Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Drama Thriller Tragedy

3  

Mariyam Dhupli

Drama Thriller Tragedy

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

7 mins
14.1K


શું થયું?

ચોંકી ગયા?

એક નિવૃત્ત સૈનિકને આમ યુ -ટ્યુબ નિહાળી કેક તૈયાર કરતાં જોઈ!

આપનું ચોંકવું સ્વભાવિક છે પણ વાંધો નહીં હું

સમજાઉં છું.

મારી પત્ની પ્રતિભા એની બહેનને ઘરે ગઈ છે. બધુંજ અમારી પૂર્વ છુપી યોજના અનુસાર પાર પડી રહ્યું છે. પ્રતિભા માટે એક નાનકડું સરપ્રાઈઝ ગોઠવ્યું છે. જીવનમાં એનાં માટે બહુ ખાસ કઈ કરી શક્યો નહીં. જે કંઈ પણ કર્યું એ એણેજ. મારાં માટે પણ અને મારાં વતી પણ.

હવે મારો વારો. આજે અમારાં લગ્નની ૫૦મી વર્ષગાંઠ છે. ૨૦ વર્ષનો હતો જયારે ૧૯ વર્ષની પ્રતિભા જોડે મારાં લગ્ન થયાં હતાં. એ સમયમાં અરેન્જ મેરેજ એજ લવ મેરેજ. હા, પ્રતિભા જેવી પ્રેમાળ અને સમજુ પત્ની મળવી એ મારા પ્રારબ્ધની જ વાત!

લગ્ન પહેલાં જ તમે જાણતાં હોવ કે તમારો ભાવિ પતિ એક સૈનિક છે. એનાં સમય, એનાં પ્રેમ અને એનાં જીવન ઉપર ફક્ત અને ફક્ત માતૃભૂમિનો અધિકાર છે. તમારું જીવન તમારે એની જોડે છતાં એનાં વિના જ પસાર કરવાનું છે. પોતાની ફરજો તો નિભાવવાની જ છે એ સાથે જ પતિનાં દરેક કર્તવ્યો પણ એનાં વતી નિભાવવાનાં છે. દરરોજ રાત્રે ન એની પરત થવાની રાહ જોવાની છે. ન એનાં તરફથી કોઈ દૈનિક મદદની અપેક્ષા રાખવાની છે. જીવન અને મૃત્યુની અનિશ્ચિતતા વચ્ચે અટવાતાં જીવો જોડે જીવન નિભાવવું એ લોખંડનાં ચણા ચાવવાં જેવું છે. બહુ સખત કાળજું જોઈએ સાહેબ!

મારી પ્રતિભાનું કાળજું પણ કેવું સખત, એક બહાદુર સિંહણ જેવું જ તો. લગ્નનાં આ પચાસ વર્ષોમાં અમારો લગ્ન સંબંધ એણે જ તો નિભાવ્યો છે. એનાં તરફથી પણ અને મારાં તરફથી પણ. હું તો હંમેશનો એક રેફ્યુજી જ રહ્યો. છાવણી માટે પણ અને આ ઘર માટે પણ. મોંઘેરા ચન્દ્ર સમો ક્યારેક મુખ દર્શન દઈ જતો એ જ.

પ્રતિભાએ દરેક દિવાળીઓ મારા વિનાં જ દીવા પ્રગટાવી આ ઘરને પ્રકાશિત રાખ્યું. મારી બાળકીને ફટાકડાઓ ફોડતાં એણે જ તો શીખવાડ્યું. એનાં હોળીનાં વસ્ત્રો મારી ગેરહાજરીથી સદા સુકાં જ રહ્યા. દરેક નવા વર્ષનું એણે એકલાં હાથે સ્વાગત કર્યું.

મારા ઘરની દીવાલો એણેજ રંગાવી. ઘરનાં તૂટેલાં નળ જાતે જ રીપેર કરાવ્યા. બેન્કનાં ચક્કરો અને બજારનાં ધક્કાઓ બન્ને સંભાળ્યા. મારી નાનકડી બાળકીએ ક્યારે પહેલો શબ્દ ઉચ્ચાર્યો, ક્યારે પહેલું ડગ માંડ્યું હું જાણી જ ન શક્યો. હું હતો જ ક્યાં એની જોડે? મારી દીકરીનો શાળાનો પ્રથમ દિવસ પ્રતિભાએ જ સાચવ્યો. વાલી દિવસે એ જ માતા અને એ જ પિતા બની શાળાએ પહોંચી. એની બારખડીથી લઇ એમ.એ.ની ડિગ્રી સુધી, એનાં ડ્રાઇવિંગ લાઇસેન્સથી લઇ એની નોકરીનાં પ્રથમ દિવસ સુધી, એનાં કમ્યુટર કોર્સથી લઇ લગ્નની કંકોત્રી સુધી, એનાં લગ્નથી લઇ એનાં પોતાનાં બાળકનાં જન્મ સુધી, મારાં પરિવારને પ્રતિભાએ જ તો સાચવ્યો, જાળવ્યો અને એક દોરામાં પુરી રાખ્યો.

સરહદ ઉપર નીડર, નિશ્ચિન્ત ઉભેલાં મારાં ડગ પાછળ પ્રતિભાનો સ્નેહ, પ્રેમ, હિમ્મત, વીરતા અને અડગ ટેકો હતો.

પ્રતિભાએ ઘરની દરેક કાળજી પોતાનાં ખભે ઉપાડી તો જ તો હું દેશની કાળજી લઇ શક્યો. ન કદી એનો જન્મદિવસ ઉજવ્યો, ન કદી લગ્નની વર્ષગાંઠ, ન કદી એની કોઈ સેવા કરી શક્યો, ન એની માંદગીઓમાં એની પડખે રહી શક્યો.

પણ હવે મારો વારો.

એની દરેક કાળજી, દરેક જતન, દરેક સંભાળ અને પંપાળ મારાં હૃદય પર ઉધાર છે. એને સહ-હૃદય વ્યાજ જોડે ચુકવીશ. જીવનની વધેલી દરેક ક્ષણ એને ખુશ રાખવાં પાછળ ખર્ચીશ. મારાં સમય ઉપર, જીવનની શેષ દરેક મિનિટ ઉપર ફક્ત અને ફક્ત પ્રતિભાનો જ અધિકાર છે. હવે એ આરામ કરશે અને હું એની સેવા.

આ લો, કેક તો સરસ તૈયાર થઇ ગઇ. હવે ઝટઝટ શણગારી લઉં. પ્રતિભા આવતીજ હશે. મીણબત્તીઓ ક્યાં મૂકી દીધી? હા, રસોડામાં છુપાવી હતી. લઇ આવું છું.

લો મળી ગઈ. શું થયું? શું નિહાળો છો? આ પિસાની ઉપરનાં ટાંકાઓ? એની પાછળ પણ એક વાર્તા છે, પણ સત્ય હકીકત વાળી. સાંભળશો? ઠીક છે હું કેક શણગારું છું. આપ વાર્તા સાંભળો.

મારી નિવૃત્તિનાં દિવસથી થોડાં મહિનાઓ આગળની વાત છે. દેશનાં એક શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા હતાં. પરિસ્થતિ અત્યંત વણસી ચુકી હતી. પાણી માથાની ઉપરથી વહી રહ્યું હતું. ઘટનાઓ કાનૂની કાબુની બહાર પહોંચી હતી. લશ્કરનાં ટોળાઓ શહેરનાં ખૂણે ખૂણે આવી પહોંચ્યા હતાં. દેશજનો બે ટોળામાં વહેંચાઈ ગયાં હતાં. સરહદ ઉપર દુશમન સામે છાતી ઠોકી સામનો કરાય પણ પોતાનાં જ દેશવાસીઓનો સામનો કરતાં હૈયું ફાટે. એક જ માંના બે બાળકો લડતાં હોય ત્યારે માં ની પરિસ્થતિ કેવી દયનીય બની રહે! ઘરનાં વડીલોને જેમ વચ્ચે પડી ઘરની શાંતિ જાળવવી પડે એવું જ કાર્ય સૈનિકોને ભાગે આવ્યું હતું. પણ ક્રોધ અને આવેગમાં વર્દીઓ ઉપર પણ થઇ રહેલાં આક્રમણો સૈનિકો પ્રત્યેનું માન પણ જાળવી રહ્યા ન હતાં. અશ્રુ ગેસ, લાકડીઓ, બંદુકો, સુરક્ષાની જાળીઓ અને હેલ્મેટ! આ પરિવેશ અને સુરક્ષા કવચ દરેક સૈનિક માટે એની પ્રકૃત્તિ સમા હોય છે પણ જયારે એનો ઉપયોગ પોતાનાં જ લહુ આગળ કરવો પડે ત્યારે મનમાં ઉઠતી પીડા અને વેદનાને એક વર્દીધારી જ સમજી શકે.

દેશની બહારથી થતું દરેક આક્રમણ ખુલ્લી છાતીએ એક સૈનિક વેઠી શકે પણ દેશની અંદરથી થતાં આક્રમણોથી એ જ છાતી વિના હથિયાર વીંધાઈ જાય!

બન્ને જૂથો ક્રોધાગ્નિથી વિફર્યા હતાં. એકબીજા પર તૂટી પડવાં બેબાકળા થયાં હતાં. અશ્રુગેસ હવામાં છોડી દેવાયો હતો. આંખો મીંચી ભાગી રહેલા ટોળા તન અને મન બન્નેથી અંધ દીસી રહ્યા હતાં. મારી સુરક્ષાની જાળી વચ્ચેથી રસ્તો કરતી મારી દ્રષ્ટિ વિફરેલાં ટોળાની વચ્ચે રસ્તા ઉપર કચડાઈ રહેલ એક નિર્દોષ ઢીંગલી ઉપર પડી.

ગોળ મટોળ ચ્હેરો, ભૂરી આંખો, ઘૂંઘરિયા વાળ. થોડી ક્ષણો માટે મારી પોતાની જ બાળકીને એની આંખોમાં હું નિહાળી રહ્યો. એ કોણ હતી, એના માતાપિતા ક્યાં હતાં, કોણ હતાં અને કઈ જાતિનાં હતાં, ન મને એની જાણ હતી, ન મને જાણવું હતું. મારે માટે એ ફક્ત મારાં દેશની એક નાગરિક હતી, મારાં દેશની આવતીકાલ હતી, મારી માતૃભૂમિનું ભાવિ હતી. જો એનાં વર્તમાનનું રક્ષણ ન થાય તો દેશનું ભાવિ ક્યાંથી નિર્માણ પામે?

અચાનક બન્ને દિશાનાં ટોળાઓએ પથ્થર મારો શરૂ કર્યો. હેલ્મેટમાં સજ્જ સૈનિકો આગળ વધી પરિસ્થતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા.આંધળી દોડધામ અને શોર વચ્ચે એ બાળકીનું રુદન કોઈ પણ શ્રવણઈન્દ્રીયોને સ્પર્શી શક્યું નહીં. આંધળા, બહેરા ટોળાઓ વચ્ચે ધસી બાળકીને મારાં શરીર વડે હું ઘેરી રહ્યો. માથાની હેલ્મેટ ઉતારી એ નાનકડાં માથાંને સુરક્ષિત રાખવાનો મારો પ્રયાસ સફળ નીવડ્યો. એ નાનકડું કુમળું શરીર મારાં સશક્ત શરીરનાં ઘેરામાં સંપૂર્ણ સુરક્ષિત લપાઈ રહ્યું. ઘણા મહિનાઓ પછી પોતાની દીકરીને આલિંગન આપવાનો વાત્સલ્ય ભર્યો અનુભવ મનને ટાઢક આપી જ રહ્યો કે બન્ને દિશામાંથી ઉછળી રહેલાં અણીદાર પથ્થરો મારાં હેલ્મેટ વિહીન માથાં પર આવી વરસ્યા. ગરમ ઉષ્ણ લાલ પ્રવાહી માથાં ઉપરથી નીતરતું બાળકીનાં ફરાકને લાલ રંગે રંગી રહ્યું. મારાં કાનમાં ચિત્રવિચિત્ર સ્વર હું સાંભળી રહ્યો. આંખોની આગળ અંધારું છવાઈ રહ્યું. થોડાં જ સમયમાં મારી સભાનતા હું ગુમાવી દઈશ એની અનુભૂતિથી દોરાઈ મારાં હાથોની પકડ વધુ મજબૂત થઇ એ માસુમ ફરીસ્તાને હૃદય સરસી ચાંપી રહી. વિશ્વાસનાં એ મજબૂત આલિંગનમાં ધીરે ધીરે મારી સભાનતા પીગળી ગઈ.

આંખો ઉઘડી ત્યારે આર્મી હોસ્પિટલમાં મારો ઈલાજ થઇ રહ્યો હતો. એક મહિના સુધી હું બેભાન હતો. કોમામાંથી ઉઠ્યો હતો એનું દુઃખ સહેજે ન હતું. એક બાળકીને એનાં માતાપિતા સુધી સુરક્ષિત પહોંચાડી શકવાનો, પોતાની ફરજ બજાવી શકવાનો અને મા-ભોમનું કરજ ચુકવી શક્યાનો ગર્વ અને ગર્વજ હતો. ફક્ત મને જ નહીં મારાં પરિવારને પણ.

અરે, ડોરબેલ!

પ્રતિભા આવી ગઈ. મારી કેક પણ તૈયાર. શ્શ્શ્શ ....શોર નહીં ...સરપ્રાઈઝ આપવાનો સમય થઇ ગયો. મારી કેક એને ગમશેને? ચાલો દરવાજો ખોલવાં જાઉં છું.

દરવાજો ખોલી એ નિવૃત્ત સૈનિક જડ આંખે દરવાજે ઉભાં છે. દરવાજા સામે ઉભી સ્ત્રીને શોકથી તાકી રહ્યા છે. એને ઓળખી શક્યા નથી.

"આપ કોણ છો?"

સ્ત્રી પ્રશ્નથી જરાયે હેરતમાં નથી. એમનાં માટે આ પ્રશ્ન એક ટેવ સમો અપેક્ષિત છે. ચ્હેરા ઉપર પ્રેમ અને ધીરજ ભર્યું હાસ્ય છે.

"આપણે અંદર જઈ વાત કરી શકીએ?"

સ્ત્રીનાં પ્રશ્નથી મૂંઝાઈ તેઓ અંદર તરફ જઈ રહ્યા છે. સ્ત્રી ધીમે રહી દરવાજો વાંસી રહી છે. સ્ત્રીનાં શબ્દો બંધ દરવાજા પાછળથી આછાં આછાં સંભળાઈ રહ્યા છે.

"અરે, આ કેક ક્યાંથી આવી? "

સૈનિકનો અવાજ એનાથી પણ આછો, મંદ અને ગુંચવણ ભર્યો સાદ પાડી રહ્યો છે.

"ખબર નહીં. હું કશું નથી જાણતો!"

આપ વિચારતાં હશો કે વાર્તા પ્રથમ પુરુષમાં શરૂ થઇ ત્રીજા પુરુષમાં સમાપ્ત કઈ રીતે થઇ શકે?

પણ શું કરી શકાય? વાર્તાની દોર જેમનાં હાથમાં સોંપવામાં આવી હતી એ નિવૃત્ત સૈનિકને માથે થયેલી ઈજાઓનાં પરિણામ સ્વરૂપ ક્યારેક આમ જ તેઓ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે.

પણ આપ જરાયે ચિંતા ન કરતાં. પ્રતિભાજી આવી ગયા છે. દર વખતની જેમજ તેઓ પોતાનાં પતિની કાળજી, માવજત અને સેવા કરશે. એમને આરંભથી અંત સુધી બધુજ યાદ કરાવશે અને આજે ફરીથી બન્ને એકબીજાનાં પ્રેમમાં પડશે .......

'મારાં રક્તની દરેક બુંદ જેને નામ હતી,

જાતે વ્હાવી એણે પુરાવો માંગી લીધો.'


Rate this content
Log in

Similar gujarati story from Drama