Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Drama Thriller

4  

Mariyam Dhupli

Drama Thriller

પસંદગી ( ભાગ : ૫ )

પસંદગી ( ભાગ : ૫ )

5 mins
1.6K


( ભાગ : ૫ )

ઘરે પહોંચેલો અવિનાશ અત્યંત વિહ્વળ હતો. નિયમિત સમયસર ઘરે પહોંચી રહેનારી દીપ્તિ હજી ઘરે પહોંચી ન હતી. રસોડામાં સન્નાટો હતો. દરેક ઓરડો ખાલીખમ. દીપ્તિ વિનાનું ઘર વિચિત્ર ભાસી રહ્યું હતું. આ નિરવતાની એને ટેવ ન હતી. ઓફિસ માટે નીકળતા સમયે કે ઓફિસેથી પરત થતા દીપ્તિની હાજરી એજ સદા આ મકાનને ઘર બનાવ્યું હતું. અવિનાશને કોલ કે મેસેજ કર્યા વિના કશે જવાની એને ટેવ જ ન હતી.

'કંઈ જરૂરી કામ નીકળી આવ્યું હશે.' અવિનાશે પોતાના મનને આશ્વાસન તો આપ્યું પણ એક ડરની આછી રેખા એના હય્યાને વલોવી રહી. સવારે દીપ્તિની નજર સમક્ષ શાલિનીના કોલની સંતાકૂકડી આંખો આગળ એ ફરી જોઈ રહ્યો. દીપ્તિના અંતર્મુખી અને સંવેદનશીલ જગત અંગે એના હ્નદયમાં ચિંતા અને ફિકર ડોકાઈ રહી .

ઘડિયાળના કાંટા ઝડપભેર ફરતા રહ્યા અને અવિનાશના મનને ધ્રુજાવતા રહ્યા. દિપ્તીનો ફોન પણ ઓફ હતો. દીપ્તિના ઓફિસે કોલ લગાવવો વ્યર્થ હતો. ઓફિસ બંધ થવાનો સમયતો ક્યારનો નીકળી ગયો હતો.

પોતાના અને શાલિનીના સંબંધની આડઅસર કોઈના જીવનનું બલિદાન તો......

વિચાર અને મનોમંથનના ભાર જોડે અવિનાશ ગાડી લઇ શહેરના રસ્તાઓ ખુંદી રહ્યો. દીપ્તિ જોડે વિતાવેલ દસ વર્ષનું લગ્ન જીવન એની આંખો આગળ ફિલ્મ સમું રમી રહ્યું. દીપ્તિની કર્તવ્યપરાયણતા અને ફરજપૂર્તીઓ એને એ ફિલ્મની 'હિરો ' પુરવાર કરી રહી. અવિનાશની આંખોના ખૂણા ભીંજાઈ રહ્યા. જો દીપ્તિને કંઈ થઇ ગયું તો એ કદી ખુદને માફ કરી શકશે નહીં.

સુમસાન શહેરના અંધારિયા રસ્તાઓ અવિનાશના ડરેલા મનને વધુ ભયભીત કરી રહ્યા. દીપ્તિ ઘરે તો નહીં પહોંચી હોય? એ ચકાસવા ફરીથી ગાડી એણે ઘર તરફ હાંકી.

દીપ્તિ ઘરે પણ પહોંચી ન હતી. મધરાતે સુમસાન ઘર બિહામણી કલ્પનાઓ રચી રહ્યું હતું શયનખંડમાં પહોંચેલ અવિનાશે ફરીથી દીપ્તિને કોલ લગાવી જોયો.પણ એ પ્રયત્ન પણ નિષ્ફ્ળ જ રહ્યો.

'પુલીસ -સ્ટેશન '

થાકેલા, હારેલા મનમાં એકજ આખરી ઉપાય ગૂંથાઈ રહ્યો. ધ્રુજતા પગે અવિનાશ શયનખંડમાંથી બહાર તરફ નીકળ્યો. અચાનક એના પગ થંભી ગયા. ફરીથી શયન ખંડનું બારણું ઉઘાડી એ પથારી નજીકની ટ્રિપોય તરફ ધસી ગયો. વજન ટેકવીને રાહ જોઈ રહેલ દીપ્તિના અક્ષરોથી લખાયેલી ચિઠ્ઠી આખરે અવિનાશના હાથે લાગી.એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ અવિનાશે ચિઠ્ઠી પર એની અધીરી ચિંતિત નજર ફેરવી.

' અવિનાશ,

જીવનના દસ વર્ષ આપના ઘરને ને આપને સમર્પિત કર્યા. એ દરેક ક્ષણ આ ઘરને અને સંબંધને ટકાવી રાખવા મારા તરફથી, સાચું કહું તો એકતરફી પ્રમાણિક પ્રયાસો કર્યા. આપને શું ગમે છે અને શું નહીં તેની દરેક ક્ષણ તકેદારી રાખી. મારી દરેક ફરજ સાચા હૃદયે નિભાવી. છતાં હું હારી ગઈ.

કદાચ એટલે કે હું શાલિની જેવી 'આધુનિક 'ન બની શકી. પણ માફ કરશો, હું શાલિની કદી ન બની શકું, એજ રીતે જે રીતે શાલિની કદી દીપ્તિ ન બની શકે. આપના પ્રેમને પામવા હું મારા 'સ્વ'નું અસ્તિત્વ નાબૂદ ન જ કરી શકું અને જો કરું તો ફક્ત તમારી જોડે જ નહીં મારી આત્મા જોડે પણ દગો જ કરું. મારા વાળ નાના કાપવાથી, લાઉડ મ્યુઝિક સાંભળવાથી કે શોરવાળી જગ્યાઓએ જઈ શરીર થીરકાવવાથી જ શું સાચા અર્થમાં 'આધુનિક 'થવાય? હું નથી માનતી. તમને એ બધું ગમતું હોય, મને એની સામે કદી કોઈ ફરિયાદ ન હતી. કારણકે જે તમને આરામદાયક લાગતું હોય એ મને પણ લાગે અને જે તમને ન ગમતું હોય એ મને પણ ન ગમે એવી કોઈ ફરજ તો ન જ હોવી જોઈએ.

બે વ્યક્તિઓ એકસાથે રહે ત્યારે એમના વિચારો, મંતવ્યો, દ્રષ્ટિકોણ એકસરખા જ હોય તો પ્રેમ પાંગરી શકે એ માનવજીવનની અત્યંત ખોટી માન્યતા અને ભ્રમણા છે.

જેટલો અધિકાર એક પતિને એની પસંદગીની જીવનશૈલી નો હોય એટલો જ અધિકાર એક પત્નીનો પણ ખરો એની પસંદગીથી, એના વિચારોથી, એના દ્રષ્ટિકોણથી જીવન વિતાવવાનો.

પતિના ગમા -અણગમા વચ્ચે પત્ની અવરોધ ન બની શકે એજ રીતે પતિએ પણ તો પત્નીના ગમા-અણગમા ને માન આપવું રહ્યું.

મારો અંતર્મુખી સ્વભાવ અને સાદગી મારી પ્રકૃત્તિ છે, મારી કમી કે નિર્બળતા નહીં.

જે દિવસે આપના અને શાલિનીના સંબંધ અંગે

જાણ થઇ હતી ત્યારે જીવન જાણે સમાપ્ત થઇ

ગયું હતું. જીવવાનું કોઈ લક્ષ્યજ રહ્યું ન હતું. ભવિષ્યના નામે ફક્ત અંધકારજ અંધકાર નજર સામે હતું. શહેરના એક પુલ ઉપરથી છલાંગ મારવા પણ પહોંચી ગઈ હતી.

પણ કોઈએ મારો હાથ એ દિવસે થામી લીધો હતો.

અંકુર.

ઓફિસમાં મારી જોડે કામ કરે છે.

અંકુરે મને યાદ અપાવ્યું કે લગ્ન પછી પણ એક સ્ત્રી માનવી જ હોય છે. એનું પોતાનું શરીર, એનું મન અને એની પણ આત્મા હોય છે. લગ્ન થઇ જવાથી શરીર નથી મરતું તો આત્મા કઈ રીતે મરી શકે? મારી પોતાની ઈચ્છાઓ, અભિલાષાઓ અને સ્વપ્નોને પણ જીવિત રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. હું મારી પ્રકૃત્તિ પ્રમાણે, મારા સ્વભાવના સારા-નરસા દરેક પાસાઓ જોડે સ્વતંત્ર અને મુક્ત રીતે શ્વાસ ભરી શકું છું. મને દયાભાવ નહીં પ્રેમ જોઈએ છે- શરતો વિનાનો, સ્વાર્થ વિનાનો. મને કોઈ બદલવા વિવશ ન જ કરી શકે.

અંકુર મને ખુબજ પ્રેમ કરે છે. પણ એ પ્રેમના માન-સન્માન દયાભાવોના સ્તંભ ઉપર નથી જડાયાં, ના બાહ્ય દેખાવ ઉપર, ના શરીરની આકૃત્તિ ઉપર અને ના ચ્હેરા ઉપર. અમારા પ્રેમનો સ્તંભ આત્માની સુંદરતા ઉપર ઉભો છે. હા, એનો દેખાવ તમારા જેવો મોહક નથી પણ એનું હૃદય, એનો સ્વભાવ અને એના વિચારો જેટલા પવિત્ર એટલા જ મોહક છે.

જે પ્રેમ બાહ્ય સુંદરતા પર ટક્યો હોય એ સમયની ધૂળ જોડે, ઉંમરના મોજાઓ જોડે રજ- રજ અદ્રશ્ય થઇ રહે પણ મનની સુંદરતાને સમયની કોઈ મર્યાદા સ્પર્શી ન શકે!

હું જાણું છું સમાજની અપેક્ષા એજ હશે કે હું મારા પતિને મેળવવા તળપાપડ બની પોતાને પણ બદલી નાખું. હું જે નથી એ બની બતાઉં. પણ નહીં, હું જેવી છું એવીજ સુંદર છું, ખુશ છું, મને 'દેવી ' નથી થવું. હું એક સામાન્ય માનવી છું અને મને પણ એક સામાન્ય માનવી બની જ પ્રેમ મેળવવો છે. એ મારા અસ્તિત્વનો અધિકાર પણ છે. મારી પૂજા ભલે ન થાય પણ મને મારા અધિકારો તો મળવાજ જોઈએ.

હું અને અંકુર આવતી કાલે કોર્ટ મેરેજ કરી રહ્યા છીએ. જો તમે અને શાલિની પણ આવશો તો ગમશે. ડિવોર્સ પેપર તૈયાર જ છે.ગવાહ માટે બે પરિચિત લોકોની સાઈન જરૂરી છે. મારા માટે તો તમેજ સૌથી વધુ પરિચિત છો એટલે .....

- દીપ્તિ '

અવિનાશની પહોળી આંખોના આંસુ શોકથી સુકાઈ ગયા. ગળામાં ડૂમો બાઝી ગયો. દીપ્તિ માટે લખેલી ચિઠ્ઠીના એણે એટલાજ ઝીણા ઝીણા ટુકડાઓ કરી નાખ્યા જેટલા ભીતરથી એના હૃદયના થયા હતા .....

'સમાપ્ત'


Rate this content
Log in

Similar gujarati story from Drama