Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાઘવજી માધડ

Romance Thriller

5.0  

રાઘવજી માધડ

Romance Thriller

અંગતકામ

અંગતકામ

9 mins
639


    ઘરેથી નીકળતા પહેલાં ફરી એકવાર ધવલે પૂર્ણકદના આયનામાં, પોતાને વરરાજા માફક નખશીખ નીરખી લીધો. પેન્ટ,શર્ટ,ઇન. . બધું બરાબર લાગ્યું. છતાંય માથા પર કાંચકો ફેરવી લીધો. કશી કસર છોડવી નહોતી. ભલે જીવનભર નહીતો એક દિવસ માટેપણ આવી તક ફરી ન મળે !


ધવલ જેને પળેપળ ઝંખતો રહ્યો હતો,રાત-દિવસ ઝૂરતો રહ્યો હતો તે પ્રિયપાત્રને મળવા જઈ રહ્યો હતો અને એ પણ શહેરની એક લક્ઝુરીયસ હોટલમાં ! ધવલના તન-મનમાં એકજાતની ઉથલપાથલ મચી ગઇ હતી. શું થાય છે. . . તે સમજવું અઘરું હતું. ખુદ પોતાના કાબૂમાં રહ્યો ન હતો ત્યાં મોબાઈલ વાગ્યો. ચમકી જવાયું. યામિનીનો હશે એમ સમજી,નંબર જોયાં વગર ઝડપથી રીસીવ કર્યો. પણ સામેનો અવાજ સાંભળતા જ, સાકર ચગળતા વચ્ચે નમક આવી ગયું હોય એમ ધવલનું મોં બગડી ગયું. મનમાં ખારાશ સાથે કડવાશ પણ ઉભરાઇ આવી. ઝડપથી કટ કરી નાખવાનું મન થઇ ગયું. પણ પછી થયું કે,કૂતરાની દોસ્તી જેવું છે- આવકારોતો મુખ ચાંટે ને હડકારોતો કરડવા દોડે. . . છતાંય તે અણગમા સાથે બોલ્યો: ‘બોલ શું હતું ?’ એકક્ષણ સામે જવાબ આવ્યો નહી એટલે થોડા ગુસ્સા સાથે ધવલ બોલ્યો: ‘ઝલ્દી બોલ, મારે મોડું થાય છે,મારી કોઈ રાહ જોઈ રહ્યું છે !’

પણ સામેધીમી ગતિના સમાચાર જેવું થયું. પળવિપળ અબોલ રહ્યો. ધવલનો ગુસ્સો સાતમા પાતાળે પહોંચ્યો. ઉગ્રતાથીન કહેવાનું કહેવા ગયો ત્યાં સામેથી અવાજ આવ્યો સ્વર:

‘અગત્યના કામનો સમયતો અગિયાર પછીનો છે ને !’

ધવલ એમ જ સ્ટેચ્યુ માફક ઊભો રહી ગયો. ત્યાં ફરી કાને અવાજ અથડાયો:

‘હજુ સાડાઆઠ થવા જાય છે,ને હોટલ પર પહોંચતા વાર કેટલી!’

ધવલ આવું અણધાર્યું સાંભળી, આઘાત સાથે જાણે સ્થિરને બધિર થઇ ગયો.

‘હું યામિનીને મળવા જાઉં છું, તેની આને સમય સહિતની કયાંથી ખબર !?’

ધવલની મનોભૂમિ પર ભૂકંપ આંચકો આવ્યો. સઘળું સખળડખળ થઇ ગયું. આંખે અંધારા આવવા લાગ્યાં. . . ભીંતને ટેકો દીધો ન હોત તો કદાચ ગડથોલિયું ખાય જાત ! 

‘મેં તારું શું બગડ્યું છે તે આમ લઇ દઇને પાછળ પડી ગયો છો? તારા કરતાતો દુશ્મન સારા. ’

ધવલ રડમસ થતો ઊભો રહી ગયો. ત્યાં ફરી મોબાઈલ રણક્યો. મોં બગાડતાં સ્ક્રીન પર જોયું તો,યામિનીનો કોલ હતો. ઝડપથી રીસીવ કર્યો.

‘આવો છો ને,હું રાહમાં જ છું. . . ’

ધવલના મોંએ આવી ગયું કે,આપણે મળવાના છીએ,એવું પેલા નાલાયક નટીયા ને કોણે કહ્યું ? પણ એમ પૂછવાના બદલે કહી દીધું:‘હા, હા. . . સમયસર આવી જઇશ. ડોન્ટ વરી, ડીયર !’


જયારે સૌથી પહેલાં ફોન આવ્યો ત્યારે કાન પર વિશ્વાસ બેઠો ન હતો. ફરી પૂછ્યું તો સામે એટલી જ ત્વરાને ગરવાઈથી જવાબ મળ્યો હતો: ‘હા,હું યામિની જ બોલું છું, ને એક પર્સનલ કામે રૂબરૂ મળવા માગું છું !’પછી અટકીને કહ્યું હતું: ‘બોલ,કયાં અને કયારે મળીશું !’

ધવલ આંખો પહોળી કરી અબોલ થઇ ગયો હતો.

‘ઇન્ડિયા આવી છું,હાલ બરોડા છું કહે તો અહીં કોઈ હોટલમાં જ મળીએ !’

આમ કહેવું સાચું હોય એવું ધવલને નક્કી થતું નહોતું. એ ભટકેલને છટકેલનો છોકરીનો ભરોસો શું,રમાડતી પણ હોય ! ધવલ થોથરાતો એમ જ બોલી ગયો હતો: ‘પણ કામ શું છે,એ તો કહો !’

સામે લુચ્ચુંને લોભામણું હસીને બોલી હતી: ‘તારું કે મારું નહી,આપણું તદ્દન અંગતકામ. . !’

ધવલને છાતીમાં ધબકારા વધી ગયા હતા.

‘કોઇ છોકરી સામેથી આવું કહે ? હા, કહ્યું હતું. . . . ’


ધવલના થીજી ગયેલા લોહીમાં કશુંક કીડીઓના જેમ ચટકા ભરવા લાગ્યું હતું. ધવલનો ઉભરો આસમાને પહોંચ્યો હતો. કારણ કે જેને પ્રત્યેક સ્પંદનમાં અનુભવતા હોઈએ, પામવાની પ્રતીક્ષામાં પળપળ પસાર થતી હોય તે પાત્ર આમ સામેથી બોલાવે, અને એ પણ અંગત કામે! સ્વપ્ન ફળ્યું કે લોટરી લાગી હોય એમ ધવલને થયું હતું. તે સઘળા કામ વીસરી, યામિનીમય થઇ ગયો હતો.

-લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવી હોય, પછી મોં ધોવા જવાનું ન હોય !


પણ નટીયો ઉર્ફે નટવરના આમ કહ્યા પછી ધવલના આવેગ ને ઉત્સાહમાં ઉભી તિરાડો પડી હતી. તિરાડોમાં અદ્રશ્ય શંકા ભરાવા ને ઉભરાવા લાગી હતી.

-આ બંને ભેગાં મળી કોઈ ષડયંત્રનો ભોગતો નથી બનાવી રહ્યાને ? યામિનીતો ઠીક છે પણ નટીયાનું ભલું પૂછવું !

આમ છતાંય ધવલ કાળાઘોડા સર્કલ પાસે આવીને ઊભો રહ્યો. રોડ પર ઠીકઠીક અવરજવર હતી. પણ ભરચક ભીડ હોય એમ ધવલને લાગતું હતું. યામિનીનું આમ અચાનક બોલાવવું ને નટવર નો ફોન આવવો…ધવલના મનમાં ચક્કાજામ થઇ ગયા. ચારેય સિગ્નલમાં લાલ લાઇટ ઝબૂકવા લાગી.


- કરી કરીને હવે શું કરશે ! કોઈ હારી ગયેલા જુગારી અથવાતો લૂંટાઈ ગયેલા મુસાફરની જેમ ધવલ નફિકરો થઇ ગયો. ભય જેવું કશું રહ્યું નહી. ટ્રાફિક સિગ્નલ બેવાર રેડ,ગ્રીન લાઇટ કરી ચૂક્યું પણ ધવલ રોડ ક્રોસ કરવાના બદલે છાતી તાણી બહાદુરી બતાવતો હોય એમ ઊભો રહ્યો.

ધવલે વિચાર્યું,નટવરને સીધું કહી દે: ‘મને ફસાવતા પેલા એટલું યાદ રાખી લે, હંમેશા ખાડો ખોદનાર તેમાં પડતો હોય છે. . . છેલ્લે તું શું પામ્યો ? રહી ગયો ને લટકતો ને ભટકતો. . . !’

-નટવરને શું કહેવાનું,પોતે પણ એમ જ છે ને !


ધવલ સરખો થવા ગયો ત્યાં પાછળથી કોઇ અથડાયું હોય એમ થયું. ઝબકીને જોયું તો રીક્ષાવાળાની ઝપટમાં આવતા આવતા રહીકે બચી ગયો !

આ ત્રણેય ક્લાસમેટ ને એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતાં. કોણ યામિની સાથે મેરેજ કરે અથવાતો યામિની કોને વરમાળા પહેરાવે તે સળગતો સવાલ હતો. હા,ધવલનું જમા પાસુ હોય તો તે યામિનીની જ્ઞાતિ ને ગોળનો હતો. નટવરની ઈર્ષાનું આ પણ એક કારણ હતું. ધવલ નામનો કાગડો દહીંથરું લઇ જશે ને પોતે રહી જશે ! પણ જે કરવું પડે તે. . . ના,એમ તો નહિ જ થવા દે.

પણ ત્યાં યામિનીએ જ ઘટ:સ્ફોટ કરતા કહ્યું હતું:‘મારે કોઈ એનઆરઆઇ સાથે મેરેજ કરવાની મરજી છે. ’

સામે નટવરે ઠાવકાઈથી પૂછ્યું હતું: ‘તો પછી આ બધું શું છે, શેનો ખેલ છે !’

યામિની ઓછા શબ્દોમાં ઘણું પામી ગઈ હતી. તેણે હસતાંહસતાં પણ ગંભીરતાપૂર્વક કહી દીધું હતું: ‘પ્રેમ કરો તેને જ પરણવું એવો કોઈ નિયમ છે ખરો !?’

‘ગાંડી ! પ્રેમને કોઈ નિયમ હોતા નથી. . ’નટવર આટલું બોલી અટકી ગયો હતો. તેને હતું કે, કદાચ ધવલનો કાંકરો કાઢવા યામિનીએ પોતાના માટે આ વિકલ્પ ખૂલ્લો કરી આપ્યો હોય !

નટવરે કહેલું : ‘મને વિઝા,પાસપોર્ટ મળે ને. . . !’

‘ધી બેસ્ટ. . . ’યામિની મોં ભરી હરખથી બોલી હતી: ‘ફર્સ્ટ પ્રાયોરીટી !’

પછી તો નટવર પાસપોર્ટ માટે લઇ દઇને લાગી પડ્યો હતો.


ત્યાં ફરી મોબાઈલ ધ્રુજ્યો, સાથે ધવલ પણ અકારણ ધ્રુજી ગયો.

નટવર કહેતો હતો: ‘આપણે દશ,પંદર મિનિટ માટે કમાટી બાગમાં મળીએ તો કેવું !’

ધવલ કશું બોલે, હા-ના, કરે ત્યાં જ નટવરે ગોળીબાર કરી દીધો: ‘બસ હું આવ્યો સમજ, તું દરવાજે ઊભો રહેજે!’

ધવલને ખરેખર છાતીમાં ગોળી વાગી હોય, લોહીલુહાણ થઇ ગયો હોય ને ચક્કર આવવા લાગ્યા હોય એવી કફોડી હાલત થઇ ગઈ. સામે નટીયાને શું કહેવું તે સુઝે એમ નહોતું.

‘યામિની, આ શું માંડ્યું છે, શું કરવા નટીયાને કહ્યું. . . ’

પણ તુરંત જ મનથી માંડી વાળ્યું. સઘળા નકામા વિચારોનો સંકેલો કરી લીધો. યામિનીએ અંગત કામથી બોલાવ્યો છે. . . સારા કામમાં સો વિઘ્ન આવે. છતાંય એક સવાલતો આંખના કણા માફક ખટકતો રહ્યો: ‘નટીયાને કહ્યું જ શું કરવા !?’

કમાટીબાગના દરવાજે નટવરને ઉભેલો જોઈ,ધવલની આંખમાં અંગારા ચંપાવા લાગ્યા. શરીરનું સઘળું લોહી બળી જાય એટલી બળતરા થઇ ઊઠી. ક્રોધ ધૂમાડા કાઢી ગયો. લાત મારી ધૂળ ચાંટતો કરીને કહે: ‘નાલાયક, મેં તારું શું બગાડ્યું છે તે આમ રસ્તો રોકીને ઊભો રહે છે !?’

પણ થપ્પડ મારી મોં લાલ રાખવું પડે તેમ ધવલે કર્યુંને કહ્યું : ‘કાં,કેમ છો નટવરલાલ !’ પછી મનમાં બોલ્યાં: ‘તારે જે કરવું હોય તે કર પણ યામિનીને મળતા હવે મને રોકી નહી શકે !’

ઝાડના છાંયે બંને બેઠાં. ધવલને ઝલ્દી ઉઠવું હતું. શરીરે કીડીઓ ચટકા ભરતી હતી.


‘મને ખબર છે તારે જવાની ઉતાવળ છે પણ યામિની તને જ મળવા માગતી હશે તો રાહ જોશે, ચિંતા શું કરવાની !’ પછી ગલોફામાં ચઢાવેલ મસાલાને મમળાવીને કહે : ‘એક વાત સાંભળી લે,આપણું હોય તે ક્યાંય જાય નહી ને જાય તે આપણું હોય નહી !’

ત્યાં મોં પર ઝાપટી દેવા ધવલની જીભ ઉપડી : ‘રહેવા દે, તને ને મને બેઉને લટકતા મૂકી પરદેશ ચાલી ગઇ હતી. . . એ ભૂલી ગયો !’

‘એનઆરઆઇ. . . મેંજ શોધી આપ્યો હતો, સમજ્યો!’

ધવલ મોં વકાસી નટવર સામે જોઈ રહ્યો.

‘મારાથી છટકાવવા. . . મને ન પરણે એટલે !’ પછી ધવલ વેર વાળવાના ઈરાદે કહે: ‘હવે મને છટકાવી શકીશ નહી, યામિનીને મારી કરતાં રોકી શકીશ નહી. કારણ કે. . . !’

‘દોસ્ત, ત્યાં જ તારી ગેરસમજ થાય છે. ’સહેજ ગંભીર થઇ આગળ કહ્યું: ‘યામિનીને પરદેશ જવું હતું તેતો હકીકત હતીને !?’

‘એતો બહાનું હતું તારાથી છૂટવાનું !’

ધવલ એકદમ બોલી ગયો. તેને ઝડપથી નટવરને ટાળવો ને બીજી બાજુ વાળવો હતો.

‘તો પછી તારી કેમ ન થઇ !’

‘તારા પાપે. . . !’ને એટલી જ ત્વરાથી કહ્યું :‘હવે થશે !’

‘ત્યાં પણ તારી ભૂલ થાય છે દોસ્ત’ થોડો અકળાતો હોય એમ બોલ્યો : ‘જેને પ્રેમ કરતા હોઈએ એ આપણી થાય એવું નહી, સુખી થાય એવું ઇચ્છવું જોઈએ. . . ને મેં એમ કર્યું હતું. ’

ધવલ એક કાને ને ધ્યાને થઇ ગયો. તેને થયું કે, નટવર કદાચ સાચું પણ કહેતો હોય !


પણ હવે તેનું શું છે? ધવલે ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તાપમાં ઉમેરો થતો જતો હતો. પવન ફરફરતો હતો છતાંય અકળાવનારું વાતાવરણ બંધાવા લાગ્યું હતું.

‘તો પછી તું શું કરવા પાસપોર્ટ પાછળ પડ્યો’તો !’

નટવરનું મોં બગડી ગયું. છતાંય સફાઈના ઈરાદે કહ્યું: ‘યામિનીએ સાવ સ્પષ્ટ કહ્યું હતું, તમારામાંથી કોઈ પરદેશ જશે તો પહેલી પસંદગી. . . ને મેં પ્રયાસ કર્યો હતો !’ 

‘તો પછી સફળ કેમ ન થયો ?’

નટવર અબોલ થઇ ગયો. તેની આંખો તગતગવા લાગી. છાતીમાં ન સમાય તેવો ઉભરો ને સબાકો આવ્યો. અંતરમનથી હચમચી જવાયું. છતાંય થૂંક ઉતારી,ગળું ભીનું કરી તેણે વેદનાગ્રસ્ત સ્વરે કહ્યું:‘દોસ્ત,પાસપોર્ટવાળો બોગસ નીકળ્યો, છ લાખ ખોટા થયા. . ને હું રસ્તા પર આવી ગયો હતો. ’

‘બરબાદ થઇ ગયો એમ જ ને !?’

નટવરે ખેલદિલી પ્રગટ કરતા કહ્યું : ‘પ્રેમમાંતો બરબાદી સિવાય મળે પણ શું !?’

ખામોશી વચ્ચે ઢબુરાઇ ગયેલી વેદનાને જાણે બાવડું પકડી બેઠી કરતા હોય એમ થયું. મનોમન એ પીડાને મસળવાને મમળાવવા લાગ્યા. પાત્ર એક હતું પણ બંનેની પીડા અલગ અલગ હતી.

‘યામિની સિવાય મેં મેરેજનું જ માંડી વાળ્યું હતું. . ’

‘તો પછી માંડી વાળેલું રહેવા દેને !’નટવરથી એકદમ બોલાઇ ગયું ને ધવલના કાન પહોળા થઇ ગયા. . . ને એમ જ કપડું ચિરાતું હોય એવાં તીણા રવ સાથે બોલાઇ ગયું : ‘કાં શું કરવા !?’

નટવર અવાક થઇ ગયો. તેનાથી બોલાઇ ને બફાઇ ગયું હતું. ભાંડો ફૂટવાને માંડ તસુભાર છેટું રહ્યું હતું. તેથી બાજી બગડે, વિસ્ફોટ થાય એ પહેલા બાજી સંભાળી લેવાની હતી.

‘દોસ્ત, માંડેલું એટલે એમ જ. . . ’ ગેંગેંફેંફેં કરતા નટવરે કહ્યું : ‘ને ધવલ, યામિની મેરીડ છે. . . ’

‘હું જાણું છું !’

‘છતાંય મેરેજ કરવા છે !?’


ધવલ ફરી એકવાર નટવર સામે તાકી રહ્યો. નટવરની કોઇ ચોરી કરતો સજ્જન રંગે હાથ પકડાઇ જાય તેવી સ્થિતિ થઇ હતી. છતાંય હારેલો જુગારી બમણું રમે તેમ નટવરે કર્યું.

‘ભાઇ ધવલ,મારી વાતને સમજવાની કોશિશ કર. ’નટવર ગાલાવેલો થતો બોલ્યો : ‘યામિની ને ડિવોર્સ લેવા પડ્યાં છે, ત્યાં કંઈક લોચો છે એટલે અહીં આવી છે !’

‘પ્લીસ,એક મિનિટ લિસન મી. . . ’ધવલ એકદમ ઊભો થઇ ધુંઆફુંઆ થતાં બોલ્યો : ‘તું આ બધું મને અત્યારે જ સમજાવવા શા માટે આવ્યો !?’

ધવલનો નાક નકશો બદલાઇ ગયો. સહેજ ઉજળું મોં લાલઘૂમ થઇ ગયું. તેનાં મનમાં હતી તે શંકા ઉઘડીને સામે આવી ગઇ. નક્કી કોઇ કાવતરું લાગે છે !


નટવર પણ એટલી જ ઝડપથી ઊભો થઇ ગયો. જાની દુશ્મન જેમ એકબીજા સામસામે ઘૂરકવા લાગ્યા. હોઠ વંકાઇને ચૂપકીદી સેવી રહ્યાં હતાં પણ આંખો અગનજાળ વરસાવતી હતી. ખાસ્સો સમય પસાર થઇ ગયો હતો. ઉની લ્હાય જેવી નજરની છાલક નાખી ધવલ પારોઠ ફરી ગયો. પછી આવેગ ને આક્રોશ સાથે લાંબા લાંબા ડગ ભરવા લાગ્યો.

‘નટીયા ને કીધું જ શું કરવા !?’ ધવલ સ્વગત બોલ્યો : ‘મારું જ અંગતકામ હોય તો પછી . . . આ ડફોળને ક્યાંથી ખબર પડી !??’


કમાટીબાગના દરવાજા સુધી પહોંચતા ધવલના પગ ઢીલા ગયા. ઊભો રહ્યો. છાતીમાં વિશ્વાસની સાગમટે શ્વાસ ભરાઇ ગયો હતો. ધવલ દમના દર્દી માફક હાંફલવા લાગ્યો. કંઈ સૂઝતું નહોતું. . . એમ જ રોડ સુધી આવી ગયો. નહોતો કરવો છતાંય હાથ ઉંચો થઇ ગયો. રીક્ષા પાસે આવીને અટકી. યંત્રવત બેઠો. . .

ને રીક્ષાવાળો સામે જોઈને પૂછે એ પહેલાં જ મનમાં ગોખી રાખેલા હોટલના સરનામાના બદલે ધવલ ઘરનું સરનામું બોલી ગયો. . . !


Rate this content
Log in

Similar gujarati story from Romance