Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Children Classics

3  

Mariyam Dhupli

Inspirational Children Classics

મુખ્ય મંત્રી (બાળ વાર્તા )

મુખ્ય મંત્રી (બાળ વાર્તા )

5 mins
13.5K


ઘણાં વર્ષો પહેલાની વાત છે. કુબેર રાજ્યમાં રાજા મહંત રાજ્ય કરતા હતા. રાજા ખૂબજ પ્રજાપ્રેમી, દયાળુ અને નમ્ર હતા. રાજા મહંત દૂર દૂરના રાજ્યોમાં પોતાની ન્યાય પસંદગી ને ઉદાર સ્વાભાવ માટે પ્રખ્યાત હતા. પોતાના રાજ્યના દરેક નાગરીકની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને એમની સમસ્યાઓને ઉકેલવા તેઓ સદા તત્પર રહેતા. રાજ્યના નાગરિકોના જીવન વિકાસથીજ રાજ્યનો વિકાસ શક્ય બને, એજ એમનો સાશન મંત્ર હતો. 

રાજા મહંતને પોતાનું સાશન યોગ્ય રીતે ચલાવવામાં એમના દરબારી મંત્રીઓ પોતપોતાની રીતે અમૂલ્ય યોગદાન આપતા. રાજા મહંત પણ રાજ્યના દરેક આર્થિક, સામાજિક અને રાજનૈતિક નિર્ણયો લેવા પહેલા પોતાના રાજ્ય મંત્રીઓ સાથે અચૂક ચર્ચા વિચારણા કરી, એમના મંતવ્યો ખુબજ ધ્યાનપૂર્વક સાંભળતા. ખાસ કરી એમના મુખ્ય મંત્રી કુબેરજી સાથે તેઓ રાજ્યની દરેક બાબતો અંગે વાર્તાલાપ કરતા. મુખ્ય મંત્રી કુબેરજી રાજા મહંતના પિતાજીના રાજ કાર્યભાર સમયથી રાજ્યને પોતાની સેવા આપતા આવી રહ્યા હતા. બે પેઢીના રાજ કાર્યભાર સાથે સેવાનો એ અનુભવ ફક્ત દરબારીઓના હૃદયમાં જ નહીં રાજા મહંતના હૃદયમાં પણ કુબેરજી માટે અનન્ય આદરને સન્માન સ્વરૂપમાં ઉપસ્થિત હતો. 

પણ હવે કુબેરજીની વધતી ઉંમર, શારીરિક અશક્તિ અને વારંવારની માંદગીઓ રાજા મહંત માટે મોટી ચિંતાનો વિષય બની રહી હતી. રાજ્યના કારભારની જવાબદારી નિભાવવામાં આ વડીલની દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવી મંતવ્યો અનન્ય મહત્વ ધરાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી કુબેરજી માંદગીમાં સપડાયા હતા. ઘરડી ઉંમર હવે ઔષધિનો સાથ આપી રહી ન હતી. રાજ વૈદ્ય પણ એમની પરિસ્થિતિમાં સુધાર અંગેની આશ છોડી ચુક્યા હતા. પોતાની પાસે હવે બહુ સમય રહ્યો નથી એ કુબેર જીની અનુભવી દ્રષ્ટિ કળી ચૂકી હતી. તેથી એમણે રાજા મહંતને મળવાની ઈચ્છા જાહેર કરી. એમની પ્રત્યેના માનને આદરની ભાવનાથી દોરાય રાજા મહંત શીઘ્ર એમને મળવા પહોંચી ગયા. મંત્રી કુબેરજીની પરિસ્થિતિ જોઈ રાજા મહંત ખૂબજ દુઃખી અને ચિંતિત થઇ ઉઠ્યા. પોતાની ચિંતા અને દુઃખ વ્યક્ત કરતા એમણે મુખ્ય મંત્રીને કહ્યું :

"કુબેર જી, આપની આ હાલત નિહાળી હું ખુબજ દુઃખી છું. આપના પછી આ રાજ્યને ફરી એવો ન્યાય પ્રિય અને પ્રામાણિક મુખ્ય મંત્રી ક્યાંથી મળશે?" 

રાજા મહંતની ઉદાસીનતાને ચિંતા નિહાળી મંત્રી કુબેર એમને આશ્વાસન આપવા લાગ્યા :

"જેવા રાજા એવી જ પ્રજા. આપના જેવા શુરવીર, પ્રેમાળ ને વિશાળ હૈયાં ધરાવનાર રાજાની પ્રજા પણ એટલીજ પરિપક્વ છે. મારા કરતાં પણ વધુ કુશળ અનેક મંત્રીઓ આપને મળી રહેશે એવી મને આશા છે."

પોતાના મનનું વિચાર મંથન રાજા મહંત મંત્રી કુબેરજી આગળ મૂકી રહ્યા :

"પરંતુ રાજ્ય કારભારની સૌથી મહત્વની ફરજ કોઈ પણ હાથમાં કઈ રીતે સોંપી દેવાય? આમ તો દરબારના બે મંત્રીઓ પ્રતાપ સિંહ અને દિગ્વિજય પસંદગીના વિકલ્પની યાદીમાં શ્રેષ્ઠ દ્રષ્ટિમાન થાય છે. પણ એ બન્ને પૈકી કોણ શ્રેષ્ઠ? આજ સુધી દરેક મહત્વના રાજનિર્ણયો માં આપનું માર્ગદર્શન જે રીતે સાર્થક નીવડતું રહ્યું છે, એજ પ્રમાણે આ સમસ્યાના નિવારણ માટે આપજ કોઈ પ્રયુક્તિ સુઝાવશો એવી આશા રાખું છું."

રાજા મહંતની મૂંઝવણ સાંભળી મંત્રી કુબેરજીએ પોતાના અનુભવી બુદ્ધિ ચાતુર્યથી, ખુબજ રહસ્યાત્મક શૈલીમાં ફક્ત રાજા મહંત જ સાંભળી શકે એ પ્રમાણે પોતાનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું.

એ માર્ગદર્શનને અનુસરી બીજેજ દિવસે રાજા મહંતે રાજ્યમાં ઢંઢેરો પિટાવી એક સ્પર્ધાની જાહેરાત કરાવી. મુખ્ય મંત્રીના પદ માટે પ્રતાપસિંહ અને દિગ્વિજય વચ્ચે એક દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેને અનુલક્ષી રાજદરબારથી બે વિરુદ્ધ દિશાઓમાં, સમાન અંતરે, વન્ય વિસ્તારની નજીક બે ધજાઓ ફરકાવવામાં આવી. પ્રતાપસિંહ અને દિગ્વિજયને એકબીજાથી વિરુદ્ધ દિશામાં પણ સમાન અંતરે ફરકાવાયેલ એ ધજાઓને વન્ય વિસ્તારમાંથી દોડતા લઇ આવી રાજદરબારમાં પરત થવાનો આદેશ આપવામાં આવ્યો. જે સૌ પ્રથમ ધજા લઇ રાજદરબારમાં પહોંચશે એજ રાજ્યનો નવો મુખ્ય મંત્રી !

સ્પર્ધા નિહાળવા આતુર રાજ્યના નાગરિકોથી રાજદરબાર છલોછલ હતો. રાજા મહંતનો આદેશ મળતાંજ પ્રતાપસિંહ અને દિગ્વિજયે પોતપોતાની દિશાઓ તરફ ડોટ મૂકી. સમગ્ર રાજદરબાર આતુરતા અને વિસ્મયથી સ્પર્ધાનું પરિણામ જાણવા ઉત્સુક હતું. રાજ્યનો નવો મુખ્ય મંત્રી કોણ બનશે? દોડ સ્પર્ધામાં કોની જીત થશે? દિગ્વિજય કે પ્રતાપ સિંહ? 

થોડાજ સમય પછી પ્રતાપસિંહ હાથમાં ધજા સાથે રાજદરબારમાં પહોંચી ગયા. આખું રાજદરબાર તાળીઓથી ગુંજી રહ્યું. નવા મુખ્યમંત્રીને શુભેચ્છઓ પાઠવવામાં આવી. પરંતુ રાજા મહંત મૌન પૂર્વક દિગ્વિજયની રાહ જોઈ રહ્યા. દરબારીઓના આશ્ચર્ય વચ્ચે ઘણાં સમયના તફાવતને અંતે દિગ્વિજય ધજા લઇ દરબારમાં પહોંચ્યા. રાજા મહંતે દિગ્વિજયને મોડું પડવાનું કારણ પૂછતાજ ડોકું નીચું નમાવી દિગ્વિજય પોતાની હાર નમ્રપણે સ્વીકારી રહ્યા :

"સ્પર્ધાના નિયમોનુસાર પ્રતાપસિંહ પ્રથમ આવી આ સ્પર્ધાના સ્પષ્ટ વિજેતા બને છે. કોઈ પણ કારણને હું મારા પરાજયનું બહાનું ન જ બનાવી શકું."

એજ સમયે બે યુવાનો રાજદરબારમાં પ્રવેશી રાજા મહંત આગળ ઊભા થયા. એમને નિહાળતાંજ પ્રતાપસિંહ અને દિગ્વિજય બન્ને ચોંકી ઊઠ્યા. કોઈ કાંઈ સમજે એ પહેલાં જ બન્ને યુવાનો રાજા મહંતના કાનમાં કોઈ ગુપ્ત જાણકારી આપી રહ્યા. એ સાંભળતાજ રાજા મહંતના ચ્હેરા પર ગર્વ યુક્ત હાસ્ય છવાઈ ગયું. રાજગાદી પરથી ઊભા થઇ એમણે વિજેતાની જાહેરાત કરી :

"આ સ્પર્ધામાં વિજયી બની દિગ્વિજય રાજ્યના નવા મુખ્ય મંત્રી નિયુક્ત થાય છે !"

આખું રાજદરબાર દંગ રહી ગયું. પ્રતાપસિંહ સ્પષ્ટપણે પ્રથમ ક્રમાંક મેળવ્યા છતાં દિગ્વિજયને નવા મુખ્ય મંત્રીનું પદ કઈ રીતે મળી ગયું? બધાની આંખોમાં ડોકાઈ રહેલ મૂંઝવણ ને આશ્ચર્યને દૂર કરતા રાજા મહંતે મંત્રી કુબેરજીની બુદ્ધિ કૌશલ્યનું રહસ્ય ખોલ્યું :

"પ્રતાપસિંહ અને દિગ્વિજયની દોડ સ્પર્ધા વાસ્તવમાં એમના હૃદયમાં વસેલી માનવતાની પરખ કસોટી હતી. મારી સામે આવી ઈભેલ આ બન્ને વ્યક્તિઓ પહેલેથીજ એમના માર્ગમાં છુપાઈ બેઠી હતી. એમને આપવામાં આવેલ આદેશ અનુસાર ઈજાગ્રસ્ત હોવાનો ઢોંગ રચી મદદની પુકાર કરી રહી હતી. દોડ સ્પર્ધા જીતવાની લાલચમાં પ્રતાપસિંહ મદદની એ પુકારને અવગણી, પોતાની ધજા લઇ સીધા રાજદરબાર પહોંચી ગયા. જયારે દિગ્વિજયે પોતાની હારના ડરે એ ઈજાગ્રસ્ત વ્યક્તિને ન અવગણતા, બધુંજ પડતું મૂકી પોતાના માનવધર્મને અગ્રતાક્રમ આપી, એક અજાણી વ્યક્તિને મદદ કરી વૈદ્ય પાસે પહોંચાડી. માનવતાની સેવા એજ માનવીનો પરમ ધર્મ. જે પોતાના સ્વાર્થ ખાતર અન્યના દુઃખને અવગણે એ મારા રાજ્યનો સેવક ન જ બની શકે !"

રાજા મહંતના શબ્દોથી પ્રતાપસિંહની દ્રષ્ટિ શરમથી ઝૂકી ગઈ. દિગ્વિજયની આંખોમાં સંતોષની લહેર ફેલાય ગઈ. આખરે જે અન્યના દુઃખને સમજે, એ કદી દુઃખી કે નિષ્ફ્ળ ન જ થાય ! માનવસેવા એજ એકમાત્ર ધર્મ ને કર્તવ્ય! રાજા મહંતે દિગ્વિજયને મોટા ઇનામથી નવાજ્યા અને એમને રાજ્યના નવા મુખ્ય મંત્રીનું પદ ગર્વપૂર્વક સોંપ્યું. રાજા મહંત જાતે એમને મંત્રી કુબેરના આશીર્વાદ અપાવવા લઇ ગયા. સાચેજ, જે સ્વાર્થ ત્યાગી કર્તવ્યને સ્વીકારે એજ સાચી માનવતાની ઓળખ...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational