Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ફેક એકાઉન્ટ

ફેક એકાઉન્ટ

5 mins
7.2K


આજે દિવ્યા જોડે દોસ્તી થયા ને બે વર્ષ પૂરાં થયા. 'દિવ્યા એન્ડ દિશા આર સેલિબ્રેટિંગ ટૂ યર્સ ઓફ ફ્રેન્ડશીપ' ફેસબુક પર બધા એજ બંનેને મિત્રતા ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી.

દિવ્યા ખૂબજ ખુશ હશે પણ દિશા કઈ રીતે ખુશ હોઈ શકે? દિશાનું તો અસ્તિત્વજ નથી. આજથી બે વર્ષ પહેલા અન્ય મિત્રોને અનુસરી દિનેશમાંથી એ દિશા થયો. ફેક ફેસબૂક એકાઉન્ટ, જૂઠી ઓળખ, જૂઠી માહિતીઓ, નકલી ફોટાઓ. કોઈ કહી જ ન શકે કે આ ફેક ફેસબુક એકાઉન્ટ વાસ્તવમાં કોઈ દિશાનું નહીં પણ દિનેશનું.

મિત્રોની સલાહ પણ કેટલી કામ લાગી. આજે ફેસબુકની લાંબી મિત્રોની યાદીમાં બધીજ છોકરીઓ. એક છોકરીનાં નામે રિકવેસ્ટ જાય કે તરત જ સ્વીકારાય જાય! એણે કેટલી છોકરીઓને આ જુઠા ઈ - જાળમાં ફસાવી.

આ રમતમાં તો જાણે એ પારંગત થઈ ગયો. મેકઅપ વેબસાઈટ, શાયરી, રેસિપી પેજ છોકરીઓને ગમે એ બધી જ માહિતીઓ શેર કરી, પ્રોફાઈલ પર તારીફોથી ભરપૂર કોમેન્ટ્સ, જુનાં ક્લાસિકલ ફિલ્મી ગીતો. ફિમેલ સાઇકોલોજી પર જાણે પી.એચ.ડી. કરી નાખી હોય જાણે.

થોડાજ સમયમાં એ બધાની ખૂબજ નજીક પોંહચી ગયો. આ રમતમાં એ ખૂબજ મજા લઈ રહ્યો હતો. પણ હવે આ રમત એની આત્માને લજાવે છે. એને પોતાની જાત પર તિરસ્કાર છૂટે છે. "બસ હવે બહુ થયું દિનેશ! હવે બંધ કર આ બધું." એનું હૃદય દર ક્ષણ એને કહી રહ્યું. કારણ ? કારણ દિવ્યા. એની દિવ્યા.

આટલી બધી છોકરીઓની યાદીમાં દિવ્યા સૌથી જુદી જ તરી આવે. બાહ્ય અને આંતરિક બંને સ્તરે. સામાન્ય દેખાવ, મેકઅપથી દૂર, સેલ્ફીનો ક્રેઝ નહિ. પુસ્તકો અને પ્રકૃતિથી અનન્ય પ્રેમ. આખું પ્રોફાઈલ શ્રેષ્ઠ લેખકો અને કોટેશન્સથી શણગારેલું. જ્યાં બધીજ છોકરીઓ રેસિપી અને મેકઅપ, ઘરેણાં અને ડિઝાઈનર વેરની પાછળ ઘેલી ત્યાં દિવ્યા તો દરેક ક્રિકેટ મેચને ફૂટબોલથી અપડેટ. નેચર અને એડવેન્ચરનું અધ્યયન. બધી ફોર વહીલરની પાછળ ત્યાં દિવ્યાને તો બાઈક રાઈડ ગમે. સ્કેટિંગ, બેડમિન્ટન, ચેસ, બધી જ રમતોનાં પેજ એની લાઈકની યાદીમાં. હસવાનું ગમે ને હસાવાનું પણ.

પોતાની જેમજ  એ પણ  કિશોર કુમારની ફેન. ડેન બ્રાઉનનાં બધાજ પુસ્તકો એની વાંચન યાદીમાં. ફ્રેન્ડ લિસ્ટ સૌથી નાની. બધાથી જુદી આ દિવ્યા મનમાં ને મનમાં ધીરે ધીરે 'એની' દિવ્યા બનતી ગઈ.

લાગણીઓનાં તાર જયારે છેડાય ત્યારે પારદર્શિતા નો અરીસો અનિવાર્ય થાય. જૂઠ અને ફરેબ પ્રેમનાં તળિયે કચડાય જ જાય. બસ હવે એ દિવ્યાને આમ અંધારામાં નાજ રાખી શકે. આવી સીધી અને સરળ છોકરીને ધોકો કેમ અપાય? એને દિવ્યાને મળવું હતું. એને હજુ વધુ જાણવી હતી.

'મોર ઇન્ફોરમેશન'માં ફક્ત શહેરનું નામ હતું. પોતાનાં જ શહેરમાં વસ્તી દિવ્યાને ક્યાં શોધવું? જી.પી.એસ તો એ વાપરતી જ નહીં ! અને જો એને શોધી કાઢે તો પણ શું? જે મિત્રતા જૂઠ અને ફરેબથી શરૂ થઈ એનાં ભવિષ્યની કોઈ આશા ખરી?

સાઈબર ક્રાઈમ અને જૂઠી ઓળખનો આ ખેલ માફીને પાત્ર ખરો? દિવ્યાને કઈ રીતે પોતાનો ચહેરો બતાવે? કઈ રીતે એની નજરોનો સામનો કરાય? એણે કરેલ આ વિશ્વાસઘાતને એ માફ કરશે ખરી? પોલીસને જાણ કરી અંદર કરાવે તો?

પણ પ્રેમની શક્તિ અનેરી ! પ્રેમને કોણ હરાવી શકે? આ બધા વિચારો પણ નહીં જ ! બસ એકવાર દિવ્યાને મળી બધી હકીકત બતાવી દેવી છે. શબ્દે શબ્દ. બધુંજ સાચું. એની માફી માંગવી છે. એને એકવાર સાચા હૃદયે કહી દેવું છે કેટલો ચાહે છે એને. એનાં પ્રેમનો ઈકરાર કરવો છે.

બસ પછી દિવ્યાનો જે પણ નિર્ણય હોય એ ખુશીથી સ્વીકારશે. એ જે પણ સજા આપશે એ કબૂલ.

એક જૂઠને ટકાવા સો જૂઠનો સહારો લેવો જ રહ્યો. એણે ઇનબૉક્સમાં પોતાનાં જન્મદિવસનું જૂઠું આમંત્રણ મોકલી આપ્યું. શહેરની જાણીતી 'રીડ એન્ડ ડ્રિન્ક' કોફી શોપમાં. 'જવાબ જરૂર આપવો કે જેથી પાર્ટીની યોજના યોગ્ય રીતે થઈ શકે. એની આ યોજના સફળતા તરફ ધીરેથી વધી જયારે એનાં સદભાગ્યે દિવ્યા એ આમંત્રણ સ્વીકાર્યું. બસ હવે આવતીકાલની રાહ. હવે દિશાનો હંમેશ માટે અંત ને દિનેશની વાસ્તવિકતાનો સ્વીકાર.

એ સમય કરતાં એક કલાક પહેલાંજ જતો રહ્યો. 'રીડ એન્ડ ડ્રિન્ક' કોફી શોપ. સાથે લઈ ગયો દિવ્યાને ગમતા ઓથર 'ડેન બ્રાઉન'નાં કેટલાંક પુસ્તકો. પ્રેમની સૌ પ્રથમ ભેટ! પણ એ  સ્વીકારશે ખરી? માફી આપશે ખરી? કે પછી? સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનાં વિચારો એને સતાવી રહ્યા! હૃદયનાં ધબકાર વીતતા સમયની સાથે વધતા ચાલ્યા.

કેટલીવાર મનોમન માફી માંગી ચૂક્યો. પણ રૂબરૂ શું થશે? શું ખબર? પ્રેમની પરીક્ષામાં ખરો ઉતરશે કે દિવ્યાની નજરમાંથી હંમેશ માટે ઉતરી જશે? નજર કોફીશોપનાં બારણે લટકાઈ રહી. દરેક આહટમાં એને જોવાની અધીરાઈ. કેટલીય કોફી પી ચૂક્યો. સમય રેતીની જેમ સરતો રહ્યો. પણ દિવ્યાનું નામોનિશાન નહીં.

ધીરે ધીરે આશ તૂટવા લાગી. એ નહીં આવે.... અને એ નહીંજ આવી. એક કલાક ઉપર થયો. કદાચ કિસ્મતને પણ આજ મંજૂર. જે હોય એ.. ઘરે જઈ શાંતિથી એને મેસેજ કરી બધુંજ જણાવી દઈશ!

એ બિલ ચૂકવી ઊભો થયો. કોફીશોપનાં બારણે પહોંચ્યો કે ખૂણાના ટેબલ પર યુનિવર્સીટીમાં સાથે ભણતા એના પાક્કા મિત્રને જોયો.

હૃદય ભારે હોય ત્યારે મિત્રથી વધુ સારી કોઈ ઔષધિ નહીં. મનનો ભાર હળવો કરવાની આશાએ ટેબલ પાસે પહોંચ્યો. પુસ્તકમાં ડૂબેલા મિત્રને એણે ધ્યાનભંગ કર્યો: "હે જય વોટ્સ અપ્પ?"
"હે દિનેશ હાઉ આર યુ બડ્ડી?"
"અલોન?"
"ઓન ડેટ.." જયની ખુશી એ એનાં જખમ પર મીઠું રેડ્યું.
"ઓહ લકી બોય"
"જોઈન મી.." જયએ ખુરશી તરફ ઈશારો કર્યો. હજી એની ગર્લફ્રેન્ડ પહોંચી ન હતી. થોડા ક્ષણ માટે દિનેશ ખુરશી પર ગોઠવાયો.
"આપણા શહેરનીજ?"
પુસ્તક બંધ કરતા જયે હકારમાં માથું ધુણાવ્યું.
"સેમ યુનિવર્સિટી?" દિનેશે ઉત્સાહથી પૂછ્યું.
"ખબર નહિ?" જયનો ચહેરો ઉદાસ થયો.

"પેહલી મુલાકાત? લવ એટ ફર્સ્ટ સાઈડ?" દિનેશે મિત્રની જરા મશ્કરી કરી. પણ જયનો ચહેરો વધુ ગંભીર થયો.

"મેં એને છેતરી.." જયનાં આ વાક્યએ દિનેશની ચોટ પણ તાજી કરી. જય તો જાણે કોઈ વીટનેસ બોક્સમાં હોય એમ પોતાની ભૂલ સ્વીકારી મિત્ર આગળ હળવો થતો ગયો.

"ફેસબુક પર છોકરીનાં નામે એકાઉન્ટ ખોલ્યું. જસ્ટ ફોર ફન. ઘણી છોકરીઓને મૂર્ખ બનાવી." દિનેશ બિલકુલ સ્તબ્ધ. આ તો એનીજ કહાણી ! એ ચુપચાપ સાંભળતોજ ગયો. "રમતમાં મજા આવવા લાગી. પણ બધીજ મજા ઉતરી ગઈ જયારે સાચો પ્રેમ થયો."

દિનેશથી વધુ આ પીડા કોણ સમજી શકે?

"એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી અને બધું જ બદલાયું. એના જેવી સીધી સાદી છોકરીને હું ન છેતરી શકું."

દિનેશને જાણે સહ પીડા સહ વેદનાવાળો મિત્ર મળતાં જ હૈયું હળવું જેવું લાગ્યું. મિત્રને આશ્વાસન આપતા એ બોલ્યો: "આજે બધું સ્પષ્ટ કરી નાખ. સત્યને સ્વીકારી, પ્રેમનો પણ સ્વીકાર કરી નાખ. મિત્ર, પ્રેમ અને સત્ય જ્યાં ભેગા મળે ત્યાં બધુજ સચવાય જાય."

દિનેશનાં શબ્દોથી એ આશ્વાસન તો પામ્યો પણ ઉદાસીનતાથી ન છૂટ્યો: "પણ પ્રેમ સ્વીકારવા પ્રેમ સામે પણ હોવો જોઈએ ને? ગઈ કાલે એનો પ્રથમ મેસેજ મળ્યો. એના જન્મદિવસની ઉજવણીનાં આમંત્રણ સાથે. કન્ફર્મ પણ કર્યું. આમંત્રણ સ્વીકાર્યું. પણ અહીં આવી જાણ્યું કોઈ પાર્ટી યોજાઈ જ નથી."

દિનેશનું માથું ભમવા લાગ્યું. એની નજર જયનાં પુસ્તક પર પડી. 'ઘી લોસ્ટ સિમ્બોલ' બાઈ ડેન બ્રાઉન.

મગજ અને હૃદય એક સાથે બંધ પડવા લાગ્યા. મોઢે થી એટલાજ શબ્દો નીકળ્યા: "આર યુ વેટીંગ ફોર દિશા?"

જય મલકાયો: "યુ નો હર? તને એનું નામ કેમ ખબર?"

દિનેશ એને ગિફ્ટ પેકેટ થમાવી રહ્યો. જયે ઉતાવળે અધીરાઈથી ખોલી કાઢ્યું. બુક્સ બાય ડેન બ્રાઉન! "મારી દિશા ક્યાં છે?" જય ખુશીથી ઉછળ્યો. "બિલકુલ એની દિવ્યાની સામે જ.." શૂન્યમનસ્કતાથી દિનેશ બોલ્યો.

જય ફરીથી ખુરશી પર ફસડાઈ પડ્યો !


Rate this content
Log in