Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Children Stories Others

5.0  

Bindya Jani

Children Stories Others

રંગ બેરંગી છત્રી

રંગ બેરંગી છત્રી

2 mins
596


ધરતી વર્ગખંડમાં પ્રવેશી ત્યારે બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. અને વર્ગખંડમાં બાળકો ન ભણવાના મૂડ સાથે બારી બહારની ઝરમર સાથે જાણે કે વરસી રહ્યા હતા. અને હાથમાં નાની રંગબેરંગી છત્રીઓ સાથે રમી રહ્યા હતા.


મેડમ ને આવતા જોઈ બાળકોના મોઢા ઉપર એક કંટાળાની ઝલક દેખાઈ આવી. ધરતી પણ આવી ભીની મોસમમાં માનસિક રીતે તો ખોવાયેલી જ હતી. આથી તેણે બાળકોને પણ ભણાવવાને બદલે વરસાદ વિશે બાળકોના વિચારો જાણવાની કોશિશ કરી અને પ્રશ્નો પૂછ્યા. અને જાણે કે બાળકોને તો ગમતા પ્રશ્નો મળી ગયા હોય તેમ તેના ચહેરા ખીલી ઊઠ્યા. જાણે કે બગીચાના ફૂલો મ્હોરી ઊઠ્યા હોય તેમ એક પછી એક બાળકો વરસાદ વિશે તેના વિચારો જણાવતાં જણાવતાં વરસાદમાં નહાતા હોય તે રીતે ઝૂમી ઊઠયા. બાળકોના નિર્દોષ ચહેરાઓ અને તેમની ખુશી ભરી વાતોથી ધરતી પણ જાણે અનાયાસે જ ખેંચાઈ ગઈ. તે પણ બાળકો સાથે બાળક બની ગઈ. અને તે પણ બાળકો ને પોતાના બાળપણની વાતો કરવા લાગી.


વરસાદ આવે ત્યારે ફળિયાની તોફાની ટોળી સાથે વરસાદમાં રમવા નીકળી પડતાં, વરસાદમાં પડતા નહાતા - ગંદા કપડા કરીને ઘરે આવતા ત્યારે માનો ઠપકો સાંભળવો પડતો હતો. આ બધી વાતોમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો નાતો ભુલાય ગયો અને બાળપણના ગોઠિયાઓ સાથેના મસ્તી-તોફાન યાદ કરીને બાળકો સાથે તેનું બાળપણ ઉપસી આવ્યું. 


તેના બાળપણ સાથે જ છવાયેલો "મેઘ" તેનો બાળપણનો મિત્ર, તેના દિલમાં છવાઈ ગયો. મેઘ સાથે નાની રંગ બેરંગી છત્રી માટે થયેલો ઝઘડો યાદ આવી ગયો. મેઘ પાસે નાનકડી રંગ બેરંગી છત્રી હતી અને ધરતીને તે જ જોઈતી હતી. અને મેઘની મમ્મીએ રડતી ધરતીને શાંત કરવા આપી દીધી હતી. ત્યારે મેઘે કહેલું કે જો જે હું તારી મમ્મી પાસેથી તને અને છત્રીને બંનેને લઈ જઈશ. તું મારા ઘરે રહે તો મારી ગમતી છત્રી પણ મા પાસે જ રહે ને ! તો તું મારી સાથે ઝઘડો જ ન કરી શકે ને ! 


ધરતીને આજે એ વાત યાદ આવી જતાં તે અનાયાસે હસી પડી. અને તેણે એક બાળકની રંગ બેરંગી છત્રી હાથમાં લઈ લીધી. અને બોલી "મને આ છત્રી આપીશ." બાળક બિચારો મુંઝાય ગયો. અને તેણે તરત જ ધરતીના હાથમાંથી છત્રી ખેંચી લીધી. અને કહે કે આ તો મારી ગમતી છત્રી છે. તમને બીજી મોટી છત્રી લઈ દઈશ. 


પણ ધરતીનું મન તો રંગબેરંગી નાની છત્રીમાં જ ખોવાયેલું હતું. કારણ તેમાં મેઘની મીઠી યાદો છવાયેલી હતી. આજે તેણે બાળકો સાથે તેનું બાળપણ માણ્યું અને મેદાનમાં જઈ બાળકો સાથે વરસાદની મજા માણી. 


Rate this content
Log in