Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Classics Tragedy

5.0  

Manoj Joshi

Classics Tragedy

કમરપટ્ટો

કમરપટ્ટો

3 mins
14.7K


ગામ નાનું હતું. પણ ગામના ગાંધીવાદી,નિષ્ઠાવાન અને દ્રષ્ટિવાન સરપંચ શ્રી ઓધવજીદાદાની દીર્ઘદ્રષ્ટિ અને કેળવણી તરફના તેમના અભિગમને કારણે છેક ૧૯૬૫થી ગામમાં હાઈસ્કુલ હતી. હા, શિક્ષણ મેળવતા વિદ્યાર્થી ભાઈ-બહેનોનું પ્રમાણ ઓછું હતું. ઘેર ઘેર દાદા તો હતા પણ ઘેર ઘેર ઓધવજી દાદા ન હતા. એમાંય બહેનો તો માંડ સોમાંથી સાત જ ભણતી.

ખેડૂતોની બહુમતિવાળું ગામ. આમ તો અઢારે વર્ણ ગામમાં વસતા હતા. પણ ખેડૂતો અને ખેત મજૂરો વિશેષ પ્રમાણમાં હતા. ખેડૂતના દીકરાને આગળ અભ્યાસ કરવા માટે સવિશેષ પ્રોત્સાહન એમના પરિવાર તરફથી મળતું રેહતું. નટવર એવા જ એક ખેડૂત કુટુંબનો પુત્ર હતો. ૨૦૦ વીઘા જમીનના ખાતેદાર પિતાના બે દીકરા પૈકી નાનો નટવર દેખાવડો, શાંત અને સરળ સ્વભાવનો યુવક હતો. ગામના મેડીકલ પ્રેકટીશનર જોશી સાહેબના દીકરા મનહર સાથે એને સવિશેષ ભાઈબંધી હતી. નટવર અને મનહર આમ તો બંને કૃષ્ણના નામ જ હતા. બંને સમવયસ્ક, સમસ્વભાવી, સાચા મિત્રો હતા.

નટવર એસ.એસ.સી સુધી મનહરની સાથે હાઇસ્કુલમાં ભણ્યો હતો. તેને ભવિષ્યમાં ખેતીની જવાબદારી જ સંભાળવાની હતી. એટલે નટવરના પિતાએ એને કોલેજમાં દાખલ ન થવા દીધો. નટવરને એનું દુઃખ હતું. પણ સ્વીકાર એનો સ્વભાવ હતો. પ્રતિકાર એની પ્રકૃતિમાં જ ન હતો. અન્યાયને પણ સહી લેવો પણ વાદ વિવાદમાં ન પડવું એવું એ માનતો. એટલે જ અનિચ્છા હોવા છતાં હાઇસ્કુલ શિક્ષણ પૂર્ણ થતાં જ બચપણથી જેની સાથે સગાઇ થયેલી એવી ચાર ચોપડી ભણેલી છોકરી સાથે લગ્નનું નક્કી થઇ ગયેલું. એ પણ મૂંગે મોઢે સ્વીકારી લીધેલું. મનહર કોલેજ કરતો હતો. નટવરને આમ ૧૮ વર્ષે, અભ્યાસ પૂર્ણ થયા પહેલાં જ પરણાવી દેવા સામે એ નારાજ હતો. પણ વડીલોની પૂરી મર્યાદા જાળવવાનો એ યુગ હતો.

મનહર સવારના ૪ વાગ્યે ઉઠી, ૪-૪૫ની ટ્રેનમાં નજીકમાં ટાઉનમાં આવેલી કોલેજમાં જતો, ૨-૨૫ ની ટ્રેન પરત ફરતી એમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ પાછો ફરતો. શનિ-રવિમાં બંને મિત્રો મળતા. મનહર કોલેજની અને નટવર ખેતરની વાત કરતો. નટવર દિવસે દિવસે ઉદાસ દેખાતો. મનહર પૂછતો પણ નટવર હંમેશા વાત ઉડાવી દેતો. મનહરને એની આંખની ઉદાસીનતા દેખાતી પણ એનો તાગ મેળવવામાં ટૂંકો પડતો.

મનહરની પરીક્ષાઓ શરૂ થવામાં હતી. હમણાં હમણાં નટવરને ઓછું મળવાનું બનતું. કોલેજની એક્ઝામ શરૂ થવાની હતી. એવામાં નટવર મનહરને મળવા આવ્યો. આંખોમાં ઉદાસી વધુ ઘેરી બની હતી. પણ હસતા ચહેરે નટવરે મનહર ને કોલેજના હાલચાલ પૂછ્યા. મનહર પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હતો. એટલે નટવરની વાતોમાં બહુ ધ્યાન અપાયું નહિ. નટવરે પૂછ્યું, “મનહર, મારું એક કામ કરજે. મેં નવા કપડાં સીવડાવ્યા છે. એક કમરપટ્ટો લેતો આવીશ ?”

મનહરે કહ્યું, “અરે દોસ્ત એમાં શું ? કાલે લેતો આવીશ.” નટવરે ભાર દઈને કહ્યું, “પણ ભૂલીશ નહીં હો, કાલે ચોક્કસ.”

“હા, હા, નહિ ભૂલું, જરૂર લેતો આવીશ.”

બીજા દિવસે રોજની ટેવ મુજબ મનહર કોલેજ ગયો. કોલેજ બાર વાગે પૂરી કરી. બીજા દિવસે લેવાનાર સ્ટેટેસ્ટિકસના પેપરના વિચારમાં નટવર માટે લેવાનો કમર પટ્ટો ભૂલાઈ ગયો. સાંજે નટવર મળ્યો. પટ્ટા માટેની પૃચ્છા કરી. મનહરે થોડી શરમીંદગી સાથે કબૂલ કર્યું કે તે ભૂલી ગયો. નટવરની ઉદાસ આંખોની ઉદાસી વધુ ઘેરી બની. બંને આંખમાં થોડી ભીનાશ પ્રકટી અને એટલું જ બોલ્યો, “એક કમરપટ્ટો પણ ન લાવી શક્યો, યાર.” મનહરે તેના બંને ખભા પર હાથ મૂકી દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, “શનિ-રવિની રજા છે. સોમવારે જરૂર લેતો આવીશ.” નટવરે કશો જ પ્રતિભાવ આપ્યા વિના મ્લાન સ્મિત સાથે વિદાય લીધી. સાથે કહેતો ગયો, “હવે નહીં લાવે તો ચાલશે.”

શનિ-રવિમાં મનહર પરીક્ષાની તૈયારીમાં નટવરને મળી ન શક્યો. સોમવારે કોલેજ છૂટી કે તરત જ શહેરમાંથી ચામડાનો કમર પટ્ટો ખરીદ્યો અને વળતી ટ્રેનમાં ઘેર પહોંચ્યો. માએ થોડી ગંભીરતા અને ઉદાસી સાથે મનહરની સામે જોયું પણ કૈંક વિચારીને ચૂપ રહી. થાકેલો મનહર સીધો જ જાવ છું. બાએ ભીના અવાજે કહ્યું, ”બેટા, નટુ તો ઝેર પી ગયો. હવે તો કદાચ એની સ્મશાન યાત્રા નીકળતી હશે.”

“હેં...” કહેતાં મનહરનો અવાજ ફાટી ગયો. કમરપટ્ટો હાથમાં લઈને મનહર દોડ્યો. આખા ગામમાં સોંપો પડી ગયો હતો. દુકાનો બધી બંધ હતી. નટવરના ઘેરે પડોશીઓ, ગામના આગેવાનો, સરકારી ડોક્ટર બધા ઉદાસી લઈને ઉભા હતા. નટુ નિશ્ચેતન થઇને સૂતો હતો. મનહરે આંખમાં આંસુ સાથે નટવરના પગે હાથ લગાડ્યો. નટવરના નિશ્ચેતન દેહમાં ક્ષણવાર સંચાર થયાની મનહરને ભ્રાંતિ થઇ. નટવર જાણે કહેતો હતો- “મોડો પડ્યો, યાર.”

મનહરના હાથમાં પટ્ટો હતો અને આંખમાં આંસુ, નટવરની આત્મહત્યા અને કમરપટ્ટાની માંગનું રહસ્ય નટવરના મૃતદેહ સાથે જ ખાક થઇ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics