Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics Tragedy

0  

Zaverchand Meghani

Classics Tragedy

મરતા જુવાનને મોંએથી

મરતા જુવાનને મોંએથી

10 mins
420


ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે.

"હું હવે અંદર આવું ?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓરડાની બહાર ફળિયામાં ઊભા રહીને પુછાવ્યું. તેના જવાબમાં જુવાન દીકરાએ ખાટલામાંથી ઊઠીને ઠેક મારી, દાબ્યો દબાય નહિ અને બોલવા લાગ્યો: "ના, ના, ઇ કાળા મોઢાવાળાને મારી કને ન આવવા દેશો અને મારી છેવટની મનવાછા એક જ છે ઠાકોર આતાભાઇને કોઈ વાતે આંહીં એક વાર તેડી લાવો, મારે એમનાં દર્શન કરી લેવાં છે."

મરતો દીકરો પોતાના સગા બાપને નજરે થવા દેતો નથી, એવી ભાવનગરના રાજાજી આતાભાઈ ઉર્ફે વખતસિંહજીને જાણ કરવામાં આવી. મરતો જુવાન મને મળવા ઝંખે છે તો મારે જવું જોઈએ, એમ વિચારીને ઠાકોર આતોભાઈ વડવામાં ઉમેદસીંગ ગોહિલને ઘેર ચાલ્યા.

તે વેળામાં ભાવનગર હજી 'નગર' નહોતું બન્યું. મૂળ ગામ તો વડવા જ હતું. વડવાની આજુબાજુમાં વાડીઓ હતી. વાવેતર કરનાર ખેડૂતો-ગરાસદારો જ વડવામાં મોટે ભાગે રહેતા. ઉમેદસીંગ ગોહિલ પણ વડવામાં છસો વીઘાની વાડી ખાતા હતા.

દરબાર આતોભાઈ જેવા રણજોધાર હતા તેવા જ પાછા રખાવટે ચતુર હતા; એટલે પોતાની જમીનમાં સોનાનો કસ પૂરનારી વસતીને ઝૂંપડે અરધે વેણે અને અડવાણે પગે જઈ ઊભા રહેતા. જમઝાળ કાઠીઓનું મથક ચિત્તળ ભાંગવામાં કાઠીઓની ધૂંવાધાર તોપોને કાને ખીલા ઠોકી આવનાર એકલવીર આહિર જાદવ ડાંગર જેવા જણ પોતાના જમણા હાથ હતા, એ વાત ઠાકોર આતોભાઈ વીસર્યા નહોતા.

"કાં, કેમ છે, બેટા ?" એમ કહીને ઠાકોર આતોભાઈ જેવા એ આજાર માણસની પથારી પાસે ઊભા તેવો જ એ મરતો જુવાન સૂતો હતો ત્યાંથી બેઠો થઈ ગયો, ને ઠાકોરના હાથ ઝાલીને બોલ્યો: "બાપુ, તમે થોડી વાર આંહીં મારી કને બેસશો ? મારે એક છેલ્લુકની વાત કે'વી છે."

ઠાકોર એ જુવાનના તાવે શેકાઈ રહેલ બિછાના ઉપર સમતા રાખીને બેઠા. માંદા જુવાનનો ધનુરવા કોણ જાણે શાથી પણ અટકી ગયો. શુદ્ધબુદ્ધ ઠેકાણે રાખીને જુવાને વાત આરંભી:

બાપુ, તમને ખબર હશે કે આ ભાવનગરનાં તોરણ બાંધનાર તમારા દાદા ભાવસંગજીને રાજુલેથી ભાગવું પડ્યું હતું.

"સાચું." ઠાકોર આતાભાઈએ મોં મરકાવીને કબૂલ કર્યું. જુવાને વાત ચલાવી;

પેશ્વાની ચોથ ઉઘરાવવા માટે કંથ-પીલા ગાયકવાડ વડોદરેથી ઊતરેલા. એમની ફોજનો પડાવ રાજુલાના ડુંગરમાં પડ્યો હતો. ઠાકોર ભાવસંગજીને શિહોરથી તેડાવીને કંથા-પીલાએ નજરકેદ રાખ્યા હતા. પેશ્વાની ચડત ચોથ ભરવાનાં નાણાં તમારા દાદાના ખજાનામાં નહોતાં રહ્યાં, ને નાણાં ન ભરે ત્યાં સુધી કંથા-પીલા એને અટકાયતમાંથી છોડનાર ન હતા.

"સાચું." ઠાકોર આતાભાઈએ પોતાના મોં પર જ આ શરમકથા કહેનારો માનવી પહેલો પ્રથમ દીઠો.

આખરે તમારા દાદાને તરકીબ કરવી પડી: વિજયાદશમી આવી, અને ઠાકોર ભાવસંગએએ ગાયકવાડ પાસે અરજ ગુજારી કે "બીજું કાંઈ નહિ, પણ આજ આમારો રજપૂતોનો મોટો તહેવાર છે, આજ અમારે ગામ સીમાડે શમીવૃક્ષનું પૂજન કરવું જોવે; ન કરીએ તો અમારાં પરિયાં પાણી ન પીએ, અમારી સાત પેઢી અસદગતિમાં પડે. માટે, મહારાજ ગાયકવાડ, બે હાથજોડીને વીનવું છું કે કૃપા કરી તમારી ફોજના ચોકી પહેર હેઠળ અમને આ ગામના સીમાડા સુધી આજ શમીપૂજન કરવા જ્વાની આજ્ઞા આપો.

કંથ-પીલા હતો ભોળા દિલના. એમણે ઠાકોરને વેણે વિશ્વાસ રાખીને છૂટી આપી. ને પછી લાગ ગોતીને ઠાકોર પોતાના પાંચ અસ્વારે રાજુલાને સીમાડેથી શિહોરને માર્ગે નાઠા.

"નાઠા, ભાઈ, નાઠા!" વાત સાંભળનાર આતાભાઈએ ફરી એકવાર મોં મલકાવ્યું. જુવાને પાછો વાતનો તાગડો સાંધ્યો:

ભાવસંગજી ચોર બની નાઠા , અને પછવાડે પેશ્વાઈના ફોજનાં ડંકાનિશાન ગડગડી ઊઠ્યાં. કંથ-પીલાનો હુકમ છૂટ્યો કે 'ઠાકોર ભાવસંગને જીવતો યા મૂવો પણ ઝાલીને પાછો મારી પાસે હાજર કરો. એ મારો ચોર છે; એણે દગલબાજી કરી છે.'

ભાગી રહેલ ઠાકોરભાવસંગજીને ખબર પડી કે પછવાડે પેશ્વાઈ ફોજ પગલાં દબાવતી આવે છે, અંતર ઓછું પડતું જાય છે, અને દિવસ આથમ્યા પહેલાં જો મને દુશ્મનો આંબી લેશે તો આ ચોરી મોંઘી પડી જવાની છે!

સૂરજ મેર બેસી રહેલ છે, અને શિહોર તો હજુ ઘણાં લાંબા પંથે પડ્યું છે. શત્રુની ફોજાના હાકોટા પણ કાને પડ્યા હાથ પડ્યા તો મરચાંના પાવરા મોંએ બાંધીને ભૂંડે મોતે મારશે. અને આ તો સામે ઊભી છે ડુંગરમાળ: બીજો કોઈ રસ્તો નથી - નાની પગદંડી નથી આસપાસમાં. ને આ રહ્યું ભોકળવાની ભરડ્યનું ડાચું. આ ભરડ્ય એ એક જ રસ્તો ડુંગરમાળને સામે નીકળવાનો છે. પણ ભરડ્યમાં દાખલ થયો તો ભીંસાઈ જવાનો. પોણા ગાઉની આ સાંકડી ઊંડી નાળ્યમાં તો મને જાંગલા (મરાઠા) ગૂંગળાવીને મારી નાખશે!

એવે કટાકટીને ટાંકણે, બાપુ, પોતાની સતાવીસું સાંઢ્યો ઘોળીને એક રબારી ત્યાં ઊભો હતો - ત્યાં ભોકળવાની ભરડ્યના મોં પાસે. એ રબારી હાજા આલે ઓળખ્યા કે આ તો ઠાકોર ભાવસંગજી !

ઠાકોરે કહ્યું કે, " હા, ભાઈ હાજા આલ, આજ અમે ઘેરાઈ ગયાં છીએ. શિહોર છેટું રહ્યું ને આંહીં થોડી ઘડીમાં અમારાં કમોત થાશે."

રબારી હાજો આલ જાતવંત હતો. ઠાકોરના બૂરા હવાલ દેખીને એનું દિલ ઉમળકે ગયું. એણે છાતીએ પંજો મૂકીને કહ્યું: "ઠાકોર ભાવસંગજી, આ ભોકળવાની ભરડ્યમાં થઈને તમે તમારે ભાગી નીકળો. અને હરમત રાખજો, વશવાશ કરજો, કે હરિ કરશે ત્યાં સુધી તો ગાયકવાડની ફોજને દી ઊગ્યા મોર આ ભરડ્ય નહિ વલોટવા દઉં."

ઠાકોરે પૂછ્યું કે "શી રીતે, ભાઈ? તું એકલો શું કરીશ?"

હાજો કહે કે, ઠાકોર, અત્યારે એ બધી વાતોની વેળા નથી. તમે તમારે પોગી જાવ શિહોરા ગઢની અંદર. પછે હું છું ને પેશ્વાઈ ફોજ છે."

ઠાકોરના પાંચ અસવારોને ભરડ્યમાં ગાયબ કરી મૂકીને પછી રબારી હાજા આલે પોતાની સાતે વીસું સાંઢ્યોને ભરડ્યના મોંમાં જ ઠાંસી. ઠાંસો કરીને પોતાની તરવાર ચલાવી... એકપછી એક સાતે વીસ સાંઢ્યુંને ગૂડી નાખી. મોંમાંથી "બાપ! બાપ મારા! મા મારીઉં!" એવા વહાલપના બોલ કહેતો સાંઢ્યોને થંભાવી રાખે છે; અને એક પછી એક કતલ થતી સાંઢ્ય મોંમાંથી ચૂંકારોય કરતી નથી.

જોતજોતાંમાં તો સાતવીસ સાઢ્યુંનાં શબોનો ઠાંસો ભરડ્યના ઊંડાઊંડા ગાળામાં દેવાઈ ગયો. એ ઠાંસાને માથે હાજો આલ ઉઘાડી તરવારે ઊભો રહ્યો: ને રાતના અંધારામાં ગાયકવાડી ફોજ ભરડ્યના બીડેલ મોં પાસે ઊભી રહી.

સતાવીસ સાંઢ્યોનાં મડદાને એ ઠાંસામાંથી ખેસવવાં એ સહેલ નહોતું. ઉપરથી હાજા આલના ઝાટકા વરસતા હતા. ભરડ્યનું મોં ખુલ્લું કરતાં કરતાં તો ફોજને પોણી રાત વીતી પણ પછી તો પ્રભાતે જ્યારે ફોજ શિહોર પહોંચી ત્યારે ઠાકોર ભાવસિંહજી ગઢમાં દાખલ થઈ ચૂક્યા હતા અને કિલ્લાની ભાગોળો ભિડાઈ ગઈ હતી.

જુવાનની આ કથા આતાભાઈના મોં પર વિવિધ રંગો પૂરતી જતી હતી. ઠાકોર આંખમાં જળજળિયાં ડોકાયાં.

જુવાન આગળ વધ્યો:કોપાયમાન કંથ-પીલાએ રાજુલાથી પડાવ ઉઠાવીને શિહોર ઘેર્યું. ત્રણ હજારની એમની ફોજ હતી અને ભેળી એક તોપ હતી. શિહોરથી ચારેક વીઘાને છેટે 'ફાંકડો' નામની એક ટેકરી છે; એ ટેકરીની ટોચે પીલાજીએ પોતાની તોપ ચડાવી. ત્યાંથી એના ગોલંદાજે મારો શરૂ કર્યો.

મરાઠાના એ ગોળા સીધેસીધા શિહોર ગામની અંદર પછડાઈને વસતીનાં ઘરબારનો ભુક્કો બોલાવવા લાગ્યા.

એક દિવસ, બે દિવસ ને ત્રણ દિવસ થયા ત્યાં તો શિહોરની વસતી ઉચાળા ભરવા લાગી. ઠાકોરનું મોં ખસિયાણું પડી ગયું. ઠાકોર શું લઈને વસતી રોકવવાનું કહે ? રાજા જેવો રાજા આજ રૈયતનું રક્ષણ નહોતો કરી શકતો.

લોકો બધાં જોતાં હતાં કે ઠાકોર ભાવસંગજી આમ રઘવાયા થઈને ગામના ડુંગરાની ટૂંકે ટૂંકે કાં દોટાદોટ કરે ? ઠાકોર કેમ બોલતા નથી ? ડુંગરા ઉપર ચડીને, આંખે હાથના ભૂંગળાં વાળી ફાંકડા ટેકરીની સન્મુખ મીટ જ કાં માંડ્યા કરે?

અંતે ઠાકોર 'રનાનો ચોરો' નામને જે અસલી બ્રાહ્મણ રાજવેળાને જગ્યા ઊંચી ડુંગરટોચે બંધાયેલી છે તેના ઉપર ચડ્યા. ત્યાંથી 'ફાંકડા' ઉપર નિશાન લીધું... ને પછી આજના કરી કે આપણી જમના તોપને આંહી ચડાવો.

સહુએ પૂછ્યું કે શું કરવું છે ત્યાં તોપ માંડીને ?

ઠાકોર કહે કે 'પેશ્વાઈ તોપનું ડાચું ફાડાવું છે. જમના તોપના ગોળાનું નિશાન આંહીથી જ માંડી શકાશે : બરાબર ફાંકડા ડુંગરાની ટૂકે."

જમના તોપને બળદો જોડ્યાં: એક જોડ, બે જોડ... પાંચ... દસ... અને છેવટે બળદની બાવીશ જોડી જોતરી છતાં જમના તોપ રણાને ચોરે ન આંબી. શિહોર ગામના અસલ બળદોની કંઈક જોડીઓ તૂટી ગઈ.

અને 'ફાંકડા'ની ટોચેથી પેશ્વાના ગોળા ગામને ફૂંકતા જ રહ્યાં.

એવા લાઈલાજીના સમયે ઘાંઘળી ગામનો એક બ્રાહ્મણ પોતાનું ભરત ભરેલું ગાડું હાંકતો શિહોરને પાદર નીકળ્યો. એણે આંખો ઉપર નેજવું કરીને રણાના ચોરા સામી નજર માંડી: બલદોની કતાર પર કતાર: હાકોટા ને રીડિયા: કેટલાય બળદો ડુંગરાને અધગાળેથી ગબડી પડે છે, માંયેથી લોહીના કોગળા નીકળી પડે છે: માણસોની ઠઠ જામી છે.

ઘાંઘળીના બ્રાહ્મણે ઢાંઢાની રાશ ખેંચીને માણસોને પૂછ્યું : "શું છે આ બધો મામલો?"

લોકોએ કહ્યું : વાત બધી આમ છે, ને જમના તોપ જો રણાને ચોરે ન ચડે તો શિહોર ઉજ્જડ થાય તેમ છે.

સાંભળીને ઘાંઘળીના બ્રાહ્મણે ગાડું ગામમાં વાળ્યું. પોતાન બે બળદિયાને લઈ એ ઠાકોરની સન્મુખ હાજર થયો, અને એણે કહ્યું : "એક વાર મને અજમાવવા દેશો?"

"ભલે, ભાઈ; તારીય જોડી સહુની સાથે જોતરી લે."

"ના, બાપુ; એમ નહિ"

"ત્યારે કેમ?"

"મને એકલાને જ જોતરવા દ્યો"

"ભાઈ ગાડાખેડુ!" ઠાકોર એની સામે જોઈ રહ્યા! તારા ઢાંઢા જીવતા નહિ રહે ને બ્રાહ્મણના દીકરાની ખેડ ભાંગશે."

"ઠાકોર ભાવસંગના માથેથી ઓળઘોળ. ને હું નુકસાનીનો એક પૂળો કડબેય નહિ માગું. પણ મને એકવાર અજમાવવા દ્યો."

"પણ કંઈક જોડી તૂટી ગઈ, ભાઈ!"

"તોય એકવાર મહેર કરો"

"બ્રાહ્મણે બે જ બળદ જમના તોપને જોતર્યા. પછી બળદના વાંસામાં હાથ મૂકીને ડચકાર્યા. બળદે જમનાને ખસેડી ઉપાડી અને એક જ વિસામે રણાના ચોરા સુધી ચડાવ વટાવી દીધો.

લોકોના મોંમાંથી 'વાહ-વાહ' ના વેણ સુકાય તે પહેલાં તો બ્રાહ્મણના બેય બળદ ત્યાં ઢગલો થઈને ગબડી પડ્યા... પડ્યા પછી પાછા જ ન ઊઠ્યા.

ઠાકરે બ્રાહમણની સામે નજર કરી.

"ઠાકોર !" બ્રાહ્મણે જળજળિયાં ભરેલ આંખે ભાવસંગજીને ચેતવ્યા: "અત્યારે બીજી કોઈ વાતનો સમો નથી. જે કામના ત્રાજવામાં આજ આપણી લાજાઅબરૂ તોળાઈ રહેલ છે તેની ફતેહ કરો. ઠાકોર ! બ્રાહ્મણના આશીર્વાદ છે."

એ વેણ બોલતાં હતાં તે વખતે ફાંકડાની ટેકરી ઉપર ધુમાડાની શેડ ઉઠતી હતી. મરાઠી તોપ દગાઈ રહી હતી. શિહોરની ડુંગરમાળનાં પેટાળ જાણે કે ઊખડી જતાં હતાં.

જમના તોપમાં ઠાકોર સ્વહસ્તે દારૂગોળો ભર્યો. ગોલંદાજને કહ્યું કે " ભાઈ, તું છેટો ખસી જા; મારું તકદીર મને અજમાવી જોવા દે."

એમ બોલીને પોતે જ જમનાની નાળીનું નિશાન ફાંકડા ટેકરી પરની પેશ્વાઈ તોપના ડાચા તરફ ગોઠવ્યું. પછી કાકડી લઈને સ્વહસ્તે જ ઠાકરે જમનનાને દાગી.

ભાવનગરના રાજવંશનું ભાગ્ય જબરું નીવડ્યું: ઠાકોરની તાકર અફર થઈ: ફાંકડાની ધાર પર મરાઠી તોપના જડબામાં જ જમનાનો ગોળો અંટાણો : મરાઠી તોપનું ડાચું ફાટી ગયું.

પછી ઠાકોરે મારતે ઘોડે મરાઠાઓ ઉપર હલ્લો ચલાવ્યો. તોપ વગરના નિરુપાય કંથા-પીલાએ વડોદરાની વાટ લીધી.

ઠાકોરે ફતેહનો દરબાર ભર્યો. ભરદરબારમાં ઘાંઘળીના બ્રાહ્મણને છસો વીઘાં જમીનની ભેટ ત્રાંબાને પતરે લખી આપી.

"ધન્ય એ રાજા પ્રજાને !" ઠાકોરા આતાભાઈએ ઉદ્ગાર કાઢ્યો: પછી કહ્યું: "હવે, જુવાન, તું થાક્યો હોઈશ !"

ના, ના; મુદ્દાની વાત જ હવે આવે છે, બાપા ! - કહીને એણે ચલાવ્યું:

ભગાભાગ કરતી મરાઠી ફોજના બે ઘાયલ પૂરબિયા પછવાડે રહી ગયા હતા. વતનની વાટ આ બેય જણાને બહુ છેટી થઈ પડી. પેટને કારણે બેઉ જણાએ વહાલા-સગાંને તજ્યાં હતાં. બેયની કેડ્યમાં ત્રેવીસ-ત્રેવીસ સોનામો'રની ચીંથરીઓ બાંધી હતી. પોતાના મુસારામાંથી બચાવી રાખેલ એ સોનામો'રું બાયડી-છોકરાંને ઘરખરચી માટે મોકલવાનો હવે કોઈ મારગ નહોતો. પૂરબિયા નાઠા.

એક જ ઝાળું હલાવીએ તો આખી ને આખી હલે એવે ઘાટી ઝાડવેઝાડવું ગૂંથ્યું હોય તેવી ગોરડ બાવળની કાંટ્ય, તે દિવસોમાં શિહોરથી ઠેઠ ભાવનગર સુધી જામી પડી હતી.

બેય પૂરબિયા એ ઘટાટોપ કાંટ્ય સોંસરવા ઠેઠ અહીં વડવા લગી પહોંચ્યા. પછી રસ્તો ન જોયો ને હાલવાની તાકાત તૂટી પડી.

બેય જણા જમીન પર બેસી ગયા. પાસે પાણીની કોથળી હતી તેમાંથી પૂરા ઘૂંટડા પાણી પીધું. કેડ્યેથી બેય જણાએ ચીંથરીઓ છોડીને બચાવેલી સોનામો'રું કાઢી. બેયનો સરવાળો સુડતાળીશ સોનામો'રુંનો થયો.

બેયની વચ્ચોવચ્ચ એ સુડતાળીશ સોનામોરુંને ભોંયમાં દાટી દઈને પછી બેય પૂરબિયા સૂઈ ગયા... એ બે પણ ફરી પાછા ઊઠ્યા જ નહિ.

પૂરબિયા મરીને બે સાપ સરજ્યા. સુડતાળીશ સોનામો'રું સગાંવહાલાંને પહોંચાડવાની વાસના રહી ગઈ હતી. એ દાટેલી માયાની ચોકી બેય સાપ કરવા લાગ્યા.

સોનામો'રું દાટી હતી તે જમીન ઉપર તો તે પછી એક વાડી થઈ. દિવસ રાત કોસ ચાલતા થયા. બળદો બંધાવા લાગ્યા. વાડીના ખેડૂતો, ખેડૂતોની બાઇઉં, એનાં બચ્ચાં તમામના એ વાડીમાં તો કલ્લોલ મચી ગયા.

વાડીના એ પશુઓ તેમ જ માનવીઓની જોડે બે મોટા કાળા સાપ પણ વાડીનાં સંતાન જેવા બની રહ્યા: વાડીના ઊભા લીલા મોલમાં આંટા મારે, ઠાઢા ટાઢા ધોરિયામાં લાંબા થઈને ઉનાળાના દા'ડામાં સૂઈ રહે, બળદોના શીંગ ઉપર ચડીને પૂંછડી વીંટાળી બેય સાપ ઊંધે માથે હીંચકા ખાય. છોકરાંના પગમાં હડફેટે આવે, પણ કોઈ કરતાં કોઇને ફૂંફાડોય ન કરે.

રેશમના જાડાં આંટલાં હોયની જોણે, એવા બેય સાપ લાગતા હતા. માનવીઓનો સહવાસ એને બહુ મીઠો લાગતો. બાઇઉંને અને બચળાંને દેખી બેય ગરીબડા બની જતા. કાળસ્વરૂપ ઝેરી જનાવર જેની કલ્પના કરતાંયે માનવીનાં હાડ થીજી જાય એવાં એ જનાવરોનાં અંતરમાં શી શી મૂંગી મમતા અને ઝંખના સમાઈ હતી, એ કોણ જાણી શકે, બાપુ ? કોને એની કલ્પના આવે ? દાટેલી માયાને કાઢી ઉત્તર હિન્દના એક ગામડામાં ફલાણીફલાણી બાઇઉંને પહોંચતી કરજો, ભાઇ ! એવું એ કોને કહે ? કેમ કરીને કહે ? ને ન કહે ત્યાં સુધી ક્યાંથી જંપે ?

વાત કરતો કરતો જુવાન આંસુડાં રેડતો હતો. સાંભળનારાઓની અજાયબીનો પાર નહોતો કે આ જુવાન શી વાતને લવારે ચડ્યો છે ને શા હેતુથી રોઈ રહેલ છે ? સહુને લાગ્યું કે કંઈક ઠેકાણા વિનાનું બકબક કરી રહ્યો છે.

જુવાને થોડો વિસામો લઈને ગળું સરખું કર્યું, ને પછી વાત આગળ ચલાવી:

પછી તો છેલ્લો જ બનાવ કેવાનો રે' છે બાપુ ! એક દિ' ઉનાળાના બપોર હતા. કોસ છૂટી ગયા હતા. ભતવારીઓ ભાત લઈને આવેલી, તે વાડીના વડલાને છાંયે ધોરિયાને કાંઠે બેઠીબેઠી ધણીઓને ખવરાવતી હતી; અને નીરણ ચાવીને ધરાયેલા બળદો બેઠા બેઠા વાગોળતા હતા. એમાંથી એક બળદનાં શીંગ ઉપર પૂંછડીનો વીંટો કરીને ઓલ્યા બે માંયલો એક સાપ ઊંધે માથે ઝૂલતો ને ગેલ કરતો હતો.

એ જ વખતે ત્યાં વાડીનો માલેક ગરાસિયો આવ્યો, એણે બળદને શીંગડે કાળા સાપને હીંચકતો દીઠો. એનો અવાજ ફાટી ગયો.

એણે રીડિયા પાડ્યા કે "એલા, ધોડો, હમણાં જ આ સાપ આપણાં બળદને ફટકાવી ખાશે ! એલા, કોઈ સાણસો પરોણો લાવો!"

એના રીડિયા સાંભળીને કોસિયા, પણોતિયા તેમ જ બાઇઉં ને છોકરાં ખડખડ દાંત કાઢવા લાગ્યાં. કોઈ ઊઠ્યું જ નહિ.

"અરે, હસો છો શું, રાંડુની જણીનાંઓ !" માલિક ભય અને ક્રોધમાં ભાન ભૂલ્યો: "તમારો બાપ હમણાં જ મારા પાંચસો રૂપિયાના ઢાંઢાને અળસાવી દેશે. કોઈ મારી કને લાકડી લાવો !"

સાથીઓએ કહ્યું: "બાપા, તમે ગભરાવ મા! ઈ નાગ નવો આજકાલનો નહિ પણ આદુ કાળનો આંઈ છે; ને ઈ તો રોજેરોજ આવા ગેલ કરે છે. કોઈને રંજાડતો નથી. ઈ તો કોઈ દુ:ખિયો જીવ છે."

"હવે રો' રો', વાયડાઓ ! લાવો એક પરોણો મારા હાથમાં..."

કોઈએ એને લાકડી ન દીધી. આખરે એણે એક બાળકના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી, અને અને સાથીઓ "હાં- હાં" કરતા આડા ફરે તે અગાઉ ઓ એ શિંગડે ઝૂલતા નાગને બળદના શીંગ પરથી પછાડીને વાડીના ધણી એ ટીપી નાખ્યો.

પથારીમાં પટકાઈ પડીને જુવાને પોતાના દૂર ઊભેલા પિતા પ્રત્યે આંગળી કરીને આક્રંદ ભર્યું કહ્યું:

ઈ ટીપનાર તે આ કાળા મોઢાવાળો: અને ઈ નાગનું ખોળિયું ખાલી કરીને આને ઘેર અવતરનારો તે હું પોતે જ છું બાપુ ! એણે મને બહુ ટીપ્યો, નિર્દય રીતે ટીપ્યો મને નિરાપરાધીને, આશાભર્યાને. માનવીઓના એક કુટુંની જેવા બની ગયેલ આ કાળા મોઢાવાળા ટીપી નાખ્યો. મારે એનું મોં નથી જોવું, મારે તો મારા કોઠાની આટલી વાત તમને કહેવી'તી. લ્યો બાપુ ! હવે રામ રામ !

એટલું કહીને જુવાન ચૂપ થઈ ગયો. ઠોડી જ વારે એનો જીવ પરલોકને માર્ગે ચડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics