Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailee Parikh

Others

2.5  

Shailee Parikh

Others

સ્પર્ધા

સ્પર્ધા

3 mins
7.5K


એક સુંદર મજાનું તળાવ હતું તળાવમાં દેડકા, કાચબા, માછલીઓ, બતક સૌ એકબીજા સાથે હળીમીળીને રહેતાં હતા. તળાવની એક તરફ નાની-નાની ટેકરીઓ હતી અને બીજી તરફ લીલાછમ વૃક્ષોવાળું જંગલ હતું. જંગલમાં રહેતા પ્રાણીઓના બચ્ચા તળાવકિનારે ઘણીવાર રમવા આવતા. કિનારે રેકેટફૂલ તો વળી વોલીબોલ તો કેટલાંક દોડપક્ડ રમતાં અને રમીને થાકે એટલે સૌ ભેગા મળી નાસ્તો કરતાં ને તળાવનું મીઠું મીઠું પાણી પી પોતાને ઘેર જતા.

જંગલના પ્રાણીઓએ ભેગા થઈ એક દિવસ વાનગી સ્પર્ધા રાખવાનું નક્કી કર્યુ સૌએ પોતાની ગમતી મીઠી વાનગી બનાવીને હાથીદાદાને ચખાડવાની હતી. હાથીદાદાને જે વાનગી સૌથી ભાવે તેને ઈનામ મળશે. એવી જાહેરાત થઈ. સ્પર્ધાનુ સ્થળ બધાએ તળાવ કિનારો રાખવા વિચાર્યુ. સિંહરાજા તળાવ પાસે ગયા અને ત્યાં રહેતા જળચરજીવોને કહ્યું મિત્રો અમે વાનગી સ્પર્ધા રાખવા ઇચ્છીએ છીએ તો તળાવકિનારે સ્પર્ધાનુ આયોજન થશે તમને વાંધો નથી ને? તો તળાવમાં રહેતા બટકબોલા બતકભાઈ  કહે, સિંહરાજા અમારે પણ વાનગી સ્પર્ધામાં રહેવું છે અમે પણ ભેગા થઈ કંઇક બનાવશું.

સિંહરાજા કહે, ભલે અમને વાંધો નથી. સૌ પ્રાણીઓના જુથે વાનગી સ્પર્ધાની તડામાર તૈયારીઓ શરૂકરી દીધી.

સસ્સારાણાએ ગાજરનો હલવો બનાવવાનું નક્કી કર્યુ, તો હરણભાઈના જુથે દૂધીનો હલવો બનાવવાનું નક્કી કર્યું. રીંછભાઈનું જુથ ખીર બનાવવા તૈયાર થયું. તળાવમાં રહેતા જળચરો એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા પ્રસ્તાવ મુક્યો પણ સૌ મુંઝવણમાં મુકાઈ ગયા. માછલી કહે હું તો તળાવની બહાર નીકળું તો મરી જાઉં બતક કહે મને ઉડતા ન આવડે તો આપણે જંગલમાંથી શું લાવશું ને શું બનાવશું? આપણે જંગલમાં રહેતા પ્રાણીઓની જેમ રોજ જુદું જુM ખાતા નથી. હવે શું કરશું? દેડકા અને કાચબાએ કહ્યુંં મિત્રો ચિંતા ન કરો અમે જંગલમાં જઈ કંઈક શોધી લાવીએ છીએ. પછી વિચારશું. ત્યાં દેડકાભાઈ કુદતા-કુદતા ટેકરીને પાર ગયા ત્યાં તેમને મકાઈના ડુંડા દેખાયાં. તેણે સાદ કરી કાચબાભાઈને બોલાવ્યા અને મકાઈના ડુંડા તોડી કાચબા ભાઈએ પોતાની પીઠ પર બાંધ્યા. તેઓ તળાવ પાસે પાછા આવ્યા.

માછલી કહે, અરે આ સૂરજદાદાની ગરમીથી આપણે મકાઈ બાફીને એનું કંઈક બનાવીએ તો? વળી બતકભાઈ મગફળી ને બીટ લઈ આવ્યા. કાચબાએ કહ્યું આપણે મકાઈ અને શીંગને બાફી એનું સલાડ બનાવીએ અને બીટ નો શીરો બનાવીએ તો કેવું? જળચર જીવોને કાચબાભાઈની વાત સાચી લાગી. જંગલમાંથી બાકીની જરૂરી વસ્તુઓ બીજા દિવસે કાચબાભાઈને દેડકારાજા લેતા આવ્યા.

સ્પર્ધાના દિવસે સૌ જળચરોએ કામ વહેચી લીધા. માછલી એ તળાવમાં તરતા તરતા બીટ છોલી આપ્યું, શીંગો ફોલી આપી અને, મકાઈના દાણા ઉપરના છોતરા છોલી આપ્યા. બતકભાઈએ ચાંચથી મકાઈના દાણા છુટા પાડ્યા અને કાચબાભાઈ અને દેડકાભાઈએ વાનગીઓ બનાવવાની શરુ કરી. ચારે ગ્રુપ હરીફાઈમાં બરોબર ઉતર્યા હતા. ચારે તરફથી મીઠી મીઠી સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી. હાથીદાદા પણ ચારે જૂથની મહેનત જોઈ રહ્યા હતા, સમય પુરો થતા હાથીદાદાએ સૌની વાનગી ચાખી અને તળાવના જળચરો ને પ્રથમ ઈનામ આપ્યું. પરિણામનો નિર્ણય સૌએ પ્રેમથી વધાવ્યો અને સૌએ બનાવેલી વાનગીઓ વહેચીને હળીમળી ખાધી.

હાથીભાઈએ જળચર જીવોની મહેનતના વખાણ કર્યા અને સૌ સ્પર્ધોકોને પોતાના તરફથી ભેટમાં મીઠી મીઠી શેરડીના સાંઠા આપ્યા. પછી સૌ પ્રાણીઓ અને દેડકાભાઈ તથા કાચબાભાઈ સાથે સંગીત ખુરશી રમ્યાં. સાંજ સુધી સૌ પ્રાણીઓએ ખૂબ મઝા માણી અને સૌ પ્રાણી હસતા-રમતા છુટા પડ્યા.


Rate this content
Log in