Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirangi Desai

Romance Thriller Tragedy

4.5  

Kirangi Desai

Romance Thriller Tragedy

ચહેરા પર મહોરું

ચહેરા પર મહોરું

18 mins
5K



મનસ્વી સજ્જડ બનીને સમાચાર વાંચી રહી હતી.

“ડાયમંડ કિંગ રતન ત્રિવેદી ના એકના એક પુત્ર સિદ્ધાર્થ ત્રિવેદીએ પોતાની પ્રેમિકા મિતાલી રાવલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા.”

એ સાથે જ સિદ્ધાર્થ ત્રિવેદીએ જાહેરાત કરેલી કે પોતે પોતાની પત્ની મિતાલીના નામે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શાળા ખોલશે.. સમાચારની નીચે સિદ્ધાર્થ-મિતાલી નો ખૂબ જ મોટો ફોટો છપાયો હતો. મિતાલી સંપૂર્ણ પણે નિખરી ઉઠેલી. જ્યારે રૂપ પર પૈસાનો પાષ ચડે ત્યારે તે વધારે પડતું જ ખીલી ઊઠતું હોય છે. મિતાલી માટે તે વાત તદ્દન સાચી લાગતી હતી. તે હતી તેના કરતા કંઈક વધારે પડતી જ સુંદર લાગતી હતી અને સિદ્ધાર્થ એ તો હતો જ એવો કે જોતા વ્હેંત કોઈને પણ ગમી જાય.

મનસ્વી આમ તો ઓફિસ આવીને સીધી કામે લાગી જતી. લંચ ટાઈમ કે હાઈ-ટી વખતે જ છાપું વાંચતી પણ આજે આવતાની સાથે જ તેણે છાપુ પકડ્યું અને એકના એક સમાચાર અડધો કલાક સુધી વાંચતી રહી. જાણે સમય અને સ્થળનું ભાન ભૂલી ગઈ હોય તેમ સિદ્ધાર્થના ફોટા પર આંગળી ફેરવતા ફેરવતા તેની આંખ ભીની થઈ ગઈ. ધીરે-ધીરે ભારે થઇ ગયેલું તેનું માથું હવે ફાટવા લાગ્યું હતું. ઓફિસેથી રજા લઈને તે સીધી તેની લેડીઝ હોસ્ટેલ પહોંચી ગઈ. છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં આ જ તો તેનું સરનામું હતું. ખબર નહિ શું સૂઝ્યું પણ જૂની સંગ્રહી રાખેલી પોતાની બધી જ બેગ ખોલી અને પોતે તેમાં ખોવાવા લાગી. નક્કી કરેલું કે એ દુનિયામાં ફરી ક્યારેય ડોક્યું નહીં કરે પણ તોય જાણી જોઈને આજે એ બધી જ બુક્સ કાઢીને બેસી ગઈ અને સ્લેમબુકના એક પછી એક પાના ઉથલાવવા લાગી. ક્યાંક કઈં-કેટલીએ ડિઝાઇન્સ, ક્યાંક તેના નામ નો પ્રથમ અક્ષર અને બાજુમાં દોરેલા ઘણા બધા હાર્ટસ… આવા કંઇ-કેટલાયે ભરાઈ ગયેલા નોટબુક્સના પાના જેમાં મનસ્વીની જિંદગીના ઘણા બધા વર્ષો કેદ હતા. આટલા વર્ષોમાં જાણી જોઈને પોતે કશું જ નહોતું ખોલ્યું પણ આજે ઘણું બધું ખોલવાની અને ઢંઢોળવાની ઈચ્છા થતી હતી. માણસનો સ્વભાવ જ હોય છે કે જિંદગી ભલે આગળ નીકળતી જાય પણ પોતે ક્યાંક અને ક્યારેક તો ભૂતકાળને વાગોળીને પોતાની સાથે ખેંચવાનો પ્રયત્ન કરે જ. નોટબુકના પાના ફેરવતા જાણી જોઈને મનસ્વીએ એ નામ ઉપર નજર ટેકવી. આખી સ્લેમબુકમાં સૌથી મોટા અક્ષરે લખાયેલું એક જ નામ "મિતાલી રાવલ" અને એના નામની નીચે નીચે લખાયેલું પોતાનું નામ! મિતાલીના અક્ષરો સાથે ભરાયેલા એ બુકના પાના જાણે મનસ્વીને આબેહૂબ પાછા એ જમાનામાં ખેંચી જતા હતા.

બધા જ દ્રશ્યો તેની આંખ સામે જાણે અત્યારે જ ભજવાતા હોય એમ આવવા લાગ્યા. મિતલી ના નામ પર પોતાનો હાથ મૂકીને આંખ બંધ કરીને પોતે જાણી જોઈ ને બધું જ ફરીથી યાદ કરવા માગતી હોય તેમ પોતાના સ્કૂલના દિવસોમાં ખોવાવા લાગી. આમ તો કંઈ જ યાદ કરવાની જરૂર નહોતી, ખરેખર, પોતે કશું ક્યાં ભૂલી હતી! કદાચ ભૂલવા જ નહોતી માંગતી. મનના એક ખૂણામાં જાણીજોઈને બધું જ દબાવી-બંધ કરીને બેઠી હતી. આ નામને તે ક્યારે યાદ કરવા નહોતી ઈચ્છતી, પણ હકીકતમાં પોતે પણ સારી રીતે જાણતી હતી કે ઇચ્છવા છતાં તે નામ સાથે જીવાયેલું આખેઆખું દાયકું તે ક્યારેય ભૂંસી નહી શકે. કેટલું અજીબ છે ને સ્માર્ટફોનના જમાનામાં જીવતો માણસ હજી એટલો સ્માર્ટ નથી થઇ શક્યો કે પોતાની લાગણીઓ અને યાદો પર કાબુ મેળવી શકે. જે વાતોને યાદ કરવાથી કે વાગોળવાથી કંઈ મળવાનું નથી તેનું પણ તેને અનહદ વળગણ હોય છે. માણસ હજી સુધી એવું કોઈ ડિલીટ બટન બનાવી નથી શક્યો કે જે દિલમાંથી યાદ ન રાખવા જેવી વાતો કે યાદો ને ડીલીટ કરી શકે. માણસના જીવનમાં કેટલાક નામ એવા હોય છે કે જે હળવા હવાના ઝોંકાની જેમ આવે છે પરંતુ બધું જ હચમચાવી જતા હોય છે. મનસ્વીની હાલત પણ કંઈક આવી જ હતી. મિતાલી ધીમે ધીમે તેના મગજ પર એ રીતે હાવી થઈ રહી હતી જાણે બધું હજી ગઈકાલે જ બન્યું હોય. અજાણતા જ તેનો હાથ કાંપવા લાગ્યો અને શ્વાસ એકદમ વધી રહ્યો હતો. માંડમાંડ પોતાને સંભાળી પાણીનો એક ઘૂંટ પીને તે ફરીપાછી એજ દાયકામાં સરી પડી જ્યાં પોતાની અને મિતાલીની દોસ્તીની કસમો ખવાતી હતી.

* * *

પિતા ગવર્મેન્ટ ઓફિસર હોવાથી વારે ઘડીએ આવતી બદલીઓનો હિસ્સો મનસ્વી એ પણ બનવું પડતું હતું. હજી તો માંડ મિત્રો સાથે લાગણીના સેતુ ચણાયા હોય અને ફરી નવેસરથી કક્કો ઘુંટવાનું મનસ્વીને બહુ જ કપરું લાગતું. આ વખતે તેના પિતાની બદલી વડોદરા થયેલી. મોરબીની શાળામાં મનસ્વીએ પાંચ વર્ષ વિતાવ્યા હતા. ઉંમર નાની હતી પણ મિત્રો સાથેની દોસ્તી છૂટે તેમ નહોતી. વડોદરામાં પણ મનસ્વીને જાણે દરેક મિનિટે મોરબીની શાળામાં કરેલી ધીંગામસ્તી, અલ્લડપણું, મજાક-મસ્તી તથા દરેક સાંજે રમેલી બાળરમતો યાદ આવતી. વડોદરા આવે માંડ અઠવાડિયું થયું હતું, પણ મનસ્વીને જાણે કે એક્કેક દિવસ એક વર્ષ જેવો લાંબો લાગતો હતો. વડોદરાની સંસ્કાર હાઈસ્કૂલમાં એડમિશન લીધું ત્યારે શાળાના પ્રથમ દિવસે જાણે કે યુદ્ધ લડવા જવાનું હોય તેટલી હિંમત ભેગી કરીને પહેલું પગથિયું ચડયું હતું. કેવો દિવસ હતો એ! કેટકેટલીય મૂંઝવણ, કેટકેટલાય પ્રશ્નો સાથે કેટકેટલાય વિચારોના ધુમ્મસ મગજ પર હાવી થઈ ગયેલા. ક્લાસમાં જતાં જ બેંચ પર માથું ટેકવી ને તે બેસી ગઈ હતી. જાણે કે નાછૂટકે પરાણે સ્કૂલે આવી હોય એમ. કોઈ જ ઉત્સાહ નહોતો. મગજમાં એ મોરબીની શાળાના મિત્રો અને શિક્ષકો એવા તો ઘર કરી ગયા હતા કે અજાણતા જ એમની તુલના અહીં પોતાની શાળાના વાતાવરણ સાથે કરી રહી હતી. મનસ્વી સ્વભાવે શાંત અને અંતર્મુખી હતી અને એટલે જ આ નવા વાતાવરણમાં ગોઠવાતા એને ઘણો સમય લાગ્યો હતો. તે એકલી બેઠી હતી, ક્લાસનાં કોલાહલથી દૂર. તેનું મન ભટકતું હતું, એવામાં તેની સાથે સામે ચાલીને કોઈએ વાત કરવાની પહેલ કરી હતી અને તે હતી “મિતાલી રાવલ”. મિતાલી પોતે આ સ્કૂલની ટોપર હતી અને તે વાતનું તેને પૂરેપૂરું ગૌરવ હતું. તે પોતાને સંસ્કાર હાઈસ્કૂલની આન-બાન-શાન ગણતી અને પોતાની ઓળખ પણ તે રીતે જ આપતી. આખી સ્કૂલ માં ભાગ્યેજ કોઈ એવું મળે જે મિતાલીને ના જાણતું હોય! મિતાલીએ સામે ચાલીને મનસ્વીને આવકારી હતી અને તેને આ વાતાવરણમાં કમ્ફર્ટ ફીલ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. તે કાયમ મનસ્વીને કહેતી કે સંસ્કાર હાઈસ્કૂલમાં હજી સુધી કોઈ એવું નથી આવ્યું કે જે તેનું સ્થાન લઈ શકે અને જો કોઈ આવશે તો પોતે તેને ટકવા પણ નહીં દે. મનસ્વીને આ બધી વાતો સાંભળી ક્યારેક હસવું આવી જતું પરંતુ સાથે સાથે થોડું અજુગતું લાગતું. પોતે પણ પોતાની જૂની સ્કૂલ ટોપર હતી પણ એ વાત ક્યારેય તેના વર્તનમાં દેખાતી નહોતી. પણ અહીં મિતાલીની તો વાત જ કંઇક અલગ હતી! સમય જતા મિતાલી સાથે રહીને પોતે પણ એ વાત સ્વીકારેલી કે તે ખરેખર ખૂબ જ હોશિયાર હતી. જેટલી હોશિયાર તેટલી જ વાક્ચાતુર્યથી ભરપૂર અને સાથે એટલી જ બહિર્મુખી પણ. સ્કૂલમાં લેવાતી નાની-મોટી ટેસ્ટમાં મનસ્વી અને મિતાલી એક સરખા પરિણામ લાવતા અને એ જોઇને મિતાલી કાયમ કહેતી, “મારુ સ્થાન અહીંયા અવ્વલ હતું અને અવ્વલ જ રહેશે”. આ બધાથી મનસ્વીને કોઈ ફરક પડતો નહોતો. તે તો બસ પોતાની રીતે મહેનત કરતી અને પોતાના ધ્યેય સાથે આગળ વધતી. ધીમે ધીમે ફાઈનલ ટેસ્ટ સુધીમાં મનસ્વી જગ્યાએ પહોંચી ચૂકી હતી જે જગ્યા વર્ષોથી મિતાલી ના નામે લખાયેલી હતી. નંબરો અને સ્થાન બદલાઈ ચૂક્યા હતાં. સંસ્કાર હાઈસ્કૂલની ટોપર તરીકે મિતાલી રાવલ ના બદલે હવે મનસ્વી શાહ નું નામ આવી ગયું હતું. આ વાતને મિતાલી ખૂબ જ સહજતાથી સ્વીકારી હતી પણ તેને જાણનારાને ખૂબ જ અચરજ લાગતું, કેમકે આટલી સહજ મિતાલીનો મૂળ સ્વભાવ નહોતો. સ્કૂલ ટેસ્ટ, જિલ્લા કક્ષાએ, ક્વિઝ ટેસ્ટ, સ્ટેટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં પણ મનસ્વી નો જ દબદબો હતો. મનસ્વીના આવ્યા પછી લગભગ દરેક જગ્યાએ પ્રથમ સ્થાને મનસ્વી શાહનું નામ નિશ્ચિત થઈ ગયું હતું. મિતાલી ધીમે ધીમે હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. સંસ્કાર હાઈસ્કૂલમાં પ્રવેશતાં જ હવે મિતાલી ના સ્થાને મનસ્વી નો મોટો ફોટો લગાડેલો રહેતો હતો. લગભગ દરેક ટેસ્ટના પરિણામ સરખા રહેતા : પ્રથમ ક્રમાંકે મનસ્વી અને પછી મિતાલી રાવલ. બધું જ બદલાઈ ગયું હતું પરંતુ મનસ્વી અને મિતાલીની દોસ્તી વધારે ગાઢ બની રહી હતી. બે લગભગ સાવ વિરોધી સ્વભાવ ના વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા જોઈ તેમને જાણનારાઓને ખુબ નવાઈ લાગતી. ખાસ કરીને મિતાલી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ વર્તન કરતી હતી એ જોઈ સૌ અચંબિત થઇ જતા કે, “આમના પરિણામોની અસર આમની મિત્રતા પર તો નહીં પડે ને!”. બંને સાથે ટ્યુશન જતા, સાથે જ વાંચતા અને સ્કૂલ પછીનો સમય પણ સાથે જ વિતાવતાં. સંસ્કાર હાઈસ્કૂલમાં તેમના ચાર વર્ષ આ રીતે જ પસાર થઈ ગયા. દસમું-બોર્ડ માં પણ બંનેએ ખૂબ મહેનત કરી. પરિણામના દિવસે મનસ્વી ખુબ જ ખુશ હતી. તે પોતે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી હતી અને મિતાલી ત્રીજા ક્રમાંકે. એ દિવસે પહેલી વાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા મિતાલી એટલું બોલી હતી કે, “આ વખતે પણ તું જ ફાવી ગઈ. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે?” પણ મનસ્વી કઈ સમજે એ પહેલા જ વાત બદલી નાખતા તેણે કહેલું કે, “કંઈ વાંધો નહિ, હવે તો આદત પડી ગઈ છે.” તરત જ મનસ્વીને શુભેચ્છાઓ પાઠવી તે પોતાના ઘરે ચાલી નીકળી.

* * *

ફરી પાછું બધું ગોઠવાતું ગયું અને બન્ને જણાએ એક સાથે સાયન્સમાં એડમિશન લઈ એક સાથે ટ્યુશન ચાલુ કર્યા. બંને એકબીજાના પડછાયાની જેમ સાથે જ રહેતા હતા. મનસ્વી માત્ર સત્તર વર્ષની હતી અને પહેલી વાર તેને કોઈકને જોતાજ આકર્ષણ થઈ ગયું હતું. સિદ્ધાર્થ ત્રિવેદી નામ હતું એનું. મનસ્વીને ખ્યાલ જ નહોતો કે ક્યારે તે ખરેખર સિદ્ધાર્થના પ્રેમમાં પડી ગઈ. ચોરીછૂપી કેટલીએ વાર તેને ત્રાંસી આંખે જોઈ લેતી. તેના કાન ટ્યુશન ટીચર ના લેક્ચર કરતાં વધારે સિદ્ધાર્થનો અવાજ સાંભળવા તલપાપડ થતા. સિદ્ધાર્થની માત્ર એક ઝલક જોવા મળી તેના ટાઈમ કરતાં વહેલી આવી ને ક્લાસમાં ગોઠવાઈ જતી. અવાર-નવાર તેની સામે જોવાના કે વાત કરવાના બહાના શોધતી. આ બધું કઈ મિતાલીથી અજાણ નહોતું. પોતાના દિલની બધી જ વાતો મનસ્વી તેને જણાવતી. મનસ્વી ક્યારેય પોતાની સાઈડથી કોઈ સંબંધની શરૂઆત નહીં કરે તે વાત મિતાલી સારી રીતે જાણતી હતી. આથી મિતાલી એ પોતે જ સિદ્ધાર્થ જોડે નાની-મોટી વાત કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે સારો એવો કોન્ટેક્ટ બનાવી લીધો. ટ્યુશન ક્લાસની બહાર પણ એ ત્રણ જણાની જમાવટ કલાકો સુધી રહેતી. દરેક પરીક્ષાની તૈયારીથી માંડીને પેપર સોલ્વ કરવા સુધીના બધા જ કામ તેઓ સાથે કરતા. રિડીંગરૂમમાં બેસેલા સિદ્ધાર્થને તીરછી નજરે મનસ્વી મિનિટો સુધી જોયા કરતી. વાંચતા વાંચતા કપાળે હાથ ફેરવવાની આદત, વારેવારે પોતાના હાથના નખ મોઢેથી ખોતરવાની આદત, દર કલાકે થોડા ઊંડા શ્વાસ લઈને પાછો થોથામાં ખોવાઈ જતો સિદ્ધાર્થ અને તેની આ બધી આદતો મનસ્વીને તેના પર વધારે વહાલ ઉપજાવતી. જ્યારે પણ તે પેપર સોલ્વ કરવા સિદ્ધાર્થની નજીક જતી ત્યારે તેના ધબકારા વધી જતા અને શ્વાસોચ્છવાસ બમણા થઇ જતા. મનસ્વી મનોમન નક્કી કરીને બેઠી હતી કે જો તેના છેલ્લા શ્વાસ પર કોઈનું નામ હશે તો તે સિદ્ધાર્થ ત્રિવેદી જ હશે!

મિતાલીની મહેરબાનીથી મનસ્વી જોડે સિદ્ધાર્થના ઘરનો નંબર હતો. પોતે જાણી જોઈને કોઇક્ને કોઇક બહાને આંતરે દિવસે તેને ફોન કરતી અને સિદ્ધાર્થના મોઢેથી બોલાતું કે, “હેલ્લો મનસ્વી, બોલ શું કામ હતું?” અને સિદ્ધાર્થના મોઢે બોલાયેલું પોતાનું નામ કલાકો સુધી તેના મનમાં ગુંજ્યા કરતું. સિદ્ધાર્થના પિતા વડોદરાના નામી બિઝનેસમેન હતા. સ્કોલર હોવાના લીધે મનસ્વીને સિદ્ધાર્થના ઘરે સારું માન પાન મળતું હતું, જ્યારે મિતાલી સિદ્ધાર્થ કરતા વધારે સમય તેની મમ્મી સાથે વિતાવતી હતી. મનસ્વીને ઘણીવાર આ અજુગતું લાગતું પણ તે જાણી જોઈને આ તરફ કોઈ લક્ષ્ય નહોતી આપતી.

મનસ્વી સ્વભાવે ગંભીર અને અંતર્મુખી હતી જ્યારે મિતાલી અતિશય ચુલબુલી. પૂરા બે વર્ષ વીતી ગયા હતા. ટ્વેલ્થ બોર્ડની પરીક્ષા પણ પતી ગયેલી હતી છતાં હજુ સિદ્ધાર્થ માટેની પોતાની લાગણી મનસ્વી તેને જણાવી શકી નહોતી. જ્યારે બીજી બાજુ સિદ્ધાર્થને મિતાલીની બિન્દાસ મશ્કરી અને મજાક વધતા જતા હતા. મિતાલીની સાથે સિદ્ધાર્થના મમ્મી પણ જાણે ઘરની સભ્ય હોય તેવો જ વ્યવહાર કરતા. આ બધુ મનસ્વીને ક્યાંક ને ક્યાંક ખટકવા લાગ્યું હતું પણ મિતાલી કહેતી કે રિઝલ્ટ આવી ગયા પછી એ પોતે જ સિધ્ધાર્થ અને તેની લાગણીથી વાકેફ કરશે.

મનસ્વી રીઝલ્ટ કરતા પોતાના સિદ્ધાર્થ સાથેના ભવિષ્યના સપનાઓ વધારે જોતી. તેને વિશ્વાસ હતો કે મિતાલી નો સાથ લઈને પોતે સિદ્ધાર્થ સાથેના સંબંધને વધારે ગાઢ કરી નવું નામ આપી શકશે. આખરે એ દિવસ પણ આવી ગયો. આ વખતે પણ મનસ્વી એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું. વડોદરા શહેરના લગભગ દરેક સામયિક અને ન્યૂઝપેપરમાં મનસ્વીનું નામ મોટા અક્ષરોમાં ઝળહળી રહ્યું હતું. તે દિવસની સાંજે ટ્યુશન ક્લાસની બહાર સિદ્ધાર્થે ઉચ્ચ અભ્યાસ માટે બેંગલોર જવાની વાત કરેલી. જાણે કે મનસ્વી ત્યાં જ રડી પડે તેવી હાલત એની થઈ ગઈ હતી. એ દિવસે તો સિદ્ધાર્થના દૂર જવાના વિચાર માત્રથી તે ભાંગી પડી હતી પણ પછી પોતે નક્કી કરીને બેઠી હતી કે હવે જાતે જ તે સિદ્ધાર્થને પોતાના પ્રેમથી વાકેફ કરશે. તે જાણતી હતી કે પોતે ફેસ ટુ ફેસ કશુંજ નહીં કહી શકે, તેથી તો તેણે પોતાની બધી જ લાગણી વિશે, પ્રથમ દ્રષ્ટિના આવેગ વિશે, સિદ્ધાર્થ દરેક નાની નાની વાતો કે જે પોતાને ગમે છે તેના વિશે લેટર લખીને સિદ્ધાર્થને આપશે. તે જ દિવસે, તે જ રાત્રે, પૂરા બે વર્ષના એ બધા જ દિવસો, એ બધી જ ક્ષણો, એ બધી જ નાની-મોટી મુલાકાતો વિશે માંડીને લખવાની શરૂઆત કરી. જાણે કે પેન અટકવાનું નામ જ નહોતી લેતી. પ્રથમ નજરના પ્રેમની કોઈ વસ્તુનો બાધ નથી નડતો. પહેલા દિવસની પહેલી દ્રષ્ટિએ ચૂકેલા લાગણીના ધબકારથી લઇને પત્ર લખવાની ક્ષણ સુધીની બધી જ પોતાની ભાવનાઓને તેણે વિગતવાર લખી, અને લખ્યા પછી પણ વારંવાર તેને વાંચી. જેટલી વાર વાંચતી તેટલી વાર ગળું સુકાઈ જતું હોય તેમ લાગતું. દરેક વાક્ય વાંચતી વખતે તેને સિદ્ધાર્થ નો ચહેરો જાણે કે આબેહૂબ સામે જ દેખાતો.

વાંચતા વાંચતા ક્યારેક તો સિદ્ધાર્થ શું જવાબ આપશે, કેવું હશે વર્તન કરશે એના વિચારોમાં એટલી ઊંડી ઊતરી જતી કે પોતે ક્યાં બેઠી છે અને શું કરી રહી છે એનું પણ તેને ભાન નહોતું રહેતું. વારે ઘડીએ ઉભી થઈ ને અરીસામાં પોતાની જાત ને નિહાળ્યા કરતી. શું પહેરીશ તો સિદ્ધાર્થને ગમીશ? કેવા વાળ રાખીશ તો એને વધારે સારી લાગીશ? આવા કંઈ કેટલાય હજારો સવાલો તેના મગજમાં ઘૂમરાયા કરતા. લેટર લખતા તો લખી નાખેલો પણ કોણ જાણે કે કદાચ સિદ્ધાર્થ ના પાડશે તો પોતે શું કરશે એ વિચાર માત્રથી તેના પગ અટકી જતા.

મનસ્વીને મિતાલી એ કહેલા શબ્દો પર આંધળો ભરોસો હતો. અને એટલે જ પોતાનો એ લેટર સૌ પહેલા તે મિતાલીને વંચાવવા માંગતી હતી. પણ કોણ જાણે કેમ કંઈ ખટકતું હોય તેવું લાગ્યા કરતું. તે જ્યારે જ્યારે સિદ્ધાર્થ અને મિતાલીને એક સાથે જોતી ત્યારે કંઈક વિચિત્ર લાગણીનો અહેસાસ થતો. નાની નાની વાતમાં મિતાલીનો હાથ પકડી લેતો સિદ્ધાર્થ, પોતાના ઘરે કે ક્લાસમાં સમય કરતાં સહેજ મોડી પડેલી મિતાલી ને જોઇને એકદમ વિહ્વળ બનેલો સિદ્ધાર્થ પોતાને બહુ અલગ લાગતો. પણ ફરી ફરીને મિતાલી પર ભરોસો કરવા માટે મન મનાવ્યા કરતી. પોતે જ પોતાને સમજાવતી કે તે નકામી શંકા કરે છે. જો એવું કંઈક હોત તો મિતાલીએ પોતાને તો ચોક્કસ જણાવ્યું જ હોત. અને બીજી જ મિનિટે મિતાલી પર વિશ્વાસ મૂકી તે તેની પાસે લેટર લઈને દોડી ગઈ.

* * *

સિદ્ધાર્થ વડોદરામાં બહુ મોટા બિઝનેસમેનનો એકનું એક સંતાન હતો. તેના પિતાનો ડાયમન્ડ બિઝનેસ હવે જે તે શહેર પૂરતો સીમિત ન રહેતાં અલગ અલગ રાજ્યોમાં વિસ્તર્યો હતો. શહેરના અને બીજા રાજ્યોના અગ્રણી બિઝનેસમેનોની પાર્ટીઓમાં તેના પિતાને હંમેશાં આમંત્રણ રહેતું જે સમયાંતરે છાપાઓની સુર્ખીઓ બનીને છપાતું. શહેરના બહુ મોટા બિઝનેસમેનના એકના એક વારસ તરીકે સિદ્ધાર્થનું નામ પણ એટલું જ જાણીતું હતું. જાહોજલાલીમાં જીવતો સિદ્ધાર્થ હકીકતે આ બધાથી અલગ એકદમ શાંત અને સૌમ્ય હતો. આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ તેના મિત્રો હતા જેમાં મિતાલી અને મનસ્વીનો પણ તેના ખાસ મિત્રોમાં સમાવેશ થતો હતો. તેની ઈચ્છા હતી બેંગ્લોર જઈને કમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાની. એ ધારત તો અહીંની કોઈ પણ કોલેજમાં આસાનીથી બની શકે તેટલી તેના પિતાની લાગવગ હતી પણ સિદ્ધાર્થની ઈચ્છા ખાતર તેમણે બેંગ્લોર જવાની સંમતિ આપેલી. બેંગ્લોર જવાના બે દિવસ પહેલા તેના ઘરે અતિ વિશાળ હોલમાં બહુ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધાર્થ અને મિત્રો કરતાં તેના પિતાના બિઝ્નેસ સંબંધી લોકો વધારે હતા. આ બધાની વચ્ચે મનસ્વીને ઘણું અતડું લાગતું કે જે લાઈટ બ્લ્યુ વેલવેટ ગાઉનમાં સાચે જ પરી જેવો સાજ સજીને આવી હતી. તે થોડો સમય સિદ્ધાર્થ સાથે અને થોડો સિદ્ધાર્થની મમ્મી સાથે વિતાવતી. વચ્ચે વચ્ચે થોડી થોડી વારે તે મિતાલી સામે જોઈ લેતી. મિતાલી તો પાર્ટીમાં એવી રીતે ફરતી હતી જાણે આ ઘર સાથે તેને વર્ષો જૂના સંબંધો હોય સિદ્ધાર્થની નજર પણ મિતાલી પર અટકી ગઈ હોય તેવુ એને ઘણીવાર લાગ્યું.

કંઇક અધુરૂ પરંતુ શંકાસ્પદ લાગતા મનસ્વી ત્યાંથી ચાલી નીકળી. કોણ જાણે કેમ તે રાતની પાર્ટીની રોનક જોતા પોતે સિદ્ધાર્થ સામે કંઈ જ ન બોલી શકી. પણ મનોમન તેને મિતાલી માટે ઘણા સવાલો ઊભા થઈ ગયા. આખી રાત તેણે અવઢવમાં કાઢી. તે મિતાલી ને મળીને ઘણી મૂંઝવણ દૂર કરવા માગતી હતી. કંઈ કેટલાય સવાલો એવા હતા જેનું નિરાકરણ માત્ર મિતાલી જ લાવી શકે તેમ હતી. અને એટલે જ પોતે મનમાં ચાલતા દ્વન્દ્વ સામે માનીને હાર માનીને મિતાલી પાસે દોડી ગઈ. મનસ્વીને જોતાં વ્હેંત મિતાલીએ વગર પૂછ્યે કહ્યું,

“તારા દરેક સવાલોનો જવાબ આજે તને મળી જશે.”

“આજની સાંજ તારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે.”

“અને તારો લેટર હું આજે જ સિદ્ધાર્થ સુધી પહોંચાડી દઈશ.”

“બસ આજ સાંજ પછી તું કંઈક અલગ હોઈશ.”

“મને કોઈજ સવાલો ના કર મનસ્વી. આજે સાંજે આઠ વાગે આપણે ત્રણેય હોટલ બ્લુ લગૂનમાં મળીશું અને ત્યાંથીજ તને તારી સાચી જગ્યા મળી જશે.”

આ બધું મિતાલી એકદમ બિન્દાસ, પોતાની મસ્તીમાં અને કંઇક વધારે પડતા આવેશમાં બોલી ગઈ. બસ આટલું કહ્યા પછી તે મનસ્વીને વળગી પડી. મિતાલીની આ ચેષ્ટાએ તેના શબ્દો પર ભરોસો લાવી દીધો. અનાયાસે જ મનસ્વીના મનમાં ઉદ્ભવેલી મૂંઝવણ અને હજારો સવાલો જાણે અદ્રશ્ય થઈ ગયા અને સાચે જ સિદ્ધાર્થ તેની હકીકત બની ગયો હોય એવી તે ખુશ થઇ ગઈ.

પોતે ખરેખર આટલી ખુશ પહેલા ક્યારેય નહોતી થઇ. સિદ્ધાર્થ તેના માટે તેની જિંદગી કરતા પણ વધારે મહત્વનો બની ગયો હતો. તેના દરેક વિચારો અને દરેક સપનાઓ સિદ્ધાર્થની આસપાસ વીંટળાયેલા હતા. અને તે સિદ્ધાર્થની સાથેની એ સાંજની કલ્પનાઓમાં ખોવાઈ ગઈ. સિદ્ધાર્થ સાથે સમય ભુલાવી કલાકો સુધી વાતો કરવી, તેની માંજરી આંખોમાં પોતાનું પ્રતિબિંબ કલાકો સુધી જોયા કરવું, તેની સાથે ડેટ પર જવાથી માંડીને હનીમૂન સુધીના સ્થળોની કલ્પનામાં એ જાણે ખોવાઈ ગઈ. કલ્પનામાં તો એ એવી ઊંડી ઉતરી ગયેલી કે સિદ્ધાર્થ ની હાજરી વગર પણ તેના સ્પર્શના માત્ર વિચારથી રોમાંચિત થઈ જતી અને તેના ધબકારા વધી જતા. માંડ માંડ હકીકતમાં આવીને પુરા બે કલાકે સાદો પણ એક નજરે ગમી જાય તેવો ડ્રેસ પહેરીને મનસ્વી નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગઈ.

હોટેલ બ્લુ લગૂનનું બેકયાર્ડ જે સામાન્ય રીતે કપલ્સના સ્પેશિયલ ડે ને વધારે સ્પેશિયલ બનાવવા માટે વપરાતું હતું ત્યાં મિતાલીએ કંઈક વધારે પડતી જ અરેન્જમેન્ટ કરાવેલી. હોટેલમાં પ્રવેશતાં જ એ જેમ કહ્યું હતું તે પ્રમાણે પોતે સીધી રિસેપશનિસ્ટ પાસે પહોંચી મિતાલી રાવલ ના નામે ફ્રી બુક થયેલા ટેબલ વિશે પૂછપરછ કરી અને રિસેપશનિસ્ટની સુચના મુજબ બેકયાર્ડ તરફ ચાલવા લાગી. ત્યાંથી આવતી મંદ મંદ હવા અને અલગ પ્રકારની ખુશ્બુથી તે વધારે પડતી રોમાંચિત થઈ ગઈ. આવી જ એક નહીં પણ અનેક સાંજ પોતે સિદ્ધાર્થ જોડે વિતાવવા માંગતી હતી. આ બધું જ હકીકતરુપે તેની સામે થોડી જ ક્ષણોમાં આવવાનું હતું. એક અલગ પ્રકારના સ્મિત સાથે તે આગળ વધતી રહી પણ અચાનક તેના પગ થંભી ગયા. જાણે પોતે જોયેલા દ્રશ્ય પર વિશ્વાસ ન થતો હોય અને ખાતરી કરવા માગતી હોય તેમ સજ્જડ બનીને એક દિશામાં સ્થિર થઇ ને તાકી રહી. બેકયાર્ડના સાવ છેલ્લા ખૂણાના ખૂબ જ નાના સ્ટેજ પર આખા ટેબલને લાલ ગુલાબ અને કેંડલ્સથી સજાવેલો હતો. ટેબલ નીચે ના સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ પાથરેલી હતી. જાણે થોડી વાર પહેલા છાંટાએલા અત્તરથી આખું બેકયાર્ડ મહેકતું હતું. ગોલ્ડન કલર ના બેકલેસ ગાઉનમાં મિતાલી કંઈક વધારે જ માદક અને થ્રિ-પીસ સૂટ માં સજ્જ સિદ્ધાર્થ વધારે પડતો જ સોહામણો લાગતો હતો. સિદ્ધાર્થ નો એક હાથ મિતાલીની કમર પર વીંટળાયેલો હતો અને બીજો હાથ તેની પીઠથી કમર સુધી પ્રસરતો હતો. મિતાલી પોતાનું માથું સિદ્ધાર્થની છાતી પર મૂકીને ઊભેલી. બંને વચ્ચે જાણે કે કોઈ જ નહોતું રહ્યું. ખૂબ ધીમા સંગીતના તાલે બેઉ ના પગ લયબદ્ધ રીતે ચાલતા હતા. થોડી જ ક્ષણોમાં મીતાલી અને સિદ્ધાર્થના હોઠ અને શ્વાસોચ્છવાસ વચ્ચે નહિવત અંતર રહેલું. આનાથી આગળ મનસ્વી કંઈ પણ કલ્પી શકે કે જોઈ શકે તેમ નહોતી. જાણે વીજળી પડી હોય તેમ સ્તબ્ધ થઈ ગયેલી. તેના હાથ અને પગ એકદમ જ પાણી પાણી થવા લાગ્યા જાણે કે તે ત્યાં જ મૂર્છિત થઇ જશે તેવી સ્થિતિમાં તે આવી ગઈ. આવી અસહ્ય હાલતમાં શું કરવું તેની સૂઝબૂઝ તે ખોઇ બેઠી હતી. મિતાલીએ તેને ખરેખર શેના માટે ત્યાં બોલાવેલી તે જ તેને સમજ નહોતું આવતું. તેના માટે સિદ્ધાર્થની બાહોમાં કોઈ બીજાને જોવું અસહ્ય હતું. પણ અહીં તો કોઈ બીજું નહીં મિતાલી જ હતી જે ખરેખર તેના માટે વજ્રાઘાત સમાન હતું. બીજું કંઇ સમજમાં ન આવતા તે ત્યાંથી પાછી નીકળી ગઈ.

***

સિદ્ધાર્થ પણ કદાચ બેંગ્લોર જવા નીકળી ચૂક્યો હતો. મનસ્વીના દિવસો ખૂબ અસમંજસમાં વીતવા લાગ્યા. પોતે હોટેલથી નીકળીને બહુ મોટી ભૂલ કરી હોય તેવું તેને લાગ્યું. હજી સુધી તેણે મિતાલી ને ફોન નહોતો કર્યો કે ના તો મિતાલીનો તેના પર ફોન આવેલો. દરેક પળે મનસ્વી જાણે ડિપ્રેશનમાં ધકેલાઇ જતી હતી. પોતાની જાતને મિતાલી સામે ખુલ્લી કિતાબની જેમ રાખી હતી. દરેક સંજોગો કે સ્થિતિમાં પોતે શું કરશે કેવી રીતે વર્તશે તેનો અંદાજ મિતાલી આસાનીથી લગાવી શકે તે હદે તેની સામે મનસ્વી ખુલ્લી હતી. પોતાના મનમાં ઉદ્ભવેલા કંઈ કેટલાય સવાલો તેની આંખ સામે તરવરવા લાગ્યાં હતાં. હવે કશું જ જાણવા જેવું બાકી નહોતું છતાં પોતાની સગી આંખે જોયેલા દ્રશ્યને માનવા તેનું દિલ તૈયાર નહોતું. આખરે એવો તો કેવો ડંખ મિતાલી એ તેને માર્યો? ઘણી હિંમત ભેગી કર્યા પછી પોતાની જાતને એ જાણે માંડ ખેંચતી હોય તે રીતે તે મિતાલી સામે ગઈ. મનસ્વીની સૂજેલી આંખો, આંખ નીચેના કાળા કુંડાળા, ઉતરી ગયેલા ગાલ જાણે તેની વિખરાયેલી હાલતની ચાડી ખાતા હતા જે મિતાલી જોતાવેંત સમજી ગયેલી. પણ જાણે બધું જ નજર-અંદાજ કરતી હોય મનસ્વીની હાલત પર તેણે હસી નાખ્યું અને તે બોલે એ પહેલાં જ કહ્યું,

“આ લે મનસ્વી તારો લેટર, જે હવે કંઈ જ કામનો નથી. તે સંસ્કાર હાઈસ્કૂલમાં આવીને મારી શાન, મારુ ઘમંડ મારી પાસેથી છીનવી લીધું. સંસ્કાર મંદિરના ઈતિહાસમાં ભલે તારું સ્થાન કાયમી રહે પણ હું જ્યાં છું ત્યાં કદાચ તું ક્યારે નહીં પહોંચી શકે. ખૂબ જ થોડા વર્ષોમાં આ શહેર આ રાજ્યના નામી બિઝનેસમેનની પુત્રવધુ તરીકે હું કાયમ રાજ કરીશ. તારા કરતા મારી શાન અનેક ગણી અને આજીવન ઉંચી રહેશે. હું ક્યારે મારી જાતને પાછળ નથી જોઈ શકતી, હું અવ્વલ રહેતી હતી અને હવે કાયમ અવ્વલ જ રહીશ.”

“તે સંસ્કારમાં આવીને ભલે મારું સ્થાન અને મારો ક્રમ છીનવી લીધો, પણ સિદ્ધાર્થ!! એ તો હું ક્યારેય ના થવા દેત. તેને જોતાં મને પણ એ ગમવા લાગેલો પણ જ્યારે તે મને જણાવ્યુ તારી લાગણી વિશે ત્યારે જ મેં નક્કી કરેલું કે આમાં તો તું બિલકુલ ના હોવી જોઈએ. મારી દરેક વસ્તુ પર મનસ્વી શાહનું નામ બિલકુલ નહીં ચલાવી લઉં. એ નામ સંસ્કાર હાઈસ્કૂલ સુધી સીમિત રહેશે. આવતા સમયમાં હું વર્ષો સુધી ન્યૂઝ પેપરની સુરખી બનીને છપાયા કરીશ. અને તે દરેક વખતે મારી શાન, વગ અને ઈજ્જતના પડછાયા તારી પર પડ્યા કરશે.”

“મનસ્વી, હેવ એ હેપ્પી લાઈફ અહેડ!!”

મનસ્વીની હાલત વધારે પડતી દયનીય બની ગયેલી. કયો આઘાત વધારે અસહ્ય હતો તે જ પોતે નહોતી સમજી શકતી. મિતાલીના ચહેરા પાછળનો ચહેરો કે પછી સિદ્ધાર્થને હંમેશ માટે ગુમાવ્યાનું દુઃખ? પોતે થોડાક જ મહિનાઓમાં વડોદરા છોડીને કાયમ માટે અમદાવાદ આવી ગઈ. તે દિવસ પછી પોતે પહેલાની જેમ ક્યારેય પણ રેન્કર નહોતી બની શકી.

આ બનાવને પુરા પાંચ વર્ષ વીતી ગયા હતા. પરંતુ હજુ સુધી જુના જખમ સૂકાયા નહોતા. સમયાંતરે છાપા મેગેઝીન અને સોશ્યિલ મીડિયા પર સિદ્ધાર્થની પ્રેમિકાના ફોટા ઘણી વાર તેની સામે આવ્યા દરેક વખતે એ ચહેરો એ હાસ્ય અને એ હાસ્ય પાછળનું તેનું છળ તેને તીરની જેમ વાગ્યા કરતું. આજે મિતાલી કાયમ માટે સિદ્ધાર્થની થઈ ગઈ હતી. જેના માટે પોતે આજે પણ પાગલ છે એ વ્યક્તિને દરેક શ્વાસ પર મિતાલીએ પોતાનું નામ હંમેશને માટે લખી નાખ્યું. કેટલાય કલાકો સુધી તેણે સિદ્ધાર્થ-મિતાલીના લગ્નની એ તસવીર જોઈ રાખી. હજી તો આવી ઘણી બધી ક્ષણો આવવાની હતી. ભવિષ્યમાં પણ સોશ્યિલ મીડિયા, છાપાઓ, સામયિકો અને બીજી ઘણી બધી જગ્યાએ સિદ્ધાર્થ અને મિતાલીના ફોટા આવશે અને એ દરેક ક્ષણ અસહ્ય પીડા લઈને આવશે જે પોતાના અધૂરા અને ક્ષત-વિક્ષત થઇ ગયેલા સપનાઓની ચાડી ખાશે. મિતાલીના ચહેરા પાછળના ચહેરા એ મનસ્વીને એ હદે બદલી નાખી કે કદાચ હવે તે કોઈ જ ચહેરા પર ભરોસો નહીં મૂકી શકે. મિતાલી ત્રિવેદી જે ઝડપથી ઉભરતું નામ બની રહી હતી તેટલીજ ઝડપથી મનસ્વી શાહ ભુલાઈ જતી હતી. ખબર નહોતી કે તેનું ભવિષ્ય શું લઈને આવશે પણ એ વાત ચોક્કસ હતી કે તેમાં આવી અસંખ્ય દર્દ ભરી ક્ષણો હશે. ફરીથી સિદ્ધાર્થના ફોટા પર આંગળીઓ ફેરવી મનસ્વી ચોધાર આંસુએ રડી પડી અને ફરી એક ગમગીન સાંજ પસાર થઈ ગઈ...!


(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Romance