Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manoj Joshi

Children Stories Romance

4.5  

Manoj Joshi

Children Stories Romance

સમય ચાલ્યા કરે

સમય ચાલ્યા કરે

7 mins
675


'ક્યાંક તું છે ક્યાંક હું છું ને સમય ચાલ્યા કરે, 

આપણી વચ્ચે વહેતું જળ મને વાગ્યા કરે.'


મારા પ્રિય કવિ રમેશ પારેખનાં મને બહુ ગમતાં કાવ્યનું સ્વરાંકન હું સાંભળી રહ્યો હતો. વડોદરાથી ભાવનગર આવી રહેલી લક્ઝરી બસની આરામદાયક સીટમાં બેસીને, કાનમાં હેડફોન લગાવીને, બંધ આંખોથી હું મોબાઇલમાં વાગતા આ ગીતને માણી રહ્યો હતો. સાંભળતા સાંભળતા હું સમયના એ પ્રવાહમાં પહોંચી ગયો, જે મારા અવચેતન મનમાં વર્ષોથી ધરબાઈ ગયો હતો. મોબાઈલની સ્વીચ અભાનપણે ઓફ થઈ ગઈ. અને મારામાં ધરબાયેલા અતીતની સ્વીચ ઓન થઈ.


***

મારા નાનકડા ગામની પ્રાથમિક શાળા, જે 'ધૂળી નિશાળ' ન હતી, પણ સાત વર્ગખંડ, ઓફિસરૂમ અને પાણીની રૂમ, વચ્ચે મોટો પ્રાર્થના ખંડ, વિશાળ લોબી, ચારેતરફ રમતનું મેદાન, પાકી બાંધેલી કમ્પાઉન્ડ વોલ અને તેની અંદર બહાર વૃક્ષોની હારમાળા. એવી રળિયામણી શાળામાં હું એ વખતે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મારા પાડોશમાં જ રહેતા રમણીકલાલ શેઠની દીકરી સરોજ ચોથા ધોરણમાં ભણતી. અમે બંને બાળપણથી સાથે ઉછરેલા. હું દસ વર્ષનો અને સરોજ નવ વર્ષની.


શાળામાં ચોથા ધોરણથી લેખિત પેપર સ્વરૂપે પરીક્ષા લેવાતી. અમારી સત્રાંત પરીક્ષા ગ્રાઉન્ડમાં શ્રેણી ૪-૫ના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ચાલી રહી હતી. જમીન ઉપર આસન પાથરીને અમે બેઠા હતા. અને મારી પાછળ જ સરુનો નંબર હતો. તે દિવસે મારી તબિયત કંઈક બગડી હતી. એટલે ચાલુ પરીક્ષાએ મને ઉધરસ ચડી. હું બંને હાથે મારું મોઢું દબાવીને રોકવા પ્રયાસ કરું, પણ ઉધરસ અટકે નહીં. અચાનક એક કોમળ હથેળી મારી પીઠને થપથપાવવા લાગી. પેપર છોડી, દોડાદોડ પાણીનો ગ્લાસ ભરી લાવી અને તેના હાથે જ મને પાણી પાયું- એ સરોજ હતી. એ ઉમર પ્રેમનો અર્થ સમજવા જેવડી નહોતી. પણ અમને એકબીજાની પરવા હતી, એટલી સમજણ પડતી.


સમય સરતો ગયો. ગામમાં આવેલી હાઈસ્કૂલમાં હું એસ.એસ.સી.માં પ્રવેશ્યો. સરોજ મારાથી એક વર્ષ પાછળ હતી. એન્યુઅલ એક્ઝામ આપવા માટે મારે ભાવનગર જવાનું હતું, ત્યારે પોતાના ઘરેથી લાવેલ દહીં મારા મોઢામાં ચમચી ભરીને મૂક્યું અને ભાવભરી આંખે મને 'બેસ્ટ લક' કહ્યું. હું સેન્ટર ફર્સ્ટ આવ્યો, ત્યારે મારી પાસે પેંડા માંગવાને બદલે, મારા ઘેર પેંડાનું પેકેટ પહોંચાડી, હસતા ચહેરે મને વધાઇ આપનારી સરોજ હતી.


હું ભાવનગર કોલેજમાં દાખલ થયો. બીજા વર્ષે સરોજ પણ એ જ કોલેજમાં આવવાની હતી. અમારી વચ્ચે હજી એ જ બાળપણની શરારત અને નિર્દોષ મસ્તી હતી. ગામડામાં આમ પણ અમે બહુ મર્યાદા પૂર્ણ રીતે, પારિવારિક સંબંધોથી જોડાયેલા હતા. વર્ષાન્તે એણે એસ.એસ.સી.ની એકઝામ આપી, ત્યારે હું ભાવનગર હતો. અને કમનસીબે એ જ વર્ષે મારા ગામની નજીકના ટાઉનમાં એસએસસીનું એકઝામ સેન્ટર ખુલી ગયેલું, તેથી તે ભાવનગર પરીક્ષા આપવા આવશે, એવું મારું સ્વપ્ન રોળાઈ ગયું. 


એનું પરિણામ આવ્યું. એ પણ સેન્ટર ફર્સ્ટ આવી, ત્યારે મારી ખુશીનો પાર ન હતો. એ વખતે તે પોતાના મામા - માસી સાથે સીમલા ગયેલી. હું રૂબરૂ તેને મળીને હરખ વ્યક્ત ન કરી શક્યો. પણ એના પિતાજીએ મને કહ્યું, "બેટા, પોસ્ટ ઓફિસે જઈને સરુને ટેલિગ્રામ કરી દે કે તે સેન્ટર ફર્સ્ટ છે." આમ પરોક્ષ રીતે સરોજને પ્રથમ વીશ કરવાનો મોકો મને જ મળ્યો.


મને હતું કે સરૂ પણ ભાવનગરમાં જ કોલેજ કરશે. પરંતુ એના પપ્પાએ એને અમદાવાદ ઝેવીયર્સ કોલેજમાં દાખલ કરી. જોકે એ નિર્ણય ન તો સરોજને પસંદ પડ્યો, ન મને ! પણ અમારો અભિપ્રાય એ બાબતમાં કોઈએ લેવાનો હતો જ નહીં ! વેકેશન ખુલવાને હજી વાર હતી. અમે એકબીજાના ઘેર આવતા જતા. એક દિવસ એને ત્યાં ગયો ત્યારે તે એકલી જ હતી.


એણે કંઈક અર્થસભર દ્રષ્ટીથી મારી સામે જોયું. મારે પણ એને કશું કહેવું હતું. પણ જાણે જીભ સિવાઈ ગઈ હતી. આખરે તેણે હળવા નિસાસા સાથે કહ્યું, "હું તો અમદાવાદ જાઉં છું. ક્યારેક એ બાજુ આવે તો મળજે." 

મેં કહ્યું, "સરૂ, મને હવે ભાવનગર નહીં ગમે. હું તો હવે અહીંથી જ નજીકની આર્ટ્સ કોલેજમાં એડમિશન લઈ લઈશ." 

એણે આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું, "મને સાયન્સ રખાવી અને પોતે સાયન્સ છોડી રહ્યો છે ? હું તો સમજતી હતી કે આવતા વર્ષે તું ડોક્ટરીના અભ્યાસ માટે અમદાવાદ આવીશ." 

મારે એને કહેવું હતું કે,"સરૂ, તું ભાવનગર નથી આવતી, પછી મારે ત્યાં રહીને શું કરવું ?"

પણ એ હું મનમાં જ બોલી શક્યો. નીચી નજર કરીને તેની સામે ઊભો રહ્યો. તે મને કંઇક કહેવા ઈચ્છતી હતી, ત્યાં જ એના મમ્મી આવ્યા અને વધારે કંઈક ચર્ચા કર્યા વિના જ અમે છૂટા પડ્યા.


બીજા દિવસે તેને અમદાવાદ હોસ્ટેલમાં મુકવા માટે તેના પિતાજી જવાના હતા. હું એમનો સામાન ઘોડાગાડીમાં મુકાવી, તેમને વળાવવા સ્ટેશન સુધી ગયો. તેના પિતાની હાજરીમાં તે કંઈ જ બોલી ન શકી. તેનો નાનો ભાઈ પણ સાથે હતો. તેને વળગીને તે રડી પડી. પણ રડતી વખતે આંસુભરી આંખે મારી જ સામે જોતી હતી, તે મેં મારી ભીની આંખોથી જોયું.


સમય સરતો રહ્યો. ન હું અમદાવાદ જઈ શક્યો, ન એ મને બોલાવી શકી. અભ્યાસકાળ પૂરો થયો, એ દરમિયાન ગુજરાતના યુવા નેતા તરીકે હું પ્રખ્યાત થઈ ગયો હતો. મેં કદી કોઈ સાથે ઝઘડો કર્યો ન હતો, છતાં મારી છાપ 'માથાભારે' તરીકે પડી ગઈ હતી. માથાભારે એટલે કોઈને હેરાન કરનાર નહીં, પણ પોતાનું ધાર્યું જ કરનાર ! 


અમે હવે ભરપૂર યુવાવસ્થામાં પહોંચી ચૂક્યા હતા. બન્ને અમારી ઉર્મિઓને સમજતા હતા. પણ નબળાઈ મારી હતી કે હું એને કદી કંઈ કહી ન શક્યો. એના ઘરમાં એના અને મારા ઘરમાં મારા વિવાહની વાતો શરૂ થઈ ગઈ હતી.આમ પણ હવે યુવાવસ્થામાં પગ મુકતાં જ,અમારી બચપણની મસ્તી અને શરારત બંધ થઈ ગઈ હતી. બંનેના મળવા ઉપર બંનેના પરિવારોએ પરોક્ષ પ્રતિબંધ મૂકી દીધો હોય, એવું અમે બંને અનુભવતા હતા. ભલે અમને કોઈએ સ્પષ્ટ શબ્દોમાં ન કહ્યું હોય, પણ હવે અમે વાત કરીએ ત્યારે કોઈને કોઈ હાજર રહેતું.


તે દિવસે મેં એને નવલકથા - 'તમે કેમ રહ્યા અબોલ ?' વાંચવા આપી. તેણે નામ વાંચ્યું અને બંને હાથમાં બુક પકડીને એનું મુખપૃષ્ઠ મારી સામે ધર્યું. આંખના ઇશારાથી મને શિર્ષક વાંચવા કહ્યું. એ સમયે એના ચહેરા પર શરમના શેરડા પડતાં હું જોઉં ન જોઉં, ત્યાં તે રૂમમાં જતી રહી. મને સમજાયું કે પહેલ મારે જ કરવી જોઈએ. પ્રેમનો એકરાર કરવાનો સમય આવી પહોંચ્યો હતો. તે તો સ્ત્રી હતી- લજ્જાશીલ સ્ત્રી ! સામેથી કદી એકરાર નહીં કરે. અરે, ઉલ્ટું પુરુષ એકરાર કરશે, તો પણ કદાચ ઈનકાર કરશે ! એના નકારમાં પણ એનો સ્વીકાર હોય એવું મને સમજાયું ! હું મોઢામોઢ તો એની પાસે પ્રપોઝ કરી શકવાની હિંમત ન દાખવી શક્યો, તેથી આખરે મેં એને પત્ર લખી, તેમાં મારા પ્રેમને સ્વીકારી, મારી જીવનસંગિની બનવા પ્રેમપૂર્ણ અનુરોધ કર્યો.

     

અમે સમજણા થયા ત્યારથી આજ સુધીમાં કદી વિજાતીય વ્યક્તિ તરીકે એકબીજાને સ્પર્શ પણ કર્યો ન હતો. એક બીજા સાથે વાત કરવામાં કદી ખચકાટ અનુભવ્યો ન હતો. આજે પહેલીવાર મેં નજર નીચે રાખી, એક નવલકથાના પુસ્તકમાં પત્ર મૂકીને, ધ્રુજતા હાથે પુસ્તક એને આપ્યું. તેણે પણ એવી જ દશામાં એને હાથમાં લીધું અને ઝડપથી તેની રૂમમાં દોડી ગઇ.


એકરાર પછી તો ઉલ્ટું સંકોચવશ અમારું મળવું ઓછું થયું ! જ્યારે મળતા, ત્યારે શબ્દો મૌન થઈ જતાં ! અચાનક એકબીજાનો સ્પર્શ થઇ જાય તો બન્ને રોમાંચિત થઈ જતા. અમારું મૌન જ અમારી ભાષા હતી. એકરારના થોડા દિવસ પછી એક ઢળતી સાંજે હું તેના ઘેર પહોંચ્યો. તે એકલી જ ઘેર હતી. એના બેડ પર પડી પડી, નવલકથામાં છુપાવેલો મારો પત્ર જ વાંચતી હતી.એ સમયે મેં એની આંખોમાં નિમંત્રણ જોયું. હું એની પાસે બેઠો. બન્નેની આંખો ઘેઘુર હતી. હું જરા ઝૂક્યો. તેણે આંખો બંધ કરી. મેં એના ગુલાબી, સુકોમળ હોઠ પર હળવું ચુંબન કર્યું. એ જ ક્ષણે એના પપ્પા અચાનક જ રૂમમાં પ્રવેશ્યા હશે એની અમને ખબર જ ન હતી !


રમણીકલાલ શેઠ જમાનાના ખાધેલ, અનુભવી અને પાક્કા વણિક હતા. મારી એટલી બધી 'ખ્યાતિ' હતી કે હવે તો એ પણ મારાથી ડરતા ! જો કંઈ બબાલ થશે, તો એની આબરૂ જશે અને હું મારું ધાર્યું કરીશ,એવું માનીને તેમણે બહુ વિચારપૂર્વક નિર્ણય લીધો. પોતે જાણે કશું જાણતા જ નથી, એવું જતાવવા તેઓ દબાતા પગલે બહાર ગયા. મુખ્ય દરવાજેથી જ તેમણે બુમ મારી-" સરોજ" ! અમારી ભાવ સમાધિ તૂટી. અત્યાર સુધી ક્યારેય ન અનુભવેલો એમની હાજરીનો ડર અમે આજે અનુભવ્યો. મારી સામે અછડતી નજર નાખી, "કેમ છો ?" કહીને તેઓ સોફા પર બેઠા. જાણે પોતાને કશી જ ખબર નથી,એવા ભાવ સાથે એણે સરોજને કહ્યું, 'જા બેટા, અમને બંનેને ચા પીવરાવ.' 

અપરાધભાવ અનુભવતો હું ચા પીવાની ના કહી અને મારા ઘરે ગયો. 

***


સમયનું ચક્ર અવળું ફર્યું. રમણિકલાલે તેમના પત્ની સિવાય કોઈને આ વાત ન કરી. બીજા જ દિવસે બપોરની ટ્રેનમાં સરોજને એની મમ્મી સાથે મોસાળ વિદાય કરી. ત્રણ જ મહિનામાં મૂળ રાજકોટના અને કલકત્તા રહેતા, તેમની જ્ઞાતિના એક યુવક સાથે તેનું લગ્ન ગોઠવાઈ ગયું. મારો એમને એટલો ડર કે અમારા ગામમાં કશો કાર્યક્રમ ન રાખ્યો. છોકરાવાળા જાન લઈને આવે, એના બદલે પોતે દીકરીને કલકત્તા સામે જઈને પરણાવવા ગયા. મુંબઈ ગયા પછી સરોજને સમજાયું હશે કે એના પપ્પાએ એને મારાથી જુદી પાડવા માટે રચેલું,આ એક ષડ્યંત્ર હતું ! મોસાળમાં તેના પર પૂરતો પહેરો હતો. અને આખરે એના લગ્ન લેવાઈ ગયા.

*** 


થોડો સમય દેવદાસની માફક પસાર કર્યા પછી, આખરે માતાપિતાની મરજી મુજબ, અમારી જ જ્ઞાતિની સુંદર, સુશીલ, ગુણિયલ કન્યા સાથે હું પણ જોડાઈ ગયો. સમયના વહેણ સાથે વહી ગયેલી એ ક્ષણો કવિ રમેશ પારેખનાં એક કાવ્ય દ્વારા ક્ષણભર માટે નજર સામે આવી ગઈ હતી. 


મારી બસ ભાવનગરના મારા ગંતવ્ય પર પહોંચી ગઇ હતી. ભૂતકાળને બસમાં જ દફનાવી, નીચે ઊતર્યો ત્યારે મારી પ્રિય પત્ની કાર લઇને મને લેવા માટે આવેલી. તેના પ્રેમાળ સ્મિત સાથેના મૌન આવકારે મારી ભૂતકાળની મેમરીને ડીલીટ કરી નાખી.


Rate this content
Log in