Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khushbu Shah

Children Stories Drama

3  

Khushbu Shah

Children Stories Drama

વાંક કોનો ?

વાંક કોનો ?

3 mins
815


દરબાર ભરાયો હતો. ફરી એક વાર દરબારી ચતુરલાલ રાજા વર્ધમાનને વાર્તા કહેવા જઇ રહ્યા હતા જેનો જવાબ દરબાદીઓએ કે રાજાએ આપવાનો રહેતો. જો જવાબ ન અપાતો તો રાજા દસ સોનામોહોર ચતુરલાલને આપતા.રાજા વર્ધમાનના બીજા દરબારીઓ આ વાતથી ખૂબ જ ઈર્ષ્યા અનુભવતા,આજે એ લોકોએ નક્કી કર્યું હતું કે કોઈ તો જવાબ આપશે જ અને ચતુરલાલને સોનામોહોર નહિ મળવા દે.

ચતુરલાલે વાર્તા કહેવાનું શરુ કર્યું.

"એક ગામ હતું જેમાં કનુ,મનુ અને જનુ રહેતા. ત્રણેય પાક્કા મિત્ર.સવારથી સાંજ સુધી સાથે જ રહેવાવાળા.સાથે જ વારાફરતી એકબીજાને ત્યાં જમે અને રમે.ઘણીવાર તો આખું ગામ માથે લેય એટલી ધમાલ.ત્રણેયને ગામ પાસે વહેતી સરસ્વતી નદીમાં નાહવાનું ખૂબ જ ગમે,કલાકો સુધી એકબીજા પર પાણી ઉડાડી નાહ્યા કરે. એ હદે પાણી ઉડાડે કે આંખ-કાન પણ પાણી ભરાઈ જાય પણ એ લોકોને એ વાતથી કોઈ ફરક ન પડે.પોતાની જ ધૂનમાં રમે ત્રણેય.

   પણ થોડા દિવસો બાદ તેઓની માતાઓએ એ લોકોને પાણીમાં રમવાની ના પડી દીધી હતી.પણ મોટાની વાત માને એ બાળકો શાના ? તેઓ એ જ રીતે પાણીમાં રમવા લાગ્યા ,કનુએ મનુ પર પાણી ઉડાડયું,પાણી મનુની આંખોમાં ગયું અને મનુ ચીસ પાડી ઉઠયો,કનુ અને જનુને થયું કે મનુ નાટક કરે છે પણ મનુ થોડી વાર સુધી એ જ રીતે ચીસો પડતો રહ્યો તેથી બન્ને ગભરાયા,આજુબાજુથી લોકોને બોલાવ્યા.ત્રણેયની માતાઓ પણ ત્યાં આવી ગઈ હતી,મનુની માતા કનુ અને જનુની માતા સાથે લડી રહી હતી.પરંતુ ગામના મુખી ત્યાં આવી ગયા,વૈદ્યને બોલાવી મનુની આંખ તપાસી , વૈધે જણાવ્યું કે પાણીમાં ચાંદી અને સોનાના કણો હતા તે મનુની આંખમાં ગયા હતા.

   આથી મનુની મમ્મી તો કનુ અને જનુને ખીજવાવા લાગી,ત્યાં કોઈ બોલ્યું કે વાંક તો ત્રણેય માતાઓનો છે, સોની હીરાલાલ પોતાની દુકાનનું સોના અને ચાંદી ઘસેલુ પાણી નદીમાં વહાવે છે તેથી ગામના અન્ય લોકો પણ હવે નદીના પાણીનો ખૂબ જ ઉકાળીને ઉપયોગ કરે છે,જયારે આ લોકોને આ વાતની ખબર હતી તો શા માટે બચ્ચાઓને ત્યાં રમવા જવા દીધા,કોઈ કહેવા લાગ્યું કે ના વાંક તો એ સોની હીરાલાલનો છે.

  લોકો હવે વાંક કોનો છે એ પ્રશ્ન ગામના મુખીને કરવા લાગ્યા."

"મહારાજ,તમને શું લાગે છે વાંક કોનો હતો ?" ચતુરલાલે વાર્તા કહી રાજાને પ્રશ્ન કર્યો.

"વાંક .... ચતુરલાલ આનો જવાબ તો કોઈ નાનું બાળક પણ આપી શકે છે અને માટે મહારાજની પાસે શું કામ શ્રમ કરાવવો? હું આપીશ જવાબ મારા માટે વાંક કનુનો હતો." એક દરબારી જેનો ચતુરલાલને આજે સોનામોહોર ન મળવી જોઈએ એ દ્રઢ નિશ્ચય હતો તે બોલ્યો.

"ના. ખોટી વાત કનુ તો એની બાળસહજ રમત જ રમી રહ્યો હતો ,એનો વાંક તો નહિ હતો."ચતુરલાલ બોલી જ રહ્યા હતા ત્યાં 

"તો તેઓની માતાઓનો"બીજા દરબારીએ ચતુરલાલની વાત કાપતા જવાબ આપ્યો.

"ના.એ લોકોની માતાઓએ તો છોકરાઓને ના પડી હતી."ચતુરલાલે ફરી કોઈ વાત ન કાપે એ બાબતનું ધ્યાન રાખતા ઝડપથી વાત પતાવી.

થોડો સમય માથું ખંજવાળ્યા બાદ એક દરબારી બોલી ઉઠયો,"વાંક,હીરાલાલનો હતો."

"ના,એ તો પોતાનું કામ કરી રહ્યો હતો,થોડો વાંક હા... હોઈ શકે પણ મુખ્ય વાંક કોનો?"

  હવે બધા જ માથું ખંજવાળવા લાગ્યા અને એકબીજાને બાઘાની જેમ જોવા લાગ્યા.

"વાહ, ચતુરલાલ આજે પણ તમે સોનામોહોર પાક્કી કરી લીધી હવે તમે જ બોલો વાંક કોનો?" રાજાએ ચતુરલાલની ચતુરાઈ પર ગર્વ લેતા કહ્યું.

"મહારાજ મારા મતે તો ગામના મુખીનો મુખ્ય વાંક છે. રાજાએ તેને એ ગામના લોકોના સુખ અને સ્વાસ્થ્ય જાળવવા માટે મુખી બનાવ્યો હતો,તે પોતાના કામમાં ઉણો ઉતર્યો તેને રાજાને પહેલા જ આ સોની વિશે ફરિયાદ કરવાની હતી તો રાજા એ સોનીને રોકી શક્યા હોત.તો આજે વાત અહીં સુધી ન જાત.

હું વિચારું છું કે રાજાએ નીમેલા દરેક વ્યકતિએ પોતાને સોંપાયેલું કામ યોગ્ય રીતે કરવું જોઈએ." ચતુરલાલે મૂછ પાર તાવ દેતા જવાબ આપ્યો.

  સાથે જ બીજા દરબારીઓ જે પોતાનું કામ છોડીને, ચતુરલાલને સોનમોહર ન મળે તે કામમાં લાગ્યા હતા તે આમતેમ ફાંફા મારવા લાગ્યા, આ જોઈ રાજા પણ હસી પડયા અને આજે પણ દસ સોનમોહર ચતુરલાલ લઇ ગયા.


Rate this content
Log in