Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

વંદેમાતરમ

વંદેમાતરમ

5 mins
14.5K


ઝરીના કાશ્મીર પાસેના નાના ગામ મુઝ્ઝફર નગરમાં રહેતી હતી. ઝરીના બેતાલીશ વરસની બેવા સ્ત્રી હતી જેને એક દીકરી અને દીકરો હતાં. ઝરીનાનો પતિ સરહદ પર દેશની રક્ષા કરતા કરતા શહીદ થઈ ગયેલો. ઝરીનાના કેટલાક સગાંવહાલાં પાડોશી દેશમાં પણ રહેતા હતાં. ભાગલા થયાં ત્યારે એ પાકિસ્તાન જઈને વસી ગયેલાં. ઝરીના એકલા હાથે બન્ને બાળકોને ઉછેરી રહી હતી પતિની શહાદત પછી દેશ તરફથી મળતા પૈસાથી એનો ગુજારો ચાલી રહ્યો હતો. પણ એ પૈસાથી ફક્ત જીવન જરૂરિયાત પૂરી થતી હતી. ગરીબી મંકોડાના જાળાની જેમ એને વીંટળાયેલી હતી.

એક દિવસ પાકિસ્તાનથી એના મામા અનવરભાઈ અને એનો દીકરો રમઝાન અચાનક એના દરવાજા પર આવી ગયાં. ઝરીનાએ તો એ લોકોને બરાબર જોયેલા પણ નહીં. હાં, કદાચ નાનપણમાં જોયેલા. એમના ચહેરા પણ યાદ ન હતા. પણ ખૂન છેવટે ખૂન છે. એણે એ લોકોને મીઠો આવકાર આપ્યો. નાના અશરફને કહી બજારમાંથી વસ્તુઓ મંગાવી અને ઘરમાં જે કાંઈ ખાવાનું હતું હાજર કર્યુ.

ખૂબ પ્રેમથી મામા અને ભાઈને જમાડ્યા. ભારતની સંસ્કૃતિ અતિથિ દેવો ભવની બરાબર લાજ રાખી. રાત પડી ગઈ. ઝરીનાનું ઘર ખૂબ નાનું હતું. એ થોડી ગૂંચવણમાં હતી કે મામા અને ભાઈને સુવડાવવા ક્યાં? ઝરીનાનાં ચહેરા પરથી મામા પારખી ગયાં. મામાએ કહ્યું, "બેટા, તું ચિંતા નહીં કરતી અમે ફળિયામાં સૂઈ જશું અને અમે તને ખૂબ તકલીફ નહીં આપીએ, એક બે દિવસમાં નીકળી જઈશું. અમે તો બસ તને મળવા આવ્યા હતા."

ઝરીનાને થોડી નિરાંત થઈ. એણે જુનાં ગોદડાં તૂટેલાં ખાટલા પર નાખી દીધા. મામા અને ભાઈએ ખાઈ પીને બહાર ખાટલામાં લંબાવ્યું. થાકી પાકેલી ઝરીના પણ ઘરનું બારણું વાસી સૂઈ ગઈ. થોડીવાર પછી બહારથી થોડી ગુસપુસનો અવાજ આવ્યો તો ઝરીના ચોકીને જાગી ગઈ. એણે થોડી બારી ખોલી તો મામા થેલામાંથી કંઈક કાઢી રહ્યા હતા.

કોઈ ગોળ વસ્તુ હતી કપડામાં વીંટાયેલી અને પછી થેલામાંથી બે મોટી મોટી રાઈફલ બહાર કાઢી સાફ કરવા લાગ્યા.

ઝરીનાનાં જાણે શ્વાસ થંભી ગયા! આ ખરેખર મારા મામા હશે? મામા છે તો આ બૉમ્બ જેવું શું છે અને આ રાઇફલ શા માટે? બન્ને કંઈક વાત કરી રહ્યા હતાં, પણ સંભળાતું ન હતું. ઝરીના થોડી ગભરાઈ ગઈ. હવે શું કરું? કાલ સુધી રાહ જોઉં!! જાણવા કોશિશ કરું શું ચાલે છે!! ઝરીના આખી રાત પડખા બદલતી રહી!! એને સમજ પડતી નહોતી કે લોકો સંબંધ નામે કેવા દગા કરતા હોય છે!! જાણે કોઈ પણ સંબંધનો વિશ્વાસ જ ના થઈ શકે! મેં તો રિશ્તેદાર સમજીને પનાહ આપી! પણ આ લોકોના દિલમાં ખોટ છે એવું મને લાગે છે! એ સવાર પડવાની રાહ જોવા લાગી!

ફઝરની અઝાન થઈ. મામા અનવર અને રમઝાન નમાઝ માટે ઊઠ્યા. ઝરીના પણ નમાઝ પડી ચા નાસ્તો બનાવવા બેસી ગઈ. જાણે એને કાંઈ જ ખબર નથી. મામા અને એના દીકરાને ખૂબ પ્રેમથી નાસ્તો કરાવ્યો. અને દીકરા અને દીકરીને શાળાએ મોકલવાની તૈયારી કરવા લાગી! પણ ત્રાસી નજરે અનવરભાઈ અને રમઝાન શું કરે છે એનું ધ્યાન પણ રાખી રહી હતી. બાળકોને શાળાએ મૂકવા જાઉં છું એમ કહી બન્ને બાળકોને લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ. બાળકોને શાળામાં મૂકી એ સીધી પોલીસ સ્ટેશન પર ગઈ. અંદર જઈ એણે કહ્યું કે મારે ઈન્સ્પેકટર સાહેબને મળવું છે. ઈન્સ્પેકટરે એને ઓફિસમાં બોલાવી!

ઝરીના ઓફિસમાં દાખલ થઈ. સૌથી પહેલાં એણે પોતાની ઓળખાણ આપી, "સાહેબ હું અમર શહીદ બહાદૂરસીંહની બેવા છું. મારા પતિ ભારતમાતાની રક્ષા કરતા કરતા કાશ્મીરની સરહદ પર શહીદ થઈ ગયા છે. આજ હું આપની પાસે આવી છું એક ગંભીર વાત લઈને." ઝરીના એક શ્વાસે આટલું બોલી ગઈ. પછી ઊંડો શ્વાસ લઈને કહ્યું, "ગઈ કાલે મારે ઘરે પાકિસ્તાનથી બે મહેમાન આવ્યા છે એ કહે છે કે એ મારા મામા અને એમના દીકરા છે પણ મારાં મનમા શંકા આવી છે કે એ લોકો પાકિસ્તાનનાં જાસૂસ છે." ઓફીસરે શાંતિથી પૂછયું, "તમને એમ કેમ લાગ્યું?" ઝરીનાએ એમના સામાનમાં બૉમ્બ અને રાઈફલ હોવાની વાત કરી.

થોડીવાર વિચારી ઓફિસરે સવાલ કર્યો, "તમારી પાસે સેલફોન છે?" ઝરીનાએ હા કહી. ઓફિસરે કહ્યું, "જુઓ, તમે આ બન્ને પર નજર રાખો, હું તમને મારો વોટ્સ એપ નંબર આપું છું. તમે આજ શાંતિથી ઘરે જાઓ એની બધી પ્રક્રિયા પર નજર રાખો અને કાંઈ અજુગતું લાગે તો તરત જ મને મેસેજ કરો હું મારી ફોજ સાથે તૈયાર રહીશ અને તમારા મેસેજ હર મિનિટે ચેક કરીશ. તમે જરા પણ ગભરાતા નહીં. હું બે પોલીસ સાદા વેશમાં તમારા ઘરની આજુબાજુ મૂકી દઉં છું. આપણે એમને રંગે હાથે પકડવા છે અને કદાચ જો પાકિસ્તાન સામાન્ય નાગરિક હોય તો આપણે એમને હેરાન પણ નથી કરવા. પણ તમારી વાત પરથી લાગે છે કે આ લોકો કોઈ મિશન પર આવેલા છે. ઝરીના થોડી ગભરાયેલી હતી. પણ એને ઓફીસરની વાત સાચી લાગી, કદાચ ખરેખર એ મામા પણ હોય શકે!!

એ ઘેર આવી! બહાદૂર જવાનની બેવા હતી! હિમત તો એનામાં હતી જ! સલામ દુઆ કરી! "મામા, શું જમશો? તમારા ભાવતા ભોજન કરાવું! મારે ઘરે મહેમાન ક્યાંથી! મામાએ કહ્યું, "બેટા કાંઈ પણ બનાવો બસ પેટની ભૂખ ભાંગવી જોઈએ." ઝરીના રસોઈ કરવામાં લાગી ગઈ. મામો અને એનો દીકરો ખાટલા પર બેસી તડાકા કરતા હતા. ઝરીનાની એક નજર બન્ને પર હતી. ઝરીનાએ વાતવાતમાં પોતાની અમ્મીની અને સગાંવહાલાંઓને લગતી વાત કાઢી પણ મામાએ ચાલાકીથી વાત ઉડાડી દીધી. એવું લાગતું હતું કે આ લોકો ખાલી ઝરીનાની અમ્મી વિષે થોડી માહિતી લઈ આવી ગયા હતા. રસોઈ કરતાં ઝરીનાને પાકી ખાત્રી થઈ ગઈ કે આ મારા મામા નથી. પણ એ કાંઈ બોલી નહીં. મામા અને એના દીકરાને જમાડી બાળકોને શાળામાંથી લઈ આવી. બાળકો જમી હોમવર્ક કરી સૂઈ ગયાં. ઝરીનાએ જુનાં ગોદડાં મામાને આપી ખુદા હાફિઝ કહી અંદરથી દરવાજો બંધ કરી દીધો.

અહીં અનવર અને રમઝાનને એમ કે ઝરીના સૂઈ ગઈ છે. એટલે એક નકશા જેવું કાઢ્યું અને લાઈન દોરવા લાગ્યાં. થોડીવારમાં મામાના સેલ ફોન પર કોઈનો ફોન આવ્યો. ઝરીના અંદરથી બધું જોઈ રહી હતી. મામાએ હરી ઝંડી આપી કે આજની રાત બરાબર છે. કારણકે એ લોકો ઝરીનાને ઘરે વધું રોકાઈ નહીં શકે! આજ રાતે બે વાગે ઝરીનાનાં ઘરની બહાર આવી જજો! ઝરીનાએ ઓફિસરના વોટ્સ એપ પર આ મેસેજ મોકલી આપ્યો કે બે વાગે મારા ઘરની બહાર બધાં ભેગાં થવાનાં છે.

બહાર ફળિયામાં ચાંદની ફેલાઈ હતી. ઝરીના અંદરના કમરામાં બન્ને બાળકોને છાતી સરસા લઈને ધડકતા દિલ સાથે બે વાગવાની રાહ જોવા લાગી. ઓફીસર એને વોટ્સ એપથી બધી વાતોથી માહિતગાર રાખતો હતો. સેલ ફોન પોતાની હથેલી પર રાખીને સૂતી હતી. બે ના ટકોરા થયાં. મામો અને એનો દીકરો ડેલી ખોલી બહાર ગયાં. અને બહાર રમખાણનો અવાજ થવા લાગ્યો. ગોળીબાર પણ થયાં. ઝરીના બાળકોને કલેજાથી લગાવી બેસી રહી.થોડીવારમાં બહાર શાંતિ ફેલાઈ ગઈ. ઘડિયાળનો ટક ટક અવાજ સંભળાતો હતો. અને સેલફોનમાં મેસેજનો અવાજ આવ્યો. ઝરીનાએ મેસેજ ચેક કર્યો. ઓફિસરે લખ્યું હતું કે આતંકવાદી પકડાઈ ગયાં છે, તમારે ગભરાવાની જરૂર નથી બધાં લોકો જેલમાં છે.

બીજા દિવસે ઓફીસરનો ફરી મેસેજ આવ્યો કે ભારત દેશે ઝરીનાને બહાદૂરી માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે. ઝરીનાની આંખમાં આંસું આવી ગયાં. એણે ભીંત પર લટકાવેલી બહાદૂરસીંહની તસ્વીર પર પ્રેમની નજર કરી અને પછી જમીન પર સજદામાં પડી જમીનને ચૂમી લીધી!! ઊભા થતાં થતાં બોલી, "મા, તુજેહ સલામ!! વંદે માતરમ!!"


Rate this content
Log in