Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Kapadia

Drama Thriller Tragedy

3  

Megha Kapadia

Drama Thriller Tragedy

માન્યાની મંઝિલ - 26

માન્યાની મંઝિલ - 26

5 mins
14.1K


અંશુમન સાથે રાત્રે જે કંઈ બન્યું તે પછી પિયોની આગળ કંઈ પણ વિચારવાની સ્થિતિ ગુમાવી બેઠી હતી પણ માન્યા હતી કે તે ડરથી નહીં પણ હિમ્મતથી કામ લઈ રહી હતી. તેને ખબર હતી કે જો અંશુમન આગળ કોઈ ખતરનાક પગલું ભરે તો તેનો સામનો કરવાં પિયોનીએ તૈયાર રહેવું પડશે. જોકે, આ બધી ઘટનામાં પિયોનીને છેક હવે એ પૂછવાનું યાદ આવ્યું કે માન્યા સવાર સવારમાં ઘરે કેમ આવી? અને આવી તો આવી પણ નાનીમાંને માન્યાને અત્યારે ઘરમાં જોઈને શક તો નહીં ગયો હોય ને? માન્યાએ પિયોનીની ચિંતા હળવી કરતા કહ્યું, ‘પિયોની તું આખી રાત અંશુમન સાથે એકલી હતી, મને ખરેખર ચિંતા થઈ રહી હતી કે તું સહી-સલામત ઘરે પહોંચી હોઈશ કે નહીં? આખરે મારાથી રહેવાયું નહીં અને હું ઉઠીને મારાં ઘરે બહાનું બનાવીને તરત જ તારાં ઘરે આવી ગઈ. ઘરમાં આવતાની સાથે જ મને નાનીમાંએ પૂછ્યું કે માન્યા સાચું બોલ શું થયું છે તારે અને પિયોની વચ્ચે? પિયોની સવારે રડતાં-રડતાં ઘરે આવી હતી. મેં તેને પૂછ્યું પણ તેણે વાત ટાળી દીધી. આ સાંભળીને જ મને ખબર પડી ગઈ કે ચોક્કસ તારી સાથે કંઈક થયું છે. મેં નાનીમાંને બીજી વાતમાં ભોળવીને કહી નાંખ્યું કે રાત્રે મારા અને પિયોની વચ્ચે નાનો ઝઘડો થયો હતો અને એટલે જ હું તાબડતોબ પિયુને મનાવવાં આવી છું અને સાથે મેં તેમને એ પણ વિશ્વાસ અપાવી દીધો કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.' માન્યાની આટલી સમજદારી જોઈને પિયોની માન્યાને જોરથી વળગી પડી, ‘સોરી માન્યા, મેં તારાથી આટલી મોટી વાત છુપાઈ, તારું માન્યું નહીં અને તો પણ તું મારાં પ્રોબ્લેમમાં મારી સાથે ઊભી છે. આઈ લવ યુ યાર.' ‘ચલ હવે બહુ સેન્ટી ના થા. જે થવાનું હતું એ થઈ ગયું.' કહેતા માન્યા પણ પિયોનીને વળગી પડી.

પિયોની ડૂસકાં ભરી રહી હતી અને માન્યા તેને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. એટલામાં ફરી પિયોનીનો મોબાઈલ રણક્યો પણ આ વખતે અંશુમનનો ફોન નહીં પણ મેસેજ આવ્યો હતો. માન્યાએ મેસેજ ખોલીને જોયું તો લખ્યું હતું, ‘માન્યા, હજી પણ કહું છું કે મારો ફોન ઉપાડી લે. એક વાર વાત કર મારી સાથે. નહીં તો તુ પસ્તાઈશ. તારી એવી હાલત હું કરીશ કે ક્યાંય તું મોંઢુ બતાવવાને લાયક નહીં રહે.' આ મેસેજ વાંચીને પિયોની થરથર ધ્રુજવાં લાગી. માન્યા અને પિયોની હવે આગળ શું કરવું તે વિશે વિચારી રહ્યા હતાં. પોલિસ પાસે જવાનો વિકલ્પ તેમની પાસે હતો નહીં અને ના તો તેઓ અંશુમન અંગે કંઈ પણ ઘરે કહી શકે તેમ હતાં. બહુ વિચાર્યા બાદ માન્યાએ નક્કી કરી લીધું કે આગળ શું કરવાનું છે. તેણે પિયોનીને સ્પષ્ટ સૂચનાં આપતાં કહી દીધું, ‘જો પિયુ, અંશુમનની સચ્ચાઈ આપણી સામે આવી ગઈ છે એટલે હવે બધી જગ્યાએથી તું તેને બ્લોક કરી નાંખ. મારા ફેસબુક અકાઉન્ટમાંથી પણ તું એને બ્લેક કરી દે અને તારાં ફોનમાંથી પણ તું તેનો નંબર બ્લોક કરીને નંબર ડિલીટ કરી નાંખ પણ હા એ પહેલાં હું જે કહું એવો મેસેજ તું એને કરી દે.' પિયોનીએ હકારમાં માથું હલાવ્યું. અંશુમનનો ટેક્સ્ટ મેસેજ ઓપન કરીને રિપ્લાયનાં બટન ઉપર ક્લિક કરતાં માન્યા જે બોલતી હતી એ તે લખતી ગઈ, ‘અંશુમન, રાત્રે જે કંઈ પણ થયું તે પછી તને મળવાની વાત તો બહુ દૂર રહી હું તારી સાથે વાત પણ કરવાં નથી માંગતી. મારી હિમ્મતનો પડચો તો તને મળી જ ગયો છે એટલે આગળ જો તું મને કોઈ પણ પ્રકારનું નુક્સાન પહોંચાડવાની યોજનાં બનાવતો હોય તો અટકી જજે. નહીં તો તને તારા કર્યાનું પરિણામ મળી જશે અને બહુ જલ્દી તું જેલનાં સળિયા પાછળ હોઈશ. હવે મને ફરી ક્યારેય કોન્ટેક્ટ કરવાનો ટ્રાય પણ ના કરતો. ગુડ બાય.' આ મેસેજ મોકલીને પિયોનીએ અંશુમનનો કોન્ટેક્ટ બ્લોક કરી નાંખ્યો અને ફેસબુક ખોલીને તેમાંથી પણ અંશુમનને બ્લોક કરી દીધો.

પિયોની હવે થોડી રિલેક્સ થઈ ગઈ હતી પણ સામે માન્યાનો આ મેસેજ વાંચીને અંશુમનનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તે તાડૂક્યો, ‘તેની આટલી હિમ્મત. હવે જો હું શું કરું છું.' બાજુમાં બેઠેલા પરિમલે અંશુમનનાં હાથમાંથી ફોન લઈને મેસેજ વાંચ્યો. પરિમલ એમ પણ કૂલ રહેવામાં માનતો હતો. તેણે અંશુમનને સલાહ આપતા કહ્યું, ‘અંશુમન જે થઈ ગયું એ થઈ ગયું. આ છોકરી પાછળ હવે તારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. જો ભૂલથી પણ તે પોલીસ સ્ટેશનમાં ગઈ તો તારી શું હાલત થશે તને ખબર છે ને.' ‘તેને જે કરવું હોય એ કરે. હું કોઈનાં બાપથી પણ નથી ડરતો.' અંશુમન હજી પણ ટણીનાં મૂડમાં હતો. ‘અંશુમન પાગલ ના બન. બી પ્રેક્ટિકલ. દિલથી નહીં મગજથી વિચાર. આપણી પાસે ક્યાં છોકરીઓની કમી છે. આવી બીજી 10 મળી રહેશે તને પણ જો આ છોકરીએ પોલિસ ફરિયાદ કરી તો તને તો ખબર જ છે આપણા દેશનાં કાયદા હંમેશા છોકરીઓની તરફેણમાં જ રહ્યા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ અંશુમન?'

પરિમલે અંશુમનનો ખભો હચમચાવી નાંખ્યો. ‘તને સમજાય છે ને ડ્યૂડ હું શું કહી રહ્યો છું?' પરિમલે ખોવાયેલા અંશુમનને ફરી જગાડ્યો. ‘યુ આર રાઈટ બ્રો. લીવ ઈટ પણ હવે આગળ શું? મારી નીડ્સ કોણ પૂરી કરશે? લાગે છે કે મારે બહુ જલ્દી બીજી બકરી શોધવી પડશે.' અંશુમનની લુચ્ચી સ્માઈલ જોઈને પરિમલ પણ ખડખડાટ હસી પડ્યો.

બીજી બાજુ પિયોની દિવસે ને દિવસે સુકાતી જઈ રહી હતી. અંશુમને કરેલા દુર્વ્યવહારે તેને એટલો ઉંડો આઘાત પહોંચાડ્યો હતો કે તે પૂરા દસ દિવસ પછી પણ આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. માન્યા રોજ બને તેટલો સમય પિયોની સાથે ગાળતી હતી. એક મિનિટ માટે પણ માન્યા પિયોનીને એટલી નહોતી મૂકતી. તેમ છતાં પિયોનીનું દિલ બીજે ક્યાંય લાગતું જ નહોતું. આખો દિવસ તે ગુમસુમ પડી રહેતી. પહેલાંની જેમ તે ના તો માન્યા સાથે મસ્તી કરતી હતી કે ના તો તે ઘરમાંથી બહાર નીકળી હતી. પિયોનીનાં મનમાં હજી પણ અંશુમનને લઈને છૂપો ડર રહેતો હતો એટલે તે ક્યાંય બહાર જવાનું પણ ટાળતી.

જો કે, નાનીમાં અને ડેડી સામે તે બિલકુલ સ્વસ્થ થઈ જતી જેથી ઘરવાળાંને તેની હાલાતનો સહેજ સરખો પણ અંદાજો ન આવતો. આમ ને આમ બીજા પંદર દિવસ નીકળી ગયાં હતાં અને પિયોની ધીમે-ધીમે લાઇફમાં નોર્મલ બની રહી હતી પણ તેનાં ચહેરા ઉપર પહેલાં જેવી મસ્તી કે સ્માઇલ જોવાં નહોતી મળતી. માન્યાની ડ્રામા ક્વીન પિયોનીએ તેની આ આઈડેન્ટિટી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. પિયોની તો અંશુમનને ભૂલી ગઈ હતી પણ માન્યાના દિલમાં અંશુમન માટે નફરત દિવસે ને દિવસે વધી રહી હતી. જે માણસનાં કારણે તેની બેસ્ટફ્રેન્ડની આવી હાલત થઈ તેને માફ નહીં કરું. તેવા સંકલ્પ સાથે માન્યા કેવી રીતે અંશુમનને સબક શિખવાડવો તે અંગે વિચારતી હતી પણ તેને કોઈ આઈડિયા નહોતો આવી રહ્યો. આવતીકાલે માન્યા અને પિયોની બંનેનું બારમા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું અને તેનું ટેન્શન બંનેનાં ચહેરા ઉપર આજથી જ જોવા મળી રહ્યું હતું.

(શું આવશે બંનેનું રિઝલ્ટ? શું આ રિઝલ્ટને અંશુમન સાથે કોઈ કનેક્શન રહેશે? માન્યા અંશુમન સાથે બદલો લેવા આગળ શું કરશે? આ બધા જ સવાલોનો જવાબ જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama