Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Comedy Children

2.7  

Vijay Shah

Inspirational Comedy Children

તારો અધિકાર - સબ સલામત

તારો અધિકાર - સબ સલામત

6 mins
14.3K


૭ વર્ષનો નાનકો પર્યુષણનાં પહેલા દિવસે નાના બીલાડીનાં બચ્ચાને કરુણાભાવે ઘરમાં લઇ આવ્યો. અને દાદા ખીજવાયા, “બેટા આવા મોટા દહાડે ક્યાં તું આ બીલાડીનાં બચ્ચાને ઘેર લઇ આવ્યો?”

“દાદા જુઓને કેવું ક્યૂટ છે?”

“અરે! કાળાં બીલાડાં તો વળી ક્યુટ હોતા હશે? આડું ઉતરે તો પણ અપશુકન થાય!”

“દાદા બીચારું હજી નાનું છે. બહાર રાખીશું તો કચડાઇ જશે.”

“બેટા બીલાડીની મા તેને શોધશે. અને બીલાડા તો નવ ઘર બદલે ત્યારે તેમનાં બચ્ચા ઉછરે.”

“દાદા એને બેક યાર્ડમાં આજની રાત મૂકી રાખું? એને ખાવાનું અને દૂધ આપું? એને જીવદયા કહેવાય ને?”

“હા પણ આપણાથી તેની માથી છૂટું ના પડાય. પાપ લાગે અને પાછો મોટો દિવસ.”

નાનકાની મમ્મી સાંજે કામેથી આવી અને દીકરાએ બીલાડીનાં બચ્ચાની વાત કરી. તો તે પણ નાન્કાની ખુશીને જોતા બોલી, “કેવું ક્યુટ છે એની આંખો તો જો! બ્લ્યુ કાચ જેવી છે.” મમ્મીનો હકારાત્મક ટેકો જોતા નાનીયો રાજી રાજી.

“મોમ એનું નામ બ્લ્યુ રાખીયે?”

દાદા કચવાતા મને બોલ્યા, “કાળા કલાડા જેવાનું નામ તે કંઇ બ્લ્યુ હોય?”

દાદી કહે, “હવે નાનકાને ગમે છે તો ભલે આજની રાત રહ્યું.”

રાતનાં બાર વાગે દાદી ઊઠીને બ્લ્યુને ખુરશીમાં મૂકી ચાદર ઓઢાડીને આવ્યાં અને કહે મ્યાઉ મ્યાઉ કરીને રડતું હતું ને મને બોલાવતું હતું… મારો જીવ ના રહ્યો... એને ટાઢ વાતી હશે…

દસ પંદર મીનીટે ફરી પાછું મ્યાઉં મ્યાઉં ચાલુ થયું એટલે દીકરાની વહુ ઊઠી, “બા આ તો બહુ રડે છે... એને બ્રેડ અને દૂધ આપું?”

“અલી તેને ખાવાનુ આપેલું છે. જરા મન કઠણ કરીને સુઇ જાવ. કાલે નોકરીએ નથી જવાનું?” દાદાએ ઘાંટો પાડ્યો એટલે ગુસપુસ જરા શાંત થઇ. વહેલી સવારે ત્રણ વાગે મ્યાઉં મ્યાઉં જરા મોટે અવાજે બાથરુમમાંથી સંભાળાયું એટલે દાદા કહે, “આ બીલાડાનાં બચ્ચાને ઘરમાં કોણ લાવ્યું?”

નાનકો બોલ્યો, “દાદા એને કોઇ બીજું બીલાડું કનડતું હતું એટલે હું અને મમ્મી તેને ઘરમાં લઇ આવ્યાં.”

દાદા હવે તો બરોબર ખીજવાયા, “અલ્યા અક્કલનાં બુઠ્ઠા! તમને બીલાડું કહેવા આવે છે કે તેને શું થાય છે? અને ઘરમાં આવે હજી ૧૫ કલાકે ય નથી થયા અને તમે જાણે તમારું ઘરનું બાળક હોય તેમ કાળજી લેવા માંડ્યા? તમને ખબર છે કે જે બીજું બીલાડું હતું તે તેની મા તેને શોધતા નહીં આવી હોય? આ તમે શું કરી નાખ્યુ?’

દાદી બોલી, “હેં?”

દાદા ફરીથી ખીજવાતા બોલ્યા, “નાના બીલાડાનાં બચ્ચાને બેક્યાર્ડમાંથી ઘરમાં લાવવાની શું જરુર?”

“મને તો મારું બચ્ચું હોય તેવું વહાલ આવે છે.” દાદી બોલ્યાં.

“સારું, ભડ ભાંખળે પાછું તેને બહાર મુકી દેજો? એ માણસનું બચ્ચુ નથી કે તે રડે અને તમને દયા આવે..”

નાનકાની મા બોલી, “દાદા તેને રહેવા દો ને? આપણે એક પ્રાણીને પાળી શકીશું.”

“બેટા ખબર છે મુંગાજીવોને આપણે આપણાં કરીને રુમમાં પુરીએ તો તેના નિઃસાસા લાગે. એ મ્યાઉં કહીને જે બોલે છે તેનો તમે ત્રણેય જણાં ભાવતાં અર્થ ના કાઢો સમજ્યા!”

દાદાના ધમપછાડા સાંભળતો દીકરો તેના બેડરુમમાંથી નીચે આવીને ભડભાંખળાની યે રાહ જોયા વિના બીલાડાનાં બચ્ચને બહાર મૂકી આવ્યો. અને નાનકાની માને કહે, “તું પણ સુઇ જા અને બા તમે પણ શું દાદાની ના ઉપરવટ જાવ છો?”

પર્યુષણનાં તપ જપ વ્યાખ્યાન બાજુમાં રહી ગયાં અને બીલાડાના બચ્ચાંની જીવદયા અને અનુકંપાનાં નામે સાર સંભાળ લેવાતી જોઇને દાદાએ વાર્તા કહી.

“એક જમાનામાં ઊભો મોલ બળદ ખાઇ જતા હતા તેથી આદીશ્વર ભગવાને ખેડુતોને બળદનાં મોઢે દોરડાનું નિયાણું બંધાવતા શીખવ્યું. પેલા મુંગા જીવો અનાજ ખાઇ ના શકતા નિઃસાસા નાખતા હતા. તે જેટલા નિઃસાસા પડ્યા તેટલા નકોરડા ઉપવાસ આદેશ્વર દાદાને કરવા પડ્યા. ધરમ કરતા ધાડ ના પડે તેથી કહું છું જરા વહેવારમાં રહો એ મ્યાઉ કરે એટલે તેની માને બોલાવે છે તમને નહીં.”

ત્યાંતો બાજુવાળા લીસાબેન બેલ મારીને કહે, “તમે બીલાડી રાખી છે? આખી રાત મ્યાઉં મ્યાઉં કરીને રડતી હતી. અને મારો ટોમી પણ તેને લીધે ભસતો હતો. લો આ કેટ ફુડ અને દૂધ છે તેને આપજો શાંત થશે.”

દાદાએ ઘસીને ના પાડી દીધી છતાં નાનકો અને તેની મા તેને તે ફૂડ આપી આવ્યા.

હવે દાદા ખરેખરા ગુસ્સે થયા.. “કેટ ફૂડમાં મીટ હશે તો? કેટલું મોટું પાપ સપ્પરમાં દહાડે કરો છો?”

નાન્કાની મા કહે, “ના વેજીટેરીયન ખાવાનું છે. અને મેં મારી એક મિત્રને વાત કરી છે તે કહે છે એનીમલ શેલ્ટરમાં મૂકી આવો કે ફોન કરો તે લોકો લઇ જશે.”

નાન્કો આ સાંભળીને રડવા લાગ્યો. “મોંમ મને બ્લ્યુ જોઇએ છે. હું મારા ભાગનું દૂધ તેને આપીશ પણ બ્લ્યુને નહીં જવા દઉં.” નાનકાની સાથે તેની મા અને દાદી પણ રડવા જેવાં થઇ ગયાં.

દીકરો નવી વાત લાવ્યો. “બીલાડાને ઘરમાં રાખવું હોય તો તેને ટ્રૈન કરવું પડે અને તે ટ્રૈનીંગમાં લઈ જવા રોજનાં બે કલાક કાઢવાનો સમય કોની પાસે છે? નો વે દાદા ના કહે છે તે બધા કારણો વ્યાજબી છે અબોલ જીવોનાં નિસાસા ના લેવાય... નો બ્લ્યુ ઓર બ્લેક... બેક્યાર્ડનું ડોર ખોલી નાખો અને ખબરદાર કોઇ તેને લાડ લઢાવવા ગયુ છે તો?”તે મ્યાઉં મ્યાઉં કરે એટલે ઘરમાં પણ નહીં લાવવાનું.”

બાએ ફણફણતો નિસાસો નાખતાં કહ્યું, “અલી વહુ! આ બાપ અને દીકરો એક થયા એટલે હવે કોઇનું કશું નહીં ચાલે. મને એમ કે નાનકાને એક રમકડું મળ્યું. પણ આ રમકડું નખ પણ મારે તો દાદજીને તો રામાયણ થઇ જાય. તેમને તો ડાયાબિટિસ છે.”

ત્યાં શેલ્ટરમાંથી ફોન આવ્યો. શેલ્ટર હંમણાં ખાલી નથી એટલે ગુરુવાર પછી વાત. દીકરાની વહુએ થોડા વધુ પ્રશ્ન પૂછ્યા અને જાણવા મળ્યું કે શેલ્ટરમાં અઠવાડિયું રાખે અને કોઇ ના લઈ જાય તો તે પ્રાણીઓને સ્લોટર હાઉસમાં મોકલે અને મારી નાખે.

આટલું સાંભળીને નાનકાની મા અને દાદી બેઉ રડવા માંડ્યાં.

દાદા સામાયિક પાડીને ઉઠ્યા અને બોલ્યા. “તમે લોકો સંવેદન શીલ છો અને તેથી જ અક્કલબુઠા કહ્યાં હતાં. ઉપરવાળાએ દરેક્નું આયુષ્ય નિર્ધારીત કરેલું જ હોય છે. એનું આયુષ્ય હશે તો કોઇ તેને લઇ જશે નહીં હોય તો આપણે શું કરી શકવાના?”

પેલું બચ્ચુ જાણે બધી વાત સમજતું હોય તેમ મ્યાઉં મ્યાઉં કરીને હાજરી પુરાવતું હતું.

નાનકો તેને ખાવાનું આપતો હતો. નાન્કાનો પપ્પો અને દાદો જાણે ઘરની છોકરી વળાવવાની હોય તેમ યુદ્ધના ધોરણે તેમના મિત્ર વર્તુળમાં, “કોઇને બીલાડી જોઇતી હોયતો?” તેમ પૂછતા હતા.

દાદીમા અને નાન્કાની મમ્મી કહે, “હશે.. આપણી પાસે જેટલું માંગતું લહેણું હશે તેટલું પૂરું કરીને જશે. હંમણાં તો આપણી પાસે છે ત્યાં સુધી તો તેને જાળવો અને રમાડો.”

તે રાત્રે બ્લ્યુનું ખાવાનું બીજો સફેદ અને બદામી એમ બે બીલાડા આવીને ખાઇ ગયા અને તેમના ભયથી આખી રાત મ્યાઉં મ્યાઉં કરતા તે બચ્ચાને ફરી ખાવાનું આપ્યું અને બાથરુમમાં ફરી પૂર્યુ. દાદા ખીજવાતા કહે, “મને પાપમાં શું કામ નાખો છો? તે બચ્ચું મ્યાઉં મ્યાઉં કરીને તેની માને બોલાવે છે અને તેને ઘરમાં પૂરીને તમે માના અને બચ્ચાનાં નિઃસાસા લો છો.”

નાનકો કહે “ના. દાદા આ તો સાચી જીવદયા છે આપણાં પર્યુષણ સુધરી ગયાં.”

નાનકાની મા કહે, “આપણે બેક્યાર્ડ ખુલ્લું રાખ્યું છે તેને જવાની પૂરતી સુવિધા આપી છે છતાં તે જતું નથી તો શું કરવાનું?”

નાનકાની માનો ત્રીજે દિવસે કામ પરથી ફોન આવ્યો. તેણે નોકરીમાં કામ કરતી તેની કો-વર્કરને વાત કરી તેની પાસે બે કેટ તો છે અને ત્રીજીને પણ તે રાખશે વાળો શુભ સંદેશ આવ્યો ત્યારે દાદા અને દીકરો ખુશ પણ નાનકો અને તેની મા અને દાદી દુઃખી થઇ ગયાં.

સાત દિવસ અમારે ત્યાં સારી સરભરા પામીને દીકરાની વહુએ તેને જ્યારે વળાવી ત્યારે દીકરી વળાવતી મા જેમ રડે તેમ અશ્રુધારા સાથે તેની વિદાય થઇ. જો કે એક વાતની શાંતિ હતી કે તેને ઘર સારું મળ્યું અને ઇચ્છા થશે ત્યારે તેને જોઇ શકાશે.

નાનકો નિશાળેથી આવ્યો ત્યારે દાદીને આશ્વાસન આપતા તે કહે, “દાદી બ્લ્યુ ગઇ તો ગઈ. હું તો છુંને? મને બ્લ્યુ ગમતી તો હતી પણ મારા ભાગનું હેત તમે તેને આપી દેતા હતા તે મને ગમતું નહોતું.”

દાદા અને દાદી બંને નાન્કાની કાલી કાલી જુબાનનો અધિકાર સાંભળીને હસી પડ્યા. અને વહાલથી તેને ખોળામાં લપાવતા દાદી બોલ્યા.. ના બેટા તારો અધિકાર.. સબ સલામત છે હં કે...!”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational