Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

અપમાન

અપમાન

11 mins
14.7K


પોતાનો પર્સ ચકાસી એણે એક તરફ મુક્યો. ટિફિનનો ડબ્બો ઉઠાવી પર્સમાં નાખ્યો. પાસેના ટેબલ ઉપરથી કાંડા ઘડિયાળ લઇ હાથમાં અતિ ઉતાવળે ચઢાવી. સાડીનો ફોલ ઝડપથી સરખો કર્યો. છુટ્ટા વાળને એક રોલ કરી ઉપર બાંધી દીધા. ઘડિયાળ ઉપર એક છુટ્ટી દ્રષ્ટિ ફેંકીને તરતજ ખેંચી લીધી. સાડા અગિયાર થઇ ગયા હતા. બાર વાગ્યે શાળા એ પહોંચી જવાનું હતું. આજથી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓ શરૂ થવાની હતી. સમયસર પહોંચી જ રહેવું પડશે એ વિચારે ઝડપથી નિશાએ સ્કૂટીની ચાવી હાથ માં લીધી. દરવાજા તરફ ડોટ મુકીજ કે એની નજર નજીક ના ટેબલ ઉપર ગોઠવાયેલી લાલ રંગ ની ફાઈલ ઉપર પડી. અચાનક એનું સ્ફૂર્તિલું શરીર સ્થિર થયું. મનમાં ચિંતા અને તાણના ભાવો ઉભરાઈ આવ્યા :

'અરે, આ ફાઈલ તો અનુજ અહીંજ ભૂલી ગયો !'

પોતાના પુત્ર અનુજના ભુલકણા સ્વભાવથી એ સારી રીતે પરિચિત હતી. કેટલીવાર મોબાઈલ ગુમાવ્યા છે, ચાવીઓ ગમે ત્યાં છોડીને આવ્યો છે, ક્યારેક હેલ્મેટ તો ક્યારેક પૈસાથી ભરેલો પર્સ ક્યાંક મૂકીને ભૂલી આવ્યો છે , ટિફિનનો ડબ્બો પણ કેટલીવાર ઓફિસમાંજ રાત પસાર કરી આવ્યો છે ! દીકરાની ભૂલી જવાની ટેવ એક યાદી બની આંખો સામે ઉઘડી પડી. અને જુઓ આજે આ ફાઈલ. આ ફાઈલ સાથે અનુજે છેલ્લી ઘણી રાત્રિઓ પસાર કરી હતી. નોકરીની શરૂઆત નું વર્ષ એટલે મહેનત અને ધગશ દ્વારા પોતાની આગવી આકર્ષક છબી ઓફિસમાં ઉભી કરવીજ રહી અને એ માટે અનુજે દિવસરાત એક કરી નાખ્યા હતા. આજે ઓફિસમાં યોજાનારી પ્રેઝન્ટેશન માટે એણે એક મહિના અગાઉથીજ તૈયારીઓ આદરી દીધી હતી. પોતાની કમ્પની દ્વારા ઉત્પાદન કરાયેલ પ્રોડક્ટ બજારમાં હાજર એવાજ અન્ય ઉત્પાદનો કરતા કઈ રીતે વધુ ગુણવત્તાયુક્ત, ફાયદાકારક, આર્થિક રીતે સ્પર્ધાત્મક અને ગ્રાહકોની તમામ જરૂરિયાતો અને અપેક્ષાઓને આવરી લેનાર બની રહે છે, એ અંગે અનુજે ખુબજ ઊંડું સંશોધન કરી અનેક વિગતો અને આંકડાઓ ભેગા કર્યા હતા. એક મહિના સુધી પરસેવો પાડી હાથ ધરેલ એ તમામ સંશોધનોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતો આ લાલ રંગની ફાઈલમાં અનુજે ખુબજ વિગતવાર સંગ્રહી હતી. એક મહિનાથી અનુજ ને આ લાલ રંગની ફાઈલ જોડેજ નિશા અને દર્શને જોયો હતો. દર્શન તો ઓફિસના કામ અર્થે અન્ય શહેરમાં હતો . પતિની ગેરહાજરીમાં આ લાલ રંગની મહત્વ ની ફાઈલ અનુજ સુધી ગમે તેમ કરી જાતે જ પહોંચાડવી પડશે એ વિકલ્પવિહીન પરિસ્થિતિનો સામનો કરવા અને અનુજને કોલ કરી એના આ મહત્વના દિવસે એને નકામી ચિંતામાં ન નાખવા નિશાએ તદ્દન ઝડપથી ફાઈલ ઉઠાવી . ત્રીસ મિનિટના મર્યાદિત સમયમાં આ ફાઈલ અનુજ સુધી પહોંચાડી શાળાએ સમયસર પહોંચવાના પડકારને સ્વીકારતી નિશાએ પોતાની સ્કૂટી પૂરજોશમાં શહેર ના રસ્તા ઉપર ભગાડી મૂકી. 

અનુજના કાર્ય સ્થળે પહોંચેલી નિશા તરતજ એ મલ્ટીનેશનલ કમ્પનીના મુખ્ય દ્વારે પહોંચી. ઉતાવળ ને ઘભરાટમાં ફાઈલ ડીકીમાંજ રહી ગઈ. મોડા ન પડવાની ઝડપમાં માનવી પોતાની અફરાતફરીમાં એટલોજ વધુ મોડો પડતો હોય છે ! ફરીથી પાર્કિંગ વિસ્તાર તરફ ભાગતી જઈ એ ફાઈલ લઇ આવી. પૂછતાછ વિભાગમાં સેવા બજાવી રહેલ સ્ત્રીને અનુજ અંગે પુછપરછ કરી . સ્ત્રી એ આપેલ માહિતીને અનુસરતી લિફ્ટ લઇ એ સીધીજ અગિયારમાં માળે પહોંચી. અનુજ ની મિટિંગ શરૂ પણ થઇ ગઈ હશે. કાંડા ઘડિયાળ તરફ નજર ફેરવી. પોણા બાર થઇ ગયા હતા. પંદર મિનિટમાં શાળા એ પહોંચવાનું હતું . પરંતુ આ ફાઈલ અનુજના હાથ સુધી પહોંચાડવું પણ એટલુંજ જરૂરી હતું. આખરે પોતાના પુત્રના ભવિષ્યનો પ્રશ્ન હતો . એની એક મહિનાની અથાક મહેનત અને પરિશ્રમને સફ્ળતાનો સ્પર્શ મળવામાં કોઈ કમી ન રહી જાય , એજ એના માતૃ હૃદયનો ઉદ્દેશ હતો . લિફ્ટ અગિયારમાં માળે આવી થમ્ભ . એક પણ ક્ષણ વેડફ્યા વિના એ સીધીજ અનુજની કેબીન સુધી પહોંચી. અનુજ કેબીનમાં ન હતો . મિટિંગ શરૂ થઇ ચુકી હતી, એ જાણતાજ એના ડગલાં કોન્ફ્રન્સ હોલ તરફ ઝડપભેર ઉઠ્યા . હોલની બહાર ના ડેસ્ક ઉપર કાર્ય સંભાળતી સેક્રેટરી એ એને ત્યાંજ અટકાવી :

"સોરી મેમ , બહારની કોઈ પણ વ્યક્તિને કોન્ફ્રન્સ હોલમાં જવાની પરવાનગી નથી ."

"તો આપ મિસ્ટર અનુજ શાહને આ ફાઈલ પહોંચાડી દો, પ્લીઝ." પોતાના હાથમાંની લાલ ફાઈલ એણે સેક્રેટરી આગળ ધરી .

ચાલુ મીટીંગે કોઈ પણ પ્રકાર ના હસ્તક્ષેપ ન થાય એ અંગે આગળથી મળેલ સખત સૂચનોનું અનુસરણ કરતી સેક્રેટરીએ નિશાની આજીજી સ્પષ્ટ શબ્દોમાં નકારી દીધી. " સોરી મેમ, એ માટે મિટિંગ સમાપ્ત થવાની રાહ જોવી પડશે ."

મિટિંગ સમાપ્ત થવા સુધીની રાહ એક માતૃ હૃદય જોઈ ન શક્યું . સેક્રેટરીના નિષેધ ને અવગણતી એ સીધીજ કોન્ફ્રન્સ હોલનું બારણું ઉઘાડી રહી. પીછો કરતી પાછળ દોડી આવી રહેલ સેક્રેટરી એને પકડી શકે એ પહેલાજ નિશાના પગલાં કોન્ફ્રન્સ હોલની અંદર હતા. વર્તુળઆકારના મોટા ટેબલ પર ગોઠવાયેલા સૂટમાં સજ્જ દરેક વ્યક્તિઓની નજર વિસ્મયના હાવભાવ જોડે એની ઉપર મંડાઈ. એક વ્યવસાયિક મિટિંગ વચ્ચે ચઢી આવેલ એક હાંફળી ફાંફળી સ્ત્રી બધાના ધ્યાનનું કેન્દ્ર બની રહી. પ્રોજેક્ટર પાસે ઉભેલા અનુજે પોતાની પ્રેઝન્ટેશન વચ્ચે આવી ઉભેલી અને પોતાના વક્તવ્યને અધવચ્ચે અટકાવી હસ્તક્ષેપ કરનારી એ સ્ત્રી ને જોવા નજર ઉઠાવી. પોતાની માને જોતાજ અનુજ ઝંખવાળો પડી ગયો. અનુજને જોતાજ નિશા હાથમાંની લાલ ફાઈલ અનુજ સુધી પહોંચાડવા શીઘ્ર આગળ વધી. ફ્લોર ઉપરથી પસાર થતા વાયરથી અજાણ નિશાનો પગ વાયરમાં ભેરવાયો અને શરીરનું સઁતોલન ગુમાવતા હાથમાની ફાઈલ વર્તુળાકાર ટેબલ પર પછડાઈ. ફાઈલમાં પરોવાયેલા કાગળો ટેબલ પર ફેલાઈ દરેક વ્યક્તિની આંખે ચઢ્યા. એકજ ક્ષણમાં અનુજના સંશોધન સ્ત્રોતો, એના વ્યવસાયિક કાર્યની શૈલી અને કાર્ય નીતિ બધાની સામે ઉઘાડી પડી ગઈ. 

"ઓહ , આમ સોરી ! " પોતાની ભૂલથી પોતાના પુત્રની પ્રતિષ્ઠા પર નકારાત્મક પ્રભાવ ન પડે એ ભયે ધ્રૂજતાં હાથે નિશા કાગળોને સમેટવા લાગી .

"આ તુ શું કરી રહી છે મા ?" ધીમા છતાં ચીઢથી ભરેલ સ્વરમાં અનુજ નિશાના પ્રયત્ન ને અટકાવી રહ્યો . 

"આ ફાઈલ તુ ઘરેજ ભૂલી ગયો હતો. મને થયું કે તારા મહત્વના કાગળિયા વિના ...." કાગળ ભેગા કરી રહેલીમાં ના શબ્દો વચ્ચેથીજ અટકાવી, એને કોણીએથી પકડી અનુજ કોન્ફ્રન્સ હોલની બહાર ઘસડી ગયો .

"મા તું અહીં શા માટે આવી ? આ બધો તમાશો કરવાની શી જરૂર હતી ? મારા બધાજ મહત્વ ના કાગળ સ્કેન કરી મારા લેપ્ટોપ માં હું રાખું છું." અનુજના  અવાજમાં ક્રોધનો રણકાર હતો.

"પણ હું તો તારી મદદ ..."

માને આગળ બોલવાનો અવસર આપ્યા વિનાજ અનુજે પોતાના હાથની પકડ વધુ મજબૂત કરી : "થેન્ક્સ ફોર યોર હેલ્પ...મારી મહિનાની મહેનત ઉપર એક જ ક્ષણમાં પાણી ફેરવી નાખ્યું..." અનુજના શબ્દો કટાક્ષથી છલકાઈ રહ્યા હતા. 

"મને દુઃખે છે અનુજ ..." પોતાનો હાથ અનુજના હાથમાંથી છોડાવતા નિશાનો સ્વર અત્યંત રડમસ બની રહ્યો.

"હવે આગળ કોઈ પણ નાટક કર્યા વિના જતી રહેજે... પ્લીઝ.... આ આપણું ઘર નથી... મારી ઓફિસ છે...." અનુજના પગ પૂર ઝડપે કોન્ફ્રન્સ હોલ તરફ પરત થયા. ધ્રુસકે ધ્રુસકે રડતી નિશા ઓફિસમાંથી બહાર નીકળી આવી. 

સ્કૂટીમાં ચાવી ફેરવી રહેલ નિશાની નજર હાથ ઉપર પડી. અનુજની આંગળીઓના નિશાન ગાઢ લાલ છપાઈ ગયા હતા. બળતરા ખુબજ થઇ રહી હતી, હાથમાં પણ અને હૃદયમાં પણ. આખો દિવસ શાળામાં એની નજર મોબાઈલ પર જ મંડી રહી. એનું શરીર ભલે શાળામાં હતું પણ હૃદય અને વિચારો અનુજના કોન્ફ્રન્સ હોલમાંજ જાણે છોડી આવી હતી. અનુજના કોલની અપેક્ષામાં આખો દિવસ નીકળી ગયો. પણ અનુજનો કોલ આવ્યો નહીં. 

ઘરે પરત થઇ રહેલ નિશાની આંખો અને મન બન્ને ભીના હતા. અનુજે કરેલ અપમાનથી હૈયું વલોવાઈ રહ્યું હતું. મન ખુબજ ભારે થઇ ગયું હતું. ઘરે જવા પગ ઉપડી રહ્યા ન હતા .માતાપિતા બાળકોની ચિંતા પાછળ જાતને ભુલાવી નાખે ને એજ બાળકો ...!

અચાનક નિશા એ સ્કૂટીને બ્રેક મારી અટકાવી. મોસંબીના જ્યુસ વાળી એક થેલી સ્મૃતિ તટ પર તરી આવી. આંખો પાણીથી ઉભરાઈ ગઈ. શીઘ્ર ખુબજ જરૂરી કોઈ બાબત યાદ આવી ગઈ હોય એ રીતે યુ ટર્ન લઇ એણે સ્કૂટી અન્ય દિશામાં ફેરવી.

થોડાજ સમયમાં એનું સ્કૂટી પોતાના માત પિતાના ઘરની આગળ આવી અટક્યું. રસોડામાં થી પ્રસરી રહેલી સુવાસથી પોતાની માની હાજરી નું ત્યાંજ અનુમાન લગાવતી એ સીધીજ રસોડામાં પ્રવેશી...

"અરે ,નિશા તુ અહીં ? આ સમયે ? સૌ ઠીક તો છે ? એક કોલ કર્યો હોત તો તારી ગમતી કોઈ વાનગી...." માનું વાક્ય સમાપ્ત થાય એ પહેલાજ એ લપાઈને માને વળગી પડી.

ધડધડ વહેતા અશ્રુઓ સાથે માને વધુ આવેગમાં ભેટી રહી : 

"આમ સોરી મા, મને માફ કરી દે! "

દીકરીને આ રીતે લાગણીઓના આવેશમાં ભીંજાયેલી નિહાળતા માના હૃદયમાં ધ્રુજારો અનુભવાયો. 

"અરે, પણ શું થયું એ તો કહે ...ને આ માફી કઈ વાત ની ?"

માના ખભા છોડવા નહીં હોય એ રીતે બાળકની જેમ રડમસ સ્વરમાં નિશા એ ઉત્તર આપ્યો : 

"યાદ છે તું મારી શાળામાં આવી હતી, મોસંબીનું જ્યુસ લઇ અને હું....." 

અધૂરા છોડેલા વાક્ય ને નિશાએ પોતાના રુદનથીજ સમાપ્ત કર્યું. એ અધૂરા વાક્યથીજ ભૂતકાળ ની એ વાત માની સ્મૃતિમાં સંપૂર્ણ જીવંત થઇ ઉઠી.

નિશાની શાળાની નોકરીના શરૂઆતના એ દિવસો હતા. લગ્ન હજી થયા ન હતા. પોતાની મહેનત અને લગનથી કાર્ય સ્થળે પોતાની આગવી છાપ ઉપસાવવા નિશા સતત પ્રયત્નશીલ હતી. એ દિવસે શાળામાં વર્ગ શણગાર સ્પર્ધા હતી. બધાજ શિક્ષકો પોતપોતાના વર્ગને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા મંડી પડ્યા હતા. નિશા એ આખી રાત જાગી વર્ગની દીવાલો શણગારવા ભાતભાતના અને માહિતીથી સભર એવા અનેક ભીંતચિત્રો અને પોસ્ટર તૈયાર કર્યા હતા. બાળકો વર્ગને શણગારી શકે એ માટે હજી દુકાનમાંથી ફુગ્ગાઓ, રીબીન અને તોરણો ખરીદવાના બાકી હતા. એટલે દરરોજ કરતા ઘરેથી એ ખુબજ જલ્દી નીકળી ગઈ હતી. માની લાખ આજીજીઓ છતાં કઈ પણ જમ્યા વિનાજ એ શાળા એ જવા નીકળી પડી હત . ઉતાવળમાં ખાલી પેટથી નીકળેલી નિશાના સ્વાસ્થ્યની ચિંતા કરતું માનું હૃદય પણ આખરે નજ માન્યું . નિશાને ગમતું મોસંબીનું જ્યુસ પાર્સલ કરાવી એ સીધા નિશાની શાળા એ પહોંચ્ય . આચાર્યની પરવાનગી લઇ સીધાજ એના વર્ગ આગળ આવી ઉભા થયા :

" માશું થયું ? તુ આમ અહીં ?" અચાનકમાના આગમનથી વિસ્મય પામતી નિશા વર્ગના બારણે આવી પહોંચી .

"તુ આમ જમ્યા વિનાજ નીકળી આવી એટલે ...." નિશાના સામે મોસંબીના જ્યુસ ની કોથળી ધરતા એમણે પોતાના આગમનનું કારણ જણાવ્યું. વિદ્યાર્થીઓનું વ્યંગ સમૂહ હાસ્ય નિશાના કાને પડ્યું. 

" મા આ આપણું ઘર નથી. હું અહીં તારું નાનું બાળક નહીં એક શિક્ષક છું." નિશા એ ક્રોધ અને ચીઢથી મિશ્રિત સ્વરમા પોતાની માને ખખડાવી.

"પણ આમ ભૂખ્યા શરીરે દોડાદોડી થતી હશે ?" કહેતા એમણે સાથે લઇ આવેલ સ્ટ્રોનો પાઇપ જ્યુસની કોથળીમાં ભેરવ્યો. વિદ્યાર્થીઓના વ્યંગ સમૂહહાસ્યએ ઉંચો સ્વર પકડ્યો.

છોભીલી પડેલી નિશાએ માનો હાથ પકડી, તદ્દન દ્રેષયુક્ત શબ્દોમા વર્ગમાંથી એને બહાર તરફ ખેંચી : "તુ અહીં થી જતી રહે તો ...."

એ જ ક્ષણે એક માતૃ હૃદય સંતાનનું અપમાન વેઠતું ભારે મન સાથે ત્યાંથી જતું રહ્યું હતુ . એ રાત્રે મા કશું પણ જમ્યા વિનાજ ઊંઘવા જતી રહી હતી. નિશાને એ વર્તન અને વલણ તદ્દન નાટકીય અને બિનજરૂરી ભાસ્યા હતા. પરંતુ આજે આટલા વર્ષો પછી એ હય્યાની પીડા આખરે સમજાઈ. એ વલણ અને વર્તન પાછળનું તર્ક સમજમાં આવ્યું. 

દીકરીને પાણીનું ગ્લાસ આપતા માના ચ્હેરા ઉપર મંદમંદ હાસ્ય લહેરાયું. "પણ આ બધું આટલા વર્ષો પછી અચાનક કેમ યાદ આવ્યું ?"

અનુજ સાથેના આજના સમગ્ર પ્રસંગની વાત શબ્દેશબ્દ નિશાએ માને જણાવી :

"આજે સમજ માં આવ્યું કે એ દિવસે મારા વર્તણુકથી તમારા હૃદય ને કેવી ચોટ પહોંચી હશે !"

દીકરીનો હાથથામી પંપાળતી માંનું મંદમંદ મન્દ હાસ્ય યથાવત હતું :" માતાપિતાની લાગણીઓને માતાપિતા બન્યા પછીજ સમજી શકાય. એમની ચિંતાઓ, હઠાગ્રહ, ક્રોધ, સખ્તી બધુજ બાળકોના હિતમાંજ હોય છે. યુવાનીના જોશ અને આવેગમાં એ ભાવો સમજવાની ક્ષમતા ખુબજ મર્યાદિત હોય છે. માતાપિતાની અનુભવાતી દરેક નકામી ચિંતાઓ અને પ્રયત્નો માતાપિતા બન્યા પછી પોતાના બાળકો માટે અત્યંત સાર્થક લાગવાં માંડે છે. માનો પ્રેમ બાળકોની માફીની રાહ જોતો બેસી રહે એટલો સંકુચિત નથી હોતો. એ તો સ્નેહનો વિશાળ સાગર જેની દરેક બુંદ પોતાના બાળકની ફક્ત હિત ઇચ્છુક ..."

માના શબ્દોથી નિશાના મનનો ભાર હળવો થયો . અનુજના કોલની પ્રતીક્ષા આખરે કેટલી વાજબી હતી ? પોતે માફી માંગવા વર્ષો લગાવી દીધા હતા તો અનુજને ફક્ત અમુકજ કલાકોમાં લાગણીઓનો અહેસાસ થઇ જવાની અપેક્ષા કેટલી ન્યાયયુક્ત ? બાળકો માફી માંગે કે નહીં એનાથી માતૃપ્રેમ ની ગુણવત્તાને કોઈ અસર થતીજ ક્યાં હોય છે ? 

બાળકોના હિતમાં પોતાની દરેક ફરજને દિલોજાનથી નિભાવતા માતાપિતાની લાગણીઓને સમજ્યા વિનાજ જયારે સંતાન એમની સંવેદનાઓને દુભાવતા હોય છે ત્યારે એ પીડાને ઠંડે કલેજે વેઠી, હસતા હોઠે પોતાનું કર્તવ્ય બજાવતા રહેતાં એ હૈયાઓ આટલી સહનશીલતા ક્યાંથી લાવતા હોય છે ?

માને મળ્યા પછી નિશાનું કલેજું પણ એટલુંજ ઠંડુ થઇ રહ્યું. પોતાની ફરજ સ્મિત યુક્ત ચ્હેરા સાથે નિભાવવા એ સહનશીલ હૃદય ઘરે જવા ઉપડ્યું. સ્કૂટીને કિક જ મારી કે મોબાઈલ રણક્યો :

"માં, ગુડ ન્યુઝ ... મારા સંશોધન અને પૂર્વતૈયારીઓ આખરે ફળ્યા. માર્કેટનું આવું ઊંડું સંશોધન કરી માહિતીના આટલા નક્કર આંકડાઓ કદાચ જ કોઈએ ભેગા કર્યા હશે. તારું ઓફિસ આવવું અને એ લાલ ફાઈલનું બધાની દ્રષ્ટિ એ ચઢવું 'બ્લેસિંગ ઈન ડિઝગાઇઝ' બની રહ્યું. આજે મારા પ્રોમોશનની ખુશીમાં બહાર જ જમવા જઈશું . આજેનો 'કુકીંગ' ... તૈયાર રહેજે ...હું તને લેવા આવું છું."

મંદમંદ હાસ્ય સાથે નિશાએ કોલ કાપ્યો. અનુજે આટલા બધા શબ્દો કહ્યા, પણ એક ફક્ત 'સોરી' જ ન કહ્યું !

મનોમન પોતાની માના શબ્દોથી એણે પોતાનીજ જાતને આશ્વાસન આપ્યું :

"માંનો પ્રેમ સંતાનની માફીની રાહ જોતો બેસી રહે એટલો સંકુચિત નથી હોતો. એતો સ્નેહનો વિશાળ સાગર છે, જેની દરેક બુંદ પોતાના બાળક ની ફક્ત હિતઇચ્છુક ..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational