Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjunsinh Raulji

Action Crime Others

4  

Arjunsinh Raulji

Action Crime Others

મા છું

મા છું

8 mins
588


સવિના શબને ડાબા ખભે નાખી ગોબર આગળ ચાલતો હતો. તેની પાછળ આખું ટોળું. આખું ટોળું એટલે આખી જ નવી વસાહત ! હા નવી વસાહતના બધા જ લોકો સવિને પોતાની દિકરી જ માનતા હતા. અને સવિ પણ હતી એવી જ બધાં સાથે હળી મળીને રહેતી. એના આ મળતાવડા સ્વભાવે જ કદાચ તેનો જીવ લીધો હતો.

શંભુદાદા ગામમાં તેમનું નામ હતું. ગામના આગેવાનોમાં તેમની ગણના થતી હતી. બધી રીતે પહોંચેલો માણસ હતો. ગામનો દાદો ગણો તો દાદો અને ડોન ગણો તો ડોન. ગામમાં તો શું પણ આજુબાજુના પંથકમાં પણ કોઇની તાકાત નહોતી કે શંભુ દાદાનું નામ લઇ શકે કે તેમનો વાળ પણ વાંકો કરી શકે. ગામના અને આજુબાજુના લોકો તો શંભુદાદાનું માન જાળવતા પણ સરકારી અમલદારો પણ શંભુદાદાનું માન જાળવતા . શંભુદાદાના નામથી જ કેટલાંયે સરકારી કામ થઇ જતાં. ગામના પોલિસપટેલ, સરપંચ અને એ વિસ્તારના ધારાસભ્ય પણ શંભુદાદાને પૂછીને જ કામ કરતા. ગામમાં કોઇપણ કામ હોય કોઇની છોકરીને તેડતા ના હોય, કોઇની વહુ આવતી ના હોય, બે ભાઇઓ વચ્ચે ઝગડો થયો હોય, કોઇના ઘેર ભાગ વહેંચવાનો હોય, સામાજિક કામ હોય, રાજનૈતિક કામ હોય દરેકમાં શંભુદાદાના નામનો સિક્કો ચાલતો. કોઇને નોકરી ના મળતી હોય તો પણ શંભુદાદાનો એક ફોન જાય કે વગર ઇન્ટવ્યુએ નોકરી પણ મળી જાય. માત્ર એટલું જ નહીં , ગુંડા અને મવાલીઓ પણ શંભુદાદાથી ગભરાતા રહેતા. કોઇને સીધો કરવાનો હોય કે મેથીપાક ચખાડવાનો હોય તો તે પણ શંભુદાદાનું જ કામ. કેટલાય માણસો પાલવતા શભુદાદા. ગામમાં કે આજુબાજુના પંથકમાં કોઇની તાકાત નહોતી કે શંભુદાદાનું નામ લઇ શકે કે તેમને આંગળી અડાડી શકે. બધાં જ શંભુદાદાથી ગભરાતાં .

નવી વસાહતનું આ ટોળું એ જ શંભુદાદાની હવેલી તરફ આગળ વધી રહ્યું હતું. પહેલાં તો બધાં જ શંભુદાદાના ઘેર ફરિયાદ કરવા જવાની ના પાડતાં હતાં. કોઇ આગળ થવા તૈયાર નહોતું પણ પછી ગોબર પોક મૂકીને રડવા માંડયો- મારી ગરીબની છોકરી એટલે શું રસ્તામાં પડેલો કાંટો ? મારી છોકરીને શું ન્યાય નહીં મળે ? સવિ આમ તો આખી વસાહતમાં સૌની માનીતી અને લાડકવાયી હતી. બધાજ ઇચ્છતા હતા કે તેને ન્યાય મળે, પણ બધા જ શંભુદાદાથી ગભરાતા હતા ,પણ એક વડીલ કાકાએ કહ્યું કે "આપણે બધા એક સાથે ટોળું થઇને જઇશું તો એ શંભુદાદો શું કરી લેવાનો છે ? આખા ટોળાને તો પતાવી દેવાની એની તાકાત નથી. આપણે ગભરાવાની જરુર નથી. શંભુદાદાના છોકરાએ કાળું કામ કર્યું છે તો એને એની સજા મળવી જોઇએ." આખું ટોળું શંભુદાદાની હવેલી તરફ જતું હતું. પણ તેમાંથી ઘણા ઓછાંને આશા હતી કે સવિને અને ગોબરને ન્યાય મળશે. શંભુદાદો તો આમેય પહોંચેલી માયા હતો. અને જ્યારે પોતાના સગા દિકરાને શિક્ષા કરવાની આવે ત્યારે ભલભલા ન્યાયાધીશો પણ પાણીમાં બેસી જાય છે. રામને વનવાસ મોકલવાની વાત આવી હતી ત્યારે રાજા દશરથ જેવા રાજા પણ વિલાપ કરવા માંડ્યા હતા. તો પછી આ શંભુદાદો તો કોણ ? કળીયુગનો કાળા માથાનો માણસ જ ને ! તે કરતો હશે પોતાના એકના એક દિકરાને શિક્ષા. અને શિક્ષા કરે તો પણ શું કરે ? ઘરમાંથી કાઢી મૂકે ? મિલ્કતમાંથી બેડખલ કરી દે ? શું કરે ? માર મારે ? ટોળામાં આવેલા બધાયના મનમાં આ પ્રશ્ન રમતો હતો. પણ કોઇ બોલવા તૈયાર નહોતું. માત્ર એક ગોબર અને તેની ઘરવાળી એ આશામાં આવ્યાં હતાં કે શંભુદાદાના રામુને એવી શિક્ષા થવી જોઇએ કે જોનારાનાં હાંજા ગગડી જાય .અને એ શિક્ષાને જોઇને કોઇ આવું કાળું કામ કરવાની ફરીથી હિંમત જ ના કરે.

હા, કાળું કામ જ કર્યું હતુંને રામુએ ? સવિ શંભુદાદાને ત્યાં કામ કરતી હતી. માંડ પંદર વરસની ઉંમર હશે તેની પણ તેના યૌવને એવું કાઠું કાઢ્યું હતું કે જોનાર તેના રુપથી જ અંજાઇ જાય. રુપ કાંઇ ઘર અને લક્ષ્મી જોઇને નથી આવતું , ગોબર જેવા ગરીબની ઝુંપડીમાં પણ રુપના દીવા ઝગમગે છે. મૂઇ સવલીનો સ્વભાવ પણ એવો હતો મળતાવડો. બધાં સાથે હસી હસીને વાતો કરે, કોઇ છોછ જ નહીં. યુવાન હોય તો પણ તેને ટપલી મારે, તાળી આપે. તેના એવા સ્વભાવના કારણે જ તે રામુની માયાજાળમાં ફસાઇગઇ. રામુ સાથે પણ હસી હસીને વાતો કરે, તેને તાળી આપે, તેના બરડામાં ધબ્બો મારે. એટલે રામુને લાગ્યું કે નક્કી સવિ તેના પ્રત્યે આકર્ષાઇ છે. જો કે રામુ આમ તો પહેલેથી જ છેલબટાઉ છે. પહેલાં પણ ગામની બે-ત્રણ યુવતીઓ સાથે તેના નામની ચર્ચા થતી હતી પણ પછી એ યુવતીઓને રામુએ છોડી દીધી હતી. એમની સાથે રામુએ શું કર્યું અને કેમ તેમની સાથેનો છેડો ફાડી નાખ્યો એ વાત ગામમાં ઘણા ઓછાં જણ જાણતાં હતાં. પણ સવિ સાથે તો તે પૂરેપૂરો જ લપેટાઇ ગયો હતો. તેને એવો ભ્રમ થઇ ગયો હતો કે સવિ તેના તરફ આકર્ષાઇ છે. એટલે સવિ સાથે મોં કાળું કરવાની તે તક શોધતો હતો.

તેવામાં તેને તક મળી ગઇ. તે દિવસે શંભુદાદા તાલુકા ઓફિસે ગયા હતા અને પાર્વતીબા – રામુનાં બા – મંદિર ગયાં હતાં. મંદિરમાં તે દિવસે ભજન હતું એટલે ત્રણ ચાર કલાક સુધી પાર્વતીબાના આવવાની તો કોઇ શકયતા જ નહોતી. તો શંભુદાદા તો સાંજ સિવાય આવે એમ નહોતું.એટલે રામુને તક મળી ગઇ.સવિ આવી હતી તો વાસણ ઘસવા અને કચરા પોતું કરવા. તેણે પહેલાં તો વાસણ ઘસી લીધાં, રામુ ઘેર જ હતો એકલો. તેણે સવિને જોઇ, તક જોઇ બીજું કોઇ તો હતું નહીં એટલે રામુની દાઢ ગળવા માંડી, લાળ ટપકવા માંડી, તે તકની રાહ જોવા લાગ્યો કે ક્યારે સવિ વાસણ ઘસી રહે અને તે ઘરમાં આવે.વાસણ ઘસતાં ઘસતાં તેનાં ઉંચા-નીચાં થતાં અંગ-ઉપાંગો તરફ તે તાકી રહ્યો. અને મનને સવિ ઉપર ત્રાટકવા તૈયાર કરતો રહ્યો. સવિ આમેય વાઘણ જેવી હતી. રીઝે તો મહારાણી અને વિફરે તો વાઘણ. રામુને મનોમન શંકા થતી હતી કે જો સવિ સહેલાઇથી તાબે થઇ જાય તો તો મજા પડી જાય. પણ જો ભૂલેચૂકે પણ વિરોધ કરશે તો તકલીફ પડશે. તો પણ તેણે મનોમન આ વખતે તો સવિને પોતાની બનાવી લેવાનું નક્કી જ કરી લીધું હતું. જે થવાનું હોય તે થાય, પણ આ વખતે તો પાછી પાની કરવી જ નથી. આ પાર કે પેલે પાર ...

વાસણ ઘસીને જેવી સવિ ઘરમાં આવી સાવરણી લઇ કે તરત જ રામુએ બારણું બંધ કરી દીધું અને એક શિકારીની માફક જ સવિ ઉપર તૂટી પડયો. સવિ વિરોધ કરતી રહી, રડતાં રડતાં કાલાવાલા કરતી રહી, આવું ના કરવાની વિનંતી કરતી રહી. પણ આજે રામુએ તો મનોમન નક્કી જ કર્યું હતું, સવિનું યૌવન ચૂસી લેવાનું . તેનો બ્લાઉઝ ફાટી ગયો તો પણ રામુ બળજબરી કરતો રહ્યો. બધું પતી ગયા પછી તેણે સવિને ધમકી પણ આપી કે "જો ખબરદાર કોઇને કહ્યું છે તો ! રામુને તો તે ઓળખે છે ને સારી રીતે ? શંભુદાદાથી ડરજે,નહીં તો શંભુદાદા તેની શી વલે કરશે તે વિચારી લેજે. માટે કોઇને કાનોકાન ખબર ના થવી જોઇએ ! નહીંતર એની ખેર નથી."

સવિ પીંખાઇ ગયેલી હરણીની માફક ફાટેલા બ્લાઉઝ ઉપર સાડી વીંટાળી ઘેર દોડી ગઇ. તેની મા તેને ફાટી આંખે જોઇ રહી. તેણે રડતાં રડતાં પોતાની આપવીતી માને સંભળાવી. તેની મા હીબકી ગઇ. રડવા માંડી. તેને છાતીસરસી ચાંપી બંને મા-દિકરી રડતાં રહ્યાં. મોડી રાતે ગોબર કામ પરથી આવ્યો ત્યારે તેને તેની માએ બધી વાત કરી. ઘડીભર તો ગોબર પણ ગભરાઇ ગયો. આ તો શંભુદાદાનો દિકરો. તેનું તો નામ પણ ના લેવાય.. શંભુદાદા જાણે તો તેને ચીરી નાખે એટલે શું કરવું તેની બંને મા-દિકરીને સમજ પણ પડતી નહોતી. રાતે મોડા સુધી વિચારતાં રહ્યાં પણ કોઇ રસ્તો મળતો નહોતો. મોડી રાતે બંનેની આંખ મીંચાઇ ત્યાર પછી સવિ જાગી. તેણે પોતાનાં માબાપને ઘસઘસાટ ઉંઘતાં જોયાં,આખું શરીર તૂટતું હતું છતાં સવિ ઉભી થઇ, વાડામાં ગઇ. કૂવા ઉપરથી દોરડું લીધું, તેનો ગાળિયો બનાવ્યો અને તે ગળામાં ભેરવી આમલીના ઝાડે લટકી ગઇ. સવારે વસાહતની જ કોઇક બાઇ લોટો લઇ ગઇ હશે તેણે આ જોયું અને બૂમરાણ મચાવી કે સવિએ ગળે ફાંસો ખાધો.

ગોબર અને તેની પત્ની દોડયાં પણ તેનો કોઇ અર્થ નહોતો. આખી વસાહત ભેગી થઇ ગઇ. પહેલાં તો શંભુદાદાનું નામ સાંભળી કેટલાક આઘા પાછા થવા માંડયા. બધા શંભુદાદાથી ગભરાતા હતા. નાગા માણસનું કોણ નામ લે ? આખી વસાહતમાં સવિ લાડકી અને માનીતી હતી પણ સામે શંભુદાદો હતો. આખા ગામનો ઉતાર નાગો માણસ. તેની સામે કોની તાકાત હતી કે બાથ ભીડે ?! છતાં પણ ગોબર રડવા માંડયો. બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે ? આમ છતાં બે કલાકની મથામણ પછી આખું ટોળું ગોબરને સાથ આપવા તૈયાર થયું. આગળ ગોબર સવિની લાશ ખભે નાખી,અને પાછળ આખી નવી વસાહત. આખું ટોળું શંભુદાદાની હવેલી તરફ. આખા ટોળામાં મોટા ભાગના માણસોને ખબર હતી કે આનો કોઇ અર્થ સરવાનો નથી. શંભુદાદો આખા ટૉળાને ભડાકે દે તેવો માણસ છે . ગોબરને કે સવિને કોઇ ન્યાય નથી મળવાનો.આ તો કોઇને એમ ના લાગે કે વસાહતના લોકો ગોબરને સાથ આપતા નથી. આજે ગોબરનો વારો છે – કેમ જાણ્યું કે કાલે પોતાનો વારો પણ નહીં આવે ? એટલે જ બધા ગોબરની પાછળ દોડતા હતા. બાકી કયો બાપ પોતાના દિકરાનો વાંક જૂએ. કોઇ બાપને પોતાનાં સંતાનનો વાંક દેખાતો જ નથી ! પણ થાય શું ? બીજો કોઇ ઉપાય પણ નહોતો.

શંભુદાદા ટોળું પહોંચ્યું ત્યારે આગળના વરંડામાં જ હીંચકે ઝુલતા હતા. ગોબરે પોતાના માથેથી ફાળિયું ઉતારી શંભુદાદાના પગમાં નાખી દીધું, ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતાં રડતાં બોલ્યો – "દાદા, હું તો તમારી ગાય છું પણ મારી સવિનો ન્યાય કરો. તમે આખા ગામનો ન્યાય કરો છો પણ આજે ગુનેગાર તમારા ઘરમાં જ છે. મારી સવિ કમોતે મરી છે. એનો ન્યાય થશે તો જ તેના આત્માને શાંતિ થશે. રામુએ તેને હરણીની માફક પીંખી નાખી હતી. આટલું બોલી તે ફરીથી રડવા માંડ્યો. આગળ બોલવાની તેની તાકાત નહોતી.

“રા.... મુ..” શંભુદાદાએ જોરથી ત્રાડ પાડી, જાણે કે જંગલમાં સિંહે ગર્જના કરી. તેમનો ચાકર ચંદુ દોડી આવ્યો .દાદાની સામે અદબ વાળીને ઉભો રહ્યો અને બોલ્યો ,” જી...દાદા...”

“મારી બેનાળી લાવ. અને રામુને બોલાવ. ઘરમાં જ્યાં ભરાયો હોય ત્યાંથી ખેંચી લાવ" આખું ટોળું આશ્ચર્યથી જોઇ રહ્યું –આ તો તેમની કલ્પના બહારનું દશ્ય હતું. એટલામાં ધ્રૂજતો ધ્રૂજતો રામુ બહાર આવ્યો અને પોતાના બાપના પગે પડી ગયો. શંભુદાદા બોલ્ય , ”નાલાયક, મને શું કામ પગે લાગે છે ? આ ગોબરને પગે લાગ. તું તેનો ગુનેગાર છે.” રામુ ગોબરના પગમાં પડી ગયો. ત્યાં તો ચંદુ બંદૂક લઇ આવ્યો. તે બંદૂક શંભુદાદાના હાથમાં આપવા જતો હતો ત્યાં તો અંદરથી પાર્વતીબા દોડી આવ્યાં, ”ચંદુ ... એ બંદૂક મને આપ. હું મા છું ને ? દિકારાને સારા સંસ્કાર આપવાની જવાબદારી માની ગણાય છે. મેં મારા દિકરાને ચારિત્ર્યના પાઠ ભણાવ્યા હતા પણ તેણે તે જીવનમાં ઉતાર્યા નથી એટલે તેને શિક્ષા હું જ કરીશ.હું જ તેને ભડાકે દઇશ.” કહી પાર્વતીબાએ રામુ તરફ બંદૂક ધરી કે તરત જ ગોબરે દોડીને બંદૂક પકડી લીધી. ”બા.. તમે આટલું કર્યું એટલે મને ન્યાય મળી ગયો. હું પણ જો જીવના સાટે જીવ લઉં તો મારામાં અને ડાકુમાં ફેર શો ?” .બધાં આશ્ચર્યથી આ જોઇ રહ્યાં ત્યારે સવિના શબના મોઢા ઉપર પણ જાણે કે એક સંતોષ છલકાતો હતો.

                                                                      -


Rate this content
Log in

Similar gujarati story from Action