Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Guddu Solucky

Tragedy Thriller

3  

Guddu Solucky

Tragedy Thriller

અજાણ્યો ડર

અજાણ્યો ડર

5 mins
499


અરે, યાર.. આજે ફરી મોડું થઈ ગયું. ચાવી તો લઈ લીધી, કોમ્પ્યુટર પણ બંધ છે, લોક મારવાનું ભૂલી તો નહીં ગઈ ને? બધા પાસાં વિચારી લીધા.

ના.. કઈ બાકી નથી એવું મનને દિલાસો આપી ફટાફટ ઘરે જવા હું નીકળી.

સામે જ રસિક કાકા મળ્યા, ચા ની પ્યાલી સાથે, અને ખબર છે કે, હું બહુ ચા નથી પીતી તોય..

જયશ્રી બેન, ચા તો પીતા જાવ! કહી મને ઊભી રાખી અને ક્યારનું શાંત રાખેલું મારું મગજ ગયું.


કેટલી વાર કહ્યું છે કે, મને એક જ વાર ચા જોઈએ છે તોય શું કામ પૂછો છો?

ત્યાં જ, બીજા ભાઈ બોલ્યા, હવે ચા નું નામ પડ્યું છે તો પીતા જાવ, અપશકુન ગણાય. એમણે પોતાનું બ્રહ્મ પ્રવચન ચાલુ કર્યું.

મેં એક તિરસ્કાર ભરી નજરે તેમની સામે જોયું, અને કહ્યું એવું કાંઈ ના હોય. મારે મોડું થાય છે એમ કહીને ફટાફટ નીકળી.

રસિક કાકા મારા ગુસ્સાનો ભોગ બનવા નહોતા માંગતા એટલે ચૂપ રહ્યા.

જ્યારે મારે વહેલા નીકળવાનું હોય ત્યારે જ બધા લોકોને કામ હોય છે એમ કરતી કરતી હું બધા ઉપર થોડો થોડો દોષનો ટોપલો વહેંચતી વહેંચતી બસ સ્ટેન્ડ પહોંચી.

અમદાવાદ એક્સપ્રેસ કેટલા વાગે છે? મેં પૂછપરછ ચાલુ કરી.


આજે તો એક્સપ્રેસ કેન્સલ થઈ છે, લોકલ બસ આવશે હમણાં અડધો કલાકમાં.

આ સાંભળતા જ મારા મોતિયા મરી ગ્યાં, અને હું વિચારવા લાગી કે હવે શું કરું?

કેન્સલનું નામ સાંભળીને જ પહેલા મનમાં પેલા ભાઈનો અપશકુન શબ્દ યાદ આવ્યો. અહી ને અહી સવા સાત થઈ ગ્યાં હતાં. અને જો હવે આણંદ જાઉં તો મને કોઈપણ ટ્રેન મળે એમ હતી. થોડીક આશા બંધાઈ, પણ થોડીકવારમાં પાણી ફરી વળ્યું, કારણકે આણંદ જવા માટે પણ એકેય બસ નહતી. હવે હું ત્યાંથી રીક્ષા સ્ટેન્ડે પહોંચી. રીક્ષામાં પહેલેથી જ બે પેસેન્જર હતા, એટલે થયું કે, હાશ.. હવે કોઈ એક પેસેન્જર મળી જાય તો પણ મને તે જલ્દી આણંદ પહોંચાડી દેત. પણ...,

એ એક પેસેન્જરને આવતા આવતા બીજી દસ મિનિટ થઈ ગઈ. મારા માટે તો હાલ એ ભગવાન જેવો હતો કે હાશ, ચલો કોઈક તો આવ્યું..

ગમે તેમ કરીને આણંદ સ્ટેશન પહોંચી, પણ ગાડીને પણ ઘરે જવાની ઉતાવળ હોય એમ મારા પહેલા નીકળી ગઈ.

હવે, હું કંટાળી હતી પણ હવે પછીની એક્સપ્રેસની રાહ જોવા સિવાય મારે છૂટકો નહતો.


વાતાવરણ ખૂબ ખરાબ હતું, 'બિન બુલાયા' મહેમાનની જેમ વરસાદ ચાલુ થઈ ગયો હતો. પ્લેટફોર્મ પર ખૂબ જ ઓછી વસ્તી હતી. હું એક જગ્યાએ શાંતિથી બેસીને ટ્રેનની રાહ જોવા લાગી. હવે મને થોડીક થોડીક બીક લાગતી હતી, મેં ઘરે ફોન કરી દીધો, જેથી એ લોકોને ચિંતા ના થાય. એ લોકોને પણ મારી રાહ જોયા સિવાય છૂટકો નહતો, કેમકે અહી એવું કોઈ હતું પણ નહી કે જેને ત્યાં હું રોકાઈ જાવ.

મમ્મીએ તો ફોનમાં જ સુચનાઓનો મારો ચલાવી દીધો, "ખબર નથી પડતી, વહેલા નીકળવાની, કેટલીવાર કહ્યું છે કે એવું હોય તો રજા મૂકી દઈએ ને .." ને બીજું તો ઘણું બધું !

તેમના સવાલનો મારી પાસે કોઈ જવાબ નહતો, કારણકે એ એમનો ગુસ્સો નહીં પણ ચિંતા હતી.

એમને તો મેં દિલાસો આપવા કહી દીધું કે, "ચિંતા ના કરો, હું બહાદુર છું, આવી જઈશ.. પણ..."

હા... , મને હવે એક અજાણ્યો જ ડર લાગી રહ્યો હતો, ત્યાં પસાર થતા દરેક માણસમાં મને કોઈ ગુનેગાર નજર આવતો હતો. બે ત્રણ ભાઇ મારી પાસેથી પસાર થયા તો જાણે એ હમણાં મારી પાસે આવશે, મારું ગળું દબાવશે અને...., પછી....., કેટકેટલા વિચારો એકી સાથે આવતા હતા...,થોડીકવાર આંખો બંધ કરીને હું બેસી ગઈ.

આમ તો આ પહેલા પણ હું ઘણીવાર એકલી સફર કરું છું, રસ્તામાં ક્યારેક મોડું પણ થઈ જતું, તો આજે આ ડર....

ના.. , ના.. , અજાણ્યો ડર?

આ ભયંકર વાતાવરણનો હતો... ,

રાત્રીના અંધકારનો હતો...,

હું એક છોકરી હતી એનો હતો...,

કે પછી હું એક એકલી છોકરી હતી એનો....!


થોડીકવાર માં ટ્રેન તેના સમય પર આવી ગઈ અને મને થોડીક હાશ થઈ. હું એક જગ્યા શોધીને બેસી ગઈ, પણ ત્યાં પણ એ અજાણ્યો ડર મારો પીછો છોડતો નહતો. જેમ એક પછી એક સ્ટેશન આવતા ગયા એમ મેં રાહત અનુભવી અને આખરે મારું સ્ટેશન આવી ગયું.

મેં ફટાફટ રિક્ષા પકડી, ત્યાં સુધીમાં અગિયાર થઈ ગયા હતા. રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, મારા જેવા પરિસ્થિતિમાં ફસાયેલા લોકો પોતાને ઘરે જવા આમથી તેમ દોડી રહ્યા હતા અને ત્યાં મારા મમ્મી-પપ્પા દરવાજાએ આંખ માંડીને મારી રાહ જોઈ રહ્યા હતા.

માંડ માંડ "અજાણ્યો ડર સાચો ના પડે એવા ડર" થી હું ઘરે પહોંચી, જેવી ઘરે પહોંચી એવી જ મમ્મી પપ્પા ને ગળે વળગીને રડવાં લાગી (આટલું તો હું સાસરે જતાં પણ નહોતી રડી) એ પણ બહુ રડ્યા. ખબર નથી પડતી કે આ આંસુ શેના હતા. થોડીવાર પછી હું શાંત થઈ અને સૂવા ગઈ.


આજનો દિવસ મારે માટે બહુ જ અનોખો હતો. આજે હું મારા મમ્મી-પપ્પાના એ ગુસ્સાને સમજી શકી હતી, જ્યારે હું ક્યારેક ક્યાય એકલી જવાની જીદ કરતી, જ્યારે બહાર મિત્રો જોડે ફરવા ગઈ હોય અને મોડી ઘરે આવતી, ક્યારેક ઓફીસેથી પણ બારોબાર મિત્રો જોડે ફરવા જતી અને ઘરે ફોન કરવાનું ભૂલી જતી, વગેરે વગેરે.

કારણકે એમને પણ એ જ અજાણ્યો ડર હેરાન કરતો હોય છે, આ અંધકારના પડછાયાથી એમને પણ બીક લાગતી હોય છે, એમની દીકરી કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ના જાય એને એમની ફરજ સમજતા હોય છે, એ પણ રોજ સવારે માણસાઈને હેવાનિયત તરફ જતા જોતા હોય છે.


આવો અજાણ્યો ડર ખાલી મને કે મારા જ મમ્મી-પપ્પાને નહીં પણ દુનિયાના દરેક વ્યક્તિને લાગતો હોય છે, કારણકે સમાજમાં માણસના પહેરવેશમાં કેટલાક હેવાનો ફરતા હોય છે, અને એ પણ નીડરપણે. કારણકે આપણે ત્યાં એમની હેવાનિયતની સજા બહુ ઓછી માત્રામાં લાંબા સમય પછી થાય છે, સમાચારમાં આવતા આ સમાચારને એટલા સામાન્ય બનાઈ દીધા છે કે આપણે એક બે દિવસ ડીપી બદલીને કે સ્ટેટ્સ બદલીને સંતોષ માનતા હોઈએ છીએ, અને થોડાક દિવસમાં પાછા એ નવા સમાચાર.

પણ એ પરિસ્થિતિ તો ત્યારે જ સમજાય જ્યારે તમે, કે તમારા પોતાનું માણસ એ અજાણ્યા ડરના અનુભવમાંથી પસાર થાય, અને આ પરિસ્થિતિ ત્યાં સુધી નહીં બદલાય જ્યાં સુધી સમાજ આ અંધકારના પડછાયા ને સામાન્ય માનશે, જ્યાં સુધી આપણે કોઈ અજાણી દીકરીને પોતાની બેન કે માતાના સ્થાને નહીં મૂકીએ ત્યાં સુધી નવો દિવસ સોનેરી પ્રકાશ લઈને નહીં જ આવી શકે. અને એક અજાણ્યો ડર ક્યારેક તમે પણ અનુભવશો અને ક્યારેક અમે પણ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy