Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

આઈ નાગબાઈ

આઈ નાગબાઈ

9 mins
497


ફરી એક વાર આપણે આ વાર્તાના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ.

જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખિલોરી નામે ગામ હતું. એ ગામમાં ભૂંથો રેઢ નામનો ચારણ ગામેતી હતો. રા' માંડળિકના બાપને કસૂંબો કરાવવા રોજ આ ચારણ ભૂંથો રેઢ જૂનાગઢ આવતો. રા'ની પ્રીતિ, અને તે ઉપરાંત માતાનો વરદાનધારી : એની ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપ દીવો લઇ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભૂંથાને માતાજી મોઢામોઢ હોંકારો આપે છે. ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભૂંથા રેઢની તો માનતાઓ આવતી.

માણસોમાં જેમ જેમ આપો ભૂંથો ઓળખાતો ગયો , તેમ તેમ એનાં ધૂપ દીપ ને નૈવદ્ય વધ્યાં, માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઇ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો. આજે આંહી તો કાલે ક્યાંક બીજે. દેવીનો વરદાનધારી વચનસિદ્ધ ગનાયો. એને બોલે અનેક દુઃખ ટળતાં ગયાં. એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા.

એને કહ્યે દેવીએ કૈક વાંઝિયાંના ઘર માથે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયાં બંધાણાં. એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી. મોટા રા'એ આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટખિલોરી ગામ એને જીવાઇમાં બક્ષીસ થયું. ને પછી તો એના હાથની અંજલિ વગર મોટા રા'ને કસૂંબો ન ચડે.

એક વાર રોનક કરતે કરતે આપા ભૂંથાને મોટા રા'એ કહ્યું : 'વરદાન ખરૂં, પણ વરદાન હજી અધૂરૂં તે તો અધૂરૂં જ હો દેવ!'

'કાં બાપા?'

'મોઢામોઢ હોંકારા કરે તો પછી સાક્ષાત થઇને વાતો કાં ન કરે માતાજી?'

ચારણો રાજાઓના દેવ પણ હતા, અને કેટલાક રાજાઓની રોનકના રમકડાં પણ હતાં. મોટો રા' સોમનાથનો પાકો ભક્ત હતો, એટલે એણે આપા ભૂંથાની દેવીભક્તિની આવી રમૂજ કરી.

ગામડિયા ચારણને પોતાને વિષે 'ઓહોહો !' તો ક્યારનું યે થઇ પડ્યું હતું. જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો ઓતાર આવી જતો. એને ય આજ રા'ને કહ્યે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરૂં છે. એનો ખાવાપીવાનો ને સૂવાનો રસ ઊઠી ગયો. એણે રોજેરોજ માતાના થાનકમાં બેસી રૂદન માંડ્યું કે 'દેવી ! સાક્ષાત થા ! નજરે થા ! લોકો મને મેણાં દિયે છે.'

'ભગત ! ભીંત ભૂલ છ. તું મને નહિ ઓળખી શક. તું મારાં ને તારાં પારખાં લેવાં રહેવા દે. ભૂંથા રેઢ, વાત બહુ આગળ પહોંચી લઇ છે.' આવા આવા જવાબ થાનકમાં સંભળાતા હતા.

'ઓળખીશ. ઓળખીશ. માડી, મને સાક્ષાત થા. મારી નજરે થા.'

એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડતું. ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અવાજ કરી, ભભૂકેલાં નેત્રો જેવા, વધુ જોરથી સળગી હાલતા.

થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પાડતી. એ ભૂંથા ભગતની સ્ત્રી હતી. એ કદરૂપી ને કાળી હતી. એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા. ધણી બબે રાત સુધી થાનકની બહાર ન નીકળતો, અંદર પડ્યો પડ્યો 'દેખા દે ! દેખા દે!' કર્યા કરતો, ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી ઊભી દેવીને કહેતી 'માતાજી ! મ કરજો. એવું મ કરજો. તમારૂં રૂપ એની નજરે ન પાડજો. મારો ચારણ અણસમજુ છે. કોઇકનો ચડાવ્યો ચડ્યો છે.'

'નહિ ઓળખી શક ! ભગત, નહિ વરતી શક. ઝેરનાં પારખાં!'

થાનકમાંથી દેવી બોલતી હતી? કે આપા ભૂંથાનો આત્મા બોલતો હતો? ખબર નથી પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવેલ હાંકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે 'ચારણ, ભગત, ગફલતમાં ન રે'જો.'

'આ એક વહરા મોઢા વાળીએ જ મારો અવતાર બગાડ્યો છે. એણે જે મારી ભગતીમાં ભંગ પડાવ્યો છે. પડખું નબળું ન હોત તો, તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપિ!' એવા વિચારે વલોવાતો ચારણ, ગઢ જૂનાનો રાજકવિ, દેવીનો , વરદાનધારી, ઘોડાવેલ હંકાવી ગયો.

અરધોએક પંથ કાપ્યો પછી કેડાને કાંઠે એક ઘરડીખખ, થાકીપાકી ડોશી બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ગાંસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા, અંગ ઉપર પૂરાં લૂગડાં નહોતાં.

'ખસ એઈ ડોશી, ખસી જા.' હાંકનારે હાકલ કરી. ડોશી મહામહેનતે ખસીને બેઠી.

'બાપ,' ડોશીએ કાકલૂદી સંભળાવી; 'મને-વધુ નહિ-એક સામા ગામના પાદર સુધી-પોગાડી દેશો? મેંથી હલાતું નથી, સંસારમાં મારૂં કોઇ નથી. આંહી અંતરિયાળ મારૂં કમોત થશે તો મને કૂતરાં શીયાળવાં ચૂંથશે. વધુ નહિ-સામે ગામ.'

'હાંકો હાંકો, આપણે રા'ને કસૂંબો પીવાડવાનું અસૂર થાય છે. મારગમાં તો દુઃખીઆરાં ઘણાં ય મળે. સૌને ક્યાં લેવા બેસશું!'

એમ કહીને આપા ભૂંથાએ ઘોડવેલ હંકારી મૂકી.

ને ગઢ જૂનાનાં રા'એ તે દિવસના કસૂંબા ટાણે પણ એ જ ટોંણો માર્યો : 'અરે ભગત ! ભગત જેવા ભગત થઇને હજી માતાજીને નજરે ન ભાળ્યાં. આ-હા-હા-હા ! થડાં થડાં કહેવાય ભગત ! મલક હાંસી કરે છે. કળજૂગમાં દેવસ્થાનાં રહ્યાં છે, દેવતા તો ઊઠી ગયા છે, ને કાં પછી ભગતીમાં કાંક કે'વાપણું રહી જાય છે.'

'કે'વાપણું કાઢી નાખશું બાપા ! આપ, ખમા, નજરે જોશો.'

'અમારે સોમનાથને માથે ગઝનીનું કટક આવેલું. તયેં દેવપાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા'તા હો ભગત ! કહેતા'તા કે ભલે વયો આવતો ગઝની. આવવા દો ગઝનીને. કોઇએ ઓડા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે, એનો કાળભેરવ જ ગઝનીના કટકનો કોળીઓ કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા, પછી તો ગઝની જ આવીને દેવનો કોળીઓ કરી ગયો. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઇને હોંશ જ નથી રહી. દેવસ્થાનાં માત્રનું આ ડીંડવાણું સમજવું હો ભગત!'

'આ દેવસ્થાનું ને આ સેવક નોખા સમજવા મારા રા'! પણ હું શું કરૂં !' એણે દાઝભેર વેણ ઉચ્ચાર્યાં : 'મારૂં અરધું અંગ નબળું છે. હું તો એક પાંખાળું પંખી છું.'

'ઓહો ! એવું ડીંડવણું છે કે દેવ? તયેં એમ કહોને. તયેં વરદાન અધૂરૂં રહ્યું છે. ઓ-હો ! ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી.'

'નબળી થાંભલીની તો શી માંડવી મારા રા'! ફક્ત એક રોટલા ટીપી જાણે છે. બસ, મેમાનો આવે - પાંચ આવે કે પચાસ આવે -તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડીનું ને એનું, બેય એકરૂપ છે મારા બાપ!'

'અરે-અરે-અરે રામ ! એ તો અમને ખબર જ નહિ. હવે તો મજબૂત થાંભલી, ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે. ખરચથી ડરશો મા દેવ ! ઠેકાણું હોય તો અમને જાણ કરજો. ભેળા જાનમાં સોંડશું.'

'ખમા ધણીને.'

'ના. પણ હવે વાર ન કરવી. અમારૂં વેણ છે.'

ફુલાઈને ઢોલ થએલો જુવાન ભક્ત ભૂંથો રેઢ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે, ઝડ વઝડ દિવસ રહ્યા ટાણે, રસ્તામાં એક વટેમાર્ગુ ચાલ્યું જતું હતું. ઢૂકડા ગયા ત્યારે ઓળખાયું - બાઇ માણસ : જુવાનજોધ : અને રૂપ રૂપનો અવતાર. લેબાસ ચારણનો.

'માળું !' ભગતે વિચાર્યું. 'અસૂરી વેળાનું નાનડીયું બાઇ માણસ થાકેલા પગનાં ડગલાં ભરી રહ્યું છે. બીજું તો કાંઇ નહિ, પણ આને કોક મળશે તો કનડગત કરશે.

ઘોડવેલ નજીક આવી એટલે વટેમાર્ગુ બાઇએ તરીને મારગ દઈ દીધો. ભૂંથો રેઢ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઇના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાળ ન નિહાળી. બાઇ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય. પણ બાઇનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું.

ઘોડવેલ થોડે દૂર ગઇ તે પછી 'ભગત'ને વિચાર થયો : એ બાઇ તો લાજાળુ માણસ લાગે છે, કદાચ એ શરમની મારી ન કહી શકે. ને હું કોણ છું કોણ નહિ એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે? પણ આપણી તો ફરજ છે ને, કે આપણે પૂછવા વાટ જોવી નહિ. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેવાનું? એમ વિચારીને એણે હાંકનારને હાકલ કરી : 'ઊભી તો રાખ.'

ઘોડવેલ ઊભી રહી.

'કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને?'

'શું કહ્યું આપા?'

'આ બધું હું ક્યારનો કહી રહ્યો છું ને. તું તે શું બેરો છો?'

'આપા, મેં તો કાંઇ સાંભળ્યું નથી.'

'ગમાર નહિ તો.'

ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઇ હતી કે પોતે જગતને પૂછીને, જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ છે. વિભ્રમની કાળ-ઘડી આવી પહોંચી હતી.

'જોને, કોક વાંસે સાદ કરી રહ્યું છે, સાંભળતો નથી?'

'ના !'

'કેદુકનો બેરો થઇ ગયો છો ભાઇ? બીજું તો કાંઇ નહિ પણ કોઇક વાર ગાડીને ઊંધી નાખી દઇશ બેરા! જોને કોક સાદ પાડતું હાલ્યું આવે છે.'

સારી એવી વાર થંભ્યા ત્યારે બાઇ ભેળી થઇ. ભગતે પૂછ્યું : 'તમે સાદ કરતાં'તા !'

'ના, ના, મેં સાદ પાડ્યા જ નથી.'

'ક્યાં જાવું છે બાઇ?'

'પાટખિલોરીની ઓલી કોર.'

'હાલો, પાટખિલોરી સુધી પોગાડી દેશું.'

'અમે ચારણ છીએ.'

'અમારી જ નાતે નાત. હાલો.'

રસ્તો ટૂંકો હતો. વાત લાંબી હતી. કોણ છો? ક્યાંનાં છો? વગેરે વગેરે.

જવાબ બધા જ મનભાવતા મળ્યા. 'ઘરભંગ છું. માબાપ, ભાઇબહેન, વંશવારસ કોઇ નથી.'

'ઘરભંગ શીદ રે'વું પડે?'

'અડબૂત ચારણોમાં કોનું ઓઢણું માથે નાખું? મીઠપ આજ નથી શેરડીને સાંઠે રહી, તેમ નથી માનવીમાં રહી. મારેય પાછો બેક માતાજીની ભગતીમાં જીવ છે. ક્યાં પોસાઉં?'

'પોસાણ થાય એવું હોય તો?'

'તો મારે તો અસુર થઇ ને રાત રીયા જેવું.'

'આપણું ઘર ગમશે?'

'તમારા ઘરમાં મારાથી પગ કેમ મૂકાય?'

'કાં?' ભૂંથો ભગત લટૂ થયો.

'એક મ્યાનમાં બે તરવારૂં.'

'એ તો વાસીદાની ને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો.'

'એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે.'

'તો એને છેડો ફાડી દઇશ.'

'તો ભલે. નિરાંતવાં ભક્તિ કરશું.'

રાત પડી ગઇ હતી. પૃથ્વીનાં કેટલાંક પાપ ઉપર અંધાર-પડદો પડી ગયો હતો, તેમ કેટલાંક પાપને પ્રગટ થવા માટે આ અંધાર-પછેડો સગવડ કરી આપતો હતો.

પાટખિલોરીનું પાદર આવ્યું. બાઇએ કહ્યું 'ઊભી રાખો ઘોડવેલ.'

'કાં?'

'હું આંહી બેઠી છું.'

'આંહી શા સારૂં?'

'તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ.'

'ખરે પણ.... વહ્યાં નહિ જાવ ને?'

'વહી શા માટે જાઉં? પણ હું ચારણ્યને બહાર નીકળેલી ભાળીશ તો જ આવીશ.'

'અબઘડી.'

ઉતાવળે ઘોડવેલ ઘેર હંકાવીને ઊતરતાં વાર જ ભૂંથો ભગત સીધો સડેડાટ ઘરમાં ગયો. રાંધણીઆમાં પહોંચ્યો. ચારણ્ય રસોઇ કરતી હતી એના ઉપર ધસી ગયો. ચારણી ઝબકીને પૂરૂં જોવે ન જોવે ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી, ચારણીના ખોળામાં ફગાવ્યો.

'કાં? કાં?'

'બસ ઊઠ.'

'શું છે ચારણ?'

'ઘરની બહાર નીકળી જા.'

'પણ મારો કાંઇ વાંક તો ખોળે નાખ, ભૂંડા?'

'ભૂંડા ને ભલા, વાત પૂરી થઇ. વાંક લેણાદેવીનો, ચારણ્ય, ઘર ખાલી કર.'

'આમ ન હોય ચારણ, આવો અકેકાર ન હોય, હું તુંને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર - અરે હું પોતે જઇને તારા માટે બીજો વીવા ગોતી લાવું.'

'ના, બસ ઊઠ.'

'હું તને ભારી નહિ પડું ચારણ ! હું એક કોર કોઢ્યમાં પડી રહીશ. હું તારા ગોલાપા કરીશ. મારૂં પેટ પાલીનું હોય તો અધવાલી આપજે.'

'ના, ઊઠ, બા'રી નીકળ.'

'અટાણે ? કાળી રાતે ? ચારણ ! ભગત ! અટાણે હું ક્યાં જઇ ઊભી રહું? હું કેને જઇને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી ! મારી જીભ કેમ ઉપડે!' એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઇ ગયો.

'ઊઠછ કે ઢસરડીને કાઢું?'

ચારણીએ આખરે પોતાના શરીરને, ધણીને હાથે, મૂવેલા કૂતરાની માફક ઢસરડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઇ.

ચાલી જતી ચારણ્યે પાદરની શૂરાપૂરાની દેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની, પળીયલ વાળ વાળી બુઢ્ઢીને બેઠેલી દીઠી.

રોતી ચારણી એ બુઢ્ઢીને ફક્ત એટલું જ કહી શકી:

'માતાજી, મારા માથે આવી કરવી'તી ને?'

'બાપ, નાગબાઇ ! નાગબાઇ હરજોગની!' બુઢ્ઢીએ કહ્યું. 'માંડ્યા લેખ મિથ્યા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એનાં લેખાં એનાં પાપ લેશે. તું તારે આંહીથી સીધી હાલી જા. તારૂં ઠરવા ઠેકાણું મેણીયું ગામ આંહીથી છેટું નથી.'

'ત્યાં જઇને શું કરૂં?'

'આપો વેદો ચારણ છે. દુઃખી છે. એનું ખોરડું તુંથી પૂજાશે.'

'માતાજી ! હું ઊઠીને એક ભવમાં બે ભવ કરૂં?'

'કરવા જોશે દીકરી ! તારે માટે નહિ, કલુ કાળનાં નબળાં સબળાં સૌ નાનડિયાંને કેડી બતાવવા માટે. હલાબોળ કાળીંગો (કળજુગ) હાલ્યો આવે છે. માન સથુકો માનવીઓ જીવી શકે તેટલા

સારૂ તું મોગળ (મોખરે) થા. જા, તને મેંણું નહિ બેસે. અંધારૂં ભાળીને બીશ મા. હાલી જાજે. હળાબોળ કળજુગમાં કેડો પાડતી હાલી જજે. ને બાપ! એક વાતની ગાંઠ વાળજે. રાજદરબારથી તારી પ્રજાને છેટી રાખજે.'

* * *

પછી તે રાત્રિયે એક આદમી ગામ પાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોંકળામાં, વાવો ને કૂવાઓને કાંઠે દોટાદોટ કરતો હતો. આસપાસના સૂતેલાં ગામડાં નિર્જન વગડામાં ઊઠતી ચીસો સાંભળતાં હતાં-

'ક્યાં ગયાં? તમે ક્યાં ગયાં ? સુંદરી, ક્યાં ગયાં?

વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નખશીખ લૂગડાં વગરનો, ઝાળે ઝાંખરે ને ઝાડનાં થડની ઓથે લપાતો લપાતો બેબાકળો, વસ્તીથી દૂર ભાગતો હતો.

'આ કોણ છે નાગો?'

'એલા ભાઇ, આ તો આપો ભૂંથો રેઢ : માતાજીનો વરદાનધારી : અરર, નાગોપૂગો ! કોઇએ લૂંટ્યો?' લોકો ચકિત બન્યા.

'એને કોઇ લૂગડાં નાખો. ઝટ એની એબને ઢાંકો.'

લૂગડાં ફેંક્યા - નગ્ન આદમી લૂગડાં ઝીલવા જાય છે : એનો હાથ લૂગડાંને અડકે તે પહેલાં અદ્ધર ને અદ્ધર લૂંગડાંનો ભડકો થઈ જાય છે.

ગામો ગામ ભમે છે, સીમેસીમ રઝળે છે. લોકો પોતાનાં પછેડી અને ફાળિયાં ફેંકે છે. પછેડી ને ફાળિયાં એના શરીરને અડે ન અડે ત્યાં સળગી

ભસ્મ બને છે. ભડકા-ભડકા-એ પોતાના પગલેપગલે ભડકા થતા ભાળે છે. નગ્નાવસ્થામાં જ ચીસો નાખતો આંહીથી ત્યાં દોટ કાઢે છે. એ વસ્તીનો વાસ છોડીને અરણ્યમાં ઊતરી જાય છે.

લોકોમાં ખબર થાય છે: ભૂંથા રેઢે માઝા મૂકી હતી. ભક્તિનો એને કેફ ચડ્યો. રાજા ને રોનકી લોકોને ચડાવ્યો એ ચડ્યો. ઘરની રાંક સ્ત્રીને એણે કાળી રાતે નોધરી કરી કાઢી : એને માણવું હતું પારકી ત્રિયાનું રૂપજોબન. એને સાંપડ્યા ભડકા : એણે લીધાં ઝેરના પારખાં. એને માથે દેવી કોપી.


Rate this content
Log in

Similar gujarati story from Classics