Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat M. Chaklashiya

Comedy

2.5  

Bharat M. Chaklashiya

Comedy

માથાભારે નાથો - ૧

માથાભારે નાથો - ૧

13 mins
948


" લ્યો બેન, આ ફોર્મ. તમે કીધું ઇ પ્રમાણે મેં ભરી દીધું છે. મારું એડમિશન પાકું ને ? અને કેટલી ફી ભરવાની છે ?" નાથાએ લાબું ડોકું કરીને કાચની ઉપરની ધારે દાઢી ટેકવીને એ કાચમાં નીચેની બાજુએ રહેલા અર્ધગોળાકાર હોલમાં આખો હાથ નાખીને ફોર્મ આપતા કહ્યું. એ કાચ પાછળ કાઉન્ટર પર બેઠેલી ચાર્મી ચપટવાલાના નાક સાથે ફોર્મ અડી ગયું.


 "ઓ ભાઈ, ટમે દુઉડ રાખોની, આ રિટે ની ચાલે.." સુરતી ચપટવાલાએ ખિજાઇને કહ્યું. અમારા સુરતમાં "વાલા" બહુ ! મોટાભાગના સુરતી "વાલા" જ હોય. જેમ કે ગાયવાલા, દૂધવાલા, જરીવાલા,ઘીવાલા વગેરે. 

"દુઉડ રાખું ? રિટેની ચાલે ? આ નહીં ચાલે ? " નાથો, સુરતી સમજતો નહોતો. "આ રીતે નહીં ચાલે" આ વાક્યમાંથી "આ" કાઢીને

"રીતે નહીં" નું "રિટેની" એને ન જ સમજાય એ આપણે સમજી શકીએ છીએ ! 

 નાથો સમજ્યો કે મારા ફોર્મમાં કંઈક "દુઉડ" લખવાનું બાકી છે અને 

"રિટેની" હોય તો ચાલે, પણ મારું ફોર્મ નહીં ચાલે. એટલે એણે ફોર્મ ચાર્મીના નાકથી દૂર ખસેડયા વગર

ઉપર મુજબ પૂછીને ઉભો રહ્યો !

"અડે ભઈ ચાહલે, પન દુઉડ રાખોની.." ચાર્મી ફરી વખત ખિજાઈ. કારણ કે અડબંગ નાથાએ એનું ફોર્મ પેલા હોલમાં આખો હાથ નાખીને ચાર્મીના નાકને અડાડયું હતું !

 પાછું " દુઉડ" રાખવાનું કહેવામાં આવ્યું. એટલે હવે નાથો પણ ખીજવાયો.

"ફોર્મમાં જે પૂછ્યું છે ઇ બધું લખ્યું છે, બેન ! આમાં દુઉડ બુઉડ રાખવાનું નથી લખ્યું." 


 કાચની ઉપરની ધારે નાહ્યા વગરનો નાથો દાઢી અડાડીને એનું કોલેજનું એડમિશન ફોર્મ ચાર્મીના નાકે અડાડીને ઉભો હતો. 

 ગોરો વાન, પાતળી અને ઉંચી ડોક અને મોટી મોટી આંખો પર મોટી ગોળ ફ્રેમના ચશ્મા પહેરીને બેઠેલી ચાર્મી ચપટવાલા બાવીસ વરસની સુંદર યુવતી હતી. એણે નાથાના ફોર્મને ઝાપટ મારીને પોતાના નાક પાસેથી દૂર કર્યું. અને ગુસ્સે થઈને કહ્યું, " અડે યાર, આ ફોર્મ દુઉડ રાખોની એમ કેતી છું ! હમજ પડે કે ની ? છેક મારા નાકને અદાડતા છો ટમે.."


"તો એમ કયો ની ! જોઈ લ્યો બરોબર છે ને !" નાથાએ ઉંચા થઈને પોતાનું ફોર્મ કે જે ચાર્મીની ઝાપટથી કાઉન્ટર પર પડી ગયું હતું એ જોવા પ્રયત્ન કર્યો. ચાર્મીએ એ ફોર્મ લઈને ચેક કરવા માંડ્યું. બારમાં ધોરણમાં નાથો માંડ માંડ પાસ થયેલો.અને અક્ષરો પણ ગાંધીજીના અક્ષરો જેવા જ હતા. એને પોતાની જ્ઞાતી હિંદુ લેઉવા કણબી આ રીતે લખ્યું હતું, "હિન્દુલે ઉવાકણ બી".

 આવી જ્ઞાતી વાંચીને પેલી ગુંચવાય જ ને ? 


"ઓ મિસ્ટર તમે કઈ જ્ઞાટી ના છો ?

આ ટમે શુ લખ્યું છે ?" 

"હું હિન્દુ છવ. તમે ?" નાથો સમજ્યો કે પાર્ટી પરિચય કેળવવા માંગે છે.

"અરે યાર આ ફોર્મમાં તમે શું લખ્યું છે એ કેવ ની ? હિન્દુલે ઉવાકણ બી એટલે કેવી કેવી જ્ઞાટીમાં તમે આવતા છો ?" ચાર્મીએ કહ્યું.


"અમે આવતા નથી, અમે હિંદુ છીએ. અને કણબી પટેલના દીકરા છીએ, કણબી વાંહે કરોડ ઇ નથી ખબર ? તમે કેવા છો ? જો તમે કણબી નો હોવ તો વાંહયલાં કરોડમાં તમે બધા આવી જાવ હમજયા બેન ? કે ફરીદાણ હમજાવું ?" બોલકો નાથો પોતાની જ્ઞાતિની ગૌરવ ગાથા ગાવા લાગ્યો.


ઓફીસ ખુલી કે તરત જ નાથો પહેલો જ એડમિશન ફોર્મ લેવા ઘુસી ગયેલો. અને ગરબડીયા અક્ષરે ફોર્મ ભરીને સાથે બાર પાસના રિઝલ્ટની ઝેરોક્સ અને સ્કૂલ લિવિંગ જોડીને કાચ ઉપર દાઢી ટેકવીને ઉભો રહી ગયો હતો. નાથાની પાછળ એક ગોળ મટોળ અને એની ઉંચાઈ કરતા થોડીક જ ઓછી પહોળાઈ વાળી એક બાળા પણ પ્રવેશવાંછુ બનીને, પોતાનું ફોર્મ લઈને નાથો ખસે તેની રાહ જોઇને ઉભી હતી. નાથાની ગૌરવગાથામાં ગુંચવાયેલી ચાર્મીએ ગુસ્સે થઈને નાથાના ફોર્મને પેલા હોલમાંથી ફગાવી દીધું.


"ફોર્મ બડાબડ યોગ્ય રિટે ભડીને લાવો. સાડા અક્ષડોથી લખો.."

 "પણ અમારા અક્ષર હોય એવા અક્ષરે તો ભર્યું છે, તમને નો સમજાય ઇમાં મારો શું વાંક ?" ફોર્મ હાથમાં લઈને નાથો જરા પાછો હટ્યો. એ સાથે જ પાછળથી પેલી લંબગોળ છોકરીએ ચીસાચીસ કરી મૂકી.

"ઓ...માં...ઓ..ઓ..ઓ...ઓ...માં.. આ...આ...આ"


 નાથો એકદમ ચમક્યો.હજુ એ કંઈ સમજે એ પહેલાં પેલી મદનીયા સ્વરૂપે નાથાને જોરદાર ધક્કો માર્યો. બનેલું એવું કે નાથો ફોર્મ લઈને પાછો હટ્યો એ વખતે એના ચામડાના બુટની એડી પેલી છોકરીના કોમળ પગની અતિ કોમળ આંગળીઓને કચરી બેઠી. અને નાથો જે રસ્તેથી બિચારો ચાલતો આવેલો એ રસ્તાની અમૂલ્ય ચીજો બુટના તળિયે ચોંટાડી લાવેલો ! નાઝા ચમારે નાથાને સીવી આપેલા ભેંસના ચામડાના બુટ, વગર પગે કોઈના પગ ઉપર મુકવામાં આવે તો પણ રાડ પડી જાય એવું તો એ જોડામાં વજન હતું. શું છે કે નાથો મજબૂતાઈમાં પહેલેથી વિશ્વાસ ધરાવતો. પેલી વિશાળ કાયાની માલિકણ બાળા પોતાના પગની નેઇલ પોલિશ કરેલી સુંદર અને કોમળ આંગળીઓને ચગદાઈને કાદવ કીચડમાં તડપતી જોઈને પીડાથી રડવા લાગી અને ત્યાં જ પોતાનો પગ પકડીને બેસી પડી. એને વાગવા કરતા જે કાદવ એની આંગળીઓ પર નાથાના બુટના તળિયેથી લાગ્યો હતો એનું વધારે દુઃખ હતું !


"આ રાષ્કલ કોણ જાણે કાંઠી આવ્યો છે, ગધેડાએ જુઓ માહડો પગ કચડી કાયધો...ઓ..માં..આના બુટ બી કેટલા ગંડા છે...એણે.. જુઓ જુઓ માડા પગ પડ કેવું ગંડુ નાયખું...ઉં.. ઉં..ઉં.."


 નાથો હજી ફોર્મની પળોજણમાંથી ઉકલ્યો નહોતો ત્યાં આ નવી મુશ્કેલી આવી. પોતાને રાષ્કલ અને ગધેડો કહેવામાં આવ્યો, એ પહેલાં એને ધક્કો મારીને ગબડાવી દેવામાં આવ્યો હતો, અને પેલીએ દુઉડ દુઉડ કરીને નાથાને દૂર પણ કર્યો હતો એટલે નાથો પણ બગડયો.


"તો કોકની વાંહે આમ આવડા મોટા શરીર લઈને ગરી નો જવાય. થોડું આઘું મરાય..હાલી જ નીકળ્યા છે. જરીક ટાંગો ચેપાણો ઈમાં તો ભેંકવા બેઠી, ટાંગો પકડીને. અમારા પગ ઉપર તો તારી જેવી ભેંસ પગ મૂકે તોય અમે રોયા નથી. હાલ આમ હાલતીની થા.."


આ ડખો જોઈને બીજા જે છોકરા છોકરીઓ એડમિશન લેવા માટે ફોર્મ ભરવા આવેલા એ ટોળે વળ્યાં. કેટલાક સ્ત્રી દાક્ષીણ્ય ધરાવતા યુવાનોએ મુફલિસ નાથાને મારવા લીધો પણ નાથો એમ કોઈનો માર ખાય એમ નહોતો. એના પોણા છ ફૂટ ઊંચા અને મજબૂત શરીરને જોઈને ગરમ થઈને મારવા આવેલા સુરતી યુવાનો ટાઢાબોળ થઈને પરત ફર્યા, ''અડે યાર તમાડે જોવું જોઈએ કે ની..પાછડ કોઈ ઊભેલું હોય ટો..?"


"ટો શું હેં ? વાંહે ઉભું રે'વુ હોય તો જરીક આઘું મરાય. હાલતીનો થા હાલતીનો નકર હમણાં અવળા હાથની એક અડબોથ ભેગું ઝાડું ફેરવી નાંખીશ. આ તારી માને કે જે કેવું હોય ઇ.'' નાથાએ ટોળું જોઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કાચની પાછળ બેઠેલી પેલી ચાર્મીએ તરત જ નાથાને કહ્યું, "લાવ ભાઈ લાવ, તાડું ફોર્મ..મેં જોઈ લેવા..."


"તો પેલા જોઈ લેવાય ને.."કહીને નાથાએ ફોર્મ બારીમાં સરકાવ્યું.અને પેલી પગ પકડીને નાથાની બીકથી ચૂપ થઈ ગયેલી છોકરીને કહ્યું, "હાલ્ય એ ઇ આમ ખસ એકબાજુ, નકર હમણે બીજો ટાંગો પણ ચેપી નાંખીશ, ભેંસના ચામડામાંથી આ જોડા સિવડાવ્યા છે સમજી ? અને રાષ્કલ તું અને ગધેડી પણ તું હાલ આમ હાલતીની થા."


પોતાના સુંદર પગને "ટાંગા" નું બિરુદ આપનાર આ અડબંગને કોઈ કંઈ કહી શકે એમ નથી એ સમજી જઈને, અને નાથાએ ફરી એનો પગ ઉંચો કરેલો જોઈને એ ઝડપથી ઉઠીને એકબાજુ જઈને બેઠી. નાથો વિના અવરોધે એડમિશન ફોર્મ ભરીને કોલેજની બહાર નીકળ્યો. નીકળતી વખતે પેલીને કહેતો ગયો, "કોઈ સારો ઢોર ડોકટર ગોતીને પાટો બંધાવી લેજે."


***


આ નાથો રાજકોટથી બારમાં ધોરણની પરીક્ષા પાસ કરીને સુરત આવેલો. અડધો દિવસ કોલેજ કરીશું અને અડધો દિવસ હીરા ઘસીશું એવો વિચાર કરીને એ આજે સવારે જ સુરત આવતી લકઝરી બસમાં સ્ટેશન ઉતરેલો. એક ભાઈબંધનું સરમાનું ડાયરીમાં લખીને આવેલો, અને આ અગાઉ સુરત કઈ દિશામાં આવ્યું છે એની પણ આપણા નાથાને ખબર નહોતી ! સ્ટેશને ઉતરીને સૌ પ્રથમ એક નાનકડી હોટલમાં મોઢું ધોઈને ચા પાણી પતાવ્યા. સાથે લાવેલા બગલથેલામાં એના પ્રમાણપત્રોની એક ફાઇલ અને ત્રણ જોડી કપડાં, અને પેન્ટના પાછળના ખિસ્સામાં પડેલા અને માંડ માંડ ટકી રહેલા પાકીટમાં સાતસો રૂપિયા. આટલી મૂડી લઈને નાથાએ સુરતની ધરતી પર પગ મૂક્યો ત્યારે એ મનોમન પોતાને વાસ્કો-દ-ગામાં સમજતો હતો ! કારણ કે એની કારકિર્દી અહીંથી શરૂ કરવાની હતી.


નાથાનો મિત્ર મગન થોડા મહિનાઓ પહેલા આ શહેરના વરાછારોડ ઉપર આવેલી રચના સોસાયટીમાં ક્યાંક રહેતો હતો. પણ નાથાએ વિચાર્યું કે પહેલા કોલેજમાં ફોર્મ ભરી આવું. સુરતની નવયુગ કોલેજનું સરનામું અમુક જાણકાર માણસો પાસેથી એ જાણી લાવેલો. આમ તો મગનને લઈને જવાનું વિચારેલું પણ એને બિચારાને ક્યાં તકલીફ આપવી એમ સમજીને એ એકલો રિક્ષામાં બેસીને સવારે નવ વાગ્યે નવયુગ કોલેજ પહોંચી ગયો. રાત્રીની મુસાફરી અને સવાર સવારમાં બસમાંથી ઉતરીને મોઢું ધોઈને ખાલી ચા અને જેવો તેવો નાસ્તો કરીને એ અહીં પહોંચી ગયો હતો. એટલે વાળ પણ વ્યવસ્થિત નહોતા અને કપડાં પણ ચોળાઈ ગયા હતા. આવો લઘર વઘર યુવાન ઓફીસ ખુલતાંવેંત ચાર્મીને ભટકાયો એટલે એનો પણ મૂડ બગડ્યો હતો.


રાંદેરરોડની નવયુગ કોલેજથી વરાછારોડની કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલી રચના સોસાયટીનું ભાડું એકસો પચાસ થશે એમ રીક્ષાવાળાએ જણાવ્યું. એટલે નાથો મુંજાયો. એટલે રિક્ષાવાળાએ સિટીબસમાં સ્ટેશન સુધી પાંચ રૂપિયામાં અને ત્યાંથી પાંચ પાંચ રૂપિયામાં કાપોદ્રા જવાશે એમ જણાવ્યું. એટલે નાથો પોતાનો બગલથેલો ઝુલાવતો ઝુલાવતો, રિક્ષાવાળાએ બતાવેલા સિટીબસના બસસ્ટેન્ડ તરફ જતો હતો, ત્યાં જ પેલી વધુ ક્ષેત્રફળવાળી સ્કૂટર લઈને ત્યાંથી નીકળી. નાથાને તીરસ્કારથી જોઈને એણે મોં મચકોડ્યું.

"હવે જા ને જતી હોય ન્યા..." નાથાએ હાથ લાંબો કરીને પેલીને કહ્યું.

"તું છે ને અહીંયા જ ઉભો રે'જે. હમણાં માડા પપ્પાને બોલાવીને આવું, સાલ્લા રાષ્કલ !" પેલીએ નવેસરથી રણશીંગુ ફુક્યું.

''એ જાડી, જો હું આ બસસ્ટેન્ડે ઉભો છું, મારી બસ આવે ઇ પેલા તારા બાપાને અને બીજા જે કોઈ હોય એ હંધાયને લયને આવી જાજે. બસ આવી જાહે તો હું વયો જાશ, પસી કે'તી નય કે હું બી જ્યો એટલે ભાગી ગ્યો. હું કાંઈ નવરીનો નથી તે તારી વાટે ઉભો રવ..હમજી ?" નાથાએ ઉંચા અવાજે કહ્યું. અને બસસ્ટેન્ડ પર જઈને બેઠો.


પેલી છોકરીનું નામ હવે આપણે પાડી દેશું ? કારણ કે વાર્તામાં આપણે એને યાદ રાખવાની છે ! એનું નામ ચમેલી કાંટાવાલા !

વજન એ વખતે ખાલી નાસ્તા કરેલ પેટે એકસો દસ કિલો માત્ર ! જમ્યા પછી કિલો બે કિલો જેટલો ફેરફાર થઈ શકે ! એ જે ખાનદાનમાંથી આવતી હતી એ કુટુંબ સુરતની ભાગળ આગળની ખાઉધરા ગલીમાં મકાન નં 453/2/18 (મકાનનો નંબર વિચિત્ર છે નહીં ?)માં ખાઈ પીને પડ્યું રહેતું હતું. અત્યારે આપણે નાથા સાથે જવાનું હોવાથી આ ચમેલીને એને ઘેર જવા દઈએ છીએ. પછી આપણે એના ઘરની પણ મુલાકાત લઈશું.


 બસસ્ટેન્ડ પર ઉભેલા નાથાએ ખીચોખીચ ભરેલા પેસેન્જરોના વજનથી હાંફતી લાલ બસ આવતી જોઈ. એના પ્રવેશદ્વારે લટકતા કેટલાક યુવાનો કોલેજમાં જવાનું હોઈને કૂદી પડ્યા. એ બસમાં ચડવા માંગતા બસ સ્ટેન્ડ પર બેઠેલા બીજા પેસેન્જરોએ પણ દોટ લગાવી. ઉતરવા વાળા પેસેન્જરો માટે જરા પણ જગ્યા રહી નહીં. નાથો નવો નવો હોઈ એ ટોળાની બહાર આંટા મારતો રહ્યો. જે ઉતરવાના હતા એ મહાપરાણે જગ્યા કરીને અને રાડો પાડીને ઉતર્યા. અને બળિયાઓ ધક્કામુક્કી કરીને ચડી ગયા. નાથો પોતાનું નસીબ અજમાવે એ પહેલાં જ જોરદાર ઘરઘરાટી સાથે બસ ચાલતી પણ થઈ ગઈ. નાથો બસમાં ચડી શક્યો નહીં.


અડધી કલાલ પછી બીજી બસ આવતી દેખાઈ. એ સાથે જ નાથો તૈયાર થઈ ગયો. બસમાં ચડવા ઉતરવાવાળા લશ્કરો સામસામા ગોઠવાઈ ગયા હતા. જો કે બસમાંથી ઉતરવા માટેનો દરવાજો આગળ હતો ખરો પણ કોઈ એવા નિયમમાં અહીં માનતું નહોતું. અહીં તો જેને જ્યાં અને જેમ ફાવે એમ કરવાની છૂટ હતી.અને આપણો નાથો આવી આંધાધુંધીમાં પોતાની કળા કરવામાં પાવરધો હતો. કારણ કે ગામડાની ચિક્કાર ગિરદી વાળી બસમાં કેમ ચડવું એની ટેક્નિક એ જાણતો હતો. એ ટોળામાં ઘૂસીને બસના પાછળના દરવાજે પહોંચવા આગળ વધ્યો.એની ચારે તરફ જાડા, પાતળા,ઊંચા અને નીચા દરેક પ્રકારના માણસો બસમાં પોતાનું શરીર ઘુસાડવા પોતાની તમામ શક્તિ લગાડી રહ્યા હતાં.


નાથાએ આગળ વાળાની ડોક પાસેથી હાથ વડે બસના દરવાજાનો સળિયો પકડ્યો. એનો બગલથેલો ખેંચાઈને પાછળ રહી ગયો હતો એ એના શરીરને પાછળ ખેંચી રહ્યો હતો.બીજા ઘણા બધાએ બસનો સળિયો પકડ્યો હતો.બાજુવાળાએ પાછળથી નાથાને કોણી મારી.પાછળવાળો જોરથી ધક્કો મારી રહ્યો હતો.આગળવાળો આગળ વધતો નહોતો.બગલથેલો પાછળના બે જણ વચ્ચે પીસાઈ રહ્યો હતો અને નાથો અડોઅડ ઉભેલા શરીરો વચ્ચે પોતાની જગ્યા કરી રહ્યો હતો, પણ એક ઇંચ પણ ખસાતું નહોતું.

(વાચકમિત્ર, તમે ક્યારેય આવી ગિરદીમાં સરકારી બસમાં ચડવાનો અનુભવ કર્યો છે ?)


આખરે નાથાએ પણ પોતાની પાંખો ખોલી ! બન્ને હાથની કોણીઓ આજુબાજુવાળાના પડખામાં મારીને એણે પોતાના ભારેખમ બુટ, એને જે કોણી મારી રહ્યો હતો એના બુટ પર મૂકયો. પેલો તરત જ રાડ પાડી ઉઠ્યો. એ સાથે જ નાથાએ એનો બીજો પગ ઉંચકીને આગળવાળા બે જણની વચ્ચે ઘુસાડીને બસના દરવાજાના પહેલા પગથીયે ટેકાવીને આંચકો માર્યો.બીજા હાથ વડે પોતાનો મજબૂત નાકાવાળો બગલથેલો ખેંચીને બસનો બીજો સળિયો પકડીને જોરથી ધક્કો માર્યો. એનો આડે આવતા ચારપાંચ જણ આઘાપાછા થઈ ગયા અને નાથાનો બસ પ્રવેશ થયો. એ સાથે જ બસ ઉપડી. નાથો બસનો સળિયો પકડીને ખીચોખીચ ઉભેલા લોકો વચ્ચે ઉભો રહ્યો ત્યાં જ એની નજર એક સીટમાં બેઠેલા બે જણ વચ્ચે રહેલી જગ્યામાં પાથરેલા હાથરૂમાલ પર પડી.નાથો ઉભો હતો ત્યાંથી એ ત્રીજી સીટ હતી.નાથાએ પોતાના બગલથેલો ખેંચીને આગળ વધવા પ્રયત્ન કર્યો.

"ઓ ભાઈ..ટાં આગડી જ ઉભા રેવ ની..કાં.. જવું છે ? નાથાની બાજુની સીટમાં બેઠેલા એક માસીએ નાથાને રોક્યો.

"વાં કણે જયગા છે. હું નયાં બેહી જવ.." નાથાએ આગેકૂચ કરવા માટે આગળવાળાના પડખામાં ઊંધા હાથનું દબાણ આપીને પગ પેલા માસી અને આગળવાળા વચ્ચે ઘુસાડ્યો. આગળવાળો સમજ્યો કે જે રૂમાલ પાથરેલો હતો તે નાથા કાજે જ હશે એટલે એણે બિચારાએ સાઈડમાં ખસાય એટલું ખસીને નાથાને આગળ વધવાની જગ્યા કરી આપી. નાથાએ આગળ ડગલું માંડ્યું એ સાથે જ પેલા માસીના ગળામાંથી તીવ્ર વેદનાથી કણસતો જાડો બરાડો ગાજી ઉઠ્યો


"ઓ.. છોકડા..વાંઝડીના...તાડી માનો આખ્ખો પગ છૂંડી નાયખો... કોન જાને કાંથી આયવો છે, કૂટડીના..વાંદડીના...તાડો પગ તો ઉચ્ચો કડ.. હું તો મડી જાવાની...ઓ..ઓ..ઓ.."


નાથો સમજી ગયો કે ભેંસના ચામડાના બુટે ફરી પોતાનો પરચો બતાવ્યો લાગે છે.

"સોરી માસી, પણ આગળ જગ્યા મળે તો હું પગ ઉંચો કરું ને ! ઘડીક સહન કરો.."

"સાલ્લા, ટાડો પગ ઉપાડ, પગ ઉપાડ..કૂટડીના..."માસીને થઈ રહેલી પીડા એમના મોં માંથી સરસ્વતી બનીને વહી રહી હતી.

 

આખરે નાથાએ ગાળોનો બદલો લેવા માટે માસીના પગ ઉપર પૂરેપૂરું વજન દઈને ડગલું બદલ્યું. માસીની રાડથી બસના ડ્રાઇવર અને કંડકટર હરકતમાં આવ્યા. અને બસ ઉભી રાખવામાં આવી. પણ અંદર કંઈ તપાસ થઈ શકે તેમ નહોતું. નાથો હવે પેલી રૂમાલ વડે રોકાયેલી સીટ પાસે આવી પહોંચ્યો. બારી પાસે બેઠેલા એક યુવાને એનો મિત્ર કે જે બસના દરવાજામાં ટીંગાઈ રહ્યો હતો એના માટે જગ્યા રોકી રોકી હતી. અને એ જગ્યા પર બેસવા આવનારને એ યુવાન ડોળા કાઢીને બીવડાવતો હતો અને પોતાનો દોસ્ત આવતો હોવાનું કહીને ત્યાં બેસવા નહોતો દેતો. હવે એ જગ્યા પર બેસવા માટે નાથાએ અંદર તરફ બેઠેલા એક કાકાને પૂછ્યું, "કાકા, આ રૂમાલ તમે આયાં મેલ્યો છે ?''


 "ના, ભઈ એ તો આ ભાઈએ જગા રોકી પાડેલી છે." કાકાએ બારી પાસે બેસીને બહારનો નજારો જોઈ રહેલા યુવાનને બતાવીને કહ્યું.

"ઓ..હીરો..આ રૂમાલ તારો છે ?" નાથો હવે થાક્યો હતો.

"પેલાએ બેફિકરાઈથી નાથ સામે જોઇને કહ્યું, "હા, કેમ ? માહડો ડોસ્ત આવતો છે..એ તાં આગડી.. રહ્યો..." (એ ત્યાં આગળ રહયો)

"રૂમાલ લેવો હોય તો લઈ લે, હું આયાં બેહવાનો છું."કહીને નાથાએ બગલથેલો એ સીટ પર નાંખતા કહ્યું.

"કેમ, જબડ જસ્તી છે કે ? કિઢું તો ખડા..માડો ડૉસ્ટ આવટો છે.." પેલો પણ માથાભારે હતો.

"એ આવે ત્યારે હું ઉભો થઇ જાશ.અતારે બૈહવા દે." કહીને નાથો બેસી ગયો.

 "ઓ ભાઈ, અહિયાંઠી ટું ઉભો જ ઠઇ જા ચલ, માહડો ડોસ્ટ પાછલ આવટો છે હેં કે..ચલ ઉઠ.." પેલાએ હોઠ પહોળા કરીને દાંત દેખાડીને નથાનું બાવડું પકડ્યું. નાથાને પૂંછડી બે પગ વચ્ચે દબાવીને, બળવાન કૂતરા સામે દાંતિયું કરતું નબળું ખહુરિયું કૂતરું યાદ આવી ગયું એટલે એ હસ્યો. અને પોતાનું બાવડું છોડાવતા બોલ્યો, "જો ભાઈ, તારો એ દોસ્ત અહીં પહોંચી શકે એવી કોઈ શકયતા નથી. તેમ છતાં જો એ આવી જાય તો હું ઉભો થઇ જઈશ. એટલે તું મે'રબાની કરીને મને ઉઠાડવો રહેવા દે. તું પોતે શાંતીથી બેસ અને મને બેસવા દે."

"કેમ કેમ..મેં આ જયગા માડા ડોસ્ટ માટે રોકેલી છે. ટું બલજબરીઠી અહીંયા આગડ બેસી ગયેલો છે, માટે ટું ઉઠ.." પેલાએ ફરીથી બાવડું પકડ્યું.


નાથાએ ડાબી બાજુ બેઠેલા કાકાને કહ્યું, "ઓ કાકા..સમજાવો આ તોતલાને..ઇને ખબર નથી ઇ કોની હારે પંગો લઈ રીયો છે. હું કવ છું તો ખરો કે એનો દોસ્ત આવે તો હું ઉભો થઇ જઈશ. તેમ છતાં મને એ ઉઠાડવા માંગે છે, હું શું ગલીનું કૂતરું છું તે આમ હડકારો કરે એટલે ઉભો થઈને હાલવા માડું ? સમજાવો, સમજાવો નકર આ નોળિયું ખાશે મારા હાથનો !"


"ભાઈ, હું તો કંઇ જાણતો નથી.એ જાણે ને તું જાણે. લડી મરોને, મારા બાપનું શુ જાય છે..!" પેલા કાકાએ દરમ્યાનગીરી કરવાની ઘસીને ના પાડી. એટલે નાથાને જાણે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની પરવાનગી અમેરિકાએ ભારતને આપી હોય એમ એ પેલા બારીપ્રેમી તરફ ફર્યો. અહીં ફર્યો કહેવા કરતાં વિફર્યો કહેવું પડશે કારણ કે જે હાથે પેલાએ નાથાનું બાવડું પકડ્યું હતું એ હાથ પર નાથાના મજબુત હાથની એક ઝાપટ પડી. અને એના ગાલમાં નાથાએ આંગળીઓનો ગોદો મારીને કહ્યું, "અલ્યા કહું છું કે ઘડીક બેહવા દે. આ બસ કાંઈ તારા બાપની નથી. ક્યારનો ઉઠ ઉઠ કરછ તે જા. અમે હવે નથી ઉઠતાં. અને તારો ભઈબન્ધ આવશે તોય હવે હું નઈ ઉઠું. એમ કાંઈ રૂમાલ પાથરી દયો એટલે જગ્યા તમારી નો થઈ જાય. કાલ ઉઠીને કોકની બયરી ઉપર રૂમાલ નાખશો એટલે શું ઇ તમારી થઈ જાહે...? હાળા નિસના પેટના'વ..હાલી જ નીકળ્યા છવો..!"


નાથાની આંખો લાલ થઈ ગઈ. હવે નાથાને ઉઠાડવો હોય તો પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવું પડે એમ હતું. અને પેલા બે જણ હતા. એટલે પેલાએ લડવાનું નક્કી કર્યું. એણે ઉભા થઈને નાથાને ધક્કો દીધો. અને નાથાના શર્ટનો કોલર પકડીને મારવા હાથ ઉગામયો.

"બે# @#, ટાડી માં @#$ @#&ના...ટું હમજે છે શું ટાડી જાટ ને..કિઢું ને ઉભો થઇ જા.. એટલે ઉભો થઇ જા.." 

 

ગાળો અને માર બન્ને સામે પક્ષેથી શરૂ થયું એટલે નાથાએ પેલાનું ગળું પકડ્યું.અને એના પેટમાં જોરદાર મુક્કો માર્યો.

''તારી જાતના, તારા બાપની બસ છે ? @$##!ના.." વળતી ગાળ દઈને નાથાએ પેલાને ધોવાનું શરૂ કર્યું. બસમાં હો હા મચી ગઇ.પેલા કાકાએ ઉભા થઈને જગ્યા પણ કરી આપી. નાથાએ પેલાને સીટમાં દબોચીને ગાલ ઉપર બે ચાર ઝાપટ ઠોકી દીધી. અન્ય મુસાફરોએ નાથાને રોકવા એના હાથ પકડ્યા. પેલાને પણ ઉભો કરીને બીજા બે જણે પકડ્યો.


"આ છોકરાનો વાંક નથી, પેલો જગ્યા રોકીને બેસી ગયો'તો. આણે બિચારાએ ઘડીક બેસવા દેવાનું કહ્યું પણ પેલો માનતો નહોતો." કાકાએ પરિસ્થિતિનો ચિતાર આપ્યો.બસ ફરીવાર ઉભી રાખવામાં આવી. પેલી માસી કે જેનો પગ નાથાના બુટની એડી નીચે આવી ગયો હતો એણે નાથા વિરુદ્ધ જુબાની આપીને નાથાને કસૂરવાર ઠેરવ્યો. આખરે નાથાને અને પેલો જે એની સાથે ઝગડેલો એ બન્નેને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા. પેલાનો દોસ્ત કે જેના માટે જગ્યા રોકવામાં આવી હતી એ પણ બસમાંથી નીચે ઉતર્યો. હવે રોડ પર નાથાનો એક માત્ર સાથીદાર એનો બગલથેલો હતો અને પેલા બે જણ હતા.


 ''ચાલ, ઓ.. આ બાજુ..અમે લોકો ટને છોડવાના નથી." પેલો હજુ લડવાના મૂડમાં જ હતો. એણે નાથાના શર્ટનો કોલર પકડીને ખેંચ્યો. નાથાએ એના મોઢા પર એક મુક્કો મારીને એના દોસ્તને પણ એક જોરદાર પાટું માર્યું. નાથાના પાટુ પ્રહારથી પેલો બેવડ વળી ગયો.


એ બન્ને વળતો પ્રહાર કરે એ પહેલાં નાથાએ રીક્ષા રોકી અને તેમાં બેસી ગયો. પેલા બન્ને ગાળો બોલતા બોલતા થોડીવાર પાછળ દોડ્યા. નાથો સ્ટેશન પર રિક્ષામાંથી ઉતર્યો અને રિક્ષાવાળાને દસ રૂપિયા આપવા માટે પાછલાં ખિસ્સામાંથી પાકીટ કાઢવા હાથ નાખ્યો ત્યારે પાકીટ નાથાને છોડીને કોઈ ખિસ્સાકાતરું સાથે ચાલ્યું ગયું હતું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Comedy