Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અમૃત પટેલ સ્વયંભૂ

Horror Fantasy

4.1  

અમૃત પટેલ સ્વયંભૂ

Horror Fantasy

રાગીનું ભૂત

રાગીનું ભૂત

7 mins
898


ટ્રેન અંધકારને ચીરતી આગળ ને આગળ દોડી રહી છે. તે વરસો પછી તેના ગામ આવી રહ્યો છે. આમ તો સહપરિવાર સાથે નક્કી થયું હતું પણ મોટાભાઈએ જે સંદેશો મોકલ્યો હતો તે કારણે રાહ જોઈ શકાય તેમ નહોતું એટલે તે એકલો જ આવી રહ્યો છે. મોટાભાઈએ ફોનમાં ફક્ત એટલું કહ્યું હતું કે 'જેમ બને તેમ જલ્દીથી આવી જજે' આ સિવાય બીજું કંઈ કહ્યું નહોતું એટલે યશની બેચેની વધી રહી છે.

રાતનો સમય બહારથી આવતા ઠંડા પવનને કારણે કમ્પાર્ટમેન્ટના મુસાફરોની આંખ ઘેરાતી રહી. વતન છૂટ્યા તે પછી કામમાં પરોવાયા બાદ આજે વારસો પછી આટલી શાંતિ મળી છે. આજુબાજુમાંથી પસાર થતા દૂરદૂરના ગામોની લાઈટ બહારના અંધકારને લીધે આગિયા જેવી ચમકી રહી છે. યશના માનસપટ ઉપર તેનું નાનકડું ગામ તરવરી રહ્યું.

'કેવું હશે, બધુ બદલાઈ ગયું હશે કે પછી આજે પણ એવું ને એવું જ હશે !' તે વિચારતો રહ્યો. યશ દૂર નજર કરી અંધકારમાં જાણે કશુંક શોધી રહ્યો છે- તેની નજર સામે અત્યારે ગામ પાદરે આવેલી નાનકડી દેરી ઊપસી આવી. તે સાથેજ તેના માનસપટ પર એક પછી એક ચિત્રો ખડા થતા ગયા.

'હેં યશ કોઈ માણસ મરી જાય તે પાછો જીવતો થઈને આવે ખરો ? રાગીએ યશ સામે જોયું.

'કેવી વાત કરે છે ગધેડાને તાવ આવે એવી. મરેલું કોઈ પાછું વળીને આવ્યું છે ?

'તો પછી આ રણછોડકાકા કેમ રોજ અહીં આવીને તેમની દિકરીને થાળ ધરાવીને કહે છે;'લે...દિકરી જમી લે !'

'અરે એ તો બિચારા કાકાને એકની એક દિકરીનો આઘાત લાગ્યો છે એટલે.'

'ના... ના.. મેં ઘણી વખત રણછોડકાકાને ગામલોકો સાથે તેમની દિકરી તેમને અહીં મળવા આવે છે' તે રીતે વાતો કરતા સાંભળ્યા છે !

'અરે યાર રાગી તું ?' યશ આગળ કંઈ કહે તે પહેલાજ ;

'ભલે તું અત્યારે આ વાત નહિ માને પણ એક દિવસ તું-' તે પછીના શબ્દો રાગી મનમાને મનમાં બોલી ગઈ હતી.

અત્યારે તે વાતે યશના ચહેરે ફરી હાસ્ય આવ્યું.  તે આગળ કંઈ વિચારે તે પહેલાં તેની પાસે કોઈ આવીને ઊભા રહ્યાનો અહેસાસ થતાં તેણે તે તરફ જોયું. મખમલી સફેદ ડ્રેસમાં સજ્જ રાગી સામે ઊભી છે. અપાર આશ્ચર્ય સાથે તે બોલ્યો; 'અરે રાગી તું અહીં ? હું તારા જ-'

'બરોડાથી આવું છું, અને હા તું તો ધનબાદથી આવતો હશે રાઈટ !' રાગી બોલી.

'હા, ધનબાદથી-' યશ આગળ બોલે તે પહેલા ટ્રેન તાપીના બ્રિજ ઉપરથી પસાર થતાની સાથે બહારથી આવતા ખટાખટના અવાજ તેમજ સુરત સ્ટેશને ઉતરનાર મુસાફરોની ભીડને કારણે બંને મૌન બન્યા.

* * *

રાગી સુહાનીની એકની એક દિકરી. સુહાનીની અહીં ગામના દવાખાને બદલી થઈ ત્યારે તે નાની રાગીને લઈને આવી હતી. યશના ફળિયામાંજ દવાખાનાના સ્ટાફ ક્વાર્ટર્સ હતા. એટલે કોઈ પણ બહારથી બદલી થઈ આવતા તેમનો સૌ પહેલા યશના કુટુંબ સાથે પરીચય થતો. સુહાનીનું પણ આમ જ બન્યું. થોડા જ સમયમાં બંને પરિવારો વચ્ચે સારો એવો ઘરોબો બંધાઈ ગયો જાણે કોઈ ઋણાનુબંધ હોય. સુહાનીનો પતિ આર્ટીસ્ટ કમ ફોટોગ્રાફર હોવાને કારણે તેમની ધૂનમાંજ મસ્ત રહેતો. સુહાનીની બદલી થઈ આવ્યા તેના શરૂઆતના દિવસોમાં ગામલોકોએ તેને જોયો તે પછી ખાસ કોઈની નજરે પડતો નહોતો.


સમય પસાર થતો રહ્યો. એક સાંજે આતપના ચિત્રનું ઉદઘાટન રાખ્યું હતું. બધાને આમંત્રણ અપાઈ ગયું હતું. સાંજ પડવાની રાહ જોવાતી હતી. આતપ અને સુહાની વહેલી સવારથીજ ખુશખુશાલ હતા. સાંજે તાલુકાની આર્ટ ગેલેરીમાં બધાએ જવાનું હતું- સમય સરતો જતો હતો ત્યાં દવાખાનેથી કમ્પાઉન્ડર આવ્યો. તેણે આપેલો સંદેશો સાંભળતા હજી સમય હતો એટલે  સુહાની દવાખાને જવા તૈયાર થઈ.

ત્યાં..

'સુહાની દર વખતની જેમ આ વખતે પણ તું બહાનું ના કાઢતી. આજના આ ફંક્શનમાં તારી હાજરી ખૂબજ જરૂરી છે' આતપ બોલ્યો.

'અરે હોય કંઈ, આજના ફંક્શનમાં હું ન હોઉં એવું તો બનવાનું જ નથી. તારા કરતા વધારે મને આનંદ છે. હું આ ગઈ અને આવીજ સમજો અને હા, તમે થોડા વહેલા નીકળી જજો હું પણ સમયે પહોંચી જઈશ.'

'તે ખરું પણ આ અગાઉ પણ તું આવું જ બોલી હતી અને છેલ્લી ઘડીએ તારી ફરજ તને નિવૃત્ત કરતી નથી કે પછી-' આતપ જાણે અગાઉના પ્રસંગો યાદ કરાવતો હોય તે રીતે બોલ્યો.

'શું કરું આતપ આ ખોળિયામાં એક ડૉક્ટર જીવ રહે છે. તે સમયે તો તને ખબર જ છે ને એવા સંજોગો ઉભા થયા હતા..!

'હા... હા... એટલે જ કહું છું કે આ વખતે પણ પાછા-' આતપ બોલતા અટકી ગયો.

'આ વખતે આવું નહીં બને, પ્રોમિસ'. બોલતા સુહાની દવાખાને જવા નીકળી ગઈ.

સાંજના સાડા પાંચ થવા આવ્યા હતા સુહાનીના કોઈ સમાચાર નહોતા. મહેમાનો એક પછી એક આવતા ગયા આતપ ઉચાટ ભર્યા મને સુહાનીની રાહ જોઈ રહ્યો છે. આર્ટ ગેલેરીમાં આતપ... આતપ... ફેલાઈ ગયો છે ! સાત વાગતા ઉદ્દઘાટન વિધિ શરૂ થઈ તાળીઓના ગડગડાટ વચ્ચે બધાએ આતપના ચિત્રોને વધાવી લીધું.

સુહાની ગેરહાજર રહી. આતપનું મન અવળા વિચારે ચઢ્યું. તેના મને તેનો કબજો કર્યો. 'ફરી પાછી આજે તે જાણી જોઈને આવી નથી. તે મારી ખ્યાતિની ઈર્ષા કરે છે નહીંતર આવું ન બને.' તે વિચારી રહ્યો છે... વિચારની આગ પ્રજ્વલિત બનતી ગઈ. અને તે રાત્રે આતપ ફંક્શનમાંથી બારોબાર ક્યાં ચાલ્યો ગયો. દુનિયામાં રોજની આવી કેટલી વ્યક્તિઓ આ રીતે ગુમનામ બની જતી હોય છે. જેની તેમના નજીકના સ્વજનો સિવાય કોઈને કંઈ પડી હોતી નથી. આતપ પણ ગુમનામ બની ગયો. સુહાની અને રાગી ઉપર જાણે આભ તૂટી પડ્યું. એકે પિતા તો એકે પતિને ગુમાવ્યો તે સિવાય જાણે બધુ સામાન્ય હતું.

સુહાની એકલી પડતી ત્યારે દિવાલ ઉપર પેન્ટ કરેલો તેમનો ગ્રુપફોટાને જોઈ મનોમન બોલતી; 'આતપ, એક કલાકાર જીવ થઈને તારા આ અહમને કારણે તે આ શું કર્યું. હું તે દિવસે કેમ ના આવી શકી તેનો ખુલાસો સાંભળવા પણ તું ન રોકાયો. એકવાર તો તારી જીદ છોડીને પાછા વળી જોયું હોત. તે દિવસે તારા ઉદ્દઘાટનની તાળીઓના ગડગડાટ સમયે હું એક એવી વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢી રહી હતી કે જે એક ઘરનો મોભી અને ઘરડા મા-બાપનો એકનો એક સહારો બે દિકરી અને એક દીકરાનો બાપ અને આ બધાથી વિશેષ ખોળો પાથરીને મારી સામે આક્રદ કરતી એક લાચારનો સુહાગ. મેં તેનો સુહાગ તો બચાવી લીધો પણ તારી જીદે આપણો સંસાર ના બચાવી શકી. મને અફસોસ એ વાતનો છે કે તારા અહમ અને જીદને કારણે તેં તારા નામને પણ લજાવ્યું. તારામાં ઈર્ષા અને અહમનું ધીમું તાપણું તો મેં ક્યારનું અનુભવ્યું હતું. પણ આમ ઈર્ષાનું તાપણું આટલી હદે પ્રજ્વલિત થશે તેની તો મેં કલ્પના પણ કરી નહોતી. આપણા દાંપત્ય જીવનને ટકાવી રાખવા મેં શું નથી કર્યું. મારો કયો વાંક ગુનો હતો ? આતપ, કલાકારો ધુની હોય છે એવું ક્યાંક વાંચ્યું અને સાંભળ્યું પણ હતું પણ આટલી હદે નિષ્ઠુર પણ બની શકે છે-'

સુહાનીના આંખે ઝળઝળિયાં આવી ગયા.  રાત-દિવસ તે પછી પસાર થતા રહ્યા. ત્યાં સુહાનીના મમ્મીના સમાચાર મળતા તેઓ સુરત ગયા થોડા સમય ત્યાં રોકાયા. સારવાર દરમિયાન મમ્મીની તબિયતમાં કોઈ ફરક જણાતો નહોતો ઉંમરના કારણે હવે તેઓ એકલા ઉઠ-બેસ કરી શકતા નહોતા અને એટલે સુહાનીએ સુરત જનરલ હોસ્પિટલ ખાતે બદલી માગી લીધી. તે પછી પણ યશનાં કુટુંબના સંબંધો અકબંધ જળવાઈ રહ્યા.

યસ નો અભ્યાસ પૂરો થતા મિત્ર સાથે તે ધનબાદ ગયો અને ત્યાં સેટ થયો. છેલ્લે યશના લગ્ન પ્રસંગે બધા ભેગા મળ્યા હતા. યશ તેના ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત બની ગયો તે સાથે રાગી તેમજ સુહાની સાથેનો સંપર્ક તૂટી ગયો. જ્યારે ગામડે જવાનું બનતું ત્યારે ફરી પાછા સંસ્મરણો તાજા થતાં.

* * *

ટ્રેન બ્રિજ પસાર કરી ધીમે પડી રહી છે અવાજ સમી જતા યશ બોલ્યો; 'ક્યાં બરોડા સેટલ થઈ છે ?'

'ના, બરોડા તો અમે ગઈકાલે જ આવ્યા અને હા, આ વિરેન્દ્ર છે.' રાગીની બાજુમાં ઊભેલા એક નેપાળી યુવાનો રાગી એ પરિચય કરાવ્યો.યશએ વિરેન્દ્ર સાથે સેન્ડ કર્યું.

તે પછી રાગી તરફ જોઈ બોલ્યો;' કેટલા વર્ષે મળ્યા. મમ્મીના શું સમાચાર છે ?'

- સુરત સ્ટેશન આવતા મુસાફરોનો ઘોંઘાટ અને દોડધામ વધી રાગીને ઉતરવાનું હતું. કેવા વિચિત્ર સંજોગોમાં બંનેનો ભેટો થયો અને પાછા અલગ. રાગીએ ઘણું બધું યશને કહેવું હતું- યશને પણ- 

ટ્રેને ધીમે ધીમે પ્લેટફોર્મ છોડયુ.

રાગી અને વિરેન્દ્ર નજરથી ઓઝલ થતા ગયા. ગુજરાત કવીન વલસાડ સ્ટેશને ઊભી રહી. યશ વલસાડ-વાપી બસમાં ગોઠવાયો.! અંધકારને ચીરતી બસ ઊપડી તે સાથે સાથે યશના માનસપટ પર એક પછી એક ચિત્રો આવતા ગયા. રાત્રે જેવો યશે ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. બધા યશનીજ રાહ જોઈ રહ્યા હતા. યશને આશ્ચર્ય થયું તે વાતવરણ જોઈ બોલ્યો;

'શુ વાત છે હજુ તમે બધા જાગો છો કંઈ ?'

ત્યાં-

'એક દુ:ખદ સમાચાર છે.' મોટાભાઈ બોલ્યા.

'શુ ? યશ પ્રશ્ન ભરી નજરે જોઈ રહ્યો.

'આપણા સુરતવાળા સુહાની બહેનની દિકરી રાગી નેપાળના પ્રવાસે ગઈ હતી ત્યાં તેમની ટ્રાવેલ્સ બસ એક ઊંડી ખીણમાં ખાબકી ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં કોઈ બચ્યું નહોતું. સવારે આપણે સુરત જવાનું છે !' મોટાભાઈએ વાત પૂરી કરી.

'નહીં... નહીં... તે કેવી રીતે શક્ય બને… તે રાગીજ હતી.' યશ એકાએક ચીસ પાડી ઊઠ્યો.

એટલે…? બધા તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.

'હા... તે રાગી' યશની આંખ સામે સુરત સ્ટેશન પર ઝાંખા પીળા પ્રકાશમાં જોયેલા રાગી અને વિરેન્દ્રના ચહેરા તરવરી રહ્યા !

તે સાથે જ-

'ભલે તું અત્યારે આ વાત નહિ માને પણ એક દિવસ તું-' તે પછીના શબ્દો રાગી મનમા ને મનમાં બોલી ગઈ હતી.

તે શબ્દો આજે જાણે ફરી પાછા વાતાવરણ માં પડઘાય રહયા છે !


Rate this content
Log in

Similar gujarati story from Horror