Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

દીકરાની મા

દીકરાની મા

7 mins
7.4K


"માડી, હું બહાર જાઉં છું. મોડું થાય તો ચિંતા ન કરતી.”

“એ હો માડી.”

વિધવા મજુરણ વિચારમાં પડી જતી: કારખાનેથી થાક્યો પાક્યો આવેલ દીકરો પાછો ક્યાં જતો હશે ?

કોઈ છોકરીઓની સોબતમાં તે નહિ પડ્યો હોય ?

પણ એમાં તો પૈસા બેસે. મારો દીકરો તો પગારની પાઈ યે પાઈ મને આપે છે.

ત્યારે ક્યાં જતો હશે ? એના હૈયાની અંદર શું ઘોળાઈ રહ્યું છે ? હમણાં હમણાં એ બહુ ઓછું કાં બોલે ?

*

“બચ્ચા ! ઝાંખે દીવે શું વાંચ્યા કરછ ? આખો દા’ડો સંચાએ તોડેલાં હાડચામ અત્યારે ય વિસામો ન માગે માડી ?”

“માડી, તું આંહીં આવીશ ?”

થીગડાવાળા સાડલાને છેડે ધોયેલા હાથ લૂછતી મા આવી. બેઠી. જાણે કશુક નવું કૌતક થવાનું હતું.

દીકરાએ ધીરા પણ મક્કમ સ્વરે કહ્યું :

“માડી, હું મનાઈ થએલી ચોપડીઓ વાંચું છું. આ ચોપડીઓ વાંચવાની મનાઈ શીદ થઈ છે, ખબર છે માડી ? ઈ આપણાં મજૂરોની સાચી વાતું લખે છે ને, તે સાટુ. મને જો કોઈ આ વાંચતો ભાળી જાયને, તો માડી, મને કેદખાને નાખે. મારે સાચી વાતું જાણવાનું મન છે એટલા સારુ જ મને હાથકડી પે’રાવે, સમજીને મા ?”

માની મોટી મોટી આાંખો દીકરાના મોં સામે ઠરી. એ આાંખોમાં કુંડાળે ફરતી સરવાણીઓ ફૂટી.

“પણ તું રોવછ શા સારું મા ?” બોલતો દીકરો, જાણે કોઈ લાંબા કાળની વિદાય લેતો હતો.

“રોવાનું શું છે મા ? વિચાર તો કર માડી, તારું જીવતર કેવું વીતી રહેલ છે ? તુંને બે વીસું વરસ થયાં. પણ તને લાગે છે કે તું જીવતી છે ? મારો બાપ તુંને પીટતો. બચાડો પોતાના જીવતરની દાઝ તારા ઉપર ઉતારતો. ત્રીસ વરસ એણે કારખાને સંચા ખેંચ્યા તોયે દુ:ખનું દુ:ખ, દુ:ખ ક્યાંથી આવે છે એની કશી ગમ જ ન પડે બાપડાને. એટલે પછી તને પીટે.

“આ મીલ પ્રથમ બે જ છાપરામાં સમાઈ જાતી'તી ત્યારથી મારો બાપો રિયો’તો. બેમાંથી સાત કારખાનાં જામ્યાં, તોય એની દશા ઊંચે ન આવી.

“માડી, કારખાનું વધતું જાય, ને લોકો એ વધારતાં વધારતાં મરતાં જ જાય - એમ શા સારુ થાય છે તેની મારા બાપને જાણ નો’તી, એટલે જ એ તારો બરડો ફાડતો.

“માટે હું ચોપડીયું વાંચું છું મા ! મારે સાચી વાતું જાણવી છે.”

“તું સંભારી જો મા ! તે અવતાર ધરીને કયું સુખ દીઠું છે ? મારે બાપે તને માર માર કર્યું, ને બાપ મુઆ પછી મેંય દારૂ પી પી તને સંતાપી - પણ આનું કારણ શું ? હેં... માડી ? સાંભળ...”

*

એમ કહીને દીકરો આખું ભાષણ કરી બેઠો. જન્મ ધરીને પહેલી જ વાર આ મજૂર માતાએ પોતાને વિશે આવા ઉદ્ગારો સાંભળ્યા.

પાડોશણો સાથે પોતે કૈંક વાર વાતો કરી હતી : પોતાને વિશે તેમજ બીજી અનેક બાબતો વિશે : પણ એ વાતોમાં શું હતું ?

ફક્ત રોદણાં.

કોઈ નહોતું કહી શક્યું કે જીવતર આવું દુઃખદાયક હોવાનું કારણ શું ?

આજે એ વાત એણે પહેલી જ વાર સાંભળી – દીકરાને મોંએથી. એના હૈયામાં કૈંક સૂતેલા ભાવ સળવળ્યા. અંતઃકરણના થીજેલા ડુંગર ઓગળ્યા.

“પણ બચ્ચા ! તો હવે તારે કરવું છે શું ?”

“વાંચીશ, સમજીશ અને બીજા સહુને સમજાવીશ, કે ભાઈઓ, આપણા આ હવાલનું મૂળ કારણ શું છે હેં ભાઈઓ ?”

“પણ બાપ ! તું શું કરી શકવાનો ? માણસું ભેળાં થઈને તને ભૂંસી નાખશે. તને રદબાતલ કરી દેશે.”

“તું સમજી નથી માડી ! જો સાંભળ.” એ વચનને વારવારે ઉથલાવી દીકરાએ માના દિલ પર નવા જ્ઞાનનું જાદુ છાટ્યું.

“હશે ત્યારે બાપા ! એમજ હશે. હું શું જાણું ? તું કહે છે તેમજ હશે.”

આ એક જ જવાબને માએ પુત્રની સમજાવટનું વિરામચિહ્ન બનાવ્યું. હર વાકયે ને હર ઉદ્ગારે-“ તો પછી એમ હશે બાપા ! હું રાંડ શું જાણું ? એમ હશે ! તું કહે છે તેમજ હશે ! ?”

“ત્યારે મા ! હવે તું મારા કામની આડે નહિ આવને ?”

“ના બેટા, હું તારું કામ નહિ બગાડું. પણ ભાઈ જોજે હો ! ચેતતો રે'જે હો ! ગાફલ બનીને કાંઈ બોલી નાખતો નહિ. લોકોથી ચેતતો રે'જે. લોકોમાં અંદરોઅંદર ઈર્ષા અદાવતનો પાર નથી. ને તું જો લોકોની પોતાની ભૂલ બતાવવા ગયો તો તો તારું આવી જ બન્યું જાણજે બચ્ચા ! લોકો તને પીંખી જ નાખશે. ચેતીને ચાલજે મુઆં લોકોથી.”

પુત્ર ઊભો હતો. “લોકો” વિશે માનું ભાષણ એણે સાંભળી લીધું. પછી મોં મલકાવીને એણે કહ્યું: “માડી ! સાચું છે. લોકો તો બાપડાં એવાં જ છે. હું ય લોકોથી ડરતો, લોકોને ધિઃકારતો. પણ હવે મને નોખું ભાન થયું છે. મા, તમામ લોકોનાં પેટ મેલાં નથી. માણસની અંદર સાચ પણ પડ્યું છે હો મા ! સાચ પડ્યું છે એ સમજ્યા પછી મારું દિલ કૂણું બન્યું છે. મારા દિલની કડવાશ ઊતરી ગઈ છે. સમજી માડી ?”

—મોડી રાતે પુત્ર સૂતો હતો ત્યારે મા ઊઠી; સૂતેલા દીકરાના મક્કમ મુખભાવ પર ઝળુંબી રહી. બોર બોર જેવડાં આાંસુઓ માની આાંખમાંથી પડતાં હતાં.

વરસાદમાં ભીંજાઈને દીકરાના ભાઈબંધો ડોશીને ઘેર આવ્યા. છુપા મેળાપનું એ ઠેકાણું હતું, મા સહુને સંઘરતી. મધરાત હતી.

“બચારા ટાઢે ધ્રૂજે છે. લ્યો, હું સૂંઠ મરી નાખીને ચા કરી દઉં.”

જુવાનો વિચારતા હતા: “મા છે કાંઈ મા ! એકલા પબલાની નહિ, આ તે આપણી સહુની મા.”

“પરભુના ઘરનું માણસ.”

“પરભુની વાત બોલશો મા ભાઈઓ !” માનો દીકરો બોલી ઉઠ્યો. “પરભુએ જ દાટ વાળ્યો છે દુનિયાનો.”

બીજાએ ટાપસી પૂરી: “પરભુએ પણ આપણને ભારી બેવકૂફ બનાવ્યા હો ભાઈ !”

ચૂલા પાસે હવાઈ ગયેલા કોલસા ફુંકતી મા ઊભી થઈ, નજીક આવી, સહુની સામે હાથ જોડ્યા, બોલી.

“તમારે બીજું ઠીક પડે તે કરો કે બોલો; પણ મારા પરભુ માટે કશું ય ઉચ્ચાર્યા પહેલાં વિચાર કરજો. હું હાથ જોડું છું. ચેતીને ચાલજો.”

છોકરા ઝંખવાયા. માએ ફાટેલ છેડે આંખો લૂછી માંડ શબ્દો ગોઠવી સંભળાવ્યું:

“તમને તો તમારી મહેનતનો બદલો મળે એટલે તમારે બીજાં કશાની પડી નથી. પણ બચ્ચાઓ ! મારી કનેથી જો તમે મારા પરભુને આંચકી લેશોને, તો મારા દુઃખમાં મારે બીજા કોઈનો આધાર નહિ રહે.”

મા રડી પડી. પ્યાલા રકાબી ધોવા બેઠી. આાંગળીઓમાંથી પ્યાલા પડી જતા હતા, હાથ ધ્રૂજતા હતા.

“પણ માડી !” દીકરાએ કહ્યું: “તું અમારી વાત સમજી નથી લાગતી.”

માએ સામે જોયું, પુત્રે કહ્યું:

“મા ! હું જે કહેતો'તો ને, તે કાંઈ આપણા બધાના પરમકૃપાળુ ને વિશ્વવ્યાપી પ્રભુને વાસ્તે નહિ; હું તો કહેતો'તો ઓલ્યા પૂજારીઓના ને આચાર્યોના પ્રભુને વાસ્તે; આ બધા બાવા સાધુઓ આપણને જેની ડરામણી દેખાડે છે ને, એ પ્રભુને વાસ્તે; ધનવાન ને નિર્ધન વચ્ચે જેના નામની ભીંતો ચણાયેલ છે ને, એ પ્રભુને વાસ્તે.”

માએ સહેજ માથું ડોલાવ્યું. સૂંઠ મરીની ચીંથરી છોડતી એ કહેતી હતીઃ “એ કશુંએ મારે નથી સાંભળવું. મારું હૈયું ભાંગશો મા બચ્ચાઓ !”

“પણ મા !” બીજાએ સમજાવટ આદરી. “એ બધાએ તો ભેળા થઈને આપણા પ્રભુને ખંડિત કર્યો છે. ખેતરમાં આપણે જેમ ગાભાનો ચાડિયો કરીએ છીએ, તેમ મંદિરમાં એ બધા ભગવાનનો ચાડિયો બેસારે છે. આપણને શાસ્તર કહે છે કે માનવી પ્રભુની જ જીવતજાગત મૂર્તિ છે. ત્યારે પછી આપણને જાનવર કોણે બનાવ્યાં ?"

“જો માડી ! આપણે આપણો પરભુ બદલવો જ પડશે. એમાં છૂટકો નથી. સાચા પ્રભુને એ બધાએ જુઠ પાખંડના જરીજામા પે’રાવ્યા છે. આપણા સહુના આત્માઓને ભરખી જવા પ્રભુને એ બધાએ મોટા દાંત ને નહોર પે’રાવ્યા છે. આપણને બીવરાવવા એ બધાએ પ્રભુની મુખમુદ્રાને કદરૂપી કરી છે મા !”

ડોશીનો દીકરો કેદખાને પડ્યો. કેમકે એણે લોકોને 'સાચી વાતો' કહી સંભળાવી.

ભાંગલી ડાંડલી વાળાં 'બેતાળાં' ચશ્માં ચડાવીને ડોશી ઓસરીમાં બેસતાં. દીકરાની ચોપડીઓનાં પાનાં ઉથલાવતાં. અક્ષરો બેસારતાં. સાઠ વર્ષની વયે ડોશીને અક્ષરજ્ઞાનની લગની લાગી.

પૂરુ વંચાય નહિ, આંખોમાંથી પાણી ઝરે, કોણ કહી શકે કે એ તો માનું કલેજું ચૂવે છે કે આંખોની નસો પીડા પામીને ટપકે છે ?

“હેં ભાઈ !” ડોશી પૂછતાં : “મારા બચ્ચાને તો જલમ-ટીપ દેવાના, ખરું ને ? ”

“દિયે ય ખરા !” દીકરાના સાથીઓમાંથી કોઈક બોલી ઊઠતું: “ ઈ તો ફાંસી ય દિયે ડોશીમા ! સત્તાની તો બલિહારી છે ને ?”

આવું સાંભળતી, છતાં કોણ જાણે શાથી ડોશીની સમતા ડગતી જ નહોતી. ભાંગલી દાંડીનાં ચશ્માં નાકે ચડાવીને ડોશીએ દોરી કાન ફરતી વિંટાળી. દીકરાના પુસ્તકોના થોકડામાંથી 'ચીતરની ચોપડીયું' તપાસી 'ચીતરની ચોપડીયું’ એટલે ઍટલાસ બુક. અંદર જગતના નકશો. નીલ સમુદ્રો, જહાજો, કારખાનાં, ભવ્ય પ્રાસાદો, પ્રતિમાઓ, સોના-ખાણો...ઓ હો હો હો !

ડોશી મોં વિકાસી રહી : “આવી મોટી ધરતી ! આટલી સમૃદ્ધિ પડી છે શું વસુંધરામાં ?”

“છતાં ય માડી ! ” દીકરાના સાથીઓએ સમજાવ્યું. “વસુંધરામાં ભીંસાભીંસ હાલી છે. લોક ક્યાંય સમાતું નથી. એકબીજાને ધકાવી ધકાવીને માનવી જીવે છે.”

મા તો 'ચીતરની ચોપડી’માં પતંગિયાનાં ચિત્રો નિરખી રહી.

“આહા ! આમ જો તો ખરો, ભાઈ ! શા રૂપ રૂપના ઢગલા, શી રંગબેરંગી કરામત, પણ આપણને કે'દી મીટ માંડવાનીય વેળા છે ? લોકો પિટાય છે, કૂટાય છે, કશું ય જાણતાં નથી. લોકોને કશામાં રસ પડતો નથી. અરે આવું અલૌકિક જગત માણવાનું મેલીને લોકો એકબીજાનાં લોહી પીવાને વલખાં મારે છે. હેં ભા ! આ 'ચીતરની ચોપડીયું'. આ શેઠીયાવને કોઈ નહિ દેખાડતું હોય ?”


Rate this content
Log in

Similar gujarati story from Classics