Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

દેવલબા સાંભરી

દેવલબા સાંભરી

3 mins
308


પિનાકીની રજા પૂરી થઈ. વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો હતો.

આગલી રાતે મોટીબાએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહીપતરામે રોકડ પૈસાથી મંગાવ્યું હતું. ભાણાના દેખતાં જ રૂપિયો ચૂકવ્યો. ભાણો કોઈ પણ રીતે દૂધપાકનો પ્રસંગ વિસારે પાડે એવું કરવાની એમની નેમ હતી. પત્નીને એ કહેતો કે, “મેં તો ઘણાયના નિસાસા ને પૈસા લીધા છે; પણ આ દૂધપાકના દૂધનો સાવ નજીવો બનાવ મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા.”

પિનાકી જાય છે તેની વ્યથા મોટાબાપુને અને મોટીબાને ઊંડે ઊંડે થતી હતી. મોટીબા પેંડાનો ડબો ભરીને એ વ્યથાને મટાડવા મથતાં હતાં. રખે ક્યાંક રોઈ પડાય એવી બીકે એ પિનાકીને તાડૂકી-તાડૂકીને ચેતવણી આપતાં હતાં કે, “રોજ અકેકો પેંડો ખાજે. ભાઈબંધ-દોસ્તારોને રોજ રોજ ભેગા કરીને ખવરાવી દેતો નહિ. કોઈ કોઈ વાર જ બીજાને આપજે. દાનેશ્વરી કરણ થતો નહિ.”

ને પિનાકીએ બરાબર પેક કરી લીધેલી ટ્રંક પણ મોટાબાપુએ ફરી વાર ઉખેળી છેક તળિયેથી બધી ચીજો નવેસર ગોઠવી આપી.

ધૂનાળી નદીને સામે કાંઠે ચડીને પિનાકીએ પાછળ નજર માંડી. સફેદ મકાનો દૂર ને દૂર પડતાં હતા. મોટીબાને કામ કરવાનું સૂઝતું નહિ હોય. દાદાને, ભગવાન, ઘણાં વર્ષ જીવાડજો ! નહિતર મોટા-બાપુનો ગરમ સ્વભાવ મોટીબાને બાળી નાખશે!

-ને ઘૂનાળીના શીતળ વાયરાએ એની આંખનું એક આસું લૂછયું.

પહેલું ગામ વટાવી પોતે આગળા વધ્યો. તે પછી થોડી વારે એણે પોતાની પાછળ સાદ સાંભળ્યો. સાથે આવતો પસાયતો ભાણાભાઈને ટ્રંક માટે વેઠિયો બદલાવવા રોકાઈ ગયો હતો. આ વખતે એ ટ્રંકને ઊંચકનાર કોઈ બાઈ માણસ જણાયું. પિનાકીએ ઘોડીને ચાલ ધીરી પાડી.

પસાયતાની અને એ બાઈની વચ્ચે કશીક ગરમાગરમ વડછડ ચાલતી હતી. માર્ગમાં બેઉ બાજુએ લેલાં પક્ષીઓને પણ અંદર અંદરની એવી જ કોઈ તકરાર મચી ગઈ હતી. સેંકડો લેલાં જ્યાં ને ત્યાં, બસ, સામસામાં ‘તેં-તેં-તેં’ અવાજ કરીને એક જૂની લોકકથાને તાજી કરતાં હતા : ઘણે દિવસે મળવા આવનાર એકના એક ભાઈને પોતપોતાના ઘેર ખેંચી જવા મથતી સાત બહેનોએ એ ખેંચાખેંચીથી ભાઈનું મોત નીપજાવ્યું, અને પછી ‘તેં માર્યો......તેં માર્યો...તેં-તેં-તેં’ કરી એકબીજીનો દોષ કાઢતી એ બહેનો મરીને લેલી પંખણીઓ સરજાઈ છે.

‘આ પસાયતો અને આ વેઠિયાણી પણ એવો જ કોઈ અવતાર પામશે!’ એવું કલ્પતો પિનાકી મનમાં રમૂજ પામતો હતો. કેરડાંનાં ગુલાબી નાનાં ફૂલ રસ્તાની બેઉ કાંઠેથી એની સામે હસતાં હતાં. કાઠીઓનાં પડતર ખેતરો વચ્ચે બોરડીના જાળાં લાલ ટબા-ટબા ચણીબોર દેખાડીને પિનાકીને રમવા આવવા લલચાવતા હતાં. એ વિચારે ચડ્યો :

આ ચણીબોર વીણવા માટે મોટીબા અને બાપુજીની ચોરીછૂપીથી હું દીપડીઓને સામે પાર કોઈકની જોડે જતો હતો.

કોની જોડે?

સાંભર્યું : દાનસિંહ હવાલદારની દીકરી દેવાલબા જોડે. આ વખતની રજામાં મેં દેવાલબાને બહુ થોડી જ દીઠી. એની કોટડીની ઓસરીમાં ખપાટની જે જાળી છે, તેના આડા કંતાનના પડદા ચોડી નાખેલ છે. હું એક-બે વાર ત્યાં ગયેલો; પણ દાનસિંહ હવાલદારના દીકરા-વહુને મેં ‘ભાભી’ શબ્દે બોલાવી તે દેવાલબાની માને ના ગમ્યું, એણે મને કહ્યું કે, અમારામાં ‘ભાભી’ કહેવાની મનાઈ છે. સગો દિયર પણ ભાઈની વહુને ‘બોન’ કહીને બોલાવે. આવું બન્યા પછી મને ત્યાં જવાનું દિલ નથી થયું. પણ દેવલબા મારાથી નથી ભૂલાતાં. આ વખતે તો મેં સાંભળ્યું કે એના ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા છે, ને એને લઈને એના માબાપ વિક્રમપુર શહેરમાં પણ જઈ આવ્યાં. એને માટે શી દોડાદોડી થઈ રહી છે!

બે વર્ષ પર તો હું અને દેવાલબા બેઉ એનાં માબાપની જોડે દરિયાકાંઠે નાગનાથને મેળે ગયા હતાં. પૂનમની રાતે ગાડું ચાલતા ધોળિયા જેવું લાગતું, ને કાગાનીંદરમાં હું દેવાલબાની માનાં ગાણાં સાંભળતો. દાનસિંહે નાં કહેવામ છતાં એની વહુ ‘મારાથી ગાયા વિના નહિ રહેવાય - આજ તો નહિ જ રહેવાય!’ એવો જવાબ દઈને સીમાડાને લીપી નાખતાં સૂરે ગાતાં હતાં કે –

ચાંદા પૂનમ – રાત અગરચંદરણ રાત : અણસામ્યાં અજવાળાં ક્યાંથી ઊભરે ?

આકાશની ઝાલાર જેવો ચાંદો દેખી મને એના ઉપર ડંકા બજાવવાનું દિલ થયેલું. નાગનાથ પહોંચી બાકીની રાત અમે બેઉ જણાં ગાડાની નીચે એક જ છાપરે સૂતેલાં.

ચણીબોરના ગોળા રાતા ટબામાંથી ઉપડેલા વિચારો બે વર્ષોના ભૂતકાળ પર કૂંડાળું દોરીને પાછા વળ્યા ત્યારે પસાયતા ને વેઠિયાણી તેને આંબી ગયાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics