Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Romance Classics

4.5  

Mariyam Dhupli

Romance Classics

આંટણ

આંટણ

5 mins
598


પાર્ટી સમાપ્ત થઈ ગઈ હતી. સરલાને પાર્કિંગ સુધી પહોંચાડવા સુબોધ જાતે એની જોડે દાદર ઉતરી રહ્યો હતો. એપાર્ટમેન્ટની લિફ્ટ આમતો બરાબર કામ કરી રહી હતી. પણ સરલાએ જાતેજ દાદરનો રસ્તો પસંદ કર્યો હતો. લિફ્ટથી એક વિચિત્ર ફોબિયા હતો એને બાળપણથીજ. આમ તો ઘણી બધી બાબતોમાં સ્વભાવગત જ એ ગભરુ હતી. અંતર્મુખી પણ ઘણી. મિત્રોની સંખ્યા પણ ઝાઝી નહીં જ. નાનકડું મિત્ર વર્તુળ અને અત્યંત પસંદગી પામેલા જ મિત્રો. સુબોધ એ નાનકડા મિત્ર વર્તુળનું કેન્દ્ર સમો હતો. ઓફિસમાં એની જોડે સહકાર્યકર તરીકે કામ શરૂ કરવાને પાંચ વર્ષ થવા આવ્યા હતા. આ પાંચ વર્ષમાં એ સુબોધને એટલી ઝીણવટ પૂર્વક સમજી ચુકી હતી કે એના હૃદયની વાત સમજવા માટે એને શબ્દોને આધીન થવું પડતું નહીં.


આજે સુબોધના હૃદયમાંથી જે વાત બહાર આવવા મથામણ કરી રહી હતી એ સરલા શબ્દે શબ્દ જાણતી હતી. આમ છતાં ન જાણવાનો ડોળ કરવા સિવાય એની પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. જેટલું એ સુબોધને જાણતી હતી એને આધારે તો એ નક્કીજ હતું કે સુબોધ એ વાતને કદી હોઠ ઉપર ફરકવા ન દેશે. હય્યાના બારણે આજે પણ તાળું જ લટકશે. એમાં વાંક સુબોધનો પણ કેમ કહેવાય ? કારણકે એ તાળાની ચાવી તો સરલાના હાથમાં હતી. 


દાદર ઉતરી રહેલી સરલાના ચહેરા ઉપર એ વાતની નિશ્ચિતતા હતી. પણ એની જોડેજ પગમાં પહેરેલ નવી મોજડીને કારણે વચ્ચે વચ્ચે અણગમાના ભાવ પણ ડોકિયું કરી રહ્યા હતા. મોજડી એના પગને પોતાના ચુસ્ત આકારથી જકડી રહી હતી. પગ માટે જાણે શ્વાસ લેવાની જગ્યાજ ન હતી. દેખાવમાં ઘણી આલીશાન અને આબરૂદાર. પગનો સાચેજ વટ પડી જાય એટલી આકર્ષક. પરંતુ એમાં આરામદાયકતા સંપૂર્ણ ગેરહાજર હતી. દેખાવ અને શણગારમાં ચોક્કસ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ લઇ જાય એવી પરંતુ એના આંતરિક કદ અને આકાર પગને પીડા અને કષ્ટની છૂપી ભેટ ધરી રહ્યા હતા. છેવટની આંગળી રીતસર ભીંસાય રહી હતી. પાછળ તરફથી બન્ને પગની ચામડી ઊંડાણથી ઉખડી રહી હતી. એ વેદના અસહ્ય હતી. પરંતુ લોકોની સામે આરામદાયક હોવાનો ડોળ કરવોજ રહ્યો. એ પીડાને અંદરખાને દબાવી સહેવીજ રહી. 


સુબોધ એની પીડા કળી ન જાય એની સભાનતા દાખવતી સરલા દાદર ઉતરતા પોતાની ચાલ ઉપર જહેમતવાળી પકડ જમાવતી આગળ વધી રહી હતી. પાછળ દાદર ઉતરી રહેલ સુબોધના ચહેરા ઉપર સ્વભાવગત પરિપક્વતા છવાઈ હતી. 


આજે સુબોધે ઘરે પહેલીવાર સ્ટાફમિત્રો ને આમંત્રિત કર્યા હતા. દર વખતે હોટેલમાંજ પાર્ટી રાખવું એને ગમતું. વૃદ્ધ માને આ ઉંમરે બહુ દોડભાગ કરવી ન પડે એનું એ સંપૂર્ણ ધ્યાન ધરતો. આખરે એમના સિવાય આ વિશાળ વિશ્વમાં એનું હતુજ કોણ ? આટલા બધા લોકોની યજમાન ફરજો વૃદ્ધ ખભા ઉપર ન આવી પડે એટલેજ હોટલનું વિકલ્પ એને વ્યવહારુ લાગતું. પણ આ વખતે વાત કંઈક જુદીજ હતી. સ્ટાફમિત્રો ફક્ત એક બહાનું જ હતા. સરલા આજે પહેલીવાર ઘરે આવી હતી. માને મળી હતી. મા કેટલી ખુશ હતી ? સરલાની ખાતિરદારીમાં એણે કોઈ કમી બાકી રાખી ન હતી. એના મનની વાત એના વૃદ્ધ ચહેરાની કરચલીઓમાં લપાઈ, એના હાસ્યમાં છલકાઈ રહી હતી. સુબોધને આંખો દ્વારાજ પોતાની હામી એણે પહોંચાડી દીધી હતી. સરલા કઈ જાણી ન શકે એની તકેદારી પણ સુબોધના કહેવા પ્રમાણે બખુબ દાખવી હતી. મા દીકરાની ખુશી એક છૂપા રહસ્ય સમી એકબીજાની દ્રષ્ટિમાં સંતાકૂકડી રમી જતી હતી. હા, સરલા એમને ગમી ગઈ હતી સુબોધની જેમજ.


પરંતુ શબ્દો મૌન ધારી બેઠા હતા. અસંખ્ય મહેમાનો વચ્ચે સુબોધ, સરલા અને સુબોધની મા જાણે એકબીજામાં ખોવાઈ ચુક્યા હતા. સામસામે લાગણીઓની અભિવ્યક્તિ થઇ ગઈ હતી છતાં કોઈ એકરાર હજી શક્ય ન હતો. જ્યાં સુધી સરલા......


અંતિમ દાદરનું પગથિયું ઉતરતાંજ સરલાના મોઢામાંથી પીડાની એક નાની સિસકિયારી નીકળી આવી. પગની મોજડી તરફ એણે આછી તિરસ્કાર ભરી દ્રષ્ટિ ફેંકી. 


એ મોજડીમાં ક્ષણભર માટે પોતાનું લગ્ન જીવન પ્રતિબિંબિત થઇ ઉઠ્યું. એ પણ કંઈક એવુજ તો હતું. બહારથી કેટલું વૈભવશાળી અને અંદરથી એટલુંજ કષ્ટદાયક. અરેન્જ મેરેજના કૂવામાં માતાપિતાએ એને બળજબરીથી ધકેલી હતી. સામાજિક પ્રતિષ્ઠા, આર્થિક જાહોજલાલી અને ઘર તેમજ બેંકબેલેન્સનું કદ. ફક્ત આજ પાસાઓ તો પરખાયા હતા. રહી ગયેલા પાસાઓ એમને મહત્વવિહીન લાગ્યા હતા. પરંતુ એજ રહી ગયેલા પાસાઓ લગ્ન પછી સરલાની શ્વાસોને રૂંધાવી રહ્યા હતા. સ્વભાવ, પ્રકૃત્તિ, માનવતા, આત્મીયતા, માન - સન્માન, કેટલું બધું ગેરહાજર હતું એ વિશાળ બંગલાની અંદર અને પોતાના લગ્ન સંબંધમાં પણ. 


સુબોધના સંપર્કમાં આવ્યા પછી, એને જાણ્યા પછી એ પાસાઓનું મહત્વ એ સમજી શકી હતી. આજે સુબોધના નાનકડા ફ્લેટમાં કેટલા વર્ષો પછી જાણે એણે થોડી મુક્ત શ્વાસો માણી હતી. આજે વાતેવાતે એનું અપમાન થયું ન હતું. સુબોધની મા એ એને એના વસ્ત્રોથી કે શણગારથી પારખી ન હતી. આજે એ બન્નેની વચ્ચે એને કોઈ લઘુતાગ્રન્થિ અનુભવાઈ ન હતી. સોનાની કિંમતમાં બજારમાં અચાનક ઉછાળ આવે એવીજ રીતે આજે પોતાની સાચી કિંમત એને સમજાઈ રહી હતી. એ ફ્લેટમાંથી પગ જાણે બહાર નીકળવા તૈયારજ ન હતા. ત્યાંજ રોકાઈ રહેવું હતું, હંમેશ માટે.


પરંતુ બહુ 'મોડું' થઇ ચૂક્યું હતું.


ઘરે એની રાહ જોવાઈ રહી હશે એ વિચારેજ એણે પાર્કિંગ વિસ્તાર તરફ ઝડપભેર ડગ માંડ્યા. પગની પીડા ચરમસીમાએ પહોંચી. આંખોમાં ખબર નહીં ક્યાંથી પાણી ઉમટી આવ્યું ? આમ છતાં ગાડી સુધી તો પહોંચવુંજ પડશે. પગને બળજબરીએ ઉપાડતા એ આગળ વધી. આંખના ખૂણામાંથી એક ઉષ્ણ બુંદ ગાલ ઉપર ખરી પડી.


"આંટણ પડ્યું છે." પાછળથી સુબોધનો કાળજીયુક્ત અવાજ સંભળાયો.


પાછળ ફર્યા વિનાજ સરલાએ ગાલ ઉપરનું પાણી હાથથી સાફ કરી લીધું.

"હા"

"આવી મોજડી શા માટે પહેરવી જે આરામદાયક ન હોય ? જાતને કષ્ટ આપી દુનિયા સામે પ્રદર્શન કરવા કરતા જે આપણા માટે આરામદાયક હોય એને પ્રાધાન્ય આપવું જોઈએ." સુબોધના વાતમાં કોઈ છૂપો સંકેત ધીરે રહી સરલા સુધી પહોંચ્યો.


સુબોધના ગંભીર અને અનુભવી ચહેરા તરફ ફરી સરલાએ જાત બચાવ કર્યો.

"આ મોજડી મારી પસંદગીની નથી. કોઈએ મારા માટે પસંદ કરી હતી. એમની લાગણીનું માન રાખવા...."


સરલાની દલીલ શબ્દોમાં પૂર્ણ થાય એ પહેલાજ સુબોધના અર્થપૂર્ણ શબ્દો બહાર નીકળી આવ્યા. 


"અન્યની અયોગ્ય પસંદગીની સજા જાતને શા માટે આપવી ? જ્યાં સાચી લાગણીઓ હોય ત્યાં આરામ હોય પીડા નહીં. મોજડી હાથમાં લઇ લે."


સરલા સુબોધને વિસ્મયથી તાકી રહી. સુબોધે આંખોના ઈશારા જોડે પોતાના ઉપર વિશ્વાસ કરવાની વિનંતી કરી.


આખરે સરલાએ મોજડી કાઢી હાથમાં ઉંચકી લીધી. 

તાજી હવાના સ્પર્શથી બન્ને પગ જાણે સજીવન થઇ ઉઠ્યા. ભીંસાયેલી ચામડી ફરીથી શ્વાસ લઇ રહી. બળજબરીની પીડાથી આખરે છુટકારો મળ્યો. 

એ હાશકારો અવર્ણનીય હતો. 

કેવી મુક્તિ , કેવી શાંતિ. 


નગ્ન પગની આરામદાયક ચાલ જોડે એ સુબોધના ડગ જોડે ડગ માંડતી કાર સુધી પહોંચી ગઈ. 

કારનું બારણું ખોલી એ ડ્રાઇવીંગ સીટ ઉપર ગોઠવાઈ. દ્રષ્ટિ કશે ઊંડા વિચારોમાં ધપી ચૂકી હતી. 

" કાલે ઓફિસમાં મળીએ..."

સરલાને વિદાય આપી પાર્કિંગ વિસ્તાર તરફ આગળ વધી રહેલા સુબોધને સરલા એકીટશે નિહાળી રહી. પોતાના નગ્ન પગની આરામદાયકતા એના તન અને મનને અભિપ્રેરિત કરી રહી. 


" સુબોધ....."

પાર્કિંગ વિસ્તારમાં ગુંજી ઉઠેલા સરલાના ઉત્સાહિત શબ્દના પ્રત્યાઘાતમાં સુબોધ પાછળ ફર્યો. સરલા એને કંઈક કહેવા ઈચ્છી રહી હતી. પણ સુબોધ તો એ વાત અગાઉથીજ જાણતો હતો. સરલાની આંખો દૂરથી તાકી રહેલ સુબોધનો ચહેરો ચંદ્ર સમો એવો ખીલી ઉઠ્યો જાણે કોઈ સજ્જડ તાળાની ચાવી આખરે હાથ લાગી ગઈ હોય. 


Rate this content
Log in

Similar gujarati story from Romance