Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Inspirational Tragedy

2.5  

Medha Antani

Inspirational Tragedy

ઘડીની નફ્ફટાઈ...

ઘડીની નફ્ફટાઈ...

4 mins
14.1K


"હેલ્લો... મોટો બોલું. બાને તારે ત્યાં આવવાની બહુ ઈચ્છા છે. કેટલાય દિવસથી રટ લીધી છે કે વચલાને ત્યાં પ્રસંગ હોય ને હું અહીં બેસી રહું એ સારું નહીં. તે, પ્રદીપને રાજકોટ બાજુ કામ છે એની સાથે, બાની પરમ દિ'ની ટીકીટ કઢાવી છે. સથવારો હોય તો બાની તબિયતને લઈને ચિંતા ન રહે. બપોરે રાજકોટ ઊતરશે. બસસ્ટોપે ટાઈમસર પહોંચી જાજે. અમે સહકુટુંબ પ્રસંગના એક બે દિ' અગાઉથી પધારશું. અત્યારે તો એકલાં બા જ આવશે. બાકી કેમ ? કંઈ કામકાજ હોય તો કહેજે... જે શી ક્રષ્ણ!"

"પણ મોટાભાઈ, બાને..." વિનુભાઈ વધુ બોલે એ પહેલાં તો ફોન મૂકાઈ ગયો. વિનુભાઈએ ડ્રોઈંગરૂમમાં બેઠેલા સહુ તરફ નજર ફેરવી અને સહુ પરિવારજનો એમની તરફ એકટક જોઈ રહ્યાં.

"બા આવવાના લાગે છે." ચહેરો કળીને વાત પામી જવામાં બધી પત્નિઓ હોંંશિયાર હોય જ. કંચનબેન તો સવાયા પાછા. નિશાન પર જ તીર ચલાવ્યું.

"હા... મોટાભાઈ પરમ દિવસે પ્રદીપ સાથે વેરાવળથી બેસાડી દેશે. બાને દસેક દિવસ વહેલા આવવું છે. મોટા ભાઈ પણ ખરા છે. બાને ચારસો જેટલું ડાયાબિટીસ રહે છે. બીપી ને કિડનીના ય લોચા તો છે જ. તબીયત કથળેલી છે. અહીં લગનવાળા ઘરમાં એમનું ધ્યાન રાખીએ કે બાકીના કામોનું ? લગન ઉકલી જાય પછી પાછળથી શાંતિથી રહેવાનું સમજાવ્યું હોત તો ?" હતો ઠાલો બબડાટ, પણ બધા સાંભળી શકે એવો.

થોડું અટકી, કંચનબેન સાથે આંખોથી મસલત કરી, સામે બેઠેલ નાના ભાઈને સંબોધીને બોલ્યા..: "જો દિનુ... તું તો જાણે જ છે ને..! કેટલાય ટેન્શન છે આ લગનને લઈ ને. ઘરમાં મહેમાનો, ઢગલો સામાન, કેટલાય પથારા પડ્યા છે. બાનું આવી હાલતમાં મારે ત્યાં રોકાણ કરાવવું એટલે એક અલગ જવાબદારી થઈ જાય. તે.. હું શું કહું છું... તું બાને તારે ત્યાં લઈ જા. તારે તો ટેનામેન્ટ છે તે બાને મોકળાશ રહેશે. સાંજે સાંજે ફળીયે બેસે તો એમનો ય સમય પસાર થશે કંઈક. ને અમારેય અહીં કામમાં નડ..." આગળ વધુ ચર્ચા થાય એ પહેલાં જ દિનકરે વાત અટકાવી: "વિનુભાઈ ! બા મારે ત્યાં જ રહેશે. અમને વાંધો નહીં આવે."

કંચનબેને લાગ જોઈ પુષ્પાને સાધી : "ખોટું શું? હું તો જે છે એ જ કહીશ. આમેય ત્રણેય ભાઈઓમાં બાએ પેટ કાપીને તો દિનુભાઈને જ ભણાવીને સાહેબ બનાવ્યા ને. તો તમારી તો વધુ ફરજ બને. કરવું જ જોઇએ ને એટલું. અને પુષ્પા, બાને તારી સેવા વધુ ફાવશે. સારું જ છે ને ! સાસુની સેવા કરવાનો ને આશીર્વાદનો મોકો મળશે. હું તો હજાર પસારા લઈને બેઠી છું. એટલે બા તરફ ધ્યાન આપવાનું હમણાં તો મારાથી નહીં બને. બાની તબિયતની ઊથલપાથલની તો આપણને ખબર જ છે."

પુષ્પા જેઠાણીને રગરગથી જાણતી હતી. પ્રેમથી હસીને બોલી, "ભાભી તમે ઊપાધિ ન કરો. લગનના કામોમાં ધ્યાન આપો. બાકીનું હું ને તમારા દિયર પહોંચી વળશું. રીના અને ભાવેશકુમારને કોઈ કમી ન લાગવી જોઈએ... એ અમારાં ય બા છે જ ને. બાને ટાઈમ સર ઊતારી લેશું. અને બન્ને ઘેર જવા ઊઠ્યાં.

વિનુભાઈની દિકરી રીનાના લગ્નપ્રસંગને આડે માંડ અઢારેક દિવસ હતા. બાની હાલત વિશે બધાંને અંદાજ અને અશુભ અંદેશો હતાં જ. પણ મોઢામોઢ અવળવાણી ઉચ્ચારીને કાળી જીભનું કોણ થાય?

થવાકાળ થયું પણ એવું જ. દિનકરને ઘેર આવ્યાના ત્રીજા જ દિવસે બા એ વિદાય લીધી. લગ્નમાં મહાલવા આવવાવાળા મહેમાનો ધોળે કપડે મોઢે થાવા, દિનકરને ત્યાં ધામા નાખવા આવી ગયા. બધો વ્યવહાર અને કામકાજ પુષ્પાના ખભે આવી પડ્યાં. વળી, લીધેલાં લગ્ન હવે મોકૂફ રખાય એમ પણ નહોતાં.

બધાનાંં રસોઈપાણી, પોતાના ઘરમાં દેન પડેલું હોઈ, વિધીપૂજા, બધું પુષ્પા અને મીનુ પર આવી પડ્યાં. મીનુનેય બોર્ડ પરીક્ષા માથે ગાજતી હતી.

એકવાર હળવેથી પુષ્પાએ કંચનબેનને પૂછીય જોયું. કંચનબેને ચોખ્ખું કહી દીધું : "ના હો.મારે ત્યાં થી કોઈ નહીં આવે. રીનાનો તો સવાલ જ નથી. ખોટું શું? એ શું કામ રોકકળ જોઈને અને ઢસરડા કરીને સાસરે જાય ? અને હું તો મોટી કહેવાઉં. લોકો આવે જાય તો મારે એમની સાથે બેસવું તો પડે ને. મીનુડીય એ બહાને હાથવાટકો થતાં શીખી જાશે, હજુ પંદરની છે ત્યાં જ." પુષ્પા જોતરાતી રહી અને કંચનબેન બહાર બૈરાંઓમાં જઈ બેસી રહ્યાં તે છેક ગીતાપાઠ પછી જમીને ગયાં.

વચ્ચે મીનુ એમને ત્યાં મોટાં તપેલાં લેવા ગયેલી, તે આવીને કહેવા લાગી : "..મા ! કાકીને ત્યાં તો બે મહિના માટે રસોઈયો અને એક નોકર રાખ્યા છે. એકાદને અહીં મોકલી આપ્યા હોત તો..? ત્યાં હોવાના મહેમાનો મોટાભાગના તો અહીં છે અત્યારે. અરે ! ત્યાં તો જાણે કોઈને શોક જ નથી. રીનાદીદીને ય કોઈ અસર નથી. દાદી તો એમના પણ હતાં ને ! મા... તું અહીં લાગેલી રહે છે અને કાકી કોઈ જવાબદારી લીધા વગર બહાર મોટા ભા બની બે ઘડી બધા વચ્ચે બેસે, ફૂલફટાક વાતો કરીને રવાના થઈ જાય."

પુષ્પા ધીરેથી મીનુના ખભે હાથ મૂકીને બોલી : "..તારા કાકાકાકીએ સિફતથી લગનટાણે આવવાનું વિઘ્ન અહીં નાખી દીધું. હવે એમને શું લેવાદેવા ? તકલીફ તો આપણા જેવાઓને છે જે જવાબદારીથી મોં ય નથી ફેરવી શકતા અને નિષ્ઠાથી કરમ કરે છે. તારે ય બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ભોગ આપવો જ પડ્યો ને. નહીં તો, બા તો બન્નેના હતા ને. પણ એટલેજ, બા માટે તો જે કરીએ એ ઓછું, એવું હું ને તારા પપ્પા માનીએ છીએ.

... અને એ તો બધે એવું જ રહેવાનું બેટા.જે કરે એને છે.બાકી જે ઊલાળ કરે એને મજા જ હોવાની.નકટા થઈ ને ના જ પાડી દે ,એવાને બીજું શું હોવાનું?

"ઘડીની નફ્ફટાઈ સારે દિનકી બાદશાઈ" જ ને!?

અને પછી પુષ્પા પચીસ માણસો માટે ઊકળી રહેલી ચા તરફ વળી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational