Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

નરસૈયો અને રા'

નરસૈયો અને રા'

8 mins
490


જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતાં. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ પંદર પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના આધેડો ને બુઢ્ઢા હતા. તેમના હાથમાં લાંબી લાક્ડીઓને નાની જ્યેષ્ઠિકાઓ હતી. તેમણે કછોટા ભીડ્યા હતા. અંધારી રાતનો બીજો પહોર હતો. તેઓ ચોકી કરતા હતા. ચોર બહારથી આવવાનો નહોતો. ચોકી કોઈ અંદરના ચોર ઉપર ચાલતી હતી. ચોકીદારોને કાને અંદરથી એક કોમળ કંઠની કાકલૂદી સંભળાતી હતી.

'કૃપા કરીને ઉઘાડો. પગે લાગું છું ઉઘાડો. એ બીજા કોઇના હાથે પાણી નહિ પીવે. એ તરસે મરી જશે.'

એ કંઠ સ્ત્રીનો હતો. એને ચોકીદારો જવાબ દેતા હતા -

'મરી જશે તો મડદું ઢસડીને ગિરનારનાં કોતરોમાં નાખી આવશું.ગીધડાંનાં પેટ ભરાશે.'

'એવું અમંગળ ઉચ્ચારો મા, કાકા, મામા, ને ભાઇઓ ! એ શ્રીહરિનો ભક્ત તરસે મરી જશે. ને મને પાતક લાગશે.'

'તારાં પાતક હજી બાકી રહ્યું હશે-હે-હે-હે-'ચોકીદારો હસતા હતા. 'ધણી બેઠો હતો ત્યારે તો અમારૂં કોઈ જોર નહોતું, પણ હવે વિધવા થઇ છો, નાગરી ન્યાતને બોળવા બેઠાં છો-એક એ ભાણેજ ને બીજી તું મામી ! ન્યાત હવે શું તમારા ઉધામા ચલવા દેશે !-હે-હે-હે- એતો ધણી ચાલવા દિયે, ન્યાત ન ચાલવા દિયે.'

'શ્રી હરિ ! શ્રી હરિ ! હે વાલા દામોદરરાય !' અંદરથી એ સ્ત્રી જેમ જેમ રાત જતી ગઇ તેમ તેમ કાકલૂદી છોડીને આવા ઇશ્વર નામના ઉદ્ગારો રટવા લાગી. રાત કેમેય વીતતી નથી. રાતના પગમાં જાણે કોઇએ મણીકાંના ભાર બાંધી દીધા છે. 'શ્રી હરિ ! શ્રી હરિ ! હે મારા વાલા દામોદરરાય ! એને મરવા દેજો મા. એને મુખે પાણી પોગાડજો. એનું હવે કોઇ નથી રહ્યું. એ બીજા કોઇના હાથનું જળ નહિ બોટે.' સ્ત્રીએ ઝંખ્યા જ કર્યું.

'આજ આપણે એ જ પારખું કરવું છે,' ચોકીદારો વાતો કરતા હતા; 'કે એ શઠ આ રતનના હાથના પાણી વગર પ્રાણ છાંડી શકે છે ? કે પાણીની ટબૂડી તો ફક્ત આ કુલટાનાં કુકર્મ ઢાંકવાનું બહાનુ જ છે ?'

'જે હશે તે પ્રાતઃકાળે જ પરખાઇ જશે.'

'ત્યાં તો એ પાખંડીના ભજન-સમારંભમાં તો પૂરી કડકાઇ રાખી છે ને, કે કોઇ બીજું આવીને એને પાણી ન પાઇ જાય.'

'ત્યાં તો જડબેસલાક કામ છે.'

રાત ગળતી હતી. ને ઓરડમાંથી 'શ્રી હરિ ! શ્રી હરિ ! હે મારા વાલા દામોદરરાય ! મારાં કાજ સારી જજો ! હે વિઠ્ઠલા, વહેલા થજો.' એટલા જ જાપ જપાતા હતા. રાત ભાંગતી હતી : ને ઓરડામાંથી વિલંબિત સૂરે 'હે...હરિ ! હે...દામો...' એટલા જ સૂરો ચાલતા હતા.

રાતનો છેલ્લો પહોર બેસતો હતો-ને ઓરડામાંથી સૂરો આવતા અટકી ગયા હતા.

'રંડા સૂઇ ગઇ લાગે છે થાકી થાકીને.' ચોકીદારો બોલતા હતા.

છેલ્લો પહોર પૂરો થવા પર આવ્યો હતો ત્યારે બીજા પાંચ-દસ જણા દોટ કાઢતા એ નાગર-ફળીમાં આવી પહોંચ્યા. તેઓ ગાભરા સ્વરે બોલી ઊઠ્યા,-

'કેમ આમ થયું?'

'કેમ ભાઇ ?'

'તમે ક્યાંઇ આડા અવળા થયા હતા ?'

'ના રે.'

'ઝોલે ગયા હતા ?'

'અરે હટકેશ્વરની દુવાઇ. એક મટકું પણ કયા સાળાએ માંડેલ છે.'

'રતન અંદર જ છે ?'

'ક્યારની ઘોંટી ગઇ છે.'

'પણ ત્યારે આ શું કહેવાય ? ત્યાં તો હમણાં જ એ પાખંડીને રતન પાણી પાઇ ચાલી ગઇ.'

'ઘેલા થયા ઘેલા ! ભાન ભૂલી ગયા લાગો છો.'

'અમે ભાન ભૂલી ગયા, પણ હજારો માણસોની નજર શું જૂઠી ?'

સૌએ જોયું. એકેએક જણને દીઠામાં આવ્યું, રોજની માફક આજે પણ વખતસર આવીને રતને નરસૈયાને ટબૂડી પાઇ.'

'એને કોઇએ પકડી નહિ?'

'ના, કોઇ હિંમત કરી શકયું નહિ. કોણ જાણે કેમ પણ સૌની છાતી બેસી ગઇ. બધાના હાથપગ ઝલાઇ ગયા. નરસૈયો તો પાણી વગર બેહોશ પડ્યો હતો. અવાચક બની ગયો હતો. રતને આવીને કહ્યું, 'લો ભાઇ, લો ભક્તજી, પાણી પીવો.'

આંખો ખોલી એ શઠે પાણી પીધું. એણે કરેલું તે વખતનું હાસ્ય સૌનાં અંતર પર શારડી ફેરવી ગયું. ને ઝબકેલા સૌ ભાનમાં આવે તે પહેલાં રતન સૌની વચ્ચે થઇને બેધડક ચાલી ગઈ.'

ચોકીદારોએ સામસામું જોયું. મોં વીલાં પડી ગયાં. ખડકીની પછીતે જુવાનો દોડીને જોઇ આવ્યા. ત્યાં તો કોઇ દ્વાર નહોતું. ઘરનું છાપરું કે ખપેડો ફાટેલ નહોતો. સૌના હૈયા પર ધાક બેસી ગઇ. સૌના અવાજ ઊંડા ઊતરી ગયા.

'ઘર ઊઘાડીને અંદર તો જૂવો !'

પ્હો ફાટવા પહેલાંની ઘોર અંધારી વેળા હતી. રાત્રિના અંધકાર કરતાં પણ સમેટાતી વેળાનો આ અંધકાર વધુ બીહામણો હતો. સૌએ એક બીજા સામે જોયું. પણ એકેય હાથ એ ખડકીની સાંકળ તરફ વળ્યો નહિ. ડાચાં સૌનાં ફાટેલાં હતાં. ચોકીદારો પોતે જ ચોર-ડાકુ જેવા બન્યા હતા. વિસર્જન થતી રાત તેમને ઝાલી લેશે, કે ચાલ્યો આવતો વિશ્વચોકીઆત સૂરજ તેમને કેદ કરશે ! બધા જાણે બેય બાજુએથી ભીંસાઇ રહ્યા હતા.

'સૌ સાથે ખોલીએ.' એવી મસલત કરીને બધાએ સામટા મળી

અદ્ધર શ્વાસે ખડકી તરફ પગ મૂક્યા. સામટા હાથે સાંકળ ઉઘાડી.અંદર જતાં પરસેવો છૂટી ગયો. રોમેરોમે પાણીનાં મોતીઆં બંધાયાં.

અંદર ઘીનો દીવો બળે છે. ફૂલોની સુગંધ આવે છે. પરોડનો વાયુ વિંઝોણાં ઢોળી રહેલ છે. અને શ્વાસોચ્છવાસ લીધા વગર પણ જાણે ગાઢ નીંદરમાં સૂતેલ છે રતનબાઇ નાગરાણીનું સુંદર ગૌર શરીર.

પાસે પડી હતી એક પાણીથી ભરેલી ટબૂડી.

'એજ ટબૂડી ને એ જ લૂગડાં: અમે સૌએ ત્યાં જોયું.'

થોડાક બોલી ઊઠ્યા. ઊંઘે છે. આવીને ઘોંટી ગઇ લાગે છે.'

'ઊઠાડશું?'

'રતન ! રતન ! ઊઠ એઇ ચોટ્ટી !' એક જણે અવાજ દીધો.

રતનબાઇ તો એવી નીંદમાં પડી હતી, જેમાંથી કોઇ ન જગાડી શકે.

'એલા ક્યાંઇક મરી ન ગઇ હોય. છેટા રહીએ. નાહક અત્યારમાં અભડાવું પડશે.' એમ કહી એક જણે સૌને દૂર ખસેડ્યા.

થોડી વારે ઓરડામાં મૃત્યુની ટાઢાશ પ્રસરી વળી ને બ્હીએલા નાગરો બહાર નીકળી ગયા.

* * *

પ્રભાત થતાં થતાંમાં તો ઊપરકોટની દેવડી પર નાગરો, બ્રાહ્મણો, રાજપૂતો, શૈવભક્તો ને અન્ય સંપ્રદાયીઓનાં હજારો લોકોની ભીડ મચી ગઇ. કાળી ચીસો પડી, કારમા રીડીઆ ઊઠ્યા, દરવાજા ઉપર ધસારા ચાલ્યા, બારણાં કકડવા લાગ્યાં.

'શું છે આ ગોકીરો !' રા'માંડળિકે જ્યારે પાસવાનોને પૂછ્યું ત્યારે એઅના શરીરમાં નસેનસો તૂટતી હતી. એના મોં પરથી સ્વચ્છતાનો છેલ્લો છાંટો પણ ચાલ્યો ગયો હતો. એ જાણે અસલ હતો તે રા' નહિ, પણ બીજો કોઇ વેશધારી રા' લાગે. આગલા દિવસની સાંજ સુધી પણ જે વિભૂતી એના ચહેરા ઉપર તરવરતી હતી તે એક જ રાતમાં અલોપ કેમ થઇ ગઇ હતી, આ એક જ રાતમાં એણે એવા કયા પાપાસૂરની ઉપાસના કરી હતી, કયા સ્મશાનચારી પ્રેતોની સાધના કરી હતી ! એના જીવતરની આ ગઇ રાત કાળીચૌદશની રાત હતી. એના છેલ્લા સંસ્કારને ઊતરડી લઇને આ રાત જાણે કાળી કોઇ બિલાડીની માફક એના ઓરડામાં લપાઇ બેઠી હતી. પણ ઊપરકોટ એ છુપી વાતથી અજાણ હતો.

'ગોકીરો શેનો છે?"

'વસ્તી વીફરી ગઈ છે. ઊપરકોટ ઘેર્યો છે. મહારાજની પાસે ફરિયાદ છે,'

'પણ આ ગામમાં ને બજારોમાં ફડાફડી શેની ચાલે છે ? ઓ પણે ઢેઢવાડો કળાય, તેમાં જઇ ને કોણ સોટા ચલાવી રહેલ છે ? ઓ પેલા કૃષ્ણમંદિર પાસે આ બધા કોને પીટી રહ્યા છે ?' રા'માંડળિક પોતાના ઝરૂખા પરથી નગરનો મામલો નિહાળતો હતો.

'મહારાજ ! નરસૈયાએ કેર કર્યો છે. ઢેઢવાડે જઇ કાલ રાતે કીર્તનો કર્યાં છે. ને એની રખાત રતનબાઇનું રાતમાં ભેદી ખૂન થયું છે. શિવભક્તો ગોપીભક્તો પર પીટ પાડી રહેલ છે. હુલ્લડ ફાટી નીકળ્યું છે. આપ જલદી લોકોને મોં બતાવો, ને નરસૈયાને યોગ્ય દંડ થશે તેવી ખાત્રી કરાવો.'

'વીસળ કામદાર ક્યાં મરી ગયો છે?'

'મહારાજ, એને તો આપે જ કાલ પરગામ મોકલેલ છે ને ! એ શું આપ ભૂલી ગયા !' એક અનુચરે રા' સામે આંખની ઇશારત કરી.

'હા-હા-ઠીક ! હું તો ભૂલી જ ગયો. ભૂલી શકું તો - ભૂલવા મથું છું- ભૂલી શકીશ !-નહિ ભૂલાય !-' પોતે વીસળ કામદારને શા માટે બહારગામ મોકલ્યા હતા તેનું રા'ને ભાન થયું.

'મહારાજ !' અનુચરો રા'ની વાણીનો મર્મ સમજતા હતા. તેમણે એ વાતને રોળીટોળી નાખવા કહ્યું, 'દેકારો બોલે છે. હમણાં ઊપરકોટ ઠાંસોઠાંસ ભરાશે. ઝટ મોં બતાવો ! નરસૈયાને શિક્ષા કરવા લોકોને કોલ આપો.'

'હું શા માટે ?-હું નહિ-કુંતાદે મોં બતાવે ને ! એ કોલ આપે ને ! એણે જ એ પાખંડીને રક્ષ્યો છે. એને કહો વસ્તીને જવાબ આપે-એને કહો- એ રૂપાળીને કહો- એ ભગતડીને કહો-હો-હો-હો !'

'એને પણ આપે જાત્રાએ મોકલેલ છે.' અનુચરોએ રા'ને યાદ કરાવ્યું.

'હા, યાદ આવ્યું. હું જાણું છું, એ તો ગયાં હશે દોંણેશરની જાત્રાએ-એના સગા પાસે. ભલે ગયાં. એ એને ઠેકાણે ગયા, તો હું મારે ઠેકાણે કાં ન જાઉં !'

કુંતાદે માટે રા'ના મોંમાંથી ગંધારા શબ્દો પ્રકટપણે તો પહેલી જ વાર નીકળ્યા. અનુચરો આ હીણી વાણી સાંભળી ડઘાઇ ગયા. ત્યાં તો માણસોએ દરવાજેથી દોડતા આવી ખબર દીધા :

'મહારાજ જલદી કરો ! નરસૈયાને ઉપાડીને, મારપીટ કરતા લોકો લઇ આવેલ છે. હમણાં મારી ઠાર કરશે ને પછી વધુ વકરીને આંહીં ન કરવાનું કરશે.'

'મારવા ના કહો. મેં નરસૈયાને હજી કોઇ દિ' જોયો છે ક્યાં ? એનાં ગીત સાંભળ્યાં છે ક્યાં ? એના ચેટક જોયાં છે ક્યાં ? હજી મારી તો મનની મનમાં રહી ગઇ છે. ચાલો બહાર ચાલો, હું પ્રજાને પાકી ખાત્રી આપું -પાકે પાકી- કે નરસૈયાનાં રોનક તો હું જ હવે પૂરાં કરીશ.'

રા'નું ડોકું જ્યારે ગોખની બહાર દેખાયું, ત્યારે ઉપરકોટના અંદરના વિશાળ ચોગાનમાં કીકીઆરા કરતી ઠઠ હુકળતી હતી. ને એ ઠાંસામાંથી એક ટોળું આગળ ધસી મોખરે આવવા મથતું હતું. ટોળું મોખરે આવ્યું ત્યારે એમના હાથમાં ઝકડાએલો એક માણસ હતો. એના શરીર પરની પોતડી અને ઉપરણી, એ બે કપડાં પણ લીરેલીરા થઇ ચૂક્યાં છે : એના હેમવરણા દેહ પર માથાની અને કપાળની ફુટમાંથી લોહીના રેગાડા ટપકે છે : પીટાએલ દેહ ઊભો રહી શકતો નથી. છતાં એ માથું ટટાર રાખીને રા'ની સામે જોવા મથી રહ્યો છે.

'આ પાખંડી : આ મેલા મંત્રોનો સાધનારો : આ વ્યભિચારનો અખાડો ચલાવનારો : દંડ દ્યો રા' ! શિરચ્છેદ કરો રાજા ! નીકર ગિરનારનાં શૃંગો તૂટશે. ભૂકમ્પો થશે. દટ્ટણ પટ્ટણ થશે.' એક નગરજનનો ભૈરવી આવાજ આવા બોલ બોલતો હતો.

'એને-' રા'એ ઊંચે ઝરૂખેથી હાથ હલાવ્યો : 'બંદીગૃહે નાખો કોટવાલ ! એનો શિરચ્છેદ કરવો કે બીજી કોઇ ભૂંડી રીતે મારવો તે આજ નક્કી થશે. પ્રજા વિશ્વાસ રાખે.'

એટલું બોલીને રા' ઊભા રહ્યા, લોકમેદનીના હર્ષલલકાર ને 'જય હો જૂનાના ધણીનો ! જય હો શંભુના ગણનો' એવા જયજયકાર ગગનને વિદારી રહ્યા.

રા' સૌની સામે હસ્યો, એનું ડોકું ગોખમાંથી અદૃશ્ય થયું, નરસૈયાએ ગોખ પરથી આંખો ઉપાડી લઇ, એથી થોડે દૂર દેખાતા બીજા એક શુન્ય ગોખ પર મીટ માંડી...ને ત્યાંથી દૃષ્ટિ ઠરી રહી ગિરનારનાં એ શિખરો ઉપર, જે શિખરો ત્રણસો વર્ષ પર એક રાજરાણીને ઠપકે તૂટી ખાંગાં થયાં છે, ને આજ પણ એ ખાંગાં ચોસલાં, ગરવાના હૈયાફાટ વિલાપનાં થીજી ગયેલાં આંસુ સમાં પડેલાં છે.

તે દિવસ બપોરની રાજકચેરી બેઠી. આખું જૂનાગઢ હક્લક્યું. રા' માંડળિકને ન્યાયકામમાં મદદ આપવા પુરોહિતો ને નાગર ગૃહસ્થો બેઠા હતા. તેમણે સૌથી વધુ મહેનત કપાળનાં ત્રિપુંડો વગેરે તિલકો તાણવામાં લીધી હતી તે કળાઈ આવતું હતું. પ્રત્યેકના પોશાક અને લલાટમાંથી ધર્મ જાણે હાકોટા કરતો હતો. તેમના હાથમાં શાસ્ત્રોનાં મોટાં નાનાં પોથાં હતાં. નરસૈયાનો અપરાધ સાબિત કરવા તેમણે પ્રમાણો તૈયાર રાખ્યાં હતાં.

બાકીની લોકમેદનીનો મોટો ભાગ રોનક માટે આવેલો હતો. તેમની અંદર વાતો થતી હતી : 'હજુ કેટલીક વાર લાગશે ? નરસૈયાને હજુ લાવતા કેમ નથી ? પહેલેથી આંહીં લાવ્યા હોત તો જરા ચેટક તો થાત. એને શું બંદીગૃહની અંદર જ પાછો લઈ જઈને શિરચ્છેદ કરશે ? એ કરતાં તો બહાર મેદાનમાં કાળવા દરવાજે કરે તો કેવું સારું ! ના ભૈ ના, ગિરનાર દરવાજે જ વધુ સગવડ પડે : ખરૂં કહું તો એણે ભેરવ-જપ માથેથી જ પછાડવો જોઇએ એટલે ફોદેફોદા વેરાઇ જાય : હવે ભૈ, તમે ય કાંઇ સમજો નહિ ને ? ભેરવ-જપ ખવરાવે તો તો એને આવતે અવતારે રાજયોગ જ થાય ને.'

લોકમેદનીનો બીજો ભાગ વળી બીજું જ બોલતો હતો : શું થવા બેઠું છે જૂનાગઢનું ! ઓલી રતન એમને એમ મૂઇ એ બરાબર ન થયું : એને ભૂંડે હવાલે મારવી જોતી'તી : બેયને માથાં મૂંડિ, ચૂનો ચોપડી, અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવવા જોતાં'તાં : ના ભૈ ના, એને બેઉને તો એક લોઢાના થંભ ધગાવી બાથ ભીડાવવી જોતી'તી.'


Rate this content
Log in

Similar gujarati story from Classics