Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Inspirational Romance

3  

Mariyam Dhupli

Inspirational Romance

જીવ

જીવ

9 mins
14.7K


અનુજના હાથ સ્ટિયરિંગ પર ભલે ફરી રહ્યા હતા પણ આંખો તો પડખેની સીટ પર ગોઠવાયેલી વેદિકાના હાસ્ય છલકાવતાં હોઠો, મોતી સમા વિખરાઈ રહેલા એના મધુર શબ્દો, બાળકો જેવા નિર્દોષ હાવભાવો પર અજાણ્યેજ જડાઈ ગઈ હતી. ખુશીઓ માટે ધન જોઈએ , ખુશ રહેવા માટે અઢળક ધન -સંપત્તિ અને ખુશી સભર કુટુંબ વસાવવા માટે નાણાંના અતિરેકથી ઉભરાતું બેન્ક એકાઉન્ટ .....સમાજની ખુશીની વ્યાખ્યામાં જીવન બંધ બેસતું કરવા માટેના તમામ પાસાઓ અનુજની પાસે હતા . બધું સહેલાઇથી તો નજ મળ્યું હતું. પરસેવા અને તનતોડ મહેનતના સમન્વયથીજ એણે પોતાનું આ વ્યવસાયિક સામ્રાજ્ય ઉભું કર્યું હતું. પોતાની સફળતા પર એને અનન્ય ગર્વ હતો. આટલી યુવાન વયેજ શહેરના અગ્રણી એ ગણી શકાય એટલા જ સફળ અને શિખર પરના સમૃદ્ધ વ્યવસાયિક વ્યક્તિત્વોમાં એનો પણ સમાવેશ થતો હતો. આખરે 'સેલ્ફ મેડ મેન' નું મેળવેલું બિરુદ આ ગર્વને સંપૂર્ણ ન્યાય પણ તો આપતુંજ હતું.

પણ વેદિકાના જીવનમાં આવ્યા પછી એનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણજ બદલાઈ ચુક્યો હતો. આર્થિક સમૃદ્ધતા, વ્યવસાયિક સફળતાઓ અને નાણાંની અતિરેકથી ઉભરાતા બેન્ક એકાઉન્ટમાં આજીવન ખુશીઓ શોધવાની મથામણ કેવી નિરર્થક હતી ! વેદિકા એ એના જીવનને ખુશી અને સુખના નવા સરનામાઓ આપ્યા હતા. સંતોષ, પ્રેમ, હૂંફ, અજાણ્યાઓની મદદ, અકારણ સ્મિત અને હાસ્યની વહેંચણી, નાની નાની બાબતો પર એના માસુમ ચ્હેરા પર ડોકાઈ આવતો હાસ્યનો ઉછાળ, મૂંગા પ્રાણીઓને પ્રેમ, ભિખારીને પણ આઈસ્ક્રીમ આપતા એના ઉદાર હાથ, જન્મ દિવસ મોંઘી હોટેલ કરતા અનાથાશ્રમમાં જઈને ઉજવવાની એની હઠ, ઘરની કામવાળી બાઈને પણ બારાખડી શીખવતી એની સાફ નિયત... વેદિકા આજ સૃષ્ટિની હતી કે કોઈ અન્ય સૃષ્ટિની ? કેટલા સહજ અને સરળ સ્થળોએ એને જીવનની ખુશીઓ મળી રહેતી. અન્યને ખુશ જોવું, એજ એના જીવનનું એકમાત્ર સુખ .... પણ એજ સુખ તો સાચું, પવિત્ર ....આ સુખને ન કોઈ ઝુંટવી શકે, ન કદી છીનવી શકે...આ સાચા મનની ખુશીઓ હતી જ્યાં અસુરક્ષિતતા , ડર, લઘુતાગ્રન્થિ, ઈર્ષ્યાને માટે દૂર દૂર સુધી કોઈ સ્થાનજ ન હતું !

વેદિકા દર વખતની જેમ એના મીઠા મધુર શબ્દો હવામાં વીખરાવી રહી હતી અને કાર ચલાવતા અનુજ એ શબ્દોમાં એટલો ઊંડો ખોવાઈ ચુક્યો હતો કે એ શબ્દો ધ્વનિ વિહીન બની ચુક્યા હતા. શ્રવણઈન્દ્રિયોમાં કોઈ સુંવાળું સંગીત ગુંજી રહ્યું હતું અને એ સંગીતના તાલ ઉપર સાથ બેસાડતા વેદિકાના ચ્હેરાના સુંદર હાવભાવો એ મનને સંમોહિત કરી મૂક્યું હતું.

અચાનક એક પ્રચંડ ધ્વનિ સાથે આખી કાર ઉછળી ગઈ. હવામાં પલટીઓ ખાઈ જમીન પર પછડાતી કાર સાથે આંખો ઉપર અંધારા છવાઈ ગયા અને જોતજોતામાં આખું વિશ્વ વેદિકા સહિત આંખોથી ઓઝલ થઇ ગયુ

" વેદિકા .........."

પરસેવે રેબઝેબ અનુજ સ્વ્પ્નમાંથી સફાળો જાગી ઉઠ્યો. આ ભયંકર સ્વપ્ન તો હવે જીવનનો એક નિયતક્રમ બની ગયો હતો. બન્ને હાથ આંખો પર ફેરવતો એ પથારી છોડી ઉભો થયો. હૈયું એટલીજ ઝડપે ધડકી ઉઠ્યું હતું જેટલી ઝડપે અકસ્માતની એ ક્ષણે ધ્રૂજ્યું હતું. કોઈ ડરામણું સ્વ્પ્ન જોઈએ ત્યારે આંખો ખુલતાંજ વાસ્તવિકતાના સ્પર્શથી જ ભયનું બાષ્પીભવન થઇ રહે ... પણ જયારે જીવનની કડવી વાસ્ત્વિકતાજ સ્વપ્નસ્વરૂપે ડરાવવા આવતી હોય તો એવા ભય થી મુક્તિ નો કોઈ માર્ગજ ન બચે.

અનુજ પણ આ ભયથી મુક્ત ક્યાં થઇ શકે ? હવે શેષ જીવન આ ભયને સતત સાથે લઇ ચાલવાનું હતું, તદ્દન એકલા, વેદિકા વિના. વેદિકાના હત્યારા તરીકે એનાથીમોટી સજા એના ગુનાહની અન્ય કઈ હોય

શકે ? પશ્ચયાતાપની અગ્નિમાં જીવનની એક એક શ્વાસની આહુતિ આપવાની હતી.

અદાલતે એને ભલે મુક્ત કરી દીધો, નિર્દોષ ઘોષિત કરી દીધો.

"એ ફક્ત એક અકસ્માત હતો. શ્રીમાન અનુજ ઉપાધ્યાયને બાઈઝ્ઝત મુક્ત કરવામાં આવે છે."

અકસ્માત ? નહીં, આટલી સરળતાથી એની ભૂલને માફી કઈ રીતે આપી દેવાય ? એક માસુમ ફરિસ્તા જેવા જીવને એણે સમાપ્ત કરી દીધો હતો. એક શ્વાસ લેતા જીવનના પ્રાણવાયુ ઉખેડી નાખ્યા હતા. જે જીવને આ સૃષ્ટિ ઉપર લાવવાની ઓકાત ન હોય માનવી એજ જીવનું સમાપન ક્યા હકથી કરી શકે ? પ્રાણવાયુ ફૂંકી ન શકાય તો પ્રાણ કઈ રીતે ફૂંકી શકાય ? શ્વાછોસ્વાસ અર્પણ ન કરાય તો છીનવવાનો અધિકાર ક્યાંથી ? પોતાની આત્માની અદાલતમાં એ હમેશ માટેનો એક કેદી બની ગોંધાય ચુક્યો હતો.

અકસ્માત ને એક વર્ષ પણ થવા આવ્યો હતો. ઓફિસ, બિઝનેસ બધુજ કાર્યકરોના હાથોમાં હતું. પત્નીના મૃત્યુની જવાબદારી પોતાના ખભા પર લાદી એક શબની જેમ અનુજ ફક્ત દિવસો પસાર કરી રહ્યો હતો. જીવનનું કોઈ લક્ષ્ય, કોઈ ધ્યેય, કોઈ ઉદ્દેશયજ બાકી રહ્યું ન હતું. કપડાં બદલી, ગાડી લઇ એ દરરોજની જેમ નીકળી પડ્યો. વેદિકાના જવા પછી જીવને નક્કી કરી આપેલા નિયત ક્રમને અનુસરવા એક શબ નીકળી પડ્યું. ફૂલોની દુકાન પરથી સફેદ ફૂલોનો બુકે ખરીદી શહેરને કિનારે પસાર થતી નદી પાસેના એ પ્રાકૃતિક વિસ્તાર તરફ અનુજની ગાડી આગળ વધી. વેદિકા પ્રકૃતિનું બાળક હતી. વાદળ, પહાડ, નદી, પક્ષીઓ, ઝરણાં, ઘાસ, વૃક્ષોની નજીક એ કલાકો વિતાવી શકતી. સિનેમા હોલ કે શોપિંગ મોલમાં એનો શ્વાસ રૂંધાવા માંડતો. શહેરને કિનારે પ્રકૃત્તિના ખોળે ઉછરતો એ વિસ્તાર એને ખુબજ ગમતો. શહેરની ભીડભાડ, પ્રદુષિત હવા, વાહનવ્યવહારથી ફેલાતું ધ્વનિ પ્રદુષણ, ફેક્ટરીઓના શોરથી દૂર એ હંમેશા ત્યાંજ ભાગી જતી. શરીર અને આત્માને શુદ્ધ કરી આપતું એ વાતાવરણ એને કેટલું પ્રિય હતું ! શાંત નદી, ઊંચા વૃક્ષો, પંખીઓના ટહુકા, લીલુંછમ ઘાસ... આજે પણ અનુજ જયારે એ સ્થળે જતો ત્યારે વૃક્ષને ટેકવીને બેસી રહેતા એના શરીને જાણે વેદિકાની હયાતી એ સ્થળે સ્પષ્ટ અનુભવાતી. એના રોમેરોમમા વેદિકાનો સ્પર્શ અનુભવાતો. એ જાણતો હતો કે એની વેદિકા હજી પણ ત્યાં આવે છે. એ વૃક્ષોને સ્પર્શે છે. એ ઘાસ પર એનું શરીર આળોટે છે. એ પંખીઓના ટહુકા સંગીતની ધૂન સમા માણે છે. વહેતી નદીના શાંત પાણી આજે પણ એની દ્રષ્ટિને ટાઢક આપે છે. હા, આજે પણ એની વેદિકા ત્યાંજ છે. તેથીજ દરરોજ સફેદ ફૂલોનો બુકે લઇ વેદિકાની માફી માંગવા એ અચૂક પ્રકૃત્તિના એ ખોળામાં પહોંચી જાય છે.

દૂરથીજ નિહાળેલ ગાડીઓની લાંબી કતારથી અનુજ હેરતમાં પડ્યો. હંમેશા સુમસાન અને શાંત વાતાવરણ હોય ત્યાં આજે આટલો શોર ચહેલ પહેલ ને ભીડ કેવી ? આવડા ભારેભરખમ વાહનવ્યવહાર ના માધ્યમો અહીં શું કરી રહ્યા હતા ? આટલી બધી માનવ મહેરામણનું અહીં શું કામ ? નજીક પહોંચી રહેલી ગાડી સાથે અનુજના હૃદયમાં વિચિત્ર ગભરામણ છવાઇ રહી હતી. એક વાર વેદિકાને ખોઈ દીધા પછી હવે એના અહેસાસથી પણ દૂર થઇ જવાની એના અસ્તિત્વમાં ક્ષમતા ન હતી.

ગાડીઓના લાંબા કાફલાની પાછળ પોતાની ગાડી ઉતાવળે ગોઠવી અનુજે અતિ ઝડપે શ્વાસવિહીન દોટ મૂકી. ઉપસ્થિત માનવમહેરામણને ચીરતો એ ટોળાના અંદરથી રસ્તો બનાવતો આખરે એ સ્થળે પહોંચ્યો. વિશાલ કદના બુલડોઝરે એક અંતિમ વૃક્ષને પણ ધરાશયી કર્યું અને એને બચાવી લેવું હોય એ રીતે અનુજ આગળ ધપી ગયો.

"અરે શું કરો છો ?"

" દૂર.....દૂર ..."

"અરે કોઈ પકડો એને."

જોતજોતામાં કેટલાક કદાવર શરીરો એ અનુજને સુરક્ષિત રીતે બચાવી લીધો.

"વેદિકા.... વેદિકા..." એક છેલ્લું વૃક્ષ પણ આખરે ધરાશયી થયું અને અનુજનું હય્યાફાટ રુદન, ચીસો એક શોક્ગ્રસ્ત મૌનમાં ઢળી પડ્યા.

દૂર એક શાંત ખૂણામાં ગોઠવી દેવામાં આવેલું એનું શરીર દરેક માનવ ચહેલપહેલ નિષ્ક્રિય રીતે નિહાળી રહ્યું. આખો વિસ્તાર વ્યવસાયિક ઉપભોગ માટે ખરીદી લેવામાં આવ્યો હતો. ઘાસ, વૃક્ષો, પંખીઓ, શાંતિ કશુંજ બચ્યું ન હતું. વેદિકા પણ આજે આવી ન હતી. પ્રચંડ શોરની વચ્ચે એક જીવલેણ સન્નાટો વ્યાપી રહ્યો હતો. સફેદ ફૂલો ધૂળના થરમાં ડૂબી ગયા હતા. અનુજની આંખોમાંથી ઉફાળું પાણી ઉભરાઈ રહ્યું હતું. આજે ફરીથી એણે વેદિકાને ખોઈ દીધી હતી.

" પાણી..." બે ગરીબ હાથો આશ્વાસનપૂર્વક અનુજ તરફ આગળ વધ્યા. અનુજના શરીર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા એ સમજણ અને પરિપકવતાથી સમેટાઇ ગયા. વૃક્ષો ધરાશયી કરીને આવેલા એ ખરબચડા હાથો એ પોતાનાં હાંફતા શરીરને પાણીથી થોડી તાજગી અર્પી.

"એક વાત પૂછું સાહેબ ?"

મૂર્તિસમા સ્તબ્ધ શરીર તરફથી ઉત્તર મળવાની અપેક્ષા છોડી હાંફતા શરીરે પોતાના શબ્દો આગળ વધાર્યા.

"આ વૃક્ષો માં તમારો જીવ હતો કારણકે એની જોડે તમારા જીવનની યાદો સંકળાઈ હતી. પણ જો એ યાદો સંકળાઈ ન હોત તો તમને એમના વિનાશનું સહેજે દુઃખ થયું હોત ?"

અનુજની જડ આંખોમાં થોડી ચેતના આવી. પડખે બેઠા એ ગરીબ ચ્હેરા ઉપર એ સચેત આંખો આવી મંડાઈ.

"સાહેબ તમારો જીવ એ વૃક્ષોમાં હતો ....પણ એ વૃક્ષોનો પણ પોતાનો જીવ હતો !"

અનુજની આંખોમાં એક અનન્ય ચમક ઉપસી આવી. એક અભણ , ગરીબ માનવી એને શિક્ષિત કરી રહ્યો હતો અને પોતાના શિક્ષણની અભણતા છતી થઇ રહી હતી.

"પેટનો ખાડો પુરવા અને ગરીબીની વિક્લ્પવિહીન પરિસ્થિતિથી મજબુર હાથો આ કાર્ય કરી રહ્યા છે. નહીંતર શ્વાસ લેતા, પ્રાણ ધરાવતા, પૃથ્વીને પોષતાં આ જીવોની હત્યા કરતા આત્મા ક્ષણક્ષણ મરે છે સાહેબ તમે તો મજબૂર નથી સાહેબ."

અનુજના મોંઘા વસ્ત્રો અને કિંમતી ગાડી પર દ્રષ્ટિ ફેંકી એ ગરીબ આંખો ખુબજ અપેક્ષા જોડે અનુજની નજરોમાં ડોકાઈ રહી, "સાહેબ કંઈક કરો નહીંતર એક દિવસ આખી સૃષ્ટિ ભઠ્ઠી સમી સળગી ઉઠશે અને આપણી આત્મા ખુદને કોસશે. ઈશ્વરનો પ્રકોપ તૂટશે. કઈ નહીં બચશે. કઈ જ નહી .જીવોની આ નિર્દોષ હત્યા સર્વનાશ વ્હોરશે."

ગરીબીને હાથે બંધાયેલું જીવન પોતાના હાથો વડે કરેલી જીવ હત્યાના પશ્ચયાતાપના અશ્રુઓ સમેટતું દૂર નિકળી ગયું. આ સંવેદના અનુજથી વધુ કોણ સમજી શકે ?

બન્ને ના પશ્ચયાતાપ એક સમાન જ તો ! માનવ જીવ અને પ્રકૃત્તિ જીવ આખરે તો જીવજ ને.બન્નેની હત્યાના પ્રત્યાઘાતો જુદા શા માટે ? એક જીવતા જાગતા મનુષ્યને મોતને ઘાટ ઉતારવું અને એક પ્રકૃતિ જીવની શ્વાસોને ઉખાડી નાખવું, બન્ને કર્મો સમાનજ તો છે. ફક્ત પ્રકૃત્તિને બોલવાનું, અભિવ્યક્ત કરવાનું કે ફરિયાદ કરી શકવાનું વરદાન ન મળ્યું એટલે મનુષ્ય એના પ્રાણ ઉખાડી જેલ ભેગો ન થાય ? જે શ્વાસોને જીવનું નિર્માણ કરવાની ક્ષમતા ન હોય એનાં વિનાશનું નિમિત્ત બનવાનો અધિકાર ક્યાંથી મેળવી શકાય ?

અનુજની અંતરની આંખો ઉઘાડી ગયેલો એ ગરીબ દલિત આંખોથી ઓઝલ થઇ ચુક્યો હતો. અનુજના અંતરમાં એક નવી ચેતના પ્રગટાવી ગયેલ એ માનવી જાણે એક અલૌકિક સંદેશો પહોંચાડી ગયો. કદાચ વેદિકાનોજ સંદેશો..

થોડા વર્ષો પછી અનુજ ફરીથી એજ સ્થળે બેઠો છે. હવે અહીં વૃક્ષો, પંખીઓ, ઘાસ, શાંતિ, સ્વ્ચ્છ હવા બધુજ પરત થઇ ચૂક્યું છે. શહેરના લોકો માટે આ સ્થળ ખુલ્લું મુકાયું છે. પ્રકૃત્તિના ખોળામાં માથું ટેકવી શહેરીજનો પોતાની યાંત્રિક અને પ્રદુષણથી છલોછલ ઉભરાતી જીવનશૈલીમાંથી ભાગી છૂટી સ્વસ્થ વિશ્રામની ખોજ કરવા અહીં આવી પહોંચે છે.અનુજની મલ્ટીનેશનલ કમ્પની હવે વેદિકા નેચર રિઝર્વ્સ' માં પરિવર્તિત થઈ ચુકી છે. એક ખાનગી વ્યવસાયિક કમ્પની હોવા છતાં પ્રકૃત્તિની જાળવણી અને બચાવના કાર્યો કરતી દરેક સરકારી સંસ્થાઓ સાથે જોડાઈ પૃથ્વીની જાળવણી અંગેની ફરજપૂર્તિ કરે છે. એના દ્વારા રોપવામાં આવતા દરેક વૃક્ષની જોડે એક નવું જીવ સૃષ્ટિ પર શ્વાસ ભરે છે. અને આ દરેક જીવ 'ભવિષ્યમાં સૃષ્ટિ ઓક્સિજન વિહીન બની રહેશે' એ ભય સામે એક નવું આશાનું કિરણ બની ચમકે છે. એ આશાના ચમકતા કિરણ વચ્ચેથી દરરોજ વેદિકા અનુજને પ્રેમ ભર્યું સ્મિત આપતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational