Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા-૫

પ્રભુ પધાર્યા-૫

8 mins
7.6K


ક્વચિત્ કવચિત્ આવા 'અકસ્માત' બાદ કરતાં જોહરમલ-શામજીની ચાવલ મિલ રોજિંદા રવૈયા મુજબ શાંતિથી ચાલ્યા કરતી. ઇરાવદીમાં પાણી-લાઇન વાટે ત્રણ ત્રણ હજાર મણ કમોદની ગીગ (મોટી હોડીઓ) આવતી, આઠસો-નવસો મણ કમોદવાળી સંપાનો (નાની હોડીઓ) આવતી. નદીકાંઠે એ ખરીદવાને તોલ કરવા માટે શેઠના ગુજરાતી મહેતાઓ નાની એવી ઝૂંપડીઓમાં બેસતા, કાળા રેશમની ચોરણીઓવાળા ચીનાઓ અને લાંબા લાંબા ચોટલાવાળા આંતરપ્રદેશના બ્રહ્મી લોકો સાથે તોલના ધમરોળ મચતા, ખાસ પઢાવી રાખેલા ચાર મજૂરો તોલમાં કસ કાઢતા, તો વેચનારાઓ કમોદમાં ભૂસાં ખડકીને મિલના શેઠિયાઓનો સામો કસ કાઢવા મથતા. પોતાના શેઠિયાઓને આવો લાભ કરી આપવા માટે આ લોકો જાનનાં પણ જોખમ ખેડતા કાઠિયાવાડી જુવાનો સસ્તામાં મળી જતા. દિવસભર ઢાંઈમાં (નદીકાંઠાના ઘાટ, જ્યાં કમોદના વહાણ વેચવા આવતા) બેઠાં બેઠાં તોલ કરીને રાતના બે વાગતાં સુધી એ જુવાનો નામાં પણ ઢસડાતા, અને એવી નીમકહલાલીની નોકરી બજાવવાની ચોવીસેય કલાકની અનુકૂળતા માટે મિલોમાં જ શેઠિયા બાસા રખતા. બાસા એટલે રસોડાં.

જૌહરમલ-શામજી રાઇસ મિલ કાઠિયાવાડી જુવાનોને માટે ભાંગ્યાના ભેરુ સમાન હતી. આગલી નોકરીમાંથી રખડી પડેલો શિવશંકર ઠીક ઠીક રઝળ્યા પછી આંહી ત્રણ મહિનાથી ઉમેદવારીનું કામ કરતો હતો. જમવાનું શેઠ તરફથી મિલમાં ચાલતા બાસામાં હતું. એના પગારદાર સાથી બાબુઓ પાંચ-સાત હતા. તેમના પગાર પંદરથી લઈ ત્રીસ સુધી હતા. તેમની હજામત, કપડાં, ધોલાઈ ને ખોરાકી શેઠને શિર હતાં. તેઓ ચોવીસેય કલાકના નોકર હતા, કારણ કે તેમને રહેવાનું જ મિલમાં હતું.

[ ૩૨ ]

ત્રણ મહિને શિવશંકર શેઠ આગળ પગારના નિર્ણય માટે ખડો થયો.

"આમ તો તમારું નામું ઘણું કાચું છે," શામજી શેઠે છેવટે નક્કી કરતી વખતે કહ્યું, 'પણ હવે બીજે ક્યાંય તમારો ટેટો બાઝતો નથી, તો અમે રૂપિયા બાર દેશું."

"અરે શેઠ ! ભાઈસાહેબ ! " શિવશંકરનું પાણી ઊતરી ગયેલ હતું. "ત્રણ મહિનાથી હું ઘેર માને દસ રૂપિઆ મોકલી શક્યો નથી. કાંઈક મહેરબાની કરો. બે વરસનો તો હું અહીં અનુભવી છું."

"ઠીક જાવ, પંદર આપશું, વધુ આપવાનું તો ધોરણ જ નથી."

ધોરણનું કામ પાકું હતું.

વીર વર્ષ પર આ શામજી શેઠ મૅટ્રિક સુધી ભણીને બ્રહ્મદેશ આવેલા ત્યારે તેના શેઠિયા ગાડી લઈને તેમને બંદર પર જાતે લેવા આવેલા. અત્યારે હવે જમાનો બદલી ગયો હતો. કાઠિયાવાડમાં કેળવણી અને બેકારી બંને બહેનપણાં સાધીને આગાળ દોડતાં હતાં. રંડવાળ માતાઓએ ઉછેરેલા અને જ્ઞાતિજનોએ છાત્રાલયો કરી કરીને ભણાવેલા છોકરાઓ છઠ્ઠી અંગ્રેજી અથવા મૅટ્રિક સુધી પહોંચીને પછી માનું છાણવાસીદું પડ્યું મુકાવવાની લાગણીથી અને એકાદ બૈરી પરણવાની મહેચ્છાથી આફ્રિકા-બર્મા તરફ ટોળાબંધ દોટ મૂકતા. બ્રહ્મદેશમાં બાબુઓ સસ્તા બન્યા હતા. થોડું અંગ્રેજી જાણનારાઓની પ્રાપ્તિ દસ વર્ષ પર આકરી હતી, હવે તે સહેલી બની હતી.

બે વર્ષ પર શિવશંકર આવ્યો ત્યારે માંડ વીસ વર્ષનો હશે. જૂનાગઢની એક બ્રાહ્મણ બોર્ડિંગ છોડીને એ પહેલવહેલો પોતાને ગામ માણાવદરમાંથી ગાડીમાં બેઠો, ત્યારે એની દશા માતાનું ધાવણ છોડતા શિશુ સમાન હતી. નાનપણે ધાવણ છોડાવતાં માએ જેમ છાતીએ કડવાણી ચોપડી હતી, તેમ સ્ટેશન પર વળાવવા ટાણે પણ માએ કડવા બોલ સંભળાવ્યા હતા : "ત્યાં જઈને પાછો રઝળતો નૈં અને જતાંવેત ખરચી મોકલજે. પગાર આવે તી પાછો ઉદાવી દેતો નૈં, ને ભાઈબંધુને

કાગળ થોડા લખજે. ખબર છે, ગાંડા ! હવે તો છ મહિના પછી અઢી અઢી આનાની ટિકટું ચોડવી જોશે. સરકાર મૂવા આનાના અઢી આના કરવાના છે, તી અભાગણી રાંડીરાંડું કાગળ લખશે કેવી રીતે, ઈનો કાંઈ વચાર જ ન કર્યો ! એમાં પાછા છોકરાવને આજકાલ ભાઈબંધુ બૌ વધ્યા, એટલે ઈ ટાઈલાં કરવામાં જ ટપાલું ઢરડશે ! ઘરે હતો તયેંય કાંઈ ઓછી ટપાલું ઢરડતો ! કવર વગર તો ઘા ન કરતો. પતે તો હાલતું નહીં શેહજાદાને ! હવે ત્યાં કમાવા જાછ. હવે તું કોઈ છોકરું નથી. હું તને કહી રાખું છું કે તારે મનેય બેત્રણ મહિને કાગળ બીડવો, અઠવાડિયે અઢી-અઢી આનાની ઉઠાડતો નહીં."

ગાડી ઊપડી તે વખતે માએ જાણીબૂજીને આંસુડાં રોકવા માટે જ અવાં ઝેરકોચલાં પુત્રને પિવરાવ્યાં હતાં. પછી પોતે પાછી વળીને એકલી એકલી લાંબે રસ્તે ચાલતી, રોતીરોતી ઘેર પહોંચી હતી અને બે દિવસ સુધી પોતાને રાંધવું ફાવ્યું નહોતું. ચૂલામાં જે ધુમાડો થતો તે એને કોઈ પાડોશી જાણી ન જાય એ રીતે રોવાની અનુકૂળતા કરી આપતો.

માએ આપેલી શિખામણને તો શિવલાએ નવાગઢ સુધી પહોંચીને ભાદરના પાણીમાં જ પધરાવી દીધી હતી. અને આફ્રિકા જવા માટે નીકળેલા બોર્ડિંગવાળા દોસ્તની સાથે કાગળો નિયમિત અઠવાડિયે લખવાની જિકર માંડી દીધી હતી. બેઉ જણા ખરાવી ખરાવીને પરસ્પર પત્રવ્યવહારમાં પ્રમાદી ન રહેવાની સૂચનાઓ દેતા હતા. પંદર વર્ષથી લઈને યુવાન લગ્ન કરી કાઢે છે ત્યાં લગીનો વચગાળો પ્રત્યેક કિશોરને અને યુવાનને મિત્ર સાથેના 'પ્રણય'નો, 'પ્યાર'નો (માત્ર સ્નેહનો નહીં), વિરહની યાતનાઓનો, ઝૂરવાનો અને તલસવાનો હોય છે; અને એ પત્રોમાં, પાછળથી સગી સ્ત્રી પણ જો ફાઈલ જુએ તો ઈર્ષાની આગ અનુભવે તેવા, ઉમળકાના ધોધ વહાવવાનો હોય છે. અને પાછળથી પરણે-પષ્ટે પછી બેશક તેઓ 'પ્રિય સુહૃદ' અને 'વહાલા' મટી કેવળ પરસ્પર 'ભાઈશ્રી' બની જાય છે.

એવા એક આફ્રિકા જઈ રહેલ મિત્રથી વીરમગામ સ્ટેશને જુદો પડેલો શિવશંકર બ્રહ્મદેશ પહોંચ્યા પછી પહેલો પત્ર માને નહીં, પણ મિત્રને લખવા બેઠો હતો.

સ્નેહી સુહૃદ આત્મીય.... ભાઈ!

પત્ર મળ્યો. વાંચ્યો; જે આનંદ અને સંતોષ અનુભવ્યા તેનું વર્ણન નહીં જ થાય. ફરી પણ એ આશાએ પ્રતિપત્ર પાઠવું છું ને માનું છું કે આશા નિષ્ફળ નહીં જાય. છેવટ સુધી એ આશા રાખીશ, કારણ કે 'આશા એ તો મધુર-કડવો અંશ છે જિંદગીનો!; એની સફળતા તમારે હાથ છે.


લિ. તારો શિવ.


આનાથી જુદી જ ઢબે બાને કાગળ લખ્યો. તેમાં આશાની મધુરી કડવાશ કે એવું કાંઇ નહોતું. હતું નક્કર નિર્દય વાસ્તવ-

... ભાઈએ પૈસા આપ્યા હશે. ન આપ્યા હોય તો મંગાવી લેશો. હમણાં તો હું ખાસ મોકલી શકું તેમ નથી. પગાર ફક્ત વીશ થયેલ છે... કોઈ જાતની ફિકર ચિંતા કરશો નહીં... ભાઈને ત્યાં ભાભીને વંદન તથા છોકરાંને સંભાર્યાનું કહેજો અને પ્યાર કરશો. નીમુ ભાભીના ઘરમાં બધાંને સંભાર્યાનુ કહેજો. નાની તથા મોટી ભાભી અને કાકીને યાદ કર્યાનું ને વંદન કહેજો. એ જ. જે સંભારે તેને સંભાર્યાનું અને શારદુબેનને ઘટિત લખજો.


લિ. છોરુ શિવો.


ટોળટિખળ પણ સુહૃદો પરના પત્રવ્યવહારમાં જ ટપકતાં -

સુહૃદ ધીરેન્દ્ર !

પત્ર મળ્યો. વાંચ્યો, એક વાર નહીં પણ અનેક વાર. કાંઈ વૈવિધ્ય કે વૈત્ર્ય તો નહીં હતું છતાંય મારે માટે આકર્ષણ હતું જ.

પેલો હડમાન, દેવેન્દ્ર જટાશંકર બાબરાવાળો, અહીં છે. અચાનક જમણ વખતે ભેટો થઈ ગયો. ક-ક-ક કેમ છે? પૂછી જોયું હતું. વ-વ-વ વીરાણીનો પત્ર છે?

લિ. તારો શિવ.

બા પરનો તે પછીનો એક પત્ર -

પૂજ્ય તીર્થસ્વરૂપ માતુશ્રી,

આફ્રિકાથી વિનુનો કાગળ છે. તમને યાદ કરે છે. અને હું અને તે, બંને એક થાળીમાં સાથે બેસીને જમતા હોઈએ અને તમે જમાડતાં હો તેવાં સ્વપ્નાં દેખે છે, અને એવો અવસર ફરી ક્યારે આવે તેની રાહ જુએ છે.


લિ. છોરુ શિવો.

પણ જૂના શેઠની નોકરી છોડ્યા પછી બે મહિના પત્ર વ્યવયાર કરવાની 'સો' (તાકાત) જ ક્યાં હતી ! એ તક ફરી વાર છેવટે ભાંગ્યાના ભેરુ જૌહરમલ-શામજીની ચાવલ મિલમાં આવ્યા પછી મળી -

પ્રિય સુહૃદ ભાઈ વિનયભાઈ,

તા. ૭ નો પત્ર એક મહિને મળ્યો. ઘણા સમયથી વિચારતો હતો કે ક્યારે આવે? આવ્યો ત્યારે ઑફિસનું કામ પણ વેગળું મૂકીને વાંચવાની તીવ્ર વૃત્તિને આદર આપ્યો.

વાંચીને ઘણાયે વિચારો નજર સામે તરવરવા લાગ્યા. કૅશમાં એકાદબે ભૂલો કરીને પણ સુધારી. ઘણાયે વિચારો આવે છે ને શમી જાય છે. હું-તું-બાવલો વગેરે ઘણાં ઘણાં જુદાં સ્વરૂપો નજરે તરે છે. તેમાં બર્મા, આફ્રિકા, કાઠિયાવાડ, રંગૂન, કીયુમુ ને માણાવદરમાં હું, તું, મિત્રો, સંગાં, ભાઈ, ભાભી વગેરેનો એકસામટો વિચાર-ખીચડો મગજમાં બડબડાટ કરે છે... અને પાછો શાંત થાય છે.

હમણાં થોડો વખત થયાં મગજ શાંત નથી. અનેક વિચારો ઘોળાયા કરે છે. તબિયતનું પણ ઠેકાણું નથી. ક્યાંથી હોય?

નિયમિતતાનું તો નામ જ નહીં. ક્યારેક ખુરશી પર આખો દિવસ કામ કરવું પડે તો ક્યારેક આખી રાત. અને ઑફિસનું કામ તો ડ્યૂટી મુજબ કરવાનું. નહીં મળે ફરવાનું કે હરવાનું. બધુંય આ મિલમાં જ. બધામાં અમે સાત ગુજરાતીઓ, બાબુ લોકો કહેવાઈએ, પણ બધાએ ચોવીસ કલાકની ડ્યૂટી ભરવી જોઈએ. કારણકે બધું મિલમાં જ, બહાર જવાનું નહીં. એક જેલ જેવું છે. કોઈને માટે નિયમિતતા રહી નથી.

અત્યારે પણ હું રાતના બે વાગ્યા સુધી આંહીં બેસીને જ સૂવા જઈશ. આ પાકા ચાવલની મિલ છે. કમોદને બાફ્યા પછી એ સુકાવવી પડે છે, અને તે બરાબર સુકાય છે કે કેમ તે વારંવાર જોવા જવું પડે છે. આજે રાતે જે ધાન સુકાય છે તે ચાખી જોવાનો વારો છે. આ કાગળ ટુકડે ટુકડે લખાય છે, કારણ કે વારંવાર જોવા જવું પડે છે. વળી હમણાં એક ભાઈ અમરજ્યોતિ, ધૂપછાંવ અને બીજી રેકર્ડો લાવેલ છે તે સાંભળીએ છીએ. તેમાં 'જીવનકા સુખ આજ પ્રભુ' એ પણ છે. બીજી ગુજરાતી અને હંસ પિક્ચર્સની પણ છે. એટલે આ જીવનમાં પણ થોડી મોજ કરીએ છીએ. હજુ તો અગિયાર થયા છે, પરંતુ પત્ર પૂરો થાય તેમ લાગતું નથી (કામને અંગે).

વહાલા વિનુ! તું તો ત્યાંનો મૅનેજર થયો છે, ને હું એક મામૂલી ક્લાર્ક છું, હો! વાંધો નહીં, હું પણ કાંઈક કરી બતાવીશ.

અમારે આંહીં મુંબઈ જેવો ઑટોમેટિક ટેલિફોન નહીં હોવાથી ઑપરેટિંગ હાઉસમાં નંબર જણાવવો પડે છે. ત્યાંનો એક ઑપરેટર સાથે મારે થોડી દોસ્તી છે. રાતે તે ડ્યૂટી પર આવે ને અમે નવરા હોઈએ તો રિંગ મારીને બે ઘડી ગપ્પાં મારીએ અને બીજી મિલોની, તેઓની હેડઑફિસોની વગેરે વાતો ચુપકીદીથી સાંભળીએ - થોડી ગમ્મત સાથે જાણવાનું મળે. જોકે ખાસ કરીને તેમાંના બધા ઉલ્લુ જેવા જ જણાયા છે. પણ ગમ્મત બહુ આવે.

(તા. વળતા દિવસની)


સુખદુઃખ દોનું એક બરાબર,

દો દિનકા મહેમાન.

વો ભી દેખા, યહ ભી દેખ લે,

દોનોંકો પહેચાન;

મૂરખ મન હોવત ક્યોં હેરાન?

વિનુભાઈ, કાલે બહુ જ વિચાર હતો કે પત્ર પૂરો કરું. પણ ન કરી શક્યો. કાલના પત્રમાં રીતસરનું લખાણ નહીં મળે, કારણ કે તે બધું કુલીઓ અને બર્મી કામ કરનારાઓ સાથે વાતો, ઑર્ડર અને સમજાવટ વગેરે જાતની 'ડિસ્ટરબન્સ'માં લખાયેલ છે.

તું કહે છે તેમ મહેનત-મજૂરી સાથે બુદ્ધિને અણબનાવ રહે છે. તેનું શું? હમણાં હમણાં મહેનત કરું છું તો મગજ ઠેકાણે નથી. પરંતુ તે

શારીરિક મહેનત નથી એટલે એમ થતું હશે - જે હોય તે, મારું તો શરીર અને મગજ બેઉ બગડ્યું છે. ઉજાગરા અને અનિયમિતતાને અંગે. ફિકર નહીં, થોડા વખતમાં તેને પહોંચી વળીશ.

અહીંના બરમા લોકોનું જીવન ભારે વિચિત્ર અને જંગલી જેવું હોય છે. અહીં ધાન સૂકવવા આવતી બર્મી સ્ત્રીઓને પોણા છ આના મળે, એમાં એક દિવસ વચ્ચે પડે તો બીજે દિવસે ખાવાનાય સાંસા. જે મળે તે વાપરી નાખવાનું અને શેઠાણીઓ થઈ ફરવાનું. પછી ભલેને ધાનની પચાસ પાઉંડની ટોકરી ઉઠાવતી હોય. પરંતુ વાયલનું ભરતવાળું ફ્રોક તો જોઈએ જ. બરમાઓની ચામડી ગોરી હોય છે, પણ જેને 'ચાર્મિંગ બ્યૂટી' કહીએ તેવું બહુ જોવામાં નથી આવતું. આપણે અણીઆળા નાકને 'ચાર્મિંગ' કહીએ, તો તે લોકો જેમ વધુ ચીબું તેમ વધુ પસંદ કરે. મેં તો સાંભળ્યું છે કે બાળક નાનું હોય ત્યારથી નાક દાબ દાબ કરીને ઈરાદાપૂર્વક ચીબું બનાવે છે. નીતિનું ધોરણ પણ બહુ ઊચું નહીં. ક્યાંથી હોય? ગરીબી હોય ત્યાં નીતિ પાળવી બહુ મુશ્કેલ છે.

આજે પણ લગભગ ૧૧ થયા છે. સવારે પોણા ત્રણે ઊઠવાનું છે. એટલે પત્ર પૂરો કરીશ.

મારી પેઠે તને તારા શેઠ અમારા પરામાંથી શહેરમાં નહીં બોલાવતા હોય. એકાએક મૅનેજર પર ટેલિફોન આવે કે શિવશંકરને રવાના કરો, જરૂરી કામ છે. થોડાક મોડા થઈએ તો શેઠજી કહેશે કે 'કેમ મોડા થયા? મને તમારા પર ગુસ્સો તો બહુ આવે છે. તમને શું કહેવું?' પછી પૂછું કે શું કામ હતું? ત્યારે 'ઓરા આવો, ક્યાં આઢશું?' એવું જ બતાવે. મનમાં મનમાં ભારે હસવું આવે છતાં મોંએ ભૂલ કબૂલ કરી લેવી પડે, અને ત્યારે એને મોટો જંગ જીત્યા જેવું લાગે.

આંહીંના અમારા મૅનેજર પણ જુવાન અને કુંવાર ફક્કડ છે. પણ બર્મી લોકોનો દોષ કે કદરૂપાપણું એમને દિલે વસતાં નથી, એથી અમે એ જાણી જાય તેમ બર્મી લોકોના અવગુણ ગાતા નથી.

એને પગાર શું મળે છે, કહું? ચકિત થતો નહીં. રૂપિયા રોકડા પાંત્રીસ, અને અમારી સાથે શેઠિયા તરફના બાસામાં અમારી જેમ જ ખાવું, પીવું તથા ધોબી-હજામત.

લિ. તારો શિવો.


Rate this content
Log in

Similar gujarati story from Classics