Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamta Shah

Inspirational

4  

Mamta Shah

Inspirational

સખી મંડળ

સખી મંડળ

6 mins
14.8K


આજે સવારથી જ રીમા ગુસ્સામાં હતી. સવાર જ જાણે ખરાબ મૂડ સાથે પડી હતી. તોય રોજ ની દિનચર્યા માં તો લાગવું જ પડે ને, એમ વિચારીને મગજ જરાક શાંત કરીને રસોડામાં જાય છે, એની અને એના હસબન્ડની ચા બનાવવા. હજી તો ચા બનાવા માટે તપેલી લેવા ખાનું ખોલ્યું, અને સાસુમા એ પૂજાના રૂમમાંથી બૂમ પાડી.

'અરે, ચા ની તપેલી ત્યાં પેલા ખાનામાંથી લેજે !' આમ તો રોજ આ જ વસ્તુ સાંભળવા અને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢવા ટેવાયેલા કાન આજે બીજા કાનથી બહાર કાઢવાનું ભૂલી ગયા, અને વાત છેક મગજ સુધી પહોંચી ગઈ. અને મગજના આદેશ સીધા મોં પર આવી ગયા, અને કઈ બીજો વિચાર આવે એ પહેલા જવાબ અપાઈ ગયો.

'અરે મમ્મી, આઠ વર્ષથી હું અહીંથી જ તપેલી લઉં છું ને રોજ એમાં જ ચા બને છે. તમે તમારી પૂજામાં ધ્યાન આપો ને !' મનમાં તો બીજા કેટલાય વાક્યો બોલાઈ ગયા હતા (હવે તો હું પણ 30ની થઈ, મને સમજ ના પડે મારે ચા કઈ તપેલીમાં મૂકવાની ? અને એ પણ પાછું રોજ તમારે કહેવું પડે ! અને આમ તો તમે પૂજા કરવા બેઠા છો, તો રસોડાના ખાનાં ખૂલવાના અવાજ માં કેમ ધ્યાન રાખો છો, ભગવાનમાં જ ધ્યાન આપો ને!) થેન્ક ગોડ કે આટલુ બધુ ના બોલાઈ ગયું !

પણ જે બોલાઈ ગયું એનું શું ? બોલાઈ ગયા પછી ભાન થયું, આ શું થઈ ગયું મારાથી, પણ મોં માંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા વાળી શકાયા છે ? જો એ પાછા ઠેલી શકાયા હોત તો દ્રૌપદીના શબ્દોથી થયેલ મહાભારત પણ ના જ થઈ હોત ને? અને એવી જ રીતે અહીં પણ એક મહાભારતને આમંત્રણ અપાઈ જ ગયું.

પાછળથી સાસુમાના વ્યંગ બાણ ચાલુ, 'હા ભાઈ ! તમને બધાને બહુ સમજ પડે. અમે જ ભૂલી જઈએ કે અમારે તમને કઈ જ નહિં કહેવાનું. ગમે તેટલું વિચારીએ કે તમને કઈ નહિ કહીએ તો પણ કહેવાઈ જાય છે. બસ આજથી આ ઘરમાં મોઢું સીવીને જીવીશું, કોઈ ને કશું જ નહિં કહીએ.' આવા કેટલાય વ્યંગ બાણ અને એક ભયંકર સવાર!

આ તો હજી દિવસની શરૂઆત હતી. એને પોતાને પણ થયું, ક્યારેય નથી બોલતી હું ને આજે કેમ મારાથી ચૂપ ના રહેવાયુ ? હશે પણ, થઈ ગયું એ થઈ ગયું, વિચારીને આગળ કામ ચાલુ રાખે છે.

બપોર પડી ને એનો દીકરો સાર્થક સ્કૂલથી આવાનો ટાઈમ થયો. એ આવ્યો એટલે એને હાથ-પગ મોં ધોવા લઈ ગઈ અને પછી જમવા બેસાડયાઓ. હવે સાર્થક ના જમવાના નખરા શરૂ. મમ્મી મને ટીંડોળાનું શાક નથી ભાવતું. હું નહીં જ ખાઉં. બે - પાંચ મિનિટ રીમા એને પ્રેમથી પટાવે છે, ચલ તને છૂંદો આપુ, ચલ તને અથાણું આપું. પણ એ માનતો જ નથી. એટલે ફરીથી રીમાનું મગજ ગયું.

'ના ખાવું હોય તો ના ખાઇશ. રોજ શું નખરા ? ખાતા તો શીખવું પડે ને !' અને એટલું બધું લડી નાખે છે કે એ જઈ ને રડતા રડતા જ સૂઈ જાય છે. ફરી રીમાનું મનોમંથન ચાલુ થાય છે. આજે શું થઈ ગયું છે મને? હું કેમ આટલો ગુસ્સો કરું છું? આ બધું જ રોજનું છે અને રોજે સારી રીતે હેન્ડલ થાય છે, તો આજે કેમ આમ થાય છે ? એ પોતે પણ આજ ના એના ગુસ્સા પાછળ ના કારણ શોધવામાં લાગી જાય છે.

ત્યાં તો કામવાળી એ બેલ માર્યો. પત્યું માંડ રોકીને રાખેલો ગુસ્સો ફરી ફાટયો. 'અરે, તને કેટલી વાર કીધું છે કે બપોરે આવે ત્યારે બેલ નહીં મારવાનો. રોજ કેમ તને એકની એક વાત ફરી ફરીને કહેવાની ! સવારે બારીઓ પણ ઝાપટી નથી ને એમ જ કચરો વાળી લીધો. તારે કામ કરવું છે કે નહિ?'

'ભાભી મેં તમને સવારે જ કીધું હતું કે આજે મારે મોડુ થાય છે તો હું નહીં ઝાપટું તો ચાલશે ? અને તમે હા પાડી હતી. અને અત્યારે મેં બારણું ખખડાવ્યું પણ કોઈએ ના ખોલ્યું એટલે મેં બેલ માર્યો. 'એ બિચારી રીમાનો મૂડ જોઇ ને સોરી સોરી કરતી એના કામે લાગી જાય છે.

'ઓકે ઓકે ઠીક છે. 'કહીને રીમા પાછી પોતાના રૂમમાં જાય છે. પણ કેમેય કરીને આજે એનું મગજ શાંત પડતું નથી. એ પોતાનું મન ડાઇવૅટ કરવા કઈ મેગેઝિન ના પાના ઉથલાવે છે પણ વાંચવામાં પણ મન નથી લાગતું.

સાંજે રોહનનો ફોન આવે છે. આજે આવતા લેટ થશે. એને થાય છે શું દિવસ ઉગ્યો છે આજે. હું અહીં મારો ગુસ્સો કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યાં કરું છું ને એક પછી એક કાંઈક નવું આવતું જ જાય છે.

'અરે પણ તમે તો આજે વહેલા આવવાના હતા અને આજે તો આપણે મામાના ઘરે જવાનું હતું.'

'હા, પણ તુ પ્લીઝ એમને ફોન કરીને ના પાડી દેજે ને.'

'હવે એ પણ મારે કરવાનું, એ પણ તમારાથી નહીં થાય ?'

'હું એક મીટીંગ માટે જઉં છું, મને હવે ટાઇમ નહીં મળે.'

'ઓકે. કહી દઈશ ! '

સાંજે રોહન જ્યારે ઑફિસ થી આવે છે ત્યારે રીમાને જોઈ ને જ સમજી જાય છે કે આજે તો મગજ જોરદાર ગયુ છે મેડમ નું. આવીને બોલ્યા વગર જમવાનું પતાવે છે અને રીમાને પૂછે છે કે ફોન કરી દીધો હતો ?

પત્યું બોમ્બ ફાટયો, સાંજથી અટકાવી રાખેલા શબ્દો અને ગુસ્સો 'હા તો, મારે તો કરવો જ પડે ને ! મારાથી થોડો કોઈને એવો જવાબ અપાય છે કે હું મીટિંગમાં બિઝી હતી કે મારે બહુ જે કામ છે ને મારાથી નહીં અવાય ? એક તો એમને કહેવાનું પણ મારે અને પછી સંભળાવા નું પણ મારે કે તમે બધા બહુ બિઝી...... આમ ને આમ કેટલુંય બોલી નાંખ્યું.' પછી ફરીથી એને એ જ વિચાર આવ્યો કે આ શું થઈ ગયું છે મને આજે ?

ત્યાં તો એની નજર કેલેંડર પર પડી, અને એને યાદ આવે છે કે આ તો એના માસિક નજીક આવવાનો ટાઈમ છે. એને એના ડોક્ટરની વાત યાદ આવે છે છેલ્લે એના ડોક્ટરને બતાવવા ગઈ હતી ત્યારે ડોક્ટર એ સમજાવ્યું હતું કે આને Premestrual Syndrome (PMS) કહેવાય. એ કોઈ બિમારી નથી. એ માસિક પહેલાં થતા હોર્મોનલ ચેઇન્જીસને લીધે થાય. એમાં માથાનો દુખાવો, પેટનો દુઃખાવો, પગ દુખવા, ઉલ્ટી, ગુસ્સો આવવો, રડવું આવવું, મૂડ ખરાબ થવો, ડિપ્રેશનની ફીલ આવવી એ બધા કોમન પ્રોબ્લેમ છે.

હવે એને સમજાયું કે આજે સવારથી એને શું થઈ રહ્યું હતું. એ ઈચ્છીને પણ કેમ મગજ શાંત નહોતી રાખી શકતી. દરેક નોર્મલ પરિસ્થિતિ પણ એને કેમ ઈરીટેટીંગ કેમ લાગતી હતી.

એ રાતે એ સૂઈ નથી શકતી. એના વિચારો ચાલ્યા જ કરે છે. એને થાય છે કે શું આ કારણ હોઈ શકે દરેક ઘરનાં સાસુ-વહુ કે પતિ - પત્નીના ઝઘડાનું ? એક વૈજ્ઞાનિક વાત જેનાં પર એક સ્ત્રીનો કોઈ જ કંટ્રોલ નથી એ કેટલું મોટું સ્વરૂપ લઈ શકે છે એ એને સમજાવવા માંડ્યું.

એ ઊભી થઈ, પાણી પીધું, અને મનમાં કાંઈક મક્કમ નિર્ધાર કર્યો અને સૂઈ ગઈ. બીજા દિવસની સવારે બધાને સોરી કહી ને મનાવી લીધા. એ જ દિવસે બપોરે એક કિટી કરી આજુ બાજુ વાળી ફ્રેન્ડ ને બોલાવી અને એક ડોક્ટર ફ્રેન્ડને પણ બોલાવી. અને PMS ની પૂરી જાણકારી મેળવી. અને એ જ દિવસે એક ગ્રુપ બનાવ્યું "PMS સખી મંડળ". જેનાથી આવી નાની નાની વાતો અને નાના નાના ગુસ્સાના કારણે હણાઈ જતા લગ્ન જીવન બચાવી શકાય, ને આ સમયને કેવી રીતે સાચવી લેવો, અને એમાં મદદ કરી શકાય.

ક્યારેક કેલેંડર તરફ નજર કરી લેજો..... કદાચ તમને પણ તમારા ગુસ્સાનું કારણ મળી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational