Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ગૂજરાતના દરવેશો

ગૂજરાતના દરવેશો

7 mins
581


'અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!' દાતારના તકીઆની એક પર્ણકૂટિમાં એકાદ વર્ષ પછી સાંઇ જમીયલ શા રા' માંડળિકની સાથે વાતો કરતા હતા. 'તમારા જાતિ જોગંદરો અને દેવસ્થાનાંના રખેવાળોની જ્યારે આ હાલત સૂણું છું, ત્યારે ગૂજરાતના અમારા સૈયદો દરવેશોના એથી ઊલટા જ વર્તાવની વાતો મુસાફિર ફકીરો મારે કાને લાવે છે. એ ધર્મપુરુષો ધર્મની બરદાસ્ત કરતા કરત પણ દુન્વયી ડહાપણનો દોર ચૂકતા નથી. તમે સાંભળ્યું ને? આખરે માળવાના સુલતાન મુહુમ્મુદ ખીલજીને ગૂજરાત પરથી હાથ ઊઠાવી લઇને ભાગી જવું પડ્યું છે. ભાગતાં ભાગતાં એને કબૂલ કરવું પડ્યું છે કે ગૂજરતના કે ગૂજરાતના સુલતાનની પાસે બે લશ્કરો છે. એક લશ્કર હથિયારોથી લડે છે, ને બીજું લશ્કર રાત્રિયે દુવાઓ તેમ જ બંદગીઓથી લડતું લડતું ગૂજરાતના સુલતાનની સત્તા મજબૂત રાખે છે. એ લશ્કર એટલે અમારા સૈયદો, સાંઇઓ, દરવેશો, ધર્મપુરુષો.'

'અમારે તો હિંદુ દરવેશોના બે જ વિભાગ છે : એક ઇશ્વરોપાસનામાં તલ્લીન એકાંતવાસીઓ, ને બીજા દેવસ્થાનાંની દુકાનદારી કરતા વૈભવ પ્રેમીઓ.' રા'એ કહ્યું.

'અમારામાં પણ આપમતલબીઓ ને ટૂંકબુદ્ધિવાળા નથી એમ ક્યાં છે રા'? પણ તેમની સામે લાંબી નજર પહોંચાડનારા સુજાણો પણ સવાયા સમરથ પડ્યા છે. આ જુવો અમારા સાંઈ શેખ કમાલ : અમદાવાદ શહેરના એ આલીમ કાંઇ કમ વિદ્વાન હતા ! પણ કેવી ખોટ ખાઇ બેઠા? માળવાનો સુલતાન મુહુમ્મુદ ખીલજી અમારા શેખ કમાલનો જૂના વખતનો દોસ્ત : માળવાથી એ મુહુમ્મુદ ખીલજી શેખ કમાલના તકીઆમાં ભેટ સોગાદો મોકલ્યા કરે : મતલબ? મતલબ એક , કે શેખજી ! ગૂજરાતની સુલતાનીઅત મારે નામે થાય, તેવી બંદગીઓ કરો, તેવાં તાવીજો વગેરે કરો તો હું ફકીરોની સેવા કાજે મોટો મઠ બંધાવીશ ને તેના ખર્ચ માટે વાર્ષિક ત્રણ કરોડ તંકા (રૂપિયા)ની જીવાઇ મુક્કરર કરી આપીશ. આવા સંદેશાની સાથ એણે શેખ કમાલ પર પાંચસો સોનાની દીનારો (સિક્કા) પણ મોકલી આપી. શેખ કમાલ એમાં લપટાઇ પડ્યા. એણે કુરાનને દીનારોની પેટી બનાવી. હવે જો ગૂજરાતનો મર્હૂમ સુલતાન મહમદશા મુર્ખ ન હોત તો એ વાતની છેડતી કર્યા વગર પોતાનું કામ કરે જાત. તેને બદલે ગૂજરાતના બેવકૂફ સુલતાન મહમદશાહે શેખ કમાલની એ દીનારો છીનવી લઇ પોતાના ખજાનામાં મૂકી. પરિણામે શેખ કમાલની કદુવા તો જોરશોરથી શરૂ થઇ, કે મને સતાવનારનું સત્યાનાશ જજો, ને માળવાવાલા મુહુમ્મુદ ખીલજીને ગૂજરાત મળજો ! એકલા વિદ્વાન હોવાનો એ બૂરો અંજામ : કે ફકીર પોતાપણું ભૂલી ગયો. ને એણે માળવાવાળા એ દોસ્તને ખાતર ખુદાના દરબારમાં ગૂજરાતનું સત્યાનાશ માગ્યું.'

'તમારા ધર્મપુરુષોમાં પણ આવી બાબત?' રા'એ અચંબો બતાવ્યો.

'બાબા ! ઇન્સાન તો તમરામાં ને અમારામાં બધેય એક જ છે. તમારા બ્રાહ્મણો મારણના જાપ કરે, અમારા દરવેશો પણ એકના ભલાના ને બીજાના બુરાના રોજા રહે છે. ફરક એટલો જ છે અત્યારે તો, કે અમારામાં જે સુજાન પુરુષો છે, તે આવી દુન્વયી બાબતોની નફરત કરીને દૂર પહાડો ટાપુઓમાં નથી બેસી જતા. માળવાનો મુહુમ્મુદ ખીલજી માર માર કૂચ કરતો આવે છે, ગૂજરાતનો અમારો સુલતાન ફોશીપણું બતાવે છે, બેબાકળો બની પોતાના વાણિયા કારભારીની સલાહ માગે છે, વાણિયા ભાઇ એને તમામ ખજાના સાથે વહાણમાં બેસી જઇ માછલીઓના શિકારે સમુદ્ર પાર નીકળી જવા સલાહ આપે છે, તે વખતે પણ મારો એક સૈયદ સમશીર ખેંચી ખડો થાય છે. એ બાયલા સુલતાન બેટા કુતુબશાહને છેક નડીઆદ જઇ પડકારી લાવે છે, એ શાહજાદા કુતુબશાહને હાથે જ સુલતાન બાપ મહમદશાના જીવનરૂપ પ્યાલામાં મોતરૂપ ઔષધ રેડાય છે....'

'ફરી પાછો બાપને બેટાએ જ માર્યો! એ વાત તો મેં સાંભળી હતી. ગૂજરાતના સુલતાનોનું તો વંશપરંપરા બસ આમ જ થતું આવે છે.' રા' હસ્યો. એમાં છૂપો આનંદ હતો.

'હસી કાઢવા જેવી વાત નથી.' સાંઇ જમીયલશા બોલ્યા : 'એટલી નિષ્ઠુરતા વગર રાજ સમાલવાની બધી જ તકેદારી મારી જાય છે. તમે મુસ્લિમોને ચાહે તેટલા રૂઢિ ગુલામ કહો, સિર્ફ અંધશ્રદ્ધાળુ કહો, પણ ખરાખરીની પલે તેઓ વ્યવહાર ભજવી જાણે છે. બાત આગળ કરૂં છું. એ શાહજાદો કુતુબશા બાપના ખૂનભીના તખ્ત પર બેસી ગયો, ફોજની જમાવટમાં જ લાગી પડ્યો, છતાં તેને દરવેશોની મદદ તો સાથોસાથ મેળવી.'

'મેં પણ જાણ્યું છે, કે અમદાવાદના આપના હઝરત શાહઆલમે નવા સુલતાનને ખુદ પોતાની જ દૈવી તલવાર આપી હતી ને મંત્રેલું તીર ચડાવી માળવા-શાહને માર્યું હતું. તેથી ફત્તેહ થઇ.'

'નહિ, નહિ, આપને પૂરી ખબર નથી. અમારા દરવેશો સીધેસીધા સમશેરની શક્તિ ખરચી નાખતા નથી. સમશેરનો વારો તો સમજાવટના સર્વ ઇલાજો ખૂટી ગયા પછી આવે છે. સુણો હિંદવા શાહ, પયગમ્બરના વંશજ અમારા સૈયદ કુતુબુલે - એટલે કે હઝરત શાહ આલમના પિતાએ શું કર્યું ? એણે તો એક દરવેશની રીતે કામ લીધું. માળવા -સુલતાનને લઇ આવનાર શેખ કમાલની જ બુરી બુદ્ધિને ઠેકાણે લાવવા એણે પોતાના બેટા આ હઝરત શાહ આલમને સુલેહના સંદેશાનો કાસદ કરી મોકલ્યો, કહ્યું કે બાબા! જઇને વિનવો શેખ કમાલને, કે તમને ગેરૈન્સાફ કરનારો સુલતાન તો હયાતીમાંથી ઉખડી ગયો. છે. તો હવે માળવાના ખૂની પંજામાં ગૂજરાતને કાં મૂકાવો? અપરાધ ક્ષમા કરો. ગુસ્સો શમાવો. ને કુરાને શરીફના બોલ વિચારો કે ક્ષમામાં જે લહેજ્જ્ત છે તે વૈરમાં નથી.

પણ શેખ કમાલે આ સંદેશાને ધૂતકારી કાઢ્યો. ગૂજરાતનું તો માળવાને નામે જ મેં ખુદાને ચોપડે મંડાવી દીધું છે એવો એનો જવાબ લઇને હઝરત કુતબુલના પુત્ર પાછા આવ્યા. પુત્રને પિતાએ કહ્યું, બેટા ફરીથી જાઓ ને ચરણે ઝુકી શેખજીને વિનવો કે ગુસ્સો શમાવો. ખુદા શાંતિનો ચાહનાર છે તેના તરફ નજર રાખો. માળવાની સત્તા ભારી ક્રૂર છે. ગરીબડા ગૂજરાતી લોકો એનું નામ પડતાં જ ઉચાળા ભરી ન્હાસી રહ્યા છે. તેમનો બાપડાનો શો ગુન્હો છે? તમને સતાવનારો સુલતાન તો મરી ગયો, હવે નવા સુલતાન કુતુબશાહનો શો ગુન્હો છે? ને પાક શાયર ફિરદૌસીના બોલને યાદ કરો શેખજી, કે એક જ દાણો ખાનાર કીડીને પણ તું ઇજા આપીશ નહિ, કારણ કે તેને પણ જીવ છે, ને તેને જીવ પ્યારો છે.

આ બધી જ કાકલૂદીનો જ્યારે એ પોતાની મારણ-શક્તિનો મદ ધરવનાર વિદ્વાન શેખ કમાલે હુંકારમાં ને નકારમાં જ જવાબ વાળ્યો,

ને એમ કહ્યું કે 'મેં સાત સાત વર્ષો સુધી રોઝા રહી, ખુદાને બંદગી કરી ગૂજરાતનો મુલક માળવાના સુલતાનને નામે ચડાવી દીધો છે, ને આ કાંઇ છોકરાંની રમત નથી. ને હવે તો એક વાર છૂટેલું તીર પાછું ન વળે.' ત્યારે પણ ફરી પાછી હઝરત શાહાઆલમ સાથે વિષ્ટિ મોકલી કે 'સંતપુરુષન્નું ઇશ્વરી બળ તો છૂટેલા તીરને પણ પાછું બોલાવી શકે છે,' તેનો પણ શેખ કમાલે ગુમાની જવાબ વાળ્યો.

'હા મેં સાંભળ્યું છે કે એ શેખ કમાલે અંતરીક્ષમાં ઊંચા હાથ કરી એક કિરમજી રંગનો કાગળ પેદા કર્યો ને તેમાં લખેલું બતાવ્યું કે ગૂજરાત માળવાના ખીલજીને નામે ચડી ચૂકી છે,' રા' વચ્ચે બોલી ઊઠ્યા.

'એ તો બધી મારી અક્કલ બહારની વાતો છે મહારાજ !' વૃદ્ધ જમીયલશાહે સ્હેજ મોં મલકાવી લીધું : 'પણ મુદ્દાની બાત તો આ છે, કે શેખ કમાલનો આવો જવાબ મળ્યા પછી હઝરત કુતુબુલે જોયું કે આ ધર્મપુરુષના કોપથી રાજપલટો થશે એવો વ્હેમી ભય ગૂજરાતમાં ગભરાટ ફેલાવી ચૂક્યો છે. ત્રાસની હવા ફેલાઇ ગઇ છે. લોકો માલમતા ભરીને વતન છોડી રહેલ છે. અને ઘેર ઘેર ઘોર કતલની આગાહીથી થરેરાટી છૂટી ગઇ છે, ત્યારે એણે લાઈલાજીથી નવા સુલતાન કુતુબશાહને લડાઈ ખેલવાની સલાહ દીધી. અને લોકોમાં તેમ જ લડવૈયાઓમાં મર્દાઇ અને ઇતબાર પૂરવા માટે પોતાના એજ બેટા હઝરત શાહ આલમને શસ્ત્રો સજાવી ગૂજરાતની ફોજ સાથે મોકલ્યો. ગૂજરાતની એ ચમકી ઊઠેલી તાકાત સામે ટક્કર ન ઝીલી શકનાર માળવાનો મુહ્મ્મદ ખીલજી હાથ ખંખેરીને ચાલ્યો ગયો છે.'

'ત્યારે તો માળવા અને ગૂજરાત બેઉ મુસ્લીમ સુલતાનીઅતો વચ્ચે સદાનું વૈર ચાલશે.' એવો ઉદ્‌ગાર કાઢતા રા'ના મોં ઉપર એક હળવો આનંદ વિલસી રહ્યો.

'ત્યાં પણ તમારી ભૂલ થાય છે હિંદવા પાદશા.' દરવેશ જમીયલે પોતાની લાગણી સુખની છે કે દુઃખની એ ન કળાઇ જાય તેવી અદાથી જવાબ દીધો : 'મુસ્લિમોની ખુબી જ એ છે. તમે જાણીને દંગ ન થજો, કે માળવા-ગૂજરાત બેઉ અત્યારે એકસંપી કરી રહેલ છે. આપસમાં લડ્યા પછી તેમને દરવેશોની સલાહ સાચી લાગી છે, કે બેની લડાઇમાં ત્રીજાને ફાવટ થઇ છે.'

'ત્રીજા કોને?'

'રાજપૂત રિયાસતોને : ચિતોડના રાવ કુંભાને, ઇડરને વગેરેને. એટલા માટે બેઉ એકત્ર થાય છે. સંપ કરી ચિતોડ પર ધસી રહ્યા છે.'

રા' ખસીયાણો પડ્યો. સાંઇએ ટકોર કરી : 'હું તો કોઇનો પક્ષ લીધા વગર, જે હકીકત છે તે જ આપની પાસે મૂકી રહ્યો છું.'

'મને કાંઇ સલાહ?'ચિતોડ સમા સમર્થના ભુક્કા થવાના છે એ ભયે રા'એ સ્હેજ ઝાંખા બની પૂછ્યું.

'કંઇ સૂઝતું નથી રા'. અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ !' એટલું ઉચ્ચરીને જમીયલશાહે આંખો પર પંજો ફેરવ્યો ને કહ્યું : 'આ તો કાળનું ચક્ર ફરે છે. ઉપર આવેલ ભાગ નીચે જવા નિર્માયેલ છે.'

એ મુલાકાત પૂરી થયેં રા' પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું. ગિરનારના શૃંગો પડતાં સંભળાયાં. ને એનો જીવ ઝોલે ચડ્યો. : 'મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડે છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાટ પણ વ્યર્થ નીવડી છે. હુંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરૂં બની રહ્યો છું ! જોઅબનીયું આજ આવ્યું ને કાલ જાશે....'


Rate this content
Log in

Similar gujarati story from Classics