Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Kadkia

Inspirational

2  

Pravina Kadkia

Inspirational

સગપણની ધાર.

સગપણની ધાર.

4 mins
1.5K


'ધાર કઢાવો ચપ્પુની... કાતરની ધાર કઢાવો. તમારા ચપ્પુ અને કાતર નવા કરતાં સારું કામ આપશે.’

આવા વાક્યોની ધારદાર અસર થાય.

ખભે પોતાનો ધાર કાઢવાનો સંચો ઊંચકીને આવેલા ધાર કાઢવાવાળાને  બારણાંની સામે જોઈ મારી દીકરી ઘરમાં દોડી આવી.

"મમ્મી મારી કાતર લાવ, સાવ બુઠ્ઠી છે. ગઈ કાલે હસ્તકામ કરતી વખતે કાગળ પણ સીધો કપાતો ન હતો. પુઠું કાપવાનું તો મેં માંડવાળ કર્યું.' મારો દીકરો મમ્મી કહે એટલે એ પણ દાદીને મમ્મી કહેતી. જે મને ગમતું.

મારી શિખા દોડતી આવી. હવે ચપ્પુ અને કાતરને ધાર કાઢવાની પ્રથા જ અદૃશ્ય થતી જાય છે. લોકો જુનાં થયેલાં ચપ્પુ અને કાતર ફેંકી નવા ચીની બનાવટના વાપરે છે. દેખાય સુંદર, પણ કાન કે નાક સુદ્ધાં ન કપાય! શિખા આવે ત્યારે ઘરમાં ચહકતું બુલબુલ ઘુમતું લાગે. તેની બધી વાત માનવાની મને ખૂબ મઝા આવે. તેથી તો શાળામાં રજા પડી નથી ને દાદી પાસે ચાલી આવે. મારા સારા નસીબે દીકરા- વહુને ખબર હતી કે મા શિખાને કાંઈક નવું શિખવાડશે. શિખા બટકબોલી એટલી કે જ્યારે પાછી બેંગ્લોર જાય ત્યારે, દાદા અને દાદીના નામની ટેપ આખો દિવસ વગાડે.

ધાર કાઢવાવાળા કાકા મોટી ઉંમરના હતા. મોંઘવારીના જમાનામાં માત્ર પાંચ રૂપિયામાં ધાર કોણ કાઢી આપે? શિખાએ કાકાને ઊભા રાખી મને પટાવવાનો ધંધો ચાલુ કર્યો.

ધીરેથી મેં પુછ્યું, 'કાકા આટલા સસ્તામાં કેમ ધાર કાઢી આપો છો?’

‘બહેન, આ લતામાં સાધારણ મધ્યમ વર્ગના માનવીઓ વધુ રહે છે. તેમને ત્યાં નિયમિત આવું છું. બહુ પૈસા તેમને પોષાય નહીં. તમારે ત્યાં વાંધો નથી, પણ હું બે ભાવ રાખતો નથી.

સાચું કહું, તે કાકાની ઈમાનદારી મને જચી ગઈ. લોકો કહે છે આપણા દેશમાં બધા બેઈમાન છે. તે વાત સાચી નથી. બેઈમાની ગાડી અને બંગલાવાળાઓનાં ઘરમાં વસે છે. સહુથી વધારે આપણા રાજકર્તાઓને ત્યાં. સરકારી નોકરોને ત્યાં. 'તુમાખી અને બેઈમાની' એક સિક્કાની બે બાજુ એવા લોકોને ત્યાં થઈ ગઈ છે.

શિખા મારા દિકરાની દીકરી છે. એ જ્યારે મુંબઈ આવે ત્યારે પાકું ગુજરાતી બોલે. વળી પાછાં દક્ષિણ ભારતનાં બેંગ્લોરમાં જઈએ એટલે હતી ત્યાંની ત્યાં. મુંબઈમાં તેને તો આ ધાર કાઢવાવાળાને જોવાની મજા આવી ગઈ. ઘરમાં હતાં તેટલાં બધા ચપ્પુ અને કાતર વીણી લાવી. એના દાદાની, મૂછ કાપવાની કાતર પણ લાવી. બારણે ઊભેલાં આંગતુકને તો થયું... ચાલો, આજે તડાકો પડશે.

શિખા તો બધાં ચપ્પુ અને કાતર નવાં જેવાં જોઈ ખુશ થઈ ગઈ. મારી પાસે આવી, 'દાદી, જો તો ખરી." મારું દિલ ધબકારો ચૂકી ગયું. બધાં એટલાં ધારદાર હતાં કે મારી ઢીંગલીને વાગી ન જાય. પ્રેમથી વાતમાં ને વાતમાં બધાં તેના હાથમાંથી સરકાવી લીધાં અને ઉંચે કબાટમાં મૂક્યા જ્યાં તેનો હાથ ન પહોંચે. કાકાને બેસાડી ચા અને નાસ્તો આપ્યા. ૨૦૦ રૂ. આપ્યા. તેમની આંખમાં ચમક આવી ગઈ. તેમના મુખ પર ચમક જોઈ મારું હૈયું ઠર્યું.

આપણા દેશની સામાન્ય પ્રજામાં હજુ માણસાઈ ધબકે છે.

'આભાર બહેન, પેલી ઝુંપડપટ્ટીમાં હું આજે લોકોને ધાર મફત કાઢી આપીશ.'

મહેનતથી રોટલો રળતા એ વયોવૃદ્ધ માનવીનું સુંદર અને સરળ વાક્ય અંતરને સ્પર્શી ગયું. શિખા તો ધાર કાઢવાવાળાને જોઈ આનંદ મેળવી રહી હતી. કોને ખબર હું કેવા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. ભાન પણ ન રહ્યું. આ જીવનમાં કેટલાંય સંબંધ બાંધ્યા, કેટલાં બુઠ્ઠા થઈ ગયા, કેટલાં તીક્ષ્ણ થયા અને કેટલાં પતંગની માફક કપાઈ ગયા! કોઈ ગણતરી નથી. જોકે, એવી ગણતરી રાખવી પણ નથી. જેમ જીવનમાં અનુભવો મળતાં જાય છે અને ઊંમરથી વધીએ છીએ તેમ-તેમ આ બધી વસ્તુઓ ગૌણ બનતી જાય છે. સમુદ્રમાં ભરતી- ઓટ આવે તેવું જીવનમાં પણ બને.

અમુક સંબંધો જે જીવનનાં અંત સુધી છૂટતાં નથી તેમની માવજત કરવી જરૂરી છે. તેમાં પણ સ્થિતિસ્થાપકતા જળવાય તે જોવું. સંબંધનો બંધ તૂટી ન જાય તેને માટે સજાગ રહેવું. બુઠ્ઠાં થયા હોય તો વિવેકની મદદ વડે તેની ધાર કાઢવી. બસ તે કામચલાઉ પણ રહે તેવી સજાગતા વાપરવી.

જેમ ૧૦૦ યા ૨૦૦ રૂપિયામાં ધાર નીકળે ને કામ ચાલ્યું એવું અહીં નહીં બને. વિવેક, સંયમ, સમજણ અને પ્રેમને ચાકડે તેમને ચડાવવા પડશે. જીવનમાં ડગલેને પગલે તેનો ઉપયોગ પણ કરવો પડશે. એક વિચાર મનમાં ઝબકી ગયો. સંબંધો કાંઈ નિર્જીવ ચપ્પુ અને કાતર જેવા થોડાં છે? ઘણાં તો જન્મ સાથે સંકળાયેલા છે. જે અનુભવોને ચાકડે ચડી, સંજોગોની ભઠ્ઠીમાં તપીને પાકા ઘડાંની જેમ તૈયાર થયા એ. પણ હા, એ ઘડો પણ હથોડી વાગે કે હાથમાંથી પડી જાય ત્યારે ફૂટી જાય તેમ સંબંધોમાં પણ કોઈ વાર તિરાડ પડે યા બટકી જાય. ખેર, તેનું નામ જિંદગી છે. સ્વીકાર્યે છૂટકો કરવાનો.

ચપ્પુની ધાર કાઢવાવાળો તો જતો રહ્યો. શિખા આનંદના અતિરેકમાં પેટ ભર જમીને મારા ખોળામાં સૂઈ ગઈ. જીવનની ધાર તેજીલી કરવાના વિચારોમાં હું ગરકાવ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational