Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

1.0  

Mariyam Dhupli

Others

એકલતાના સાથી

એકલતાના સાથી

10 mins
7.2K


વિશાખા એ ટેબલ પર ડિવોર્સ પેપર મૂક્યા. મંગલસૂત્ર  અનિરુદ્ધના  હાથમાં થમાવ્યું. અનિરુદ્ધને  એક  છેલ્લું ગુડબાઈ કર્યું. અનિરુદ્ધ વિશાખાના આ આત્મવિશ્વાસ  પાછળ નું  રહસ્ય પામી જ ન શક્યો. એક સીધી સાદી ભારતીય નારી,  હામાં હા મેળવનારી, બધું ચુપચાપ વેઠી લેનાર એક સ્ત્રીમાં  આ આત્મવિશ્વાસ આખરે આવ્યો ક્યાંથી? ટેક્ષી  લઈ વિશાખા સીધી એરપોર્ટ પહોંચી. આજે વિદેશ છોડી લગ્ન તોડી એ હંમેશ માટે ભારત પહોંચવા નીકળી પડી. આટલા વર્ષો પછી આખરે પોતાના જીવન અંગે નિર્ણય લેવાની શક્તિ એ કેળવી શકી તો એ ફક્ત અને ફક્ત વિશેષના લીધે જ. એક ફેસબુક રિકવેસ્ટ એનું જીવન આ રીતે બદલી મુકશે એણે સ્વ્પ્નમાં પણ વિચાર્યું ન હતું. હા, પણ એનું જીવન બદલાયું ને એ નકારત્મક સમર્પણ આખરે એક સ્વતંત્ર મુક્ત જીવનમાં ફેરવાયું. મિત્રતાની શક્તિ કેટલી પ્રબળ હોય શકે એ તો સાચી મિત્રતા પામનાર વિશાખા જેવા માનવી જ સમજી શકે!

આજથી દસ વર્ષ પહેલા લગ્ન કરી એ ભારત છોડી અમેરિકા આવી હતી. માતા પિતાની ઈચ્છાને માન આપી અરેન્જ મેરેજ માટે હામી પુરાવી હતી. એણે વિચાર્યું હતું કે ભારતીય માનો એ વિદેશી દીકરો આજનો શિક્ષિત પેઢીનો ઓપન માઇન્ડેડ વ્યક્તિ હશે. એના ભણતરને કારકિર્દીને સમજી એને પુરેપુરો સાથસહકાર આપનાર જીવનસાથી બની રહેશે. પિતા તો થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. ઘરમાં ફક્ત  મા અને દીકરા સિવાય કોઈ નહિ. જેટલું પરિવાર નાનું એટલું સુખી. પણ સુખની વ્યાખ્યા વ્યક્તિગત વિષય. વિશાખાની આ વ્યાખ્યા અનિરુદ્ધના ઘરના માહોલ સાથે જરાયે બંધ બેસતી ન થઈ. અહીં આવ્યા પછી એની દરેક ગણતરી એક પછી એક ખોટી પડવા લાગી. અનિરુદ્ધને તો જાણે વિશાખામાં જીવન સાથી તરીકે કોઈ રસ જ ન હતો. વિશાખાની રસ રુચિ પૂછ્યા વિના જ એને એક ટ્રાવેલ એજન્સીમાં નોકરી અપાવી દીધી. સેફ  જોબ- સુરક્ષિત  વ્યવસાયનું શીર્ષક આપી પોતાની પસંદગીની નોકરી અનિરુદ્ધએ એના માથે ચઢાવી દીધી. આખો દિવસ બંને પોતપોતાની ઓફિસમાં વ્યસ્ત હોય. સાંજે આવીને રસોઈ કર્યા પછી અનિરુદ્ધની બાને સાંજે અચૂક વૉક માટે લઈ જવાની જવાબદારી પણ વિશાખાને જ સોંપી દેવાઈ હતી. વૉક પછી ઘરે પરત થાય ત્યારે અનિરુદ્ધ તો મિત્રો જોડે નીકળી ગયો હોય. લેટ નાઈટ પાર્ટી પતાવી અર્ધી રાત્રે શરાબમાં લથપથ ઘરે આવીને ઊંઘવું અનિરુદ્ધનો નિયમિત ક્રમ. પહેલા  શરૂઆતમાં એણે આ વાતનો વિરોધ દર્શાવ્યો  હતો, પણ અનિરુદ્ધ અને એની માતાએ વિદેશમાં તો આવુ જ જીવન હોય કહી એના વિરોધને શાંત કરી નાખ્યો હતો. ધીરે ધીરે એ ગભરુને શાંત વ્યક્તિત્વ આ વાતાવરણમાં ઢળવા લાગ્યું. અનિરુદ્ધના માતા દેખાવે ખુબજ ધાર્મિક. પણ ધર્મ ના મહોરાં પાછળ એક ખુબજ ચાલાક, સ્વાર્થી ને અભિમાની વ્યક્તિત્વ સમાજથી છુપાઈને બેઠું હતું. વિશાખા એમના હાથે ચઢી ગયેલું એક કામ  કઢાવવાનું યંત્ર, બીજું કંઈજ નહિ. ઓફિસે જવા પહેલા રસોઈ તૈયાર હોવી જ જોઈએ, રસોઈમાં ફરજીયાત કેટલું મીઠું ને તેલ હોવું જોઈએ, રસોઈ કરવા કઈ ચમચી, કઈ પ્યાલું, કઈ રકાબી વપરાવવી જોઈએ, કપડાં કેટલા વાગે ધોઈને સુકાવા મુકવા જોઈએ, કેટલું સાબુ ને શેમ્પુનો વપરાશ થવો જોઈએ, કેટલા  વાગ્યે ઉઠવું, કેટલા વાગ્યે ઊંઘવું એ બધાજ નિયમોનું વિશાખા અચૂક પાલન કરે છે કે નહિ એની દર ક્ષણ કાળજી રખાતી. અનિરુદ્ધને ફરિયાદ કરે તો એકજ ઉત્તર મળતો : "વડીલો નું માન થવું જ રહ્યું, એમના એક એક શબ્દોનું અનુસરણ થવું જ જોઈએ. આખરે માના પગને તળિયે સ્વર્ગ હોય!"

વિશાખા ઘણી વાર ઈશ્વરને મનોમન પૂછતી, હે ઈશ્વર તે આપેલ મમતાના આ અધિકારનો જયારે અન્ય વ્યક્તિનું  શોષણ  કરવા માટે ગેર લાભ ઉઠાવાય એ કેટલે અંશે યોગ્ય? ઈશ્વર પાસે ઉત્તર ન મળતો ત્યારે એકાંતમાં માતાપિતાને ફોન ઉપર પૂછતી. પણ એમનો ઉત્તર પણ અનિરુદ્ધ જેવો જ :"વડીલો નું માન રાખવું. પોતાની ફરજ નિભાવવી, અનિરુદ્ધના ઘરને સ્વર્ગ સમાન બનાવવું એજ હવે એનું કર્તવ્ય!"

પણ ઘર ને સ્વર્ગ બનાવવા માટે તો પરિવારના બધા જ સભ્યોનો સહયોગ હોવો જોઈએ. પણ એની આ દલીલ સાંભળનાર કોઈ હતું જ ક્યાં? અનિરુદ્ધ પોતાના સમયમાંથી એના માટે ફક્ત નામની જ ક્ષણો રાખતો. એ પણ અર્ધી રાત્રે, શરાબના આવેશમાં વિશાખાનું શરીર માણવા પૂરતું જ! સમાજની વ્યાખ્યા અનુસાર એ ક્ષણો પણ વિશાખા માટે એની સંબંધ અંગેની ફરજ જ તો હતી. એમાં એની મરજી કે રાજીખુશીના દાખલા થોડી બેસાડી શકાય? અનિરુદ્ધ પોતે હજી બાળકની જવાબદારી ઉઠાવવા માનસિક રીતે તૈયાર ન હતો, એની સ્પષ્ટતા તો એ લગ્ન જીવનની શરૂઆતથી જ  કરી  ચુક્યો હતો.

વિશાખા પોતાની એકલતાના આ વિશ્વ સાથે જાણે ટેવાઈ ચુકી હતી. એનો આત્મવિશ્વાસ અનિરુદ્ધના ઘરના ખૂણાઓમાં કશે ઓગળી ચુક્યો  હતો. જીવન જાણે એક યાંત્રિક સાચામાં ઢળાઈ ચૂક્યું હતું. શરીર જીવતું તો હતું પણ જીવવું ભૂલી ચૂક્યું હતું. હતાશ જીવન માં ઊંઘ અને  ડિપ્રેસનની ટીકડીઓ એકમાત્ર સહારો હતી. રાત્રે અનિરુદ્ધના બહાર  જવા પછી પોતાના બંધ ઓરડામાં જે એકાંત સમય મળતો, એજ ચાર પાંચ કલાકો એના પોતાના હતા. જેમાં એ થોડો અંગત શ્વાસ લઈ શકતી.

આ હાર માની ચૂકેલા જીવનમાં એક ધડાકો થયો. ઇન્ટરનેટ જગતની નવી ક્રાંતિ, ફેસબુકની એપ માર્કેટમાં આવી. આજે સમયનો વ્યય તરીકે પ્રસિદ્ધિ પામેલી એ એપ્પ તો વિશાખા જેવા એકલા અટૂલા સમુદ્રદ્રીપ જીવનોને છૂટી ગયેલા સંબંધોને મિત્રો જોડે જોડી આપનાર એક તંતુ તરીકે જ શોધાય હતી. વિશાખાના જીવન પુસ્તકના બંધ પાનાઓ ધીરે ધીરે ઉઘડવા માંડ્યા. છૂટી ગયેલા મિત્રો ફરી મળી ગયા. જીવનની શૂન્યતા દૂર થવા માંડી. પોતાને મળતા એ અંગત કલાકો એ ફેસબુક પર વિતાવવા માંડી. અને એક દિવસ જીવનને બદલીને મૂકી નાખનારી એ ક્ષણ આવી, વિશેષની ફ્રેન્ડ રિકવેસ્ટના રૂપે. પોતાના વતન, પોતાના જ શહેરને પોતાના જ વિસ્તારના મૂળ ધરાવતો, ફ્રાન્સનો વતની, વિશેષ. બાળપણની ધૂંધળી યાદોમાં ક્યાંક વિશેષનો ચ્હેરો હતો ખરો, પણ ખુબજ ધૂંધળો. એક ઔપચારિક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી વિશાખાનું જીવન હંમેશ માટે બદલાઈ જવાનું હતું, એની વિશાખાને ખબર ક્યાં હતી?

ઔપચારિકતાથી શરૂ થયેલ સંબંધ ધીરે ધીરે એક વિશિષ્ટ મૈત્રીમાં ફેરવાઈ ગયો. વિચારોની સામ્યતા, જીવન પ્રત્યેની સમાન વિચારધારા, રસ અને રુચિના સમાન ધોરણો એમાં ભાગ ભજવી  રહ્યા હતા ખરા પણ આ નિકટતા  પાછળનું સૌથી પ્રબળ  કોઈ પરિબળ હતું તો તે બંનેના જીવનમાં વ્યાપેલી એકલતા!

વિદેશની જીવન શૈલી એ વિશાખા પાસેથી એનું જીવન જ છીનવી લીધું હતું, તો વિશેષ પાસેથી કંઈ ઓછું છીનવ્યું હતું? મધ્યમ વર્ગીય માતાપિતાનો એકનો એક પુત્ર. વિદેશ જઈ  કમાવાના સ્વપ્નો જોતાં ફ્રાન્સ આવી ચઢ્યો હતો. કામ કરવા માટે ની 'વર્ક પરમીટ' દ્વારા મહેનત અને ધગશ દ્વારા એણે પૈસા બનાવવામાં કોઈ કમી છોડી ન હતી. માતાપિતાને એક ઉત્તમ જીવન આપવા એણે દિવસરાત એક કરી નાખ્યા હતા. જયારે 'વર્ક પરમીટ'નો સમયગાળો પૂરો થયો ત્યારે ત્યાંની જ એક વિદેશી યુવતી શર્લી જોડે લગ્ન કરી એ દેશની નાગરિકતા મેળવી લીધી. શર્લી એના માટે સફળતાનો સેતુ બની રહી. શર્લીને એણે જીવન સાથી તરીકે સંપૂર્ણ માન સન્માન, પ્રેમ અને સ્નેહ આપ્યો. શર્લી તરફથી એને જીવનની સૌથી સુંદર ભેટ મળી, એના ટ્વિન્સ બાળકો, દીકરી અમી અને દીકરો સાર્થ. પણ આ સુંદર લગ્ન જીવન લાબું ટક્યું નહિ. સંબંધોના એવા ઉતાર ચઢાવ વિદેશમાં ખુબજ સામાન્ય અંકાય. શર્લીને એની ઓફિસમાં કામ કરતા કોઈ ફ્રેન્ચ યુવક જોડે પ્રેમ થયો અને એ વિશેષને ડિવોર્સ આપી એ નવા લગ્ન જીવનમાં બંધાઈ ગઈ. 

હવે વિશેષ માટે પોતાના બંને બાળકોનો ઉત્તમ ઉછેરને માતાપિતા માટે ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડવાનું એક માત્ર જીવન લક્ષ્ય રહ્યું હતું, જેને એ સંપૂર્ણ હૃદયથી પાર પાડી રહ્યો હતો. એક શ્રેષ્ઠ પિતા ને એક શ્રેષ્ઠ પુત્ર બનવા એ પૂરો પરસેવો પાડી રહ્યો હતો. આ જીવન લક્ષ્યો વચ્ચે વિશાખા જેવી મિત્ર મળતા એના જીવનની એકલતા પણ વહેંચાઈ રહી હતી. વિશાખાના જીવન વિશે જાણી કે પોતાના જીવન અનુભવો વહેંચી ભારે હ્રદય તદ્દન હળવું થઈ રહેતું. વિશાખાને પણ વિશેષના જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમથી ઘણી પ્રેરણા મળતી. વિશેષના કેટલાક વિચારો તો એના હૃદયમાં ઊંડે ઊંડે ઉતરી ચુક્યા હતા. 'આપણું જીવન તો નિર્ણય પણ આપણાજ. અને એક વાર કોઈ નિર્ણય લેવાય જાય તો એના દરેક આઘાત પ્રત્યાઘાત માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું. આપણું જીવન તો સંઘર્ષ પણ આપણો જ!' 

વિશેષના સાનિધ્યમાં વિશાખાનો ખોવાય ચૂકેલ આત્મવિશ્વાસ પરત થવા લાગ્યો. એની અસર એના વ્યક્તિત્વને વધુ સુંદરને શક્તિશાળી બનાવતી ગઈ. વિશેષ સાથે થતી દરેક વાતો એને અંદરથી મજબૂત કરતી ગઈ. સાચી મિત્રતાની શક્તિમાં કંઈક તો જાદુઈજ હોય છે! વિશાખા હવે પોતાના નિર્ણયો જાતે લેવા લાગી. ટ્રાવેલ એજેન્ટ વાળો જોબ છોડી પોતાના ભણતરને અનુરૂપ પોતાની પસન્દગીથી બેન્કમાં નોકરી લીધી. અનિરુદ્ધના વિરોધને "નહીંતર નોકરી છોડી દઈશ"ની ધમકીથી ફગાવી મુક્યો. પૈસાની લાલચમાં એનું પણ મોઢું સીવાય ગયું. ઘર માં મદદ માટે એક હેલ્પર પણ રાખી. અનિરુદ્ધની માતા એ ખુબજ ધમપછાડા કર્યા, થોડા દિવસો ખુબજ નાટક અને ધમાલ ચાલ્યા. પણ આ વખતે વિશાખાએ પોતાના મૌનને પોતાની નબળાઈ ન જ બનાવી. પોતાની દરેક તાર્કિક અને અનિવાર્ય વિચારસરણી પર એ અડગ ઉભી રહી. આખરે એના આત્મવિશ્વાસ આગળ કોઈનું કંઈજ ન ચાલ્યું. પોતાના જીવનની ડોર ફરીથી પોતાના હાથમાં આવી ગઈ. ચ્હેરા ઉપર હાસ્ય ને જીવનમાં ખુશીઓ ઉભરાય રહી.

તો બીજી તરફ વિશેષના સૂકા જીવન માં પણ વિશાખાની મૈત્રીથી ધબકાર આવ્યા. ઓફિસેથી ઘરે પહોંચતા કોઈ હતું, જેની જોડે ગુણવત્તાયુક્ત સમય ગાળવાનું મળતું. અમી અને સાર્થ પણ વિડિઓ કોલ ઉપર આખા દિવસની દિનચર્યા, શાળાના પ્રોજેક્ટ, પરીક્ષાઓ કે પીકનીકની નાનીમોટી દરેક વાત વિશાખા આંટીને કરતા. અનિરુદ્ધની ગેરહાજરી કે ઉણપ હવે વિશાખાને યાદજ ક્યાં રહેતા? ઊંઘ ને  ડિપ્રેશનની ગોળીઓની હવે જરૂર ન રહી. જીવનના નવા મિત્રો વિશેષ, અમી અને સાર્થ હતા ને એને સાથ આપવા, મહત્વ આપવા, સ્નેહ આપવા અને  સ્વજનોના સાનિંધ્યનો અહેસાસ કરાવવા! આખરે સંબંધો શા માટે રચાય? એક જ છત નીચે ફક્ત રહેવા માટે? એકજ પથારી ઉપર ઊંઘવા માટે? બે શરીરો વચ્ચે ફક્ત શારીરિક સંબંધો બાંધવા માટે, કે પછી ઘરના કાર્યોનો બોજ કોઈ કંધાઓ પર મૂકી મુક્ત વિહરવા માટે? 

સમાજની આંખો હજી પણ સંબંધોને લઈ ધુંધળી પડી જાય છે. તેથીજ એ આંખે પાટા ચઢાવેલી આંખો વિશાખાના માતાપિતા જેમ સંબંધોને નામે જીવનનું બલિદાન આપવાની, મૌનપૂર્વક અન્યાય સહન કરવાની ને નર્ક જેવા વાતાવરણમાં સ્વર્ગ શોધવાની ભ્રમણાઓમાં રચેલી પચેલી નિષ્ક્રિય પડી રહે છે. એ આંખો ને હવે ઉઘાડવીજ રહી સંબંધોની સાચી સમજ  દ્વારા.

સંબંધોની આ સાચી સમજ આરંભાઈ જ હતી કે વિશાખાના જીવનમાં  નવો વળાંક આવ્યો. વિશેષના મેસેજને કોલ આવતા બંધ થયા. એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થવા લાગ્યો. વિશાખાના મેસેજનો કોઈ જવાબ નહિ. વિડિઓ કોલ ઉઠાવાતો જ ન હતો. દિવસો પસાર થતા ગયા સાથે સાથે વિશાખાની ચિંતા અને વિહ્વળતા વધતી ગઈ. વિશેષ, અમી અને સાર્થ એના જીવનના અનિવાર્ય અંગ બની ચુક્યા હતા. આ દિવસોમાં વિશાખા ને વિશેષ વિના જાણે કંઈજ ગમતું ન હતું. ઊંઘ આવતી ન હતી, જમવાનું મન થતું ન હતું, કામ ઉપર પણ મન વિચારો ને ચકરાવે ચઢી જતું. આખરે એક મિત્ર માટે આટલું બેચેન હૃદય શા માટે? અમી અને સાર્થ વિના આ અધૂરપ કેવી? સંબંધો કઈ દિશા તરફ વધી રહ્યા હતા? હવે અનિરુદ્ધ ના અયોગ્ય વલણ પ્રત્યે એનો અણગમો તદ્દન અસહ્ય બની રહ્યો હતો. અનિરુદ્ધ એના શરીરને કોઈ પણ લાગણી કે સ્નેહ વિના ફક્ત એક રમકડું બનાવે એ એને મંજુર ન હતું. અનિરુદ્ધના દરેક સ્પર્શથી એને છેતરામણીનો, દગાબાજીનો, ધોકેદારીનો અનુભવ થવા લાગ્યો. આ છેતરામણી અનિરુદ્ધ એની સાથે કરી રહ્યો હતો? કે પોતેજ એ પોતાની જાત સાથે કરી રહી હતી? શું નૈતિક હતું ને શું અનૈતિક ? શું યોગ્ય હતું ને શું અયોગ્ય? વિશેષની દ્રષ્ટિમાં તો એની એક શ્રેષ્ઠ મિત્ર હતી પણ એની પોતાની આંખો વિશેષમાં શું શોધી રહી હતી?

હૃદયમાં યુદ્ધ છેડાયું હતું. અને એમાં બંને પડખે એ પોતેજ ઉભી હતી. નરી આંખે જે સ્પષ્ટ થઈ રહ્યું ન હતું એ સત્ય જોવા એણે આંખો બંધ કરીને અંતરની આંખોએ વિશેષનો ચ્હેરો જોયો. એના શબ્દો રોમેરોમમાં ફેલાઈ ગયા :"આપણું જીવન ને આપણા નિર્ણયો..." અને નિર્ણય લેવાઈ ગયો. એ ગભરુ યુવતી એક પરિપક્વ સ્ત્રી બની ચુકી. અનિરુદ્ધના ઘરના પાંજરામાંથી એ મુક્ત પાંખો સાથે જીવનનું ઉંડાણ ભરી રહી. અમેરિકા છોડી એ ભારત આવી ગઈ.

ભારત આવ્યા પછી પણ વિશેષના મેસેજ અને કોલની એ દરેક ક્ષણ રાહ જોઈ રહી. સમાજ ટેવ પ્રમાણે સંબંધોનું ગણિત ચકાસી રહ્યું. માતા પિતા, સંબંધીઓ, પાડોશીઓ પતિ પ્રત્યે ના ધર્મ, કર્તવ્ય, ફરજના ભાષણો આપી રહ્યા. પતિ તરફની નૈતિક ફરજો સામે વિશેષ જોડેની મિત્રતાને  અનૈતિક  અને અયોગ્ય સંબંધ તરીકે જોવામાં આવી. જયારે અનિરુદ્ધને એની માતાના વર્તન, વલણો સામે સમાજની આંખો પાટા બાંધી રહી! મહેણાં ટોણાંઓથી આત્મસન્માન પર ઘા થવા લાગ્યા. ફરીથી કોઈ નિર્ણય લેવાનો સમય આવ્યો. આંખો બંધ કરીને અંતરની આંખોએ વિશેષને જોયો :"આપણું જીવન આપણાં નિર્ણયો. એક વાર નિર્ણય લેવાય જાય પછી  એના આઘાત પ્રત્યાઘાતો માટે પણ માનસિક પણે તૈયાર રહેવું. આપણું જીવન તો સંઘર્ષ પણ આપણોજ."

પોતે લીધેલા નિર્ણયોના આઘાત પ્રત્યાઘાતોનો નીડર બની એ સામનો કરી રહી. પોતાના જીવન સંઘર્ષને હૃદયથી સ્વીકારી લીધો. ઘર છોડી શહેરની 'વર્કિંગ વિમેન હોસ્ટેલ'માં રહેવા જતી રહી. મહેનત ભર્યા પ્રયાસોને અંતે સરસ નોકરી મળી ગઈ. જીવન  એકલતા તો હતી, પણ એ અનિરુદ્ધના ઘરમાં અનુભવેલી એકલતા સમી કષ્ટદાયી અને આત્માને વિંધનારી ન જ હતી. આ એકલતામાં આત્મવિશ્વાસ હતો, સ્વમાન હતું, સંઘર્ષોની વચ્ચે પણ અનેરી ખુમારી હતી વિશેષની યાદો હતી , અમી અને સાર્થ નો સ્નેહ હતો. જીવન જીવી  જવા એટલું પૂરતું હતું. પણ ક્યાં હતાએના એ મિત્રો ? એક મહિનો પસાર થઈ ચુક્યો એમને જોવાને, એમની જોડે વાતો કરવાને...

નોકરીથી પરત થઈ હોસ્ટેલના પ્રાંગણમાં પગ મુકતા જ કાનમાં બે નિર્દોષ અવાજ રણક્યા: "આંટી...આંટી...."

સાર્થ અને અમી ને જોતા  જ બંનેને ખોળામાં સમાવી લીધા. આંખો પૂર  જોશમાં છલકાઈ ઉઠી. પાછળ ઉભેલો વિશેષ પણ ધીરેથી આંખોના ખૂણા લૂછી રહ્યો. વિશાખાની આંખોમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોએ આંખોથીજ તારવી ગયો. એ તમામ પ્રશ્નોનો ઉત્તર એ પ્રમાણિક હ્રદયેને સંપૂર્ણ પારદર્શિતાથી આપી રહ્યો :

"જયારે હૃદયની લાગણીઓ મિત્રતાથી આગળ પહોંચવા લાગી ત્યારે ભાવનાઓના તાર ગૂંચવાય ગયા. એ ઉકેલવા જરૂરી હતા. એ માટે  આ અંતર અનિવાર્ય હતું. કોઈની પત્નીને હું કઈ રીતે ચાહી શકું? પણ આજે એક સ્વતંત્રને મુક્ત વિશાખાને હું એટલું જ પૂછવા આવ્યો છું કે શું હું એના પ્રેમને લાયક છું ? શું એ મને સ્વીકારશે? વિલ શી મૅરી મી?"

"પ્લીઝ આંટી સે યસ!" માસુમ આંખો આશા સાથે વિશાખાના ઉત્તરની રાહ જોઈ રહી.

"યસ આઈ વિલ" વિશાખાએ બંનેને પોતાના મમતાભર્યા હાથોમાં સમાવી લીધા ને વિશેષે પાછળથી પોતાના નાનકડા પરિવારને એક મોટા સ્નેહભર્યા આલિંગનમાં ઘેરી લીધું. સાચા સંબંધોને નિયતિ  યોગ્ય સ્થળે ગોઠવી જાણે કહી રહી ઃ સંબંધો એટલે ફક્ત એકબીજાની જોડે  'રહેવું ' જ નહીં પણ એકબીજાની જોડે 'હોવું'..


Rate this content
Log in