Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract

3  

Vijay Shah

Abstract

ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ..

ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ..

6 mins
7.4K


સામે પંખાના મેજ ઉપર રૂમની ચાવી પડી છે. તેની કડીમાં ઓહ્મ શબ્દ લખેલો છે. ચાવી અને ઓહ્મ શબ્દનો સંગમ મનને જંકૃત કરી જાય છે કારણ કે ઓહ્મ શબ્દ સમગ્ર ભાષાના દરેક સાહિત્ય સ્વરૂપોને પ્રકાશિત કરી જાય છે જેમ યોગ્ય ચાવીથી ગમે તેવા અડીખમ તાળા પણ ખુલી જાય છે. ચાવી ગમે તે હોય. તકદીરની, જિંદગીની, કે હ્રદયની કે ગમે તે..

હ્રદયની ચાવી કેવી હોય તે તો હમણા જ મને ખબર પડી. એક નજર..તીરછી નજર..તીરછી છતા મીઠ્ઠી નજર. તે નજર માત્રથી હ્રદયમાં વ્યાપેલો શુન્યાવકાશ શુન્ય થઇ ગયો. કારણ ખબર નથી અને એ કારણોના રાક્ષસોને શોધવા હું કદી મથ્યો પણ નથી પરંતુ એ કારણોનાં રાક્ષસોને ન શોધવાનું કારણ મને ખબર છે કારણકે કારણોના રાક્ષસો કારણ વિના ગમે ત્યાં પેદા થઇ જતા હોય છે અને કારણ વિના પાછા પેલા અલ્લાઉદ્દીનના ચિરાગમાં પેસી જઇ શકતા હોય છે અને આજ કારણે તેઓ ધારે ત્યાં, ધારે ત્યારે અને ધારે તેને ઝંકૃત કરી શકતા હોય છે. બરોબરને?

નજર ચાવીની કડી ઉપરથી હઠીને ભીંત પરની ઘડીયાળ ઉપર જાય છે. સતત અને અવિરત ચાલતા રહેતા પેલા ઘાંચીના બળદની જેમ ફરતા એ બે છોટે અને બડે ભાઇઓ પર મને તરસ આવે છે. અને પેલો સેકંડ કાંટાનો તો દોડી દોડીને શ્વાસ જ રહી જતો હશે. તેની સરખામણીમાં મોટા કાંટાને થોડોક આરામ અને છોટા ઉસસે ભી જ્યાદા નમક હરામ!

ઘડીયાળ પરથી નજર છત પરના પંખા ઉપર પડે છે અને કમકમીયા આવી જાય છે. સેકંડ કાંટા કરતા પણ કેટલી ઝડપે દોડવુ પડે છે હેં? ઓલીમ્પીકનો પણ કોઇ રેકોર્ડ નહીં હોય આટલી ઝડપે દોડવાનો… આટલી ઝડપે દોડાય ખરું? જવાદોને યાર! આ દુનિયામાં કશું અશક્ય નથી.

દુનિયા..! એક અટ્ટહાસ્ય કરવાનું મન થઇ જાય છે. શું છે આ દુનિયા? જાત જાતના અને ભાત ભાતના ઘેંટાઓનો મોટો વાડો ઘેંટાઓમાંતો થોડુ ઘણું પણ સામ્ય જોવા મળે પરંતુ માણસોની બાબતમાં તો…! કશું જ સામ્ય ના મળે. નખથી શીખ સુધી કશુંજ સરખું નહીં. અરે આંગળી કાપીને લોહી જુઓ તો તેમાં પણ સામ્ય નહીં..જુઠની નરાતળ દુનિયામાં લોહીને બદલે પાણી પણ નીકળે તો નવાઇ નહીં. દરેક માનવીનાં રૂપ જુદા, રંગ જુદા, રીત જુદી, વર્તન જુદા, મન જુદા, મત જુદા,બધુંજ જુદુ…પેલો ઉપર બેઠેલો કુંભાર ઉઘે છે કે શું? બધા જ માટલા જુદા. કોઇ એક સરખું નહીં…

ઉપર સામેના ફ્લેટમાં ક્વીકી નીચે બારી પાસે ઉભેલા ટીનુને પુછે છે કે “ટીનુ આટલી ખીચડી ખાઇશ?”

ટીનુ કશુંય સમજ્યા વિના ડોકું હલાવીને હા પાડે છે. તેથી ક્વીકીનો બીજો પ્રશ્ન વધુ હાથ પહોળા કરીને આવે છે.

”આટલુ પાણી પીશ?”

ટીનુ ફરીથી ડોકું હકારે ધુણાવીને હા પાડે છે. તેથી ક્વીકી ફરી પુછે છે “વાઘ આવે તો બીશ?”

ટીનુ તો આ રમત છે તેમાં પ્રશ્ન પુછે તેને હા કહેવાનું તેટલું જ સમજ્યો હોવાથી હા પાડે છે અને તેથી ક્વીકી ગુંચવાઇ જાય છે. ધારણા નકારની હતી છતા હવે રમતમાં પહોળા કરેલા હાથ જોરથી ભેગા કરી તાળી પાડી. તેથી ટીનુ ગુંચવાયો અને ક્વીકી મલકી ઉઠી “હેં બી ગયો..બી ગયો.”

ટીનુ બાઘો બનીને જોઇ રહ્યો.. તેને તો પહેલેથી જ સમજ પડી નહોતી છતા ક્વીકી મલકી રહી હતી તેથી તેની સામે તે પણ એજ આનંદમાં મલકી રહયો. ટીનુ તેની મમ્મીને તૈયાર થતી જોઇ પુછે છે “મમ્મી ક્યાં જાય છે?” એની મમ્મી છણકો કરતી કહે છે “ભગવાનને ઘેર..”

ટીનુ પાછો પુછે છે “હું આવુ?"

”ટીનુની નિર્દોષ માંગણી પર એની મમ્મી મલકી પડે છે. મમ્મીને હસતી જોઇને ટીનુ સામેનાં ફ્લેટમાં રહેતી તેની નાની બેનપણી ક્વીકીને બૂમ પાડીને કહે છે ”હે..એ.. હું તો ભગવાનને ઘેર જવાનો..તને નહીં લઇ જઉ.."

ક્વીકી પણ બરોબર ટીનુ જેટલી જ એટલેકે ત્રણ વરસની તેથી તેણે ટીનુની મમ્મીને પુછ્યું ”માસી! ભગવાનનું ઘર ક્યાં આવ્યું? મને લઇ જશો?”

કેટલા નિર્દોષ અને નિર્લેપ હોય છે આ નાના ભુલકાં અને તેવું જ તેમનુ બચપણ..સમયની સાથે જેમ જેમ તેમને જિંદગીનાં રંગો તેમને સ્પર્શતા જાય છે તેમ તેમ તે નિર્દોષતા જતી રહેતી હોય છે. જિંદગીનાં રંગો જ કંઇક એવા હોય છે.. એવા એટલે કેવા? 

પ્રશ્નાર્થ ચિન્હ..શીર્ષાસન કરતા ઉંધા માથા યાદ આવે આ પ્રશ્નાર્થ ચિન્હને જોઇને..કૌમુદીને ચશ્મા આવ્યા ત્યારે લોકોએ તેને શીર્ષાસન કરવા કહેતા હતા. પણ બિચારી એક તો સ્થુળ કાય અને એવા મેદ ભરેલા શરીરને શીર્ષ ઉપર ઉભા રાખવાનાં પ્રયત્નોમાં નહીં નહીંને દસ વખત ભીંત સાથે અથડાઇને નીચે ગબડી પડી હશે. એક વખત તો એટલા જોર સાથે તે ભીંત સાથે અથડાઇ કે આખી ભીંત હચમચી ગઇ અને ઉપર છત પરથી વાસણ ખડીંગ કરતું તેની મેદ ભરેલી કાયામાં ગોબો પાડી ગયું.. જોકે ત્યાર પછી એણે શીર્ષાસન કરવાનું દુ:સાહસ કર્યુ નહોતું.

એને પ્રશ્નો કરવાની બહુ ટેવ.. પ્રશ્નાર્થ ચિન્હો તો જાણે તેના શ્વાસોચ્છવાસ.. આ લોઇડ કોણ છે? તેણે સેંચ્યુરી મારી? સેંચ્યુરી એટલે સો રન? આપણા બોલરો “ઢ’ છે નહીં? આટલા બધા રન તે કંઇ અપાતા હશે? બસ મનમાં આવી તે બધું જ પ્રશ્નાર્થ ચિન્હમાં જકડીને ભચડી નાખે. આપણે કંટાળીને કહેવું પડે કે અરે જરા ઝંપ. જ્યારે ને ત્યારે પ્રશ્ન પ્રશ્ન અને પ્રશ્ન જ..પ્રશ્ન પુછવા હોય તો જરા ધીમે પુછને. આ તારી પ્રશ્નો પુછવાની ગતિ તો જાણે ઉડતા ભમરાની પાંખ! એક સેકંડમાં તો તુ કેટલાં પ્રશ્નો પછી મારે છે હેં?

ઓરડામાંનો સહપાઠી હર્ષદ ચાનો ઘુંટડો ભરે છે અને લીજ્જતથી સડાકો ભરે છે અને મને સહજ ઘૃણા થઇ. હાથમાંનું ઉલીયું તેને ફટકારવાની ઇચ્છા થઇ ગઇ. તેને ખબર છે કે તે અવાજ કરે તો મને નથી ગમતું છતાં તે તો અવાજ કરે કરે ને કરે જ અને મનમાં પ્રશ્ન ઉઠ્યો એવું કેમ? આવો જ પ્રશ્ન ગઇ કાલે ફિલ્મ જોઇને પાછા ફરતા એકાંત રસ્તે હાથમાંની કાંડા ઘડીયાળ જ્યારે ગજવામાં મુકી ત્યારે થયો હતો.. મેં આવું કેમ કર્યું? પેલો ટીનુ પીપડુ ઉંધુ કરીને એક હાથમાં વેલણ અને બીજા હાથમાં સાણસી લઇને ઢોલ વગાડવાનો ચાળો કરે છે અને તેની બેન ચીની મા પાવા તે ગઢથી ઉતર્યાનો ગરબો લે છે. ચીની નામ તો મેં એનુ પાડેલું છે કારણ કે તે નાકે ચીબી છે ખરું નામ તો એનું પીંકી છે પણ તે પીંક બીલકુલ નથી. છ વર્ષની તેની ઉંમર છે પણ ગુસ્સો તો જાણે દુર્વાસાનો બીજો અવતાર. એક તો વાને શામળી અને જ્યારે ગુસ્સામાં પગ પછાડી પછાડીને ઘાંટા પાડતી હોય ત્યારે તો તે જોવા જેવી હોય છે. પણ અત્યારે તો ટીનુ મહારાજ સાથે આનંદમાં છે તેથી શાંતિ છે. ટીનુની મમ્મી દુરથી અવા જ ઓછો કરવા સુચના આપે છે અને ઢોલ ધીબાતો બંધ થાય છે અને ભેંકડો ચાલુ થાય છે.

“મમ્મી ચાલને ભગવાનને ઘેર..” મમ્મી તેને ક્યાં લઇ જાય? 

મારી નજર ફરતી ફરતી પેલી દિપ્તીના લગ્નની કંકોતરી ઉપર ગઇ. નિલેશને દિપ્તી ખુબ જ ગમતી હતી પણ દિપ્તીના લગ્ન તો અવિનાશ સાથે થતા હતા તેથી મને તો એમ હતું કે નિલેશ તો બહુ દુ:ખી હશે પણ તે તો લગ્નમાં ખુશખુશાલ હતો. મનમાં મને થયુ કે તેણે કેમ ખુશ ન રહેવું જોઇએ? પછી પાછો પ્રતિપ્રશ્ન થયો તેણે તો કાલે દુ:ખી જ થવું જોઇએ પણ તે કેમ ન થયો?

આ પ્રશ્નાર્થ ચિન્હના મારામાંથી બચવા હું વિચારોની ગુફા ઉપર પથરો મુકવા મથું છું પણ સફળ થતો નથી.

જ્યાં જ્યાં મારી નજર ફરે છે ત્યાં ત્યાં મને પ્રશ્નાર્થ ચિન્હો જ દેખાયા કરે છે. હિમાચ્છાદિત પર્વતોમાંથી ઉગતા સૂરજને પણ પ્રશ્ન હતો કે મારે રોજ સવાર પડે ને ઉગવું કેમ પડે છે? પીગળતા એ હીમમાં પણ પ્રશ્ન હતો કે અમારે પીગળવું કેમ પડે છે? દોડતો પવન પણ વાદળોને ખેંચતા ખેંચતા ચીસો પાડતો હતો કે તેણે દોડવું કેમ પડે છે? વહેલી પરોઢની તે ઠંડી સવારે હું તંદ્રામાં ઝોકે ચઢી ગયો ત્યારે સ્વપ્નમાં પ્રશ્નાર્થ ચિન્હોની દુનિયામાં દરેક નાનામોટા પ્રશ્નાર્થ ચિન્હો એકમેકને પુછતા હતા અમારે ઉંધા થઇને લટકવું કેમ પડે છે? આ પ્રશ્નાર્થ ચિન્હની નીચે મીંડુ કેમ મુકાતું હશે ભલા? મને કોણ જાણે પ્રશ્નાર્થ ચિન્હના એ મીંડામાં મારું માથું ભરાઇ ગયું હોય અને પેલા સદેહે સ્વર્ગ જવા નીકળેલા ત્રિશંકુની જેમ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકતો રહેતો હોય તેવું કેમ લાગ્યા કરતું હશે? અરે પ્રશ્નાર્થ ચિન્હના તે માળખામાં ખુદ ભગવાન જ કલાકોનાં કલાકો સુધી ઉંધો લટક્યા કરતો હોય તો ભલા હું કોણ છું તે પ્રશ્નાર્થ ચિન્હોની સજા જાણવા વાળો?

ઉફ! ફરી પાછું એ જ પ્રશ્નાર્થ ચિન્હ !



Rate this content
Log in

Similar gujarati story from Abstract