Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

ઉર્ધ્વગમન

ઉર્ધ્વગમન

7 mins
14.1K


હજી હમણાં તો પપ્પુને ત્યાંથી હું નીકળ્યો. આંખમાં ઉંઘનું ઘેન હતું કે થાક. પણ સામે બેઠેલી ગાય કેમ ન દેખાઈ તે સમજાયું અને છાતીમાં એક ભયંકર દર્દ સાથે ઉછળીને પડ્યો. પછી શું થયું તે ન સમજાયું.

સ્કુટર એક સાઈડ ઉપર ફંગોળાઈ ગયું હતું. રાતના સાડા દસથી અગીયારનો સમય હશે.  બેભાન શરીર ફુટપાથની કિનારી એ પડ્યું હતું. છાતીમાં મોં ઉપર અને માથામાં અમુંઝણ જેવું થતું હતું

"કો'ક પીધેલો અથડાઈ મર્યો છે..." જેવી કડવી કટાક્ષ વાણી સંભળાવતા બે-ત્રણ માણસો ત્યાંથી પસાર થઈ ગયા. એક કારવાળો થોડુંક રોકાયો પણ પોલીસ લફરાની બીકે આગળ નીકળી ગયો.

હું મારામાં તરફડતો હતો.  કળ વળતી ત્યાં દુખાવાની અનુભૂતિ થતાં શ્વાસ્ધીમી ગતિએ ચાલવા માંડતો અને થયું કે થોડુંક ઊંઘી જવાયું હતું હવે ખૂબ સારુ થઈ જશે. એમ વિચારીને પડખું ફેરવવા જતો હતો.  ત્યાં એક રીક્ષાવાળો પોલીસને લઈને ત્યાં આવ્યો. મને ઊંચકીને હોસ્પિટલ તરફ... હા, કદાચ… હોસ્પિટલ તરફ લઈ જતા હતા.

ઈન્પેક્ટર કલાણીયાએ ઈમરજન્સીનો કેસ દાખલ કર્યો અને બેભાન માણસનાં ગજવામાંથી પાકીટ કે એવું કંઈક નીકળે તો એનો રેફરન્સ મળે તેમ વિચારીને ખીસાં ફંફોસ્યાં. અંદરથી એક સાયક્લોસ્ટાઈલ સરકારી પત્ર તથા સર્ક્યુલર એમ બે ચીજો મળી આવી.

હા. તો આ બેભાન માણસ ગવર્મેંટ ઓર્ગેનાઈઝેશનનો સીનિયર ઓફિસર કમલાપતિ ત્રિપાઠી હતો. નિવૃત્તિ માટે થોડોક સમય બાકી હતો અને તેને માટે જરૂરી વિગતો ભરવાનું ફોર્મ તેના ખીસાંમાં હતું તથા આગામી ત્રીસમી તારીખે વિરોધ પક્ષનાં આપેલા બંધના એલાનને દિવસે દરેકની હાજરી જરૂરી છે તે રીતની માહિતી સૌ જુનિયરોને આપવાની તાકીદ સર્ક્યુલરમાં હતી.

વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. ત્રિપાઠી સાહેબનો અકસ્માત થયો છે. તેમના પાડોશીઓ મિત્રો વગેરે રાતનાં બે વાગ્યા સુધીમાં એકઠા થઈ ગયા.

મેં શરીરમાં પાછા પ્રવેશવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ મને ખબર જ ના પડી કે ક્યારે અને કેવી રીતે હું બહાર નીકળી ગયો. મારા શરીરની આસ પાસ ડૉક્ટર, નર્સ, સગા સંબંધીઓ ટોળું વળીને ઊભા છે. હું જોર જોરથી બુમો પાડું છું, “પપ્પુ, મણીલાલ, શંકર ત્રિવેદી.. અલ્યા કોઈ મને સાંભળો...” પણ બધું પથ્થર પર પાણી…! બધાં મારા શરીરને જોતાં હતાં. શોકમગ્ન હતાં . કદાચ મોટા ડૉક્ટરની રાહ જોતાં હતાં કે તે આવીને મૃત્યુ સર્ટિફીકેટ લખે અને જાહેરાત કરે.

હું જઈને મારા મિત્રોની વચ્ચે બેસું છું. મણીલાલ કહેતો હતો, “ત્રિપાઠી માણસ બહુ સારો, પણ આ કસમયી મૃત્યુ…? હજી હંમણાં નવ વાગે તો મારે ત્યાં કહેવા આવ્યો હતો, કાલે સવારે સમયસર આવી જવાનું છે. મેં ચાની વાત કરી તો કહે, "ના સ્પેશ્યલ ડ્યુટી છે. બધાંને આ સર્ક્યુલર વંચાવવાનો છે. હું જઉં છું.”

શંકર કહેતો હતો, “ત્રિપાઠી જરા અક્કડ હતો. મારી જોડે કાયમ ટક ટક કર્યા કરતો પણ હવે તેના કુટુંબનું શું થશે?”

ત્રિવેદી કહે, “નવાઈની વાત તો એ છે એ કે રાતના સમયે આવડી મોટી ગાય તેને ના દેખાઈ? તે ભટકાઈ પડ્યો?”

હું ત્રિવેદી સાથે દલીલ કરવા ગયો, “ગાય તો દેખાઈ હતી પણ ભટકાઈ ગયા પછી.” પણ જાણે કોઈએ મારી વાત સાંભળી જ નહીં.

ત્રિવેદી ઊઠીને કહે, “આમ તો સ્થિતિ બહુ ગંભીર છે તરત ઑપરેશન કરાવવું પડશે. પૈસાની જરૂર પડશે તારી પાસે કેટલા છે મણીલાલ?”

મણીલાલ બોલ્યો, “પાંચસો છસો પડ્યા હશે. હવે આવી કંઈ પહેલેથી ખબર ઓછી હોય છે? નહીં તો બેંકમાંથી ઉપાડીને રકમ ઘરમાં લાવીએ!"

મેં ત્રિવેદીના ખભે હાથ મૂકીને કહ્યું, “દોસ્ત પૈસાની જરૂર જ નહીં પડે, છતાંય મારો દોસ્ત પપ્પુ છે ને એને વાત કરજો." પણ ફરી મારું કોઈએ ના સાંભળ્યું.

મણીલાલ અને શંકર ડોક્ટર પાસે ગયા અને ત્રિવેદી ઘરે ગયો. ત્યાંથી મારે ત્યાં જઈને બધાને બોલાવી લાવ્યો. સરયૂ, સુલભા અને સૌરિન... ત્રણેય ગમગીન ચહેરે આવ્યાં. મારા શરીર સામે જોઈને તેઓ હીબકા લેવા લાગ્યાં. મેં સરયૂને ભૂમ પાડી. "અરે? તમે કેમ રડો છો? હું તો અહીં તમારી સામે ઊભો છું. ઘરેથી હું તો હોસ્પીટલ જવા નીકળ્યો હતો બીના બીમાર હતી. તેને હોસ્પીટલમાં રાત્રે કંઈ જરૂર પડે તે પૂછવા જતો હતો.

સુલભા રડતી હતી, "દીદી! મમ્મી હોસ્પીટલમાં... પપ્પા હોસ્પીટલમાં… આપણું શું થશે?” સૌરિન નાનો હતો પણ હતો હિંમતવાળો કહે કે શું થશે શું? સૌ સારુ થઈ જશે.

સુલભા બોલી, “પણ સૌરિન પપ્પા નહીં બચે!"

"કેમ એવું બોલે છે, બહેન, પપ્પા જરૂર બચી જશે." ત્યાં ડોક્ટર આવી ગયા. લોહી બહુ વહી ગયું છે. એટલે લોહીની જરૂર પડશે. બે પાંચ જણાને બોલાવી લાવો. અને હાજર છે તેના ગૃપ ટેસ્ટ કરાવી લો. તાબડતોબ ઓપરેશન કરવું પડશે.

રાતના ત્રણના ટકોરા પડતા હતા. હું ઓક્સીજનના બાટલાની નળી દ્વારા પાછો દાખલ થવા મથ્યો... મારા અશ્ચર્ય વચ્ચે હું દાખલ થઈ ગયો. સહેજ સળવળાટ થયો અને પાછો ઊંડી નિંદ્રામાં સરી ગયો. સરયૂ, સુલભા અને સૌરીનના ચહેરા ઝાંખા થતા જતા હતા. ત્રિવેદી ચિંતિત વદને પૂછતો હતો.

“કેવું છે ડૉક્ટર? બચી જશેને?"

ડૉક્ટર કહેતા હતા, "મગજમાં બે ત્રણ ક્લૉટ જામી ગયા છે. કાઢી તો નાખ્યા છે. હવે સવારે સાત વાગ્યે ખબર પડે."

ડૉક્ટરે મણીલાલ, શંકર અને ત્રિવેદીને કેબીનમાં બોલાવ્યા ચા પિવડાવી અને ધીમે રહીને કહ્યું, "નજીકનાં સગાવહાલાને બોલવી લો. આવા કેસ નસીબ પાધરું હોય તો જ બચે છે." ત્રણેના મોં સીવાઈ ગયાં

ત્રણેય જણાએ બહાર આવીને મસલત કરી અને નક્કી કર્યુ કે પપ્પુને જાણ કરો તે ત્રિપાઠીના ઘરવાળાને જાણે છે. સૌરિન એક ખુણામાં પલાઠી વાળીને ગુમસુમ બેઠો હતો. સાથમાં સુલભા રડતી બેઠી હતી. સરયૂ અને ત્રિવેદીની છોકરી પણ ગુમસુમ બનીને બેઠી હતી. ઇંટ્ન્સીવ કેર યુનીટ્નો સ્ટાફ ખડે પગે પેશન્ટની દેખરેખ રાખતો હતો. પેશન્ટ પણ મામુલી નહોતો. સીનીયર અધિકારી હતો. જાહેરક્ષેત્રની અઢળક નફો કરતી પબ્લીક સેક્ટર યુનીટનો કાર્યદક્ષ અધિકારી.

"ધૂળ...! કાર્યદક્ષ અધિકારી? લાંચિયો હતો. લાંચ લેતો હતો. રસાયણોમાં હલકો માલ ભરતો હતો. સ્ટોરમાં જરૂર ન હોય તો પણ તેના જાણીતા અને લાંચ આપતા જુદાજુદા માનસો પાસેથી માલ લેતો હતો અને ચાર છ મહિને તેનો તેજ માલ રદ્દીમાં લખી વાળીને લખલૂંટ પૈસા પેદા કરતો હતો. આવા અધિકારિઓના તો આવા જ હાલ થવા જોઈએ. પાછો દારુડીયો પણ ખરો. એનો પપુડીઓ પણ દારુડીયો જ વળી ! રાત્રે એકાદ પેગ વધારે પીવાઈ ગયો હશે. બાકી ગાય ના દેખાય તેવું બને?" 

"શી..શી..શી… જેની મરવાની ઘડીઓ ગણાતી હોય તેને માટે આવું ના બોલીએ!"

"હા, ભાઈ તમારી વાત સાચી છે. આતો 'કાર્યદક્ષ' શબ્દ આવ્યો તેથી બોલાઈ ગયું. બાકી બહાર જઈને ઊભો રહે તો કોઈ ચાર આનાના ચણાય ન આપે. પણ જવાદોને તે વાત...! કહે છે ને ફાવ્યો મુર્ઘો ડાહ્યો.

"આ પપ્પુ આવ્યો. તેને ડૉક્ટરનો સંદેશો આપો એટલે તેના સગાવહાલાને બોલાવવાની સમજ પડે." 

"સવાર પડવા દઈએ. આમેય ઑપરેશન તો થઈ જ ગયું છે ને?"

"ભલે"

સવારે બીનાના ડુસકા સાંભળીને હું જાગી ગયો. સુલભા બીનાને કહેતી હતી, "મમ્મી, કાલ રાતનો મારો જીવ બહુ બળતો હતો. મને સારું લાગતું નહોતું. ભણવામાં ચિત્ત નહોતું. એમ.એસ.સીના છેલ્લા વર્ષમાં હતી અને પપ્પાની ખૂબ જ લગની. રાત્રે દસ વાગે તો ઘરનું બારણું ખોલી શૂન્યમનસ્ક થઈને ઊભી રહી... કદાચ છઠ્ઠી ઇંન્દ્રિયથી તેને ખયાલ આવી ગયો હતો કે કશુંક ખરાબ થવાનું છે. એને ગભરામણ જ થયા કરતી હતી. બહાર દિવાનકાકા મળ્યા. એમણે પૂછ્યું પણ ખરું, "કેમ બેટા આટલી મોડી બહાર નીકળી છું?"

થોડાક અફસોસ કરતાં તે બોલી, "ગભરામણ જેવું થાય છે. મમ્મીની ચિંતા થાય છે."

"પણ મમ્મીને તો સારુ છે દીકરી ગઈ કાલે હું તેમને મળીને આવ્યો હતો. થોડીક હિંમત રાખીશ તો સારું લાગશે. તારીતો પરિક્ષાય નજીક છે ને?"

થોડુંક સાથે ઊભા રહીને તેમણે ફરી કહ્યું, "ચાલ ચા પીવા આવવું છે? રાત્રે જાગી શકીશ."

"ચા તો નથી પીવી પણ તમારી સાથે સોસાયટીના નાકાં સુધી આવું?"

"ચાલ બેટા…"

બીના રડતી હતી. સુલભા પણ રડતી હતી. “બીનાની મમ્મી અને કાકા પણ આવી ગયા છોને? કેમ બધાં ભેગાં થઈને રડો છો? હું તો હજી જીવતો છું પણ મને ક્યાં કોઈ સાંભળે છે?”

નર્સે આવીને બ્લડ પ્રેસર્નું સાધન લગાવ્યું. બ્લડ પ્રેસર માપી ગઈ. તરત જ ડૉક્ટર આવ્યા. એક ઈન્જેક્શન લગાવ્યું... ડોક્ટર મને કંઈક પૂછતા હોય તેમ લાગ્યું પણ મને કંઈ જ સંભળાતું નહોતું... અને ક્યારે હું મારા શરીરમાંથી બહાર નીકળીને મિત્રોનાં ટોળામાં આવીને બેસી ગયો તેની કંઈ ખબર જ ના પડી...

સૌરિન ખૂબ જ રડતો હતો. ડૉક્ટરોએ જાહેર કરી દીધું હતું કે ત્રિપાઠી મૃત્યુ પામ્યો છે. બીના માથાં પછાડી પછાડીને રડતી હતી.. "આ ઉંમરે મને એકલી છોડીને ક્યાં જતા રહ્યા.. .આ બે છોકરીઓનું કન્યાદાન હવે કોણ કરશે? આ સૌરિનને કોણ ભણાવશે?"

“બીના… બીના... આતું શું બોલે છે? તું તો ખમતી ધર છે... અને હા, હવે હું તને કહું છું તને કંપનીમાંથી શું મળશે...” પણ મને ખબર હતી કે તેને મારું બોલેલું કોઈને સંભળાવાનું નહોતું. બોલવાનો અર્થ પણ નહોતો. 

મારા માટે લોકો શું બોલે છે તે સાંભળવાની મઝા આવતી હતી. પેલો આઠવલે તેના પાર્ટનરને કહેતો હતો, "ચાલો ત્રિપાઠી ગયો હવે એક્ને કમીશન આપવાનું ઘટ્યું.”

પપ્પુ બીનાને કહેતો હતો કે ત્રિપાઠીનો અકસ્માત થયો ત્યારે તે ઓન ડ્યુટી હતો એટલે તેને બે લાખ રૂપિયા તેના મળશે. ગૃપ ઈન્સ્યોરન્સના ૯૦ હજાર. સ્ટાફ વેલફેરના ૨૫ હજાર વિમાના સિત્તેર હજાર આમ ત્રણ લાખને ૮૫ હજાર તો મળશે.

સહેજ થંભીને કહે. “હા તમને નોકરી જોઈતી હશે તો મળશે પણ છોકરીઓને તે નહીં મળે… સૌરિન નાનો છે પણ દસમું પાસ થશે ત્યારે તેને નોકરી મળશે અને છોકરીઓને તો નોકરી નહીં મળે... ખરો વિચિત્ર નિયમ છે.

પપ્પુ મારો દિલદાર મિત્ર છે. તેને દીલ્હીના ઘર અને શેરોની માહિતી છે. પણ તેની કિંમત ખબર નથી. ફેબ્રીકેટરની લાંચ ઘરના રૂપે હતી. મનમાંને મનમાં મેં ગણતરી કરવા માંડી સરયૂ અને સુલભાના લગ્નમાં બે બે લાખ ખર્ચા સામે પેન્શન અને પીપીએફ બધું મળીને દસ લાખ જેવું તો બીનાને મળી રહેશે. મને લાગે છે કે તેને કોઈ તકલીફ નહીં પડે.

મારાથી હવે પાછું જવાતું નથી. ચાલ થોડુંક સૂઈ લઉં પછી ઉઠાશે તો ઠીક… નહીંતર હવે નિવૃત્તિ જ છે ને? કોઈ ચિંતા નથી, તકલીફ નથી સર્વત્ર શાંતિ છે હવે પ્રભુશરણ જ બાકી છે ને?

અને હવે મારા જીવે સડસડાટ ઉર્ધ્વગમન શરું કર્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy