Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics Action

0  

Zaverchand Meghani

Classics Action

ઘેલાશા

ઘેલાશા

19 mins
662


[જન્મ: સં.૧૭૨૬ * મ્રુત્યુ: સં.૧૮૮૩]

સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો.

એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભેર થઇને વોળદાનને બિરદાવી રહ્યો છે કે - "ભલો! ભલો વોળદાન! વોળદાન તેં તો કોઇથી ન થાય એવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે -

નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલા,

વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.

રંગમતીને કાંઠે, વોળદાન, તેં જે ટાણે હાથ કર્યો, તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી; અને વોળદાનિયા! તેં તો મોટી બજારે જઇને તરરાર્કુનાં વાઢ દીધા પણ જામની ફોજ તુંને પોગી નહિં. બાપ! બાપ વોળદાન!

કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,

(પણ) કે' દિ ના'વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.

અરે બાપ, કૈંક કાઠી જન્મ્યા, કૈંક હજી જનમશે; કૈંક એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા માથે હજી પાડશે; પણ ઓ કાઠીઓ! વોળદાન જે રાતે જનમ્યો તે, રાત હવે ફરી આવી રહી!

કસૂંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામ રામ કર્યા.

"રામ!" વોળદાને સામા કહ્યા. "ક્યાં રે'વા?"

"રે'વા તો બરવાળે." "બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?"

"હા, આપા. ઘેલાશાનું બરવાળું." 'ઘેલાશાનું બરવાળું' કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું -

તારા જે ચાચરિયો તણો, (કેથી) ભાગ જ ભરાય ના,

સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.

ઓ વોળદાન! તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહિ. એ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ ! તારાં ખળાં તો એ ભરી રિયો!

ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોળદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઊપડતે પગે બરવાળે પહોંચી ગયો.

બાપનું નામ માધાશા; માનું નામ લીલબાઈ: અસલ વતની મૂળીના: ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા; રાજના કામદાર નિમાયા: એમ કરતાં લીંબડી ઠાકોરે પોતાનાં બાર ગામ બરવાળા પંથકનાં હતાં તેનો વહીવટ કરવા માધાશાને બરવાળા મોકલ્યા.

આ બરવાળું અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી આઠ ગાઉ ઉપર ભાલને કાંઠે એ ગામનાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મે' સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહિ. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નાખી પણ કાઠીઓ માન્યા નહિ. છેવટે એ ગામેતી ચારણની સ્ત્રી, દીકરો અને દીકરાવહુ ત્રણેયે ત્યાં ત્રાગુ કરીને ઝાંપે લોહી છાંટ્યાં, જીવ કાઢી દીધો. (ત્રણેના પાળિયા આજે બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે.)

વાંસેથી કાઠીઓ ઘસાઇ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ આજે બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે.

એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું, એટલે સંવત ૧૮૫૩માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઇ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભાં છે. આ માધાશાના ઘેર ઘેલાશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો સમશેર બાંધી પટા શીખ્યો. ભાલો ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઇકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો. બરવાળું વેપારવણજનું અડીખમ મથક બન્યું. ઘેલાશાની ફે ફાટી ગઇ. કંઇક સાંઢડાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક વોળદાન રેફડિયો. એમાં આજ પોતાની હીણપતનાણ દુહા માંયલુ -

સીમાડે ગેલોશા વાઢે ખડ, વોળદાનિયા!

આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી.

"એલા, ક્યે ગામ રહેવું?"

"આંહી ચાચરિયે."

"આપો વેળદાન ઘેરે છે ?"

"હા."

"એને કે'જે કે ઘેલાશા કાલે સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રે'જે. તારે સીમાડે ઘેલાશા ખડ વાઢવા આવે છે."

આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યાં હતાં તેનું આણું વળાવવું હતું. તે માટે લૂગડાં અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણાં ઘણાં વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા.

બીજે દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો; પોતાને સીમાડે મારગને કાંઠે મેહમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઇ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતાં એ થોભાળો નર વરતાણો: અગાઉ કદી દીઠેલ નહિ, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે-મથાળો નીકળે? આવો બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા થોભા!

તું થોભા તાણીને મૂછે હાથ નાખછ મરદ!

(તે દી) ગઢપતિયાને ગામ વછૂટે ગેલિયા!

ઘેલાશા! તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે, તે દિવસે રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ઘેલાશા કોઇકને માથે પડશે.

એવા થોભા બીજા કોના હોય? નક્કી ઘેલોશા: નજીક આવતાં અસવારે પડકાર્યું:

"રામ રામ! કોણ, આપો વેળદાન કે?"

"હા, રામ રામ! તું ગેલોશા કે?"

"હા, હું જ ઘેલોશા, આપ વોળદાન! આવ્યા ખરા. વચને પળ્યા ખરા."

એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઊતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભોં માથે પાથરીને પોતે ઉપર બેઠો. ખડીયો લઇને અંદરથી અફીણ કાઢ્યું: "લ્યો, આપ વોળદાન! આજ હું તમારો મે'માન થયો. આ લ્યો, કાઢો કસૂંબો, પ્રેમથી પીયેં."

વોળદાન નીરખી રહ્યો. આ તે કઇ જાતનો શત્રુ! આ ટાણે કસૂંબો પીવા બેસે છે! આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ઘેલાશા બોલ્યો:

"આપા વોળદાન! બેઠો કાં? કાઢો ઝટ કસૂંબો. પીધા વગર કાંઇ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી મુલાકાત કહેવાય. ને વળી હું તમારે સીમાડે મે'માન."

કસૂંબો નીકળ્યો. બેય જણાએ સામસામી અંજળિયો ભરી પિવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઇ.

ઠીકાઠીકનો કેફ અવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી: "હાં આપા વોળદાન! હવે ઉઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાઢે છે એ નક્કી કરવુ છે."

"તારે હવે માટી થાજે, વાણિયા!" આવી સામી હાકલ કરીને વોળદાન રેફડિયે ઘોડી પલાણી. બેય અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કૂંડાળે નાખી. ચક્કર બંધાઇ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગ ઇ. બરાબર જમાવટ થઇને પડ ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમ ને એમ કૂંડાળે ફરતા ફરતા પોતે નીચે ઊતર્યા. દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો:

ઘોડાની ઘમસાણમાં, તંગ લીધેલ તાણી,

ફોજુંમાં લાડૉ ફરે, ગેલો માધાણી,

ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટડો ગેલાશા વરલાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર લગોલગ થયા કે તુરતજ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો: "હાં વોળદાન! ઘા કરી લે પે'લો ઘા તારો! જા, પછી મનની મનમાં ન રહી જાય!"

"આ લે ત્યારે! પે'લો ઘા સવા લાખનો." કહી વોળદાને ભાલાનો ઘા કર્યો. કોઇ દિવસ નિશાન ન્ ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોળદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો.

ઘેલાશાએ ગર્જના કરી: "એ વોળદાન! એમ ઘા ન થાય: જો, ભાલું આમ ફેંકાય." એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું ભોંયમાં ગયું. ઘોડી પ્રુથ્વી સાથે જડાઇ ગ ઇ. વોળદાન નીચે પડ્યો. ઘેલાશાએ તલવાર ખેંચીને કહ્યું: "તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના, હું ઘેલોશા! તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો'તો. "

દિડ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું: "પણ આપણા મેળાપની નિશાની લેતો જા." એમ બોલીને વોળદાનન વાંસામાં તલવારની પીંછી(અણી) વડે ચરકા(ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર્ નજર કરે ત્યાં આંધી ચડેલી દેખાઇ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો.

વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો: "વોળદાન! હવે નાસી છૂટ."

વોળદાન કહે: "શી રીતે નાસું? મારી ઘોડી તો નથી."

"આ લે, આ મારી ઘોડી. જા નાસી જા."

ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું: "પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોળી ખડ(ઘાસ) કાપી લે તો?"

બીજો ઇલાજ ન હતો. વોળદાને તલવારથી ખડ વાઢ્યું. પછી નાસી છૂટ્યો.

આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાએક ચારણો દુહો ઊથલાવીને આ રીતે પણ કહે છે:

તારા જે ચારિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના,

(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા:

હે વોળદાનિયા! બીજા કોઇથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.

અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું: "કાં દાજી! ક્યાં ગયો વોળદાન?" (ઘેલાશાને સૌ 'દાજી' કહેતા.)

"માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લ ઇને ભાગી ગયો."

દાજી એ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઇ ગયા.

વોળદાનને માત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી જ રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે-

બોલછ એ પાળછ, તું મધરાજ તણા!

પાછા પેસે ના, ગજ દંતશૂળ ગેલિયા!

બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતશૂળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારાં મોંમાંથી બહાર પડેલાં વચનો કદી અફળ ન જાય.

દુશ્મનો વધતા ગયા, એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઇએ કદી જોયો નહોતો. ગામ પરગામનાં લોકો ગઢ જોવા આવવા લાગ્યાં અને સ્ત્રીઓએ તો રાસડા પણ ગાયા:

હાલો બાઇયું હટાણે જાઇ રે

ઘેલાશા ગઢ ચણાવે.

ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,

પૂતળીનો નઇ પાર. - હાલો0

ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવર કિલ્લાની જ કહેવાય છે. ગઢને ત્રણ દરવાજા મૂક્યા: રોજીતનો દરવાજો, ખમિયાણનો દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે. આ પ્રકારની રચના છે. ગામમાં જવાના ત્રણ રસ્તા: પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી, રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવી ઊંટને હડસેલો મારી દરવાજો તડાવી નાખતા એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે.

છતાંય જો કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાન વાળી લ ઇ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુસૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો-બંદૂકો છૂટે, એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહિ. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે.

ત્રણ દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિશ્ઠી કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થ ઇ શકે.

એ પહોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માત્ર થોડીક જ રાખી બીજી લીંબડી લ ઇ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગ ઇ કાલે ત્યાં જ લડાઇઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે.

મીટે નર ફાટી પડે, પડ ચડિયા પેલાં; (એવો) ગઢ સજિયો ગેલા! તેં મારકણા માધાઉત!

હે મધાશાના સુંદર પુત્ર ઘેલા (ગેલા)! તેં એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લ ઇને યુદ્ધે ચડ્યો ન હોય, ત્યાં તો એ ગઢ જોતાં જ માણસો ફાટી પડે!

તેં માંડ્યા, માધાતણાં! કોઠા આઘા લ ઇ કોય, (બીજાને) હૈડાં સામા હોયે, ગઢપતિયાંને ગેલિયા!

હે માધાશાને પુત્ર! તેં એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યાં છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓ(રાજાઓ) ને વસમા થઇ પડ્યા છે.

માત્ર નાના કાઠીઓની જ જમીન નહિ, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી.

બુડી વા બરવાળા તણો, (કે'થી) ચાપે ચંપાય ના,

(પણ) શત્રવના સીમાડા, તેં ગરગટિયા ગેલિયા!

હે ઘેલાશા, બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઇથી ચંપાય નહિ, એટલે કે જરા જેટલી જમીન પણ કોઇ દબાવી ન શકે, પણ બીજા શત્રુઓના (શત્રવના) સીમાડા તું દબાવી બેઠો છે.

એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ રિસાઇને ટૂંટિયાં વાળી સૂતેલો. ઠકોરે પૂછ્યું, "કાં ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયાં વાળીને સૂતા છો?"

ચારણ બોલ્યો, "અન્નદાતા, બરવાળાને સીમાડે માર પગ ઠબે છે."

એ મર્મ-વાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલાશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી.

તરત ફોજ તૈયાર થ ઇ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો ફૂટે છે; ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિશ્ઠીના કહેણ મોકલ્યાં. બારીમાં થ ઇને વિશ્ઠી કરવા માણસો ગામમાં પેઠાં. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહિ.

દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર્ ખળભળિયા નામનો વોંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું:

સખ કરી સૂવે નહિ, રૈયત ને રાણા,

[એવો] માંડ્યો તે માધાણા, ગોરખધંધો ગેલિયા!

હે ઘેલાશા, તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઇ શકતા નથી.

એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટક એણે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાનાં માલિક લીંબડી દરબારને ખાતર ઉઠાવી.

બરવાળાની આસપાસ બેલા, ચારણકી, વગેરે ચારણોનાં ગામો ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગ ઇ હતી, એટલે બેલાના ચારણ કાળા સ ઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો:

ખસનો તો તુંને ખટકો ન ઇ, ખોળછ ખેતરડાં,

ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!

હે માધાશાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં) ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?

એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ પછી દાજીએ કોઇ દિવસ નજર ન નાખી.

એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી જામનાં મહેમાન બન્યાં. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને મળવા જસો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને જોવાનું મન કેમ ન થાય?

જામસાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી: "ઘેલાશાને દરબારમાં તેડી આવો."

લીંબડી ઠકોરે ઉત્તર દીધો: "મહારાજ! એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે અહિં જામના દરબારમાં ન શોભે."

"એવી તે વળી ક ઇ આદતો છે, ઠાકોર?"

"કોઇ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી વાળીને બેસે; ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઇને નમે નહિ."

"કાંઇ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઇ લેશું."

દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઇ, મૂછે હાથ નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લ ઇ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઇ. ત્રીજી, ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગ ઇ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું.

જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થ ઇ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલાં. જામે કહ્યું, "ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા પાંચ ગામ 'જાવચંદર દિવાકરા' ("યાવચ્ચન્દ્ર દિવાકરૌ": ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી) લખી આપું."

ઘેલાશાએ જવાબ વાળ્યો: "મહારાજ! એ આપનો પાડ થયો. પણ માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ - પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ."

"કામદાર, બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા."

"જોઉં ઇ દસ્તાવેજ, દરબાર!" દાજી ચમક્યા.

દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લ ઇને વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો: "મને તેડાવવો'તો તો ખરો! આટલી ઉતાવળ શીદ કરી? "

"કાં?"

"કાં શું? આ તો 'ફરતી પેશકશી' માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આંહીં જામશે ત્યારે આપણાથી ચૂં કે ચાં નહિ થાય. દરબાર તમે ગજબ કર્યો."

"હવે?"

"હવે હું જોઉં છું."

ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વૉકરસાહેબની છાવણી પડી હતી ત્યાં જ ઇને મુલાકાત લીધી. કહ્યું: "હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી-કામદારની-યે સહી જોશે. માટે લાવો સહી કરી દઉં."

ભોળવાઇને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી, મોંમાં નાખી, દાજી પેટમાં ઉતારી ગયા; અને 'હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો, સાહેબ!" એટલું કહી દાજી ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થ ઇ દરવાજા માથે ભોગળ ભિડાવી.

ફોજ લઇને વૉકર બરવાળા માથે ચડ્યો. ગઢ સામી તોપો ચલાવી. પણ એ જુક્તિદાર જોરાવર ગઢ ઉપર કાર ન થ ઇ શક્યો. વૉકરે વિશ્ટીનું કહેણ મોકલ્યું.

સાહેબ અને દાજી બેય જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું: "તારી શી માગણી છે, ઘેલાશા?"

"બરવાળાની બત્રીસીની 'ફરતી જમા' નહિ, પણ કાયમી જમા રૂ. ૨૨,૦૦૦ની બાંધી આપો."

વૉકરે દાજીને લાલચો દીધી: "ઘેલોશા, જીદ કર મા. આ બત્રીસી તેં તારા બાહુબળથી ઘેર કરી છે. તારાં દસ ગામ જુદાં તારવી દ ઉં. તારાં નામ પર ચડાવી દ ઉં, અને તું લીંબડીના ગામની 'ફરતી જમા' બાંધવા દે."

દાજીએ જવાબ દીધો: "ન ખપે, સાહેબ, મારે માર ધણીને લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહિ થાય."

ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડાં લીંબડીનાં નામ પર મંડાવી ફક્ત રૂપિયા બાવીશ હજારની 'કાયમી જમા' લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહી છે.

તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?

અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરત આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી માતા લીલબાઇ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે.

ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા: "દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!"

લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાશાના રૂંવાડા છમ! છમ! છમ! બેઠાં થ ઇ ગયાં. એણે હાક મારી: "ભાઇ! ઝટ મારી ઘોડી છોડો!"

માણસોએ સમજાવ્યા: "અરે દાજી! આ તો સરકારી તિજોરી લૂંટાણી છે; અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારુ આપણે શીદ મરવા જાવું?"

"અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?"

એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં નીકળતાં પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટનારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે હાથે તલવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એમણે શબાશી આપી છોડી મૂક્યા.

અહીં બરવાળામાં માતા લીલબાઇને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે: "લીલબાઇ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરીને બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે."

ડોશીની આંખ ઊઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડોશીઅ કહેવાથી ઘેલાશાએ 'ભીમનાથ' નામના શંકરની જગ્યામાં ચારસો વીઘા જમીન બક્ષીસ કરી.

શેઠ કુટુંબ લીંબડીનું મોટું ને આબરૂદાર કુટુંબ ગણાય: પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ગામે ખરખરે આવ્યા. બહુ અફસોસ બાતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડા ચડાવેલા તે બધાં પાછાં સોંપ્યાં.

આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા: "શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે આંહી લીંબડીમાં તમારે ન પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?"

સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એક વાર પાછી ફરેલી કન્યાને એન એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં સાસરિયાનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઇએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઇ પણ શાણો હતો. ભૂલ ન કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઇ ગયું. એણે જવાબ દીધો: "શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીંબડીમાં જ વરશે; બીજે ક્યાંય નહિ વરે."

એટલું કહીને એ ચાલી નીકળ્યો.

વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠકુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો ઘેલાશા જ છે. પણ ઘેલાશા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોરસાહેબને ભળાવ્યું.

ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું, ઘેલાશાએ કહ્યું: "બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો."

ઠાકોરે માગ્યું: "તમારા દીકરા મોરભાઇનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો."

ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વેર થશે. પણ વચને બંધાયા! શું કરે?

લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચારી રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યો કે: "હું આપને ખાતરી આપું છું કે આંહીથી નહિ, બરવાળેથી જાન જોડીશ."

પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા.

પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા: "મારી લાચારી આપના કાંઇ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ: મારા ઘરની દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ મોતી પરોવશે અને હાલતાં-ચાલતાં તમે તે જોશો. "

આટલું કહીને દાજી ચાલ્યા અને પછી-

ધાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોર,

હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.

એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચડાવ્યો. એનો આ દુહો પણ જોડાણો:

શેઠુંહદાં છોકરાં ઉંયે કરતાં આળ,

મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,

શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.

આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનવવા ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઇએ તેવો તેમણે આગ્રહ કર્યો તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું.

આમ પણ કહેવાય છે: શેઠવાળઓએ રાજ્યને એવી લાલચ આપી કે 'જો ઘેલાશાને એક્વાર કેદમાં નાખો તો અમારા રૂપિય છ લાખ રાજ પાસે નીકળે છે તે છોડી દ ઇએ.'

હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો કહે: "માડી, મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહિ."

ઘેલાશા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને તો કોઇ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા.

ઘેલાશા કહે: "એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો."

પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!

ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.

એ વખતે સનાળીના ચારણકવિ કશિયાભાઇ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં આવ્યા.  દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઠાકોરને ઊભાં ઊભાં ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે 'એ બાપ હરિસિંગ! હરપાળનાં પેટ હરિસિંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસિંગ! સાંભળ સાંભળ!


Rate this content
Log in

Similar gujarati story from Classics