Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

વીણાને નહિ વેચું

વીણાને નહિ વેચું

4 mins
7.9K


નૂતન રશિઆના સાહિત્ય-કોષમાં એક શબ્દ છે: 'યેસેનીનીઝમ.'

એ શબ્દ ઉપર વિસ્તારથી લેખો લખાયા છે, ભાષણો થયાં છે, ચર્ચાઓ ચાલી છે.

પ્રજાની નવરચનાના મહાકાર્યમાં યુવાનોને થાક લાગે, નિરૂત્સાહ અને વિષાદ વ્યાપે, ને એ હતાશામાંથી યુવાન માનસ સુરાપાન, રંગરાગ તથા વિલાસમાં લસરી પડે, તો તે મનોદશાને માટે રશિયન જ્ઞાન-કોષે સૂચક શબ્દ ઠેરાવેલ છે – યેસેનીનીઝમ.

તરંગી પ્યારની ઘેલછા અને છેવટે આત્મહત્યા: આ છે આ 'યેસેનીનીઝમ'નાં બે જાણીતાં અંગો.

'યેસેનીન-ઈઝમ' : એ શબ્દની પાછળ કરૂણ એક જીવન-કથા છે.

યેસેનીન એ રશિયાના એક કવિનું નામ છે. એ ગ્રામ્ય જીવનમાંથી પાકેલો કવિ હતો, એનું કવિત્વ વિશુદ્ધ હતું.

કારણ કે એ વાદમુક્ત, નિર્વ્યાજ, અને શુદ્ધ સ્વાનુભવની જ ઊર્મિ એ ગાનારું હતું.

ચોક્કસ હેતુ, હેતુ પાર કરવાની ચાતુરી, આવડત, વિદ્યાનું વિજ્ઞાન–એવું કશું જ એના કાવ્ય-સુરોમાં નહોતું. આવા કાવ્ય–સૂર સો વર્ષે એકાદ બેથી વધુ વાર નથી સાંભળવા મળતા.

સ્કોટલૅન્ડના વિખ્યાત ગ્રામ-કવિ બર્ન્સની માફક રૂસ કવિ યેસેનીન પણ પાટનગરમાં આવીને રહ્યો હતો. એનાં ગીતોમાંથી ગ્રામ્ય રશિયાની કૂંણી ચાંદની દ્રવતી હતી ને ગામડિયા ચોરાઓના ઘંટારવ ગુંજી ઊઠતા. એના લોકજીવનમાંથી ઉઠાવેલા સૂરોએ રાજધાનીના નગરમાં એને કીર્તિ દીધી. રાજક્રાંતિ આવી તે પૂર્વે જ એ સુપ્રસિદ્ધ બન્યો, પોતાનાં ગીતો સમ્રાજ્ઞી ઝરીના સમક્ષ જઈને ગાઈ બતાવવાનું એને નિમંત્રણ મળતું.

“સુંદર ગીતો.” સમ્રાજ્ઞી ઝરીના તારીફ કરતી: “પણ અતિ ગમગીન ગીતો.”

“સારું રશિઆ જ એવું ગમગીન છે રાણીજી !" કવિ જવાબ દેતો.

પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન.

યેસેનીને ક્રાંતિને આ કાવ્ય વડે વધાવી.

આઈ એક્સેપ્ટ્ડ ઓલ - જસ્ટ એઝ ઈટ ઈઝ

આઈ એમ રેડી ટૂ ટ્રાવેલ

ધ ન્યૂલી બ્રોકેન રોડ,

આઈ ગીવ માય હૉલ સાઉલ

ટૂ ઓક્ટોબર એન્ડ મૅ

પરંતુ—

ઓન્લી માય લવ્ડ લૅયર

આઈ વીલ નોટ ગીવ

“મારી વહાલી એક વીણા હું નહિ આપું. બીજું બધું જ ક્રાંતિના ચરાણોમાં ધરું છું. નવા પંથ પર પ્રયાણ કરવા તત્પર ખડો છું.”

પણ ક્રાંતિએ તો એની કનેથી એની વીણાની જ માગણી કરી. પુરાતન ઈમારતને આખીયને ઉચ્છેદી તેની જગ્યા પર બુલંદ નવરચના કરવા બેસનારા સત્તાધીશોએ ખેડૂતો, મજૂરો તેમજ અન્ય નિષ્ણાતોની માફક સર્જનશીલ કલાસાહિત્યના સર્જકોને પણ ફરમાવ્યું કે સૌ ક્રાંતિના ગણવેશ ધારણ કરો, ક્રાંતિના બીલ્લા પટા લગાવો, કાર્લ માર્કસ તેમજ હેગલના નૂતન અર્થશાસ્ત્રની પરિભાષાને ગોખો, એનાં જ નિરૂપણોને પ્રચારવા માટે તમારી કવિતાને વાહન બનાવો. નહિ તો તમે ભૂખે મરશો એટલું જ નહિ, તમે ક્રાંતિદ્રોહીની કાળી ટીલી પામશો.

નવરચનાના અગ્રણીઓને પ્રચારક જોઈતા હતા. તેઓએ કલાસાહિત્યના ક્ષેત્રને એક વિરાટ કારખાનું બનાવી લીધું.સર્જકો હતા તે યંત્રો બન્યા.

યેસેનીનને માટે આ કારખાનામાં યંત્ર બનવું સ્વભાવથી અશક્ય હતું. પોતાની વાણી એણે ન સોંપી. એનું સ્વાધીન

ગાન નવા યુગના અગ્રણીઓને ન સમઝાયું. જે ગાનમાં કાર્લ માર્ક્સનું અર્થશાસ્ત્ર અને ક્રાંતિના ફરમાસુ સંદેશ ન હોય, તે તેમને મન ગાન જ નહોતું.

યસેનીન ગામડિયો ને જૂનવાણી ગણાયો. એની વીણા લઈને એ ક્યાં ચાલ્યો ? – એ પોતે જ લખે છે.

“૧૯૧૯ નું વર્ષ મારા જીવનનું સહુથી સુંદર વર્ષ સમજું છું. જ્યાં પારાશીશી પાંચ ડીગ્રી ઉપર ઊતરી ગઈ હતી એવી એક ઓરડીમાં અમે શિયાળો વિતાવતા હતા. અમારી કને તાપણું કરવા માટે એકપણ લાકડું નહોતું. કાગળો નહોતા એટલે હું અને બીજા બે સાથી કવિઓ અમારાં ગીતોને ગામના ધર્માલયની દિવાલો પર છાપતા અથવા તો માત્ર આરામખાનાઓમાં જઈ મોંયે જ ગાઈ સંભળાવતા. ને અમારી કવિતાના વધુમાં વધુ પ્રશંસક હતાં વેશ્યાઓ તથા ડાકૂઓ. તેઓને ને અમારે બહુ મોહબત બંધાઈ ગઈ.”

એક તરફથી નવા રાષ્ટ્રઘડતરનો રાક્ષસી દેકારો, ને બીજી તરફથી આ નવઘડતર એટલે જ ભૂત, ભવિષ્ય, સમગ્ર જનસમૂહ, વ્યક્તિ, બલ્કે અખિલ બ્રહ્માંડની ઈતિશ્રી છે એવું માની બેઠેલ પક્ષની બોલબાલા : એની વચ્ચે જીવવું એ યેસેનીન સરખા સ્વતંત્ર ઊર્મિગાયકનું બેવડું દુર્ભાગ્ય હતું. એની કવિતા લઈને એને જવું પડ્યું–વેશ્યાઓ અને ડાકૂઓની મોહબ્બતમાં, ને છેવટે ઇઝાડેરા ડંકન નામની અમેરિકન નૃત્ય-સુંદરીના આલિંગનમાં.

ઇઝાડેરાએ આ કવિમાં સાચા કવિત્વનું દર્શન કર્યું હતું.

પોતાના પ્યારની હુંફમાં લઈને આ ભૂલા પડેલા કવિને નવાં નવાં ગીતો સર્જતો જોવાનું એનું સ્વપ્ન હતું. દુર્ભાગ્યે ઇઝાડેરા પણ કલાકાર હતી. એણે જીવન પરને કાબુ ગુમાવ્યો હતો. એ સ્વપ્નદર્શિણીનાં જીવન–મૂળ ધરતીમાંથી ઊખડી ગયાં હતાં. એ પણ સુરાપાનની સહાય વડે અવાસ્તવિક જીવનમાં જીવતી હતી. યેસેનીન એનાથી ન સચવાયો. કાવ્યોને બદલે શયનગૃહના ઘાતકી કંકાસો જન્મ્યા. ઇઝાડેરાનો જીવ લેવાની દમદાટી કરતો પાગલ કવિ ત્યાંથી નાઠો. એનું સ્થાન એણે ક્યાંય ન દીઠું. સમસ્ત કલા–સાહિત્ય પ્રચારલક્ષી રાજતંત્રની ભાડુતી સિપાઈગીરી બજાવતું હતું.

યેસેનીનને યાદ આવ્યું: ક્રાંતિની શરૂઆતમાં એણે લખ્યું હતું કે:ー

આજે એ શોકાતુર હૃદયે પોતાની જાતને પૂછવા લાગ્યો.

“કેવી કમભાગી પળે

મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો !

હું તમારો બાંધવ બનીશ !

અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે

કોઈને જરૂર નથી રહી.

સલામ ઓ નવીનો ! હૃષ્ટપુષ્ટ શરીરે

ખુબાખુબ મહાલજો !

તમારૂં નવું જીવન, નવા સ્વરો,

તમને મુબારક હજો !

હું તો મારા હિણાએલા આત્મ-દર્પને લઈ,

આ ચાલ્યો એકાકી કોઈ અકલ ભોમની શોધમાં."

૧૯૨૫ના ડીસેમ્બરની ૨૪ મી તારીખે એ લેનીનગ્રાડ નગરમાં આવ્યો. ગાડી કરીને મિત્રોને ઘેર ગયો, કોઈ ન મળે. સુરાપાન પણ ભૂલી ગયો. હોટેલમાં આવ્યો. રખેવાળને કહ્યું કે કોઈને અંદર ન આવવા દેતો. ત્રણ દિવસ લાગટ એકલો પડ્યો રહ્યો. ત્રીજા દિવસે એક મિત્રને વિદાય-ગીત લખવું હતું. શાહી નહોતી.

એક ચપ્પુ લીધું. હાથના કાંડા ઉપર કેટલાક ચરકા કર્યા. પોતાના તાજા લોહીના ટશિયામાં દરેક વાર કલમ બોળીને એણે આ પંક્તિઓ લખી.

“સલામ બંધુ !

હાથ મિલાવ્યા કે બોલો બોલ્યા વગરના સલામ !

શોક ન કરતો.

લલાટને ન તપાવતો.

મરવામાં કંઈ જ નવું નથી.

જીવવામાંય શું નવું છે ?"

તે સાંજે તેણે આત્મહત્યા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Classics