Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Others

3  

Rajul Shah

Others

થોર ફાડી ઉગ્યુ ગુલાબ

થોર ફાડી ઉગ્યુ ગુલાબ

15 mins
14K


“હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ, નિરજા,” એક સરસ મઝાના સ્માઇલ સાથે નિલયે નિરજાને વીશ કર્યુ.

“હેપ્પી વેલેન્ટાઇન્સ ડૅ.. નિલય,” એવા જ મસ્તીભર્યા સાદે નિરજાએ નિલયને પ્રતિસાદ આપ્યો.

હવે આ જોઈને કોઈને પણ આમાં કશું જ નવું કે અસામાન્ય તો ના જ લાગે.. અને લાગે તો જ નવાઈ. કારણ કે ૨૧મી સદીના સ્માર્ટ, ગુડ લૂકીંગ અને વેલસેટલ્ડ કપલ માટે આ કોઈ નવિન- રોમેન્ટીક કે કલ્પના બહારનો સંવાદ તો નહોતો જ. નિરજા કે નિલય સાથે અગંત કે ઔપચારિક મિત્રતા ધરાવતા મિત્રવૃંદ માટે તો આ મેઇડ ફોર ઇચ અધર કપલ હતું કે જેમની સૌને ઇર્ષ્યા આવતી. હદ બહારની સામ્યતા ધરાવતી વિચારસરણી અને ગમા-અણગમાનું પરફેક્ટ કોમ્બિનેશન હતું આ બંનેમાં.

કોઈ પણ ગેટ-ટુ ગેધરમાં પણ સોળે કળાએ ખીલી ઉઠતા નિરજા અને નિલય હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેતા. આ બંને વગર તો હવે કોઈપણ ઇવેન્ટ કે પ્રોગ્રામ અધુરા લાગતા. કઈ બાબતમાં એમને રસ નહોતો? શોધી શોધીને પણ પરાણે કોઈ એક વાત એવી નહોતી નજરે પડતી કે જેમાં એમના માટે આંગળી ચીંધી શકાય.

હાસ્ય અને હળવાશનું તો એ બંનેને વરદાન મળ્યું હતું. જ્યાં જાય ત્યાં રોનક જ એમના થકી હતી. પણ આ હાસ્ય અને હળવાશ પાછળનો ભેંકાર ભૂતકાળ તો સૌથી સાવ જ અજાણ હતો.

*****

“વ્હોટ ધ બ્લડી હેલ યુ આર ડુંઈગ ?” લગ્નની પ્રથમ રાત્રીએ જ નિલયના સપના ચકનાચૂર થઈ ગયા.

લંડનથી ઉતાવળે ચટ મંગની પટ બ્યાહ કરવા આવેલા નિલયને નિરજા પ્રથમ નજરે જ ગમી ગઈ હતી. નિલયના આવતા પહેલા એના મમ્મીએ કેટલાક બાયોડેટાનો અભ્યાસ કરી લીધો હતો. કેટલીક છોકરીઓ જોઈ પણ લીધી હતી જેથી નિલયને છોકરીઓ જોવામાં ઝાઝો સમય આપવો ના પડે. છોકરીઓ જોવાના ક્રમમાં નિરજાનો નંબર ચોથો હતો. નિલયે એકવાર નિરજાને મળી લીધું અને તે પછી પણ બીજી એકાદ કન્યાને જોઇ લીધી પરંતુ સુરેખ નાક-નકશી ધરાવતી સાંવરીસી નિરજા એને વધુ ગમી ગઈ હતી. નિલયે નક્કી કરી લીધું કે હવે અન્ય કન્યા જોવામાં સમય વ્યતિત કરવાના બદલે જે કોઈ પંદર દિવસ એની પાસે રહ્યા હતા એ નિરજા માટે અને નિરજા સાથે જ પસાર કરશે. પરંતુ નિરજા માટે આ ઉતાવળો નિર્ણય લેવો અઘરો હતો. શા માટે આવા ચઢ્યા ઘોડે આવવાનું અને મારતા ઘોડે પાછા જવાનું? નિલય એને નહોતો ગમ્યો એવું પણ નહોતું પણ ગમ્યો છે એવું પણ એ કહી શકતી નહોતી.

આ પંદર દિવસની મુલાકાતમાં નિલયે એને બને એટલી મોકળાશ આપવા પ્રયત્ન કર્યો હતો. નિલય તો હતો જ વાતોડિયો. સાવ જ નજીવી બાબતને પણ એ અત્યંત રસપૂર્વક રજૂ કરી શકતો. એણે એના અભ્યાસથી માંડીને લંડનમાં જીવેલી તમામ ઘટનાઓ નિરજા સમક્ષ મુકી દીધી હતી. ભૂતકાળથી શરૂ કરીને વર્તમાન સુધી પહોંચવા એણે રચેલા રામસેતુ પર માંડેલી પ્રત્યેક પગલીઓનું ચિત્રણ રજુ કરી દીધું હતું.

જ્યારે નિરજા એનાથી સાવ જ વિપરીત… એક પણ શબ્દ વેડફાય નહીં એવી રીતે તોલી તોલીને બોલવાની આદત. નિરજાને સમજવાનો નિલયનો આયાસ હંમેશા વિફળ જ રહેતો. નિલયને સમજણ જ નહોતી પડતી કે નિરજાને એ પસંદ છે કે નહીં. નિરજા સાવ સ્પષ્ટ ના પણ નહોતી કહેતી કે હા પણ નહોતી કહેતી. એક પછી એક દિવસ ઓછા થતા જતા હતા અને નિલયની અકળામણ વધતી જતી હતી.

લગ્ન તો દૂરની વાત વિવાહ માટે પણ હવે તો સમય રહેવાનો નહોતો. નિરજાની અવઢવ નિલય માટે જ નહીં નિરજાના પરિવાર માટે પણ સમજ બહારની હતી. અને અંતે નિશ્ચિત રજાઓ લઈને આવેલા નિલયનો લંડન પાછા જવાનો દિવસ આવીને ઉભો. સવારની ફ્લાઇટમાં જવા માટે નિકળતા પહેલા પણ નિલયે નિરજાને ફોન કર્યો હતો.પણ નિરજાએ તો ફોન પણ ઉપાડ્યો નહીં.

“ડેમ ઇટઃ ગુસ્સામાં આવીને નિલયે ફોન પછાડ્યો હતો અને ફરી ક્યારેય નિરજાને ફોન કરવાના કે એનું નામ નહી લેવાના નિર્ણય સાથે એ મમ્મીએ શુકન માટે ધરેલ ગોળની કાંકરી ખાઈને ઘેરથી નીકળ્યો હતો.

અને એના આશ્ચર્ય વચ્ચે નિરજા એરપોર્ટ પર ડીપાર્ચરના ગેટ પાસે ઉભી હતી. થોડા ગુસ્સા અને વધુ આશ્ચર્ય સાથે એ નિરજાની સામે જોઇ રહ્યો. એને સમજાતું નહોતું આ કે નિરજાની ફિતરત હતી કે બેપરવાઈ? ભવિષ્યમાં જેની સાથે જીવન જોડવાનું છે એ વ્યક્તિને પુરેપુરી સમજ્યા વગર હવે તો નિર્ણય લેવો અશક્ય જ નહીં અસંભવ લાગતો હતો.

કારની ટ્રંકમાંથી સામાન ઉતારી ટ્રોલી પર ખડકી એ આગળ વધ્યો. એને ખબર હતી કે આ પળ બે પળ સુધીનો સાથ છે. ચાર ડગલા ચાલીને સામે જ ડીપાર્ચરનો ગેટ દેખાતો હતો. આ નિરજા હવે અત્યારે શેના માટે આવી હશે?

“સોરી નિલય, તારા ફોન કોલ્સ મેં લીધા નહીં પણ મને એવું લાગ્યું કે જે વાત મારે તારી સાથે પર્સનલી મળીને કરવી જોઇએ એ ફોન પર નહી થાય.”

નિલય હજુ પણ અસમંજમાં એની સામે તાકતો ઉભો રહ્યો. નિરજાની ગંભીરતા જોઈને એક વાત તો એને સમજાતી હતી કે એ કોઈ નિર્ણય લઈને આવી છે. એક પણ શબ્દ બોલ્યા વગર એ નિરજાની સામે તાકી રહ્યો. અત્યારે સવાલ પણ કોઇ સુઝતા નહોતા અને કરવા પણ નહોતા.

“આ પંદર દિવસોની આપણી મુલાકાત દરમ્યાન હું જે નક્કી કરી શકતી નહોતી એ ગઈ કાલે તારાથી છુટા પડ્યાના પંદર કલાકમાં નક્કી થઈ ગયું. તું સાથે હતો, તું સામે હતો ત્યારે તારી હાજરી જે અસર કરી શકતી નહોતી એ તારી ગેરહાજરી કરી ગઈ. તું જઈ રહ્યો છે એ વિચારે જ મારા મનમાં જે ખાલીપો ઉભો થયો એ ક્ષણે મને સમજાઈ ગયું કે કદાચ મારા હવેના દિવસો તારા વગર સહેલાઈથી નહીં જાય અને એટલે જ નિલય હું આમ અહીં છેલ્લી ક્ષણે દોડી આવી.”

નિલયને વિશ્વાસ નહોતો આવતો કે એણે જે સાંભળ્યું એ સત્ય હતું કે સપનું ? એણે નિરજાની નજર ન પડે એ રીતે પોતાના હાથ પણ ચિંટીયો ભરી લીધો.

નિરજાના આ નિર્ણયે એને હળવોફુલ બનાવી દીધો. તો એક બાજુ વસવસો પણ થઈ ગયો કે આ આમ છેલ્લી ઘડીની સ્વીકૃતિ પર રાજીપો કરવો કે અફસોસ?

અને જોતજોતામાં નિલયને લઈને એર ઇન્ડીયાની ફ્લાઇટ લંડન ભણી ઉડી રહી. અમદાવાદથી લંડનની આઠ કલાકની નોન-સ્ટોપ ફ્લાઇટમાં એ સતત નિરજાના ધૂની મિજાજ વિશે એનાલિસીસ કરતો રહ્યો. એ ક્યારેક અત્યંત રિસ્પોન્સીવ બની જતી તો ક્યારેક સાવ જ નિર્લેપ. નિલયની કોઈ વાત જાણે સાંભળી જ ના હોય એવી શૂન્યમનસ્ક થઈ એની સામે તાકતી રહેતી તો ક્યારેક નિલયની વાતો આંખ પટપટાવતી નાના બાળક જેવી કુતૂહલતાથી સાંભળ્યા કરતી. નિરજાની આંખો પટપટવવાની સ્ટાઇલ પર તો એ મોહી પડ્યો હતો. એ વખતે એટલી તો નિર્દોષ બાળકી સમી લાગતી.

લંડન પહોંચીને એણે સૌથી પહેલા એની મમ્મીને નિરજાના નિર્ણય અંગે જણાવ્યું. મમ્મીએ પણ એમાં સાદ પુરાવતા કહ્યું કે નિરજા એરપોર્ટ પરથી સીધી એમને મળવા આવી હતી અને તે પછી નિરજાના મમ્મીનો પણ ફોન આવી ગયો. નિલયના મનને એક રાહતની લાગણી ફરી વળી. ખરેખર તો ઉમળકાની લાગણી થવી જોઇતી હતી પરંતુ નિલયે નિરજાના વાણી વર્તન કે વ્યહવારમાં એવું કશું જ જોયું કે અનુભવ્યું નહોતું કે હજુ પણ એના નિર્ણય પર ઉમળકો આવે.

જો કે એ પછીના છ મહિના નિલયના સરળતાથી વહી ગયા. લગભગ રોજ નિરજા સાથે વાત કરતા રહેવાની એને ઇંતેજારી રહેતી. નિરજાના દિવસો કેવી રીતે પસાર થાય છે?  નિરજા શું કરે છે,એની ફ્રેન્ડસ કોણ છે, નિરજાને શું ગમે છે? આવા બધા નજીવા સવાલોથી એણે નિરજાને બોલતી તો કરી દીધી હતી. નિરજાના ગમા-અણગમાની પણ હવે એને ખબર પડવા માંડી હતી. નિરજા પણ હવે ધીમે ધીમે ખુલતી હતી. પણ મૂળે પોયણી જેવી દેખાતી નિરજા લજામણીના છોડ જેવી તો હતી જ. જરા અમસ્તી સ્પર્શવા જાવ કે માંડ ખુલેલી નિરજા પોતાની જાતને કોચલામાં સમેટી લેતી. ક્યારેક તો નિલયની ધીરજનો અંત આવી જતો. આવી હોય  આ એકવીસમી સદીની એમ.એ  કરેલી છોકરી?

અંતે એ દિવસ આવી ગયો અને નિલય ફરી એકવાર ત્રણ વીકની રજાઓ મુકીને નિરજાને પરણવા આવ્યો. શોપિંગ, ઇન્વીટેશન કાર્ડ, નાના મોટા પ્રસંગોની ઉજવણીમાં બાકીના દિવસો તો ચપટી વગાડતામાં પુરા થઈ ગયા. લગ્નના મંગળફેરા ફરીને ઉતરેલા નવ-દંપતિ વડીલોના આશીર્વાદ લઈને પહોંચ્યા નોવોટેલના હનીમૂન સ્પેશિયલ સ્વીટ પર. હનીમૂન કપલ માટે ખુબસુરતીથી સજાવેલા આ સ્વીટમાં જ દાખલ થતા નિલય અત્યંત રોમાંચિત થઈ ઉઠ્યો.

જે મધુર પળોની એણે ઝંખના કરી હતી એ સાવ જ હાથ લંબાવતા એની થઈ જવાની હતી. નિલયની જ ડિમાન્ડ પર રૂમ આછા નારંગી રંગની થીમથી સજાવ્યો હતો. લેમ્પશેડમાંથી રેલાતા પ્રકાશમાં આ રૂમમાં આભાસી ઓરા પ્રગટ થતી હોય એવું લાગતું હતું. નિરજાને હાથ પકડીને નિલયે રૂમમાં એક કોર્નરને રોકતા આરામી સોફા પર બેસાડી. નિરજાની સાથે નિલયના હ્રદયના ધડકારા પણ તેજ થવા લાગ્યા હતા. સોફાની સામે મુકેલા સેન્ટર ટેબલ પર શેમ્પેઇનની બોટલ અને બે ગ્લાસ મુકાયેલા હતા. ફ્રુટ બાસ્કેટમાં સ્ટ્રોબેરી, બ્લુ બેરી, કીવીની સાથે એક ટ્રે માં આકર્ષક પેકીંગમાં અલગ અલગ ચોકલેટ્સ પણ હતી. નિલયને ખબર હતી નિરજાને ચોકલેટ્સ ખૂબ ભાવે છે.  

પ્રથમ રાત્રીને ટોસ્ટ કરવા નિલયે શેમ્પેઇનની બોટલ ખોલી અને શેમ્પેઇનની છોળની જેમ જ નિરજાનો ગુસ્સો ઉછળ્યો.

“વ્હોટ ધ બ્લડી હેલ યુ આર ડુંઈગ?”  નિલય સ્તબ્ધ… એકદમ નિરજાને આ શું થયું? છોભીલો નિલય નિરજાની સામે ટકટકી રહ્યો.

“તેં મને ક્યારેય કીધું નહીં કે તું ડ્રિન્ક લે છે.”

“નિરજા...”

અને બસ ખતમ એ રાત્રી એમ જ બસ સ્તબ્ધતામાં પસાર થઈ ગઈ, નિલયે કેટલી વાર નિરજાને સમજાવવા પ્રયત્ન કર્યો કે એ કાયમ ડ્રિન્ક નથી લેતો, એની એને આદત પણ નથી પણ લંડનની કોઈપણ પાર્ટી ડ્રિન્ક વગરની નથી હોતી તો એને ક્યારેક આવી ઓફિસ પાર્ટી એટેન્ડ કરવાની આવે તો સૌની સાથે કંપની આપવા જોડાય છે ખરો.

નોવાટેલમાં બે દિવસ ત્રણ રાત્રીનું રોકાણ હતું જેથી નિલય માત્ર અને માત્ર નિરજા સાથે સંપૂર્ણ નિકટતા કેળવી શકે જેમાં પ્રથમ રાત્રી તો આમ જ એક ઓથાર સાથે પસાર થઈ ગઈ. બીજા દિવસની સવાર પણ એવા જ ઓથાર સાથે ઉગી. આગલી રાત્રે નિરજાના મનનું સમાધાન કરવામાં નિચોવાઈ ગયેલો નિલય આજે કશું જ બોલવાના મુડમાં નહોતો. સવારે નાહીને તૈયાર થયેલી નિરજાના મગજનો પારો પણ થોડો નીચે ઉતર્યો હતો. એને પણ લાગ્યું કે એનાથી જરા વધુ પડતું જ રિએક્ટ થઈ ગયું હતું. આજની પેઢીનો અને તે પણ પરદેશ વસતો કયો યુવાન દૂધે ધોયેલો હોય છે? અને પ્રસંગોપાત આવી છૂટ લેવાની અહીં પણ ક્યાં નવાઈ રહી છે?

તોલી તોલીને બોલવા ટેવાયેલી નિરજાને પોતાની ભૂલ કબૂલવા કે નિલયની માફી માંગવા શબ્દો જડતા નહોતા.

“સોરી નિલય, આંખમાં ધસી આવતા આંસુથી ખરડાયેલા ચહેરે એ સોફા પર માથુ ઢાળીને બેઠેલા નિલયના પગ પાસે કાર્પેટ પર એ બેસી ગઈ.  કશું જ બોલ્યા વગર બેસી રહેલા નિલયના ઢીંચણ પર માથું ઢાળીને બેઠેલી નિરજા સામેના આદમકદના અરીસામાં એટલી તો નિમાણી લાગતી હતી કે નિલયને એની પર વ્હાલ ઉમટી આવ્યુ. એ પણ સોફા પરથી ઉતરીને નિરજાની જોડે કાર્પેટ પર બેસી ગયો.

“ધેટ્સ ઓ. કે. નિરજા, મને એમ કે આવી સામાન્ય બાબત તો તું જાણતી જ હોય ને? પણ હવે તને નહીં ગમતું હોય તો હું પાર્ટીમાં પણ નહીં લઉં અને નિરજાના ખીલી ઉઠેલા ચહેરા પર રેલાયેલા આંસુઓ નિલયે હળવા હાથે સાફ કરી લીધા.

આ તેમનું પ્રથમ મિલન. જો કે તે પછી પણ આવા કેટલાય ચઢાવ-ઉતાર એમના જીવનમાં આવતા રહ્યા. લંડન પહોંચ્યા પછી પણ પરિવારથી દૂર ઓઝપાયેલી રહેતી નિરજાને ખુશ રાખવા નિલયને નવ નેજા પાણી ઉતરતા. સાવ નાની અને નજીવી બાબતમાં નિરજાને ઓછું આવી જતું. નિલયને કેટલીય વાર એવું લાગતું કે જાણે નિરજા જબરજસ્તીથી એની સાથે જોડાઈ છે. નિલય એને સમજાવતો કે લંડન કંઈ અમદાવાદથી દૂર નથી. નિરજાને મન થાય તો એ ક્યારેક જઈ આવશે તો પણ એને વાંધો નથી.

બસ, આ વાંધો નથી શબ્દ સામે પણ નિરજાને વાંધો પડતો..વાંધો હોવો અને રાજી ખુશીની મરજી બતાવવી એમાં ફરક છે એવું એને લાગતું.

નિલય કાહ્યો થઈ જતો. એ નિરજાને કહેતો “ભઈસાબ, હું ઇકોનોમેટ્રિક્સ નો માણસ છું. અર્થમિતિની મને સૂઝ છે. આવા શબ્દોની રમત કે એની પાછળના અર્થની ગૂઢતા મારા ગજા બહારની વાત છે."

વાત ત્યાં પતી તો જતી પણ મનના કોઈ ખૂણે ખારાશ પ્રસરી જતી. નિરજાને પણ હંમેશા અફસોસ તો થતો જ પણ ઘી ઢોળાયા પછીનું ડહાપણ શું કામનું?

આટલા સમય પછી નિલયે એક તારણ તો કાઢ્યું કે નિરજા ઘરમાં એકલી એકલી સોરાય છે. એણે સામે ચાલીને નિરજાને ગમે તેવી જોબ શોધવા અનુરોધ કર્યો.

“નિરજા, આમ ઘરમાં એકલી એકલી તું સોરાયા કરે છે એના કરતાં તને ગમે એવું કોઈ કામ શોધી લે તો તારો સમય પણ સરસ રીતે પસાર થાય."

બસ આ વાત પર એક નવો બખેડો ઉભો થયો. “નિલય સમય પસાર કરવા મારે જોબ કરવાની? એના કરતાં મારી આવડત કે મારી જાણકારીનો ઉપયોગ થાય એના માટે જોબ લેવાનું તેં મને કીધું હોત તો મને વધુ ગમત.”

“હે ભગવાન! શું કહેવું આને?”  બે હાથે માથુ પકડીને નિલય બોલી ઉઠ્યો. વાતનું વતેસર થઈ ગયું. આજે તો નિલય સાચે જ તોબા પોકારી ગયો.

વળી પાછી ગાડી પાટે ચઢ્તા બે દિવસ નિકળી ગયા. પોતાની ભૂલ સમજાતા નિરજા અછોવાના કરતી પરંતુ હવે નિલયની અસહિષ્ણુતા વધતી જતી હતી. નિરજાને ક્યારે કઈ વાત પર ખોટુ લાગી જશે એના ભયે હંમેશા એ  સતર્ક રહેતો થઈ ગયો. પહેલા નિરજા તોલી તોલીને બોલતી હવે નિલય તોલી તોલીને બોલવા પર ઉતરી ગયો હતો. નિલયમાં આવેલા આ ફેરફારથી નિરજા હેરાન હતી પરંતુ મોટાભાગે જાણે-અજાણે પણ એનું નિમિત્ત પોતે છે એ જાણતી હતી- સમજતી હતી.

ક્યારેક આવી નાની- મોટી ચણભણ સિવાય નિરજામાં બીજી કોઇ ખોટ નહોતી. ઘર સંભાળવામાં, નિલયને ભાવતી રસોઇ બનાવવામાં તો એ એટલે પારંગત હતી કે એમાં તો શોધે પણ કોઇ ખોડ નિકળે એવી નહોતી. સીધી સાદી સરળ નિરજાને ક્યાં શું ડંખતું એ નિલયની સમજ બહાર હતું.

આટલા સમય પછી એ જાતે થોડું થોડુ તો બહાર જતી થઈ હતી. અને લંડનની ટ્રાન્સપોર્ટ સર્વીસ એટલી સરળ હતી કે કોઈને પણ કશે જવામાં વાંધો ના આવે. રૂબી કોર્ટથી થોડું ચાલીને બહાર આવે એટલે બસ સ્ટોપ. એ સિવાય કોલિન્ડલ સ્ટેશન પણ વોકિંગ ડિસન્સ પર એટલે નિરજાને કશે પણ જવામાં ક્યારેય અગવડ પડતી નહીં. આ કોલિન્ડલ સ્ટેશનની સામે બ્યુફર્ડ પાર્કમાં તો એ હંમેશા ચાલવા આવતી. પાસેના ટૅસ્કોમાં તો અમસ્તી ય લટાર મારતી રહેતી. ઘરમાં હોય ત્યારે ઘરની સામેની સ્કૂલમાં સવારે આવતા અને સાંજે પાછા જતા ટાબરિયા જોવાના તો ખૂબ ગમતા. સ્કૂલ ચાલુ હોય ત્યારે ખાલી મેદાનની પાછળ આછા પવનની થપાટે લહેરાતા વિન્ડમિલ એ તો જોયા જ કરતી. સાંજે સ્કૂલ છુટવાના સમયે સાંભળવા ગમે તેવા મ્યુઝિક સાથે નિકળતી આઇસ્ક્રીમની પેલી આછા બ્લ્યુ કલરની વાન નિકળે એટલે એ અચૂક બાલક્નીમાં આવી જતી.

નિલયના આવવાનો સમય થાય એ પહેલા તો પાછી આવી જઈશ એવી ગણતરીથી આજે તો બહાર નિકળી બસ પકડી એ પાસેના માર્ક્સ એન્ડ સ્પેન્સરના સ્ટોર પર જવા નિકળી. નિરજાને ખબર હતી નિલયને માર્ક્સ એન્ડ સ્પેન્સરની  કોફી વૉલનટ કેક ખુબ ભાવતી. ઘરમાં પથરાયેલો સન્નાટો કોઈપણ રીતે વિખેરાઈ જાય તો સારું. પાછા વળતા રેડ રોઝનો બૂકે લેતી જઈશ. નિલય સાથે પેચઅપ કરવાની માનસિકતાની સાથે મનમાં થોડી હળવાશનો પણ અનુભવ થયો.

બે દિવસ પહેલાના બખેડાના લીધે આજની સાંજ નથી બગાડવી એવું વિચારીને હાફ ડૅ લઈને ઓફિસથી જલ્દી નિકળેલા નિલયે નિરજા માટે એની ભાવતી પાઇનેપલ પેસ્ટ્રી લીધી સાથે મસ્ત મઝાનો પિંક રોઝ બૂકે લેવાનું પણ એ ના ભૂલ્યો.

રૂબી કોર્ટના પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પાસે કાર પાર્ક કરવાના બદલે થોડે દૂર કાર પાર્ક કરી જેથી નિરજાને સરપ્રાઇઝ આપી શકાય. એપાર્ટમેન્ટમાં નીચે મેઇન ડોર કોડ નંબરથી અન-લૉક કરીને એ ફર્સ્ટ ફ્લોર પરના પોતાના એપાર્ટમેન્ટમાં હળવેથી બારણું ખોલી પ્રવેશ્યો.

ઘર હંમેશની જેમ એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. એમાં તો નિરજાને ક્યાં કશું કહેવું પડે એમ હતું. લોન્ડ્રી કરીને નિલયના કપડાં ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત મુકવાનું તો એને બહુ ગમતું. ક્યારેક સરસ મૂડમાં હોય તો એ નિલયને કહેતી પણ ખરી કે તું ના હોય ત્યારે તારા કપડામાંથી આવતી કૉલનની સુગંધ  મારું મન તરબતર કરી દે છે અને તું મારી પાસે છે એવો એહસાસ આપે છે. આજે પણ બધું યથાવત હતું પણ આ યથાવત રાખનાર નિરજા ક્યાં ? એક પળ તો નિલયના મનમાં ધ્રાસ્કો ઉઠ્યો. દરેક વસ્તુ એના સ્થાને હતી પણ એક ચીજ એણે જોઈ જે આજ સુધી ક્યારેય એની નજરે પડી નહોતી. અને એ હતી નિરજાની ડાયરી. નિરજાને ડાયરી લખવાની ટેવ હતી એની ય ક્યાં નિલયને ખબર હતી?

અધીરાઈપૂર્વક એણે ડાયરી હાથમાં લીધી. કોઇનું લખાણ આવી રીતે વાંચવાનું એનું એથિકલ માઇન્ડ ના પાડતું હતું પણ સાથે ઈંતેજારી પણ રોકાય એવી નહોતી. એક પછી એક પાના ફેરવાતા ગયા અને નિરજાના સ્વભાવ પલટાનું કારણ ખુલતું ગયું. ઘણું બધું લખાયેલું હતું. નિલય સાથેના મતભેદ, મનભેદ પછીના પસ્તાવાના પારાવાર ઢગલા પણ એમાં જોયા.

અંતે નિલય જે સાર પામ્યો તે એના માટે અત્યંત આઘાતજનક હતો. નિરજાની બાળપણની સખી ઋજુતા વિશે નિલયને જાણ હતી પણ ક્યારેય મળવાનું થયું નહોતું કારણકે એ પરણીને બેંગ્લુર ચાલી ગઈ હતી અને ભાગ્યેજ અમદાવાદ આવતી. હા! નિલય-નિરજાના લગ્નમાં આવી હતી અને નિરજાના પડછાયાની જેમ એની સાથે જ હતી એ પણ નિલયે જોયું હતું. લગ્નની ધમાલમાં ઋજુતાને ક્યારેય મળવાનું થયું જ નહીં અને ઋજુતા પાછી બેંગ્લુર ચાલી ગઈ.

આ ઋજુતાના લગ્ન પણ આમ ઉતાવળે જ થયા હતા. એનો પતિ કશ્યપ એના લગ્ન નક્કી થયા ત્યારે સૌથી પહેલા તો એલ.વન વિઝા પર અમેરિકા હતો. ઋજુતાને જોવા એ નિલયની જેમ જ પંદર દિવસ માટે આવ્યો અને ઋજુતાને પસંદ કરીને પાછો અમેરિકા ઉડી ગયો. આ પંદર દિવસની મુલાકાતમાં એની પર્સનાલિટી અને વાકછટાથી અંજાઈ ગયેલી ઋજુતાને તો કશ્યપે પોતાને પસંદ કરી એનો નાઝ હતો. વળી પાછો આવીને ઋજુતાને પરણીને એની સાથે અમેરિકા લઈ ગયો. પરંતુ અમેરિકાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી એ ફરી બેંગ્લુર સ્થિત એની આઇ.ટી. કંપનીમાં પાછો આવી ગયો હતો અને ઋજુતાનો સંસાર ફરી એકવાર નવેસરથી શરૂ થયો. કશ્યપમાં ઘણી એવી બાબતો હતી જે ઋજુતાએ શરૂઆતમાં પારખી જ નહોતી. શરૂઆતના સમયમાં ઉભય પોતાનામાં જે શ્રેષ્ઠ હોય તે સામી વ્યક્તિ પાસે સરસ મઝાના વરખ સાથે પિરસે પણ ખરી પરખ તો ત્યારે થાય જ્યારે સંવનનનો એ સુમધુર સમય પતી જાય અને એક કાયમી સંબંધની મહોર વાગે. ઋજુતા સાથે પણ કંઇક આવું જ બન્યું. કશ્યપે એની વાતોથી ઋજુતાને એટલી તો આંજી દીધી હતી કે ચળકાટ પાછળનું કથીર દેખાયું જ નહીં. કશ્યપની પ્રકૃતિ પરખાઈ ત્યારે નદીમાં ઘણું પાણી વહી ચૂક્યું હતુ.

ત્યારે ઋજુતાને લાગવા માંડ્યું હતું કે કશ્યપ સાથેના લગ્નનો એનો નિર્ણય સાચે જ ઉતાવળો હતો. એ હંમેશા નિરજા સાથે કોન્ટેક્ટમાં રહેતી. નિલય જ્યારે નિરજાને જોવા આવ્યો ત્યારે પણ ઋજુતા સાથેની વાતોના લીધે એ નિર્ણય લઈ શકતી નહોતી. જ્યારે ઘરમાં એક જ વાત ચર્ચાતી કે બંને પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે અને નિલય માટે પણ કશું કહેવાપણું નહોતું તો નિરજાએ શા માટે નિલયને ના પાડવી?

ઓહ! તો આ કારણથી નિરજા વિવાહ કે લગ્ન માટે નિર્ણય લઈ શક્તી નહોતી એ નિલયને આજે સમજાયું. એ જેમ જેમ નિરજાની ડાયરી આગળ વાંચતો ગયો એમ એમ નિરજાના મનના પડળો ખુલતા ગયા. કેટલીય વાર નિરજાએ નિલય માટેનો પોતાનો પ્રેમ જે આજ સુધી નિલય સામે વ્યકત કરી શકતી નહોતી એ એણે આ અંગત ડાયરીમાં વ્યક્ત કર્યો હતો. ક્યારેક બંને વચ્ચે થયેલા છમકલા પછી એ પેટ ભરીને પસ્તાઈ હોય એવું ય નિલય જોઇ શકતો હતો. નિલય વગર એની એક પળ પણ વ્યર્થ છે એવું એ ઋજુતાને પણ ઘણીવાર કહી ચૂકી હતી. મોટાભાગે નિલય સાથેના કારણ વગરના મતભેદ અને મનભેદ પાછળ ઋજુતા અને માત્ર ઋજુતા જ હતી એ નિલયને આજે સમજાયું. ઋજુતા અને કશ્યપ વચ્ચેના અણબનાવની દરેક ઘટનાનો ખોફ આજ સુધી નિરજા જીવી રહી હતી. જાણે-અજાણે કાલ્પનિક ભયનો ઓથાર એના મનને વિચલિત કરી દેતો એનું કારણ પણ નિલયે આજે જાણ્યું.

લગ્નની પ્રથમ રાત્રીએ શેમ્પેઇનની બોટલ ખોલી ત્યારે નિરજા કેમ આટલું બધું ભડકી હતી એ પણ નિરજાની ડાયરીમાં લખાયેલુ વાંચ્યુ. કશ્યપને ડ્રિન્ક લેવાની આદત હતી. એ જ્યારે પણ ડ્રિન્ક લે ત્યારે એક હદથી આગળ વધી જતો અને પરિણામે એ લગભગ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જતો. દર વખતે ઋજુતાએ જ એને સંભાળી લેવો પડતો. ક્યારેક ઋજુતા એને રોકવા પ્રયત્ન કરતી તો એ સમય સંજોગ જોયા વગર ઋજુતા પર બૂમાબૂમ કરી ઉઠતો. સૌની હાજરીમાં કશ્યપની બૂમાબૂમના લીધે ઋજુતા એટલી તો ભોંઠપ અનુભવતી કે હવે ઋજુતાએ કશ્યપને આ અંગે કહેવાનું બંધ કરી દીધું હતું અને ધીમે ધીમે કશ્યપ સાથે પાર્ટીમાં પણ જવાનું બંધ કરી દીધું હતું.

આખી ડાયરીમાં નિરજાની પારદર્શકતા ઉભરાઈ આવતી નિલયે જોઈ. એને નિરજા પર ખૂબ વ્હાલ ઉભરાઇ આવ્યું. અને એ સફાળો જાગ્યો. ડાયરી વાંચવામાં એ એટલો તો મશગૂલ થઈ ગયો હતો કે આટલો સમય એ નિરજાની ગેરહાજરી જ વિસરી ગયો હતો. લેચ કી વડે બારણું ખુલવાનો અવાજ સાંભળીને એણે ડાયરી જ્યાંથી લીધી હતી ત્યાં ટેબલ પર પાછી મુકી દીધી. ડાયરી પાછી મુકતા નિલયને જોઈને નિરજાના હ્રદયમાંથી થડકારો નિકળી ગયો. પણ નિલયના ચહેરા પર પ્રસરેલી હળવાશે એને પણ હળવી બનાવી દીધી. નિલયને આજ સુધી ક્યારેય ન આવ્યો હોય એવો ઉમળકો નિરજા પર ઉમટ્યો. નિરજાના હાથમાં કોફી વોલનટ કેકનું બોક્સ અને રેડ રોઝનો બૂકે જોઈને હસી પડ્યો. નિરજા પણ સેન્ટર ટેબલ પર વ્યવસ્થિત ગોઠવાયેલા પિંક રોઝનો બુકે અને પાઇનેપલ પેસ્ટ્રી જોઈને હસી પડી.

“બસ ને નિરજા મારી પર વિશ્વાસ નહોતો? દુનિયામાં બધા કશ્યપ નથી હોતા અને બધાને ઋજુતાની જેમ હેરાનગતિ નથી ભોગવવી પડતી. તું જો મને સાચે જ તારો માનતી હોય તો પ્લીઝ આજ પછી ઋજુતાની વાત સાંભળીને કશું પણ મન પર લેતા પહેલા કે તારી રીતે કશું વિચાર્યા પહેલા મારી સાથે વાત કરજે. હું પતિ પછી દોસ્ત પહેલા બનવા માંગુ છું. તું તારા મનની અવઢવ કે ઉચાટ મારી સાથે શેર કરી શકે છે એન્ડ આઇ પ્રોમિસ તારે ક્યારેય નિરાશ નહીં થવું પડે.”

નિરજાએ આજે પહેલી વાર એવી હળવાશ અનુભવી કે જાણે હવામાં તરતું પીંછુ.

“હેપ્પી વૅલેન્ટાઇન્સ ડૅ, ડીયર.” નિલય હાથ ફેલાવીને નિરજાને સમાવી લેવા આતુર હતો.

“હેપ્પી વૅલેન્ટાઇન્સ ડૅ નિલય..“ કહેતી નિરજા નિલયે ફેયાલેલી મજબૂત કસાયેલી બાંહોમાં સમાઈ ગઈ.

તે દિવસે નિરજાએ નિલયની હાજરીમાં જ ડાયરીમાં કશુંક લખ્યું. “ઋજુતા, હું હું છું – તું તું છો તો શા માટે હું મને તારામાં ગોઠવું? ભયની ભ્રમણામાં જીવન જીવાતું નથી.”

બસ તે દિવસ પછી નિરજાની ડાયરી ક્યારેય આગળ વધી જ નથી.

 


Rate this content
Log in