Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

કર્ણનું બલિદાન

કર્ણનું બલિદાન

8 mins
379


કુંતી : તું કોણ છે તાત ? અાંહીં શું કરે છે ?

કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો હું પુત્ર : ને રાધા મારી જનેતા, બોલો માડી, કોણ છો તમે ?

કુંતી : બેટા હું એ જ, કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.

કર્ણ : કાંઈ સમજાયું નહિ, માતા ! તો યે–તો યે તમારી અાંખોનાં કિરણો અડ્યે મારું યોદ્વાનું હૃદય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કેાઈ અકળ નવી વેદના જગાડે છે, બોલો, બોલો, હે અપરિચિતા ! મારા જન્મની એવી કઈ રહસ્યગાંઠ તમારી સાથે બંધાએલી છે?

કુંતી : ઘડીવાર ધીરો થા બેટા ! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઊતરવા દે. પછી બધું યે કહીશ. મારું નામ કુંતી.

કર્ણ : તમે કુંતી ? અર્જુનની જનેતા ?

કુંતી : હા ! અર્જુનની – તારા વેરીની હું જનેતા. પણ એ જ કારણે તું મને તરછોડતો ના. હજી યે મને સાંભરે છે હસ્તિનાપુરમાં એ અસ્ત્રપરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો આવે તેમ રંગભૂમિની મેદિની વચ્ચે તું તરુણ કુમાર જ્યારે દાખલ થયો, ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલું ? એ બધી રમણીઓના વૃંદની વચ્ચે, કેાણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારે ભૂખી નાગણી જાગતી હતી ? કોણ હતી એ નારી, જેની આંખોએ તારાં અંગેઅંગને આશિષનાં ચુંબન આપેલાં? બેટા ! એ બીજી કોઈ નહિ, પણ તારા વેરી અર્જુનની જ માતા હતી.

પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછયું, 'રાજવંશી વિના અર્જુનની સાથે ઝૂઝવાને કેઈનો અધિકાર નથી' એવું મેણું દીધું, તારા લાલચોળ મોં- માંથી વાચા ન ફૂટી, સ્તબ્ધ બનીને તું ઊભો રહ્યો: એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમે બળતરાના ભડકા સળગાવેલા ! બીજી કોઈ નહિ, પણ એ અર્જુનની જ જનેતા, ધન્ય છે દીકરા દુર્યો- ધનને, કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી અપીં. ધન્ય છે એને ! કોની આંખોમાંથી એ પળે આંસુ વછૂટયાં હતાં ? અર્જુનની માતાનાં જ એ હર્ષાશ્રુ હતાં. એવે સમે અધિરથ સારથી, રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા. દોડીને તેં એને 'બાપુ' કહી બોલાવ્યા, અભિષેકથી ભીનું તારું માથું તેં એ વૃદ્ધ સારથિને ચરણે નમાવ્યું, આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી. પાંડવોએ ક્રૂર હાંસી કરીને તને ધિ:કાર દીધો, તે સમે કોનું હૈયું ગર્વથી ફુલાયેલું ? કોણે તને વીરમણિ કહીને આશિષો દીધી? એ પ્રેમઘેલી નારી હું-હું અર્જુનની જનેતા હતી, દીકરા !

કર્ણ : આર્યા ! મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજ- માતા : તમે આંહીં એકલાં કયાંથી ! જાણતાં નથી કે આ રણક્ષેત્ર છે ને હું કૌરવોને સેનાપતિ છું ?

કુંતી : જાણું છું, બાપ ! પણ હું એક ભિક્ષા લેવા આવી છું. જોજે હો ! ઠાલે હાથે પાછી ન વળું.

કર્ણ : ભિક્ષા ! મારી પાસે ! ફકત બે ચીજો માગશે મા, માતા ! એક મારૂં પુરુષત્વ, બીજો મારો ધર્મ, ત્રીજી ગમે તે આજ્ઞા કરો, ચરણોમાં ધરી દઈશ.

કુંતી : હું તને જ લઈ જવા આવી છું.

કર્ણ : કયાં લઈ જશે મને ?

કુંતી : તૃષાતુર આ હૈયાની અંદર, જનેતાના આ ખોળામાં.

કર્ણ : ભાગ્યવંત નારી ! તમને તો પ્રભુએ પાંચ પાંચ પુત્રો દીધા છે. એમાં મારું, એક કુલહીનનું, પામર સેના- પતિનું સ્થાન કયાંથી હોય ? 

કુંતીઃ એ પાંચથી તને ઊંચે બેસાડીશ, સહુથી મોટેરો કરી માનીશ.

કર્ણ : તમારા ઘરમાં પગ મેલવાનો મારો શો અધિકાર? એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું, અને હવે બાકી રહેલા એના માતૃપ્રેમમાં યે શું હું પાછો ભાગ પડાવું ? જનેતાનું હૃદય બાહુબળથી યે કોઈ ન ઝૂંટાવી શકે. એ તે પ્રભુનું દાન છે.

કુંતી : રે બેટા ! પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખેળામાં આવેલો. આજ એ જ અધિકારને બળે તું પાછો આવ, નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખેળામાં તારું આસન લઈ લે.

કર્ણ : હે દેવી ! જાણે કેાઈ સ્વપ્નમાં બોલતું હોય, એવી તમારી વાણી છે. જુઓ, જુઓ, ચોમેર અંધારાં ઊતરે છે, દિશાઓ ઢંકાઈ ગઈ છે, ભાગીરથીનાં નીર ચુપચાપ ચાલ્યાં જાય છે. કયા એ માયાવી લેાકેાની અંદર, કયા એ વિસારે પડેલ પ્રદેશમાં, બાલ્યાવસ્થાના કયા એ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છે? જુગાન્તરજુના કેાઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારી બાલ્યવસ્થા જાણે મારી સામે આવીને ઊભી છે. જનેતાના ગર્ભનું એ ઘોર અંધારું જાણે મને ઘેરીને ઊભું છે. રે રાજમાતા ! એ બધું સત્ય હો, કે કેવળ ભ્રમણા હો, પણ આવો, સ્નેહમયી ! પાસે આવો, અને પલવાર તમારે જમણો હાથ મારે લલાટે ચાંપો. જગતને મોંયે મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂકેલો. રાત્રિએ સ્વપ્નની અંદર કેટકેટલી વાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહું : ' મા ! ઓ મા ! ઘૂમટો ખોલો. મોઢું બતાવો.' –ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે, શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે ? નજર કરો મા ! સામે કિનારે તો જુઓ ! કૌરવોની અશ્વશાળામાં લાખલાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે ! આજ છેલ્લી રાત્રિયે, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો ? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય ? આજ મારું અંતર 'ભાઈ ભાઈ ' પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દેડી રહ્યું છે?

કુંતી : ત્યારે ચાલ્યો આવ બેટા ! ચાલ્યો આવ.

કર્ણ : આવું છું, મા ! આવું છું. કશું યે પૂછીશ નહિ, લગારે વહેમ નહિ લાવું, જરાએ ફિકર નહિ કરું, દેવી ! તમે જ મારી માતા ! તમારો સાદ પડતાં તે પ્રાણ જાગી ઊઠ્યો છે. આજ યુદ્ધમાં રણશીંગા નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા એ કીર્તિ, એ જય ને એ પરાજય ! ચાલો, તેડી જાઓ, કયાં આવું ? 

કુંતી : સામે કિનારે, જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા ઝળહળે છે.

કર્ણ : ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે? તમારાં સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃ- સ્નેહ સદાકાળ ઝબકી રહેશે ? બોલો, દેવી ! ફરી એકવાર બોલો, કે હું તમારો પુત્ર છું.

કુંતી : તું મારો વહાલે પુત્ર !

કર્ણ : ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો ? શા માટે મારું ગૌરવ ઝૂંટી લીધું, મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃ- હીન બનાવ્યો ? સદાને માટે મને ધિ:કારના પ્રવાહમાં શાને વહેતો મેલ્યો ? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો ? અર્જુનથી મને શા સારુ અળગો રાખી મૂકયે ? એટલે જ ઓ માતા! નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતાં જનની?

અંધકારનાં પડો ભેદીને તમારી શરમ મારા અંગેઅંગને ચુપચાપ અડકી રહી છે, મારી અાંખોને દબાવી રહી છે. ભલે, તો પછી ભલે, બેલશો ના કે મને શા કારણે તજેલો ! બેલશો ના, બેાલશો ના, કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ઝૂંટવી લીધો ! જનેતાનેનો પ્રેમ : દુનિયાની અંદર પ્રભુનું એ પહેલવહેલું દાન ! દેવતાની એ અણમોલી દોલત ! હાય, એ જ તમે છીનવી લીધી ! તો પછી બોલો, ફરીવાર મને ખેાળામાં લેવા આજ શા કારણે આવ્યા છો માડી ?

કુંતીઃ બેટા ! વજ્ર સમાં એ તારાં વેણુ મારા હૈયાના ચૂરા કરી રહ્યાં છે. તને તજેલો એ પાપે તો પાંચ પાંચ પુત્ર છતાં યે મારું હૈયું પુત્રહીન હતું. હાય રે ! પાંચ પુત્રો છતાં યે સંસારમાં હું 'કર્ણ ! કર્ણ !' કરતી ભટકતી હતી. તરછોડેલા એ પુત્રને કાજે તો, રે તાત ! હૈયામાં વેદનાની જયોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું.

આજ મારાં ભાગ્ય ઊઘડયાં, તે તું મને મળ્યો. તારે મોંયે હજુ તો વાચા યે નહેતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો, બેટા ! એ જ મોંયે આજ તું તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાનાં વેણથી યે વધુ તાપ તો તારી એ ક્ષમા મારે અંતરે સળગાવશે અને મારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવશે.

કર્ણ : માતા, ચરણજ આપો ને મારાં આંસુ સ્વીકારો.

કુંતી : તને છાતીએ ચાંપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર તને પાછા સોંપવા આવી છું. વહાલા ! તું સારથીનું સંતાન નથીઃ તુ રાજાનો કુમાર છે. તાત ! બધી હીનતાને ફેકી દે. ચાલ્યો આવ. પાંચે ભાઈઓ તારી વાટ જોવે છે.

કર્ણ : ના, ના, માડી ! હું તો એ સારથીનુંજ સંતાન. રાધા જ મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો. કૌર- વોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા !

કુંતી : તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી એ બાપનું રાજ્ય મેળવી લે ને ! યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અજુન તારા રથનો સારથી થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે. શત્રુઓને જીતી, ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા !

કર્ણ : સિંહાસન ! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો, તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી ! એક દિવસ મારી જે દોલત-મારો રક્ત- સંબંધ-તમે ઝૂંટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ-પલકમાં તે એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડી, હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિ- કોટિ ધિ:કાર હજો મને મિત્રદ્રોહીને, માતૃદ્રોહીને !

કુંતી : તું સાચો વીર, બેટા ! ધન્ય છે તને ! હાય રે કર્તવ્ય ! તારી શિક્ષા તે શું આવી વસમી ! તે દિવસે-અરેરે તે કમનસીબ દિવસે કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે ! હાય રે, આવો તે શો શાપ ! 

કર્ણ : નિર્ભય રહેજો, માડી ! વિજય તે આખરે પાંડવોનો જ થવાનો છે, આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂકયું છે, આ શાંત રાત્રીની અંદર પણ નભો- મંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ રહ્યો છું. જે પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશે ના, માડી ! ભલે પાંડવો જીતે ને રાજા બને. હું તો એ હારનાર પક્ષમાં જ પડયો રહીશ. મારા જન્મની રાત્રીએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો કરી ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે, મનના મોહ મારીને, ઓ માડી ! મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો. માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો ઓ જનેતા ! કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું.


Rate this content
Log in

Similar gujarati story from Classics