Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Children Classics Inspirational

3  

Irfan Juneja

Children Classics Inspirational

મારી પ્રિય મિત્ર ડાયરી

મારી પ્રિય મિત્ર ડાયરી

7 mins
14.6K


બહુ સમય થયો કંઇક લખે. જયારે લખવું તમારી આદત બની જાય ત્યારે લખ્યાં વગર મન બેચેન રહે. ઓકટોબર ૨૦૧૭થી મેં લખવાની શરૂઆત કરી. એ પછી સતત કંઇક ને કંઇક લખવું ગમતું. લખવાની આદતે મને મારા મન સાથે વાતો કરતો કરી દીધો. ક્યારેક જીવનની યાદો વાગોળવાનો મોકો મળ્યો તો પછી ક્યારેક દુનિયામાં ચાલી રહેલા બનાવો વિષે મનની વાત રજૂ કરવાનો મોકો મળ્યો.

લખવાથી મન ખુબ જ હળવું કરી શકાય છે. મનમાં કોઈપણ ગુસ્સો હોય કે પછી કોઈ સામાજિક દુરવ્યવ્હારની અસરને શબ્દોથી પ્રતિસાદ કરી શકાય છે. મનની જે ઈચ્છા પુરી ન થઈ શકી હોય એને તમારી કાલ્પનિક રચના દ્વારા પુરી કરી શકો. લખવાથી તમે રોજ એક નવું જીવન જીવી શકો. કોઈપણ પાત્રને તમારી મરજી મુજબ જીવાડી શકો.

જયારે શરૂઆતમાં ફક્ત વાંચનની આદત હતી એ સમયે થતું કે લોકોને આટલા સુંદર વિચારો ક્યાંથી આવતા હશે ? લોકો કઈ રીતે સુંદર કવિતાઓ અને વાર્તાઓ બનાવતા હશે ? પણ જયારે કલમ પકડીને લખવાની શરૂઆત કરી ત્યાં'તો જીવનના અનુભવો, લોકોના મારા પ્રત્યેના વર્તનો, ટીવી કે ફિલ્મમાં જોયેલી વાર્તાઓ કે ઘટનાઓ, સમાજમાં ચાલી રહેલી પરિસ્થિતિઓ એક પછી એક હરોળમાં ગોઠવાતી ગઈ. ક્યારેક મારા મમ્મીનાં જીવન સંઘર્ષને યાદ કર્યો તો ક્યારેક પપ્પાનાં, શાળાની મીઠી યાદો યાદ આવી તો પછી ક્યારેક કોલેજની મોજ મસ્તી, ક્યારેક જીવનનાં કઠિન દિવસોને યાદ કર્યા તો ક્યારેક જીવનમાં મેળવેલી ઉપલબ્ધીઓને. આમજ એક પછી એક રચનાઓ લખાતી ગઈ.

આજે ઘણા સમય બાદ થયું કે હવે એક એવી કોલમ કે સ્ટોરી લખું જેમાં ક્યારેક મનમાં ઉમટી પડેલા સવાલો હોય કે મારી એકલતા, મને કંઇક ખાસ અનુભવ થયો હોય કે કોઈ પાસેથી સાંભળેલ વાત, દરેક ને હું મન ખોલીને અહીં વર્ણવી શકું અને આપ લોકો દ્વારા મળતાં અભિપ્રાયો કે સૂચનો થી ક્યારેક સવાલનો જવાબ મેળવું તો પછી ક્યારેક જીવનના એ ખાટા-મીઠા અનુભવ વાગોળીને ખુશી અનુભવું.

સમય જતાં ક્યાં વાર લાગે છે. લગભગ દસ એક મહિના પહેલા XYZ જેવું કોઈ માધ્યમ છે એવું પણ ખ્યાલ નહતો જયારે આજે રોજ XYZ પર કોઈકના પ્રતિભાવ, કોઈકની કવિતા કે કોઈકની વાર્તા વાંચ્યા વગર દિવસ જતો નથી. સાથે સાથે કંઇક ને કંઇક લખવાનું મન સતત થયા જ કરે છે. તો ચાલો આજે હું મારી પ્રિય મિત્ર ડાયરીમાં મારા જીવનની કોઈ એક વાતથી શરૂઆત કરું.

***

ભણવાનો મને નાનપણથી ખુબ જ શોખ. મારો જન્મ પાંચમી સપ્ટેમ્બર એ થયો જેને બધા શિક્ષક દિન નિમિતે ઉજવે છે. પણ જયારે તમારો જન્મ શિક્ષક દિને થાય તો તમને શાળામાં પ્રવેશ પાંચ વર્ષની ઉંમરે ન મળે કેમ કે તમારી ઉંમર જૂનમાં ચાર વર્ષ અને નવ માસ જ થતી હોય એટલે પ્રિન્સિપાલ કહે કે આવતા વર્ષે જ એડમિશન થશે. મારી સાથે પણ કંઇક આવું જ થયું. પણ ભણવાનો એટલો શોખ કે હું ઘરે આવીને જીદ કરવા લાગ્યો કે મારે આજ વર્ષે શાળાએ જવું છે. મમ્મી-પપ્પા એ સમજાવવાની ઘણી કોશિસ કરી પણ હું કોઈ વાતે માનવા તૈયાર ન હતો. ન માનવાનું એક કારણ એ પણ હતું કે મારો કઝીન ને નાનપણનો મિત્ર અફઝલ મારાથી ઉંમરમાં એકવર્ષ મોટો હતો અને એને શાળામાં પ્રવેશ મળી ગયો હતો.

મારી આ જીદ જોઈને પિતાએ ધોરણ એકના વર્ગશિક્ષક શ્રી રહિમખાંનજી મલિક સાહેબને આજીજી કરી. એમને મારા પપ્પાને કહ્યું કે

"જો તમારો દીકરો તોફાની ન હોય અને વર્ગમાં બીજા બાળકોને હેરાન ન કરે તો જ હું એને બેસાડીશ, નહિતર બીજા દિવસથી આવવા નહિ દઉં"

મારા પિતાએ એમને ખાતરી આપી. હું વર્ગમાં કોઈ તોફાન-મસ્તી નહિ કરું. મને ઘરે આવીને આ વાતની જાણ કરાઈ હુ'તો ખુશીમાં ને ખુશીમાં કુદકા મારવા લાગ્યો. મારા દાદાજી પાસે જઈને કહ્યું

"ચાલો બાપુ આપણે નોટ, પાટી(સ્લેટ), પેન્સિલ, ફુલપાંદડી, દેશીહિસાબ ને બધું લઇ આવીએ.. કાલથી તો મારે નિશાળે જવાનું છે..."

મારા દાદાજીનો હું ખુબ લાડકો અને માનીતો હતો. એમને ખબર હતી કે મને શાળામાં બસ શોખ અને જીદ માટે જ બેસાડવામાં આવ્યો છે. બાકી મારુ પહેલું ધોરણ'તો આવતા વર્ષે જ શરૂ થશે છતાં એ મારી ખુશી માટે મને લઈને ગામમાં વાણીયાના ચોકમાં આવેલી જ્યંતિભાઈની દુકાને લઇ ગયા. ત્યાંથી બધી જ વસ્તુઓ અપાવી. હકીકતે તો એ સમયે મને ના એકડા લખતા આવડતા હતા કે ના કઈ વાંચતા છતાં મારા દાદાજીએ હું રડું નહિ કે રિસાઈ ન જાઉં એ માટે બધી જ વસ્તુઓ અપાવી.

ઘરે આવી એક કપડાંની થેલી જેમાં ઘણા લોકો શાકભાજી ને એવું લેવા જતા હશે એવી જ એક નવી થેલી મમ્મી પાસેથી લઈને મેં એમાં બધી વસ્તુઓ ગોઠવી. મને આજે પણ યાદ છે કે એ દિવસે મને રાત્રે નીંદર પણ સરખી નહોતી આવી સતત એમજ થતું કે ક્યારે સવાર થાય ને ક્યારે હું શાળાનું પગથિયું ચડું.

સવાર થતા જ મારા મમ્મીએ મને નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધો. મારા દાદાજી નજીકમાં રહેલી ઘનશ્યામ ભાઈની દુકાનેથી ચોકલેટની બે થેળી અને શ્રીફળ લઇ આવ્યા. મારા દાદાજી એ મારુ દફતર (કપડાંની થેલી જે મેં રાત્રે તૈયાર કરી હતી) પકડ્યું અને મને હાથનો ખોબો બનાવી એમાં શ્રીફળ મૂકીને શાળા એ લઇ ગયા. મારા ચહેરા પણ એટલો હરખ હતો કે કોઈ પરણવા જાય ત્યારેય આટલો ન હોય.

શાળાના પ્રવેશતા જ બધા છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. જયારે પણ કોઈ નવા બાળકનું એડ્મીસન થાય ત્યારે ગામમાં ચોકલેટ, ખાટી-મીઠી ગોળીઓ કે બિસ્કીટ મળે એટલે બધા છોકરાઓ આ રીતે કોઈ નવા બાળકને આવતા જોઈને ખુશખુશાલ થઇ જાય. મારી શાળા શ્રી પગાર કેન્દ્ર શાળા વણોદની કાર્યાલયમાં સૌથી પહેલા મને લઇ ગયા. તમને થતું હશે ને કે મારી શાળાનું આવું નામ કેમ ? હા આવું જ નામ છે. કેમ કે એ સમય આસપાસના બાર ગામના શિક્ષકોની મીટીંગ, પગાર બધું અમારી આ સરકારી પ્રાથમિક શાળામાંથી જ થતું એટલે એને પગાર કેન્દ્ર શાળા (પે. સેન્ટર સ્કુલ) તરીકે જ ઓળખતા.

કાર્યાલયમાં શ્રીફળ ફોડીને બધા શિક્ષકો એ નારિયેળ ને ચોકલેટ ખાધી ને પછી મને કહ્યું કે બધા જ વર્ગમાં લાઈનસર એક એક ચોકલેટ તારા હાથે આપી આવ. મારા દાદાજી મારી સાથે બધા વર્ગમાં આવ્યા ને મારો બર્થડે હોય એમ મેં દરેકને ચોકલેટ મારા હાથે આપી. જે પણ વર્ગમાં જતો વર્ગ શિક્ષક કેહતા કે બેટા તારું નામ અને ધોરણ બધા ને કહી પછી દરેક ને ચોકલેટ આપી દે. હું પણ દરેક વર્ગમાં

"મારુ નામ ઈરફાન છે... ને હું ધોરણ પહેલામાં ભણું છું.." કહીને દરેક ને ચોકલેટ આપવા લાગતો. ચોકલેટના વિતરણ બાદ મારા દાદા મને ધોરણ-એકના વર્ગમાં બેસાડીને ગયા. વર્ગમાં એટલો ઘોઘાટ હતો કે બાજુવાળો કઈ બોલે તો પણ ખબર ન પડે. પછી રહિમખાનજી સાહેબ વર્ગમાં પ્રવેશ્યા. એમના પ્રવેશતા જ બધા બાળકો એકદમ ચુપ થઇ ગયા. ટાંકણી પડે તો પણ અવાજ આવે એટલી શાંતિ.

રાહીમખાનજી સાહેબ એ બધાને સીધા ટટાર બેસવા કહ્યું ને પછી હાજરીપત્રક ખોલીને એક પછી એક વિદ્યાર્થીના નામ બોલતા ગયા. હું તો વાટ જોઈને જ બેસી રહ્યો કે હમણાં મારુ નામ આવશે પણ આવ્યું જ નહિ. બધાનું નામ આવતું ને બધા હાજર સાહેબ, યસ સર બોલતા. મારો પહેલો દિવસ હતો અને નવું સત્ર શરૂ થયું હતું તેથી મને એ દિવસે એક કલાક જ શાળામાં બેસવા મળ્યું. હું શાળા એથી ઘરે આવ્યો. મારૂ દફતર ઘરમાં ઓસરીમાં આવેલી બે ખુમ્ભી વચ્ચે મૂકીને મારા દાદાજી પાસે ખાટલા પાર જઈને બેઠો. મારા દાદાજી એ મને વર્ગમાં શું-શું થયું એ બધું પૂછ્યું. મેં એમને માંડીને બધી વાત કરી.

"મજા તો આવી બાપુ આજે પણ મારુ નામ જ ના બોલ્યા સાહેબ... મારુ નામ ક્યારે બોલશે ?"

"બેટા હજી આપણે આજે જ જન્મનો દાખલો આપ્યો એટલે એ આવતા અઠવાડિયામાં બોલશે..." મારા દાદાજી ને ખબર હતી કે હું તો એમને એમ જ જાઉં છું મારુ એડ્મીસન તો છે નઈ તો હાજરીપત્રકમાં મારુ નામ તો ક્યાંથી આવવાનું પણ એ મને નારાજ ન થાઉં ને એટલે આ રીતે દિલાસો આપતા.

હું બીજા દિવસે સવારે વહેલા શાળાએ ગયો. બધા શાળાની મધ્યમાં આવેલા મોટા હોલમાં બેઠા. ત્યાં રોજ સવારે પ્રાર્થના થતી અને પછી ધોરણ-૫ થી ધોરણ-૭ના વિદ્યાર્થી ભજન કે લોકગીત ગાતા. "મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે..." આ અમારી પ્રાર્થના હતી. પ્રાર્થના પુરી થઇ ને બધા બાળકો પોતપોતાના વર્ગમાં બેઠા. ફરીથી રહિમખાનજી સાહેબ આવ્યા ને એમને હાજરી ભરી પણ મારુ નામ ન આવ્યું એટલે હું થોડો ઉદાસ થયો. એમને બ્લેકબોર્ડ પર એ દિવસે એકડા લખવાની શરૂઆત કરી મોટા અક્ષર એ "૧" લખ્યો ને પછી એને જ ઘૂંટતા શીખવાડ્યું.

આજ રીતે મારા જીવનમાં શિક્ષણની શરૂઆત થઇ. આજે હું સોફ્ટવેર એન્જિનિઅર બની ગયો અને સારી કંપનીમાં જોબ પણ કરું છું પણ એ એહસાસ મારામાં આજેય જીવે છે. આજે પણ મન થાય છે એ મારી પગાર કેન્દ્ર શાળામાં જઈને બેસીને ફરીથી એકડો ઘુંટુ. હજારો લાઇનના કમ્પ્યુટરના કોડ કરીને પૈસા મળે છતાં એ બાળપણના એકડા, એકુ, અગ્યારા, એકવિસા, કક્કો, બરાક્ષરી, ફુલપાંદડીના શબ્દો, દેશીહિસાબ ને બધું આજેય ફરીથી પકડવાનું મન થાય છે. મમ્મી સવારે સ્લેટ (પાટી)માં લખવાની એ માટીની પેન આપતી જે અડધી તો હું ખાઈ જ જતો એ આજે પણ ખાવાનું મન થાય છે. આજે પણ એ બાળપણ જીવવાનું મન થાય છે.

"યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો,

ભલે છીનલો મુજસે મેરી જવાની...

મગર મુજકો લૌટા દો બચપન કા સાવન,

વો કાગઝ કી કશ્ટી વો બારીશ કા પાની

વો કાગઝ કી કશ્ટી વો બારીશ કા પાની"


Rate this content
Log in

Similar gujarati story from Children