Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

દીવો સળગી ચૂક્યો હતો

દીવો સળગી ચૂક્યો હતો

5 mins
7.1K


સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે

આંખો મીંચી, અંધારાની વાતો ના કર!!

  • ડૉ. મહેશ રાવળ

 

કાશ્મીરાને છાની રાખતા રાખતા કેદાર બોલ્યો, “તું નિષ્ફળ નથી પણ તારી જાતને નિષ્ફળ કહી , નિષ્ફળતાને ગળે લગાડે છે.”

“કેદાર તું મારો પતિ છે તેથી તો ઇચ્છુ છું કે તું સફળ થા, મારા માપદંડથી.”

“ અરે કાશી, તારા માપદંડથી તો સફળ થવાની કોઈ શક્યતા જ નથી. કારણ કે જેવું એક શિખર આંબ્યુ કે તરત તું તારો માપદંડ બદલીને તેનાથી પણ ઊંચું મોટું શિખર બતાવે છે.”

“તે તારા ભલા માટે ને?”

“ના, હું તો તારે માટે ભાગું છું. મને તો ચાલીસ વર્ષે જેટલું જોઈતું હતું તે બધું મળી ગયું છે. તું નવા ભયો બતાવે છે અને તેને પહોંચી વળવા વધુ ને વધુ મને દોડાવે છે.”

“ગમે તે કહે, પણ તને દોડાવવામાં હું નિષ્ફળ છું. મારી નાતમાં અને મારા ગામમાં પરણી હોત તો હું આના કરતાંય વધુ સુખી હોત.”

“ગામડા-ગામમાંથી બહાર તારે નીકળવું હતું. શહેરમાં તને લાવી ત્યાંય તને ધરો ના થયો, તો મુંબઇ લાવ્યો; ત્યાંય તને ધરો ના થયો, તો તને લંડન લઈને આવ્યો. ત્યાંય શાંતિ ના મળી તો અમેરિકા પણ બતાવ્યું. હવે તો જરા થાક અને મને થાક ખાવા દે...”

કાશ્મીરા કહે, “તે તારા થાકને તો રડું છું. હજી મારા ઘરમાં ઘણું નથી!”

કેદાર કહે, “જે છે તે તો તારે જોવું નથી અને જે નથી તેને શોધ્યા કરીશ તો કાશી... જે છે તેને ક્યારે માણીશ?”

પેનિક બટન દબાયું અને કાશ્મીરા ડૂસકે ચઢી. ”જે કહું છું તે કરતો નથી અને મારા સપનાં પુરાં થતાં નથી.” ધ્રુસકેને ધ્રુસકે રડતી કાશ્મીરાને છોડી દુઃખી મને કેદારે ઓફીસે જવા હોંડા બહાર કાઢી...

કેદારનાં ગયા પછી કાશ્મીરા કામે લાગી. ઘર સાફ કરતા કરતા રેશમનાં પડદા જોયા..તેને હલકા પવનમાં લહેરાતા જોઈ તેને યાદ આવ્યું તેનું ગમતું ગીત; ”પિયા કા ઘર હૈ... રાની હું મૈં, રાની હું મૈં.” આછા લીલા રંગનાં સોફા સાથે મેચ થતો પડદાનો રંગ જોઈ તેને હાશ તો થઈ. તેના મને પાછા વળીને કેદારનાં શબ્દો યાદ દેવડાવ્યા..” જે છે તેને ક્યારે માણીશ?”

અમેરિકામાં રામલા નહીં તેથી બધું જાતે કરવાનું. પણ સાથે કેટલાં બધા મશીનો. લોડ કરીને સ્વીચ દાબો અને ૧૦ મિનિટમાં બે ડોલ ભરેલ કપડાં સાફ. વાસ્ણો ધોવાનાં મશીનમાં વાસમો ધોવા મૂકી દો એટલે પત્યું. ટીવી ઉપર સવાસો ચેનલ, રિમોટકંટ્રોલ ઉપર ચાંપ દાબી અને જે જોવું હોય તે બધું જોવાય. આ બધું ક્યાં આટલી સુગમતાથી દેશમાં મળે?

તેની વિચાર ધારા નકારાત્મક્તાથી હકારાત્મકતા પર વળતી હતી. એટલામાં શિકાગોથી નાની બહેન ઐશ્વર્યાનો ફોન આવ્યો, જે થોડા વખત પહેલાં ભારતથી આવી હતી. ”કાશી બહેન, અહીં તો બધું કેટલું મોંઘુ છે?”

“ અરે બેના, આ અમેરિકા છે અને ભારતનાં રૂપિયામાં ફેરવીને ખર્ચો જોઈશ તો ક્યારેય નહીં જીવાય.”

“એટલે?”

“ એટલે અહીં ડોલરમાં કમા અને પછી ડોલરમાં ખર્ચા કરીશ તો જ ગુણ્યાં સાઈઠ ભૂલાશે. જેવો દેશ તેવો વેશ સમજીને?”

“ પણ બેન તમારે તો કેટલું સારું, જીજાજી તો લાખોમાં રમે છે અને અહીં કલાક્ની ૮ ડોલરની નોકરીમાં ક્યારે ઉધ્ધાર થશે?”

“થશે ઐશ્વર્યા, એમણે પણ શરૂઆતમાં સાત ડોલર પર અવરની નોકરી કરેલી. ભણ્યાં પણ ખરા અને ઊંચા પગારની નોકરીએ લાગ્યા હતા.”

“આ મોટી ઉંમરે આવ્યા ત્યારે પાકા ઘડે કાઠલાં કેમ ચઢે?”

કાશ્મીરાને પહેલી વખત કેદાર માટે માન થયું. આમ તો તે પણ મોટી ઉંમરે જ આવ્યો હતો ને? રાતની સ્ટોરમાં નોકરી અને દિવસે કોલેજ કરતો અને છ મહીના ભણ્યો ત્યારે તેની જિંદગી લાઇને ચઢી હતી.

“ ઐશ્વર્યા, આ દેશમાં જે આવ્યા તે બધાની આ કથા છે. થોડુંક અહીનું ભણી લે પછી સૌ સારું થઈ જશે.”

“પણ દીદી, તમારું ઘર અને બેક યાર્ડ જોઈને હું તો જલી જાઉં છું. હું ક્યારે આવી બે પાંદડે થઈશ?” મોટો નિઃસાસો નાખ્યો.

“ થોડીક વહેલી આવી છું ને તેથી એવું તને લાગે છે.”

“ના, પણ ક્યાં જીજાજી અને ક્યાં સમીર? જીજાજી તો પથ્થરમાં પાટુ મારે અને પાણી કાઢે તેમ કમાય ને સમીર તો બેઠા બેઠા હુકમો કરે, આવા ટાયલા ઘોડા સાથે રેસ ક્યારે જીતાશે?”

“એવું ના બોલાય. ગમે તેમ તો સમીર તારો વર છે.”

“પણ તે રેસનો ઘોડો નથી. તેથી તો મને લાગતું નથી કે હું વીસેક વર્ષે પણ તમારા જેટલી બે પાંદડે થઈશ.”

કાશ્મીરાને હવે થયું કે મારી પાસે જે છે તે તો હું જોતી નથી તેમ કેદાર કહે છે તે સાચું છે. તેણે તેના ઘરને શાંતિથી જોયું. સુંદર રેશમી પડદાઓ, દરેક રૂમની સજાવટ તેણે તેના આંતરિક ગમા અને અણગમાને આધારે કરી હતી. તેથી જે પણ મહેમાન ઘરમાં આવે અને પહેલી નજરે જ કહેતા કેદારભાઈ ઘરને તો સરસ સજાવ્યું છે.” કેદાર તે વખતે મને જોઈને કહેતો, “ભાઇ મેં તો ખાલી ચેક ઉપર સહીં કરી છે. સજાવટ તો બધી કાશ્મીરાની.”

ઐશ્વર્યા બસ વખાણ કરતી ગઈ અને કાશ્મીરા જંપતી ગઈ. ફોન મૂકાયા પછી તે વિચારતી રહી કે તે ક્યાં નિષ્ફળ છે?

ભોળો ભગવાન જેવો અને સમજુ પતિ મળવો તે કંઈ નાનું સુખ છે? તન, મન અને ધનથી દરેક રીતે સમજુ અને સજ્જ. બે દીકરાઓને સારું ભણીને ઠેકાણે પડ્યા. તેમને સુશીલ કન્યાઓ મળી અને બબ્બે પૌત્રોની તે દાદી બની. તે કેટલુ મોટું સુખ છે. જેની પાસે તે નથી તેને પૂછી જુઓ તો સમજાય કે સારો પતિ અને સારા સંતાનો હોવા તે સુખ છે કે નહીં? ફોર્ડ ગાડી હોય કે લેક્સાસ. બંનેનું કામ તો એક જ છે ને તમને તમારી નિશ્ચિંત જગ્યાએ પહોંચાડવાનું?

“ હવે કેદારને નથી દોડાવવો. જેટલું છે તે જોવાનું તે કહે છે ને? ચાલ જીવ હવે “હું નિષ્ફળ”નું ગાણું છોડ અને છોડ દુનિયા સાથે તારી જાતને સરખાવવાનું.’

સમીરે લખેલી ઐશ્વર્યા માટેની પંક્તિ તેને યાદ આવી ગઈ

તારી અપેક્ષાઓનો અંત આવે ના કદી,

તે ના પૂરી થાય તેથી સુખ ના મળે કદી.

કાં મારી જેમ સંતોષાઈ જા વા’લી સખી,

કે પછી રોઇ રોઇને ભર આખો દરિયો સખી.

સમજાવી સમજાવી થાક્યો કે સખી જો ના પામી શકાય, તેવા ઊંચા ઊંચા સ્વપ્નાં અને અપેક્ષાઓની વાદે ના ચઢાય. જ્યારે સપનાઓ ભાંગે ત્યારે રડીને ના ભર દરિયા. સુખની એક માત્ર દવા છે, છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઇ ઉચાટ. હું તો સંતોષાઇ ગયો છું મારી પાસે જે છે તેનાથી.. અને હવે નથી જોઈતું કંઈ વધુ આનાથી .

દુઃખ માત્ર મારું એટલું જ કે નવા સુખોની અપેક્ષામાં તું નથી માણતી આજને કે નથી ભૂલતી ગઇ કાલને. આવતી કાલની કલ્પનાઓમાં વેઠે છે તું દુઃખ આજે અનેક. વધુ તો શું કહું માની જાને સખી! જેટલું હાથે તેટલું જ સાથે.

તેની અંદરનો દીવો સળગી ચૂક્યો હતો. તેની આંખો ખૂલી ગઈ હતી.

 

 

 

 

 

 


Rate this content
Log in