Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmendra Trivedi

Children Classics Inspirational

4  

Dharmendra Trivedi

Children Classics Inspirational

શમણાના ચોર

શમણાના ચોર

13 mins
986


વાલાસણ ગામના ચોરે આવેલા ઘેઘુર વડલા નીચે એક નાનકડી દેરી છે. દેરી પર કોઇ ધજા-પતાકા નથી, કે નથી કોઇ ભગવાનની મૂર્તિ, પરંતુ કમરેથી વળી ગયેલા લાકડીને ટેકે ઊભેલા એક વૃદ્ધાનો ઝાંખો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. નાનકડા રૂમ જેવડી આ દેરીની અંદર બે-એક કબાટો છે જેમાં બાળવાર્તાનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવાયેલાં છે. આ છે મણીમાની યાદમાં બનેલું વાર્તા મંદિર. દર અઠવાડિયે રવિવારે અંધારું થયા પછી ગામના થોડા યુવાનો એકઠા થાય છે ગામનાં ટોળાબંધ બાળકોને દેશ વિદેશની બાળ-વાર્તાઓની ચોપડીઓમાંથી અવનવી બાળવાર્તાઓ વાંચી સંભળાવાય છે. તો કોઇ વાર કોઇ ઉત્સાહી અને નટખટ યુવાન પોતે જાતે ઘડી કાઢેલી વાર્તા પણ સંભળાવે છે.

મણીમાની પુણ્યતિથિએ ઉજવાતા વાર્ષિક વાર્તા-ઉત્સવમાં એક મોટી મસ લક્ઝરી ગાડી સાંજના સમયે અચૂક આવી પહોંચે છે. આજે આ ગાડીનું આગમન થયું તો વાર્તા-ઉત્સવની જવાબદારી સંભાળતા ગામના આધેડો અને યુવાનો ગાડીને ઘેરી વળે છે. અંદરથી એક સફેદ વાળ વાળાં વૃદ્ધ ઉતરે છે. તેની પાછળ પાછળ એક નાનું ફેશનેબલ ટાબરીયું કૂદીને દાદાની આંગળીએ વળગીને નાચતું કૂદતું દેરી તરફ આગળ વધે છે. બધાં સાથે મળી મણીમાના ફોટા સામે દીવો કરે છે અને નમન કરીને વડના ઓટલાની સામે પાથરવામાં આવેલા બુંગણ પર જેને જ્યાં ફાવે ત્યાં સ્થાન લે છે. એક યુવાન દેરીમાંથી એક આફ્રિકન ફોક લોર્સનું પુસ્તક કાઢીને એક વાર્તા વાંચવાનું ચાલુ કરે છે કેન્યાના ગાઢ જંગલોમાં એક હબસીઓની વસાહત હતી. કાળા કોલસા જેવા આ હબસીઓના ગામનો મુખી હતો મટાટા ઓબુલો... આ મટાટાને એક તોફાની દીકરો હતો...

વાર્તા પૂરી થતાં એકત્રિત સૌ જમ્યા અને પરસ્પર પરિચય કર્યો અને મણીમાને બધાંએ ખુબ યાદ કર્યાં. ગામના યુવકો અને આધેડોએ વૃદ્ધને રોકાઇ જવા આગ્રહ કર્યો પરંતુ મોડી રાતે પણ શહેરમાં પહોંચવું તો પડશે જ એમ કહી એમણે સૌની રજા લીધી. ગાડી ગામ બહાર નીકળી એટલે પેલા ટાબરીયાએ પૂછ્યું "હેં ગ્રેન્પા, આ બધું શું હતું ? વ્હાય વી ડોન્ટ ગો ટુ રિલિજીયસ સેલીબ્રેશન્સ લાઇક યોર અધર ઓલ્ડ ફ્રેન્ડ્સ?". દાદો હસી પડ્યો અને પોતાના મુદ્દલના વ્યાજને સીટમાંથી ઊંચકીને ખોળામાં બેસાડીને બોલ્યા "આર યુ રીયલી ઇન્ટરેસ્ટેડ ઇન નોઇંગ ? પણ હું ગુજરાતીમાં જ કહીશ, બોલ સાંભળવું છે?" ટાબરીયું લુચ્ચું હસીને બોલ્યું "હા દાદા, અમે ભલે અમેરિકામાં રહીએ, પણ મોમ અને ડેડ તો મારી સાથે ગુજરાતીમાં જ બોલે છે. યુ નો ગુજ્જુ ઇઝ ઇન માય બ્લડ... ટેલ મી... આમ બી તમે મને રોજ વાર્તા કહો છો ને, એવી રીતે ગુજરાતીમાં જ કહો !" દાદો વાત શરુ કરે છે... “વર્ષો પહેલાં આ વાલાસણ ગામમાં એક ડોશી રહેતી હતી...” એમના મોં માંથી વાત વહેતી રહી અને દાદો ધીમે ધીમે પોતાની અંદર સતત ભજવાતી એક જીવતી જાગતી અને સાચુકલી વાર્તાને ફરીથી વાગોળવા લાગ્યો...

******

શિયાળાની કડકડતી ઠંડીમાં વાલાસણ ગામની શેરીના નાકે આવેલા ચૉરે ઘેઘુર વડલાના ઝાડની નીચે મણીમા રોજ વાર્તા માંડે. આસપાસની શેરીનાં બાળકો એકઠાં થાય, અને લગભગ નેવું વરસનાં મણીમા પોતાના જર્જરિત પંડના સાબૂત મનનો ખજાનો ખોલે. એમના ખજાનામાંથી જાતજાતની ને ભાત ભાતની પેંડા, બરફી, મોહનથાળ ને જલેબી જેવી વાર્તાઓ છલકાય. સુતારનો છનીયો, મનીયો, દરજીની વર્ષી અને રાજુડી, માસ્તરનો દકલો ને બીજા કેટલાયે છોકરાં સાંભળતાં સાંભળતાં મણીમાની વાર્તાના કાગડાના માળા સાથે વરસાદમાં ભીંજાય, આનંદી કાગડા સાથે તડકે શેકાય, કાને વિંધાય, ઉકળતા તેલમાં તળાય, દેડકાની માફક ફુલાય અને આઠ માથાળા રાક્ષસની કેદમાંથી રૂપાળી રાજકુમારીને બચાવવા માટે ધમાસાણ ખેલતા રાજકુમારની સાથે સાથે તલવરોના ઘા પણ ઝીલે !

મણીમા પોતાના ઘરમાં અણગમતું પાત્ર, ડોશી કચ કચ બહુ કરેને એટલે. પણ બકરીના વાઘ જેટલાં શેરીના છોકરાઓને મન મણીમા તો જાણે ગોળનું ગાડું. રોજ રાત પડેને વાળુપાણી પતાવીને છોકરાઓનું ટોળું વડલાની ઘેઘુર ઘટા નીચે ધીમે ધીમે એકઠું થાય અને મણીમાની રાહ જોવાય. કમરેથી બેવડ વળી ગયેલાં મણીમા લાકડીના ટેકે ટેકે ડગુમગુ આવતાં ન દેખાય એટલે છોકરાઓમાં અજંપો વધતો ચાલે. એક બે અગળ પડતાં છોકરાં ઊભાં થઇને ચડ્ડી ચડાવતાં ચડાવતાં ઊપડે મણીમાની ડેલીએ. મણીમાના ફળીએ તૂટેલી ફૂટેલી ઝાંપલીએ ટીંગાય. ઝાંપો કિચુડાટી કરે એટલે મણીમા બજરની દાબડી બંધ કરતાં ઊભાં થાય અને ખોટોખોટો ગુસ્સો કરતાં કહે “રોયાવ સખે બજરેય દેવા દેતા નથ. નવરીનાંવ... પોગો તમે, હું આવું જ છું” કહીને ખાટલાને ટેકે પડેલી વાંકીચૂકી લાકડી ઉપાડે, અને તેના ટેકે ઊપડે વડલા ભણી.

મણીમાનો ઝાંપો ખૂલે અને એક ખખડધજ આયખું આખું આવતું વરતાય. છોકરાવનો હરખ માય નહીં અને તેનો કલબલાટ એટલો તો ઘુમરાય કે વડલા પર આરામ કરતી વડવાગોળો પણ કકળાટ કરવા લાગે. વગોળોનો આ કકળાટ વાતાવરણને મણીમાની વાર્તાઓ જેવું ઘેરું અને રહસ્યમય બનાવે. બાળકો કલ્પનાના ઘોડા દોડાવવા લાગે કે આજે શેની અને કેવી વાર્તા મંડાશે. મણીમા કાયમ આવીને હળવેકથી બેસે ઓટલે અને છોકરાંવ ડાહ્યાં ડમરાં બનીને બેસી જાય. મણીમા પૂછે કે ‘એલાવ, તમારી માયુને કઇને આઇવા છો ને ? નકર નકામી બચાકડી ચિંતા કરે ને ગોતવા ગામ ગાંડું કરહે’. તરત એકાદુ વાંદરું બોલે ‘જાવાદ્યોને મા, સૌની માયુને ખબર છે કે અમે આયા ગુડાણા છીએ, તમતમારે થાવા દ્યો’. એકાદ-બે પાછા પોતાને અગાઉ જે વાર્તા બહુ ગમી ગઇ હોય એ બીજી વાર કે'વાની જીદ કરે, ને બાકીના એને ધમકાવે ‘નવરીનાવ, છાનીમુનીના બેહો, હાલી નિકઇળા છો જૂની વાર્તા વાળીનાવ, આ તમારી મા હમણાં ઊભી થઇને થાહે હાલતી. મા ઇ ડોઢડીનાવ ભલે ક્યે, તમતમારે થાવા દ્યો નવી હો!’ અને મણીમા જર્જરિત સાડી સહિત પોતાનો મુંડો ખંજવાળે અને એમના હોઠે એક નવી જ વાર્તા ફૂટે.

******

પણ એક દિવસ ભારે થઇ. મણીમા ટકો ખંજવાળ્યા કરે પણ ખબર નહીં કેમ, એમના મગજમાં શૂન્યાવકાશ છવાઇ ગયેલો. મણીમા પણ મૂંઝાયા. છોકરાંવના હોકારા પડકારા વચ્ચે મુંડો ખંજવાળી ખંજવાળીને લાલ ઘૂમ થઇ ગયો, પણ આ વડલાના સમ, એમના મગજમાં કાંઇ કરતાં કાંઇ સળવળ જ ના થઇ. છોકરાઓને ઊંચાનીચા, આઘા પાછા થતા જોઇને મણીમાએ પોતાના મગજનો એકે એક ભાગ ફંફોસી જોયો, પણ એક પણ વાર્તા મળી જ નહીં. એમને ઘડીક તો એમના ફળીયામાં રહેતા ભાડુઆતે ખાલી કરેલી ઓરડી યાદ આવી ગઇ. ‘મુવાવ ખાલી કરીને ગ્યાતા તયે દીવાલમાં મારેલી ખીલીયું સોત કાઢી ગ્યાતા’. મણીમાએ બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, જે જે સમયે સાંભળેલી એ સમયગાળાની યાદોની દિવાલો પર ગાબડાં દેખાયાં, પણ એક પણ કહેલી કે વણકહી વાર્તા મળી નહીં. વણકહી તો ઠીક, પણ જે વાર્તાઓ હજી કોઇને સંભળાવેલી નહોતી એ જગ્યાઓ પણ ખાલીખમ્મ ! અચાનક એમને વિચાર આવ્યો કે ‘લે માળું બેટું, કઇ દીધીયું ઇ અને નથી કીધીયું ઇ બધી ય ક્યાં ગઇ હઇશે?’

સામે બેઠેલી ટોળીને ઊંચીનીચી થાતી જોઇને મણીમાને થયું, હાલને એક નવી વાર્તા બનાવીને સંભળાવું, સોકરાવને ન્યાં શું ખબર્ય પડવાની?” માએ તો ખોંખારો ખાઇ ને વાર્તા માંડી એક ગામ હતું, ને ઇ ગામને પાદર નદી કાંઠે બઉ બધાં ઝાડવાં. જાત જાતના ચકલા-ચકલીયું આવેને આખો દી કલબલાટ કરે અને એયને જલસા. અચાનક એક દી ઇ ઝાડવાવમાં એક નાનકડું વાંદરું આવી ગ્યું. બવ ડાયુ હો, તમારી જેમ સેજેય અકોઇણુ નઇ. ડાળીયું ઉપર ઠેકડા માઇરા કરેને ખાય-પીયેને મસ્તી કરે. એક દી ઇ વાંદરુ ફરતું ફરતું નદી કાંઠે નિહાળે પોગી ગ્યું. એણે તો બધું જોયું, ધ્યાન થી જોયું તો નાના સોકરાવ પાટી-પેન લઈને ભણે. વાંદરાને તો મજા આવી, તો ઇ તો પોગ્યું નિહાળના માસ્તર પાહે, અને કે “માસ્તર માસ્તર, મારે ય ભણવું સે.” માસ્તર કે “કાલે આવજે સવારે સાત વાઇગે, તને નિહાળ્યમાં દાખલો અપાવી દઉ.” આમ ને આમ મણીમા વાતો જોડતાં ગયાં અને વાર્તા આગળ ચાલી. પરંતુ થોડીક વારે મણીમાનું ધ્યાન ગયું કે અમુક ટાબરીયાં બગાસા ખાવા માંડ્યા હતા, અને છેલ્લે બેઠેલા હતાં એ એક બે તો ક્યારે પોબારા ગણી ગયેલાં એ જ ખ્યાલ ના રહ્યો!

મણીમાએ બધાંય છોકરાઓને પૂછ્યું એલાવ કંટાળો તો નથી આવતોને ? તો એકાદ બે છોકરા સિવાય બધાએ હા પાડે કે ‘મા, વાર્તા સારી છે પણ ખબર નઇ, મજો નથ આવતો”. મણીમા પાછાં મૂંઝાયા. માળું ખબર નથ પડતી શું થાય છે. મણીમાએ બધાંને કહ્યું તઈ હાલો ઘર ભેગીના થાવ. આમેય તમારી માયુ રાહ જોતી હઇશે. રોજ જાવામાં ગલ્લાં-તલ્લાં કરતાં અને આઘાંપાછાં થતાં છોકરાવ આજે તો જંગલી ચકલીના ઝૂંડની જેમ ભરરરરર ભટ્ટ કરતાં ઉડી ગયાં ! મણીમા ડગુમગુ પોતાને ઘરે ગયાં. તૂટીફૂટી ઝાંપલી ખોલીને ફળીયામાં પ્રવેશ્યાં. અંધારામાં પણ મણીમાને ફળીયાના બીજા છેડે ગમાણમાં બે ગાયો અને ભેંસોના ઓળા દેખાયા. ગમાણની બાજુમાં વહુએ મૂકેલા ખાટલે બેસીને નીચે પડેલા ત્રાંબાના લોટાના પાણી વડે કોગળા કરીને દાંતે લગાડેલી બજર કાઢી મોં ચોખ્ખું કર્યું. એમને લાગ્યું કે ગમાણમાં કઇંક હલન ચલન થઈ રહ્યું છે. ધ્યાન આપ્યું તો ભેંસો બેઠી બેઠી વાગોળતી હતી. એમને થયું કે કઇંક ભ્રમ થયો હશે. આડાં પડીને અને રામ નામ જપવા લાગ્યાં. રામ રામ બોલતાં બોલતાં ધીમે ધીમે એ રટણ ક્યારે મરા મરા થતુ ગયું એની ખબર ના રહી અને આંખો ઘેરાવા લાગતાં હળવેથી પડખું ફેરવ્યું અને સૂઈ ગયાં.

******

મણીમાના શ્વાસનો અવાજ જેમ જેમ ગહેરો થતો ગયો તેમ તેમ, ગમાણમાં ભેંસોના વાગોળવાની હલચલ વચ્ચે, મખમલીયા જીવડાં જેટલાં બે સાવ ટચુકડા ભેદી પડછાયા ધીમે ધીમે ભેંસના પડછાયામાંથી અલગ પડ્યા અને મણીમાના ખાટલા નીચે આવીને ખાટલાના પાયાના પડછાયામાં છુપાયા. એક પડછાયાએ બીજાને કહ્યું. સાવચેત રહેવું પડશે, ડોશી ચાલાક છે. આપણે એના સ્મૃતિ-પ્રદેશની બધી વાર્તાઓ ચોરી લીધી તો પણ આ અભણ ડોશી જાતે બનાવી બનાવીને વાર્તાઓ સંભળાવે છે. તને ખબર તો છે કે હું નાનો હતો ત્યારે મને મારી મા કે દાદીએ કોઇ દિવસ વાર્તા સંભળાવી નથી. ઉલટાનું તારી જેમ જ મને પણ સાવકી મા તો વાર્તાનું નામ સાંભળીને જ મારતી ! હું મોટો થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આ દુનિયામાંથી વાર્તાઓનો નાશ કરવો. મને વાર્તા ન સાંભળવા મળી તો બીજા બાળકો પણ શેનાં વાર્તાઓનો લ્હાવો લે ?”

બીજો પડછાયો થોડું ઘોઘરા અવાજે બોલ્યો સાવ સાચું હો. મને તો આવી ડોશીઓ જોવ તો એમનો ટોટો જ પીસી નાખવાનું મન થાય. મારા ડેડીને તો પૈસા કમાવામાંથી સમય નહોતો મળતો, માને કિટી-પાર્ટીઓ અને દાદીને તો પોતાની ભજન મંડળીઓમાંથી જ સમય નહોતો મળતો. હું ક્યારેક રાતે વાર્તા સંભળાવવાની જીદ કરું તો મને તો અંધારા ભંડકીયામાં પૂરી જ દેતાં. સારું થયું કે તું મળી ગયો મારો સમ દુ:ખીયો ! આપણે એકઠા થઈને હવે આ અનાયાસે મળી ગયેલી ‘વાર્તા-અતૃપ્તિ’ વિદ્યાના જોરે દૂનિયાને વાર્તા વિહોણી બનાવી દઈશું. જોઇએ હવેના બાળકો કેવાં પાકે છે. આપણને વાર્તા-સુખ ન મળ્યું તો આ વાંદરાઓ શેના વાર્તાયું સાંભળે? જો આ ગુજરાતની વાર્તાઓ તો જાણે થોડા વખતમાં જ નાશ પામશે, અને પછી દેશના એક પછી એક રાજ્યોની અને એક કરતાં કરતાં આખી દૂનિયાની વાર્તાઓ ચોરીને તેનો પણ નાશ કરી દઈશું. આપણો આ પ્લાન બહુ સમય લે એમ હતો. પણ આ મારો નવો આઇડીયા જબ્બર નથી હેં ? સાચું કેજે?

પહેલો પડછાયો બોલ્યો, “હા લ્યા, આપણે અગાઉ આ ડોશીની સ્મૃતિમાં સંઘરાયેલી વાર્તાઓ આપણે એકસાથે જ ચોરી લીધી તો ડોશી સાલી ભારે જબરી... મૂંઝાવાને બદલે જાતે જોડીજોડીને, બનાવી બનાવીને બાળકોને વાર્તાઓ સંભળાવવા માંડી. તને સારો વિચાર આવ્યો કે જેમ માણસના મગજમાં સ્મૃતિનું એક ભંડકીયું હોય એમ, કલ્પના અને સપનાની પણ જગ્યા હોય જ. આજે આપણે આ ડોસલીના મનમાં ફરી થી જઈએ છીએ, તો ગમે તે થાય પણ તેની કલ્પનાની અને શમણા જોવાની શક્તિ જ ચોરી લઈએ. મને આ સાવ ટચુકડા થવાની જે 'વાર્તા-અતૃપ્તિ'ની શક્તિ મળી છે એનો ઉપયોગ હવે કરીને દુનિયાભરની ડોસી-ડોસાઓની સ્મૃતિ તો ખાલી કરશું જ, પણ સાથે સાથે એમની કલ્પના શક્તિ પણ ઊઠાવવાની ભૂલવાનું નહીં હવેથી. સારું, ચાલ હવે ખૂણે ખાંચરે રહી ગયેલી વાર્તાઓ અને મણી ડોશીની કલ્પના શક્તિને અને શમણાંને પણ ઉઠાવી લઇએ અટલે અહીં પણ વાર્તા થઈ જાય ઠપ.

બેય પડછાયા હળવેકથી ખાટલાને પાયેથી ઉપર ચડીને ખાટલાની ઇસે પહોંચ્યા. ઓશિકા નજીક સંતાઇને મણીમા ઊંઘી ગયાં છે કે નહીં તેની ખતરી કરી. ડોશીના ઊંડાઊંડા અને ભારે શ્વાસ પરથી ખાતરી થઈ કે ડોશી ઊંઘે છે. ખંભે થેલા નાખીને બેઉ મણીમાના કાનમાં થઈ એમના દિમાગમાં આવેલા રાગ, દ્વેષ, પ્રેમ, દયા, હિંમત અને લુચ્ચાઇના પ્રદેશો પસાર કરીને સ્મૃતિ પ્રદેશ સુધી આવી પહોંચ્યા. ધીમેથી સ્મૃતિપ્રદેશની દીવાલોની ખીંટીઓ પર કોઇ વાર્તા રહી તો નથી ગઇને તેની ખાતરી કરતાં કરતાં તેઓ સમગ્ર સ્મૃતિ પ્રદેશના ગલીયારાઓમાં ફરી વળ્યા. સ્મૃતિ પ્રદેશ અને વિસ્મૃતિની સરહદે તેમને એક ઝગમગતું કોઠી જેવું પાત્ર દેખાયું. થોડી વાર તો તેમની આંખો અંજાઇ ગઈ. પછી અંધારામાંના આ ઝગમગાટથી આંખો ટેવાઇ ગઈ. નજીક જઈને એ કોઠીમાં નજર કરી તો સાવ ખાલી ખમ્મ, પરંતુ અંદર એવો આભાસ થતો હતો કે જાણે હવા કરતાં થોડું ઘાટ્ટું તત્વ વલોવાઇ રહ્યું છે. થોડી વાર તો કંઇ સમજાયું નહીં બન્નેને, કે આ શેનું પાત્ર છે અને અંદર ચકરાવે ચડેલું હવા જેવું તત્વ છે શું? તેમણે પોતપોતાના થેલા બાજુ પર રાખ્યાં અને નીચે બેસી ગયા. પોતાના જ દિમાગમાં શું શું હોય એ વિચારવા લાગ્યા.

અચાનક જ તેમને ઝબકારો થયો, લે આ તો શમણાં અને કલ્પનાની કોઠી . . . બધું ચોર્યું, પરંતુ મણી ડોશીની કલ્પના અને તેના શમણાં ચોરવાના તો રહી જ ગયાં હતાંને ! શમણાં અને કલ્પના જ વાર્તાનો જીવ છે, એ છે ત્યાં સુધી વાર્તા-તત્વ થોડું મરી જવાનું છે ? ખુશખુશાલ થતા થતા બેય જણે કોઠી ઊંચકીને મહામહેનતે મોટા થેલામાં ભરી. પ્રથમ પડછાયો બોલ્યો આપણે બેય મૂરખા છીએ, ડોશીની એકઠી કરેલી વાર્તાઓ ચોરી, તો પણ ડોશી તત્કાલ વાર્તાઓ બનાવીને બાળકોને સંભળાવવા લાગી ત્યારે આપણને લાગ્યું કે પેલા વાર્તામાં આવતા વચ્ચે વચ્ચે અને છે ને, પછી છે ને’જેવાં લટકણીયા પણ ચોરી લેશું તો ડોશીની વાર્તાઓ નિ:રસ બની જશે અને છોકરાઓ જ કંટાળીને સાંભળવા આવતાં બંધ થઈ જશે. પણ આ ડોશીની કલ્પના અને તેના શમણાં તો તેના મગજમાં જ હતાં. એટલે ડોસલીની વાર્તાઓ અટકી નહીં. ડોસીએ પોતાના બાળપણમાં જે વાર્તાઓ સાંભળી હોય, એ પણ કોઇકની કલ્પનામાંથી જ બની હોય ને? હવે કલ્પના અને શમણાં વિના આ ડોશી શું ધૂળને ઢેફાં વાર્તાઓ કરશે ?” બન્નેએ ભેગા થઈને કોઠીવાળો થેલો ઊંચક્યો અને ધીમે ધીમે જે કાનમાંથી પેઠા હતા તે તરફ ચાલ્યા. કાનના કિનારે આવીને સબ સલામતની ખાતરી કરીને અંધારામાં ઓશીકા પર કૂદ્યા.

પણ બંન્ને પડછાયા પોચા ઓશીકાને બદલે કોઇ ખરબચડી સપાટી પર આવી પડ્યા. થોડું વાગ્યું પણ ખરું. આશ્ચર્યચકિત થઈને એમણે આજુબાજુ જોયું તો ખેતરના ચાસ જેવી આડેધડ રેખાઓ અને ઉબડખાબડ જમીન જેવી દેખાતી મણીમાની હથેળી પર આવી પડેલા. ચાંદનીના પ્રકાશમાં ચારેબાજુથી થાંભલા જેવી લાગતી આંગળીઓ ફરી વળી અને તેઓ મણીમાની અંધારી કોટડી જેવી મુઠ્ઠીની કેદમાં થઈ ગયા. મણીમાંએ પથારીમાં બેઠા થઈને હથેળી ખોલી. બેય પડછાયા હથેળીમાં દિગ્મૂઢ થઈને બેઠા હતા. મણીમાએ એમને કહ્યું કે “મેં તમારી બધી જ વાતું સાંભળી લીધી છે. પેલા તો બવ જ ખીજ ચડી તમારા ઉપર, અને એમ પણ થ્યું કે જેવા બારા આવેને એટલે પકડીને તમને ચપટીમાં જ ચોળી નાખું ! પણ પછી તમારી નાનપણની રામકાણી સાંભળીને તમારી ઉપર દયા આઈવી. હવે જોવો હું તમારા બે માંથી એક ને છોડું છું અને બીજાને મારી પાહે કેદ રાખીશ. જીને છોડું ઇ જઈને મારી વારતાયું, અને ભેગાભેગી મારી કલ્પનાયું અને સપનાય મારા મગસમાં પાછા નાખી જાય. પસે હું બીજાને સુટો મેલય”. એમ કરીને બેમાંથી જે ચપટીમાં આવ્યો એ પડછાયાને લઈ પોતાની સાડીના છેડે પોટલીમાં બાંધી દીધો, અને બીજાને ધીમેથી ભેંસના પડછાયામાં જ ઉતારી દીધો અને પછી હળવેકથી પથારીમાં લાંબા થઈને રામનામનું રટણ ચાલુ કર્યું.

બે ચાર દિવસ પછી એક દિવસ મોડી સાંજે મણીમા ઓટલે આવીને બેઠાં અને વાનર ટોળકીને કહ્યું “આજે વાર્તાયું પાછી શરૂ કરતા પેલાં હાલો સૌ ભગવાનને યાદ કરી લઈએ. મણીડોશીની સાથે સૌએ આંખો બંધ કરી અને ભજન ગાવા લાગ્યાં. વડલાની એક વડવાઇ પરથી એક સાવ ટચુકડો પડછાયો સરસરાટ સરકતો સરકતો મણીમાના કાન સુધી લટક્યો. વડવાઇને ઝુલાવતાં ઝુલાવતાં પડછાયો જેવો મણીમાના કાનની નજીક પહોંચ્યો ત્યારે તેણે કઇંક એમના કાનમાં ફેંક્યું. પછી ધીમેથી સરસરાટ વડવાઇ પર ચડીને અંધારામાં લપાઇ ગયો. મણીમાએ પોતાનો કાન ખંજવાળીને પછી પોતાની સાડીને છેડે વાળેલી ગાંઠ ખોલી, અને બીજા પડછાયાને એ જ વડવાઇ પર ચડાવી દીધો. પ્રાર્થના પૂરી થતાં જ માએ વાત માંડી.

“અને છે ને, ભણી ગણીને પેલો નંબર આઇવો બોલો ઈ વાંદરાનો. ને પછી તો મંડ્યો નોકરીની પરીક્ષાયુ દેવા. પછી છે ને, એક દી ઇ વાંદરો જી ઝાડવા ઉપર રેતોતો ને? ઇ જાડવે ટપાલી આઇવો અને જોયું તો વાંદરો ઝાડવાની ટગલી ડાળીએ બેઠો બેઠો વાંચતો તો. ટપાલીએ રાડ પાડીને એને કીધું એય વાંદરાભાઇ, તમારી કારકુનની નોકરીનો ઑડર આઇવો સે, તમે મને સોડા પીવડાવોને તો જ તને આપું. છોકરાઓ હસી હસીને બેવડ વળી ગયાં અને અમુક તો હસતાં હસતાં ધૂળમાં આળોટવા મંડ્યાં ! ઘેઘુર વડલા પર બેઠેલા બેય પડછાયા એક બીજાની સામે મરક્યા. એક પડછાયો બીજાને કહેવા લાગ્યો, “સારું થયું ડોશીએ આપણને ઝડપી લીધા, ઠમઠોર્યા, નહીતર આ પેઢી અને આવતી પેઢીના બાળકોનું બાળપણ બચી શકત? આપણે ભલે વાર્તા વગર મોટા થઈ ગયા, પણ આપણી હવે પછીની પેઢીનું આ સુખ છીનવવાનું પાપ આપણે નામે ચડી જાત હો” બન્ને પડછાયા જેમ જેમ દૂર જતા ગયા તેમ તેમ બાળકોના ઠીઠીયારા ધીમા થતા ગયા. મુખ્ય પડછાયો બીજાને બોલ્યો હવે જલદી જલદી ચોરેલી બધી વાર્તાઓ પાછી પહોંચાડી આવીએ ! બન્ને પડછાયાના કદમોમાં એક નવો જોશ હતો અને આંખોમાં એક અલગ ચમક હતી... જાણે કે ચોમાસાના આગીયા જ જોઈ લ્યો !

******

દાદાના ખોળામાં બેઠેલું ટાબરીયું બોલ્યું “હેં ગ્રેન્પા, આ મણીમાનો ફોટો, વડલો અને એમની વાર્તા સાંભળવા આવતાં બાળકો જે આજે મારા ડેડ જેવડા છે એ પણ આજે મળ્યાં, પરંતુ પેલા બે શમણાના ચોરનું શું થયું...?” દાદા થોડી વાર કંઇ ન બોલ્યા. પછી ટાબરીયાના ઊંઘરેટા મોં સામે જોઇને કહ્યું “એમાંનો એક અમેરિકા જ છે. હી ઇઝ રનિંગ અ સ્કૂલ ઓફ સ્ટોરી ટેલિંગ, અને...” દાદો આટલું બોલ્યો એટલી વારમાં જ ટાબરીયું ઊંઘી ગયું હોવાથી દાદા આગળ બોલતાં બોલતાં અટકી ગયા અને કારના ડ્રાઇવર માટેના રીઅર વ્યુ મીરરમાં પોતાની ઝાંખી છબીને જોઇ રહ્યા... પછી સૂતેલા ટાબરીયાનાં સોનેરી વાળમાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં બોલ્યા દીકરા... “ધ સેકન્ડ ગાય ઇઝ ટેલીંગ યુ અ ન્યુ સ્ટોરી એવેરી ડે...” શહેર તરફ ધપી રહેલી કારની બહાર પસાર થઈ રહેલા ખેતરોમાં ઝબકી રહેલા છૂટાછવાયા આગીયાઓની ચમક વૃદ્ધની આંખોમાં પ્રતિબિંબિત થઈ રહી હતી.

= = = = = = = = = = = = = = = =


Rate this content
Log in

Similar gujarati story from Children