Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Lalit Parikh

Drama Thriller Tragedy

3  

Lalit Parikh

Drama Thriller Tragedy

નિત્ય -અનિત્ય…

નિત્ય -અનિત્ય…

3 mins
15K



નિત્ય અને નિત્યા ખુશ ખુશ રહેનાર દંપતિ. પ્રસન્ન દામ્પત્ય. નિત્ય સફળ વકીલ તો હતો જ; પણ તેની યશસ્વી અને સ્વચ્છ કારકિર્દીએ તેને બઢતી અપાવી હાયકોર્ટનો જજ બનાવ્યો. હજી તો એ પચાસ વર્ષે પણ નહોતો પહોંચ્યો કે તેની યશ કલગીમાં એક મોટું રંગીન પીંછું ઉમેરાયું. તેને સુપ્રીમ કોર્ટનો જજ બનાવવામાં આવ્યો. તેનું પોતાના સમાજમાં, શહેરમાં જ નહિ, બલ્કે સમસ્ત પ્રાંતમાં પણ માન-સન્માન-બહુમાન થયું. પત્ની નિત્યાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેને યાદ આવ્યા પોતાના ધનના ઘમંડમાં ચૂર રહેનાર પિતાના તિરસ્કારભર્યા શબ્દો: ”આ કાળો કોટ પહેરી કોર્ટમાં આંટા મારનારો તારો આ બે કોડીનો પ્રેમી વકીલ તને કારમાં તો શું, સ્કૂટર પર પણ નહિ બેસાડી શકે. મારી વાત માની જા અને આપણી જ્ઞાતિના ધન- કુબેર જેવા ઉદ્યોગપતિ ઉદાણીના એકના એક પુત્ર ઉત્તુંગ સાથે પરણી જા. એ તને દેશ-વિદેશ ફેરવશે, વૈભવના ઉત્તુંગ શિખરોનો અનુભવ કરાવશે અને તને કાયમ હથેળીમાં રાખશે. તેને તું ગમી ગઈ છે એટલે આ સામેથી આવેલું માંગુ વધાવી લેવામાં જ તારો અને અમારો પણ જન્મારો સાર્થક થઇ જશે.”

પરંતુ નિત્ય માટે નાનપણથી પ્રેમભાવમાં ડૂબેલીડૂબેલી રહેતી રૂપાળી નિત્યાએ ધનવાન કરતા મનવાન એવા નિત્ય સાથે જ ભાગીને લગ્ન કરી લઇ પોતાના સાચા-ઊંડા પ્રેમને વિજયી બનાવ્યો. નિત્યને પણ માબાપનું પુષ્કળ દબાણ રહ્યું કે તે અમેરિકાથી આવેલી વકીલ કન્યા સાથે પરણી જઈ ડોલરિયા દેશમાં પહોંચી તેનો તેમ જ તેમનો કાયમી ઉદ્ધાર કરે.”

પરંતુ નિત્ય તો નિત્યા માટે પ્રેમ-સમર્પિત હોવાથી ઘરથી ભાગીને કોર્ટ મેરેજ કરી એક રૂમ -રસોડાના ભાડાના ઘરમાં સંઘર્ષમય જીવન શરૂ કરવા કટિબદ્ધ થઇ ગયો. નિત્યાના માતા-પિતાએ પણ અંતે પોતાનું મન જેમ તેમ મનાવી નિત્યા અને નિત્યને દીકરી-જમાઈ તરીકે સ્વીકારી લીધા, અપનાવી લીધા અને તેમને ફર્નિશ્ડ ફ્લેટ, કાર ઈત્યાદિ આપવાની ઓફર હોંસે હોંસે કરી. પણ સ્વાભિમાની અને અણહકનું અગ્રાહ્ય સમજી, પોતાના ભાડાના નાનકડા ઘરમાં જ, સુખ, શાંતિ અને આનંદનો સતત અનુભવ કરવામાં જ, પોતાનું નિત્ય હિત અને સુખ માન્યું. સંઘર્ષ અને સ્ટ્રેસના કારણે નિત્ય સિગરેટ પીતો થઇ ગયો અને એક વાર વળગે એ વ્યસન તો વ્યાસ મુનિ કહે છે તેમ તેના એક ગુણ-પદાર્થને જ સિદ્ધ કરીને રહે -ચોંટે તે એવું ચોંટે કે ઉખડવાનું નામ જ ન લે.

તેમને એક લક્ષ્મી જેવી પુત્રી પણ જન્મી, જેનું નામ તેમણે અનિત્યા રાખ્યું. પેસિવ સ્મોકિંગ નવજાત પુત્રી માટે હાનિકારક હોય એ વાત સમજાવી સમજાવી નિત્યા થાકી ગઈ, પણ નિત્ય પોતાના આ નિત્યવ્યસનના વળગાડથી મુક્ત ન થઇ શક્યો તે ન જ થઇ શક્યો એક રૂપિયાની રોજની ભાડાની સાયકલ પર કોર્ટ જનારો પ્રેમી અને ખૂબ જ કર્મઠ પતિ એક દિવસ સુપ્રીમ કોર્ટનો જજ બનશે, એ તો નિત્યાએ સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું. હવે તો સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમને દિલ્લીમાં મોટો વેલ-ફર્નિશ્ડ સરકારી બંગલો મળ્યો અને મોટી થઇ ગયેલી અનિત્યા પણ હવે તો દિલ્લીની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી કરતી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓન્કોલોજીનો -કેન્સર સંબંધી ભણતરનો અભ્યાસ કરવા લાગી ગઈ. તે પણ પિતા નિત્યના સિગરેટ પીવાના વ્યસન બની ગયેલા એડિક્શનથી તેમને છુટકારો ન અપાવી શકી તે ન જ અપાવી શકી.

સરસ મઝાનું સુખ -શાંતિભર્યું જીવન જીવતા જીવતા આ ત્રણેય મહાસુખી જીવો સ્વર્ગીય આનંદના મહાસાગરમાં મહાલતા હતા, ત્યાં કોણ જાણે ક્યાંથી અણધારી સાડાસાતી આવી ગઈ અને અનિત્યાને સતત એકધારો હાય ફીવર આવવા લાગ્યો. બ્લડ ટેસ્ટ કરાવતા એ પોતે તો ચોંકી જ; એના માતા- પિતાને તો ધ્રાસકો લાગ્યો-આઘાત લાગ્યો અને બનતા બેસ્ટ ઉપાયો કરવા છતાંય અનિત્યા ન બચી તે ન જ બચી, કારણ કે તેને બ્લડ કેન્સર થઇ ગયેલું, જેમાં જીવનદોરી ઝડપથી ખતમ થઇ જાય. પિતા નિત્ય પોતાને ગુનેગાર માનતો થઇ ગયો, કારણ કે પેસિવ સ્મોકિંગે જ તેની લાડલી ડોક્ટર- પુત્રીનો પ્રાણ હર્યો”.

નિત્યાએ મન મનાવ્યું કે “જીવન અનિત્ય હોય છે અને મૃત્યુ કોઈનો પણ મલાયજો નથી રાખતું-ડોકટરોનો ય નહિ. જેવી ભગવાનની મરજી.” નિત્યને પણ નિત્યાએ ભરપૂર સાંત્વના આપી શાંત-સમાહિત કર્યો.

“સિદ્ધિ-પ્રસિદ્ધિ, યશ-કીર્તિ, ધન-વૈભવ, સ્વાસ્થ્ય- તંદુરસ્તી, રૂપ-જુવાની, જીવન-મૃત્યુ બધું જ અનિત્ય છે અને આપણી અનિત્યા આ શાશ્વત કુદરતના કર્મ-કાનૂનનો ભોગ બની છે, તો હવે તેની યાદમાં ‘કેન્સર – કોન્શ્યસ- કેન્દ્ર અને વ્યસન- મુક્તિ- કેન્દ્ર’ ખોલી-ખોલાવી, આપણા મહેનતથી કમાયેલા ધનની શુદ્ધિ અને મૃતાત્માની સદગતિ કરીએ.” એવું કહી નિત્યાએ નિત્યના મસ્તક પર હાથ ફેરવતા તેના પસ્તાવાના અશ્રુપ્રવાહને ખાળવાનો પ્રયાસ કર્યો.

આંખના આંસૂ કદાચ રોકાય; પણ આળા થઇ ગયેલા હૈયાની અશ્રુધારા તો લુપ્ત સરસ્વતી નદીની જેમ ભીતર ને ભીતર વહેતી જ રહી -વહેતી જ રહી.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama