Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

મેર જેતમાલ

મેર જેતમાલ

4 mins
465


આજે આસો સુદ નોમનો દિવસ છે.

પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવેલા ગુલાલનો શણગાર તેમનાં હેતાળ હૈયાં ઉપર તથા પહોળી પરાક્રમી પીઠ ઉપર માતાની પ્રસાદીરૂપે શોભી રહ્યો છે. રબારીનો બચ્ચો શેાણિતવર્ણા આ શણગારને મહામૂલ્યવાન માની મહિનાના મહિના સાચવે છે. જોનારને આ શણગાર ઘાયલ રણસૈનિકોની ભ્રાંતિ કરાવે છે. બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભૂવાકેડામાં આજે મેદની માતી નથી.

એટલામાં પોતાનું પવિત્ર અને વહાલું 'સરજુ'નું સંગીત ગાતી સેંકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી. સાંભળનારને તો એ ગાનમાં માત્ર 'હા – હે – હૂ-હે'નો લાંબો રાગડો જ લાગે છે; ને એ બોલનાર જંગલી છે એટલો જ ભાસ થાય છે; પણ તેમ નથી. 'હા –હે – હૂ– હે ' એ સૂરોમાં પોતાના ઈષ્ટદેવની 'સરજુઓ' રબારી લોકોએ સાચવેલી છે. સરજુઓ એ સ્તવનકાવ્યો છે, ને વેદમંત્રોની પેઠે અનધિકારીઓથી ગુપ્ત રાખવા માટે તેમાં 'હા – હે – હૂ-હે' એવા સ્વરોની પૂરણી કરેલી છે. એ સરજુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં 'માતાની પીંછી'[મોરનાં પીંછાની ઝૂડી ] ઝાલેલી હતી, શ્રી કૃષ્ણ શિરે ધરાવેલ એ મયૂરપિચ્છ તે માતાની વહાલામાં વહાલી વસ્તુ છે એમ રબારીઓ માને છે.

હાથમાં કડિયાળી ડાંગોવાળા, કદાવર રબારીઓ સરજુઓ ગાતા ગાતા મઢની બહાર ડાબી બાજુએ ખોડેલા એક પાળિયા પાસે આવ્યા, સિંદૂરે અર્ચેલા એ પાળિયાને શિરે તેમણે માતાની પીંછી અડાડી, ત્યાં ઊભા રહી કેટલીય વાર લાંબે રાગે સરજુઓ લલકારી, કેમ જાણે તેઓ પાળિયાનાં યશેાગાન ગાતા હોય, આમ કરવાનું મેં કારણ પૂછતાં તેમણે કહ્યું :

આજથી આશરે ૧પ૦ વર્ષ ઉપર આ બળેજમાં આલા મેરનો દીકરો જેતમાલ થઈ ગયો. તેનો આ પાળિયો છે. એ જેતમાલ કદે પાંચ હાથ પૂરો : એના ખભા જાણે પાડાની કાંધ : શી એની જુવાની ને શી એની ભલાઈ ! શુરવીરતા તો જાણે એના બાપની ! ઘરનો પણ સુખિયો : મોટો માલધારી : એણે દેવળિયામાં નેસ નાખેલો, અને ત્યાં પોતાનો માલ તથા સગાંસંબંધી રહે. એક વાર બાબીની ગિસ્તે આવીને બળેજનાં ઢોર વાળ્યાં. જેતમાલ બેઠો બેઠો રોટલો ખાતો હતો, ત્યાં સુદાખડા મીરે આવી કહ્યું :

સીમાડે સાવજ તણે, બાકરથી કેમ બેસાય ?

જોતાં જોણ કે'વાય, અચરત આલણરાઉત !

તારા જેવા સિંહને સીમાડે બકરા જેવા બાબીથી કેમ બેસી શકાય? હે આલણનાં સુત જેતા, તું જેવો ભડ બેઠો છતાં જો ગિસ્ત ઢોર હાંકી જશે, તો તુંમાં જોણ કહેવાશે.

ખાવું પડ્યું મૂકી જોગમાયાની જીભ જેવી વિકરાળ તલવાર તાણી, ઘોડીએ ચડી, જેતમાલ પોતાના સાથીઓ સાથે ગિસ્ત પાછળ દોડ્યો. શત્રુઓને પકડી પાડ્યા, અને કાઠાની કદાવર કણબણ દાતરડે કણસલાં કાપે તેમ ગિસ્તને કાપવા લાગ્યા.

ગિસ્તના ભાડૂતી સિપાઈઓ મરદ મેરોની ઝીક ક્યાં લગી ઝીલે ? સિપાઈઓ ઘવાણા ને ઝોળીમાં પડી ટપકતે લોહીએ ઘર ભેગા થયા. એમ પરિયાંને અમરતાનું પાણી પાઈ જેતો ક્ષેમકુશળ ઘેર આવ્યો.

એક બીજો પ્રસંગ : બાલોચ કોટડા તરફ જે સંધી વસતા, તેમને કાંઈક કારણે રબારીઓ સાથે વેર બંધાયેલું. એ વેર વાળવાને મનસૂબે મદોન્મત્ત પંદર સંધીઓ માતાનો મઢ લૂંટવા ભૂવાકેડે આવ્યા. મઢમાં પેસવા જાય છે ત્યાં

એક ઘરડા રબારીએ તેમને ટપાર્યા, પણ ત્યાં તો તેમણે

પોતાનું પોત પ્રકાશ્યું. વૃદ્ધ રબારીને તરવાર મારી ધૂળ ચાટતો કર્યો.

ભૂવો બહારગામ ગયેલા અને પુરુષવર્ગ સીમમાં ગયેલો. ઘેર હતાં માત્ર બૈરાં-છોકરાં. તેમણે રોકકળ અને બૂમાબૂમ કરવા માંડી. પાસેને રસ્તે ચાલ્યા જતા જેતમાલે એ બૂમો સાંભળી. દોડીને તે ભૂવાકેડામાં આવ્યા. જુએ છે તો માતાના પવિત્ર મઢમાં સંધીઓ ઘૂસેલા ને એક રબારી બહાર ઘાયલ પડેલો.

મામલો જોતાં જ જેતાની આંખ ફાટી. કાળી નાગણના જેવી તલવાર તાણી તે સંધીઓ ઉપર તૂટી પડ્યો. “લેજે મમાઈ !” કહેતો જાય ને એક ઘા ને બે કટકા કરતો જાય. જેને જેતાનો એક ઝાટકો લાગે તે સંધી ફરી શિખામણ ન માગે. એ ધીંગાણામાં એણે બાર જણાને લાંબા તાર કર્યા, પણ છેલ્લા ત્રણ સંધીઓ મરણિયા થઈ જેતા ઉપર ધસ્યા ને આ ઠેકાણે એ મરદ મેરનું માથું નોખું કરી એ લોકો નાઠા. ભાઈ ! એ જોરાવર જેતાની આ અમારે ખાંભી છે. માતાનો મઢ સાચવવા એ ભડે પ્રાણ આપેલા છે. એથી જ અમે એને માથે માતાજીની પવિત્ર પીંછી અડાડીને એને આશીર્વાદ આપીએ છીએ.

મઢ મેલી માતા તણો, જો તું જેતા જાત,

તે સ્ત્રવખંડ ચે'રો થાત, સૂરજ ઊગત નૈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics