Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

4.2  

Mariyam Dhupli

Others

વરદાન

વરદાન

6 mins
21.4K


સૃષ્ટિ... ઈશ્વરનું અદ્દભુત સર્જન... શૂન્યમાંથી હોવાની અનુભૂતિ... કઈ રીતે સર્જી નાખી હશે ઈશ્વરે એને? એકજ દિવસમાં? કે પછી ઘણા દિવસો, મહિનાઓ, વર્ષો કે સદીઓના પરિશ્રમને અંતે? પૃથ્વી ગોળજ હશે ને? અન્ય ગ્રહોની વચ્ચે ગોળ ગોળ ચક્કર ખાતી કેવી સુંદર ભાસતી હશે? જાણે સખીઓની વચ્ચે નૃત્ય કરતી કોઈ યુવાન નૃત્યાંગના !

સૃષ્ટિના અંધકારને વીંધીને સૂર્ય ની કિરણો જ્યારે પૃથ્વીને સ્પર્શી એને પ્રજ્વલિત કરતી હશે ત્યારે એ ચળકતો પ્રકાશ કેવો મનમોહી લાગતો હશે? જાણે કોઈ નાના બાળકને શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા એકમાં પ્રેમ અને સંભાળથી સ્વેટર પહેરાવે એમજ સૂર્ય પણ પોતાની કિરણોનું સ્વેટર પહેરાવી પૃથ્વીને હુફાંળી કરતો હશે ત્યારે એના માતૃત્વનો એ ચળકતો રંગ કેવો લાગતો હશે? પૃથ્વીના આવરણના અંતર સ્ત્રોતો કેવા ભિન્ન હશે? વૃક્ષોનો આકાર કેવો હશે? હજારો વૃક્ષો... દરેક રીતે એકબીજાથી જુદા !

એના  ભિન્ન પાંદડાઓ, નાના, મોટા, સાંકડા, પહોળા, આછા, ગાઢ જ્યારે પવનના સ્પર્શે હિંચકા ખાતા હશે ત્યારે કેવા ખુશ ભાસતા હશે ? ભૂમિ ઉપર ઊગી નીકળતા છોડ કેવા હશે? પાણીમાં ઉદ્ધભવતા છોડ જેવાજ કે એકબીજાથી તદ્દન ભિન્ન?

આકાશનો એ ભૂરો વાદળી રંગ કેવો હશે? એની પર વિહરતા એ મુક્ત વાદળો જ્યારે મિજાજ બદલી ભૂરામાંથી રાખોડિયા કાળા થતા હશે ત્યારે આકાશનો રંગ બદલાતો હશે ને ? એ વાદળોમાંથી જ્યારે પાણીના ફુવારા છૂટતા હશે ત્યારે ભીંજાયેલી ધરતી કેવી રોમાંચક અનુભવાતી હશે ? પંખીઓ કેવાં હશે? ભિન્ન કદ, ભિન્ન દેખાવ, ભિન્ન રંગોવાળા એ પંખીઓની પાંખો કેવી દેખાતી હશે? એ પાંખો ફેલાવી જ્યારે મુક્ત ગગનમાં વિહરતા હશે ત્યારે આકાશ નો શણગાર બની રહેતા હશે?

પહાડો કેવા ભવ્ય દેખાતા હશે? એમાંથી સરી પડતા ધોધનો એ દૂધ જેવો સફેદ ફીણિયો રંગ કેવો આહલાદક હશે? જ્યારે એ ધોધ કલ કલ વહેતા, ધીરે ધીરે શાંત થતા નદી, ઝરણાઓમાં ભળતા હશે ત્યારે મિલનની એ ક્ષણો આંખોને કેવી ઠંડી લાગતી હશે? સમુદ્રના ચંચળ મોજાંઓ જ્યારે કિનારે આવી અફળાતા હશે તો એ દ્રવ્ય આકારો કેવા દ્રશ્યો રચતા હશે? સૂર્યાસ્તથી સતરંગી થયેલું આકાશ જ્યારે એ સમુદ્રમાં પ્રતિબિંબિત થતું હશે ત્યારે શું એક અરીસા સમું દીસતું હશે? 

રંગો કેવા હશે? જ્યારે એ મેઘધનુષ્યમાં ભળતા હશે ત્યારે વધુ સુંદર રચાતા હશે? મેઘધનુષ્યના શરીર પર પોતપોતાનું સંતોલન કઈ રીતે જાળવતા હશે? એજ રંગો પતંગિયાની નમણી પાંખો પર કેવા વિખેરાયા હશે? માનવશરીરો પર એના આવરણો કેવા મઢાય જતા હશે? ભિન્ન ચામડીના રંગો કેવા હશે? માનવશરીર કેવું હશે? માનવી કેવો દેખાતો હશે? એના હાથ, પગ, નાક, કાન , વાળ, આંગળીઓ, ચ્હેરો કેવા હશે? બાળક અને વૃદ્ધ તદ્દન જુદા દેખાતા હશે? યુવાન શરીરો એમનાથી જુદા હશે વળી?

સવાર કેવી દેખાતી હશે? અજવાળું કેવું હશે? એ અજવાળામાં શ્વાસ લેતાં પ્રાણીઓ કેવાં હશે? એમની એ પૂંછડીઓ, શીંગડાઓ, ચાર પગ શું એમને મનુષ્યથી વિરોધી બનાવતા હશે? રાત કેવી હશે? એને પ્રકાશિત કરતો એ સફેદ શીતળ ચન્દ્ર કોઈ અપ્સરા જેવો ખીલતો હશે? એને સાથ આપતા એ તારાઓનો આકાર કેવો હશે? 

ફૂલો શું એની સૌરભ જેટલાંજ આકર્ષક હશે? એમના સુંવાળા શરીર જોવામાં પણ એવાજ અંતર હરનારા બની રહેતા હશે? દરેક ફૂલ એકબીજાથી તદ્દન ભિન્ન હશે કે થોડાં મળતાંભળતાં પણ હશે? પાણી કેવું દેખાતું હશે? એ રંગ વિહીન દ્રવ્ય કંઈક જુદુંજ ભાસતું હશે? એના સ્વાદ સમું જ ટાઢું?

સમર્થને શું ખબર ? જન્મજાત અંધ વ્યક્તિ માટે આ બધાજ પ્રશ્નોના ઉત્તર ક્યાં મળી શકે? સમર્થના હૈયાંમાં છલોછલ ભરેલા આવાજ અનંત પ્રશ્નોના ઉત્તર ફક્ત એની કલ્પનાશક્તિજ આપી શકતી. પણ કલ્પનાશક્તિ  પણ પૂર્વજ્ઞાન વિના તો શુન્યજ ને ! જેણે જીવનમાં રંગો જ જોયા ન હોય એ વ્યક્તિની કલ્પનાશક્તિ પણ ફક્ત અંધકારમાં પડેલી કોઈ કાળી સ્લેટ સમાન. એના પર જે પણ ઉપસાવો બધું જ સમાન. અંધકારના ગાઢા લીસોટાઓ સમાન !

સમર્થ વિશ્વમાં દ્રષ્ટિ ધરાવનાર મનુષ્ય જેટલો ભાગ્યશાળી ક્યાંથી? એ આંખોનું વરદાન જેને મળ્યું હોય એ માનવીઓ પોતાની દ્રષ્ટિશક્તિથી ઈશ્વર સર્જિત આ સૃષ્ટિને કેવી હ્રદયપૂર્વક માણતા હશે !

પોતાના એ દિવ્ય ચક્ષુઓનો કેવો સર્જનાત્મક ઉપભોગ કરતા હશે ! પ્રકૃત્તિનો કેવો લ્હાવો ઉઠાવતા હશે ! સંબંધોને ઉજાણી જેમ જીવતા હશે ! એક માનવીનો અન્ય માનવી સાથેનો એ દ્રષ્ટિ તંતુ વિશ્વની માનવ સાંકળને કેવી એકજોડ બાંધતો હશે ! પણ પોતે એ સાંકળમાંથી વિખૂટો પડેલો એક અંશ જ તો હતો. 

બાળપણથી અંધકારના અભિશાપમાં ધકેલાયેલ સમર્થ જીવનની દર ક્ષણ દ્રષ્ટિના વરદાન માટે તડપતો રહ્યો હતો. એમાંથી બહાર નીકળવા તરસી રહ્યો હતો. આજે વીસ વર્ષના યુવાન સમર્થનું એ ઈચ્છા સ્વપ્ન આખરે ફળ્યું. આંખોનાં સફળ ઓપરેશ પછી એ અંધકારના અભિશાપમાંથી હમેશ માટે બહાર નીકળી આવવામાં થોડીજ મિનિટો બાકી હતી. આંખો ઉપરની પટ્ટીઓ ઉતરે કે દ્રષ્ટિનું એ દિવ્ય વરદાન જીવનને પ્રકાશિત કરવા રાહ જોઈ બેઠું હતું. ઈશ્વર એ ભેટમાં આપેલ આ અતિ સુંદર સૃષ્ટિને ઈશ્વરનું સૌથી સુંદર સર્જન માનવીઓ... એમને નરી આંખે જોવાની તત્પરતાથી હૈયું ધડક ધડક થઈ રહ્યું હતું.

હવે રાહ જોવું મુશ્કેલ થઈ રહ્યું હતું. બસ કાઢી નાખો આ પટ્ટીઓ... નીકાળો બહાર આ અંધાપાના અભિશાપમાંથી... આપી દો મારું દ્રષ્ટિ વરદાન...

"બેટા, દાક્તર સાહેબ આવી ગયા." ખભે મુકાયેલા હાથથી હૃદયનો ધબકાર બમણો થયો. પાછળ ઊભેલા માતાપિતાનો ઉત્સાહ પણ સમર્થના ઉત્સાહ જેમ જ આભ સ્પર્શી રહ્યો હતો.

"સમર્થ, તૈયાર?" દાક્તર સાહેબના પ્રશ્નથી સમર્થનો ચ્હેરો ચન્દ્ર જેમ ચમકી ઊઠ્યો.

"જી ક્યારનોય..."

"એક ટેબલ ત્યાં ગોઠવી દો..." નર્સને સૂચન આપી દાક્તરે પટ્ટીઓ ખોલવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી. પાસેની બાલ્કનીમાં સમર્થની બેઠક તૈયાર કરાવી. ઈશ્વરની સૃષ્ટિને પહેલીવાર નરી આંખે નિહાળવાની એ રોમાંચક ક્ષણ આખરે આવી ઊભી.

વર્ષો અંધકારના અભિશાપમાં ગાળ્યા. પણ હવે બસ... હવે તો મળશે એ દ્રષ્ટિનું વરદાન... માનવીને માનવી સાથે સાંકળતી નેત્રોની કડી...

દાક્તર સાહેબના હાથો સમર્થના ચ્હેરાની આસપાસ વીંટળાઈ સંભાળ પૂર્વક પટ્ટીના આવરણો એક પછી એક હટાવી રહ્યા. જેમ જેમ એ આવરણો હટતાં ગયાં તેમ તેમ પ્રકાશના આવરણો દ્રષ્ટિ ઉપર ધીરે ધીરે ચઢતા ગયા.

"હવે, ધીરે રહી આંખો ખોલી શકો..." દાક્તર સાહેબના સૂચનને અનુસરતા સમર્થ એ દબાવીને મીંચેલી એ આંખોને હળવી કરી. આંખના સ્નાયુઓ તણાવથી ખેંચાઈ સખત થયા હતા. એ સ્નાયુઓને પણ ઢીલા છોડી પાંપણોને ધીરે ધીરે ઉપર તરફ ઉઠાવી.

"ધીરે......ધીરે.....હા.......આમજ........" દાક્તર સાહેબની સલાહનું સાવચેતીથી અનુસરણ કરતા સમર્થે ખૂબજ હળવેથી આંખો ઉઘાડી. પ્રકાશથી અંજાયેલી આંખો ઝાંખા દ્રશ્યથી સંઘર્ષ કરતી સ્વચ્છ દ્રશ્ય તરફ આગળ વધી, પોતાના જીવનનું સૌ પ્રથમ ચક્ષુ અનુભવ માણવા. ઈશ્વરે માનવતાને ભેટ આપેલ, એ સુંદર સૃષ્ટિ પર સમર્થની પહેલી દ્રષ્ટિ પડી. 

અચાનક એક પ્રચંડ ધમાકાથી આખી બાલ્કની ધ્રુજી ઊઠી. આંખોની સામે કાળો ગાઢ ધુમાડો છવાઈ ગયો. ધમાકાની પ્રચંડતાથી સમર્થનું શરીર થર થર કંપી રહ્યું. આંખોની ઉપર ચઢેલાં એ કાળાં વાદળો જેવા ધુમાડામાંથી સમર્થની આંખો રસ્તો બનાવી કોઈ દ્રશ્ય શોધી રહી. અને જે દ્રશ્ય જડ્યું એનાથી સમર્થની ઇન્દ્રિયો સૂન થવા લાગી. માનવજીવન અફરાતફરીમાં દોડી રહ્યું હતું.

કેટલાક શરીરો અગ્નિથી ફાટીને હાડપિંજર સમા ભયાનક પડ્યા હતા. એ કાળા ભૂંજાયેલા શરીરોમાંથી લોહીની નદીઓ વહી રહી હતી. આંખો માનવશબની બહાર સ્પ્રિંગ સમી નીકળી આવી હતી.

"બચાવો... બચાવો..." નાના બાળ શરીરો અર્ધ ભડતુ પરિસ્તિથીમાં ફફડી રહ્યાં હતાં. અહીંથી ત્યાં દોડી રહેલી માનવતા હેબતાઈને બેબાકળી બની હતી. માનવ આંક્રન્દોથી આખો વિસ્તાર ગુંજી રહ્યો હતો. કોઈ મા, કોઈ પિતા, કોઈ પ્રિયતમા, કોઈ પતિ, કોઈ બાળક વિખુટા પરિવારોને દયનિય ચીસો સાથે ખોજી રહ્યા હતા.

"હે ઈશ્વર... હે ઈશ્વર..." ઈશ્વરની આ સળગતી સૃષ્ટિનો ભયાનક નઝારો આત્માને પીગળાવી રહી હતી.

"દાક્તર સાહેબ, રસ્તાની સામે તરફ કોઈ માનવીય બૉમ્બ ફાટ્યો... હજારો લોકો ઘવાયા છે... ઇમરજન્સી..."

દાક્તર સાહેબ તરત જ ઇમરજન્સી વોડ તરફ દોડી ગયા...

પાછળથી સંભળાઈ રહેલી સમર્થની ચીસોથી હૈયું દ્રવી ઊઠ્યું પણ આશ્વાસન  આપવા માટે ન સમય હતો ન શબ્દો :

"દાક્તર સાહેબ, મારું અંધકારનું વરદાન મને પરત કરી દો... આ  દ્રષ્ટિનો અભિશાપ ન જીરવાશે !"


Rate this content
Log in