Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Comedy Inspirational Others

4  

Mariyam Dhupli

Comedy Inspirational Others

શુભ- અશુભ

શુભ- અશુભ

6 mins
14.5K


સડસડાટ શહેરના રસ્તા પર ભાગી રહેલી ગાડીને અચાનક બ્રેક લાગી. ગાડીની આગળની સીટ ઉપર ગોઠવાયેલા પુરુષોત્તમદાસ અને પત્ની જમનાબેન પોતપોતાની સીટ ઉપરથી આગળ તરફ ધકેલાયા અને માંડમાંડ શરીરનું સંતોલન જાળવી લીધું. આમ અચાનક પતિએ ગાડીને બ્રેક શા માટે લગાવી,એનું કારણ જાણવા જમનાબેનની આંખો ગાડીના આગળના પારદર્શક કાંચ માંથી રસ્તા ઊપર આવી ડોકાવી. રસ્તાના વચ્ચોવચ નિરાંતે બેઠી કાળી બિલાડી ગાડીની બ્રેકના પ્રચંડ ધ્વનિથી ડરી, હેબત થી રસ્તાના બીજા ખૂણા તરફ ડોટ મૂકી રહી. કાળી બિલાડીએ જેવો ગાડીનો રસ્તો કાપ્યો કે જમનાબેનના મોઢે રીતસર ચીસ ગુંજી ઉઠી :

"કાળી બિલાડીએ રસ્તો કાપ્યો. હવે ચોક્કસ કાંઈ ને કાંઈ તો અશુભ થઈનેજ રહેશે !"

ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયેલા પુરુષોત્તમદાસ દર વખત જેમ જ અંદરોઅંદર અકળાઈ ઉઠ્યા. જમનાબેન જોડે લગ્ન થવાને ત્રીસ વરસ થઇ ચુક્યા હતા. આ ત્રીસ વરસોનાં જીવન-સફર દરમિયાન જમનાબેનની ચિત્ર-વિચિત્ર માન્યતાઓનું ચકડોળ એ સતત ગોળ ગોળ ફરતું નિહાળી રહ્યા હતા. મગજને તમ્મર ચઢી જાય એવી અજબગજબની નિયમાવલી જમનાબેને જાતે ઘઢી નાખી હતી અને એ નિયમોનું પાલન ન થાય તો ઘરનું કોઈ પણ સભ્ય ચેનથી શ્વાસ ભરી શકેજ નહીં !

લગ્ન પછી ઘર ખરીદતી વખતે પુરુષોત્તમદાસ ની પસંદગીની વચ્ચે આ અંધશ્રદ્ધાઓ દીવાલ બની ઉભી થઇ ગઈ હતી. સરસ મજાના રો- હાઉસમાં, સંપૂર્ણ પ્રાકૃત્તિક વિસ્તારમાં, હવાઉજાશવાળું એ અત્યંત આધુનિક સગવડવાળું ઘર હાથમાંથી સરી ગયું હતું. કારણ ? કારણ એટલુંજ કે બંગલાનો રો-નંબર તેર હતો અને જમનાબેનના નિયમોના પુસ્તક તરફથી તેર ક્રમને સીધીજ લાલ ઝંડી મળી ગઈ હતી. તેર ક્રમ ધરાવતા ઘરમાં વસવાટ કરવાથી ઘરમાં સુખશાંતિ ન જળવાય. આ તો કઈ વાત થઇ ? પુરુષોત્તમદાસના ગળા સુધી વાત આવી અટકી ગઈ હતી : "અરે ઘરની સુખ - શાંતિ તો ઘર ના સભ્યો વચ્ચે ની પારસ્પરિક સમજણથી જ જળવાય." પણ પોતાના લગ્નજીવન ની સુખ શાંતિ જળવાઈ રહે એ હેતુસર પુરુષોત્તમદાસે પોતાનો અભિપ્રાય ફરીથી ચુપચાપ ગળા ની અંદર પરત ધકેલી દીધો હતો. 

નવી ખરીદેલી ગાડી ઉપર મરચાં અને લીંબુ લટકાવી જયારે ઓફિસે જવું પડ્યું હતું ત્યારે પણ હય્યાની વરાળ આમજ અંદર ધકેલી દીધી હતી. પુરુષોત્તમદાસને ક્યારેક થતું કે કાર હાંકતી વખતે પોતાના હાથ સ્ટિયરિંગ પરથી ઉઠાવી નાખે અને બન્ને પગ પણ ગિયર અને બ્રેકનો સાથ છોડી નાખે, આગળ લીંબુમરચું હતુંને લટકતું, એમની સુરક્ષા જાળવવા ! અકસ્માતનો ભોગ બની હોસ્પિટલના પલંગ ઉપર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા પતિને જોઈ કદાચ જમનાબેન સમજી શક્યા હોત કે કાર હાંકતી વખતે ઇન્દ્રિયોની સચેતતાને નિયમોના યોગ્ય પાલનથી જ સુરક્ષા જળવાય, નહીંતર જો માનવીય બેદરકારીથી કાર ગમે ત્યાં જઈ ઠોકાય તો આગળ લટકતા લીંબુ મરચાને પણ કોઈ બચાવવા ન આવી શકે ! પણ વિજ્ઞાનનું જ્ઞાન પુરવાર કરતા જો પ્રાણપખેરું ઉડી ગયા તો ? એજ ડરે પુરુષોત્તમદાસે સાબિતીની એ યોજના અમલમાં મુકવા મુલતવી રાખી હતી.

ગર્ભવતી હતા એ સમયે જમનાબેન જમણા હાથમાં સફેદ કાપડની પટ્ટી વીંટાળી ફરતા. એમ કરવાથી 'દીકરો' અવતરે એવું બ્રહ્મ જ્ઞાન કોઈ સગાએ સુચવ્યું હતું. આખરે ઘરમાં બે જુડવા બાળકો અવતર્યા, એક દીકરો અને એક દીકરી. પુત્ર જન્મનો સંપૂર્ણ યશ સફેદ કાપડની પટ્ટી લઇ ગઈ જયારે પુરુષોત્તમદાસે ઘરમાં લક્ષ્મી અવતરવાનો સંપૂર્ણ યશ પોતે પાર પાડેલા કોઈ મોટા પુણ્યને સમર્પિત કર્યો.

ભણવામાં સહેજે રસ-રુચિ ન ધરાવનારા અને પરીક્ષાની રાત્રેજ પુસ્તક દર્શન કરનાર પુત્રના પરિણામપત્રમાં લાલ લાલ અક્ષરે મઢાયેલા અગણિત 'નાપાસ' શબ્દોની હારમાળા વચ્ચે જયારે એકાદવાર લીલા અક્ષરે 'પાસ' શબ્દ મઢાઇને આવ્યો ત્યારે જમનાબેને સીધુંજ તારવી નાખ્યું હતું "જો દીકરા તારા માટે આ પીળા રંગની પેન ખુબજ શુભ નીવડી છે. હવે દરેક પેપર પીળા રંગની પેનથીજ લખવું અને પેલી સફળતા અપાવનારી વીંટી આમ જ પહેરી રાખવી, હંમેશા..." તે સમયે પણ પુરુષોત્તમદાસ સારી પેઠે સમજી ગયા હતા કે ઠોઠ અને આળસુ દીકરાની આ ચમત્કારી સફળતાઓ ચોરી અને કાપલીઓને આભારી હતી. એમાં પીળા રંગની પેન કે વીંટી ઊપર જડાયેલા પથ્થરોનો કોઈ ફાળો દૂરદૂર સુધી ન હતો. સફળતા મેળવવી હોય ત્યાં પરસેવો પાડ્યા વિના છૂટકો નહીં. સફળતાનો રસ્તો મહેનત અને ઘગશથીજ પાર પડે. કોઈ પણ ટૂંકા રસ્તાઓ ફક્ત સફળતાની ભ્રમણાઓ તરફજ દોરી શકે.

ઘરના કોઈ પણ સભ્યની ચપ્પલ ઊંધી થઇ કે જમનાબેન "ઘરમાં લડાઈ થવાનીજ છે" ની ઘોષણાથી દરેક સભ્યને સચેત કરી મૂકતા . એક દિવસ પુરુષોત્તમદાસ ની ચપ્પલ ભૂલથી ઊંધી પડી હતી. પોતાની દ્રઢ વૈજ્ઞાનિક તાર્કિકતાઓ ઊપર અડગ પુરુષોત્તમદાસે જમનાબેનની માન્યતાને પડકાર ફેંક્યો હતો. "ચપ્પલને વળી બે મનુષ્ય વચ્ચેની લડાઈ જોડે શું લેવા દેવા ? લડાઈ તો વિચારોના વિરોધાભાસ અને પરસ્પરની અસમજ્ણથીજ ઉદભવે ." પોતપોતાના વિચારો પર અડગ પુરુષોત્તમદાસ અને જમનાબેન વચ્ચે એ દિવસે જોવાજેવી લડાઈ થઇ હતી. પુરુષોત્તમ દાસે એ લડાઈ માટે 'વિરોધી વિચારો'ને જયારે જમનાબેને દરેક રીતે ચપ્પલ 'ઊંધી' પડવાનેજ જવાબદાર ગણાવ્યા હતા. 

રાત્રે પીપળાના વૃક્ષની નીચે જઈએ તો મૃત્યુ નિશ્ચિત ! આ માન્યતાનું ગણિત પણ પુરુષોત્તમદાસ અવારનવાર તપાસતા. ઘરની સામેના પીપળાના વૃક્ષ નીચે ખાઈને ધરાઈને આખી રાત પડી રહેતા કૂતરાંઓમાંથી આજ દી સુધી એક પણ સ્વર્ગ સિધાર્યુ ન હતું. રાત્રે કૂતરાં રડે એટલે સમજવું ભૂત કે પ્રેતાત્માઓ વાતાવરણમા ફંટાઈ રહી હોય પણ પુરુષોત્તમદાસ ને તો બિચારા કૂતરાઓ ભૂખ્યા ન થયા હોય ? એવી લાગણીઓ મનમાં ઉદ્દભવતીને એ બચેલી રોટલીના ટુકડાઓ એમની આગળ નાખી આવતા.

કાંચના વાસણ તૂટે ને કંઈક નુકસાન થવાની જમનાબેનની આગાહીઓ આખો દિવસ ઘરમાં ગાજતી રહે. પણ દર વખતે તૂટી જતા એ વાસણોને લીધે ઘરમાં નવા વસાવાતાં વાસણોના લાભ અંગેની ચર્ચા કેમ ક્યારેય ન થતી ? એ પુરુષોત્તમદાસ ને આજ સુધી સમજાયુંજ ન હતું !

આ તો ફક્ત થોડાજ ઉદાહરણો છે. જમનાબેનની માન્યતાઓ, જેને પુરુષોત્તમદાસ 'અંધશ્રદ્ધાઓ ' કહી અવગણતાં, એની યાદી બનાવવામાં આવે તો કદાચ કાગળ અને સહી ખૂટી પડે ! ત્રીસ વર્ષોથી સહેવાતો આ ત્રાસ પુરુષોત્તમદાસ ના વૈજ્ઞાનિક મગજ માટે હવે અસહ્ય થઇ પડ્યો હતો. દરેક બાબતની એક મર્યાદા હોય. હવે પાણી માથાના ઉપરથી પસાર થઇ રહ્યું હતું. ગૂંગળામણ અસહ્ય હતી. કંઈક તો કરવુંજ રહ્યું . કોઈ માર્ગતો કાઢવોજ પડશે. અચાનકજ બ્રેક લાગેલી ગાડી અને થંભી ગયેલા પુરુષોત્તમદાસના વિચારોએ ગતિ પકડી. વૈજ્ઞાનિક મગજમાં કંઈક જ્વાળામુખી જેવું ઉભરાઈ આવ્યું. 

" અરે ધીરે ચલાવો. એમ પણ કાળી બિલાડી એ રસ્તો કાપ્યો છે. કંઈક અશુભ થઈનેજ રહેશે..." 

જમનાબેનની સૂચનાથી ન તો ગાડી ની, ન તો પુરુષોત્તમદાસના વિચારોની ગતિ ઓછી થઇ. થોડાજ સમયમાં ગાડી શહેરના એક અગ્રણી ઘરેણાઓના શોરૂમ આગળ આવી થોભી. જમનાબેનનો ઘરેણાં-પ્રેમ તો જગજાહેર હતો. આ લાલચ અને પ્રેમનો આજે પુરુષોત્તમદાસ સદુપયોગ આદરવાના હતા. કાલી બિલાડી ગાડી આગળથી જાય એને માનવજીવનની ઘટનાઓ સાથે કઈ લેવાદેવા ન હોય ! આજે વિજ્ઞાન સામે અંધશ્રદ્ધાઓ ને પછાડ આપવાની હતી. શોરૂમનો સૌથી સુંદર હાર ખરીદી પુરુષોત્તમદાસે જમનાબેનના ગળામાં પહેરાવી દીધો. થોડી ક્ષણો પહેલા તાણ અને ચિંતામાં ગરકાવ જમનાબેનનો ચ્હેરો ફૂલ જેમ ખીલી રહ્યો. ખુશી સાતમે આસમાને હતી. આટલો કિંમતી અને સુંદર હાર આજે એમને મળશે, એની કલ્પના પણ શક્ય ન હતી. 

ગાડીમાં પરત થયેલા જમનાબેનના ચ્હેરા ઊપરની ખુશી અને ચમક પુરુષોત્તમદાસની યોજનાની સફળતા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી હતી. સ્ટિયરિંગ ફેરવી રહેલા હાથો વડે પુરુષોત્તમદાસ ની નજર પોતે હમણાંજ ખરીદીને આવેલ અને જમનાબેનના ગળા માં ચમકી રહેલ અતિ કિંમતી હાર પર આવી જડાઈ. 

"તો જમના કંઈક સમજાયું ?"

પોતાના ગળાના હાર પર પ્રેમથી હાથ ફેરવતા જમનાબેનની આંખો પુરુષોત્તમદાસની આંખો સાથે મળી. 

"જી હા, આજે સમજાયું. હું તો નકામા વ્હેમ ઉછેરી રહી હતી."

પુરુષોત્તમદાસના ચ્હેરા ઊપર જીતનું અટ્ટહાસ્ય છવાઈ ગયું. 

"જોયુંને કાળી બિલાડી રસ્તો કાપે તો કઈ અશુભ ન થાય..."

પતિના વાતમાં સહમતી પુરાવતા હોય એ રીતે જમનાબેન પોતાની આંગળીઓને હારમાં પરોવતાં બોલ્યા :

"સાચી વાત, કાળી બિલાડી રસ્તો કાપે તો કઈ શુભ થાય, ધનપ્રાપ્તિ થાય !"

એકજોરદાર બ્રેક જોડે ફરીથી ગાડી થંભી ગઈ. પુરુષોત્તમદાસનો ચ્હેરો સ્ટિયરિંગ પર ઢળી પડ્યો અને હૈયું મૌનપૂર્વક ચીખી ઉઠ્યું.

"કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી"


Rate this content
Log in

Similar gujarati story from Comedy