Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Drama

2  

Vijay Shah

Tragedy Drama

સપ્તપદીની પ્રતિજ્ઞા (૩)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૩)

13 mins
7.3K


શ્યામાબેન ઘરે સાથે આવ્યા પણ ઘરમાં સુશીલાના આવતા પહેલા તે ઘરે ગયા માર્થા પહેલા પહોંચી ગઈ હતી.. ઘર આંગણે કંકુની થાળી અને બીજી થાળીમાં ફુલો ચોખા અને આંગણામાં ચોખાનો કળશ મુક્યો અને વરઘોડીયાને “હળવે રે પધારો મારા ભાભી સાહેબ” જેવું ગણ ગણી અને કહ્યું. આ ચોખાનો કળશ પગથી નીચો પાડો પછી આ કંકુની થાળીમાં બંને પગ ઝબોળીને આ સફેદ ચાદર ઉપર અગીયાર પગલા ચાલીને આવો.

માર્થા દેવેન અને શ્યામાબેને સુશીલા ચાલતી હતી ત્યારે તેની ઉપર ચોખા અને ગુલાબની પાંદડીઓ વેરી.. શશીને રમુજ થતી હતી પણ દેવેન ફોટા પાડતો હતો તેથી શશીએ પણ તેની સાથેજ ૧૧ પગલા ચાલવાનું હતું. ત્યાંથી ભગવાનના ગોખલે ગણપતિ અને માતાજીની છબીને પગે લાગવાનું હતું. દીવો કર્યો અને થાળી વગાડીને સુશીલાને કહ્યું ભાભી હવે તમારે રસોડામાં જઈને કંસાર રાંધવાનો છે એક મસાલા ભરેલો ડબ્બો, સીધું સામાન અને ટીફીન આપતાં બોલી “ભાભી આ ટીફીન છે બધા ભુખ લાગે ત્યારે ખાશું.”

સુશીલાને તો આશા જ નહોતી પણ આટલું સુંદર સન્માન પામીને તે તો ધન્ય ધન્ય થઈ ગઈ.

“કંસાર રાંધતા પહેલા ભાભી હું નહાઈ લઉં?”

“હા ચાલ તને તારા જ ઘરમાં બધું બતાવી દઉં જો એક વાત સમજજે અહીં આપણા ભારતની સરખામણીમાં બધું જ ઉંધુ.. લાઇટની સ્વીચ ઉંધી, નળના આંટા ઉંધા અને અમારા ભાઈના પણ તેવર પણ ખોટા…”

“એટલે?”

“એટલે તું નવી નવી છે એટલે એવું કહ્યા કરશે કે “આટલુંય આવડતું નથી?” તો ખોટું નહીં લગાડવાનું પણ હા અમેરિકામાં હું નવી છુંને કહી થોડોક સમય તેને રાજાપાઠમાં રહેવા દેજે.”

“શ્યામાદી’ સાચું કહું મને ગાડીમાં ખખડાવી તે ના ગમ્યું પણ હવે એવું બહુ લાંબુ હું ચાલવા નહીં દઉં હં કે !”

મને ખબર છે તેથી તો કહું છું કે તેનો રાજાપાઠ થોડો સમય ચાલવા દેજે… ખબર છે ને નવો મુલ્લો નવ વખત નમાજ પઢે?”

તે વખતે બહારના રૂમમાં બેગો ઉતારીને શશી આવ્યો અને કહે “દી’ હું સ્ટોર બંધ કરીને આવું પછી જમવા બેસીયે..”

સુશીલાથી ના રહેવાયું તેથી તે બોલી હબીજી સ્ટોર “બંધ ના” કરાય પણ “વધાવીને” આવું છું એમ કહો…”

“વાત તો એક જ છે ને?” શશી જરા છંછેડાઈને બોલ્યો.

“ના વધાવવાનો મતલબ કાલે ફરી આ દુકાન ખુલશે જ્યારે બંધ કરીને આવું છું તેનો એક અર્થ એ પણ થાય હવે કદાચ ખુલશે નહીં.. હબીજી…”

શશીના મોં ઉપર એક ભજનીયું આવતું જોઈને શ્યામાદી’ એ કહ્યું “શશી તું નીકળ અને જલ્દી પાછો આવ.. અમારે સુગરલેંડ પહોંચવાનું છે.” અભિ અને અમી ઘરે રાહ જોશે

“પણ દી’ જુઓને…”

“હા. હું જોઉં જ છું પણ તને ખબર છે ને નવું જુતું પહેલા થોડુંક ડંખે પણ ખરું.”

“પણ આ તો બૈરું છે જુતું ઓછું છે?”

“હવે જાને મારા ભાઈ!” બે હાથ જોડીને શ્યામાએ શશીને કહ્યું.

સુશીલા તો જાણે કાપો તો લોહી ના નીકળે..”શ્યામા દી'…”

“હા! બેન તારી વાત સાચી છે આપણા છ ગામના પટેલીઆઓ તો આવા જ… પણ પટલાણીઓ બધાને પહોંચી વળે…”

રસોડામાં જઈને કંસારના આંધણ મુકાયા શ્યામાદી’એ કાચના ચાઇના કેબીનેટમાંથી ચાર પ્લેટ અને કટોરીઓ કાઢી અને સાથે સાથે ટીફીનમાંથી શાક અને દાળ ગરમ કરવા બે કાચના વાસણોમાં શાક અમે દાળ કાઢ્યા.

પંદરેક મીનીટ્માં દેવેન અને શશી પાછા આવ્યા.

શ્યામાદી’નો પહેલો જ પ્રશ્ન હતો “માર્થા ક્યાં?”

“તે કહે પહેલે દિવસે કબાબમાં હડ્ડી નથી બનવું કહીને તે તેને ઘરે ગઈ.” માઇક્રોવેવમાં ખાવાનું ગરમ થઈ રહ્યું એટલે સુશીલાએ ચારે ચાર પ્લેટો પીરસીને બધા ટેબલ ઉપર ગોઠવાયા.

શશી કહે “સુશીલા તુ નવી છે એટલે કહું છું હું મારું ખાવાનું જાતે લેવામાં માનુ છું.”

“પણ એ હું નહોતી ત્યારની ટેવ છે જે હવે મારા આવવાથી બદલાશે..”

શ્યામા કહે ”સુશીલા એ સારી ટેવ છે એને તું બગાડના.”

“પણ મને તો તે ગમે છે અને મારા મા કહેતાં હતાં કે પતિને સારું ભોજન એ તો સપ્તપદિની પહેલી જરુરિયાત છે.”

દેવેન કહે “શ્યામા એ બે જણ પુખ્ત છે સમજી જશે તેમની રીતે… તારું ખાવાનું પતે એટલે આપણે પણ નીકળીએ.”

“હા. ભલે.. સુશી.. કંસાર સરસ છે થોડો છોકરાઓ માટે હું લઈ જઉંને?”

“વધારે એટલા માટે જ બનાવ્યો છે કે તમે લઈ જઈ શકો..”

શશીને દી’ના હાથનું ખાવાનું ભાવતું હતું તેથી તે બોલ્યો દી’ સુશીલાને તમારા જેવું રાંધતા શીખવાડી દેજો હં કે!”

“હબીજી…અઠવાડીયું તો વીતવા દો..પછી કહેજો દી’ જેવું ખાવાનું બને છે કે નહીં…”

“સ્વીટીજી..દી’ જેવું ખાવાનું બનાવતા તને સાત ભવ લાગશે…’

“ભલે હું નવી છું મને તમને ભાવે તેવું બનાવવા તો દો. અને હા. મારી અને દી’ વચ્ચે તો સ્પર્ધા હોય જ નહીં. કેમ દી’?”

“સાચી વાત કહી દી' મોઘમ હસ્યા…”

દેવેને પાછળથી બૂમ મારી “શ્યામા ચાલો મોડું થાય છે.”

સુશીલા દી’ને પગે લાગી “હવે એકમેકને ગમાડજો પણ ઝઘડશો ના આજથી તમારી વાસ્ત્વિક જિંદગી શરું થાય છે…હેપી મેરેજ લાઇફ..કહી બંનેને માથે હાથ ફેરવીને દી’ ગયા ત્યારે જીવકોરબા આશિર્વાદ આપતા હોય તેવો આભાસ થયો.

ટીવી ઉપર ગેમ ચાલુ કરીને શશી બીયરનું કેન લઈને બેઠો ત્યારે સુશીલા બોલી.. હવે હું આવી ગઈ છું ને? તેથી નો ગેમ નો બીયર.”

“જો સ્વીટી મેં તને પહેલા પણ કહ્યું છે ને અત્યારે ફરીથી કહું છું. અહીં તું નવી છે. અને પાછી પત્ની છે એટલે મારું કહ્યું તારે સાંભળવાનું અને કરવાનું. હું પતિ છું. મારે તારા કહ્યા પ્રમાણે અનુકુળ નથી થવાનું પણ તારે મારા કહેવા પ્રમાણે મને અનુકુળ થવાનું છે. સમજી?”

“હા અને ના.”

“એટલે તમે મારા પતિ તે સાચું પણ અનુકુલન આપણા બેઉનું સરખું… જેમ તમારા માટે હું નવી તેમ જ મારા માટે તમે નવા છો… આજની રાતે આપણે થોડીક વાતો કરીશું ખાસ તો એકમેકના ગમા અને અણગમાની…”

“હું જો તને નહી ગમતો હોય તો સ્વીટી નહીં કહું પણ અનુકુલન તો બધું જ તારે કરવાનું છે કારણ કે સાસરે તું આવી છે હું નહીં."

“પણ હું કંઈ એમને એમ નથી આવી ગઈ તમે બેંડ વાજા સાથે મને સાજન મહાજન અને જાનૈયાઓ લઈને પરણવા આવ્યા હતા..બરોબર?”

“હા. પણ હવે તું અહીં એકલી છે..અને મારે પનારે પડી છે તેથી માનવું તો તારે જ પડશે..” સહેજ ચીઢાતા અવાજે શશી બોલ્યો. માનસશાસ્ત્ર ભણેલી સુશીલા સમજી ગઈ કે “સુપીરીયારીટી કોમ્લેક્ષ” ઘણો જ મજબુત છે તેથી તેણે વાત બદલતા કહ્યું ક્રીકેટમેચ ચાલુ કરોને! આપણે બંને સમજીશું અને સાથ માણવાની શરુઆત કરીયે.

ચેનલ બદલાઈ અને ભારત ઓસ્ટ્રેલીઆ મેચ ચાલુ થઈ. અને બીયરનું બીજું કેન ખુલ્યું ત્યારે સુશીલાએ કહ્યું હું પણ મારું કેન લાવું?

“બીયર બૈરા પીએને તો તેમને માટે સારું નહીં..અને પાછી તું તો ગાંધીજીના ગામમાં એટલે ત્યાંતો બીયર મળતોજ નહીં હોય ખરું ને?”

“અમે પીતા તો નથીજ પણ પતિને કંપની આપવા કરવા જેવું બધું જ કરવાની શીખામણ આપેલી છે.”

“એટલે દારુ પીવાની પણ છૂટ છે?"

“હા અને દારુ પીધા પછી ઑકવાની પણ છૂટ છેને?”

શશીને ઝાટકો તો લાગ્યો પણ જરા ખમી જઈને બોલ્યો “ના. તેની તને છૂટ નથી સમજી?” એટલું કહીને બીજું કેન તેણે પુરુ કર્યુ. અને ક્રીકેટની ચેનલ બદલીને સોકરની ગેમ જોવાની શરુ કરી.

“અરે પણ હું ક્રીકેટ જોઉં છું ને?“

“આ ગેમ પતી જાય પછી જોજે..” જાણે માંખ ઉડાડતો હોય તેમ આછકલો અને ઉધ્ધત જવાબ હતો…”

બીજા દિવસથી સ્ટોર ઉપર જવાનું હતું તેને થોડાક કમકમીયા આવ્યા.. પણ જેટ લેગને દુર કરવા ઉંઘવાનો પ્રયતન કરવો જરુરી હતો. સવારે નાસ્તામાં શું કરવું એ શશીને પુછવાનું માંડી વાળ્યુ..અને બેડરૂમમાં જતાં તેણે શશીને કહ્યું “મને ઉંઘ આવે છે હું સુઈ જઉં?”

તેની ગેમમાં રસભંગ થતો જોઈ કંટાળા જનક રીતે તેણે તેને હા પાડી. અને બીયરનું ત્રીજું કેન હાથમાં લીધું…

કદાચ હજી વધુ તપશ્ચર્યા છે નસીબમાં સાજનને રંગભર કરવા માટેનો એક ભારે નિઃસાસો નાખીને તે શયન ખંડમાં ગઈ.

અમેરિકા પહોંચી ત્યારે સુશીલાના ભણતરની કસોટી જાણે શરુ થઈ..અંગ્રેજી બોલે તો સામેનાને ના સમજાય અને સામે વાળો બોલે ત્યારે તેને ના સમજાય..શીડ્યુઅલ અને સ્કેજ્યુઅલમાં ગરબડ થાય અને મેક્સીકન સાથે જો વાત કરવાની થાય તો૯૦% સંજ્ઞાઓમાં જ વાત થાય. કન્વીનીયંટ સ્ટોર ઉપર બીજા જ દિવસથી બેસવાનું નક્કી હતું તેથી અમેરિકન માળામાં લાંબા હનીમુનની કલ્પના નકામી હતી તે જાણતી હતી અને સમજતી પણ હતી કે તે પાયાનો પથ્થર બનવાની હતી મંદીરનું કળશ બનવાનું તેનું ભાગ્ય નહોંતુ પણ શશીકાંતનો સ્ટોર પરનો સાથ તેને ગમતો… શશીકાંત મોટેભાગે સ્ટોર ભરવાનું અને સ્ટોકીંગનું ભારે કામ બુધવારે કરતો. તે દિવસે મેક્ષીકન માઇક અને તેની રુપાળી ગર્લ ફ્રેંડ લોલા આવતી. અને શશીકાંત પણ તે દિવસે ખીલતો..

માઇકે તે દિવસે સુશીલાને કહ્યું..”હવે તમે આવી ગયા છો તો આશા રાખું કે શશી સીધો ચાલે તો સારુ.”

“એટલે પહેલા સીધા નહોતા ચાલતા?”

ચાલે તો સીધા છે પણ લોલાને જે રીતે હલકી લાલચુ નજરે જુએ છે તે મને બીલકુલ નથી ગમતું. લોલા મારી ગર્લ ફ્રેંડ છે. અઠવાડીયે એક દિવસ છે તેથી આંખ આડા કાન કરું છું પણ આ નોકરી મારી કે લોલાની મજબુરી નથી.”

સુશીલા આ સુચક નિશાની ચુકી ગઈ અને એ દિવસ આવી ગયો જ્યારે લોલાએ શશીકાંતને સુશીલાની સામે જ લાફો માર્યો. તે વખતે તો જાણે ધરતીકંપ થયો હોય તેવો તેને આંચકો લાગ્યો..અને લાગે જ ને કારણ કે ભારતમાં એણે કદી કોઈ સ્ત્રીએ તેના બૉસને લાફો માર્યો હોય તેવું જોયું પણ નહોંતુ કે સાંભળ્યુ પણ નહોતું. કદાચ અમેરિકન જગતનો બહુ અગત્યનો નિયમ તે શીખી રહી હતી અને તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો, સ્ત્રી પુરુષ સમાનાધિકારનો.

લોલા ગુસ્સામાં ઘણું બોલતી હતી પણ તેની સ્પેનીશ મિશ્રીત અંગ્રેજીમાં તેને બે શબ્દો જ સમજાયા.. “પરવર્ટ” અને “માય વીલીંગનેસ”.. શશીકાંતનો હાથ ગાલ ઉપરના ચચરાટને સમાવવા મથતો હતો અને તે સમયે લોલા સીગરેટના ખોખા ઉતારીને ટ્રક લઈને જતી રહી.

તે ધીમે રહી શશીકાંત પાસે જઈને બોલી..”કેમ તમે શું કર્યુ હતું કે તે તમને લાફો મારીને બબડતી ગઈ.”

“હવે તું તારું કામ કરને..ગલ્લો સંભાળ. માલ ઓછો લાવી હતી તે તેને કહ્યું તો કહે તું અમને ચોર માને છે?”

“શશી! તેં એને છેડી હતી.”

“શું?”

“હા. ભારતમાં સ્ત્રી ત્યારે જ આવું ઉગ્ર વલણ બતાવે જ્યારે તેની મરજી વિરુધ્ધ કોઈ પુરુષ અજુગતું કરે..સમજ્યા? મને ભલે સ્પેનીશ નથી આવડતું પણ તેમાં બોલાયેલા અંગ્રેજી શબ્દો મને ઘટના સમજાવી જાય છે.” તેણે ઠંડા અને મક્કમ અવાજે કહ્યું.

કંઈક અકળાઈને શશીકાંત બોલ્યો “જો સુશીલા..તુ હજી શીખે છે.. આ નઠારા લોકોને આપણે નબળા છે તેવું ના બતાવાય તેથી મેં તેને ચોર કહી હતી અને તે હતી તેથી તે ભડકી.”

“પણ તેમાં લાફો મારે?” ખુલાસો કરે.. માઇકની વાતો સુશીલાનાં મનમાં ભમતી હતી.. પછી એકદમ તેના મનમાં વિચાર્યુ કે મારે શકનો લાભ આપવો રહ્યો.. શક્ય છે શશીકાંત સાચું પણ બોલતો હોય.

બરોબર ૩૦ મિનિટે માઇક આવીને બાકીની બે પેટી માલ આપી ગયો.. અને ઘોઘરા આવાજે બોલ્યો.. “શશીકાંત એપોલોજાઇઝ લોલા.”

સુશીલાએ તેઓની વાતમાં વચ્ચે પડીને કહ્યું “વ્હાય? શી ઇઝ અ થીફ. શી ડીડ નોટ બ્રિન્ગ ધીઝ ટુ બોક્ક્ષીઝ સો શશી ટોલ્ડ હર થીફ.”

માઇક બોલ્યો “ના તેણે લોલા પાસે અજુગતી માંગણી કરી હતી.”

સુશીલા કહે “ધેટ ઇસ નોટ પોસીબલ.. આઇ વૉઝ હીઅર.”

“બટ યુ ડુ નોટ નો સ્પેનીસ.”

“શશીકાંત વોઝ ઓન્લી ટૉકિંગ.”

માઇકનો ગુસ્સો સાતમા આસમાને જતો હતો ત્યારે શશીકાંતે આવીને કહ્યું,

”માઇક નેવર બ્રીંગ લોલા ઇન માય ઓફીસ.. શી ઇસ થીફ એંડ આઇ કૉટ હેર સ્ટીલીંગ અને તેથી જ તે ખોટી વાત કરે છે. પછી તરત જ સ્પેનીશમાં બોલ્યો જા ભાઈ મારી ભુલ થયેલી માફ કર પણ અહીં થી જા અને હવે તું પણ અહીં ના આવતો.”

સુશીલાને શશીકાંત સ્પેનીશમાં શું બોલ્યો તે ના સમજાયુ પણ તે દિવસે વાત શાંત પડી ગઈ.

લંચના સમયે બંનેએ સેંડવીચ ખાધી.

સુશીલાએ ફરી વાત કાઢી.. “બહુ રુપાળી છે ને લોલા?”

“તારા જેટલી નહીં.”

“નવોઢાને પોતાના આવા વખાણ થાય તે ગમે જ..”

“….” થોડા મૌન પછી પાછી તે બોલી,“હા પણ હવે તમને પુરતું શરીર સુખ મળે તેમ છે ત્યારે નો લોલા એન્ડ લીલા.”

“સુશીલા તને મેં કહ્યું ને તારી બુધ્ધી દરેક ઠેકાણે ના ચલાવ. અને સ્ટોરમાં તો ખાસ જ નહીં.”

કેમેરા ચાલુ કરીને સુશીલાએ નહીં નહીં ને પાંચ વખત જોયું તો શશીકાંત બે ત્રણ વખત સ્પેનીશમાં કંઇ બોલ્યો હતો અને લોલા ખૂબ જ ભડકી ગઈ હતી.

બીજે દિવસે સ્ટોરમાં કામ કરતી મેક્ષીકન માર્થાને પુછ્યું "મને સ્પેનીશ શીખવાડીશ?”

શશીકાંત માલ લેવા ગયો હતો ત્યારે વીડીયો મુકીને માર્થાને પુછ્યુ.. આ શું વાત ચાલે છે?

માર્થા લજવાતા બોલી “શશી ઇઝ આસ્કીંગ લોલા ટુ પ્લીઝ હીમ.”

સુશીલા તો સડક જ થઈ ગઈ… તેને હવે સમજાઈ રહ્યું હતું.. લોલા તેને લંપટ કહેતી હતી..અને તેની ઇચ્છા વિરુધ્ધ વર્તવાની વાતે લાફો રશીદ થયો હતો માર્થા જતાં જતાં બોલી “શશી હાર્ડ વર્કીંગ માણસ છે તેને સંભાળી લેજે.. કેટલાક પુરુષો ભમરા જેવા હોય છે.. પણ તેમણે સમજવું રહ્યું કે જે સ્ત્રી ના કહે તેને અડવું નહીં અને હા કહે તેને છોડવી નહીં.”

સુશીલા તો માની જ શકતી નહોતી કે શશીકાંત આવો હશે.. સાથે સાથે સમજાતો ગયો અમેરિકન મુક્ત સંસ્કૃતિનો અર્થ પણ. જ્યાં ત્યાં માથું મારતા ભમરાને પતિ માનીને કેવી રીતે સોંપાય આખી જિંદગીનો ભરોસો? શરીર સુખ એ જેમ એક મીઠાની એક ચપટી ભોજનમાં જોઈએ તેટલી જરુરિયાત છે પણ કંઈ મીઠાનું ભોજન ના હોય.

તેને પિતાના શબ્દો અને સપના યાદ આવ્યા. પગનું જોડુ કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઇ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. ત્યાં તને મોકલવાનો હેતુ ભાઈ ભાંડુરા માટે રસ્તો ખોલવાનો પ્રયત્ન છે. અને ગજા ઉપર દાયજો આપીને જોખમ લીધુ છે.

તેને ખુબ જ રડવું હતું તેનો પતિ લંપટ છે તે જાણ્યા પછી બાપાની વાતે તેના પગમાં બેડીઓ નાખી દીધી હતી. તેને આવા આંધળુકીયા વાત ખટકતી હતી. માર્થાની વાત સાચી હશે પણ બાપાનો દાયજો અને ભાઈ ભાંડુરાનો અમેરિકા આવવાનો તે રસ્તો બની છે બોલવું કે લઢવું કે પાછા જવુની વાતો મનનાં ત્રિભેટે આવીને ઉભી રહી ગઈ હતી તે મૌન બની ગઈ. તેના હોઠ ઉપર જાણે સ્ટેપલરની પીનો લાગી ગઈ.

તે સાંજે શશી બહુ બોલ્યો નહીં અને સુશીલાને છંછેડી પણ નહીં હજી તો અઠવાડીયું જ થયુ છે. લોલાનો પ્રસંગ તેને પણ ચચરતો હતો પણ હતો અમેરિકન તેથી તું નહી તો ઓર સહીમાં જીવતો..જો કે ૧૮ કલાક ર સ્ટોર પર કામ કરીને આવે એટલે ખાધું નથી અને બીયરનું કેન લઈને ટીવી જોતા ક્યારે સુઈ જાય તેની તેને સમજ પણ નહોંતી.. હા તેને પણ પરણે હજી અઠવાડીયું જ થયું હતુંને? અને તેની જરુરિયાત તો બે વખત ખાવાનું બનાવે અને રાત્રે શરીર સુખથી વધારે પત્નીની નહોતી અને એવો સ્વભાવ કે ઘેલછા પણ નહોતી કે તેને ભરોસે આવેલી સુશીલાના પોતાના પણ સપના હોઈ શકે!

સુશીલા પડખું ફરીને તેના સપનાનું માતમ મનાવતી રહી..આંખમાં આંસુ ખુટ્યા ત્યાર બાદ સ્વસ્થ મને વિચાર્યુ..તેમનો ભૂતકાળ ગમે તે હોય પણ જો મારે મારો સંસાર ટકાવવો હોય તો તે સમજી જશે વાળી વાત ખોટી. મારે કહેવું જ પડશે કે તે જુદી સંસ્કૃતિમાંથી આવી છે અને તેમાં પતિ અને પત્નિ એકમેકને વફાદાર હોય છે. તેમણે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સમજવી પડશે. હવે પરણિતા સાથેનું જીવન મુક્ત જીવન નથી. હું અભણ નથી બાઘી નથી અને મને મારી ફરજો અને અધિકારો બંને ખબર છે. તે હું પાળીશ અને સાથે તમને પણ પળાવીશ.

બીજા દિવસની સવારે જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે શશીકાંત જોઈ રહ્યો હતો કે સુશીલા ગરમ બટાટા પૌઆ અને ચાના નાસ્તા સાથે સ્ટોર ઉપર આવવા તૈયાર થઈ ગઈ હતી. તે દસ મિનિટમાં તૈયાર થઈને આવ્યો અને નવી ખરીદેલી નીસાન અલ્ટીમા લઇને સ્ટોર તરફ જવા રવાના થયા. તેના મનમાં પરભુબાપાના શબ્દો ગુંજતા હતા પગનું જોડું કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઈ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. અને આજે તે પ્રયત્ન તે ફરી વાર કરવાની હતી.

“શશી તું જેમ લોલાને જુએ છે તેમ હું કોઈ બાંકા યુવાનને ગમી જાઉં તો મને તેને પ્લીઝ કરવાની છુટને?”

“જબાન સંભાળીને બોલ સુશીલા આપણા તે સંસ્કાર નથી.”

“તો સાંભળો તમારો ભૂતકાળ આજ દિન સુધી મારો નહોતો પણ લગ્ન પછી આપણે બંનેની આજ અને આવતી કાલમાં સાથે જીવવાના છીએ. બંને માટે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સરખી શું સમજ્યા? જો હું તેમ ન કરું તેમ ઇચ્છતા હો તો તમારે પણ તેમ નહી કરવાનું…" છેલ્લાં શબ્દો તમારે પણ નહીં કરવાનુ ઉપર ભાર મુકતા સુશીલા બોલી.

શશીકાંતે સાંભળ્યુ પણ ના સાંભળ્યુ કરી નાખ્યુ ત્યારે સુશીલા ફરી બોલી “જુઓ એમ ના સમજશો નવી નવી છે તેથી ભોળવી જઈશ. હું બોલું છું તે કરું છું. તમારા તન મન અને ધન, ઉપર ફક્ત મારો અને મારો જ અધિકાર છે સમજ્યા? સપ્તપદીની બધી જ શરતો મને કડકડાટ યાદ છે ..પહેલી ભુલ માફ છે પણ ત્યાર પછીની દરેક ભુલની પાકી સજા મળશે હં કે…”

પેલુ નાનું છોકરડું રીઢા ગુનેગારને પોલીસની બીક બતાવતું હોય તેમ વિચારીને શશીકાંત જરા હસ્યો.. પછી કહે “હજી તો મગ પાણીમાં પલળે છે તે પહેલા પગ નીકાળવા માંડ્યા?”

સુશીલા થોડીક ધ્રૂજી તો ખરી પણ બોલી “પહેલા વહાલથી વાળીશ અને નહીં વળો તો..”

સ્ટોર નજીક આવી ગયો હતો અને શશીકાંતે વળતું ઘુરકીયું કર્યુ “તો? તો શું કરી લઈશ?”

સુશીલા ખરેખર તો ડરી ગઈ હતી પણ બોલી “મને આવડે છે બધું શામ દામ દંડ ભેદ અને …!”

સ્ટોરની સામે ગાડી ઉભી રહી. શશીકાંતે સાંભળ્યું અને ફટાક દઈને ગાલ ઉપર ધોલ રશીદ કરી.

“જો મારી સાથે જીભાજોડી નહીં. હું કહું તે તારે કરવાનું. મારે નહીં અને તારી સપ્તપદીની તો ઐસી કી તૈસી..સમજી.” એક ગંદી ગાળ દઈને તે થુંક્યો.

ચચરતા ગાલે અને ફાટી નજરે તે શશીકાંતને જોઈ રહી..

શશીકાંત સ્ટોર ખોલી રહ્યો ત્યારે મેક્ષીકન માર્થા આવી ગઈ હતી. તેણે ડરેલી સુશીલાને જોઇને પુછ્યુ “હાઇ સુશી.. આર યુ ઑલ રાઈટ?”

ગાલ પર પડેલી ધૉલને કારણે ગાલ ઉપર છાપ ઉભરી આવી હતી.

“નો હી હર્ટ મી..”

“તારો કંઈ વાંક ગુનો?”

“નો.”

“ધેન ગો એન્ડ હીટ હિમ બેક…”

“નો હી વિલ હીટ મી હાર્ડ અગેન.”

ધેન કૉલ પોલીસ. આઇ વીલ વીટ્નેસ .. કહેતા એણે ૯૧૧ને ફોન કર્યો.

પોલીસની સાયરનો વાગી અને શશીએ ઘાંટો પાડ્યો.. સ્ટોરમાં આવે છે કે બીજી ધોલ ખાવી છે?

ત્યાં પોલીસ કારમાં લેડી સાર્જંટ અને પોલીસ નીચે ઉતરીને સુશીલા પાસે જતાં જોઈ ત્યારે શશીકાંતને પહેલી વખત ધાસ્તી પડી.. ક્યાં આ વાતનું વતેસર થઈ ગયું?

માર્થા પોલીસ સાથે વાત શરુ કરતી હતી ત્યારે સુશીલાએ ફરી કડક નજરે શશીકાંત તરફ જોયું.. તેના હોંશ હવાસ ઉડી ગયેલા દેખાયા..સુશીલાને ત્યાં બાપા નજર સામે દેખાયા..તેમનું ભવિષ્યનું પ્લાનીંગ નજર સામે દેખાવા માંડ્યુ. તેની આંખો આંસુથી ભરાયેલી હતી અને ગાલ ઉપરના રતુંબડા પંજાના નિશાન બધું સ્પષ્ટ કહેતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy