Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Crime Romance Tragedy

3  

Sapana Vijapura

Crime Romance Tragedy

સ્વભાવગત

સ્વભાવગત

6 mins
14.2K


ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી! આકાશમાંથી રૂના પુમડાં જેવો બરફ પડી રહ્યો હતો! પણ નેહાના હ્રદયમાં આગ લાગેલી હતી! ગુસ્સાથી એનો રૂપાળો ચહેરો લાલ થઈ ગયો હતો. શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું. બેડરૂમના બારણા બંધ કરી, એ ધડાધડ પોતાના તથા રોનકના કપડાં એક સુટકેસમાં ભરી રહી હતી ! આંખમાંથી અંગારાની જેમ આંસું વહી રહ્યાં હતાં ! એ માણસ એના મનમાં સમજતો શું હશે ! મારું આખું જીવન એને સમર્પણ કર્યુ ! એની કમી હતી છતાં એને સ્વિકાર્યો ! વિશ વરસ સુધી એની ગુલામી કરી ! એની ખુશીમાં ખુશ રહી ! એ કહે દિવસ તો દિવસ એ કહે રાત તો રાત. અને એણે મારી પીઠમાં છરી ભોંકી ? હું તો આંખે પાટા બાંધી ગાંધારીની જેમ એની પાછળ ચાલતી રહી અને એ પોતાની ચાલ રમતો રહ્ય! ના, હું આવું જીવન નહીં જીવી શકું. મારે આ ઘર છોડવું જ રહ્યું. નેહા રડતાં રડતાં પલંગ પર ફસકાઈ પડી. એની સામે એનું જીવન ચિત્રપટની જેમ પસાર થઈ ગયું!

લગ્નમાં ચોથા વરસે એને ખબર પડી ગઈ હતી કે સુનિલ પિતા બની નહીં શકે અને એ સમયે સુનિલે એને કહેલું કે ઈશ્વરે મને આ કમી આપી છે તું તારે મને છોડીને જવું હોય તો જા. પણ એ સુનિલને વળગીને રડી પડી હતી અને કહ્યું હતું કે ના એ જીવનભર એનો સાથ નહીં છોડે. અને બસ એનું આખું જીવન સમર્પણ કરી દીધું. બન્ને એ ડોકટરની સલાહ લઈ આર્ટિફિશિયલ ઈન્સેબીનેશન કરાવી બીજાના સ્પર્મ નેહાના ગર્ભમાં મૂકી બાળક માટે કોશિશ કરી અને ભગવાને એમને ગોદમાં રોનક મૂકી દીધો. નેહા તો જાણે દીવાની બની ગઈ. બસ રોનકની આસપાસ એની દુનિયા ઘુમી રહી હતી. ગુલાબના ગોટા જેવો રોનક ખૂબ દેખાવડો અને મીઠો હતો. ધીરે ધીરે મોટો થવા લાગ્યો. નેહા આખો દિવસ રોનકની પાછળ હોય અને ઈન્ટરનેટનો જમાનો આવ્યો. કૉમ્પ્યુટર પર સોશિયલ મીડિયા ચાલુ થઈ ગયું. અને સુનિલ આખો દિવસ કૉમ્પ્યુટર બેસી રહેતો. નેહાને સપને પણ ખ્યાલ નહોતો કે એ અડધી રાત સુધી કૉમ્પ્યુટર પર શું કરે છે. એનો વિશ્વાસ કરતી હતી! પણ એને એટલો ખ્યાલ જરૂર આવ્યો હતો કે સુનિલનો વ્યવહાર એની સાથે રૂક્ષ થઈ ગયો હતો. એની કોઈ વાતમાં કે રોનકની કોઈ વાતમાં એને રસ રહ્યો ન હતો. પણ એ વિચારતી કે કદાચ રોનક એનું પોતાનું બાળક ન હતું. એટલે એક પિતા જેવો પ્રેમ ન આપી શકતો હોય પણ વાતમાં મહેણા મારવા અને એનાં પિયરિયા વિષે જેમ ફાવે એમ બોલવું! એનાં પિતાને ગાળો ભાંડવી. એનો રુક્ષ વહેવાર જોઈ એ ભાંગી પડતી પણ રોનક એના જીવનમાં ફરી નવી રોનક લઈ આવતો.

અને નવેમ્બર મહીનો આવ્યો. રોનક હજુ સાત વરસનો હતો. નાજુક લાગણી શીલ રોનક ! એને ક્યાં હકીકતની ખબર હતી એ જેને પિતા માનતો હતો એ ખરેખર એનો પિતા જ નથી. સુનિલને કોઇ કારણસર ભારત જવાનું થયું. નેહાના દિલમાં તો જરાપણ શંકા ના હતી! હા ચોક્કસ એના જવાનું દુઃખ હતું કે બે મહીના માટે જતો હતો અને એ રોનક સાથે એકલી પડી જવાની હતી પણ એ સુનિલ સાથે તૈયારી કરવા લાગી એની બેગ ભરી આપી એને જોઈતી બધી વસ્તુ ભરી આપી. લોકો માટે ગીફ્ટસ અને ચોકલેટ બદામ અને લવિંગ વગેરે. નેહા એના શુઝની પોલીશ કરી તૈયાર રાખ્યા હતા. જવાની તૈયારી થઈ ગઈ આજ ફ્લાઈટ હતી! અને એક મિત્ર રાકેશનો ફોન આવ્યો કે એ પણ એરપોર્ટ જવા માંગે છે અને એની પત્નિ હાઈવે પર ડ્રાઈવ નથી કરતી તો તમે રાઈડ આપશો ? નેહાનો સ્વભાવ પહેલેથી બીજાને મદદ કરવાનો એને કહ્યું હા શા માટે નહીં ? અમે ત્રણ વાગે નીકળવાના છીએ તમે અઢી વાગે આવી જજો પણ એ લોકો સાડા ત્રણ વાગે આવ્યા.

સુનિલનો ગુસ્સો આસમાન પર પહોંચી ગયો. નેહા ગભરાતી ગભરાતી ઓફિસમાં આવી. ઇન્ટરનેટ પર અછડતી નજર ગઈ તો કોઈનો પત્ર હોય તેવું લાગ્યું. પણ સુનિલે તરત કૉમ્પ્યુટર બંધ કર્યુ. નેહાને સુનિલના વહેવારમાં બદલાવ લાગતો હતો. પણ આમ પણ એ ક્યારેય એના વર્તનને સમજી નહોતી શકતી. અંતે રાકેશ અને એની પત્નિ માધવી આવી ગયાં. અને બધાં એરપોર્ટ પર જવા નીકળ્યા. જેવા એરપોર્ટ પર આવ્યા અને એનાઉન્સમેન્ટ થયું કે કુવેત એરલાઇન્સની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી. સુનિલ હવે ધુંઆપૂંઆ થઈ ગયો. એણે કાઉન્ટર પર જઈને કહેવા લાગ્યો કે મારે આજ ને આજ ભારત જવું જરૂરી છે. એરલાઇન્વાળાએ એને એરફ્રાન્સ એરલાઈનથી ભારતની ટીકીટ કરી આપી. સામાન અપાઈ ગયો. એકાંત મળતા સુનિલે નેહા ઉપર ગુસ્સો કાઢ્યો, "તું રાકેશને રાઈડ આપી એટલે બધા પ્રોબલેમ થયા. આવીને તારો ફેંસલો કરૂ છું. નેહાના દિલમાં ધ્રાસકો પડ્યો. પોતાનો વાંક સમજાયો નહીં. ફ્લાઈટ ઉપડી ગઈ. આખા રસ્તે નેહા ઉદાસ હતી. માધવી એને સાંત્વાન આપવા કોશિશ કરતી હતી પણ કાંઇ અસર ન હતી. એ સુનિલને જાણતી હતી. એને કાંક શંકા જઈ રહી હતી કે કંઈક પ્રોબલેમ છે પણ સમજાતું નથી શું ?

એ ઘરે આવી. જેવી માધવી ગઈ એ ઇન્ટરનેટ પર ગઈ. એ.ઓ.એલ.નો પાસવર્ડ ન હતો. એણે એ.ઓ.એલને કોલ કરી પાસવર્ડ લીધો. અને સુનિલની મેઇલમાં ગઈ. એમાંથી ૯૦ જેટલા પ્રેમપત્રો મળી આવ્યા. મોના નામની છોકરીના લખેલા પત્રોમાંથી નેહાને જાણવા મળ્યું કે સુનિલ ભારત જઈ મોનાને મળવાનો હતો અને નેહાને એના જીવનમાંથી તલાક આપવાનો હતો. નેહા ઉપર વીજળી પડી. આ પહેલો આઘાત હતો.આંખોમાંથી ચોધાર આંસુ પડી રહ્યા હતા. કોને કહું ? શું કહું? કેવી રીતે રોકું? વાળ વિખેરાઈ ગયા, આંખો સુઝી ગઈ કાંઈ સમજ પડતી ન હતી. લાગણીઓ છાતીમાં ઉકળતી હતી. કેવી બેવફાઈ એના માટે કેટલું સહન કર્યુ. આ પત્રોમાંથી મોનાનો ફોન નંબર મળ્યો. એણે મોનાને ફોન જોડ્યો. હૈદરાબાદમાં રહેતી મોનાએ ફોન ઉપાડ્યો. નેહાએ ડરતા ડરતા કહ્યુ કે એ સુનિલની પત્નિ છે. મોના અવાચક થઈ ગઈ! મોના બોલી, "સુનિલે મને કહ્યું છે કે તમારો તલાક થઈ ગયો છે!" નેહા રડી પડી અને કહ્યું કે ના અમારા તલાક થઈ નથી ગયા. અને નેહાએ એ પણ ઉમેર્યુ કે, "તને ખબર છે કે એ બાપ બની શકે એમ નથી. અને અમારો દીકરો એ આર્ટિફિશિયલ ઈન્સેબીનેશનથી થયો છે! મોના અવાક થઈ ગઈ અને કહ્યું કે ના એ મને ખબર નથી !

સુનિલ ભારત પહોંચી ગયો. મોનાને ફોન કર્યો! મોનાએ એને ખખડાવી નાખ્યો કે એક તો તું તારી પત્નિ સાથે બેવફાઈ કરે છે અને મને દગો આપવાની કોશિશ કરી રહ્યો છે. સુનિલ સમજી ગયો કે નેહાએ ફોન કર્યો છે. એણે નેહાને ફોન કરી ધમકી આપી, માફી માંગવાને બદલે! બે મહીના પછી એ પાછો ફર્યો. જાણે કશું બન્યું નથી. ફરી એક વાર બે અજાણ્યા માણસો સાથે રહેવા લાગ્યા. કોઈ જાતની મીઠાશ નહીં વાત વાતમાં ઝઘડા અને વાત વાતમાં નેહાને અપમાનીત રાખતો સુનીલ આખો દિવસ કૉમ્પ્યુટર પર બેસી રહેતો. હા બીજી મોનાની શોધમાં અને ફરી એક વાર નેહાએ એને પકડી પાડ્યો. એ લંડનની કોઈ ત્યક્તા સ્ત્રી હતી. સુનિલ પોતાની નબળાઈ કોઈને કહેતો નહીં. અને સ્ત્રીઓને જૂઠ બોલી બોલી ભોળવી લેતો.

આ વખતે નેહા ખૂબ ગુસ્સામાં આવી. એ ડિસેમ્બર મહીનો હતો! કડકડતી ઠંડી. બરફ પડી રહ્યો હતો. કપડા પેક કરી નેહાએ વેનની ચાવી લીધી પર્સ લીધું. અને બેગ લઈ રોનકનો હાથ પકડી બહાર જવા લાગી તો સુનિલે એને રોકી લીધી. અને કહ્યું કે આ વેન મારે નામે છે એની ચાવી મૂકતી જા અને બધાં ક્રેડીટકાર્ડઝ મૂકતી જા પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા. નેહા ફસકી પડી ! અજાણી બેડીઓએ એના પગ બાંધી લીધા. આ નાજુક રોનકને લઈને ક્યાં જાઉં ? આ કડકડતી ઠંડી. અને રોનક પણ એના પગ પકડીને કહી રહ્યો હતો મમ્મી ક્યાંય નથી જવું. મોમ ડોન્ટ ગો, મોમ ડોન્ટ ગો! નેહા રોનકને છાતી સાથે લગાવી રડી પડી! મા પણ કેટલી મજબૂર હોય છે. એ નાના નાના હાથે એનાં રસ્તા રોકી લીધા.

ફરી જીવન ચાલવા લાગ્યું. ફરી એજ વાત વાતમાં મેણાં ટોણાં. ફરી એજ રફતાર. હા, એક વાત બદલાઈ હતી. રોનક મોટો થઈ ગયો હતો. એ ધીરે ધીરે પિતાથી દૂર થઈ રહ્યો હતો. કોલેજમાં ગયો ડોર્મમાં રહેવા લાગ્યો! નેહા અને સુનિલ મોટા ઘરમાં જુદાં જુદાં ઓરડામાં પ્રેમવિહિન જિંદગી પસાર કરી રહ્યા છે. હવે તો વોટ્સએપનો જમાનો પણ આવી ગયો હતો! સુનિલ હંમેશાં એનો ફોન છૂપાવતો ફરતો! ફેઈસબુકનો પાસવર્ડ ન આપતો. નેહાને આદત પડી ગઈ છે એને ખબર છે કે બીજાં ઓરડામાં શું ચાલી રહ્યું છે! ફરી કોઈ સ્ત્રીને ખોટી આશા આપી રહ્યો હશે. કે ખોટાં સપનાં બતાવી રહ્યો હશે ! કે પ્રેમનાં મેસેજ મોકલી રહ્યો હશે!! અને જ્યારે પકડાઈ જશે કે વાત લગ્ન સુધી પહોચશે કે નેહા એ સ્ત્રીને ફોન કરી સુનિલની નબળાઈ ના પોલ બહાર પાડશે ! ફરી સુનિલ બીજી સ્ત્રી શોધી કાઢશે. નેહા હંમેશાં ડિપ્રેશનમાં રહે છે. એ સાઇકિઆટ્રિસ્ટ પાસે પણ ગઈ હતી. એમણે કહ્યું હતું કે સુનિલ ૯૦ વરસનો થશે તોય આ ધંધા કરવાનો તારામાં સહન કરવાની તાકાત હોય તો રહે નહીંતર છૂટાછેડા લે. પણ રોનક માટે એણે છૂટાછેડા ના લીધા ! અને સુનિલ નેહા સાથે બેવફાઈ કરતો રહે છે. રોનક માટે કે પછી ખબર નહીં કેમ એકબીજા સાથે જોડાયેલા છે. સુનિલ કદી સુધરવાનો નથી એની એને ખબર છે!કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી! એને જમીનમાં દાટો તોય સીધી ના થાય !


Rate this content
Log in

Similar gujarati story from Crime