Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Patel

Others

4.7  

Mayur Patel

Others

એક હસીન છલના

એક હસીન છલના

10 mins
21.8K


પ્રવાસનો થાક ઉતારવા પ્રથમ એક કલાક સુધી ગરમ પાણી ભરેલા બાથટબમાં પડ્યો રહ્યો. બીજા દિવસે સવારે ક્લાયન્ટ સાથે ઇમ્પોર્ટ્ન્ટ બિઝનેસ મિટિંગ હોવાથી જમીને તરત સૂઈ જવાનો તેનો પ્લાન હતો. આમ પણ રાતના સાડા અગિયાર થવા આવ્યા હતા. દિલ્હીથી પોંડિચેરીની તેની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે બે કલાક ડિલે થઈ હતી. બાથટબમાં પડ્યા પડ્યા તેણે ક્લાયન્ટ સાથેની સંભવિત ચર્ચાના મુદ્દા મનોમન વાગોળી લીધા.

થાક ઉતરી ગયો એટલે શરીરે રોબ વીંટાળીને તે એટેચ્ડ બાથરૂમની બહાર આવ્યો, પણ તેના પગ અચાનક જ બાથરૂમના દરવાજામાં ખોડાઈ ગયા. તેની આંખ સામે, કમરાની વચ્ચોવચ રહેલા બેડની ધાર પર એક અજાણી યુવતી બેઠી હતી. પ્રથમ તરફ પીઠ કરીને બેઠેલી એ યુવતી તદ્દન નિર્વસ્ત્ર દશામાં હતી! એણે પગમાં લાલ રંગની હાઈ હીલ્સ પહેરેલી હતી અને એ સમયે એના અંગ પર રહેલું એ એક માત્ર આવરણ હતું. ભૂરા રંગની ડીમ લાઇટમાં ડૂબેલા કમરામાં એક માદક ખૂશબો ફેલાયેલી હતી.

પ્રથમને બરાબર યાદ હતું કે બાથરૂમમાં નહાવા જતાં અગાઉ તેણે રૂમનો દરવાજો અંદરથી બરાબર લોક કર્યો હતો, તો પછી પેલી યુવતી રૂમની અંદર કઈ રીતે દાખલ થઈ શકે, એ પ્રશ્ન તેને મૂંઝવી રહ્યો. એકદમ શાંત ચિત્તે બેઠેલી એ યુવતીની રહસ્યમય હાજરીથી સચેત બની ગયેલા પ્રથમે હળવો ખોંખારો ખાઈને કહ્યું, ‘એક્સક્યુઝ મી, મિસ...’

પ્રથમની હાજરી પારખી લીધી હોવા છતાં પેલી ન તો ચોંકી કે ન તો એણે પાછળ ફરીને જોયું.

અસમંજસમાં અટવાયેલો પ્રથમ આગળ શું કરવું એ નક્કી કરે એ પહેલા જ પેલી યુવતી બેડ પરથી ઊભી થઈ. પોતાની પીઠ પ્રથમ તરફ જ રાખીને એ ધીમી, બિન્ધાસ્ત ચાલે રૂમની બાલ્કની તરફ આગળ વધી. ફ્લોર પર પટકાતી એની હિલ્સનો ‘ટક... ટક...’ અવાજ વાતાવરણને ભયાવહ બનાવી રહ્યો. એ બાલ્કનીમાં જતી રહી અને દેખાતી બંધ થઈ ગઈ. મૂંઝાયેલા પ્રથમને હોટેલના ઇન્ટરકોમ પર કોલ કરીને મદદ માગવી કે પેલીની પાછળ બાલ્કનીમાં જવું એ નક્કી કરવામાં ખાસ્સી બે મિનિટ લાગી. છેવટે તેણે હિંમત કરીને બાલ્કની તરફ જવા કદમ ઉપાડ્યા.

બાલ્કનીના એક ખૂણે એ ઊભી હતી, એ રીતે કે જેથી પ્રથમને એનો ચહેરો ન દેખાય. એના વાંકળિયા, બ્રાઉન વાળ ખભાથી સહેજ નીચે સુધી લંબાતા હતા. સુરેખ શરીર પર ચરબીનો ‘ચ’ પણ નહોતો. વાતાવરણને તરબતર કરી રહેલી પરફ્યુમની સ્ટ્રોંગ સુવાસ એના તરફથી જ આવી રહી હતી. પ્રથમની નજર એના નગ્ન દેહ પર પગથી માથા સુધી સરકી અને તેના માહ્યલો પુરુષ જાગી ગયો. આટલા સુંદર, આટલા મદમસ્ત સ્ત્રી-શરીરને માણવાની ઈચ્છા અચાનક જ બળકટ બની ઊઠી. તેને વિચાર આવ્યો કે, નક્કી આ હોટેલના સંચાલકોની ટ્રિક હશે. પુરુષ કસ્ટમર પાસેથી વધુ નાણા કમાવા માટે તેઓ ધંધાદારી સ્ત્રીઓને આ રીતે ચોરીછૂપે કમરામાં મોકલતા હશે. ડુપ્લિકેટ ચાવીની મદદથી કમરાની અંદર ઘૂસી આવવું પણ અશક્ય નહોતું...

મધરાતે મળેલા એ હસીન સરપ્રાઇઝથી પ્રથમ ખુશ થઈ ગયો. હોટલ સંચાલકોએ કરેલી એ વ્યવસ્થાનો લાભ ઊઠાવવામાં તેને કોઈ છોછ નહોતો. આમ પણ તેણે સ્ત્રીસંગ માણ્યાને ઘણા દિવસો વીતી ચૂક્યા હતા એટલે...

મનમાં ઊઠેલી રંગીન કલ્પનાને સાકાર કરવાના ઈરાદે, અવાજમાં માર્દવતા ભેળવી પ્રથમ બોલ્યો,‘હેલ્લો, મિસ. મે આઇ નૉ યોર ગૂડ નેમ?’

અને એ સાથે જ પેલી યુવતી પાછળ ફરી. પ્રથમની ઉત્કંઠા બેવડાઈ, પણ પેલીના ચહેરા પર તેણે જે જોયું એનાથી તેના ચહેરાનો રંગ ઊડી ગયો. હોઠોં પર રમી રહેલું લંપટ સ્મિત વીલાઈ ગયું. શરીરમાં દોડી રહેલો ધગધગતો રક્તપ્રવાહ થીજી ગયો. તેની સામે ઊભેલી યુવતીનો કોઈ ચહેરો જ નહોતો. ચહેરાની જગ્યાએ હતું એક કાળુંભમ્મ પોલાણ! જાણે કે અંધારિયો કૂવો!

ચહેરા વગરની એ યુવતીને જોઈને ડરથી હેબત પામી ગયેલા પ્રથમના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ. તેનું દિમાગ ચીસ પાડી ઊઠ્યું, પણ એ ચીસ બહાર ન નીકળી શકી, ગળામાં જ ક્યાંક થીજી ગઈ.

ડરના માર્યા બાલ્કનીની દીવાલ સાથે ચીપકી ગયેલા પ્રથમની આંખ સામે પછી જે ઘટ્યું એ અવિશ્વસનીય હતું. ચહેરા વગરની એ યુવતી બાલ્કનીની રેલિંગ પર ચઢી અને પછી એણે નીચે છલાંગ લગાવી દીધી!

વાતાવરણમાં એક ચીસ ગૂંજી અને પ્રથમ થથરી ગયો.

સાતમા માળેથી કૂદી પડેલી એ બલા નીચે ધરતી પર પટકાઈ કે વચ્ચે હવામાં જ ક્યાંક ઓગળી ગઈ એની પરવા કર્યા વિના પ્રથમ રૂમની અંદર તરફ ભાગ્યો. રોબ વીંટાળેલા શરીરે જ તેણે રૂમનો દરવાજો ખોલી લિફ્ટ તરફ દોટ મૂકી. જિંદગીમાં પહેલી વાર તેણે ભૂત જોયું હતું. ભૂત...

પ્રથમ શર્માની ચીસાચીસથી હોટલ ‘હિલ ટોપ’માં મધરાતે દોડાદોડી મચી ગઈ. ‘મારા કમરામાં ભૂત હતું... ભૂત...’ ચિલ્લાતા પ્રથમે હોટલના સ્ટાફને માથે લીધો. તે તાત્કાલિક હોટલ છોડી જવાની જિદે ચઢ્યો. મેનેજર તેને સમજાવતા રહ્યા કે તેણે કોઈ સપનું જોયું હશે, પણ પ્રથમ કોઈ કાળે એ રૂમમાં પાછો જવા તૈયાર નહોતો. રૂમ બદલવાની ઓફર પણ તેણે ઠુકરાવી દીધી. આખરે મેનેજરે રૂમ એટેન્ડન્ટને મોકલી પ્રથમનો સામાન મંગાવી લીધો અને નજીકમાં આવેલી બીજી હોટલમાં તેના રાત્રિરોકાણની વ્યવસ્થા કરાવી દીધી.

ટેક્સી હોટલના કમ્પાઉન્ડ ગેટમાંથી બહાર નીકળી છેક ત્યારે પ્રથમનો શ્વાસ હેઠો બેઠો. સહેજ દૂર ગયા કે તેણે ડ્રાઇવરને હોટલમાં પોતાની સાથે બનેલી ઘટના વિશે પૂછ્યું. પહેલા તો ડ્રાઇવરે કહ્યું કે એ કંઈ નથી જાણતો પણ એના ખોળામાં હજાર રૂપિયાનું વજન પડ્યું ત્યારે એણે પટ પટ બોલવા માંડ્યું, ‘વર્જિના બ્રાઉન. આપને જો દેખા વો વર્જિના બ્રાઉન કા ભૂત થા, સા’બ. આધી વિદેશી, આધી ઇન્ડિયન. મા ઉસકી બેંગોલી થી ઔર બાપ અમેરિકન ગોરા. હોટલ કે પુરાને માલિક ગુલાટી કી રખૈલ થી વો. ગુલાટી બીવી-બચ્ચોંવાલા આદમી, પર કલકત્તે સે યહાં ઘૂમને આયી વર્જિના કે મોહ મેં વો ઐસા ફસાં કી પૂછો મત...’

પ્રથમ ધડકતે હૃદયે સાંભળતો ગયો.

વર્જિનાને એના પર બેફામ પૈસો ઉડાવે એવો આશિક મળી ગયો અને ગુલાટીને એક પાર્ટટાઇમ રમકડું મળી ગયું, જેની સાથે તે જ્યારે ચાહે, જેવી રીતે ચાહે એવી રીતે રમત કરી શકે. બંને ભરપૂર એશ કરવા લાગ્યા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પણ પછી બીજાં સામે પોતાનો પ્રેમસંબંધ છુપાવવા માટે જૂઠ બોલી બોલીને વર્જિના થાકી. આવી બનાવટી જિંદગીથી તંગ આવીને એણે ભવાડા કરવા માંડ્યા. ગુલાટી સાથેના લફરાને જાહેર કરી દેવાની ધમકી આપવા લાગી. એ જિદે ચઢી કે ગુલાટી તેના પરિવારને છોડીને એની સાથે લગ્ન કરે. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. એ ગમે ત્યારે હોટલમાં આવી ગુલાટી સાથે ઝઘડો કરવા લાગતી. ગુલાટી કંટાળ્યો. ગળાનું હાડકું બનીને રહી ગયેલી રખાતથી હવે તેને છુટકારો જોઈતો હતો. અને એક રાતે ન થવાનું થઈ ગયું.

વર્જિનાએ હોટલના સાતમા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો. નીચે ફંગોળાયેલી વર્જિના ધરતી પર મોં-ભેર પટકાઈ અને એનો ચહેરો ભયંકર રીતે છુંદાઈ ગયો, ઓળખી પણ ના શકાય એટલી હદે. ઘટનાસ્થળે જ એનું કમકમાટીભર્યું મોત થઈ ગયું. એના મૃત્યુને ‘કોઈ અગમ્ય કારણસર કરવામાં આવેલી આત્મહત્યા’ ગણી લેવામાં આવ્યું, પણ અફવા એવી ઊડી કે વર્જિનાની કચકચથી ત્રાસીને, એમનું લફરું જાહેર કરી દેવાની એની ધમકીઓથી ડરીને ખુદ ગુલાટીએ એને સાતમા માળેથી નીચે ધકેલી દીધી હતી! ગુલાટીએ રૂપિયા વેરીને પોલીસ તપાસ અટકાવી દીધી. ભવિષ્યમાં પણ કોઈ ફસામણી ન થાય એ માટે હોટલ વેચીને તે પરિવાર સાથે પરદેશ ભાગી ગયો.

ડ્રાઇવરે વાર્તાનો અંત આણતા કહ્યું, ‘વર્જિના મર તો ગઈ, પર હોટલ છોડ કે ગઈ નહિ. ભૂત બનકે હોટલ મેં ઘૂમતી રહી! ઉસકા ભૂત હોટલ કે સાતવે માલે પે બારબાર દેખા જા ચૂકા હૈ. વો જબ બાલ્કની સે નીચે ગિરી થી તબ ઉસકે જિસ્મ પે એક ભી કપડા નહીં થા, સાબ. ઇસિલિયે ઉસકા ભૂત ભી... આધી રાત કો હોટલ છોડ કે ભાગનેવાલે આપ પહેલે આદમી નહીં હો. કહેતે હૈ કી વો જિસકો ભી દિખતી હૈ ઉસકા...’

ડ્રાઇવરે વાક્ય અધૂરું છોડ્યું એટલે પ્રથમે પૂછ્યું,‘ઉસકા...? ઉસકા ક્યા..?’

ડ્રાઇવર ખચકાયો એટલે પ્રથમે પોતે જ વાક્ય ગોઠવી કાઢ્યું,‘...ઉસકા ખૂન હો જાતા હૈ, યહી ના..?’

ડ્રાઇવરે સૂચક મૌન જાળવી રાખ્યું અને પ્રથમને પરસેવો છૂટી ગયો. ડેમેજ કન્ટ્રોલ કરતો હોય એમ ડ્રાઇવર બોલ્યો,‘મૈંને ખુદ કુછ નહીં દેખા, સા’બ. સબ કહી-સુની બાતેં હૈં. લોગ તો મિર્ચ-મસાલા ડાલકે કુછ ભી બોલતે રહતે હૈં...’

ડ્રાઇવરના આશ્વાસનયુક્ત શબ્દો કાને અથડાયા બાદ પણ પ્રથમનો ઉચાટ જરાય ન શમ્યો. વર્જિનાનું ભૂત હત્યા કરતું હતું કે નહીં, એ તો ખબર નહોતી, પણ એનું ભૂત હતું જરૂર, અને એનો તેને પરચો મળી ગયો હતો.

એ આખી રાત પ્રથમે જાગતા વિતાવી. સવારે ક્લાયન્ટને કોલ કરીને પોતાની તબિયત અચાનક બગડી હોવાનું બહાનુ કાઢી મિટિંગ કેન્સલ કરી અને પહેલી ફ્લાઇટ પકડીને દિલ્હી ભેગો થઈ ગયો.    

રાતની ડરામણી ઘટના અને ડ્રાઇવરે કહેલી વાતો તેનો પીછો નહોતી છોડી રહી. વર્જિના બ્રાઉન વિશે વધુ જાણવા તેણે ગૂગલ સર્ચનો સહારો લીધો. ઇન્ટરનેટ પર વર્જિનાના ભૂત અને એના દ્વારા કરાયેલી હત્યાઓ વિશે ઘણું બધું લખાયેલું હતું. જીવતી હતી ત્યારે વર્જિના પરફ્યુમ્સની શોખીન હતી એટલે મર્યા બાદ હોટલમાં ભટકતા એના પ્રેતમાંથી પણ પરફ્યુમની મદમસ્ત સુગંધ આવતી રહેતી. ઘણાને એ પોલો ચહેરો બતાવતી, તો ઘણાને એનો છુંદાયેલો, લોહી નીંગળતો ચહેરો જોવા મળતો. ઘણાએ એને તદ્દન નોર્મલ રૂપમાં પણ જોઈ હતી. જાણે કે કોઈ જીવતી-જાગતી વ્યક્તિ ન હોય! એ નોર્મલ રૂપમાં દેખા દેતી ત્યારે એના હોઠો પર લાલચટ્ટક લિપસ્ટિક લાગેલી દેખાતી. અદ્દલ એવી જ લિપસ્ટિક જે એ જીવતી હતી ત્યારે લગાડતી હતી. હોટલની લોબીમાં એની હાઇ હિલ્સનો ‘ટક... ટક...’ અવાજ સંભળાવાની ઘટના તો બહુ કોમન થઈ ગઈ હતી.

પરફ્યુમની સુગંધ... હાઇ હિલ્સનો ‘ટક... ટક...’ અવાજ... પ્રથમે પણ તો અનુભવ્યા-સાંભળ્યા હતા..!

એક-બે નહીં, ગણીને પૂરા અગિયાર પુરુષોને વર્જિનાના ભૂતે માર્યા હોવાના દાવા ઇન્ટરનેટની વિવિધ સાઇટ્સ પર થયા હતા. ચાર વર્ષ અગાઉ કમોતે મરેલી વર્જિના જેને દેખા દેતી એની એ વહેલી-મોડી હત્યા કરી જ દેતી હતી, પછી ભલેને તે પુરુષ દેશના કોઈપણ ખૂણે કેમ ન બેઠો હોય! વર્જિનાના શિકાર બનેલા તમામ અગિયાર મૃતકોના નામ-ઠામ સાથે તેઓ જે સ્થળે માર્યા ગયા હતા એની નોંધ પણ નેટ પર હતી. મુંબઈ, ઔરંગાબાદ, ચેન્નાઈ, અગરતલા, હાવડા...

પ્રથમ આગળ વાંચી ના શક્યો. પરસેવે રેબઝેબ થઈ ગયો. તો શું એ મને પણ... વિચારતાં તેને ફાળ પડી. વર્જિનાનો ભોગ બનેલા તમામ પુરુષોની લાશ હોટલના કમરામાંથી મળી આવી હતી. એક પણ અપવાદ વિના તમામ પુરુષો હોટલમાં એકલા રોકાયા હતા ત્યારે જ... દિલ્હીમાં એપાર્ટમેન્ટ ભાડે રાખીને એકલા રહેતા પ્રથમને હવે એકલા રહેવામાં ડર લાગ્યો. તેણે પોતાના એક મિત્રને સાથે રહેવા બોલાવી લીધો. તેમ છતાં વર્જિનાના ડરે પીછો ના છોડ્યો ત્યારે બધું કામ પડતું મૂકીને ઘરે જતો રહ્યો. તેનું ઘર ગુરુગ્રામ તરફના કોઈ ગામડે હતું.

પરિવાર સાથે ૧૫ દિવસ વિતાવીને તે હળવો થઈ ગયો. વર્જિના નામનું ટેન્શન ખાસ્સું ઘટી ગયું. દિલ્હી પાછો ફરીને તે કામ પર લાગી ગયો, પણ ક્યાંય કોઈ હોટલમાં રાત ન રોકાવાની તેણે જાણે કે કસમ ખાઈ લીધી હતી.

આમ ને આમ આઠ મહિના વીતી ગયા. લંગોટિયા યાર વિશેષના લગ્નમાં ફરીથી ગામડે જવાનું થયું. વિશેષની જાન જબલપુર ગઈ. કમનસીબે કુદરત રુઠી અને કમોસમી વરસાદ તૂટી પડ્યો. અને પડ્યો તો એવો પડ્યો કે જાનૈયાઓના ઉતારા માટે બૂક કરવામાં આવેલા હોલમાં ત્રણ ફીટ પાણી ભરાઈ ગયા. આવા હોલમાં જાનને કેમ રખાય..! થાકેલા જાનૈયાઓ માટે તાબડતોબ અન્ય ગેસ્ટહાઉસ અને હોટલોની વ્યવસ્થા કરવાની દોડધામ મચી. બે કલાકની માથાપચ્ચી બાદ થોડાને અહીં ને થોડાને તહીં કરીને સૌને માટે રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ.   

બચ્યા બે. વિશેષ અને પ્રથમ. પણ હોટલમાં રાત રોકાવાની વાત આવી ત્યારે પ્રથમ અડી ગયો. હોટલમાં જવાને બદલે તેણે કારમાં જ ઊંઘી જવાની જિદ પકડી. વિશેષે તેને સમજાવતા કહ્યું, ‘ભાઈ, તેં વર્જિનાના ભૂતને જોયે આઠ મહિના વીતી ગયા. એણે તને મારવો જ હોત તો અત્યાર સુધી મારી નાંખ્યો હોત. અને તું એકલો થોડો હોટલમાં રોકાવાનો છે. આપણે બે ભેગાં છીએ, પછી? તું ચાલ, કંઈ નહીં થાય...’

આવી અનેક દલીલો છતાં પ્રથમ ટસનો મસ ના થયો ત્યારે વિશેષે ટ્રિક અજમાવી. બિયરના ટીન ખોલી એણે કારમાં જ મહેફિલ જમાવી. બંને કલાક સુધી પીતા રહ્યા. નશા પૂરો ચઢ્યો ત્યારે વિશેષની વાતનો વિરોધ કરવાના પ્રથમમાં હોશ ન રહ્યા. લડખડાતા પ્રથમને હાથનો ટેકો દઈ વિશેષ હોટલના કમરામાં લઈ ગયો અને તેને બેડ પર સૂવડાવ્યો, અને પોતે પણ સૂતો.

ત્રણ કલાક વિત્યા. રાતના સાડા ત્રણ વાગ્યા. ડેવિલ્સ આવર- શેતાનનો કલાક શરૂ થયો અને ખામોશીમાં ડૂબેલા કમરામાં હલચલ શરૂ થઈ.

વિશેષની આંખો અચાનક ખુલી ગઈ. નેચર કોલ. બાજુમાં ઊંઘતા પ્રથમ તરફ એક નજર નાંખી એ ટોઇલેટ ગયો. ટોઇલેટ ડોર અંદરથી લૉક થયો કે તરત પ્રથમ હલબલ્યો. ગાઢ ઊંઘમાં તેણે એક અજીબ ગંધ અનુભવી. એક એવી પરિચિત ગંધ જે અગાઉ પણ તેણે...

માદક પરફ્યુમની એ સુગંધની તીવ્રતા ઉત્તરોત્તર વધતી ગઈ અને પ્રથમ ઊંઘમાં જ અકળાવા લાગ્યો. પછી શરૂ થયો એક જાણીતો અવાજ... ટક... ટક...

પહેલા અત્યંત ધીમો જણાતો અવાજ ધીમેધીમે મોટો થતો ગયો.

ટક... ટક...

જાણે કે કોઈ દૂરથી ચાલીને તેની તરફ આવી રહ્યું હતું.

ટક... ટક...

પ્રથમની નિદ્રા તૂટવા લાગી. ટક... ટક...નો અવાજ વધુ ને વધુ મોટો થઈને ધમણની જેમ તેના માથામાં વિંઝાવા લાગ્યો.

એકાએક તેણે એક સ્પર્શ અનુભવ્યો. પહેલા પગ પર અને પછી ઉપર... ઉપર...

એ જ મદમસ્ત સુગંધ, એ જ હાઇ હિલ્સનો અવાજ...

પ્રથમને ઊંઘમાં જ લાગ્યું કે તેના માથા પર કંઈક ઝળુંબી રહ્યું હતું. કંઈક વજનદાર, કંઈક રહસ્યમય, કંઈક...

ભારે જહેમતપૂર્વક તેણે પાંપણો ઊંચી કરી. અને તેની નશીલી આંખોએ જે જોયું એનાથી તે હક્કોબક્કો રહી ગયો. કાચી સેકન્ડમાં તેની ઊંઘ ઊડી ગઈ.

તેના માથા ઉપર, હવામાં એક ખૂબસૂરત બલા ઝૂલી રહી હતી, હવામાં રીતસર તરી રહી હતી. અત્યંત સુંદર એ ચહેરો, નાજુક એના અંગો, નગ્ન એનો દેહ, વાંકળિયા એના વાળ, લાલચટ્ટક એના હોઠ, તરસી એની આંખો...

પ્રથમનું અર્ધજાગ્રત મન એને ક્યાં જોઈ હતી એ યાદ કરવામાં પડ્યું ત્યાં તો એ સુંદરીના ધગધગતા રૂપને ગ્રહણ લાગવા માંડ્યું. એનો ચહેરો કાળો પડવા લાગ્યો. કાળો, કાળો... વધુ કાળો...

અને પછી દેખાયું એ પોલાણ, એ ભમ્મરિયો કૂવો...

એ વર્જિના બ્રાઉન હતી..! એ જ હસીન છલના જે આઠ મહિના અગાઉ તેને પોંડિચેરીની હોટલ હિલ ટોપમાં ભટકાઈ હતી. એ જ વર્જિના બ્રાઉન જે તેના જેવા અગિયાર પુરુષોને અકાળે મોતને ઘાટ ઉતારી ચૂકી હતી. એ જ...

હવે... હવે એ તેના માટે આવી હતી.

મોતની કલ્પના કરતાં જ તે ધ્રૂજી ઊઠ્યો. એસીની ઠંડકમાંય પરસેવે રેબઝેબ થઈ ગયો.

ત્યાં જ, બરાબર એ જ સમયે, ટોઇલેટમાં ફ્લશનો અવાજ આવ્યો.

વિશેષ. વિશેષ ટોઇલેટમાં હતો..! પ્રથમને પહેલી જ વાર ભાન થયું કે બેડ પર તે એકલો હતો. બસ, ગણતરીની સેકન્ડની વાર હતી. વિશેષ ટોઇલેટમાંથી બહાર આવીને તેને બચાવી લેશે, એવી આશા તેના મનમાં જાગી.

વિશેષના નામની બૂમ મારવા તેણે મોં ખોલ્યું ત્યાં જ વર્જિનાનું પ્રેત હરકતમાં આવ્યું. એનું કાળું પડવા લાગેલું શરીર ધૂળની રજકણોમાં ફેરવાવા લાગ્યું અને એ રજકણો સીધી પ્રથમના મોંમાં...

પ્રથમ ગૂંગળાવા લાગ્યો. કાળ બનીને આવેલી વર્જિનાનું શરીર ચૂરચૂર થઈને પ્રથમના મોં વાટે શરીરમાં દાખલ થવા લાગ્યું અને પ્રથમ બેબસ-લાચાર બનીને તરફડતો રહ્યો.

ટોઇલેટમાંથી બહાર આવેલા વિશેષની આંખો બિસ્તર પરનું દૃશ્ય જોઈને ફાટી પડી. જીવ બચાવવા માટે હવાતિયાં મારી રહેલા પ્રથમના મોં-નાક-કાનમાંથી કાળી ધૂળના ગોટેગોટા બહાર વહી રહ્યા હતા. કમરાની હવા પરફ્યુમની માદક ગંધથી મઘમઘી રહી હતી.              

          

 


Rate this content
Log in

More gujarati story from Mayur Patel