Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

જૂદા કેડા

જૂદા કેડા

6 mins
7.4K


"આજથી પાંચસેક વરસ પહેલાં, ગીરની ગટાટોપ ગીચ ઝાડી વચ્ચે થઇને પાંચ જીવનો એક પરિવાર પ્રભાતના પહેલા પહોરે ઉતાવળે પગલે ચાલ્યો જતો હતો. એક પોઠિયો, એક ભેંસ, ભેંસ હેઠળ એક પીંગલા રંગની નાનકડી પાડી, એક આદમી ને એક ઓરત.

પોઠિયાની પીઠ ઉપર થોડી ઘરવખરી લાદી હતી. એક ત્રાંબાની મોટી ગોળી પોતાનું ચળકતું મોં કાઢતી હતી, તેની આસપાસ કાળા રંગના ઝગારા કરતાં માટીનાં નાનાં મોટાં ઠામડાં હતાં. એક લૂગડાંની બચકી, ચાર નવી જૂની ધડકી અને એક ઘંટી હતી. આ બધાં પણ કુટુંબી કબીઓલાને શોભે તે રીતે સામટાં ખડકાઇને વહે જતાં હોતાં. ભીડાભીડ સામે કોઇ ફરિયાદ કે બૂમ બરાડ કરતાં નહોતાં. સૌને માથે એક કાથીના વાણે ભરેલો ખાટલો હતો.

ભેંસને નાની પાડી રસ્તે ધાવતી આવતી હતી. નાની શીંગડીવાળો પોઠિયો ખાલી પીઠ વાળી ભારવિહોણી ભેંસ સામે કોઇ કોઇ વાર કતરાતો હતો. પણ ભેંસની આંખો જાણે એને જવાબ વાળતી હતી કે "જોતો નથી? મારો ભાર મારાં અધમણીયાં આઉમાં છે. પીઠ માથે ઉપાડવું સ્હેલ છે, પેટે તોળીને બોજ ખેંચવો બહુ વસમો છે.

અમારો તો જનેતાનો અવતાર : 'વેઠીએ છીએ ભાઈ મારા ! તારી પીઠ તો હમણાં જ ઘેર પહોંચતાં હળવી ફૂલ થશે. પણ હું જનેતા ! આઉના ભારને એક ઘડીયે ઉતારી આઘો મૂકી શકીશ ભાઇ?"

સમજુ પોઠિયો કતરાવું છોડીને વાગોળવ લાગતો.

અવાચક આ પ્રાણીઓ જ્યારે મૂંગા મૂંગા પણ વાણીવ્યવહાર કર્યે જતાં હતાં, ત્યારે જીભ અને હૈયાં જેને ભગવાને બોલવા કાજે જ દીધાં છે તે આ બે માનવીઓની જ મુસાફરી કાં બેતાલ ચાલી રહી હતી? માવતરનો સાથ સંસારમાં પહેલીજ વાર છોડાવીને જેને પુરુષ પોતાના અજાણ્યા સંસારમાં લઇ જતો હોય છે તે સ્ત્રીને પંથમાં જ પોતાની સાથે હેળવી લેવાની વણશીખવી આવડત એ પ્રભુનું મહાન દાન છે. પણ આ જુવાનને એ આવડત વાપરવાની જાણે વેળા જ નહોતી. એ તો પોતાની ફરશીથી રસ્તાંના ઝાડ કાપ્યે જતો હતો. બેશક, ઝાડીની કાંટાળી લાંબી ડાળીઓ ઓરતાના ઓઢણાંને - લાગ જડી જાય તો ગાલને પણ - જ્યારે જ્યારે ઉઝરડા કરતી હતી ત્યારે એ પાછો ફરીને મીઠાશથી ડાળખી કાઢી દેતો હતો. પણ બહુ બોલ્યા વગર. કોઇ ગઝબ ઉતાવળ હોય તેમ. એ આગળ આગળ ચાલતો આદમી એની ડાંગથી કાંટાળી ડાળીઓને એક કોર દબાવી દબાવી ઓરતનાં લૂગડાંને ને અંગને મારગ કરી આપતો.

"હળવો-હળવો-જરા સથરો હાલને ચારણ!" બાઇએ હસીને કહ્યું : "આમ રઘવાયો થેને કાં હાલતો હઇશ?"

આ બોલ બતાવે છે કે પાંચ જણાંના કબીલામાં જે બે માનવી હતાં તે ચારણ ને ચારણી હતાં. તેમનો પોશાક લેબાસ જોઇને પણ આપણે વરતી શકત કે બેઉ જણાં દેવીનાં બાળ હતાં. નજરે નિહાળીએ તો ઓળખી કાઢીએ કે બેય મનુષ્યો દૂધનાં ઝાડવાં હતાં. કેમકે રંગો બેઉના રતાશ પડતા ઘઉંવરણા હતા.

પોતાના પગમાં આટલી ઉતાવળ હોવાનું કારણ તો ચારાણે કબૂલ કર્યું નહિ. પણ એ ઝડપ પ્રેમીજનોમાં હોય છે તે કરતાં જુદી જ જાતની હતી. જવાબ દેવાનો ય જાણે એને સમય ન હતો.

પોતાને ખભેથી ફરસી લઇને ચારણ એ ઘાટી વનરાઇનાં ઝરડાં પર ઘા પછી ઘા કરતો જતો હતો.

"પણ આ વસમાણ શીદ વેઠવી ચારણ?" બાઇએ ફરીવાર કહ્યું 'આપણે ગાડા-મારગે કાં હાલ્યાં નૈ? આ પોઠિયો ને ભેંસ પણ ઊઝરડાતાં આવે છે. આ પાડીનું ય મોં લોહીલોહાણ થતું આવે છે."

"હમણાં પાધરે મારગે ચડી જાશું, ચારણ્ય! હમણાં - હવે લાંબું છેટું નથી." એટલો જ જવાબ દેતો દેતો ચારણ ફરસીના ઘાયે ઘાયે વનરાઇના આડા ફરતા હાથને છેદતો ગયો.

ઝાડી પાંખી થઇ. કાંઇક ઉઘાડી જમીન આવી. એક ઘોરી મારગ દરિયાદી દિશાએ ચાલ્યો જતો હતો. તો પણ કેડાને વટાવીને ચારણ વનરાઇના ગૂંચવાએલા મારગ તરફ આગળ વધ્યો.

ફરીવાર જુવાન ચારણી એને ઠપકો દેવા લાગી. "ભણું ચારણ, આપણા નેસ તો આમ દરિયાદી દૃશ્યે છે. મું હજી હમણાં જ આપણો ગળ ખવાણો તે પછેં આવી'તી. મું ને બરોબર ઇયાદ છે ચારણ - તું ભાનભુલો કાં થે ગીયો? અટાણના પોરમાં લીલાં ઝાડવાંનો ઠાલો સોથ કાં વાળવા માંડ્યો? વનરાને વિના કારણ વાઢીએં નહિ."

"આમ ઢુંકડું છે ઢુકડું ચારણ્ય, હાલે આવ તું તારે."

એવા ત્રૂટક બોલ બોલતો ચારણ આગળ ને આગળ વધતો હતો.

ચારણી ધોરી મારગને ઓળંગી સામે ભેડે ચડી તે વખતે જ દરિયાદી દિશામાંથી બે ગાડાંનો ખખડાટ થયો. ચારણી ઊભી રહી. આદમી બૂમો પાડતો રહ્યો કે "હાલો, હવે ઝટ આમ હાલો." પણ ચારણી ખસી નહિ.

ગાડાં નીકળ્યાં, ચારણી ગાડાખેડુને પૂછે તે પહેલાં તો ગાડા ખેડુની વાતો એને કાને પડી.

"અભાગ્ય લાગી તે ઊના દેલવાડાને પાદરેથી નીકળ્યા આપણે કોણ જાણે કેટલી રાત્યું લગણ નજર સામે ને સામે તર્યા કરશે લોહી."

"શેની વાત કરો છો ભાઇ?" ચારણ્યે પૂછ્યું.

"ત્રાગાની."

"કોનું ત્રાગું ? કેવાનું ત્રાગું? કિસેં?"

"ઊનાના દેલવાડાને પાદર, સેંકડું મોઢે ભાટ ભેગા થયા છે, રાજાની સામાં ત્રાગાં માંડ્યાં છે. પણ ઈ તો અકેકારના ત્રાગાં મારી માવડી! કૂણાં કૂણાં છોકરાંના ત્રાગાં."

"ઊભા રો' ઊભા રો !" ચારણીએ રસ્તા આડી ઊભીને ગાડાંને રોક્યાં.

"હવે આમ હાલ્ય, હાલ્ય, વેળા થે ગઇ, હાલ્ય, ચારણ્ય." આઘે ઊભેલો ચારણ હાકલા કરે છે.

સામે જ ઊભેલી ઝાડીમાં બે પાંચ લક્કડખોદ પંખી ઠબ! ઠબ ! ઠબ! લાકડાં પર ચાંચો ટોચે છે. અને લેલાં પક્ષીઓના ઘેરા વળીને એકબીજાંને સામસામાં કોણ જાણે કયા અપરાધનો ઠપકો આપી રહ્યાં છે કે તેં-તેં-તેં-તેં-તેં.

ચારણના સાદને અવગણતી એ સ્ત્રી એ ગાડાખેડુઓ પાસેથી વાત કઢાવે છે. ઊના દેલવાડાનો રાજા વીજલ વાજો એક ભાટની બાયડીને રંગમોલમાં ઉપાડી ગયો છે, તેની સામું તમામ ભાટોએ ત્રાગું માંડ્યું છે, આજ બે દિ' થઈ ગયા.

"ને છોકરાં ચડાવે છે?"

"હા આઈ, ભલકાં ખોડ્યાં છે, માથે છોકરાં હીલોળીને ચડાવે છે. એનાં લોહી ગામના બીડેલા દરવાજા માથે છાંટે છે. ભલાં થઇને મારગ છાંડો મતાજી, અમારાથી એ વાત વર્ણવાતી નથી."

"જાવ વીર."

"ગાડાં રસ્તે પડ્યાં. ચારણીએ ધણીને પાછો બોલાવ્યો. પોઠિયો ને ભેંસ એટલી વાર જમીનમાં મોં નાખીને સૂકા ઘાસની સળીઓ ચાટતાં રહ્યાં. પાડી ભેંસનાં આંચળમાં માથાં મારતી કૂદતી હતી.

"ચારણ !" ઓરતનો ચહેરો બદલી ગયો હતો. "આપણો નેસ તો ઊના દેલવાડાની ઉપરવાડે ના?"

"હા."

"ઊના દેલવાડા તો આ દરિયાદી દૃશ્યે રીયાં, ને તું આટલા ફેરમાં કેમ અમુંને લઇ જા છ?"

ચારણ ચૂપ રહ્યો.

"ઊના દેલવાડાને દરવાજે ત્રાગું મંડાણું છે એની ચોરીએ કે?"

ચારણ ન બોલ્યો.

"આપણથી આમ તરીને નો જવાય ચારણ."

ચારણનું મોં વીલું પડ્યું.

"આપણે ચોર ઠરીએં, જોગમાયાનાં ચોર : નવલાખ લોબાડીયાળીયું ના ચોર."

"ઠ......ક ! ઠ......ક ! ઠ......ક !" લક્કડખોદના ચાંચ-ટોચા.

"આપણે ય ત્રાગાળું વરણ. ત્રાગું થાતું સાંભળીને કેડો ન તારવાય. હા, ઇ દૃશ્યે આપણો મારગ જ ન હત તો તો ઠીક હૂતું"

"મુંને ખબર પડી ગઇ'તી ચારણ્ય ! માટે જ હું ફેરમાં હાલતો હતો."

"ને એટલા માટે જ તું ઉતાવળો થાતો'તો, ખરૂં ચારણ?"

"થાવાનું હતું તે થે ગીયું. હવે હાલો."

"હાલો. આમ ઊનાને કેડે."

"જાણી બુઝીને?"

"અજાણ્યાં હોત તો અફસોસ નો'તો. જાણ્યા પછેં કાંઇ આપણથી મારગ છંડાય? આપણે ચારણ. ત્રાગાળું વરણ."

"ચારણ્ય, આવી હાંસી?"

"હસતી નથી. હું હૈયાની વાત ભણું છું."

"આંઈ જો." ચારણે બે હાથ જોડ્યા. "મારો અપરાધ થયો. પણ હવે લાહ આમની. હું પગે પડું છું."

"કાલો થા મા, ને આમનો હાલ્ય."

મોં હસતું રાખવા મથતા ચારણે ઓરતની પાસે જઈને હાથ ઝાલવા પોતાનો રૂપાના વેઢાવાળો પંજો લંબાવ્યો.

"અડાય નૈ, ચારણ, હવે અડાય નૈ. છેટું પડે છે."

ચારણ ખસીયાણે મોંયે પોઠિયાની ને ભેંસની સામે જુવે છે. જાણે કહે છે કે તમે તો કોઈ મનાવો.

"હિંમત નથી હાલતી ને માટી!" ચારણીનું મોં સ્હેજ મલક્યું.

"સાચું ભણ્યું-જોગમાયા સાક્ષી-મારૂં દલ ડરે ગૂં છે ચારણ્ય."

"પે'લુ વેલુકી મને ઘરે તેડી જાછ એથી જ ને?"

"એથી જ. હજી હસીને બે વાતું ય નથી કરી." ચારણનું મોં રાંકડું બનતું હતું.

"તારી અણપૂરલ આશા જોગમાયા હજાર હાથે પૂરે, મારી આશીષું છે ચારણ. જા, પોઠિયો, ભેંસ ને પાડી લેને તારે નેસે પોગી જા. જીવ્યા મુવાના જુવાર તુંને. ખમા તુંને."

એમ બોલીને ચારણી ઊના દેલવાડાને ઊભે કેડે ચડી.

"ચા...ર...ણ્ય!" મરદે ધાપોકાર કીધા.

લેલાંએ તેં-તેં-તેં કરી વન ગજાવ્યું. લક્કડખોદ ઠ...ક ! ઠ...ક ! ઠ...ક... જાણે કોઈની ચિતાનાં કાષ્ઠ પાકતો રહ્યો.

"ઘેરે જા. નેસડે પોગી જા." એમ બોલતી ઓરત ઉપડતે પગલે ગઈ. થોડી ઘડી દેખાઈ. પછી ડુંગરો આડો આવી ગયો.

ચારણે થોડી ઘડી ઊભા થઈ રહી પછી ભેંસ પાડી ને પોઠિયો વનરાઈમાં હાંકી મૂક્યાં. ઝડપથી ચાલ્યો. વનરાઈનાં આછાં પાખાં ઝાડવાંમાંથી ઘડીક ઘડીક એની મધરાશી પાગડીનું છોગું લાલ લાલ જીભના લબકરા કરતું જતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics