગોની કે ખુશીઓની દરેક પારિવારિક ઉજવણીઓની મળતી તસ્વીરોમાં પોતાની ગેરહાજરી મીઠી ઈર્ષ્યા પણ ઉપજાવતી અને આછી વેદના પણ.

માંદગીને સમયે પતિની સારસંભાળ અને પ્રેમ મળવા છતાં પરિવાર તરફથી મળતા પંપાળ અને સ્નેહની યાદોથી મન ભરાઈ આવતું. મમ્મી- પપ્પામાંથી કોઈ પણ બીમાર હોવાના સમાચાર મળતા તો દોડીને એમની પાસે પહોંચી રહેવાનું મન થઇ આવતું.

ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે. યાંત્રિક જીવનશૈલી, વ્યવહારુ વિદેશી સંસ્કૃતિ અને ભીડ અને શોર વચ્ચે જીવનમાં દુરદુર સુધી વ્યાપેલી એકલતા અને નીરવતા. જીવનનું સાચું સુખ ગુણવત્તાયુક્ત જીવનશૈલીથી નહીં ગુણવત્તાયુક્ત સંબંધોથી જ મળે, સમીરની વાત તદ્દન સાચી હતી.

આંખોમાંથી ખરી પડેલું દેશી આંસુ વિદેશી ઓવરકોટના ઉષ્ણ કાપડે શોષી લીધું. સ્વદેશ સંપૂર્ણ ન હતું પણ પોતાનું હતું. ત્યાંના લોકો સંપૂર્ણ ન હતા. જેવા પણ હતા પોતાના હતા. રસ્તાઓ વાંકાચૂકા અને ગંદકી ભર્યા ભલે હતા. પણ એ માટીમાંજ પોતાના મૂળ રોપાયા હતા. અહીં બધુજ સંપૂર્ણ હતું છતાં બધુજ અપૂર્ણ. મન તરસ્યું હતું અને ચારે તરફ મૃગજળ.

સમીરની યાદ આજે રોજ કરતા પણ વધુ આવી રહી હતી. આંખોનું ભેજ જાણે ઉભરાઈ પડવાની તૈયારી જ હતી કે પાછળથી ધીમે રહી બે હાથ ત્રિજ્યાની આંખો પર આવી પડ્યા. પોતાના હાથ વડે એ જાણીતા હાથનો સ્પર્શ અનુભવતાજ ત્રિજ્યા ખુશીથી ઉછળી પડી .

"સમીર ?"

હસતા ચ્હેરે ત્રિજ્યાની પડખે આવી ગોઠવાયેલા સમીરના ખભે ત્રિજયાએ પોતાનું માથું ગોઠવી દીધું.

"સેમિનાર સમય કરતા પહેલાજ સમાપ્ત થઇ ગયું. સવારની ફ્લાઇટ લઇ લીધી. ઘરે ગયો. તને સરપ્રાઈઝ આપવા. તું ન હતી. સમજી ગયો કે તું અહીજ મળશે."

હિંમત ભેગી કરી ત્રિજયાએ મહિનાઓથી ભેગો થયેલો પોતાના મનનો ભાર સમીરના ખભા ઉપર હળવો કરી નાખ્યો.

"સમીર મને ભારત પાછા જવું છે. તું લઇ જઈશ ને ?"

ત્રિજ્યાના માથે સ્નેહથી હાથ ફેરવતા સમીરે એક અન્ય પ્રશ્ન પૂછ્યો.

" તને શું લાગે છે ? હું લઇ જઈશ ?"

સમીરના હાથમાં હાથ પરોવતાં ત્રિજ્યાના અવાજમાં અનેરી શ્રદ્ધા છલકાઈ ઉઠી.

"જે મિત્ર પોતાની મિત્રના સ્વ્પ્નો માટે પોતાના આદર્શો નેવે મૂકી, વિદેશમાં નોકરી સ્વીકારી, એની જોડે લગ્ન કરી, દેશથી દૂર સ્થાયી થવા તૈયાર થઇ જાય એજ એના અપરિપક્વ વિચારોને સાચી દિશા આપી એને સાચે સ્થળે પહોંચાડવામાં મદદ કરી શકે."

સમીરના ચ્હેરા પર પ્રેમ અને હૂંફ એકીસાથે છલકાઈ ઉઠ્યા. ત્રિજયાનો હાથ વધુ વિશ્વાસ જોડે થામી એ પૂછી રહ્યો.

"આ મિત્રતા બોલી છે કે પ્રેમ ?"

સમીરના ખભેથી એની છાતી નજીક સરકતા ત્રિજ્યાના હૂંફાળા શબ્દો ઠંડી થીજેલી રાત્રિમાં બે હય્યાઓને તાપી રહ્યા.

"પ્રેમમાં પરિણમેલી મિત્રતા !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational